“કચ્છડો બારે માસ ભલો..!”
ગુજરાતની પાસે અનેક સંસ્કૃતિની વિરાસત છે. તેમાં કચ્છની સંસ્કૃતિની કંઇક અલગ ભાત પડે છે. કચ્છ પાસે ભાતીગળ લોક સંસ્કૃતિ અને કરકસર ભર્યું સાહસિક જીવન છે. ભૌગોલિક દ્રષ્ટીએ ભૂપૃષ્ઠના દરેક પ્રકાર અહી જોવા મળે છે, એટલે જ એક લોકવાણી છે કે......
“શિયાળે સોરઠ ભલો,ઉનાળે ગુજરાત,
વર્ષે તો વાગડ ભલો પણ કછડો બારે માસ”
કચ્છની સંસ્કૃતિની અને લોકજીવનની વાત કરવા બેસીએ તો ખડિયામાંની શાહી પણ ઓછી પડે એવું ધબકતું જીવન, અહીની લોક સંસ્કૃતિ, પહેરવેશ, ઘરેણાની ભાતીગળ ભાત અને અહી રહેલા ખમીરવંતા પાળિયાની વાતો અખૂટ છે. તેથી કચ્છ માટે કહેવાય છે કે “
“આવર બાવર,બોરડી, ફૂલ કંઢા ને કખ:
હલ હોથલ કચ્છ્ડે જેત માળુ સવા લખ.”
અહીના ખમીરવંતા લોકોની વાત કરીએ તો લોકોએ ઘણા દુ:ખો સહન કર્યા છે. એક તો રણ પ્રદેશ એટલે સુકો ભટ્ટ વિસ્તાર સામાન્ય રીતે વિચારીએ તો રણમાં શું હોય ...!!! પણ અહીની સંસ્કૃતિને સો સો સલામ કરવા પડે, તેણે પોતાની કલા કારીગરીથી સંસ્કૃતિની આગવી છાપ વિશ્વ ફલક પર ઉભી કરી છે. એટલે જ આજે ટુરીઝમ ક્ષેત્રે કચ્છ હરણફાળ તરફ છે. કચ્છ કાર્નિવલ, રણોત્સવ એ કચ્છની સંસ્કૃતિની આગવી વિશેષતા છે.પૂર્વ કચ્છના મેળા જેવા કે , રવેચીનો મેળો, વોંધનો મેળો, સંગવારીનો મેળો વિગેરે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહીનાના વિશિષ્ટ મેળા છે. જે તમામ લોકો અને ખાસ કરીને ફોટોગ્રાફરો માટે ખુબ જ માણવાલાયક મેળા છે. આ દરેક મેળામાં તેની સંસ્કૃતિના દર્શન થાય છે. એટલેજ કચ્છ માટે કહેવાય છે કે ........
“ધોરી રસ્તા કો લાંબા ને,કો પથરાળ કો રેતાળ,
કો કંટકવન સમકંટાળા, કમ્પિત કરતાં કોક કરાળ,
કો રણ – વારી વચ્ચે વિચરંત,
ગરવી કચ્છ ધારા ગુણવંત.”
અહીની સૌથી વિશેષ હડપ્પન સંસ્કૃતિ પ્રાચીનતાનો ખ્યાલ આપે છે. અને કચ્છ માટે અવશેષો ભરેલી ભૂમિ પણ કહી શકાય ભુજ નજીક આવેલ લેર ડેમ વિસ્તારમાંથી કોચલાવાલા ગોકળગાય જેવા જીવો હાથ લાગ્યા તેને જલેબી પથ્થર કહે . હકીકતમાં તે એક જીવ નું એક કોચલું છે એવું માનવામાં આવે છે કે જીવ મરી ગયા પછી તેનામાં માટી ભરાતા તે કોચલા જેવું બની જાય છે.
કચ્છમાં શિલાલેખો પણ જોવા મળે છે. જેમ કે ઈ.સ. ૮૯ નો અંધૌનો શિલાલેખ તેમજ કચ્છ મ્યુઝિયમમાં મુકેલા ક્ષત્રપકાલીન શિલાલેખ અને વાંઢ (માંડવી) ખાવડા,મેવાસ (રાપર), દોલતપર (લખપત) વગરેના શિલાલેખો બ્રાહમની લિપીમાં જોવા મળે છે. મોટા ભાગના ક્ષત્રપકાલીન શિલાલેખો પરથી સાબિત થાય કે ક્ષત્રપો અહી કચ્છમાં વધુ રહ્યા હોઈ શકે. કચ્છનું શીલાસ્થાપત્ય પણ બેનમુન છે. ભગ્નવસ્થામાં પોતાની હાલત જાળવી રાખી છે. ભુજની વાત કરીએ તો છતરડી કારીગરીનો અજોડ નમુનો છે. લખપતનું ક્ષત્રપ કલાનું મંદિર, આ ઉપરાંત કંથકોટ કોટાયનું સૂર્યમંદિર, જમાદાર ફતેહમહમદનો ખોરડો,લખપત કિલ્લો, આયના મહેલ વગેરે અજોડ સંસ્કૃતિની છાપ ઉપસાવે છે. હાલમાં પણ સ્મૃતિવન,સાયન્સ સીટી, ભુજોડી, રોડ ટુ હેવન, માતાનો મઢ, ગુજરાતનું એક માત્ર કલ્પવ્રુક્ષ, વગેરે જોવાલાયક સ્થળો છે. જે હાલમાં વિકસિત પામેલા છે. જે કચ્છની ધરોહરના દર્શન કરાવે છે.
આઠ હજાર વિશલને, બાર હજાર હમીર, એકવીસ સુલતાનને,જગડું વીર “ આ દરીયાદીલના મહાન જગડુ શાહની દાનવીરતા હોય કે સંત મેકરણની ઉદારતા હોય. બધું જ કચ્છના રણમાં પ્રાદીપ્ય છે.
“જિયો તાં ઝેર જા થિયો, સક્કર થિયો મુંજા સુણ,
મરી વેધા મેકણ ચેં, રોંધા ભલે જા વેણ.”
કચ્છની સંકૃતિમાં વાદ્ય પણ એક આગવું સ્થાન ઘરાવે છે. જેમ કે બધાને એકઠા કરવા બુંગિયોત વગાડે છે, ધીંગણે ઢોલ અને સૈન્ય સામે સિંધુડો વાગે છે. કુંજીયો ભજનમાં ભાવ માટે વગાડે છે,
અહીનું કચ્છી ભરતકામ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. અને સંસ્કૃતિની વિવિધતા સાથે અહી ખોરાક વિવિધતા ભરેલો છે. કચ્છમાં જોવા મળતું ફળ ચકોતરું જે વિટામીન-સી માટે ઉપયોગી છે તેમજ અહીના બીજોરા નામના ફળનો ઉપયોગ આચાર તેમજ દવા બનાવવામાં થાય છે. જે પથરીની બીમારી માટે પણ ઉપયોગી છે. અહીની પ્રજાએ દુઃખોમાં પણ સુખ શોધ્યું છે. ખોરાકમાં પણ વિવિધતા છે. બાજરાના રોટલા , બન્ની પ્રદેશની ભેસોનું ધી ઓળો, દહીં, છાશ વધુ પસંદ કરે છે. છાશ માટે કહેવાય છે કે જમવામાં પાણી ન હોય તો ચાલે પણ છાશ વગર ભોજનનો ઓડકાર ન આવે. આ ઉપરાંત ભૂંગામાં રહેતા લોકો લોંગટુ બનાવીને ખાતા હોય છે. જે એક બાજારાના લોટને છાશમાં વધારીને બનાવીને ખાવાની આઈટમ છે. એક રીતે જોઈએ તો લોંગટુ ઘણી જૂની ખોરાક પધ્ધતિ છે. આ ઉપરાંત મમરાની ખીચડી પણ અલ્પાહાર તરીકે નાસ્તામાં લોકો લેતા હોય છે. અને “ જો તમને દાબેલી ખાવાની ઈચ્છા થાય તો કચ્છની જ ..”.......@@ “પધારો મ્હારે કચ્છ”
“વિવિધતામાં એકતા ભરેલું કસાયેલું, કરકસર ભર્યું લોકજીવન એ સંસ્કૃતિની વિશેષતા અને અવશેષોનો ખજાનો એટલે કચ્છ”
અસ્તુ