પલ્લવીએ અનુશ્રી મેડમને ઘરમાંથી કાઢી મૂક્યા પછી શિખર પલ્લવી પર ખૂબ જ ધૂંધવાયો હતો. એ પોતાના રૂમમાં જઈને કૃષ્ણ ભગવાનના ફોટા સામે જોઇને પ્રાર્થના કરવા લાગ્યો હતો કે, "હે ઈશ્વર! કોઈક તો ચમત્કાર કર કે, જેથી અનુશ્રી મેડમ મારી જિંદગીમાં ફરી આવી જાય. હું મમ્મી પાસે નથી જ ભણવા માગતો."
હજુ તો એ ભગવાનને આ પ્રાર્થના કરી ગયો હતો કે ત્યાં જ પલ્લવી એની પાસે આવી અને કહેવા લાગી, "જો શિખર! હું તારી મમ્મી છું. મમ્મી પોતાના બાળકને ખૂબ સારી રીતે ઓળખતી હોય છે. તારી ભલાઈ શેમાં છે એ હું ખૂબ જ સારી રીતે જાણું છું અને એટલે જ આજથી હું તને ભણાવવા ઈચ્છું છું. હું જાણું છું કે, મે અનુશ્રી મેડમને ઘરમાંથી કાઢી મૂક્યા એટલે તું મારાથી ગુસ્સે છો. પરંતુ મેં જે કંઈ પણ કર્યું છે એ ખૂબ જ સમજી વિચારીને જ કર્યું છે. તું આટલો હોશિયાર છો તો તારી હોશિયારીને શા માટે વેડફી નાખવી જોઈએ? હું ઈચ્છું છું કે, દસમા ધોરણમાં તું બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે અને હું ગર્વથી બધાને કહું કે મારો દીકરો બોર્ડમાં પ્રથમ સ્થાને આવ્યો છે. તારો બોર્ડમાં પ્રથમ નંબર આવશે તો શું તને પણ ખુશી નહીં થાય?"
શિખર પાસે પલ્લવીની કોઈ વાતનો કોઈ જ જવાબ નહોતો. એ હાલ પલ્લવી સાથે હવે કોઈ જ પ્રકારની દલીલમાં ઉતારવા માગતો નહોતો. એ મનોમન જ બોલી રહ્યો, 'મમ્મી હું તને શું કહું? તે અનુશ્રી જેવા સારા મેડમને ઘરમાંથી કાઢી મૂક્યા છે ને એની સજા તને ઈશ્વર જરૂર કોઈને કોઈ દિવસ તો આપશે જ. મારા એ કમનસીબ છે કે, તું મારી મમ્મી છો. લોહીના સંબંધથી તું મારી મમ્મી છો પરંતુ મને કદી એ તુ મારી મમ્મી તો લાગી જ નથી. મારી સાથે બીજે ભણતા બીજા બધા છોકરાઓની મમ્મીઓને જ્યારે હું જોઉં છું ત્યારે મને થાય છે કે, હું કેટલો બાદનસીબ છું! કહેવાય છે જેમ ગોળ વિના મોળો કંસાર એમ માત વિના સુનો સંસાર પરંતુ મને મારી જિંદગીમાં આ હકીકત ક્યારેય સત્ય લાગી જ નથી.'
ત્યાં જ ફરી પલ્લવીએ શિખરની વિચારધારામાં ખલેલ પાડી અને બોલી, "ચાલ શિખર! હવે ભણવા માટે તૈયાર થઈ જા. હું તને ભણાવવાનું શરૂ કરું છું."
શિખર જાણતો હતો કે, મમ્મીને કંઈ પણ કહેવાનો હવે કોઈ જ મતલબ નથી. એટલે એ ચૂપચાપ પોતાના ચોપડા લઈને પલ્લવી જે ભણાવે એ ભણવા લાગ્યો. હવે આ શિખર અને પલવી નો નિત્યક્રમ બની ગયો હતો રોજ સાંજે પલ્લવી શિખરને બે કલાક ભણાવતી હતી અને શિખર પણ કશું જ બોલ્યા વિના એ જે પણ ભણાવે એ ભણ્યા કરતો.
***
શિખર દસમામાં આવ્યો એ વાતને હવે છ મહિના જેટલો સમય થઈ ગયો હતો એની એક ટર્મ પૂરી થઈ ગઈ હતી. દિવાળી વેકેશન હજુ હમણાં જ પત્યું હતું. દિવાળી વેકેશન પછી આજે સ્કૂલનો પહેલો દિવસ હતો.
શિખરની શાળામા આજે એક નવા શિક્ષક આવવાના હતા જે તેમને વિજ્ઞાનનો વિષય ભણાવવાના હતા. શિખરની શાળામાં પહેલા જે શિક્ષક વિજ્ઞાન ભણાવતા હતા એમની અન્ય સ્થળે ટ્રાન્સફર થઈ જવાથી તેઓ આ શહેર છોડીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા હતા અને એમની જગ્યાએ જ હવે નવા શિક્ષક આવવાના હતા. શિખર અને તેના ક્લાસના બધા જ વિદ્યાર્થીઓ આ નવા આવનાર શિક્ષકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
વિજ્ઞાનનો પિરિયડ શરૂ થયો ત્યાં જ ક્લાસમાં નવા શિક્ષકે પ્રવેશ કર્યો. આ આવનાર નવા શિક્ષકને જોઈને શિખરના ચહેરા પર એકદમ ચમક આવી ગઈ.
આ નવા આવનાર શિક્ષક અન્ય કોઈ નહીં પરંતુ શિખરના પ્રિય અનુશ્રી મેડમ જ હતા. અનુશ્રી મેડમ જ હવે એને શાળામાં વિજ્ઞાન ભણાવશે એ જાણીને શિખર ખૂબ જ ખુશ હતો. એ મનોમન વિચાર કરવા લાગ્યો કે, આખરે કૃષ્ણ ભગવાને એની સાચા હૃદયથી કરેલી પ્રાર્થના સાંભળી લીધી.
અનુ શ્રી મેડમના શાળામાં આવવાથી શિખરને હવે શાળાએ જવાનું ખૂબ જ ગમવા લાગ્યું હતું. ઘરે શિખર પલ્લવી પાસે ભણતો અને શાળામાં અનુશ્રી મેડમ પાસે.
સમય ખૂબ જ ઝડપથી વહી રહ્યો હતો. જોતજોતામાં તો દસમા ધોરણની બોર્ડની પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ ગઈ અને હવે આખરે પરીક્ષાનો એ દિવસ પણ આવી ગયો.
શિખરનો નંબર એના ઘરની નજીક રહેલી શાળામાં જ આવ્યો હતો. પહેલું પેપર ગુજરાતીનું હતું. પેપર હાથમાં આવતા જ શિખર ખુશ થઈ ગયો એને જે કંઈ પણ પૂછ્યું હતું એ બધું જ આવડતું હતું એટલે એ ફટાફટ લખવા લાગ્યો હતો. ધીમે ધીમે બધા પેપરો પુરા થવા આવ્યા હતા. છેલ્લા દિવસે ગણિતનું પેપર હતું.
જેવું ગણિતનું પ્રશ્નપત્ર શિખરના હાથમાં આવ્યું તો એ પેપર જોઈને અચાનક જ શિખરને ગભરામણ થવા લાગી. એને જે કંઈ પણ આવડતું હતું એ બધું જ એ ભૂલવા લાગ્યો એનો હાથ અચાનક ધ્રુજવા લાગ્યો. એણે જે કંઈ પણ વાંચ્યું હતું એ બધું જ એ ભૂલવા લાગ્યો. એને ખુદને પણ સમજવા નહોતું આવી રહ્યો કે એને કેમ કંઈ યાદ નથી આવતું? ગણિતના ત્રણ કલાકના પેપરમાં એ કશું જ લખ્યા વિના બેઠો જ રહ્યો. એ કોરું પેપર સુપરવાઈઝરને આપીને ઘરે આવતો રહ્યો.
(ક્રમશ:)