ગણિતના પેપરના દિવસે અચાનક શિખરને શું થયું કે એ પેપર પૂરું છોડીને આવતો રહ્યો. જે કંઈ પણ વાંચ્યું હતું એ બધું જ એ ભૂલી ગયો.
સુપરવાઇઝરને પૂરું પેપર પરત કરીને એ ઘરે આવતો રહ્યો હતો એ જેવો ઘરે આવ્યો કે એની મમ્મીએ એમને તરત પૂછ્યું, "શિખર! દીકરા! તારી ગણિતનું પેપર કેવું ગયું?"
શિખરને થોડીવાર તો સમજાયું નહીં કે એ શું જવાબ આપે? પણ પછી એ હિંમત ન હાર્યો અને એણે પલ્લવીને સાચું જ કહી દીધું. એ બોલ્યો, "મમ્મી..! મમ્મી..! હું...હું....પેપર કોરું મૂકીને આવ્યો રહ્યો. મે જે કંઈ પણ વાંચ્યું હતું એ બધું જ હું ભૂલી ગયો. મને કંઈ યાદ જ ન આવ્યું. સોરી! મમ્મી!"
શિખરનો આવો જવાબ સાંભળીને પલ્લવી ગુસ્સાથી રાતીપીળી થઈ ગઈ અને શિખરને એક તમાચો મારી દીધો ને બોલી, "આ તો શું કરીને આવ્યો છે તેનું કંઈ ભાન છે તને? મેં તારી પાછળ એક વર્ષ મહેનત કરી છે અને તે મને એનું આ પરિણામ આપ્યું? હવે હું આ સમાજને શું મોઢું દેખાડીશ? હવે બધા મારી મજાક ઉડાવશે અને કહેશે કે, કેમ પલ્લવી! તું તો કહેતી હતી ને કે તારો દીકરો બહુ હોશિયાર છે. આ મારો હોશિયાર દીકરો છે? જા. હવે તારા રૂમમાં જા અને એક મહિના પછી ફરી એક વિષયની પરીક્ષા લેવાય છે ને ત્યારે એમાં ફરી આપી દેજે. જા! હવે રૂમમાં જઈને વાંચવા માંડ. આજથી તારે માત્ર ભણવામાં જ ધ્યાન આપવાનું છે."
પલ્લવીને આ રીતે ઘાંટા પાડતી જોઈને તુલસી રસોડામાંથી ત્યાં દોડી આવી અને એણે પલ્લવીને શાંત પાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું, "પલ્લવી! તું આ શિખર સાથે ઠીક નથી કરી રહી. તું એને આ રીતે વારંવાર ગુસ્સાથી જ રહીશ તો એનું પરિણામ હજુ પણ વધુ ખરાબ આવશે મારી એક વાત માને તો શાંતિથી એક વખત એના મનની વાતને પણ સમજવાનો પ્રયાસ કરજે. મને જે યોગ્ય લાગે છે એ હું તને મારા અનુભવે કહું છું પછી આગળ તું શિખર સાથે તારે કઈ રીતે વર્તવું એ માટે તું સ્વતંત્ર છો."
પલ્લવી બોલી, "હા મમ્મી! કદાચ તમે ઠીક કહો છો. મારી જીદનું પરિણામ મેં આજે જોઈ લીધું છે. આજથી હું શિખર સાથે કોઈપણ પ્રકારની જબરદસ્તી નહીં કરું. હું શું કરું મમ્મી હું મારા સ્વભાવમાં પરિવર્તન કેમ નથી લાવી શકતી? વારંવાર શિખર સાથે ન કરવાનું કેમ કરી બેસું છું?"
તુલસી બોલી, "હું તને એક વાત કહું તો તું માનીશ? મારી વાતનું ખરાબ ન લગાડતી પરંતુ જો આવું ને આવું ચાલ્યા કરશે તો શિખરની પરિસ્થિતિ વધુને વધુ બગડતી જશે. જો તો શિખર ની પરિસ્થિતિ હોય તો મારી આ વાત માન. તું કોઈ સારા મનોની સલાહ લે."
આ સાંભળીને પલ્લવી બોલી ઉઠી, "એટલે તમે શું મને પાગલમાં ખપાવી દેવા માંગો છો? હું ગાંડી નથી."
ત્યાં જ નીરવને ઘરમાં પ્રવેશતો પલ્લવીએ જોયો એટલે એ તરત જ બોલી ઉઠી, "આ જો નીરવ! હવે તો આજ બાકી રહ્યું હતો તારી મા મને પાગલ માં ખપાવી દેવા ઈચ્છે છે."
નીરવ બોલ્યો, "અત્યારે હું તમારા બંનેની કોઈ રકઝક સાંભળવા નથી ઈચ્છતો. હું શિખર પાસે જાઉં છું. આજે એનું ગણિતનું પેપર હતું ને?"
પલ્લવી બોલી, "એ તમારા લાટસાહેબ આખું પેપર પૂરું છોડીને આવ્યા છે."
"શું? પણ કેમ?"
"કહે છે એને બધું ભુલાઈ ગયું. કંઈ યાદ જ ન આવ્યું."
પલ્લવીની આ વાત સાંભળીને નીરવ તરત જ શિખરના રૂમમાં દોડી ગયો.
નીરવ શિખરના રૂમમાં આવ્યો ત્યારે શિખર ખૂબ જ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. શિખરને આ રીતે રડતો જોઈને નીરવ તેની પાસે આવ્યો અને એણે શિખરના ખભા પર હાથ મૂક્યો. નીરવને પોતાની પાસે આવેલો જોઈને શિખર બોલી ઉઠ્યો, "આઈ એમ સોરી પપ્પા! હું ગણિતના પેપરમાં મે જે કંઈ પણ વાંચ્યું હતું એ બધું જ ભૂલી ગયો અને કંઈ જ લખી ન શક્યો. હું પેપર કોરું છોડીને આવતો રહ્યો. ખબર નહીં આવું કેમ થયું? હવે હું ગણિતમાં ફેઈલ થઈશ. હવે તમને લોકોને મારી શરમ આવશે? હવે તમે સમાજમાં મોઢું બતાવવા લાયક નહીં રહો. મમ્મી મને ખૂબ ખીજાઈ પણ પપ્પા મેં જાણી જોઈને પેપર કોરું નહોતું રાખ્યું."
શિખરની આવી વાત સાંભળીને નીરવ બોલી ઉઠ્યો, "હા! એ હું જાણું છું દીકરા! અને ખબરદાર! જો આજ પછી આવી કોઈ વાત કરી છે તો. મને સમાજની જરાય ચિંતા નથી. મને તારી જ ચિંતા છે. શિખર! દીકરા! તારું તો માત્ર એક જ વિષયનું પેપર બગડ્યું છે ને તો એમાં તું શા માટે દુઃખી થાય છે? એ તો એક મહિના પછી ફરી પેપર લેવાય છે ત્યારે પરીક્ષા આપજે. તું જરાય ચિંતા ન કરીશ. તારી મમ્મીને હું સમજાવીશ. ચાલ! અત્યારે થોડીવાર આરામ કરી લે."
આજે પહેલી વખત નીરવ શિખર માટે સપોર્ટ બન્યો હતો. આજે પહેલીવાર શિખરને લાગ્યું કે એના પપ્પા એને સાચવી લેશે.
આટલું કહીને નીરવ પોતાના રૂમમાં આવ્યો ત્યારે પલ્લવી પણ ત્યાં બેઠી બેઠી રડી રહી હતી.
****
(ક્રમશ:)