શિખર - 4 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિખર - 4

પ્રકરણ - ૪

તુલસી પલ્લવીની આ ડાયરી વાંચીને એકદમ જ ભૂતકાળમાં સરી પડી. એને યાદ આવ્યું કે, જયારે નીરવ પહેલી જ વાર પલ્લવીને પોતાના ઘરે લઈને આવ્યો હતો.

એ દિવસે નીરવે તુલસીને પલ્લવીની ઓળખાણ કરાવતા જ કહ્યું હતું કે, "મમ્મી! આ પલ્લવી છે અને એ મારી સાથે કૉલેજમાં ભણે છે."

"હા, દીકરા! અને તને આ છોકરી ખૂબ જ પસંદ છે અને તું એની જોડે લગ્ન કરવા ઈચ્છે છે કેમ? ખરું કહ્યું ને દીકરા?" તુલસી તો નીરવને જોઈને જ સમજી ગઈ હતી કે, એ શા માટે પલ્લવીને ઘરે લઈ આવ્યો છે.

" હા! મમ્મી! પણ તને કેમ ખબર પડી ગઈ કે, મને પલ્લવી ખૂબ પસંદ છે? અને અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ?" નીરવે આશ્ચર્યથી પૂછ્યું.

"હું તારી મા છું દીકરા! દીકરાના મનમાં શું હોય છે ને એ મા ને ખબર પડી જ જતી હોય છે. સમજ્યો?" તુલસીએ કહ્યું.

અને એ પછી તુલસીએ નીરવ અને પલ્લવી બંનેનાં લગ્ન પર મંજૂરીની મહોર મારતાં કહ્યું હતું કે, "તારી પસંદ એ મારી પણ પસંદ દીકરા! મને પણ તારી પલ્લવી પસંદ છે અને હું તમે બંને સુખી રહો એવાં આશીર્વાદ આપું છું. પરંતુ એ પહેલાં હું તમને બંનેને માત્ર એટલું જ કહેવા ઈચ્છું છું કે, હાલ તમે બંને અત્યારે માત્ર ભણવામાં જ ધ્યાન આપો અને જ્યારે યોગ્ય સમય થશે ત્યારે હું તમને બંનેને વચન આપું છું કે, નીરવ ભણીગણીને સેટલ થાય એ પછી હું ખુદ જ પલ્લવીના માતાપિતા જોડે તમારાં બંનેનાં લગ્નની વાત કરીશ. પણ પહેલાં બંને સારાં માર્કસથી પાસ થઈ જાઓ."

બંનેનું ભણવાનું પત્યું અને જ્યારે નીરવને સારી જગ્યાએ નોકરી મળી ગઈ અને એ કમાતો થયો એ પછી જ તુલસીએ પોતાનું એ વચન પાળી પણ બતાવ્યું. એણે પલ્લવીને પોતાના ઘરની વહુ બનાવવા માટે પલ્લવીના માતાપિતા પાસે નીરવનું માંગુ નાખ્યું.

એણે પલ્લવીને માતાપિતાના ઘરે જઈને કહ્યું, "ઓમકારભાઈ! પાર્વતીબહેન! મને મારાં દીકરા નીરવ માટે તમારી દીકરી પલ્લવી પસંદ છે. હું ઈચ્છું છું કે, એ બંનેના લગ્ન થાય. જો તમને પણ નીરવ પસંદ હોય તો આપણે એમનાં લગ્નની વાત આગળ વધારીએ. અને આ વાત કરતાં પહેલાં પણ હું તમને મારા પરિવાર વિશે જણાવવા માંગુ છું. ઘરમાં અમે મા દીકરો બંને એકલાં જ છીએ. સાહિલ એટલે કે, નીરવનાં પપ્પા નીરવ છ વર્ષનો હતો ત્યારે જ ગુજરી ગયાં હતાં એટલે મેં જ એને એકલાં હાથે મોટો કર્યો છે.

એ સિવાય નીરવનાં બે કાકા પણ છે સંકેતભાઈ અને રોનિતભાઈ એ બંને મારા દેર છે. સંકેતભાઈ અપરિણીત છે. આમ તો એમણે લગ્ન તો કર્યા હતાં પરંતુ લગ્નના એક વર્ષની અંદર જ એમનાં છૂટ્ટાછેડા થઈ ગયા હતા. અને મારા બીજા દેર રોનિતભાઈ અને એની પત્ની માધુરી જે મારી દેરાણી છે અને એમને સંતાનમાં બે દીકરીઓ છે દિશા એને ઈશા. એટલે નીરવને બે બહેનો છે. આ બધું હું તમને એટલે જણાવું છું કે, તમારાં ઘરની દીકરીને હું અમારા પરિવારની વહુ બનાવવાની ઈચ્છા ધરાવું છું તો મને લાગે છે કે, સત્યનો તમને પૂરેપૂરો ખ્યાલ હોવો જ જોઈએ. કારણ કે, તમારી દીકરીનો આ આખી જિંદગીનો સવાલ છે. એટલે હું તમને બધું જ સત્ય પહેલાં જ જણાવી દેવા માંગુ છું."

ત્યારે આ સાંભળી પલ્લવીના પપ્પાએ તુલસીને કહ્યું હતું કે, "તમે ઠીક કહો છો તુલસીબહેન! આજકાલ જેટલું સત્ય તમે જણાવ્યું એટલું કોઈ જણાવતું નથી. મને અને પાર્વતીને ખૂબ આનંદ થશે જો પલ્લવી તમારા ઘરની વહુ બનશે. મને આ સંબંધ મંજૂર છે."

અને એ પછી નીરવ અને પલ્લવીના લગ્ન ધામધૂમથી લેવાયા. પલ્લવી અને નીરવ બંને ખૂબ જ ખુશ હતાં. તુલસી પણ ઘરમાં નવી વહુના આગમનથી ખૂબ જ ખુશ હતી. હજુ તો પલ્લવી આ વિચારી જ રહી હતી ત્યાં જ એના ઘરની ડોરબેલ વાગી જેણે એની વિચારતંદ્રાને તોડી. એણે પલ્લવીની એ ડાયરી કે, જેનું એણે માત્ર એક જ પાનું વાંચ્યું હતું જેમાં એના અને નીરવનાં લગ્નનું વર્ણન હતું એ વાંચીને અંદર મૂકી અને એ ઘરનાં હોલમાં આવી અને એણે દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાં જ એ એકદમ ચોંકી ઉઠી. કારણ કે, એની સામે પલ્લવીના માતાપિતા ઊભા હતાં.

(ક્રમશઃ)