શિખર - 24 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિખર - 24

પ્રકરણ - ૨૪

ઘણી જ મથામણના અંતે નીરવ અને પલ્લવીને શિખર માટે યોગ્ય શિક્ષક મળી ગયા હતા. શિખરને નવા મળેલાં શિક્ષકનું નામ હતું અનુશ્રી.

અનુશ્રી મેડમના આવવાથી શિખર હવે ખૂબ જ મહેનત કરવા લાગ્યો હતો અને મન દઈને ભણવા લાગ્યો હતો. ઘરનું વાતાવરણ તો આમ પણ એના માટે પહેલેથી જ ભારરૂપ હતું પરંતુ અનુશ્રી મેડમના આવવાથી એને ઘણી રાહત થઈ હતી.

અનુશ્રી મેડમ ખુબ જ હોશિયાર હતા. એને તરત જ ધ્યાનમાં આવી ગયું હતું કે, શિખર ખૂબ હોશિયાર તો છે જ પરંતુ એના પરિવારનું ખાસ કરીને એની મમ્મી પલ્લવીની શિખરને શિખર પર બેસાડવાની જે અપેક્ષા છે એ ખૂબ જ વધુ પ્રમાણમાં છે અને એ બિલકુલ યોગ્ય નથી. ભવિષ્યમાં આના કેવા ગંભીર પરિણામો આવી શકે છે એ વાતથી અનુશ્રી ખૂબ જ સારી રીતે પરિચિત હતી.

શ્રેયાવાળી જે ઘટના બની એ પછી શિખર હવે કોઈ પણ છોકરીની સામે જ જોવાની હિંમત નહોતો કરી રહ્યો. હા! મનમાં એને ક્યારેક શ્રેયા જરૂર યાદ આવી જતી પરંતુ એ હવે જૂની કોઈપણ વાતો યાદ કરવા માગતો જ નહોતો. એ હવે જૂની બધી જ વાતોને યાદ જ કરવા નહોતો માંગતો અને એટલે જ એણે પોતાનું બધું જ ધ્યાન ભણવા તરફ કેન્દ્રિત કર્યું હતું. તે દસમામાં ખૂબ જ મહેનત કરવા લાગ્યો હતો.

શરૂઆતમાં અનુશ્રી શિખરને જ ભણાવતી અને એને ભણાવતા ભણાવતા થોડું એણે એને સમજાવવાનું પણ શરૂ કર્યું. એણે શિખરને એ પણ સમજાવ્યું કે, "શિખર! બેટા! અત્યારે તારી ઉંમર જ એવી છે કે, આ સમયે તને વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ થવાનું જ છે. અને આ સામાન્ય વસ્તુ છે. આ ઉંમરમાં દરેકને આવું થતું જ હોય છે પછી એ છોકરો હોય કે છોકરી."

અનુશ્રીની આ વાત સાંભળીને શિખર જવાબ આપતો, "હા મેડમ! એ તો હું પણ જાણું જ છું અને સમજુ પણ છું. પરંતુ મને એ નથી સમજાતું કે, મારા મમ્મી પપ્પા આ વાત કેમ નથી સમજી શકતા? મારાં મમ્મી પપ્પા મારી પાસેથી આટલી બધી અપેક્ષાઓ શા માટે રાખે છે? મારી માથે એમની આ અપેક્ષાઓનો ભાર વધતો જાય છે અને હું એમની બંનેની અપેક્ષાઓના ભાર તળે દબાતો જાઉં છું."

અનુશ્રી શિખરની આ વાતનો જવાબ આપતાં કહેતી, "બેટા! શિખર! એમની તારાથી અપેક્ષાઓ વધુ એટલાં માટે છે કારણ કે, તું એ સૌને પૂરી કરવા માટે ખૂબ જ સક્ષમ છો."

"એ સાચું! પરંતુ મારું માનસિક સંતુલન એના લીધે સારું નથી રહેતું એનું શું?" શિખર સામે વિવાદ કરતો.

"તારી વાત પણ સાચી જ છે. એમની તારા પ્રત્યેની અપેક્ષાઓને લીધે તારી માનસિક પરિસ્થિતિ પર પણ અસર થશે અને એ વિશે એમણે પણ સભાન રહેવું જ જોઈએ. અને આ મારું તને વચન છે કે, હું એમને આ બાબતે જરૂર સમજાવીશ. હું એમને એ પણ સમજાવીશ કે, અમુક હદ કરતાં વધુ અપેક્ષાઓ પોતાના સંતાન પાસેથી રાખવી એ પણ ખોટું જ છે. તેઓ મારી વાત જરૂર સમજશે." પણ આ બોલતી વખતે અનુશ્રીને ક્યાં ખબર હતી કે, એનું કેવું વિપરીત પરિણામ આવશે?

"મને તમારા તરફથી આવી જ આશા હતી." શિખર બોલી ઉઠ્યો.

થોડા સમય પછી અનુશ્રીએ પલ્લવીને પણ આ જ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ તો પલ્લવી હતી. એ એમ ક્યાં કંઈ સમજવાની હતી?

અનુશ્રીના પલ્લવીને સમજાવવાના પ્રયત્નનું પરિણામ એ આવ્યું કે, તેણે શિખરને હવે અનુશ્રી પાસે ટ્યુશન કરાવવાનું જ બંધ કરી દીધું અને નક્કી કર્યું કે, હવેથી એ પોતે ખુદ જ શિખરને ભણાવશે.

એણે અનુશ્રીને કહી દીધું કે, "આવતીકાલથી તમે હવે અહીં તમારો સમય બરબાદ ન કરશો. મેં એને તમને ભણાવવા માટે રાખ્યા હતા. નહીં કે મને જ્ઞાન આપવા માટે. સમજ્યા? શિખર મારો દીકરો છે એટલે હવે હું એને ભણાવીશ. હું જાણું છું કે, મારે મારા દીકરાને કઈ રીતે ભણાવવાનું છે તમારે હવે એની ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. આવતીકાલથી આ ઘરમાં પગ નહીં મુકતા.

અનુશ્રી પલ્લવીના ઘરમાંથી તો બહાર નીકળી ગઈ પરંતુ જતાં જતાં એને કહેતી ગઈ કે, "પલ્લવીબહેન! હું તો જાઉં છું પરંતુ એટલું ચોક્કસ કહીશ કે, મારી આ વાત યાદ રાખજો કે, તમે ખુદ જ એક દિવસ તમારા દીકરાની બરબાદીનું કારણ બનશો. હજુ પણ મોડું નથી થયું હજુ પણ સમય છે સુધરી જાઓ. નહીં તો ક્યાંક એવું ન થાય કે તમારો દીકરો જ ન રહે!"

"ઓ શટ અપ! ચલ હવે નીકળ મારા ઘરની બહાર. આવી બહુ મોટી મને સમજાવવાવાળી. હું જોઈ લઈશ મારે મારા દીકરાને કેમ ભણાવવાનો છે. સમજી?"

પોતાના અનુશ્રી મેડમ સાથેનું આવું વર્તન જોઈને શિખર ખૂબ જ ગભરાઈ ગયો હતો. એ તો અનુશ્રી જેવી એના ઘરમાંથી બહાર નીકળી કે, શિખર પોતાના રૂમમાં જઈને એકદમ જ રડવા લાગ્યો. એના રૂમમાં રહેલાં કૃષ્ણ ભગવાનના ફોટા સામે જોઈને પ્રાર્થના કરવા લાગ્યો કે, "ભગવાન! હવે તો કોઈ ચમત્કાર કરો કે, અનુશ્રી મેડમ પાછા આવી જાય અને એ જ મને ભણાવે. મારે મારી મમ્મી પાસે તો નથી જ ભણવું. એ તો મને ખૂબ જ ખીજાશે. મને એનો ખૂબ ડર લાગે છે.

શિખરને આવી રીતે પોતાના રૂમમાં જતો જોઈને પલ્લવી પણ એની પાછળ પાછળ ગઈ.

ઘરમાં પલ્લવીએ આજે જે તમાશો કર્યો એ જોઈને તુલસી પણ મનોમન બોલી રહી, "હે ઈશ્વર! હવે તો તું જ શિખરને બચાવી શકે એમ છો. તું જ એના જીવનનો આધાર છો. કંઈક તો તારો ચમત્કાર દેખાડ."

(ક્રમશ:)