સંબંધો SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધો



"અંતે, ફક્ત ત્રણ બાબતો મહત્વની હોય છે: તમે કેટલો પ્રેમ કર્યો, તમે કેટલી નમ્રતાથી જીવ્યા, અને જે વસ્તુઓ તમારા માટે નહોતી, એને તમે કેટલી સરળતાથી છોડી શક્યા."
-બુદ્ધ

સંબંધો: આપણી શાંતિ અને સુખ માટે આવશ્યક આધારસ્તંભ. આપણો જન્મ થયો ત્યારથી લઈને મૃત્યુશય્યા સુધી પહોંચે ત્યાં સુધી, દરેક પગલે કોઈને કોઈ આપણી સાથે જોડાય છે. કેટલાક અંત સુધી આપણી સાથે રહે અને ઘણા કોઈ ન કોઈ કારણોસર, વચ્ચેથી આપણો સાથ છોડી દે.

જીવનના દરેક તબક્કે આપણે જુદા જુદા લોકો સાથે જોડાયેલા રહીએ છીએ. સૌ પ્રથમ, કુટુંબ: માતાપિતા, ભાઈ-બહેન અને દૂરના અથવા નજીકના સગાસંબંધીઓ. આપણું માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સુખાકારી, આપણા સંબંધોની ગુણવત્તામાં સમાવિષ્ટ છે, ફક્ત આપણા નજીકના અને પ્રિયજનો સાથે જ નહીં, પણ આપણી આસપાસના અન્ય લોકો સાથે પણ.

આપણે જેને પ્રેમ કરીએ તે લોકો સાથે આપણે વધુ નજીકથી જોડાયેલા હોઈએ અને તેમની સાથે રહેવાથી આપણે શાંતિ અને ખુશી અનુભવીએ. વધુમાં, પ્રામાણિકપણે કહીએ તો, આપણા સંબંધો આપણને જીવનના પડકારોનો સામનો કરવાની ક્ષમતા આપે છે. યાદ છે, જ્યારે આપણે નાના હતા, અને સ્કૂલમાં ઓછા માર્કસ આવતા, ત્યારે મમ્મી આપણને પ્રેમથી શાંત પાડતી અને આશ્વાસન આપતી, "કંઈ વાંધો નહીં દીકરા, આગલી વખતે વધુ મહેનત કરજે." સંબંધો જ છે જે આપણામાં હિંમત પેદા કરે. એકલા આપણે કંઈ નથી, આપણી આસપાસના સ્વજનોનો આધાર આપણને આગળ વધવામાં મદદ કરે છે.

એક મહત્વપૂર્ણ પાસું સમજવાની જરૂર છે. સંબંધ બાંધવો કોઈ મોટી વાત નથી. તમે સરળતાથી કોઈની સાથે, ગમે ત્યાં મિત્ર બની શકો છો. અગત્યની બાબત એ છે કે તે સંબંધને જાળવી રાખવા પાછળ તમે કેટલો પ્રયત્ન કરો છો. સંબંધો આપમેળે સારા ન બને. પ્રેમ, સંભાળ અને સહાનુભૂતિ સાથે તેમની દેખરેખ કરવી પડે. જેમ કહેવાય છેને, જેવું વાવશો તેવા જ ફળ મળશે!
માયાએ સ્વેચ્છાએ નોકરી છોડી દીધી અને ઘરે સાસરિયાંની સેવા કરવાનું નક્કી કર્યું. પહેલા તે થોડી હચમચી ગઈ, પરંતુ આજે તેના બલિદાનની બધા પ્રશંસા કરે છે.

સંબંધ જાળવવામાં આપણું પોતાનું યોગદાન ખૂબ જ જરૂરી છે. તમારા હૃદયમાં પ્રેમ, વાણીમાં મધુરતા, સહનશીલતા અને સમજદારી; આ બધાના સંયોજનથી સંબંધ ખીલે અને લાંબા સમય સુધી ચાલે. ઘણી વખત તમે તમારી જાતને એવી પરિસ્થિતિમાં જોશો જ્યાં તમારે નમવું અને સમાધાન કરવાની જરૂર પડશે. જો આ મુશ્કેલ લાગે, તો તમારી જાતને એક પ્રશ્ન પૂછો? શું મહત્વનું છે? તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ કે એકલતા અને અહંકાર?

મજબૂત અને પ્રેમાળ સંબંધ બાંધવામાં સમય લાગે. સાથે બેસો, જેટલું બોલો છો, એટલું સાંભળવાની તાકત પણ રાખો. એ જાણીને તમને કેટલી શાંતિ મળશે અને કેટલી ખુશી થશે, કે તમારી પાસે કોઈ એવી વ્યક્તિ છે જે તમારી કાળજી લે છે.
મનોજ સેલ્સમેન હતો અને આખો દિવસ ઊભા રહેવું પડતું. ઘરે પહોંચતાં પહોંચતાં થાકીને લોથપોથ થઈ જતો. પણ જ્યારે તેની પત્ની તેને પાણીનો ગ્લાસ આપીને પ્રેમથી કહેતી, "તમે ખૂબ જ થાકેલા લાગો છો, ચાલો હું તમને સરસ મસાજ આપું."
ફક્ત આ એક વાક્ય, તેને એટલો આરામ આપતો કે પછી આખા દિવસનો થાકોડો ગાયબ થઈ જતો.

જરૂરિયાતના સમયે સાથે રહેવું એ જ સાચા અને મજબૂત સંબંધની ઓળખ છે. જ્યારે લોકેશના પિતા બીમાર પડ્યા ત્યારે ન તો લોકેશ ગભરાયો ન તો તેને એકલું લાગ્યું. તેનો મિત્ર સમીર છેલ્લે સુધી તેની સાથે હતો.

ગેરસમજ કોઈપણ સંબંધનો જીવલેણ દુશ્મન હોય શકે છે. વાતચીત અને ખુલાસો આપણા સંબંધોને નવું જીવનદાન આપે. સુરેશને સુકુન થયું કે તેણે સુધાને બોલવાનો મોકો આપ્યો, આજે તે તેના લગ્નને તૂટવાથી બચાવી શક્યો.

સ્કૂલમાં નૈતિક વિજ્ઞાનના પ્રવચન દરમિયાન, અમને ત્રણ જાદુઈ શબ્દો શીખવવામાં આવ્યા હતા: સોરી, પ્લીઝ અને થેંક્યું. યકીન માનો આ ત્રણ શબ્દો ખરેખર જાદુઈ છે. તે ક્રોધ, નફરત અને અન્ય નકારાત્મક લાગણીઓને ધોવાની શક્તિ ધરાવે છે, અલબત્ત તમે તેને હૃદયથી કહો તો. અને જો સોને પર સુહાગાની અસર જોઇતી હોય, તો તેને "આઈ લવ યુ" સાથે મિશ્રિત કરી નાખો, પછી જુઓ જાદુઈ અસર! અલબત્ત, કહેવાની જરૂર નથી કે કોને "આઈ લવ યુ" કહેવું, તેના માટે તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરજો.

આપણે બધા મોટા થઈ ગયા છે, તેમ છતાં, પ્રશંસા કોને ન ગમે? જયારે મળે ત્યારે અને જ્યાંથી મળે ત્યાંથી આવકાર્ય હોય છે. પ્રશંસા નું ક્યારેય ઓવર-ડોઝ લાગે? એટલે દિલ ખોલીને ઉદારતાથી પ્રશંસા કરો.

નમતું મૂકો અને ક્ષમા કરો - સુખી કુટુંબનું રહસ્ય આ જ છે. જો તમારે પકડી રાખવું હોય તો મીઠી યાદોને પકડી રાખો. નહિંતર, હાડપિંજર ફક્ત કબરમાં જ સારા લાગે.

અંતે હું એક મહાન વ્યક્તિના વિચાર સાથે આ લેખ સમાપ્ત કરી રહી છું,
"સંબંધમાં જીવ ફૂકો, જીવનમાં ખુશી આપોઆપ આવી જશે."

શમીમ મર્ચન્ટ, મુંબઈ
___________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=