"પપ્પા, બહાર નથી જવાનું તમારે, અરે સમજો ડોક્ટરે ના પાડી છે, દિવસ હોય કે રાત હમણાં 15 દિવસ સુધી નથી નીકળવાનું બહાર" રોહિત બોલ્યો.
90 વર્ષીય સુધીર મિશ્રા , બપોરના 1.00 વાગે બહાર જવાની જિદ્દ કરતા હતાં, તેમનો દીકરો રોહિત તેમને બહાર જતા રોકી રહ્યો હતો, એવામાં રોહિતની માતા અને સુધીર મિશ્રાની પત્ની વંદના મિશ્રા ત્યાં આવી, તેમની ઉમર પણ 89 વર્ષ હતી.
વંદના :"અરે તમે કેમ બહાર જવાની જિદ્દ કરો છો? કેમ નથી સમજતાં કે બહાર હિટ વેવ છે? , હજુ મહિના પહેલા જ હોસ્પિટલ માથી રજા આપી છે." રોહિતે સુધીરને સમજાવીને સોફા પર બેસાડયા.
આ 2090 ના ભારતવર્ષનું દ્રશ્ય હતું, ગુજરાતના ગાંધીનગરમાં મિશ્રા પરિવાર રહેતો હતો, પૃથ્વીનું તાપમાનમાં ઘણું વધી ગયું હતું, ઓઝોન સ્તરનું લગભગ વિઘટન થઈ જવાના કારણે સૂર્ય માંથી આવતા પાર જામ્બલી (Ultra Violet rays) કિરણો સીધા પૃથ્વી પર પડી રહ્યા હતા જેના કારણે પૃથ્વીના તાપમાનમાં 2.5 ડિગ્રીનો વધારો થયો હતો. આ પરિસ્થિતિ છેલ્લા 5 વર્ષથી થઈ હતી જેને કારણે ભારત સરકારે કામના કલાકો માં ધરખમ તેમજ ઊલટા ફેરફારો કર્યા હતા. તે ફેરફારો મુજબ સરકારી કચેરીઓ, વિદ્યાલય, ઓફિસો, સેવા સંસ્થાઓ, હોસ્પિટલો, દુકાનો, ખાનગી ક્ષેત્રની તમામ સંસ્થાઓ અને કંપનીઓ વગેરે સાંજે 7.00 વાગ્યે ખૂલતી હતી અને બીજે દિવસે સવારે 7.45 સુધી ખુલ્લી રહેતી, જ્યાં વધુમાં વધુ સવારે 8.30 સુધીમાં બંધ કરી દેવી પડતી. સવારના 8.30 થી આગળના દિવસે બધુંય જડબેસલાક બંધ રહેતું, સરકાર તરફથી સામાન્ય નાગરિકોને આ બંધના કલાકોમાં બહાર નીકળવાની સખતપણે મનાઈ ફરમાવવામાં આવી હતી.
WHO એ 2084 ના વર્ષમાં આ રીતના કાયદાની માર્ગદર્શિકા જાહેર કરેલી ત્યારથી વિશ્વના લગભગ બધા રાષ્ટ્રોએ સમાન કાયદો અમલમાં મૂકી દીધો હતો અને લોકો છેલ્લા 5 વર્ષથી આવી રીતે રહેવા માટે ટેવાઈ ગયા હતા, લોકો દિવસના સમયે આરામ કરતા અને રાત્રે કામ કરતા હતા. રાત્રિના સમયે પણ બરાબર 7.00 વાગે બધા બહાર નીકળી જતાં પરંતુ દિવસના સમયે સરકાર રોજનુ રેડિયેશન પ્રમાણ જાહેર કરતી ત્યાર બાદ સમય નક્કી થતો પછી જ લોકો બહાર નીકળતા, મુખ્યત્વે 7.00 થી 7.15 વચ્ચે રેડિયેશનનું પ્રમાણ ઓછું થઈ જતું.
65 વર્ષીય ડૉ. રોહિત મિશ્રા એક જીવ વિજ્ઞાની હતા, તેમના પિતા સુધીર મિશ્રા 90 વર્ષના રિટાયર્ડ શિક્ષક હતા, તેમની 89 વર્ષીય માતા વંદના મિશ્રા એક ગૃહિણી હતી. ડો. રોહિત મિશ્રાની પત્ની ડો. દીક્ષિતા મિશ્રા પણ જીવવિજ્ઞાન માં સંશોધક હતી. 1 મહિના પહેલા સુધીર મિશ્રાની સાથે એક દુર્ઘટના થયેલી, નિયમ હતો કે જો કોઈ વ્યક્તિને દિવસના સમયે ઘરની બહાર UV રેડિયેશન માં જવું હોય તો કપડાની ઉપર પૂરું શરીર ઢંકાય તેમ એક સ્પેશિયલ સૂટ પહેરીને બહાર જવું પડતું, એ સૂટનુ નામ "UV Protective suit" હતું અને તેને પહેરવું જરાક અઘરું હતું, રોહિત અને દીક્ષિતા એક વખત ઘરે નહોતાં ત્યારે પાછળથી તેમને ATM મશીન માથી પૈસા ઉપાડવા જવાનું થયું, પહેરેલા કપડાંની ઉપર તેમણે સૂટ પહેરવાની કોશિશ કરી પરંતુ બહાર જતાં જ થોડી વારમાં સૂટ ખુલી ગયું અને ચામડી પર સીધા પાર જામ્બલી કિરણો પડી જતાં હાથ, પગ અને ચહેરા પર બળતરા શરૂ થયેલી, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, 3 દિવસની ટ્રીટમેન્ટ પછી તેમની ઉમરને જોઈને ડોક્ટરે દોઢ મહિના સુધી દિવસે કે રાત્રે ક્યારેય પણ બહાર ન જવાની સૂચના આપેલી અને તેનું કડક અમલ કરવા જણાવેલું.
હવે આ સુધીર મિશ્રા ના ઘરનું દ્રશ્ય હતું, રાત હોય તેમ દિવસના સમયે સૌ કોઈ ઘસઘસાટ ઊંઘી ગયા હતા, સાંજના 5.00 વાગ્યે બધા ઉઠયા અને વહેલી સવારની જેમ નિત્યક્રમ મુજબ તેમનો દિવસ શરૂ થયો, રોહિતનું મન ક્યાંય લાગી રહ્યું નહોતું, કેમકે તેના પિતાને બહાર જવું હતું અને તેને મજબૂરીમાં તેમને રોકવા પડ્યા હતા. સરકારે સાંજે 7.20 કલાકે રેડિયેશન ઓછું થવાની ત્થા લોકોને બહાર જવાની સૂચના જાહેર કરી, રોહિત 8.30 વાગ્યે બહાર નિકળ્યો, સોલાર એનર્જીથી ચાલતા બાઇકને તેણે, કોલેજ કાળના પરમ મિત્ર ડો. શિવમ રાજપૂતના ઘર તરફ વાળી દીધું. શિવમના ઘરે જઈને તેણે ડોર બેલ વગાડી, શિવમે દરવાજો ખોલ્યો. શિવમ રાજપૂત એક સુંદર અને ઊંચા દેહ ધરાવનાર વ્યક્તિ હતો, તે ઊંચો અને પઠાણી શરીર ધરાવતો હોવાથી પહેલી નજરમાં કોઈને પણ તે એથ્લેટિક્સ ચેમ્પિયન જણાઈ આવતો, તે રોહિત સાથે એક જ કોલેજમાં અભ્યાસ કરતો પરંતુ બંનેના વિષયો અલગ અલગ હતા શિવમે પર્યાવરણીય જૈવ તકનીકી એટલેકે Environmental Biotechnology વિષયમાં ઉચ્ચ અભ્યાસ કરેલો હતો અને Ecology માં PhD. રોહિત અને શિવમની દોસ્તી ખૂબ જ સારી રહી હતી, તેઓ બંને એકબીજાના ખરાબ સમયમાં સાથે રહ્યા હતા, હવે રોહિતનો વારો હતો. શિવમે રોહિતને આવકાર આપ્યો, સોફા પર બેસાડ્યો અને હાલચાલ પુછવા લાગ્યો :
શિવમ : રોહિત, કાકા ને કેમ છે એ કહે પહેલા.?
રોહિત : પપ્પાને થોડી રેડિયેશનની અસર છે થોડી, હજી 15 દિવસ ક્વોરેન્ટાઇન પિરિયડ બાકી છે. હા પણ ભાભી અને અંકલ - આંટી ક્યાં છે?
શિવમ : તેઓ અમારા એક સંબંધીના ઘરે ગયા છે. બાકી કહે, કેમ છે તું?
રોહિત : યાર, શિવમ હું કંટાળી ગયો છું આ દિવસ - રાતના ઊંધા ક્રમથી.
શિવમ : સાચી વાત છે લ્યા, યાદ છે ને એક સમયે રાત પડતી ત્યારે માણસ શાંતિથી સૂઇ જતો, આજે એજ માણસ સાંજ પડતાં જાગી જાય છે.
રોહિત : રાત માણસ ના સૂવા માટે હોય છે, શહેરમાં તો રાત્રે પણ માનવી જાગતો હોય છે, પરંતુ ગામડામાં રાત પડે અને ખુલ્લા આકાશ નીચે ખાટલો ઢાળીને સૂઇ જતા હોય છે. ઠંડી હવામાં ઊંઘ પણ પૂરી આવતી, પપ્પાને પણ ગામડું બહુ યાદ આવે છે, જ્યારથી આ સમય ફર્યો છે ત્યારથી ગયા જ નથી.
શિવમ (ગુસ્સામાં) : આપણી આગળની પેઢીઓ જવાબદાર છે, આજની આવી હાલત માટે!! નદીઓમાં પાણી ઘટી રહ્યું છે, એન્ટાર્કટિકા ખંડમાં બરફ ઓગળી રહ્યો છે, દિવસને બદલે રાત્રે કામ કરવું પડે છે. 20મી અને 21 મી સદીમાં ઉદ્યોગીકરણને જ મહત્વ આપ્યું ખાલી પર્યાવરણની જાળવણી કરી જ નથી કોઈએ, એટલે જ અત્યારે આપણે ભોગવવું પડે છે.
રોહિત : સાચે હો ભાઈ, હું સ્કૂલમાં ઈતિહાસમાં ભણેલો કે જેને ઉદ્યોગ ખોલવો હોય કે ફેક્ટરી નાખવી હોય તેણે પૈસા ખવડાવી ને અથવા લાંચ આપીને જ કામ કર્યું હતું અને જેણે અવાજ ઉઠાવ્યો તેને દબાવી દેવામાં આવતો.
શિવમ : આજે આટલા મહિનાઓથી આ હાલાકી થઈ છે ત્યારે હવે કહી શકાય છે વિશ્વ અંધકારમાં જ ધકેલાઇ ગયું છે.
આવી જ ચર્ચાઓ બંને વચ્ચે થઈ રહી હતી, વિશ્વમાં સમસ્યા પણ એવી જ થઈ હતી, ભારતની જ નહીં પણ વિશ્વની મોટી મોટી નદીઓ સુકાઈ જવાના આરે હતી, વરસાદના પાણીને નાગરિકો બચાવીને પૂરું વર્ષ ચલાવી રહ્યા હતા, વિશ્વમાં રોજ સૂર્ય ઊગતો પરંતુ માનવીના જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો.
To be continued....