Dhruvansh - 8 books and stories free download online pdf in Gujarati

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 8

(આપણે આગળના ભાગમાં જોયું કે ધ્રુવ હોસ્પિટલની બહાર નીકળે છે તો તેને વંશિકા ક્યાંય દેખાતી નથી એટલે તે વંશિકાને શોધે છે. વંશિકા મળતા તેને ખિજાઈને પોતાના ઘરે લઈ જાય છે. ધ્રુવને કોઈ પોતાના રૂમમાં આવે તે પસંદ નહતું માટે વંશિકા બિલ્લુના રૂમમાં સુવે છે. બીજી તરફ dgp નું નામ ધૈવત હોય છે. તે ઉદાસી સાથે રૂમમાં બેઠો હોય છે, આ જોઈ ગુલાબોને પણ નવાઈ લાગે છે પણ તે કશું બોલતી નથી. ત્યાં ધૈવતના મમ્મી - પપ્પાનો કોલ આવતા વાત કરે છે. બીજી તરફ સવાર પડતા રૂમમાં કોઈ આવે છે અને વંશિકાને જોઇને ડરી જાય છે. હવે આગળ....)

સવારે વંશિકા ગાઢ નિંદ્રામાં હતી ત્યારે કોઈ રૂમની અંદર આવ્યું. તે આળસ મરડતો બેગ સાઈડ પર મૂકી પાછળ તરફ ફર્યો. પાછળ તરફ ફરતા પોતાના બેડ પર કોઈને સૂતા જોઈને તેની ચીસ નીકળી ગઈ,"આ...." તેની ચીસ સાંભળી વંશિકા ઊભી થઈ અને તે યુવકને જોતા તે પણ ચીસ પાડી રહી,"આ...."

"કોણ છે તું?" યુવકે પૂછ્યું.

"તમે કોણ છો?" વંશિકાએ પૂછ્યું.

"આ મારો રૂમ છે. હું અહીંયા રહુ છું. તું કોણ છે?" તે યુવક બોલ્યો. આ સાંભળી વંશિકા રાહતનો શ્વાસ લઈ બેડ પર બેસતા બોલી,"અચ્છા.... તો તમે બિલ્લુજી છો ?!"

"તને મારૂ નામ કઈ રીતે ખબર ?! હા હું જ છું બિલ્લુ પણ તું કોણ છે ? અને અહીંયા મારા રૂમમાં શું કરે છે?!" બિલ્લુએ પૂછ્યું.

"તેનું નામ વંશિકા છે. મે જ તેને અહીંયા સૂવાનું કહ્યું હતું." બન્નેની ચીસો સાંભળીને જાગી ગયેલ ધ્રુવ રૂમમાં પ્રવેશતા બોલ્યો.

વંશિકા બેડ પરથી ઊભી થઈ બિલ્લુ પાસે જઈને હાથ લંબાવતા બોલી,"Hii...."

"Hii..." બિલ્લુ મૂંઝવણ સાથે હાથ મિલાવતા બોલ્યો કારણકે તેને હજુ ખબર નહતી કે વંશિકા કોણ છે.

"વંશિકા તું અહીંયા બેસ અમે આવીએ હમણાં. બિલ્લુ મારી સાથે ચાલ..." ધ્રુવ બોલ્યો. ધ્રુવ અને બિલ્લુ બન્ને નીચે ઉતરી ડ્રોઈંગ રૂમમાં પહોંચ્યા.

"ધ્રુવ, કોણ છે આ વંશિકા? આપણા ઘર પર કોઈ દિવસ એકપણ છોકરીનો કદમ નથી પડ્યો અને આપણે શું નક્કી કર્યું હતું કે છોકરીઓથી પાંચસો ફૂટ દૂર રહેવું..!!!" બિલ્લુ એક સાથે ઘણું બધું બોલી ગયો.

"શાંત.... મારા ભાઈ શાંત.... તું સમજે છે તેવું કશું નથી."

"તો શું છે?!"

"આખી વાત તો સાંભળ..."

"હા ભોંકો....."

"પેલા દિવસે તારી સાથે સ્ટેશન પર વાત કરીને હું સીટ નંબર જોતો હતો ત્યારે અચાનક એક છોકરીએ આવીને ટક્કર મારી."

"તે છોકરી એટલે આ ઉપર છે તેને?!"

"હા ડોબા વંશિકાનું જ કહું છું...."

"Okay...okay...continue....."

"હા તો ધક્કો લાગવાથી મારો મોબાઈલ પડી ગયો એટલે હું ગુસ્સામાં ખીજાતો હતો કે તે મને અચાનક ભેટી પડી!"

"ભેટી પડી?!"

"હા.... એટલે મેં ગુસ્સામાં તેને અલગ કરી તો તેણે મને ગુંડા બતાવ્યા અને કહ્યું કે તે તેની પાછળ પડ્યા છે તેનાથી બચવા તે ભેટી હતી."

"પછી ?!"

"પછી શું ?! તે ગુંડાઓના હાથમાં તો મોટા ચાકુ અને ગનને એવું બધું હતું. હું કઈ બોલું ત્યાં તેઓએ અમને જોઈ લીધા અને તે છોકરી મારો હાથ પકડી દોડવા લાગી. એક ચાકુ તો અમારી સાવ નજીકથી પસાર થયું. અમે ફટાફટ એક ડબ્બામાં ચઢી ગયા. હું ડરીને તેને છોડીને મારી સીટ પર આવી ગયો. બીજા બે સ્ટેશન પછી એક સ્ટેશન પર હું પાણી લેવા ઉતર્યો ત્યારે તે ત્યાં બાંકડા પર બેઠી હતી. તેની પાસે ટિકિટ નહતી એટલે તેને ટ્રેઇનમાંથી ઉતારી દીધી હતી. મને દયા આવી એટલે મે તેને તારી સીટ આપી દીધી. તેણે કહ્યું તેને અમદાવાદ સાથે જૂનો સંબંધ છે માટે તે કોઈ લક્ષ્ય પૂરું કરવા અહિયાં આવશે. અમદાવાદ આવતા અમે બન્ને છુટ્ટા પડ્યા."

"તો તે તારી સાથે શું કરે છે?!" બિલ્લુએ ધ્રુવને શંકા ભરી નજરે જોતા પૂછ્યું.

"હા હવે થયું તેવું કે...." ધ્રુવ બિલ્લુને હકીકત જણાવવા જતો હતો કે અટકયો અને વિચારવા લાગ્યો,"આને જો સાચું કહીશ તો ઊંધો જ અર્થ કાઢશે કે તને કોઈ છોકરીની ચિંતા શું કામ થાય વગેરે... તેના કરતાં બીજી કહાની ઘડવી પડશે...)

"આગળ? બોલ...." બિલ્લુ રાહ જોઈને અકળાતા બોલ્યો.

"હા હવે થયું તેવું કે હું તો ઘરે આવી ગયો હતો પણ મને હોસ્પિટલ પરથી કોલ આવ્યો કે વંશિકા નામની છોકરી બેભાન થઈ ગઈ અને તેને admit કરી છે એટલે હું ત્યાં ગયો અને તેની તબિયત વધુ સારી નહતી એટલે તેને ઘરે rest કરવા લઈ આવ્યો."

"વાહ..... આપણે તો ધર્મશાળા જ ખોલી રાખી છે! રસ્તા પરથી કોઈને ઉપાડીને ઘરે લઈ આવવાના...." બિલ્લુ તાળી પાડતા ગુસ્સામાં બોલ્યો. આ બિલ્લુની સ્પેશિયલ સ્ટાઈલ હતી, તે જ્યારે ગુસ્સામાં હોય એટલે આવી રીતે તાળી પાડી ગુસ્સામાં
પોતાની વાત કહે.

"તેવું નથી ભાઈ. બિચારી નાની છોકરી છે...તું જ કહે ક્યાં જાત રાતના સમયે?!"

"હવે તો સવાર છે ને?! હવે તો ગમે ત્યાં જઈ શકે છે..." કહેતા બિલ્લુ સીડી ચઢવા લાગ્યો. ધ્રુવ તેની પાછળ ગયો અને જોરથી તેનો હાથ પકડીને નીચે ઊતાર્યો.

"સાંભળ.... તું શાંતિ રાખ... બે ત્રણ દિવસની વાત છે અને તે છોકરી અત્યારે કેવી હાલતમાં છે તે ખબર પણ છે તને?! તે અત્યારે ઘણું બધું સહન કરે છે. આપણે તેની મદદ કરવી જોઈએ અને હા જો હું કશુ કરું છું તો સમજી વિચારીને જ કરતો હોઈશ ને? થોડો તો વિશ્વાસ રાખ..." ધ્રુવ ગુસ્સામાં બોલ્યો.

ધ્રુવને ગુસ્સામાં જોઈ બિલ્લુ શાંત પડ્યો,"વાંધો નહિ... પણ બે ત્રણ દિવસ જ પછી હું આ સહન નહિ કરું!"

"હા મારા બાપ ત્રણ દિવસ તો શાંતિ રાખ." ધ્રુવ બોલ્યો.
ધ્રુવ અને બિલ્લુ એક બીજા પર હક જતાવતા અને હમેશા એક બીજા માટે ચિંતામાં રહેતા એટલે બન્ને એક બીજા વતી નિર્ણયો પણ લઈ લેતા!

"હવે તું જણાવીશ કે તું અચાનક ક્યાં ગાયબ થઈ ગયો હતો?!"
ધ્રુવે પૂછ્યું. આ સાંભળી બિલ્લુ બોલ્યો,"તું ગુસ્સો નહિ કરતો. તો જણાવું...."

"વાત પર નિર્ભર છે. ગુસ્સો શું માર ખાવા જેવી વાત હશે તો માર પણ ખાઈશ. પહેલા વાત જણાવ...." ધ્રુવ બોલ્યો.
બિલ્લુ બે ડગલાં દૂર જઈને બોલવાની પોઝીશનમાં આવ્યો.


🍁🍁🍁

અહીંયા બિલ્લુના રૂમમાં વંશિકા બેડ પર એકલી બેઠી કંટાળી રહી હતી. તેણે રુમમા નજર ફેરવી. રાત્રે તો તે થાકીને સુઈ ગઈ હતી એટલે રૂમ તરફ નજર પણ નહતી કરી પણ અત્યારે તે રૂમને નિહાળવા લાગી. તે બેડ પર બેઠી હતી, તેની સામેની દીવાલમાં સ્લિમ અને મોટું ટી. વી હતું. છતમાં મોટા બે ઝુમર હતા. એક બેડની આગળ સોફા હતા તેના પર અને બીજું દરવાજાની બીજી બાજુ મોટું પિયાનો હતું તેના પર. પિયાનો જોઈને વંશિકાની આંખો પહોળી થઇ ગઈ. પિયાનો ખુબજ મોટું અને સુંદર હતું, તેની દીવાલ પર મોટી બારી હતી.
તેને અડકીને આવેલ દીવાલ પર ઝરૂખો (બાલ્કની) પડતો હતો.તેને અડકીને આવેલ દીવાલ એટલે કે ટી. વી વાળી દીવાલ પર મોટી ફોટોફ્રેમ હતી, જેમાં બે બાળકોનો ફોટો હતો.

"ફોટો જોઈને એવું લાગે છે જાણે બન્ને બાળકો એકબીજાના હાથમાં રહેલ આઈસ્ક્રીમ ઝૂંટવતા હોય અને ચાલુ ઝઘડાએ તેમને કોઈએ કહ્યું હોય,"કેમેરા તરફ જુઓ..say cheez..." આવી કલ્પના કરી વંશિકા હસી પડી. બેડની ઉપર ફરતે ગોળ મોટો અરીસો હતો અને તેની દીવાલ પૂરી લાઈટવાળી ચમકદાર હતી.

બેડને અડકીને આવેલ દીવાલમાં બે દરવાજા પડતા હતા. એક તો બાથરૂમ હતું તે વંશિકાને ખબર હતી પણ બીજા દરવાજા પાછળ શું હતું તે વંશિકા નહતી જાણતી. તે દરવાજો ખોલવા ગઈ પણ દરવાજો ખુલ્યો નહિ.

"દરવાજો લોક લાગે છે તેવું તો શું હશે કે રૂમ લોક છે!" વંશિકા વિચારી રહી પછી તરત બીજો વિચાર આવ્યો,"છોડ, મારે શું?!" અને તે ઝરૂખામાં ગઈ. ઝરૂખો આખો ગ્રીન ફર્શ વાળો અને સાચા છોડવા ઉગાડેલ હતા. ઝરૂખામાંથી આગળના ભાગનું દ્ર્શ્ય ખુબજ સુંદર દેખાતું હતું. સૂરજના તાજા કિરણો ચહેરા પર પડતાં હતાં, વંશિકા આળસ મરડતા ઊભી રહી,
"બિલ્લુજીનો રૂમ કેટલો જીવંત લાગે છે! એકદમ મસ્ત!"

ત્યાં તેની નજર બાજુના ઘર પર પડી કે તે ચોંકી ગઈ.

🍁🍁🍁

ડ્રોઈંગરૂમમાં ધ્રુવ અને બિલ્લુ ઊભા હતા. બિલ્લુ બોલ્યો,
"હું તારી સાથે દરભંગાથી અમદાવાદ એટલા માટે નહતો આવ્યો કારણકે આપણે તે રાત્રે લુડો રમીને સૂઈ ગયા હતા કે મને રાત્રે ત્રણ વાગ્યે યશરાજનો કોલ આવ્યો કે તેની પત્ની ભાગી ગઈ છે." બિલ્લુ બોલ્યો.

"What ?! તેની પત્ની શા માટે અચાનક ભાગી ગઈ? અને આ મને નહિ ને તને શા માટે કહ્યું?!" ધ્રુવ નવાઈ સાથે બોલ્યો.

"કારણકે પૃથ્વીરાજ અંકલ તને પરેશાન કરવા નહતા ઈચ્છતા અને તેમને ખબર હતી કે તારે અહીંયા ઘણા કામ છે. આમપણ તેની પત્ની ખોવાઈ ગઈ તેમાં આપણે શું કરી શકીએ?! આપણે ના તો તેની પત્નીને ક્યારેય જોઈ છે ના કોઈ વાર મળ્યા છે!"

"તારી વાત તો સાચી છે પણ તેની પત્ની શા માટે ભાગી ગઈ હશે?"

"તે તો ભાગવાનની જ હતી. જબરદસ્તી લગ્ન કરો તો તેમ જ થાય અને આ ભાઈ કેટલો કાબૂ રાખતો બિચારી પર, તેણે એક વર્ષ સહન શા માટે કર્યું તે જ નથી સમજાતું!"

"હા, એટલે તો આપણે તેના લગ્નમાં પણ નહતા ગયા પણ તેઓએ ચાર દિવસ પહેલા તો લગ્નની પહેલી વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને તેના માટે તો આપણે ત્યાં ગયા હતા. કેટલો આગ્રહ કર્યો પછી તો આપણે માન્યા હતા ત્યાં જવા માટે. સારું થયું ભાગી ગઈ કારણકે યશ ભલે મારો ભાઈ જેવો હોય છતાં મને તેની પત્નીની દયા આવતી હતી, યશ અમુક બાબતમાં ખરેખર રાક્ષસ બની જાય છે! એટલે મને તેની સાથે ઓછું ભળે અને મોં પર બોલું તો ગુસ્સો કરીને ઝઘડો કરે!"

"મુખ્ય કારણ તને ના બોલાવવાનું તે જ હતું. તારું ડાચું ત્યાં પણ બંધ ન રહેત અને તું યશ સાથે ઝઘડો કરેત અને અત્યારે તેનો ગુસ્સો સાતમા આસમાન પર છે એટલે અંકલે તને કહેવાની જ ન પાડી."

"હા...હા...અંકલ માટે તેમનો દીકરો પહેલા રહેવાનો! વાંધો નહિ છતાં આપણું ઘણું રાખે છે! છોડો..પછી શું થયું ? મળી કે નહિ?"

"ક્યાંથી મળે આટલીવારમાં ?!"

"તો તું શું અહીંયા આવી ગયો ?! ત્યાં મદદ કરાયને!"

"પણ હવે તેની પત્ની તો ભાગીને કેરેલા જતી રહી. હવે મારું ત્યાં શું કામ માટે પૃથ્વી અંકલ કે જા અને આમપણ આપણે વધુ તેમની સાથે સંબંધ હવે રાખ્યો નથી તો વધુ પડાય નહિ."

"સારું કર્યું. તે જાણે અને તેનો પરિવાર જાણે. છોડ... ચાલ, વંશિકા ઉપર એકલી છે. જઈએ...." ધ્રુવ બોલ્યો અને ચાલવા લાગ્યો.

વંશિકા નામ સાંભળી બિલ્લુના પગ ત્યાં જ જડાયેલ રહ્યા. તેનું મગજ દોડવા લાગ્યું. તેની આંખો પહોળી થઇ ગઈ. તે બોલ્યો,
"ધ્રુવ...."

ધ્રુવ જે બે - ત્રણ દાદર ચઢી ગયો હતો. તે અટકયો અને પાછળ ફરીને પૂછ્યું,"શું થયું ?!"

"ક્યાંક વંશિકા જ યશરાજની પત્ની નહિ હોય ને?!" બિલ્લુ બોલ્યો.

ક્રમશ :.......

(તમને શું લાગે છે? શું ધ્રુવ અને બિલ્લુને ખબર પડી જશે કે વંશિકા જ યશરાજ પત્ની છે?! અને વંશિકા શું જોઈને ચોંકી ગઈ ?! જાણવા વાંચતા રહો. ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની..... અને હા તમારા પ્રતિભાવ ફિક્કા કેમ પડે છે?! સરસ પ્રતિભાવ આપો તો તમારી આ લેખિકાને વધુ સરસ લખવાનું પ્રોત્સાહન મળે.... જય સોમનાથ 🙏🏻)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED