Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 1




નોંધ : આપણા ધારાવાહિકના ઘણા પાત્રો ગુજરાતી નથી પણ અન્ય રાજ્યના એટલે કે હિંદી બોલવાવાળા છે પણ વાંચનમાં ખલેલ ન પહોંચે અને એક રસ જળવાય રહે તેના માટે બધા સંવાદો ગુજરાતીમાં જ રાખેલ છે. તેમજ આ ધારાવાહિક કે
ધારાવાહિક લખનારને કોઈ પ્રદેશ સાથે કોઈ વાંધો નથી. જે સવાંદો કે રમૂજ પ્રદેશ માટે વપરાયેલ છે તે ફકત વાર્તા માટે જ છે. તેમજ અહીંયા દરેક પાત્રો કોઈ રહસ્ય સાથે જોડાયેલ છે એટલે પાત્ર પરિચય વિના સીધા જ જોડાઈએ આપણા ગેંગસ્ટરની પ્રેમ કહાનીમાં.....

(study અને further works ની વચ્ચે ખાસ સમય કાઢીને આ ધારાવાહિક લખું છું તો please તમારા પ્રતિભાવ આપી પ્રોત્સાહિત જરૂથી કરજો. 🙏🏻❤️)




🍁🍁🍁


રાતનો સમય હતો. બધે અંધારું છવાયેલ હતું. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. વાદળની ગર્જના અને પવન ફૂંકાવાને કારણે અથડાતી બારીઓ સિવાય વાતાવરણમાં અન્ય કોઈ અવાજ નહતો. સમગ્ર ઓરડીમાં અંધારું છવાયેલ હતું.
વીજળીનો ચમકારો થતા ઓરડીમાં પ્રકાશ થયો. તે ખાલી ઓરડીમાં સુટ બુટ પહરેલ એક યુવક હાથ પાછળ રાખીને આંખ બંધ કરીને ઊભો હતો. તેનો ચહેરા પરના હાવભાવ શાંત લાગતા હતા. ડરની એકપણ લકીર દેખાતી નહતી.

યુવકની સામે ગાઉન પહેરીને સુંદર રીતે તૈયાર થયેલ યુવતી યુવક તરફ હાથમાં ગન તાકીને ઊભી હતી. તેની આંખોમાં નફરત અને બદલાની આગ સળગતી દેખાતી હતી. ઓરડીમાં ફરી અંધારું થઈ ગયું. થોડી સેકેન્ડોમાં ફરી વીજળીનો ચમકાર થયો અને તે સાથે જ ગનમાંથી ગોળી છૂટવાનો અવાજ શાંત વાતાવરણને ચીરતો આસપાસના વાતાવરણમાં પડઘો પાડી રહ્યો.

ક્ષણવારમાં ગોળી યુવકના પેટની આરપાર થઈ ગઈ. તેણે આંખો ખોલી. તેના ચહેરા પર સ્મિત હતું. તે બોલ્યો,"પરીક્ષામાં પાસ થઈ ગઈ, મારી ટ્રેઇનિંગ સફળ રહી."

ત્યાં ફરી ગોળી છૂટવાનો અવાજ આવ્યો પણ તે ગોળી યુવતીના હાથમાં રહેલ ગનમાંથી નહતી છુટી. ત્યાં જ યુવતી ચીસ સાથે જમીન પર ઢળી પડી. તેના પગમાં ગોળી વાગી હતી. તેણે દરવાજા તરફ જોયું. કારની લાઇટનો પ્રકાશ ઓરડી પર પડ્યો. કારમાંથી નીકળીને ચાર - પાંચ માણસો ગન સાથે દોડીને આવી રહ્યા હતા. યુવતી હિમંત કરીને ઊભી થઈ અને પાછળની ભાગમાં રહેલ બારી ઠેકીને ઓરડીની બહાર નીકળી દોડવા લાગી.

યુવક હજુ એમ જ ઉભો હતો. તેણે પેટમાં હાથ ફેરવ્યો, તેનો હાથ લોહીથી ખરડાય ગયો. તે જમીન પર ઘૂટણભેર ધસી પડ્યો. ચાર પાંચ આવેલ લોકોમાંથી જે સહુંથી આગળ ઊભો હતો તેણે યુવતી તરફ નિશાન તાક્યું . પંદર વર્ષના અનુભવી તે માણસનો નિશાન ચૂકાત નહિ તેની જાણ યુવકને હતી માટે તેણે બને તેટલા મોટા અવાજે ચીસ પાડી" નહિ.....please....એને જવા દે.." છતાં તે યુવતીને છોડે તેમ નહતો તે યુવકને ખબર હતી માટે તેણે ચીસ પાડી,"મને હોસ્પિટલ લઈ જા, હું મરી જઈશ..."

આ સાંભળી તે માણસ યુવક તરફ દોડ્યો. અન્ય સાથીઓએ યુવતી તરફ શૂટ કર્યું પણ બધાથી બચતી પોતે સામી ગોળી ચલાવતી યુવતી ત્યાંથી છટકીને જતી રહી. જતા જતા તે બોલી,"ગમે તેટલા પ્રયત્નો કરી લો, હવે તમારો ભાઈ નહિ બચે...." અને નીકળી ગઈ. યુવક તેને જતા જોઈ રહ્યો. તેની આંખો મીંચાઈ ગઈ. તેને હાથમાં લીધેલ સાથીએ ફટાફટ તેને ઉપાડીને કારમાં નાખ્યો અને હોસ્પિટલ તરફ કાર ભગાવી. યુવકના શ્વાસ ધીમા પડી ગયા હતા અને ધબકાર પણ.

🍁🍁🍁

છ મહિના પહેલા.....

બિહારનું દરભંગા જિલ્લાનું રેલવે સ્ટેશન લોકોથી ભરાયેલ હતું.

"દરભંગા સ્ટેશન બિહારથી નીકળીને અમદાવાદ ગુજરાત
જનાર સાબરમતી એકસપ્રેસ નંબર 19166 પ્લેટફોર્મ નંબર 1 પર ઊભી છે, જે પંદર મિનિટમાં સ્ટેશન છોડી દેશે.." પ્લેટફોર્મ પર અનાઉસ્મેન્ટ થઈ.

"સાંભળ્યું ?! તારી પાસે ફકત પંદર જ મિનિટ છે!!!"લોકોની ભીડ વચ્ચે ખભે બેગ લટકાવી અને એક હાથમાં ફોન પકડીને ઉભેલ યુવક ફોનમાં કોઈને કહી રહ્યો હતો.

"અરે ભાઈ, તું ચાલ્યો જા. મારે નહિ પહોંચાય." સામે છેડેથી અવાજ આવ્યો.

"બિલાલ.....અચાનક એવું તો શું કામ આવી ગયું ?!" યુવક ગુસ્સામાં બોલ્યો.

"અરે યાર ધ્રુવ, તું ગુસ્સે ના થા. હું મારી રીતે પહોંચી જઈશ. તું આ ટ્રેઇનમાં નીકળી જા. હું જરા એક કામમાં ફસાઈ ગયો છું. તું પહોંચી જા ત્યાં આમપણ તારું કામ છે." સામે છેડેથી બિલાલે કહ્યું.

"હા, સારું તું તારી રીતે આવજે બીજું શું." યુવક.

"આજે તારો અવાજ આટલો ઢીલો શા માટે છે?! શું થયું ?!" બિલાલ.

"કશું નથી થયું." યુવક.

"ધ્રુવ..... તું મારી સામે ખોટું ન બોલ..." બિલાલ

"ખબર નહિ યાર બિલાલ, અચાનક મને ગભરામણ થાય છે! કાલે મને અજીબ જ સપનું આવ્યું !" યુવક એટલે કે ધ્રુવ

"શું સપનું આવ્યું?!" બિલાલ.

"હું સપનામાં મરી જાઉં છું." ધ્રુવ.

"અરે રે... મને તો આવા સપના દરરોજ આવે છે. આપણે તો દરરોજ મુશ્કેલીનો સામનો કરવાનો હોય, ખબર નહિ ક્યારે મોત સાથે ભેટો થઈ જાય! તું આટલી વાતમાં ડરી ગયો?"

"તને લાગે તારો ભાઈ મોતથી ડરે! મોત તો આપણી મિત્ર છે! પણ આ સપનું બહુ વિચિત્ર હતું!"

"તેવું તો કેવું વિચિત્ર સપનું હતું?!"

"હું એકલો એક બાંકડામાં બેઠો હોઉં છું અને એક છોકરી મારી પાસે આવે છે, હું તેની સામે નજર પણ નથી કરતો પણ તે મારી સામે આવીને ઊભી રહે છે અને મારી સાથે વાતો કરવા લાગે છે, ધીરે ધીરે હું પણ તેની સાથે વાતો કરવા લાગુ છું. હું તેને મારી પાસે બેસવા જગ્યા આપુ છું. અમે બંને હસી - હસીને વાતો કરતા હોઈએ છીએ ત્યા વાતો કરતા મારું ધ્યાન સામે રહેલ એક ઝાડ પર જાય છે ત્યાં એક છોકરી છૂપાઈને ઊભી હોય છે, હું તે છોકરીને જાણતો હોઉં છું, હું કંઇક વિચારું તે પહેલાં અચાનક મને ગોળી વાગે છે, હું જોઉં છું કે મારી પાસે બેસેલ છોકરી અને ઝાડ પાછળ છુપાયેલ છોકરી બન્નેના હાથમાં ગન હોય છે પણ મને ગોળી એક જ વાગી છે હવે તે ગોળી કોણે મારી તે ખબર નથી ત્યાં હું મરી જાઉં છું. સપનું પૂરું."

"આવું સપનું ?! બહુ વિચિત્ર છે. ઉપરથી છોકરીઓ?! જીવનમાં જેણે કદી છોકરીઓ સાથે વાત નથી કરી અને અચાનક તેના સપનામાં છોકરીઓ આવવા લાગે. ગજબ કહેવાય! જે હોય તે, તું વધુ મગજ ના દોડાવ. સપનું જ હતું, હકીકતમાં તેવુ ના થાય."

"હા એ પણ છે. સારું ચાલ મૂકું. bye." કહેતા ધ્રુવે ફોન કાપ્યો પણ તેના મગજમાં સપનાના વિચાર જ આવી રહ્યા હતા ત્યાં જ અચાનક તેની પીઠ સાથે જોરથી કોઈ અથડાયું. અચાનક આવેલ આંચકાને કારણે તે સહેજ આગળ ધકેલાયો અને તેનો ફોન જમીન પર પડી ગયો. તેણે ફોન ઉપાડ્યો, ફોનને કોઈ નુકશાન નહતું થયું તેથી હાશકારો થયો પણ ગુસ્સામાં પાછળ ફરી જોયું.

એક યુવતી સલવાર કમીઝ પહેરીને ઊભી હતી. અડધો ચહેરો ઓંધણી વડે ઢાંકેલ હતો,"sorry... sorry... મને ખબર નહતી..."બોલતા - બોલતા યુવતીએ ધ્રુવ તરફ જોયું કે તેનું મોં સિવાઈ ગયું. સવારના છ વાગ્યે આકાશમાંથી પડું પડું થતો સૂરજનો કૂણો તડકો ધ્રુવના ગોરા ચહેરા પર પડતો હતો, તેમાં તેની માંજરી આંખો ચમકતી ખુબજ સુંદર લાગતી હતી, કોઈપણ યુવતી હોય, ગમે તેવી અપ્સરા હોય, એક નજરમાં જ પ્રેમ થઈ જાય તેવો તેનો ચહેરો અને આંખો હતી! એ આંખો નહિ જાણે એક ગાઢ સમુદ્ર હતો.

ધ્રુવ ગુસ્સામાં બોલ્યો,"ઓ મેડમ.... દોડવું હોય તો મેદાનમાં જઈને દોડો.... આ રેલ્વેસ્ટેશન છે અહીંયા માણસો હોય!! અને આમ તમે છોકરીઓ જોયા વિના ચાલો અને અથડાઈ જાઓ અને પછી આરોપ અમારા માથે નાખો કે અમે જાણી જોઈને અથડાયે છીએ ! છેડતી કરીએ છીએ, હું કહું પણ કોને છું! તમે બિહારી લોકો આવા જ હોય...."

ધ્રુવ બોલતો હતો ત્યાં તે યુવતી તેને ભેટી પડી. ધ્રુવનું મોં સિવાઈ ગયું. તે સ્તબ્ધ થઈ ગયો! તેને આ સ્પર્શ કઈક જાણીતો લાગ્યો, એક હૂંફ મળી પણ તેણે સભાનતા સાથે તરત જ તે યુવતીને અલગ કરી.

"અરે ગજબ ચિપકુ છે યાર તું ! કોણ છે ? અને મને ઓળખે છે કે આ રીતે ચીપકી પડી! હું તને નથી ઓળખતો." ધ્રુવ ચિડાયેલ અવાજે બોલ્યો.

યુવતી પોતાની ઓઢણી વડે પોતાનું આખું મોં ઢાંકી યુવકની બાજુમાં ઊભા રહી સામેની તરફ જઈ રહેલા ત્રણ થી ચાર લોકો તરફ આંગળી ચીંધતા બોલી,"તે લોકો હમણાં અહીંયાથી નિકળા હતા તેઓ ઓળખી ના જાય એટલે મારે તમને ગળે લાગવું પડ્યું. માફ કરશો..."

ધ્રુવે તે લોકો તરફ જોયું. જેમની ફકત પીઠ દેખાતી હતી. તેમના હાથ તરફ ધ્યાન જતા તે ડરી ગયો,"બાપરે.....! તેમના.... હાથ....માં.... ગ..ન અને તલવાર છે!!!!"

આ સાંભળી યુવતી બોલી,"મને મારવા નિકળા છે તો ગન અને તલવાર જ હોયને થોડી આરતી હોય !!"

"તને મારવા નિકળા છે ?! તેવું તો તે શું કર્યું ?!" આટલું બોલતા ધ્રુવે તે યુવતી તરફ ઉપરથી નીચે સુધી નજર કરી અને સહેજ નજીક જઈ પૂછ્યું,"ચોરી ?!" યુવતીએ નકારમાં માથું ધુણાવ્યું.

"હાય.... હાય... તો તે ક્યાંક તેમનું બાળક નથી ચોરાવ્યુંને?"
ધ્રુવ સહેજ ઊંચા અવાજે અને આંચકા સાથે બોલ્યો.

તે યુવતી ગુસ્સામાં બોલી,"શું ?! ધીમે બોલો! મે કોઈનું બાળક નથી ચોરાવ્યું ! અને બાળક ચોર્યુ હોય તો હું એકલી હોય કે મારી પાસે બાળક પણ હોય?!"

"બાળક વેચી પણ લીધું હોય અને હવે ભાગી જવા આવી હોય! કોને ખબર?!"

"હું શા માટે બાળક ચોરું પણ?!" યુવતી ગુસ્સા અને નવાઈ સાથે બોલી.

"મને શું ખબર! આમપણ તમારા બિહારી લોકોનું નક્કી નહિ!"
ધ્રુવ બોલ્યો. યુવતી તેની વાતોથી ચિડાઈ રહી હતી તે જોઈ તે હસી રહ્યો હતો. ત્યાં પવનની એક મોટી લહેર આવતા યુવતીની ઓઢણી માથેથી સરકીને સહેજ નીચે ઉતરી. ધ્રુવની નજર તેના ચહેરા પર પડી, ચહેરા પર પાંચ આંગળીના લાલ નિશાન સ્પષ્ટ દેખાતા હતા! ફૂલ સ્લિવના કમીઝમાંથી પણ હથેળી નજીક રહેલ લાલ નિશાન બહાર ડોકિયું કરી રહ્યા હતા. ધ્રુવનું ધ્યાન ત્યાં ગયું.

તે યુવતીને આ વાતનો અંદાજ આવી ગયો હોય તેમ સ્લિવને હથેળી સુધી ખેંચવાનો પ્રયત્ન કર્યો અને ફટાફટ ઓઢણી ઓઢી લીધી અને બોલી,"તમારે જે સમજવું હોય તે સમજો! મારી પાસે આ બધી વાતોનો સમય નથી! " કહેતી તે યુવતી ત્યાંથી જવા લાગી ત્યાં ધ્રુવે તેનો કોણીના ભાગથી હાથ પકડી લીધો. યુવતીએ નવાઈ સાથે ધ્રુવ તરફ જોયું.

"ઓ મિસ્ટર.... મારો હાથ શા માટે પકડ્યો છે?! છોડો...." તે સહેજ ગુસ્સામાં બોલી.

"એમ કઈ રીતે છોડું ? જોતા તો ઉંમરમાં ઘણી નાની લાગે છે! આવડી નાની છોકરીનો આટલા મોટા ગુંડા શા માટે પીછો કરતા હોય?!" ધ્રુવ બોલ્યો.

"એ તમારો વિષય નથી! મને જવા દો...." યુવતી કડક શબ્દમાં બોલી.

"જવું હોય તો જા પણ ગુંડાઓ જોયાં છે ? કેટલા હટ્ટા - કટ્ટા છે ! તેમની પાસે ખતરનાખ હથિયારો છે! તને શોધવા આ રેલ્વે સ્ટેશનમાં બધે તેઓ છવાઈ ગયા હશે ! તું બચીને ક્યાં જઈશ ?!" ધ્રુવે ચિંતા સાથે કહ્યું.

"હું છટકી જઈશ અને નહિ છટકી શકીશ તો છેલ્લે મરી જઈશ એ મારો પ્રશ્ન છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી." યુવતી બોલી.

આ સાંભળી ધ્રુવે તેનો હાથ છોડી દીધો અને તાલી પાડતા બોલ્યો,"વાહ....વાહ...ભલાઈનો જમાનો જ નથી! મારા ખભા સુધી પણ પહોચતી નથી છોકરી અને હોશિયારી તો સમાતી નહિ! સારું જા, આમપણ..."

તે બોલી રહ્યો હતો ત્યાં તેના હાથને ઠંડા હાથનો સ્પર્શ થયો, તેનું મોં બંધ થઈ ગયું, તે કઈ સમજે પહેલા યુવતી તેનો હાથ પકડીને દોડવા લાગી, તે કશું સમજ્યા વિના તેની પાછળ પાછળ દોડી રહ્યો!

"અરે..! આપણે ભાગી શા માટે રહ્યા છે? અને ક્યાં જઈ રહ્યા છે?!" ધ્રુવે પૂછ્યું.

"તે ગુંડાઓએ આપણને જોઈ લીધા છે એટલે આપણે ભાગી રહ્યા છે." યુવતી બોલી ત્યાં ધ્રુવની સાવ કાનની નજીકથી ચાકુ ઉડીને પસાર થયું. તે હેબતાઈ ગયો અને મોંમાંથી ચીસ નીકળી પડી,"ઓ માં...."

ધ્રુવ ડરી ગયો હતો પણ યુવતી ડરી નહતી તેણે દોડવાની ઝડપ વધારી અને થોડે આગળ જતાં એક ડબ્બામાં ચઢી ગઈ અને સાથે ધ્રુવને પણ ચઢાવ્યો.

બન્ને અંદર ચઢયા પણ યુવતીના પગ થોભ્યા નહિ, તે ધ્રુવને લઈને અને ધ્રુવ તેનો સામાન લઈને બીજા બે ડબ્બા આગળ જતાં રહ્યાં. ધ્રુવ તો સાવ સૂનમૂન ઊભો હતો. તેની આંખો ફાટેલ હતી અને મોં ખુલ્લું અને એકીટશે સામેની તરફ જોઈ રહ્યો હતો. તેને હલાવતા યુવતી બોલી,"hello.... શું થયું તમને?!"

ધ્રુવ જાણે ભયાનક સપનામાંથી જાગ્યો હોય તેમ બોલ્યો,"ના... ના... મે કશું નથી કર્યું!! એ તો આ મને સાથે ભગાવીને લઈ આવી..." ધ્રુવ બોલ્યો ત્યાં યુવતીએ ફરી તેને અટકાવ્યો,"અરે પણ અહીંયા કોઈ નથી, હું જ છું!"

ધ્રુવ જાણે સરખો ભાનમાં આવ્યો. યુવતીએ હજુ તેનો હાથ પકડેલ હતો, હાથ ઝટકાવતા તે બોલ્યો,"અરે...બાપરે... કોણ છે તું?! તારા કારણે આજે મારું રામ નામ સત્ય થઈ જાત! તું જે હોય મારે તારી સાથે કોઈ સંબંધ નથી. હું જાવ છું..."

"આટલો જ ડર લાગે છે તો પછી મારી ચિંતા શા માટે થતી હતી?!" યુવતી ગુસ્સામાં બોલી.

"મને થોડી ખબર હતી તે લોકો આટલા ખતરનાખ હશે. મારી ભૂલ થઈ ગઈ, કે મે તને બચાવવાનું વિચાર્યું અને તારી ચિંતા કરી. હું ઘરેલુ માણસ છું, મારે ઘરે માં, બાપ, બહેન છે. મારે કોઈ લફડામાં નથી પડવું!" બોલતા ધ્રુવ બીજી બાજુથી ડબ્બાની બહાર નીકળી ગયો. ત્યાં ટ્રેઇનનું હોર્ન સંભળાયું. યુવતી ધ્રુવને જતા જોઈ રહી......

ક્રમશ :.......

(યુવતી કોણ હશે ? તેની પાછળ ગુંડાઓ શા માટે પડ્યા હશે? અને શું ફરીથી ધ્રુવ અને તે યુવતીની મુલાકાત થશે? બન્નેની પહેલી મુલાકાત તો અટપટી રહી ? ધ્રુવ યુવતીને અધુરો સાથ આપશે? હવે આગળ શું થશે જાણવા વાંચતા રહો. ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની.... થોભો...થોભો....પ્રતિભાવ આપતા જજો અને મારી વાર્તા પસંદ આવે તો અન્ય લોકોને શેર કરજો અને હજુ સુધી મને follow ના કર્યું હોય તો please follow જરૂરથી કરજો જય સોમનાથ 🙏🏻)

#stay safe, stay happy 😊