ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 7 Dimple suba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 7(આપણે આગળના ભાગમાં જોયું કે ધ્રુવ વંશિકાની હોસ્પિટલમાં સારવાર કરાવે છે અને ડોકટર તેના રિપોર્ટ કરી ધ્રુવને જણાવે છે કે ચિંતા જેવી વાત તો છે. બીજી તરફ dgp ધ્રુવ અને વંશિકા વિશે વિચારે છે અને બિહારનો સહુથી મોટો ગેંગસ્ટર યશરાજ સિંહ વંશિકા ના મળતા આગબબુલો થાય છે. હવે આગળ...)

રાતનો સમય હતો. વંશિકાને હોસ્પિટલમાંથી ડિસચાર્જ મળી ગયું હતું. ધ્રુવ કાઉન્ટર પર બિલ ભરી રહ્યો હતો અને વંશિકા દરવાજા પાસે ઊભી હતી. ધ્રુવ બિલ ભરીને જેવો દરવાજા પાસે આવ્યો તો તેને ત્યાં કોઈ દેખાયું નહિ. ધ્રુવ ચિંતામાં આવી ગયો, તેણે અંદર લોબીમાં આસપાસ બધે નજર કરી પણ વંશિકા ક્યાંય ના દેખાઈ એટલે તે બહાર ગાર્ડનમાં ગયો તો ત્યાં પણ નહતી, પાર્કિગમાં પણ નહતી! માટે તે સિક્યોરિટી પાસે ગયો.

"અંકલ, મારી સાથે જે છોકરી હતી તેને જોઈ?!" ધ્રુવે પૂછ્યું.

"હા, તે છોકરી તો હમણાં જ અહીથી નીકળી." સિક્યોરિટીએ કહ્યું.

"ક્યાં ગઈ ? તમે જતા જોઈ?"

"હા, આ રસ્તા પર ચાલીને ગઈ."

"Okay. Thank you."

ધ્રુવે પોતાની કાર કાઢી અને હોસ્પિટલના જમણા તરફના રસ્તા પર કાર હંકારી મૂકી, જ્યાં સિક્યોરિટીએ કહ્યું હતું કે વંશિકા ગઈ છે. તેણે કારની સ્પીડ વધારી.

"ક્યાં ચાલી ગઈ તું વંશિકા ?! કહ્યું હતું મારા વિના ક્યાંય જતી નહિ!" ધ્રુવ ગુસ્સામાં બબ્ડ્યો. તેને બપોરે ડોકટર સાથે કેબિનમાં થયેલ વાત યાદ આવી.....

"કઈ ચિંતાની વાત છે ડોકટર?!" ધ્રુવે પૂછ્યું.

"ચિંતાની વાત તો છે..." ડોકટર બોલ્યા અને આગળ કહ્યું,
"વંશિકાની ટ્રીટમેન્ટ કરવા જ્યારે તેના કપડા બદલ્યા ત્યારે ખબર પડી કે તેના શરીરમાં ઘણા જગ્યાએ મારના નિશાનો છે. એવું લાગ્યું જાણે તેને દંડો, પાઇપ કે બેલ્ટ જેવી વસ્તુઓથી મારેલ હોય."

આ સાંભળી ધ્રુવ ચોંકી ગયો,"શું ? આખા શરીરમાં છે?! મતલબ મે તેના કાંડા પર નિશાન જોયેલ તે મારનો હતો ?! અને જ્યારે તે મને મળી હતી ત્યારે તો તેના ગાલમાં ઝાપટની નિશાની પણ હતી."

"વંશિકા તને ક્યાંથી મળી ધ્રુવ?"

ધ્રુવે ડોકટરને સમગ્ર હકીકત જણાવી.

"મતલબ આ પોલીસ કેસ છે. તું પણ ખરેખર આવા માથાભારે કેસ જ માથે લેતો ફરે છે! અને દયાવાન તો ભારી! તને કંઈ થઈ જશે તો?!"

"અરે, મીરા જી. તમે તો મને ઓળખો છો. આ તમારો ધ્રુવ એમ કોઈથી ડરે નહિ અને બિચારી તે છોકરી નાની છે, એકલી છે, હું મદદ ના કરેત તો તેને કદાચ ફરી તે નર્કમાં જ જવું પડેત..."

"મને એક બાજુથી આ ઘરેલુ હિંસા લાગે છે અને બીજી બાજુથી ગુંડા અને...."

"ગુંડા અને શું?!"

મીરાજી વધુ ગંભીર બન્યા,"ધ્રુવ, વંશિકા પર શારીરિક બળજબરી કરવામાં આવી હોય તેવું પણ લાગે છે."

"You mean rape...?!"

મીરાજીએ હકારમાં માથું ધુણાવ્યું. ધ્રુવ ચોંકી ગયો.

"આવડી નાની છોકરીએ કેટલું સહન કર્યું!!!! અત્યારે તે કઈ માનસિક હાલતમાં હશે તેની કલ્પના પણ નથી કરી શકાતી!"

"ધ્રુવ, મને લાગે છે કે તારે તેને મહિલાઓના અનાથાલયમાં મોકલી દેવી જોઈએ."

"તમે પાગલ છો?! હું તે છોકરીને અનાથાલયમાં નહિ મૂકું!"

"મહિલા અનાથાલય સારા જ હોય છે અને આપણે તેની સારવાર કરાયને. તેમાં ક્યાં ના છે? તેને મનોચિકિત્સક પાસે લઈ જવાય અને તેના મનમાં શું છે તે ખબર પડે અને તેની સાથે શું થયું તે પણ કારણકે જો તેનો પરિવાર હોય તો તેને તેના પરિવારને સોંપી શકાય બાકી અનાથાલય તો છે."

"વંશિકાને હું મારી સાથે મારા ઘરે રાખીશ અને રહી વાત મનોચિકિત્સકની તો હું તે વિશે તેની સાથે વાત કરીશ."

"જોજે, મને તારી ચિંતા થાય છે એટલે કહું છું અને હા, મે એક વાત તે પણ નોંધમાં લીધી છે કે તે છોકરી કોઈ પુરુષને તેની નજીક પણ નથી આવવા દેતી, સિવાય કે તારા. તારામાં તે ગભરાતી નથી, કદાચ તેને તારા પર વિશ્વાસ હોય, તારી સાથે અનુકૂળ અનુભવતી હોય."

"હમ્મ, thank you મીરાજી. જરૂર પડશે તો હું તમને ફોન કરીશ...."

હાલમાં તે આસપાસ નજર કરી વંશિકાને શોધી રહ્યો હતો. ત્યાં તેને રસ્તાની વચ્ચોવચ એક છોકરી ચાલીને જતી દેખાઈ. તેણે કારની હેડલાઇટ ઓન કરી. અચાનક પ્રકાશ પડતા તે છોકરી પાછળ તરફ ફરી. ધ્રુવે તેના તરફ જોયું. તે વંશિકા જ હતી.

ધ્રુવ કારમાંથી ઉતર્યો અને તેની પાસે ગયો અને તેનો હાથ કોણીના ભાગથી કસીને પકડી હલાવતા બોલ્યો,
"તને કંઈ ખબર પડે છે કે નહિ ?! હું ડરી ગયો હતો! આવી રીતે કહ્યા વિના જતું રહેવાય ?! તે પણ રાતના સમયે!"

"મારો હાથ છોડો, દુઃખે છે..." વંશિકા ફકત આટલું બોલી ત્યારે ધ્રુવનો અહેસાસ થયો કે તેણે વંશિકાનો હાથ પકડી રાખ્યો હતો. તેણે ઝડપથી હાથ છોડ્યો અને બોલ્યો,"sorry"

વંશિકા કશું બોલ્યા વિના કારની અંદર બેસી ગઈ. ધ્રુવ ડ્રાઈવર સીટ પર બેસી ગયો પણ તેણે કાર હંકારી નહિ.

"તમને અંદાજ નથી કે મારા કારણે તમે અને તમારો પરિવાર ખતરામાં પડી શકો છો અને હું નથી ઈચ્છતી કે તમને કોઈ તકલીફ પડે અને એટલે હું તમારી સાથે તમારા ઘરે ન આવી શકું, તમારો પરિવાર શું વિચારશે?!"

વંશિકાના સવાલોના બદલામાં ધ્રુવે કાર હંકારી મૂકી. થોડીવાર મૌન રહ્યા બાદ ધ્રુવ બોલ્યો,"મારે કોઈ પરિવાર નથી, ઘરે જતા કોઈ રાહ જોવે તેવી વ્યક્તિ નથી. હું અનાથ છું."

"પણ તે દિવસે તો તમે બોલ્યા હતા કે તમારે માં, બાપ, બહેન છે." વંશિકા નવાઈ સાથે બોલી.

ધ્રુવ રસ્તા પર નજર રાખતા જ બોલ્યો,"તે તો હું એક મૂવીના ડાયલોગની જેમ બોલી ગયો બાકી હું ખરેખર અનાથ છું, મારા ઘરમાં કામ કરતા માસા - માસી અને મારો જીવથી પણ વ્હાલો મિત્ર બિલું આટલા જ રહીએ. હું અને બીલું એક બીજાના સુખ દુઃખના સાથી." વંશિકા આગળ કઈ બોલી નહિ.


થોડીવારમાં કાર લાકડાના મિડિયમ સાઈઝના ગેટ આગળ આવીને ઊભી રહી. ધ્રુવે ચહેરો બહાર કર્યો કે સામેના કેમેરામાં ચહેરો સ્કેન થઈ ગયો અને દરવાજો આપમેળે ખુલી ગયો.
વંશિકા આ જોઈ નવાઈ પામી. સિક્યોરિટી ઓફિસમાં બેસેલ ભાઈએ ધ્રુવ તરફ જોઈ સ્મિત કર્યું, સામે ધ્રુવે પણ સ્મિત કર્યું. ધ્રુવ ગેટની અંદર પ્રવેશ કરતા વંશિકાની આંખો પહોળી થઇ ગઈ. એક બાજુ ગાર્ડન. બીજી બાજુ નાનકડું ઘર. સામે મોટો ફુવારો અને તેની પાછળ મોટું અને આધુનિક ઘર. ના વધુ વિશાળ કે ના નાનું તેવું ઘર હતું.

"અહીંયા ઉતરી જા. હું કાર પાર્ક કરીને આવું." ધ્રુવ બોલ્યો.

વંશિકા કારની બહાર ઉતરી. ધ્રુવ કાર પાર્ક કરવા લઈ ગયો.
વંશિકા ઘરને બહારથી જોઈ રહી. બહાર બે કાચની પાળીવાળી બાલ્કની હતી. ધ્રુવ આવતા બે - ત્રણ દાદરા ચઢી તેઓ ઘરના દરવાજા પાસે પહોંચ્યા.

"પાછળ તરફ ફરી જા..." ધ્રુવ. વંશિકા પાછળ તરફ ફરી ગઈ.
ધ્રુવે પાસવર્ડ નાખીને દરવાજો ખોલ્યો.

"ચાલ..." તે બોલ્યો. વંશિકા તેની તરફ ફરી અને બન્ને ઘરની અંદર એક સાથે પ્રવેશ્યા. જાણે બન્ને લગ્ન કરીને એક સાથે ગૃહપ્રવેશ કરતા હોય!!!

"Lights on... Fan on.." ધ્રુવના હુકમ આપતા આપમેળે જ બધું ચાલુ થઈ ગયું!! વંશિકા તો ચોંકીને બધું જોઈ રહી. હોલ લાઈટોથી ઝળહળતો હતો. સોફાથી લઈને ટેબલ સુધી બધું મોંઘુ લાગતું હતું. ગોળાકાર સોફાની વચ્ચે કાચનું ગોળ ટેબલ હતું. જેના પર ફૂલોનો મોટો વાઝ હતો અને એક જગ બે - ત્રણ ઊંધા વાળેલ ગ્લાસ સાથે હતો. ડ્રોઈંગરૂમમાં બીજા અમુક મોંઘા શો પીસ પડ્યા હતા.

હોલથી સીધું કિચન અને તેની લાઈનમાં ડાઇનિંગ રૂમ હતો.
સોફાને અડકીને એક અને સામેની દીવાલને અડકીને બીજી તે રીતે બે લાકડાની સીડી હતી,જે ઉપર તરફ જતી હતી.

"આ બે સીડી શા માટે ? મે મોટા ભાગે સિરિયલ અને મૂવી માં જોયું છે કે દરવાજાના સામેથી પહોળા દાદર હોય, જે ઉપર જતા એક જ લોબીમાં આવે પણ આ તો દરવાજા બાજુ બે અલગ દાદર છે ઉપરથી બન્ને જુદા - જુદા?!"

ધ્રુવ ટેબલ પર રહેલ જગમાથી પાણી ભરી વંશિકાને આપતા બોલ્યો,"અમે મોર્ડન રીતે ઘર બનાવ્યું છે. ટિપિકલ સિરીયલ કે મુવીઝ જેવું નહિ. એક સીડી સીધી મારા રૂમની અંદર જાય છે અને એક બિલુના રૂમમાં.

પોતાના માટે ગ્લાસમાં પાણી ભરતા આગળ બોલ્યો,"ઉપર કોઈ લોબી નથી. બે મોટા રૂમ છે અને રૂમની અંદર વચ્ચોવચ સીડી નીકળે છે."

વંશિકાએ ચારે તરફ નજર કરી. તેને હજુ વિશ્વાસ નહતો આવી રહ્યો,"આ તમારું ઘર છે?!" તેણે પૂછ્યું. ધ્રુવે હકારમાં માથું ધુણાવ્યું.

વંશિકા સોફા પર હાથ ફેલાવી બેસતા બોલી,"તમે તો ઘણી માલદાર પાર્ટી લાગો છો!"

"શું ?!" ધ્રુવે પૂછ્યું.

વંશિકાની શું બોલી ગઈ અહેસાસ થતા જીભ બહાર નીકળી ગઈ. તે હાથ સંકોરતા બોલી,"મારો મતલબ તમે ઘણા પૈસાવાળા લાગો છો. મતલબ તમારી પાસે બેગમાં આટલા બધા પૈસા હતા અને મારો ઈલાજ પણ સારી હોસ્પિટલમાં કરાવ્યો અને આ આટલું મોંઘુ ઘર તમારું છે એટલે..."

"હા, મે તને જૂઠું કહ્યું હતું કે હું જોબ કરું છું. મારો બિઝનેસ છે એટલે આટલી માલદાર પાર્ટી છું."

"માલદાર પાર્ટી બોલાઈ ગયું તે માટે sorry હો... પણ તમે કેટલા જૂઠ કહ્યા છે મને?! તમારે પરિવાર નથી, જોબ નહિ પણ બિઝનેસ છે કેટલું છુપાવ્યું છે હજુ? કે આ બધું પણ જૂઠું કહો છો!"

"તારે વિશ્વાસ કરવો હોય તો કર." ધ્રુવ આટલું બોલતા સોફા પાસેની સીડી ચડવા લાગ્યો. વંશિકા તેની પાછળ સીડી ચઢવા લાગી,"અરે હું તો એમ જ કહું છું, મન પર શા માટે લો છો?!"

ધ્રુવના પગ અટક્યા. તે પાછળ ફર્યો. અચાનક અટકતા વંશિકા પગ મુકતા અટકાઈ તે સાથે તેનું બેલેન્સ ગયું, તે નીચે પડવા જતી હતી કે તેણે ધ્રુવ તરફ હાથ લંબાવ્યો. ધ્રુવે તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી. ટ્રેઈનવાળી રાતની જેમ વંશિકા ધ્રુવની આંખોના દરિયામાં ખોવાઈ ગઈ.

ધ્રુવ બોલ્યો,"તું મારી પાછળ ના આવ. હું મારા રૂમમાં જાઉં છું."

"તો હું ક્યાં જઈશ?!" વંશિકાએ ધ્રુવની આંખોના દરિયામાંથી બહાર આવતા પૂછ્યું.

"બિલુ નથી ત્યાં સુધી તું તેના રૂમમાં ઊંઘી જા. મને મારા રૂમમાં કોઈ આવે તે પસંદ નથી."

"સારું નહિ આવીશ તમારા રૂમમાં પણ તમારા મિત્ર આવી જશે પછી હું ક્યાં ઊંઘીશ?" વંશિકાએ પૂછ્યું.

"ડ્રોઈંગરૂમમાં મસ્ત સોફો છે."

"તે મસ્ત સોફો ગોળાકાર છે! તેમાં કોઈ કઈ રીતે ઊંઘી શકે!"

"ત્યારનું ત્યારે જોયું જશે. છેલ્લે હોટલો તો છે જ અત્યારે તો સુવા મળે છે તો સૂઈ જા અને મને પણ સુવા દે. થાકી ગયો છું હું."

"સારું. શુભ રાત્રી." વંશિકા સીડી ઉતરવા લાગી ત્યાં ધ્રુવ બોલ્યો,"રોકા, આ કપડાં તું મને મળી ત્યારના પહેર્યા છે."

"હા પણ હોસ્પિટલ વાળાએ મસ્ત ધોઈને આપ્યા છે."

"ના, આ નથી પહેરવા. આને હવે ફેંકી દેજે. કાલ તારા માટે નવા કપડાં લઈ આવશું અને બીલુ જરા ચોખ્ખાઈવાળો છે એટલે સ્નાન કરીને હું કપડાં આપુ તે પહેરીને સૂઈ જા."

"ઠીક છે."

ધ્રુવ કપડાં અને ટોવેલ લઈ આવ્યો અને સાથે હાથમાં નાનકડી ડબ્બી હતી.

"આ ડબ્બીની અંદર શું છે?"

"ડબ્બીની અંદર ક્રીમ છે. સ્નાન કરીને તારા ઘાવ પર લગાવી લેજે."

"મતલબ?!"

"વંશિકા, અજાણ્યા બનવાનો કોઈ ફાયદો નથી. અમને તારા શરીર પરના ઘાવની ખબર છે. ડોકટરએ આ ક્રીમ આપી છે, લગાવી લેજે. હું હમણાં માસીને મોકલું છું મદદ કરવા."

"ના...ના...હું હાથે લગાવી લઈશ. આમપણ શરીર પર લાગેલ ઘાવનો મરહમ તમારી પાસે છે પણ મનમાં લાગેલ ઘાવનું શું?!" આટલું બોલતા તે આંખોમાં આવેલ પાણી સાથે સીડી ઉતરી સામેની સીડી ચઢી રૂમની અંદર જતી રહી. ધ્રુવ દયા ભાવે તેને જતા જોઈ રહ્યો.

તે નીચે માસીને બોલાવવા ઉતર્યો. માસા કેબિનમાં બેસી આખો દિવસ ચોકીદારી કરતા અને રાત્રે એક યુવક આવતો. યુવક આવી ગયો હતો એટલે માસા ઘરે જવા કેબિનમાંથી બહાર નીકળ્યા. માસા ધ્રુવને જોઈને તેની પાસે ગયા અને પૂછ્યું,
"બેટા, શું થયું ?! અત્યારે અહીંયા ઉભો છે?!"

"માસા, માસી સૂઈ ગયા કે જાગે છે?!"

"તારા માસી તો ક્યારના સૂઈ ગયા. કેમ? કઈ કામ હતું? હું કરી આપુ? જગાડું એને?"

"ના...ના... વાંધો નહિ... કઈ ખાસ કામ નથી. તમે પણ સૂઈ જાઓ હવે શુભ રાત્રિ..."

માસા તેમના નાનકડા ઘરમાં સુવા જતા રહ્યા. ધ્રુવ તેના ઘરની અંદર આવ્યો. ધ્રુવ વંશિકાને માસી નથી તે કહેવા માટે બિલુના રૂમની અંદર પહોંચ્યો ત્યારે વંશિકા રૂમના બેડ પર ઉંધી વાંસો ખુલ્લો કરીને સૂતી હતી. ધ્રુવ ફટાફટ બહાર નીકળી ગયો. દરવાજો ખુલવાના અવાજથી વંશિકાને લાગ્યું માસી આવ્યા છે, તેનું મો બીજી તરફ હતું. તે બોલી, "માસી તમે છો? ના પાડી હતી ધ્રુવને છતાં તેણે તમને મોકલ્યા! વાંધો નહિ, મે બીજે બધે ક્રીમ લગાવી લીધું છે ફકત વાંસા પર લગાવવાનું છે, લગાવી આપશો?!"


🍁🍁🍁

રૂમની અંદર અંધારું હતું. તે ચહેરો તકિયાની અંદર છૂપાવીને સૂતો હતો. દુઃખ ભર્યા ગીતો વાગી રહ્યા હતા. ગુલાબોએ દરવાજો ખોલ્યો. રૂમનું વાતાવરણ જોઈને તે નવાઈ પામી.
તેણે લાઈટસ ઓન કરી.

"લાઈટ શા માટે on કરી?!" ગુસ્સામાં ઊભો થતાં તે એટલે કે dgp બોલ્યો.

"સર આ શું હાલ બનાવ્યો છે તમે તમારો?" ગુલાબો.

"તું જા. મને મારા હાલમાં છોડી દે." આટલું બોલી તે ફરી બેડમાં માથું ઘાલી ઓશીકું રાખી સુઈ ગયો.

"સાવ અજીબ જ છે!" બોલતા ગુલાબો લાઈટ બંધ કરી, દરવાજો બંધ કરી ત્યાંથી જતી રહી.

ત્યાં ફોન રણક્યો. મિલી સેકન્ડમાં તેણે ફોન ઉપાડ્યો,"hello..."

"Hello બેટા ધૈવત...." સામે છેડેથી આ અવાજ આવતા તેના ચહેરા પર આવેલ સ્મિત ફરી ઉદાસીમાં ફરી વળ્યુ.

"Hello..." વળતો કોઈ પ્રતિભાવ ન મળતાં સામે છેડેથી ફરી અવાજ આવ્યો.

"હા પપ્પા." તે ભારી અવાજે બોલ્યો.

"બેટા. તારો અવાજ ભારી લાગે છે. સાચું કહેજે, પેલી ચૂડેલને ફરી યાદ કરતો હતોને?" ધૈવતના પપ્પા બોલ્યા.

"ના તેવું નથી એ તો હું ઊંઘી ગયો હતો એટલે અવાજ ભારી છે અને પપ્પા તેને ચુડેલ ના કહો..."

"તો શું કહું ?! તેણે તો આપણું જીવન બરબાદ કરી નાખ્યું અને તું તેવી છોકરીની યાદમાં રડે છે?!"

"અરે બસ તમે તેને ખીજાઓ નહિ. ધૈવત બેટા, તું ઉદાસ ના થા. હું તેના કરતા સારી છોકરી તારા માટે શોધીશ. પેલા શીલા આંટીના નણનંદની છોકરી મને કાલ મળી હતી દેખાવે સરસ અને સંસ્કારી છે. તું કહે તો વાત ચલાવું...." ધૈવતના મમ્મી બોલ્યા.

"નથી કરવા યાર મારે લગ્ન.... તમે આ વાત કરવા કોલ કર્યો છે તો હું કોલ કટ કરી દઉં."

"ના બેટા, આ તો તે પહોંચીને ખાલી મેસેજ કર્યો એટલે અમને થયું કે કોલ કરીને વાત કરીએ, બરાબર ફાવી ગયું કે?"

"હજુ એક દિવસ થયો છે ફાવતા વાર લાગે અને હું અહીંયા કામ કરવા આવ્યો છું, વાતો કરવા નહિ માટે વારંવાર કોલ કરી હેરાન ના કરવો, હું સામેથી જ કોલ કરી દઈશ."

"સારું. ધ્યાન રાખજે બેટા તારું. સમયસર જમતો રહેજો, ત્યાં હું નથી કે તારું ધ્યાન રાખે."

"સારું. જય શ્રી કૃષ્ણ "

"જય શ્રી કૃષ્ણ" કોલ કટ થયો, dgp એટલે કે ધૈવત ગુસ્સામાં ફોન સાઈડ પર મૂકી સૂઈ ગયો.
🍁🍁🍁

ધ્રુવ મૂંઝાયો હવે કરવું શું?! બે મિનિટ માટે તે વિચારમાં પડી ગયો. તેણે આંખ આડે હાથ રાખી નીચી નજર કરી રૂમની અંદર પ્રવેશ કર્યો અને બેડ પાસે ગયો. તેના હાથ રીતસરના કાંપતા હતા. તેણે વંશિકા તરફ જોયા વિના હાથમાં ક્રીમ લઈ ઝડપથી વાંસના ભાગમાં લગાવી દોડીને ત્યાંથી નીકળી ગયો.

"Thank you માસી..." બોલવા જ્યારે વંશિકા પાછળ ફરી ત્યાં તેને કોઈ ના દેખાયું. તે નવાઈ પામી. ત્યાં દરવાજો નોક થયો. તેણે ટી - શર્ટ નીચે કરી બેડ પર બેસતા કહ્યું,"આવી જાઓ..."

ધ્રુવ રૂમની અંદર પ્રવેશ્યો. "માસીએ ક્રીમ લગાવી દીધું. Thank you ધ્રુવ પણ તેઓ ફટાફટ શા માટે જતા રહ્યા?!"

"તેમને બહુ ઊંઘ આવતી હતી એટલે..."

"અચ્છા. તેમને હેરાન ના કર્યા હોત તો ચાલેત."

"છોડને. થઈ ગયું ને?!"

"હા..."

"સારું ચાલ. શુભ રાત્રી..."

"શુભ રાત્રી..." ધ્રુવ રૂમની બહાર નીકળ્યો. તે પોતાના રૂમની અંદર જઈ આખા દિવસનો થાકેલ તરત સૂઈ ગયો. અહીંયા
વંશિકા પણ આખા દિવસની થાકેલ તરત ઊંઘી ગઈ.

સવારે વંશિકા ગાઢ નિંદ્રામાં હતી ત્યારે કોઈ રૂમની અંદર આવ્યું. તે આળસ મરડતો બેગ સાઈડ પર મૂકી પાછળ તરફ ફર્યો. પાછળ તરફ ફરતા પોતાના બેડ પર કોઈને સૂતા જોઈને તેની ચીસ નીકળી ગઈ,"આ...." તેની ચીસ. સાંભળી વંશિકા ઊભી થઈ અને તે યુવકને જોતા તે પણ ચીસ પાડી રહી,"આ...."

"કોણ છે તું?" યુવકે પૂછ્યું.

"તમે કોણ છો?" વંશિકાએ પૂછ્યું.

(કોણ હશે તે છોકરો ? તેમજ ધૈવત કોની યાદમાં રડતો હતો અને ધ્રુવ વંશિકાને ક્યાં સુધી બચાવીને રાખશે?! જાણવા વાંચતા રહો ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમકહાની...)