સનક બોલ્યા, “વેદશાસ્ત્રો અને વેદાંગોનું અધ્યયન કરી રહ્યા પછી ગુરુને દક્ષિણા આપી પોતાના ઘરે જવું. ત્યાં ગયા પછી ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ, રૂપ-લાવણ્યથી યુક્ત, સદ્ગુણી તેમ જ સુશીલ અને ધર્મપરાયણ કન્યાની સાથે લગ્ન કરવું. જે કન્યા કોઈ રોગમાં સપડાયેલી હોય અથવા જેના કુળમાં કોઈ વારસાગત રોગ ચાલ્યો આવતો હોય, જેના શરીર ઉપર ઝાઝા વાળ હોય અથવા તો તદ્દન ઓછા વાળ હોય કે વાળ વિનાની હોય, વાચાળ હોય તેની સાથે પરણવું નહિ.
ક્રોધી સ્વભાવની હોય, ઠીંગણી હોય, ઘણી ઊંચી હિય, સ્થૂળ કાયાવાળી હોય, કદરૂપી હોય, ચાડિયણ હોય, ખૂંધી અને ખંધી હોય એવી કન્યા સાથે લગ્ન ન કરવું. જે કજિયાખોર હોય, ઝનૂની હોય, ઝાઝું ખાતી હોય, જેના દાંત મોટા હોય અને હોઠ જાડા હોય તેની સાથે લગ્ન ન કરવું.
જે હંમેશાં રડતી હોય, જેના શરીરની આભા શ્વેત રંગની હોય અને વગોવાયેલી હોય; ઉધરસ અને દમથી પીડાતી હોય; ઊંઘણશી હોય; કડવાં તેમ જ અનર્થ કરનારાં વેણ બોલતી હોય; લોકો સાથે અદાવત રાખતી હોય; ચોરી કરતી હોય તેવી કન્યા સાથે ડાહ્યા માણસે લગ્ન કરવું નહિ. જેનું નાક મોટું હોય, કાવતરાખોર હોય, જેના શરીર પર રુંવાટા ઘણાં હોય; જે ઠસ્સો કરતી હોય ને અભિમાનમાં રહેતી હોય; બગલા જેવી વૃત્તિવાળી હોય તેની સાથે પણ લગ્ન ન કરવું.
હે મુનિશ્રેષ્ઠ, બ્રાહ્મ વગેરે આઠ પ્રકારના વિવાહ કહેવામાં આવ્યા છે, એમાં બીજાના કરતાં પહેલો શ્રેષ્ઠ છે. પહેલાંના અભાવમાં જ બીજો ગ્રાહ્ય છે. બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ વિવાહ છે. શ્રેષ્ઠ દ્વિજે બ્રાહ્મવિવાહની વિધિથી વિવાહ કરવો જોઈએ અથવા દૈવવિવાહની રીતથી પણ લગ્ન કરી શકાય. કેટલાક લોકો આર્ષવિવાહને પણ શ્રેષ્ઠ હોવાનું કહે છે. અન્ય પ્રકારો ઊતરતી કક્ષાના ગણાય છે.
હે નારદ, હવે હું આપને ગૃહસ્થ પુરુષ માટેનો શિષ્ટાચાર જણાવું છું તે ધ્યાન દઈને સાંભળો. ગૃહસ્થે બે યજ્ઞોપવીત ધારણ કરવી, ઉપરણું ઓઢવું, બંને કાનોમાં સોનાનાં કુંડળ પહેરવાં, ધોતિયાં બે રાખવાં, માથાના વાળ અને નખ કપાવતા રહેવું. પવિત્રપણે રહેવું, સ્વચ્છ પાઘડી, છત્રી તેમ જ ચાખડી ધારણ કરવી, આંખને ગમે તેવો પોષક રાખવો, દરરોજ વેદનું અધ્યયન કરવું, સ્વાધ્યાય કરવો, શાસ્ત્રમાં કહેલા આચારનું પાલન કરવું. પારકું અન્ન ખાવું નહિ, કોઈની કૂથલી કરવી નહિ. પગથી પગ દબાવવો નહિ, એઠવાડ ઓળંગવો નહિ, બંને હાથ માથું ખંજવાળવું નહિ, વંદનીય પુરુષો તથા દેવાલયને ડાબી બાજુએ રાખીને ચાલવું નહિ.
દેવપૂજા, સ્વાધ્યાય, આચમન, સ્નાન, વ્રત તથા શ્રાદ્ધકર્મ વગેરેમાં ચોટલી છૂટી ન રાખવી ને એક વસ્ત્ર ધારણ કરી ન રહેવું. ગધેડા વગેરે પણ સવારી કરવી નહિ. વ્યર્થ વાદવિવાદ કોઈ સાથે કરવો નહિ; જીભાજોડી કરવાથી દૂર રહેવું, પરસ્ત્રીગમન કદીય ન કરવું, ગાય, પીપળો તથા અગ્નિને પણ પોતાની ડાબી બાજુએ કરી ચાલવું નહિ. કોઈની ઈર્ષા કરવી નહિ, દિવસે ઊંઘવું નહિ, બીજાઓનાં પાપ કહી બતાવવાં નહિ, પોતે કરેલું પુણ્ય જાહેર ન કરવું. દૃષ્ટ માણસો સાથે વસવું નહિ, શાસ્ત્રવિરુદ્ધ વાત સાંભળવી નહિ, મદ્યપાન કરવામાં, જુગાર રમવામાં તેમ જ ગાયન સાંભળવામાં કદી આસક્તિ રાખવી ન જોઈએ. ભીનું હાડકું, એઠવાડ, પતિત માણસ, મડદું અને કૂતરાને અડાય તો માણસે વસ્ત્રો સહિત સ્નાન કરવું. ચિતા, ચિતાનું લાકડું, ચૂપ (યજ્ઞકાર્યમાં વધ માટે પશુને જે થાંભલા સાથે બાંધવામાં આવે તે) અને ચાંડાલનો સ્પર્શ કરવામાં આવે તો માણસે વસ્ત્ર સહિત જળમાં પ્રવેશ કરવો. દીવો, ખાટલો અને શરીરની છાયા; વાળ, વસ્ત્ર અને સાદડી પરના જળના છાંટા; બકરી અને બિલાડીના શરીર પરણી ધૂળ અને સાવરણીથી કચરો કાઢતાં ઊડતાં રજકણો શરીર ઉપર પડવાથી દારિદ્રયની પ્રાપ્તિ થાય છે. સૂપડાનો પવન, મડદું બાળતાં ચિતામાંથી નીકળેલો ધૂમાડાનો દૂરથી જ ત્યાગ કરવો. નખ અને કેશોને દાંતથી છેદવાનું તેમ જ નગ્ન થઈને સૂવાનું છોડી દેવું. માથામાં નાખવામાં આવેલા તેલમાંથી વધેલું તેલ શરીરે લગાડવું નહિ. ઊંઘતા માણસને જગાડવો નહિ, અપવિત્ર થયેલા માણસે અગ્નિની સેવા, દેવતાઓ અને ગુરુજનોનું પૂજન કરવું નહિ. ડાબા હાથ અથવા જળમાં મોઢું નાખીને જળ પીવું નહિ.
ગુરુની છાયા ઉપર પગ મુકવો નહિ. યોગી, બ્રાહ્મણ અને યતિપુરુષોની નિંદા કરવી નહિ. દ્વિજે પરસ્પરના ગુપ્ત રહસ્યની વાતો કદી કહેવી નહિ. અમાવાસ્યા તથા પૂર્ણિમાએ વિધિપૂર્વક યજ્ઞ કરવો. દ્વિજોએ સવાર-સાંજ ઉપાસના અને હોમ અવશ્ય કરવા જોઈએ. જે ઉપાસનાનો ત્યાગ કરે છે, તેને વિદ્વાન પુરુષો ‘મદ્યપાન કરનારો’ હોવાનું કહે છે. અયનના આરંભ થવાના દિવસે, વિષુવયોગમાં (દિવસ અને રાતનું કાળમાન સરખું હોય ત્યારે) ચાર યુગાદિ તિથીઓએ, અમાવાસ્યા એન પ્રેતપક્ષમાં ગૃહસ્થ દ્વિજે અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ. હે નારદ, મન્વાદિ તિથિઓમાં, મૃત્યુતિથિએ, ત્રણે અષ્ટકાઓમાં તથા નવું અન્ન ઘરમાં આવે ત્યારે અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ.”
શ્રી સનકે આગળ કહ્યું, “હે મુનિશ્રેષ્ઠ, હવે હું ગૃહસ્થના સદાચાર કહું છું, તે સાંભળો. સદાચારોનું પાલન કરનારા પુરુષોનાં સર્વ પાપ નષ્ટ થઇ જાય છે.
હે નારદ, ગૃહસ્થ પુરુષે બ્રાહ્મમુહૂર્તમાં (સૂર્યોદય થતાં પહેલાંની ચાર ઘડીમાં) ઊઠીને પ્રભુનું સ્મરણ કરવું. દિવસે અથવા તો સંધ્યા સમયે ઉત્તર દિશા તરફ મોઢું રાખી મળમૂત્રનો ત્યાગ કરવો અને રાત્રે દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને બેસવું જોઈએ. પ્રક્ષાલન તેમ જ હાથ પગની શુદ્ધિમાં સારી પેઠે કાળજી રાખવી. શૌચ અથવા પવિત્રતા એ જ દ્વિજત્વનું મૂળ છે.
શૌચ બે પ્રકારનું કહેવાય છે; એક બાહ્ય અને બીજું આભ્યંતર શૌચ. માટી અને જળથી ઉપર-ઉપરથી કરવામાં આવતી શુદ્ધિ બાહ્યશૌચ છે. અંદરની પવિત્રતાને આભ્યંતર શૌચ કહેવામાં આવે છે. બ્રહ્મચારીઓ માટે ગૃહસ્થો કરતાં બમણા શૌચનું વિધાન છે. વાનપ્રસ્થો માટે ત્રણગણું અને સંન્યાસીઓ માટે ચારગણી શુદ્ધિ કરવાનું વિધાન છે.
ત્યારબાદ કોઈ શ્રેષ્ઠ વૃક્ષનું છાલ સહિત દાતણ લઇ મુખશુદ્ધિ કરવી. આંબો, લીમડો, વડ, બાવળ, અઘેડો, બીલીનું દાતણ કરી શકાય. મુખશુદ્ધિ થઇ ગયા પછી નદી વગેરેના સ્વચ્છ જળમાં સ્નાન કરવું. ત્યાં તીર્થોને પ્રણામ કરીને સૂર્યમંડળમાં ભગવાન નારાયણનું આવાહન કરવું. પછી ગંધ આદિથી મંડળ બનાવીને ભગવાન જનાર્દનનું ધ્યાન ધરવું. પછી પવિત્ર મંત્રો ભણતા રહીને તીર્થોનું સ્મરણ કરતાં કરતાં સ્નાન કરવું. ત્યારબાદ શ્રાદ્ધ અદ્ધર ચઢાવીને પાણીમાં ડૂબકી મારવી. પછી સ્નાન અંગેનું તર્પણ કરવું; ને આચમન કરી સૂર્યને અર્ઘ્ય આપવો. ત્યારબાદ સૂર્યનું ધ્યાન કરતા રહીને પાણીમાંથી બહાર નીકળી ધોયેલાં વસ્ત્ર પહેરી દર્ભાસન પર બેસી સંધ્યાકર્મની ઉપાસના કરવી.
હે બ્રહ્મન, ઇશાન ખૂણા તરફ મોઢું રાખીને આચમન કરવું. આચમન કર્યા બાદ પોતાની આજુબાજુ અને પોતાની ઉપર જળ છાંટવું. પછી પ્રાણાયામ કરવા માટેનો સંકલ્પ કરવો. પ્રણવનું ઉચ્ચારણ કાર્ય પછી પ્રણવ સહિત સાતેય વ્યાહૃતિઓના તથા ગાયત્રી મંત્રના ઋષિ, ઇન્દ્ર અને દેવતાઓનું સ્મરણ કરી ભૂ: આદિ સાત વ્યાહૃતિઓથી મસ્તક પર જળથી અભિષેક કરવો. પછી જુદા જુદા કરન્યાસ અને અંગન્યાસ કરવા. પ્રથમ હૃદયમાં પ્રણવનો ન્યાસ કરી મસ્તક ઉપર ભૂ:નો ન્યાસ કરવો. પછી શીખામાં ભુવ:નો, કવચમાં સ્વ:નો, નેત્રોમાં ભૂ ભુર્વ:સ્વઃ-આ ત્રણેય વ્યાહૃતિઓનો અને અસ્ત્રનો ન્યાસ કરવો. (હથેળી ઉપર ત્રણ તાલી પાડવી એ અસ્ત્રન્યાસ કહેવાય છે.)
ત્યારબાદ પ્રાત:કાલે કમળના આસન પર વિરાજમાન સંધ્યા(ગાયત્રી) દેવીનું આવાહન કરવું. તે વેદોની માતા તથા બ્રહ્મયોનિ છે. મધ્યાહ્નકાલે વૃષભ પ આરૂઢ થયેલી, શ્વેત વસ્ત્ર ધારણ કરેલી સાવિત્રીનું આવાહન કરવું. એ રુદ્રયોનિ તથા રુદ્રવાદિની છે. સાયંકાળના સમયે ગરુડ ઉપર આસનસ્થ, પીતાંબરથી આચ્છાદિત વિષ્ણુયોનિ તેમ જ વિષ્ણુવાદિની સરસ્વતી દેવીનું આવાહન કરવું જોઈએ.”
ક્રમશ: