નારદ પુરાણ - ભાગ 15 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 15

સૂત બોલ્યા, “હે મહર્ષિઓ, શ્રી સનક પાસેથી વ્રતોનું માહાત્મ્ય સાંભળીને નારદજી ઘણા પ્રસન્ન થયા અને ત્યારબાદ તેમણે કહ્યું, “હે મહર્ષિ, આપે ભગવાનની ભક્તિ આપનારા વ્રતનું ઉત્તમ વર્ણન કર્યું. હવે હું ચારે વર્ણોના આચારની વિધિ અને સર્વ આશ્રમોના આચાર તથા પ્રાયશ્ચિત્તની વિધિ સાંભળવા ચાહું છું.”

        સનકે કહ્યું, “હે મુનિશ્રેષ્ઠ, મનુ વગેરે સ્મૃતિકારોએ વર્ણ અને આશ્રમ સંબંધી ધર્મનું જે વર્ણન કર્યું છે, તે સર્વ આપણે વિધિપૂર્વક કહી સંભાળવું છું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર-આ ચારને જ વર્ણ કહેવામાં આવ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય-આ ત્રણને દ્વિજ કહેવામાં આવેલ છે. પહેલો જન્મ માતાથી અને બીજો ઉપનયન સંસ્કારથી થાય છે. આ બે કારણોને લીધે જ ત્રણેય વર્ણના માણસોને દ્વિજપણું પ્રાપ્ત થાય છે. આ વર્ણના માણસોએ પોતાના વર્ણને અનુરૂપ સર્વધર્મોનું પાલન કરવું જોઈએ. પોતાની શાખાના ગૃહ્યસૂત્રમાં બતાવેલા કર્મનું અનુષ્ઠાન કરનારો દ્વિજ કૃતકૃત્ય થાય છે, તેમ ન કરનારો સર્વ ધર્મોથી બહિષ્કૃત તેમ જ પતિત થઇ જાય છે. આ વર્ણોએ યથોચિત યુગધર્મ ધારણ કરવો જોઈએ.

        હે દ્વિજશ્રેષ્ઠ, હવે હું ચારેય વર્ણોના કર્તવ્યોનું વર્ણન કરું છું તે સાંભળો. બ્રાહ્મણે બ્રાહ્મણને દાન આપવું, યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરવું. જીવનનિર્વાહ કરવા માટે બીજાઓને યજ્ઞ કરાવવા અને ભણાવવા. બ્રાહ્મણે નિત્ય સ્નાન, સંધ્યા અને તર્પણ કરવાં જોઈએ. તેણે વેદોનો સ્વાધ્યાય કરવો તથા અગ્નિહોત્ર કરવા. સર્વ લોકોનું હિત કરવું, મધુર વાણી બોલવી અને ભગવાન વિષ્ણુની પૂજામાં તત્પર રહેવું.

        ક્ષત્રિયે પણ બ્રાહ્મણને દાન આપવું. તેણે પણ વેદોનો સ્વાધ્યાય અને યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરવું. તેણે શસ્ત્રો ધારણ કરવાં અને તે દ્વારા આજીવિકા ચલાવવી અને તેણે પૃથ્વીનું પાલન કરવું, દૃષ્ટોને દંડ કરવો તથા શિષ્ટ પુરુષોનું રક્ષણ કરવું. હે દ્વિજસત્તમ, વૈશ્ય માટે વેદનું અધ્યયન આવશ્યક હોવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય તેણે પશુઓનું પાલન, વ્યાપાર તથા કૃષિકર્મ કરવું. પોતાના જ વર્ણની સ્ત્રી સાથે તેણે લગ્ન કરવું અને ધર્મનું સારી પેઠે પાલન કરતા રહેવું. તેણે ક્રય-વિક્રય અથવા શિલ્પકર્મ દ્વારા પ્રાપ્ત થયેલ ધનથી જીવિકા ચલાવવી. શૂદ્રે પણ બ્રાહ્મણને દાન આપવું, પરંતુ પાકયજ્ઞો (રાંધેલા અનાજ વડે કરવામાં આવતા યજ્ઞને પાકયજ્ઞ કહેવામાં આવે છે.) દ્વારા તેણે યજન કરવું નહિ/. તેણે સેવામાં તત્પર રહેવું.

        બધાં માણસોનું ભલું ઇચ્છવું, પ્રિય વચન બોલવું, કોઈને કષ્ટ આપવું નહીં, મન પ્રસન્ન રાખવું, સહનશીલ થવું તેમ જ અભિમાન ન કરવું. મુનિઓએ સર્વ વર્ણો માટે આ ઉચિત આચાર કહ્યો છે. પોતાના આશ્રમને અનુરૂપ કર્મના પાલનથી બધાં માણસો મુનિ જેવા બને છે.

        હે મુનિશ્રેષ્ઠ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય-આ ત્રણે વર્ણો માટે ચાર આશ્રમોનું વિધાન કરવામાં આવ્યું છે. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આ ચાર આશ્રમ છે. હવે હું વર્ણ અને આશ્રમ સંબંધી આચાર અને વિધિનું વર્ણન કરું છું તે સાવધાન થઈને સાંભળો. જે સ્વધર્મનો ત્યાગ કરીને પરધર્મને સ્વીકારે છે, તેને પાખંડી સમજવો. દ્વિજોના ગર્ભાધાન આદિ સંસ્કાર વૈદિક મંત્રો દ્વારા કરવા જોઈએ. સ્ત્રીઓના સંસ્કાર યોગ્ય વખતે મંત્ર વીણા જ વિધિપૂર્વક કરવા જોઈએ. પહેલી વાર ગર્ભાધાન થયા પછી ચોથે મહિને સીમંતકર્મ કરવાનું ઉત્તમ માનવામાં આવ્યું છે અથવા તો છઠ્ઠે, સાતમે કે આઠમે મહિને કરાવવું. પુત્રનો જન્મ થયા પછી પિતાએ વસ્ત્ર સહિત સ્નાન કરીને સ્વસ્તિવાચનપૂર્વક નાન્દીશ્રાદ્ધ તથા જાતકર્મસંસ્કાર કરવા. પુત્રના જન્મ પ્રસંગે કરવામાં આવતું વૃદ્ધિશ્રાદ્ધ સુવર્ણ અને ચાંદીથી કરવું. સૂતક ઊતરી ગયા પછી પિતાએ માનું ધારણ કરી આભ્યુદાયિક શ્રાદ્ધ કરવું. ત્યાર પછી પુત્રનો નામસંસ્કાર કરવો.

        હે વિપ્રવર, જે સ્પષ્ટ ન હોય, જેમાંથી કોઈ અર્થ ન નીકળતો હોય, જેમાં વધુ પડતા ગુરુ અક્ષરો આવતા હોય અથવા જેમાં અક્ષરોની સંખ્યા વિષમ થતી હોય એવું નામ ન પાડવું, ત્રીજે વર્ષે પુત્રનો ચૂડાસંસ્કાર (મુંડન અથવા બાબરી ઊતરાવવાનું કર્મ) ઉત્તમ છે. તે સમયે ન થઇ શકે તો પાંચમે, છઠ્ઠે, સાતમે અથવા આઠમે વર્ષે પણ ગૃહ્યસૂત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે કરી શકાય. ગર્ભથી આઠમે બ્રાહ્મણનો ઉપનયનસંસ્કાર કરવો જોઈએ. વિદ્વાન પુરુષો સોળમા વર્ષ સુધી ઉપનયન માટે ગૌણકાળ હોવાનું કહે છે.

        ગર્ભથી અગિયારમે વર્ષે ક્ષત્રિયને ઉપનયનસંસ્કાર આપવાનો મુખ્યકાળ છે. તેના માટે બાવીસમા વર્ષ સુધી ગૌણકાળ માનવામાં આવ્યો છે. ગર્ભથી બારમે વર્ષે વૈશ્યનો ઉપનયન સંસ્કાર ઉચિત કહેવાયો છે. તેના માટે ચોવીસમા વર્ષ સુધી ગૌણકાળ કહ્યો છે. બ્રાહ્મણની મેખલા મુંજની, ક્ષત્રિયની મેખલા ધનુષની પ્રત્યંચાથી બનેલી (સૂતરની) અને વૈશ્યની મેખલા ઘેટાના ઊનથી બનેલી હોવી જોઈએ. બ્રાહ્મણોને માટે ખાખરાનો, ક્ષત્રિયને માટે ઊંબરાનો અને વૈશ્ય માટે બીલીનો દંડ ધારણ કરવાનું વિધાન છે. બ્રાહ્મણના દંડની ઊંચાઈ કેશ સુધી, ક્ષત્રિયના દંડની લલાટ સુધી અને વૈશ્યના દંડની ઊંચાઈ નાકની અણી સુધી હોવી જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય બ્રહ્મચારીઓ માટે ક્રમશ: ભગવું, લાલ અને પીળા રંગનું વસ્ત્ર ધારણ કરવા માટે કહ્યું છે.

        હે વિપ્રવર, ઉપનયનસંસ્કાર કરવામાં આવેલા દ્વિજે ગુરુની સેવામાં તત્પર રહેવું અને વેદાધ્યયન સમાપ્ત થતાં સુધી ગુરુના ઘરમાં જ નિવાસ કરવો. બ્રહ્મચારીએ દરરોજ દેવની પૂજા અને ગુરુની સેવા કરવી.બ્રહ્મચારી માટે કેવલ ભિક્ષાન્નથી જ જીવનનિર્વાહ કરવાનું કહેવામાં આવ્યું છે. એક જ ઘરનું અન્ન રોજ ન ખાવું. બ્રહ્મચારીએ મધ, માંસ, સ્ત્રી, મીઠું, તામ્બૂલભક્ષણ, દંતધાવન, દિવસે નિદ્રા તેમ જ છત્રી ઓઢવી વગેરેનો ત્યાગ કરવો. ચાખડી પહેરવી નહિ, ચંદન લગાડવું નહિ, માળા ધારણ ન કરવી, અનુલેપન, જલક્રીડા, નૃત્ય, ગીત, વાદ્ય, પરનિંદા વગેરે કરવાં નહિ. કોઈને પીડા કરવી નહિ. મોટી વાતો ન કરવી, આંખો આંજવી નહિ, પાખંડીઓની સોબત કરવી નહિ.

        બુદ્ધિમાન શિષ્યે બંને પગ ધોઈને, આચમન કરીને સદા ગુરુની સામે બેસવું અને તેમનાં ચરણ પકડીને વંદન કરવું. ત્યારબાદ અધ્યયન કરવું. અષ્ટમી, ચતુર્દશી, પ્રતિપદા, અમાવાસ્યા, પૂર્ણિમા, મહાભરણી, શ્રવણયુક્ત દ્વાદશી, પિતૃપક્ષની દ્વિતીયા, માઘ માસની સપ્તમી, આસો સુદ નવમી-આ તિથિઓમાં અને સૂર્યની ચારેબાજુ વર્તુળ થતાં એ કોઈ શ્રોત્રિય વિદ્વાન ઘરે પધારે ત્યારે અધ્યયન બંધ રાખવું જોઈએ. અકાલ મેઘગર્જના થતાં, અસમયે વર્ષ થતાં, ઉલ્કાપાત તથા વજ્રપાત થાય ત્યારે, પોતાનાથી કોઈ બ્રાહ્મણનું અપમાન થયું હોય, મન્વાદિ તથા યુગાદિ તિથિઓ હોય ત્યારે સર્વ કર્મોના ફળોની ઈચ્છા રાખનારા દ્વિજે અધ્યયન કરવું નહીં.

        વૈશાખ સુદ ત્રીજ, ભાદરવા વદ તેરસ, કારતક સુદ નવમી તથા માઘ પૂનમ-આ તિથિઓ યુગાદિ કહેવાય છે. આ તિથિઓમાં અપાતાં દાનનું પુણ્ય અક્ષય બને છે.

        આસો સુદ નવમી, કાર્તિક સુદ બારસ, ચૈત્ર તથા ભાદ્રપદ માસની ત્રીજ, આષાઢ સુદ દસમી, માઘ સુદ સાતમ, શ્રાવણ વદ આઠમ, આષાઢ પૂનમ, ફાગણ અમાસ, પોષ સુદ અગિયારસ તથા કાર્તિક, ફાગણ, ચૈત્ર અને જ્યેષ્ઠ માસની પૂર્ણિમા તિથિઓ-આ મન્વંતરની આદિ તિથિઓ છે આ તિથિઓમાં આપેલા દાનનું પુણ્ય અક્ષય બને છે. દ્વિજોએ આ તિથિઓમાં શ્રાદ્ધ કરવું જોઈએ.       

        બ્રાહ્મણ હોવા છતાં જે માણસ વેદશાસ્ત્રોનું અધ્યયન કરતાં અન્ય કર્મો કરવામાં પરિશ્રમ કરે છે તે નરકનો વાસી બને છે. વેદના અધ્યયનથી રહિત બ્રાહ્મણનાં નિત્ય, નૈમિત્તિક, કામ્ય અને બીજાં વૈદિક સર્વ કર્મો નિષ્ફળ થાય છે.”

ક્રમશ: