નારદ પુરાણ - ભાગ 14 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 14

શ્રી સનક બોલ્યા, “હે નારદ હવે હું બીજા વ્રતનું વર્ણન કરું છું તે ધ્યાનથી સાંભળો. આ વ્રત હરિપંચક નામથી પ્રસિદ્ધ અને સર્વલોકમાં દુર્લભ છે.

        હે મુનિવર, સ્ત્રીઓ અને પુરુષોનાં સર્વ દુઃખો આ વ્રત કરવાથી દૂર થાય છે તથા આ વ્રત ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે. માર્ગશીર્ષ માસના શુક્લપક્ષની દશમી તિથીએ મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને સ્નાન આદિ કર્મ કરીને માણસે નિત્યકર્મ કરવું. ત્યારબાદ દેવપૂજન તથા તથા પંચમહાયજ્ઞોનું અનુષ્ઠાન કરીને તે દિવસે નિયમમાં રહી કેવલ એક સમય ભોજન કરવું.

        બીજે દિવસે એકાદશીએ સવારે નિત્યકર્મથી નિવૃત્ત થઈને પોતાના ઘરે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. પંચામૃત વડે  વિધિપૂર્વક શ્રીહરિને સ્નાન કરાવવું. ત્યારબાદ ગંધ, પુષ્પ આદિથી તથા ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ અને પરિક્રમા દ્વારા ભગવાનનું અર્ચન કરવું. મંત્રો બોલીને વ્રત અને ઉપવાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવા. એકાદશી. દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી અને પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરીને શ્રીહરિનું પૂજન કરવું. એકાદશી અને પૂર્ણિમાની રાત્રીએ જાગરણ કરવું. પંચામૃત વગેરે ઉપચારથી ભગવાનની પૂજા કરવી અને પૂર્ણિમાના દિવસે યથાશક્તિ દૂધથી ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવું સાથે જ તલનો હોમ અને દાન પણ કરવાં.

        છઠ્ઠે દિવસે પોતાના આશ્રમને ઉચિત કર્મ કરીને પંચગવ્ય પી વિધિપૂર્વક શ્રીહરિની પૂજા કરવી જો પોતાની પાસે ધન હોય તો બ્રાહ્મણોને સારી રીતે જમાડવા ત્યારબાદ પોતે પણ ભાઈભાંડુઓ સાથે મૌન રાખીને ભોજન ગ્રહણ કરવું. હે નારદ, આ પ્રમાણે પોષથી માંડીને કાર્તિક માસ સુધી શુક્લ પક્ષની તિથિઓમાં આ પાપનાશક વ્રત કરવું. પછી માર્ગશીર્ષ માસ આવે ત્યારે વ્રતનું ઉદ્યાપન કરવું.

        બ્રહ્મન, પાપરૂપી દુર્ગમ વનને બાળી નાખવા માટે આ વ્રત દાવાનળ સમાન છે. હે નારદ, હવે હું માસોપવાસ નામના બીજા શ્રેષ્ઠ વ્રતનું વર્ણન કરીશ તે એકાગ્રચિત્ત કરીને સાંભળો.  સર્વ પાપોને હરી લેનારું, પવિત્ર તથા સવે લોકો પણ ઉપકાર કરનારું છું.

        હે વિપ્રવર, આષાઢ, શ્રાવણ, ભાદ્રપદ અથવા અશ્વિન માસમાં આ વ્રત કરવું. તે એક માસના શુક્લપક્ષમાં પંચગવ્ય પીને ભગવાન વિષ્ણુની સમીપ શયન કરવું. પછી સવારે નિત્યક્રમથી નિવૃત્ત થઈને મન અને ઇન્દ્રિયોને વશમાં કરી ક્રોધરહિત થઈને શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી. વિદ્વાનોની સાથે ભગવાન વિષ્ણુનું પૂજન કરીને સંકલ્પ કરવો.

        “હે દેવોના પણ દેવ કેશવ, આજથી એક માસ સુધી હું નિરાહાર રહીને માસને અંતે આપની આજ્ઞાથી પારણાં કરીશ. હે પ્રભુ, તપશ્ચર્યાના ફળને આપનાર આપને નમસ્કાર છે. આપ મને અભીષ્ટ ફળ આપો અને મારાં સર્વ વિઘ્નોને દૂર કરો.”

        આ પ્રમાણે ભગવાન વિષ્ણુને શુભ માસવ્રત સમર્પણ કરીને તે દિવસથી માંડીને મહિનાના અંત સુધી ભગવાન વિષ્ણુના મંદિરમાં નિવાસ કરવો અને દરરોજ પંચામૃતવિધિથી ભગવાનને સ્નાન કરવાવું. એ માસમાં નિરંતર ભગવાનના મંદિરમાં દીવો પ્રકટાવવો. આ પ્રમાણે માસોપવાસ પૂર્ણ થયા પછી ભગવાનનું પૂજન કરવા સાથે યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ભક્તિપૂર્વક દક્ષિણા આપવી. પછી ભાઈભાંડુઓ સાથે જમવું.

        આ પ્રમાણે વ્રતી પુરુષે દર વર્ષે એક વાર માસોપવાસ કરવો અને તેર વાર અર્થાત તેર વર્ષ કર્યા પછી બાર બ્રાહ્મણોને વિધિ પૂર્વક ભોજન કરાવવું અને પોતાની શક્તિ અનુસાર તેમને વસ્ત્ર, આભુષણ તથા દક્ષિણા આપવી. આ વ્રત પૂર્ણ કરનાર પરમાનંદ પદને પ્રાપ્ત થાય છે. વિધવા સ્ત્રીઓએ, સંન્યાસીઓએ, બ્રહ્મચારીઓએ અને ખાસ કરીને વાનપ્રસ્થીઓએ આ માસોપવાસ વ્રત કરવું જોઈએ. જે આ વ્રત કરે છે તે મોક્ષ પામે છે.”

        સનકે આગળ કહ્યું, “હે નારદ, હવે ત્રણે લોકમાં વિખ્યાત એવા એક બીજા વ્રતનું હું વર્ણન કરીશ. આ વ્રત સર્વ પાપોનો નાશ કરનારું છે તથા સર્વ મનોવાંછિત ફળોને આપનારું છે. તે વ્રત એકાદશીના વ્રત નામથી જાણીતું છે. એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. બંને પક્ષની એકાદશીએ ભોજન કરવું નહિ. આ દિવસે ભોજન કરનાર મહાન પાપી છે.

        હે મુનીશ્વર, મુક્તિની અભિલાષા રાખનારાઓએ દશમી અને દ્વાદશીએ એક વખત ભોજન કરવું અને એકાદશીએ તદ્દન નિરાહાર રહેવું. મહાપાતકો અથવા સર્વ પાતકોથી યુક્ત મનુષ્ય પણ જો એકાદશીએ નિરાહાર રહે તો તે પરમગતિને પામે છે.

        દશમી તિથિએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. રાત્રે ભગવાન નારાયણનું ચિંતન કરતા રહીને તેમના જ સમીપે શયન કરવું. એકાદશીએ સ્નાન કરીને ગંધ, પુષ્પ આદિ સામગ્રીઓ દ્વારા ભગવાન વિષ્ણુનું વિધિ પૂર્વક પૂજન કરવું અને પછી સંકલ્પ કરવો કે હે કમાલ જેવાં નેત્રોવાળા અચ્યુત ભગવાન, આજે એકાદશીએ નિરાહાર રહીને હું બીજે દિવસે ભોજન કરીશ. આપ મારા માટે શરણદાતા થાઓ.

        આ સંકલ્પ સાથે એકાદશીનો ઉપવાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવો. વ્રત કરનારાઓએ ભગવાન વિષ્ણુ સમક્ષ ગીત, વાદ્ય, નૃત્ય તથા પુરાણશ્રવણ આદિ દ્વારા રાત્રે જાગરણ કરવું. એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત દ્વારા સ્નાન કરાવવું. દ્વાદશીને દિવસે ભગવાન વિષ્ણુને દૂધથી સ્નાન કરાવવું.

        દ્વાદશીને દિવસે ભગવાનને પ્રાર્થના કરી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી. ત્યારબાદ પોતાના ભાઈભાંડુઓ સાથે ભગવાન નારાયણનું ચિંતન કરી પંચમહાયજ્ઞ કરી પોતે પણ મૌન રહીને ભોજન કરવું. આ પ્રમાણે સંયમપૂર્વક એકાદશીનું વ્રત કરનારો વૈકુંઠધામમાં નિવાસ કરે છે.

        આ વ્રત માટે જે દ્રષ્ટાંત સાંભળ્યું છે તે કહું છું. પુરાતન કાળની વાત છે. નર્મદાને કાંઠે ગાલવ નામના એક સત્યપરાયણ મુનિ રહેતા હતા. તેઓ શમ અને દમથી સંપન્ન તથા તપશ્ચર્યાના નિધિ હતા. સિદ્ધ, ચારણ, ગંધર્વ, યક્ષ અને વિદ્યાધર વગેરે દેવયોનિઓનાં પ્રાણીઓ પણ અહીં વિહાર કરતાં હતાં. ગાલવ મુનિનો એક પુત્ર હતો, તેનું નામ ભદ્રશીલ હતું. તે બાળક મન અને ઇન્દ્રિયોને વશમાં રાખતો હતો. તેને પોતાના પૂર્વજન્મની વાતોનું સ્મરણ હતું. તે હંમેશાં ભગવાન વિષ્ણુની માટીની પ્રતિમા બનાવીને તેનું પૂજન કરતો અને મિત્રોને પણ એવું કરવા માટે કહેતો. તે ઉપરાંત વિદ્વાનોએ એકાદશીની વ્રત કરવું જોઈએ એક બધાંને કહેતો. એક દિવસ ગાલવ મુનિ બાળકોને વિષ્ણુનું પૂજન કરતા જોઇને અને પોતાના પુત્રને આ પ્રમાણે ઉત્તમ ચરિત્રથી યુક્ત જોઈ તે વિસ્મિત થયા અને હૈયા સાથે ચાંપ્યો.

        ગાલવ મુનિ બોલ્યા, “ઉત્તમ વ્રતનું પાલન કરનારા હે મહાભાગ ભદ્રશીલ, તમે પોતાના કલ્યાણમય શીલસ્વભાવને લીધે ખરેખર ભદ્રશીલ છો. તમે એકાદશીનું વ્રત કરો છો અને શાંત ભાવથી ભગવાનના ધ્યાનમાં મગ્ન રહો છો. દીકરા, તમે ઉંમરમાં નાના છો તોપણ તમારી બુદ્ધિ પ્રૌઢ શા માટે થઇ? તમારી અદ્ભુત સ્થિતિ જોઇને મને ભારે વિસ્મય થાય છે તો આનું કારણ શું છે તે તમે કહો.”

        હે મુનિશ્રેષ્ઠ, પિતાએ આ પ્રમાણે પૂછતાં ભદ્રશીલ પ્રસન્ન થયો અને પોતાના પૂર્વજન્મની વાત કરતાં કહ્યું, “પિતાજી, સાંભળો પાછલા જન્મમાં મેં જે અનુભવ્યું છે તે વિષે હું તમને કહું છું. હું પૂર્વ જન્મમાં ચંદ્રવંશી રાજા હતો. મારું નામ ધર્મકીર્તિ હતું અને મહર્ષિ દત્તાત્રેયે મને ઉપદેશ આપ્યો હતો. મેં અનેક વર્ષ સંપૂર્ણ પૃથ્વીનું પાલન કર્યું. પહેલાં મેં પુણ્યકર્મ કર્યાં, પરંતુ પછી પાખંડીઓના ફંદામાં ફસાઈને મેં વૈદિક માર્ગ છોડી દીધો. મેં સર્વ યજ્ઞોનો નાશ કર્યો. મને અધર્મમાં તત્પર જોઇને મારી પ્રજા પણ પાપકર્મ કરવા લાગી અને તેમાંનો છઠ્ઠો ભાગ મને મળવા લાગ્યો. હું દુર્વ્યસનોમાં આસક્ત રહેવા લાગ્યો. એક દિવસ શિકાર કરવા માટે હું સેના સાથે વનમાં ગયો હતો. હું છુટ્ટો પડી ગયો અને ભૂખતરસથી પીડાઈને થાક્યો પાક્યો નર્મદાને કાંઠે આવ્યો. તાપથી મુક્ત થવા નર્મદાના જળમાં સ્નાન કર્યું. હું એકલો ભૂખના દુઃખથી ત્યાં પીડાઈ રહ્યો હતો.

        સંધ્યાસમયે નર્મદાના કાંઠે રહેતા એકાદશીનું વ્રત કરતા માણસો એકઠા થયા. તે બધાંને મેં જોયા. તેમની સાથે જ નિરાહાર રહીને સેના વિનાનો હું રાત્રે ત્યાં જાગરણ કરતો રહ્યો. જાગરણ પૂરું થતાં જ મારું તે સ્થળે મૃત્યુ થઇ ગયું. યમરાજના દૂતો મને યમની પાસે લઇ ગયા. તે સમયે યમરાજે ચિત્રગુપ્તને બોલાવીને પૂછ્યું, “આને શો દંડ આપવો?”

        થોડીવાર વિચાર કરીને ચિત્રગુપ્તે કહ્યું, “હે ધર્મરાજ, આ હંમેશાં પાપમાં જ લાગેલો રહ્યો છે તો પણ એક વાત સાંભળો એકાદશીએ ઉપવાસ કરનારો સર્વ પાપોથી છૂટી જાય છે. નર્મદાના તટ ઉપર એકાદશીના દિવસે નિરાહાર રહ્યો. ત્યાં જાગરણ અને ઉપવાસ કરીને તદ્દન નિષ્પાપ થઇ ગયો છે. એણે જે પાપ કર્યાં હતાં તે સર્વ ઉપવાસના પ્રભાવથી નષ્ટ થઇ ગયાં છે.”

        હે તાત, ત્યારબાદ ધર્મરાજે પોતાના દૂતોને બોલાવીને કહ્યું, “હે દૂતો, મારી વાત સાંભળો ધર્મમાર્ગમાં પ્રવૃત્ત માણસોને મારી પાસે લાવશો નહિ. વિષ્ણુના પૂજનમાં તત્પર, સંયમી, કૃતજ્ઞ, એકાદશી વ્રત કરનારા તથા જિતેન્દ્રિય છે એવાઓને તરત છોડી દેવા.”

        આ પ્રમાણે તેમની વાતો સાંભળીને મને મારાં દુષ્કર્મોનું સ્મરણ થયું અને પશ્ચાતાપને લીધે મારાં સર્વ પાપો નષ્ટ થઇ ગયાં અને ઇન્દ્રલોકમાં ગયો. ત્યાં ભોગો ભોગવીને ફરી ભૂલોકમાં આવ્યો. અહીં આપ જેવા વિષ્ણુભક્તના કુળમાં જન્મ થયો. હે મુનીશ્વર, જાતિસ્મર હોવાને લીધે હું આ બધી વાતો જાણું છું. તેને લીધે જ હું એકાદશીના વ્રતનું મહાત્મ્ય જાણું છું.”

        પોતાના પુત્રનો ઉત્તર સાંભળીને ગાલવ મુનિ આનંદિત થયા અને ભદ્રશીલનો જન્મ પોતાના કુટુંબમાં થયો તેનો આનંદ અનુભવ્યો.”

        સનકે કહ્યું, “હે નારદ, આપણા પૂછવાથી મેં તમને આ બધી વાતો કહી. બીજું આપ શું સાંભળવા માગો છો?”

ક્રમશ: