ફોટોફ્રેમ Kirtidev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફોટોફ્રેમ

તે ભાવનગર રહેતી હતી અને હું અમદાવાદ. એક મિત્રના લગ્નમાં મળ્યા હતા. બહુ મસ્તી કરી, ફોટા પડાવ્યા. મિત્રએ વોટસેપ પર ગ્રૂપ બનાવી ફોટા શેર કર્યા. ગ્રૂપમાં ફોટા અંગે અને લગ્નમાં કરેલી મજા-મસ્તી અંગે મેસેજથી વાર્તાલાપ થયો. તેણીના ફોટા મેં જોયા, એણે મારા જોયા હશે. ત્રણ દિવસ બાદ તેનો મેસેજ આવ્યો. તેણે પોતાની ઓળખાણ આપી. મેં મારો પરિચય આપ્યો. પછી અમે રોજ સમય મળે ચેટિંગ કરતાં. રોજ સવાર ગુડ મોર્નિંગના મેસેજ મોકલવાનો દોર ચાલુ થયો. ગમે એવી રસપ્રદ વાત કેમ ન હોય રાત્રે અગિયાર વાગ્યાથી વધારે મોડા સુધી તે વાત ન કરતી. અમે મિત્રો બન્યા. તહેવારો આવ્યા, પરીક્ષાઓ આવી અને બદલાઈ ઋતુઓ. આગળ વધતાં સમય સાથે અમારી મૈત્રી પણ વધતી ગઈ. અમે ખાસ મિત્રો બન્યા.

 

મારી અને એની વચ્ચે બહુ તફાવત હતો. તે ઉત્તર કહે તો હું દક્ષિણ. તે પૂર્વ કહે તો હું પશ્ચિમ પણ જે મનમાં હોય તે સીધે સીધું કહી દેતા. કશું ગોંધી રાખતા નહીં. અમે મોટાભાગે એકબીજાના ઓપોઝિટ હતા.

 

આવું છ-એક મહિના ચાલ્યું. દિવાળી જતી રહી, ઉત્તરાયણ જતી રહી અને આવ્યો વસંત. એક દિવસ તેણીએ મેસેજ કર્યો, તે અમદાવાદ આવી છે એમ.કોમ.ના પુસ્તકો લેવા. મેં કહ્યું: “ભાવનગરમાં પુસ્તકો નથી મળતા કે શું?” તે બોલી: “મારા કઝીન પાસેથી લેવાના છે એટલે આવી. તું ફ્રી હોવ તો અહીં બસ સ્ટેન્ડ આવ આપણે મળીએ.” હું એને મળવા ગયો.

 

તે બસમાંથી નીચે ઉતરી. જેને સાત મહિનાથી ફક્ત મોબાઇલની સ્ક્રિનમાં જોઈ હતી, તે મારી સામે ઊભી હતી. જાણે કોઈ પરી અવતરી હોય એમ લાગ્યું. તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા. વાદળી ડ્રેસ પહેર્યો હતો અને આંખોમાં સહેજ કાજળ આંજયું હતું. આટલો બધો સમય અમે ફક્ત કોલ પર કે મેસેજમાં જ વાત કરી હતી, રૂબરૂ નહીં. લગ્નમાં પણ ફક્ત એકમેકને દેખ્યા હતા. વાત ન હતી થઈ. આજે તક મળી. રોકી ચાવાળાના ત્યાં બેસવાની વ્યવસ્થા હતી, ત્યાં બેસી ઘણી વાર સુધી વાતો કરી, પછી તેણે એના પિતરાઇ ભાઈને કોલ કર્યો પણ કોલ લાગી ન હતો રહ્યો. મેં સજેસ્ટ કર્યું એના ઘરે જઈ આવ પણ તેને મોડુ થઈ ગયું હતું. આમ પણ સ્વજનના ઘરે જાય તો વધારે સમય જતો રહે, એના કરતાં તે ત્યાંથી જ ઘરે જવા રાજી થઈ. અમે પરત બસ સ્ટેન્ડ આવ્યા, તે બસમાં બેસી. સાત મહિના પછી મેં એને રૂબરૂ જોઈ. તે જતી હતી ત્યારે મારે એક પ્રશ્ન પુછવો હતો પણ ન પૂછાયું. એ દિવસ એણે મારી સામે જોઈ વાતો કરી હતી. ત્યાર પછી પણ મારે એને એક વાત પૂછવી હતી પણ હિમ્મત ન ચાલી. એ દિવસ પછી મને લાગ્યું, અમે ફક્ત મિત્રો નથી, મને તેના પ્રત્યે આકર્ષણ થઈ ગયું હતું. ‘ને મને એવું પણ લાગ્યું અમારી જોડી બનશે.

 

સૌથી અઘરું અને ભયજનક વાત જ એ હતી. મારા મનની મનસા તેને કેવી રીતે જણાવું? કેવી રીતે કહેવું મારી લાગણી મૈત્રી સુધી જ સીમિત નથી રહી? ઘણું વિચાર્યું, અનુભવી મિત્રો પાસે મૂંઝવણ રજૂ કરી. પછી સરળ લાગ્યું એકદમ આરામથી ગોઠવાઈ જશે, એને જણાવ્યા બાદ. એના પૂર્વે તો બધુ ફાટી નીકળવાની આરે આવેલા જ્વાળામુખી જેવુ ખોફનાક લાગી રહ્યું હતું. તે કેવી રીતે રીએક્ટ કરશે? ક્યાંક ગુસ્સે ના થઈ જાય. મને બોલાવાનું બંધ કરી દેશે તો? મિત્રતા ખરાબ ના થવી જોઈએ પણ હું એને મિત્ર ન હતો માનતો. જેથી દરખાસ્ત કરવી જ રહી હવે.

 

મને ગઝલો-કવિતા વાંચવું ગમતું પણ ક્યારેય લખવાનું સાહસ ન હતું કર્યું પણ એ દિવસ કર્યું. એક અછાંદસ રચના એના માટે લખી. બે-બે કડીઓના ૧૨ જેટલા જોડકણા બનાવ્યા. હું કોલેજથી ઘરે જઈ રહ્યો હતો. મેં એને એક-એક કડી મેસેજથી મોકલી. દરમિયાન તેને સમજ પડવા લાગી હું શું કરી રહ્યો હતો. આખી રચના પૂરી થઈ ત્યાં મારા ફોનની બેટરી પણ પૂર્ણ થઈ. ફોન બંધ થયો, તેની શું પ્રતિક્રિયા હતી? શું મંતવ્ય હતું? તે શું માનતી હતી મારા વિષે? કઈ જાણવા ન મળ્યું.

 

ઘરે જવાની તાલાવેલી જાગી. ઉતાવળે ઘરે પહોંચ્યો અને ફોન ચાર્જિંગમાં લગાવ્યો. હાથ-મો ધોયા. જમવા બેઠો પણ ખાવાનું ગળેથી ઉતરે એવું લાગ્યું નહીં. દોઢ રોટલી માંડ ખાધી, થાળી મોરીમાં મૂકી ફોન ચાલુ કરવા ભાગ્યો. ઝડપથી ફોન ચાલુ કર્યો, એનો એક મેસેજ આવ્યો હતો: હું તો તને મારો બેસ્ટફ્રેન્ડ માનું છું મારા મનમાં બીજું કઈ નહીં.

 

મેં કોલ કર્યો, તેણે ઉમેર્યું મારા મા-બાપનું પહેલું બાળક છોકરી જન્મી હતી, જ્યારે હું મારી મમ્મીના પેટમાં હતી, ત્યારે તેઓને હતું આ વખતે પુત્ર થશે પણ છોકરી પેદા થઈ. પપ્પા કરતાં મમ્મીને વધુ દુખ થયું. આ વખતે પણ છોકરી જન્મી! તેમણે મને ત્યજી દીધી મારી જાતિના કારણે. મારા ફુઈ-ફૂઆએ મને તેમના ઘરમાં રાખી, મોટી કરી અને આજે પણ તેઓ મને ભણાવી રહ્યા છે. હું આવો કોઈ સંબંધ આગળ વધારું તો સમાજમાં તેમનું નામ ખરાબ થાય, તેમની બદનામી થાય. જગતમાં અન્ય લોકો પારકાની દીકરીને પાળતા પહેલા આવી બધી બાબતોથી નિર્ણય બદલે એવું મારે નથી જોઈતું. હું હા નહીં પાડી શકું.

 

એ દિવસે મને જાણવા મળ્યું, તે કદાચ મારી સાથે નહીં થઈ શકે પણ તેને મારા માટે લાગણી તો છે ને. બસ, એ કાફી છે મારા માટે. એમ વિચારી આગળ વાત ચાલુ રાખી. મને બધુ નોર્મલ લાગ્યું પણ એને ના લાગ્યું. કશું હવે પહેલા જેવુ રહ્યું ન હતું. તેણીના રિપ્લાય મોડા આવવા લાગ્યા. સવારે ‘ગુડ મોર્નિંગ’નો મેસેજ આવતો બંધ થઈ ગયો. મારા માફી માંગવાથી પણ તેને કઈ ફર્ક ન પડ્યો. મેં જે હતું, જેવુ હતું તેવું સાચું કહી દીધું, જેટલો થઈ શકે એટલો પરિસ્થિતી સુધારવાનો પ્રયત્ન કર્યો પણ તેણીના વર્તનમાં કોઈ ફેર ન આવ્યો. પછી તેણે મારા મેસેજ સીન કરી ઇગનોર કરવાના ચાલુ કર્યા. તેના સાવ મેસેજ આવતા બંધ થઈ ગયા, બાદમાં મેં પણ મારૂ સ્વમાન જાળવવા કોઈ પહેલ ન કરી.

 

ચાર માસ વીતી ગયા. બેચલર્સનું સર્ટિફિકેટ લેવા તે ગુજરાત યુનિવર્સિટી આવી અને પાછી ભાવનગર ગઈ. આ ચાર માસમાં અમે એક દિવસ પણ વાત ન હતી કરી પણ તેનો મેં વિચાર ન કર્યો હોય એવું બન્યું ન હતું. હું કોલેજના ત્રીજા વર્ષમાં આવ્યો. પાંચમું સત્ર શરૂ થયું. એક દિવસ એનો કોલ આવ્યો. હું કોલેજ લેબમાં હતો. ફોન બેગમાં હોવાથી ઉપાડી ન શક્યો. કલાક બાદ ફોન ચેક કર્યો. તેનો મિસ્ડ કોલ હતો. ફોન લગાવી જોયો પણ સામે લાઇન એંગેજ આવી. મેં તરત મેસેજ કરવા ચેટ ઓપન કરી અને મારા પંદરેક મેસેજ તેના દ્વારા સીન કરી ઇગનોર પર છોડેલા જોયા. એ બધા મેસેજ મેં એક-એક કરી વાંચ્યા. બધુ ફ્લેશબેકની જેમ નજરો સામે આવવા લાગ્યું. મિત્રના લગ્નના ફોટા, તેનો પ્રથમ મેસેજ, રોકી ચાવાળાની ચા. તેનું હસવું, તેનું મારી સાથે વાતો શેર કરવી, તેનું મને બેસ્ટફ્રેન્ડ માનવું. બધુ યાદ આવી ગયું અને એ બધુ મારે ભૂલવું હતું. પછી બે મિનિટ પહેલા એક્ટિવ થયેલો તેનો લાસ્ટ સીન જોયો. મારી આંગળી ન ચાલી સામેથી મેસેજ કરવા. મેં ચેટ ડિલીટ કરી. હું હતો જ કોણ એની લાઈફમાં? મેં કર્યું જ શું હતું એના માટે? ફક્ત ચેટિંગ અને વાતો. એથી વધારે અમારી વચ્ચે ક્યાં કઈ હતું જ. પણ હકીકતમાં મારા મનમાં તો ઘણું હતું એના માટે... પણ તેના અને મારા શારીરિક અને વૈચારિક અંતરે અમને ઘણા દૂર કરી મૂક્યા હતા. એ દિવસે ન કોઈ એનો મેસેજ આવ્યો કે ન આવ્યો કોઈ કોલ.

 

અઠવાડીયા બાદ તેનો કોલ આવ્યો, તેણીએ મારા ખબરઅંતર પૂછ્યા. પછી જણાવ્યુ મને મળવું છે. એ દિવસે હું ફ્રી ન હતો. રિસર્ચ પેપર બનાવાનું કામ ચાલુ હતું. મેં કહ્યું “મારે કલાક થશે.” તે બોલી “અર્ધા કલાક બાદ ઘરે જવાનું છે, નહીંતર મોડુ થઈ જશે.” મેં કહ્યું “તો પછી ક્યારેક મળીશું.” તેણે કીધું “સારું.” અને ફોન મૂક્યો.

 

મારે મળવું હતું પણ લખવાનું કાર્ય હું અને મારી લેબ પાર્ટનર કરી રહ્યા હતા. હું જઈ શક્યો હોત પણ જ્યારે એણે મને પ્રાયોરિટી નથી આપી તો હું એને મન ફાવે એમ ટ્રીટ કરવા દેવા ન હતો માંગતો. હું એવું વિચારી જ રહ્યો હતો, ત્યાં એનો ફરી કોલ આવ્યો, તેણે કહ્યું સારું તું કલાક તારું કામ કરી લે, હું રાહ જોવ છું. મેં અને લેબ પાર્ટનરે ફટાફટ કામ પૂરું કર્યું અને છૂટા પડ્યા. તે લો ગાર્ડન મારી રાહ જોઈ બેઠી હતી. મેં પૂછ્યું કેમ આવી છે? જી.એલ.એસ. (GUJARAT LAW SOCIETY)માં તે એમ.કોમની અરજી ભરવા આવી હતી. જાણવા મળ્યું તે ગાંધીનગર રહેવા આવી ગઈ હતી.

“મને કેમ બોલાવ્યો?” મેં પૂછ્યું.

 

“આટલા સમયથી એક મેસેજ પણ તે મને ના કર્યો? આઇ નો મેં તારી સાથે કઠોર વલણ અપનાવ્યું પણ હું બહુ વિપરીત પરિસ્થિતિમાં છું. તારા વિચારો મને ઊંઘવા નથી દેતા, મને રોવું આવી જાય છે આપણાં વિશે વિચારી. કેવા સંજોગમાં હું આવી ગઈ છું. જ્યારે બધાએ મને ત્યજી ત્યારે તે મને અપનાવી. તારા જેટલું મને કોઈએ નથી રાખી. મારા ફુઈ-ફૂવાએ માણસાઈ દર્શાવી તેમના ઘરમાં આસરો આપ્યો. મને પ્રેમ કર્યો, મને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી પડવા દીધી. એમણે મારાથી ક્યારેય કોઈ અપેક્ષા નથી રાખી. મને પોતાની દીકરી જેમ રાખી. મને મારા મમ્મી-પપ્પા કરતાં એમના પર વધારે હેત છે. તેમણે જ મારા સાચા માતા-પિતા... પણ મારૂ મન નથી માનતું તારો સ્વીકાર કરું. મને તારા માટે ફિલિંગ છે...પણ, પણ શું કરું હું? મારા ફુઈ-ફુવા પછી તું મને વધારે ગમુ છું. મને તું જોઈએ છે પણ હું તને એ રીતે એક્સેપ્ટ નહીં કરી શકું. તું મારા માટે ખાસ છો પણ તું મારો બોયફ્રેંડ નથી. તું સમજે છે ને તું મારા માટે કોણ છો? તું મારી સાથે મૈત્રી રાખ. તને મળી શકું એથી જ હું મારી નાનીના ઘરે ગાંધીનગર રહેવા આવી છું. મને તારી જરૂર છે. તું બહુ ખાસ છે મારા માટે, મારે તને નથી ગુમાવો.”

 

મેં સાંભળી લીધું. તેના મનમાં સમાજ, કુટુંબ, આબરૂ અને વ્યવહાર વિશે ચોક્કસ ધારણા હતી. એને સમજાવતા ૨ મહિના વીતી ગયા. તારા પ્રેમ કરવાથી ફુઈ-ફૂવાની આબરૂ નથી જવાની. હું તને નથી કહેતો હાલ મારી જોડે ભાગી જા. અથવા તેમની વિરુદ્ધ કોઈ કામ કર. આઇ લાઈક યોર કંપની એન્ડ યુ લાઈક માઈન. તો આટલા મહિનાઓ બગાડ્યા. હવે, આગળ સમય નથી બગાડવો. ઠીક છે તું મને પ્રેમી કે બોયફ્રેંડની રીતે ના જોવ પણ તારી લાગણી મિત્રવાળી તો નથી જ. શું દરેક સંબંધને લેબલ આપવું જરૂરી છે? એક વ્યક્તિ સાથેનો સંબંધ એક લેબલના આધારે જ નક્કી થાય? જે સંબંધમાં લેબલ લાગે પછી માણસે એ પાત્રને અનુરૂપ જીવવું પડે છે, ત્યાં એક સીમા નક્કી થાય છે. તો શું એવો કોઈ સંબંધ ન હોય શકે જેમાં કોઈ બંધન, કોઈ સીમા કે કોઈ લેબલ ન હોય? આ બાબત પર મનોમંથન કર્યા પછી એને મારી વાત સમજાઈ.

 

પણ મેં કહ્યુંને અમે એકબીજાના ઓપોઝિટ હતા. ચુંબકના S અને N પોઈન્ટ જેમ. કેમના એક થવાના? અમે લડતા, દલીલ કરતાં, રીંસાતા, મનાવતા અને ઇસ્યુ ભૂલી જતાં. એક દિવસ રોકી ચાવાળાના ત્યાં બેઠા હતા. સારું વાતવારણ હતું, સારો મૂડ હતો. તેણે કહ્યું ચલ એક સેલ્ફી લઈએ અને ફોન નિકાળ્યો, તેણે વિભિન્ન ફિલ્ટર લગાવી જોયા, પાંચ મિનિટે એક ફિલ્ટર પસંદ કર્યું અને ફોટો લેવા તૈયાર થઈ, સામે રસ્તા પર એક અંધ વૃદ્ધ વ્યક્તિ રસ્તો ક્રોસ કરવા જઈ રહ્યા હતા, રસ્તા પર ગાડીઓ પૂર ઝડપે આવતી-જતી. તેમણે એકલા આગળ વધ્યા. હું ઊભો થઈ તેમની મદદે ગયો. તેણીએ ફોટો પાડ્યો પણ હું ત્યાંથી જતો રહ્યો હતો. મારી સ્પેસ તે ફોટામાં કેદ થઈ. તેણે સામે જોયું હું દાદાને રસ્તો ક્રોસ કરાવતો હતો. હું પાછો આવ્યો અને ફોટો પડાવા બેઠો. તેણીએ ફોન અંદર મૂકી દીધો હતો. મેં કહ્યું હવે, ફોટો લઈએ. તેણે કહ્યું હવે મૂડ નથી. તે ચા પી ઘરે જતી રહી અને ઘરે જઈ એ ફોટો સ્ટોરીમાં મૂક્યો. પછી અમે મળ્યા ત્યારે મને એ જ ફોટાની બે ફ્રેમ બતાવી, એક ફ્રેમ તેણે રાખી અને બીજી મને આપી.

 

તે મારા કરતાં જુદી હતી, તેના અને મારા લક્ષ્ય જુદા હતા, છૂટા પડવું તો પહેલાથી જ નિરધારેલ હતું. ઘણીવાર જોડે રહીને પણ માણસો એકબીજા માટે નથી બન્યા હોતા. ઓપોઝિટ અટ્રેક્ટ થાય છે સાચું હશે પણ ક્યાં સુધી અટ્રેક્ટ થયા કરે? આખી જિંદગી દરેક વાતો સમજાવાની? દરેક વાતોના ખુલાસા કરવાના? એકબીજા સાથે લડતા જ રહેવાનુ? ચુંબકના N છેડાને S છેડા સાથે ગમે એટલા જોડવાના પ્રયત્ન કરો તે ક્યારેય ભેગા નહીં થાય. બ્હારના પરિવર્ત્યોથી દબાણ રાખી બંનેને નજીક લાવી શકો પણ તે ક્ષણિક બળની અસર ઝાઝો સમય નથી ટકતી. જે સંબંધ સુંદર-મૃદુતાથી શરૂ કર્યો એને રોજ રોજની કચકચથી બગાડવા કરતાં આ નામ વગરના સંબંધની ગરિમા જાળવવા અહીં જ પૂર્ણવિરામ મૂકવું યોગ્ય લાગ્યું.

 

તે છેલ્લી વાર મળી ત્યારે મેં સવાલ પૂછ્યો. એ સવાલ જે મારે શરૂઆતમાં ઘણીવાર પુછવો હતો પણ રહી ગયો: “તું ભાવનગરથી અમદાવાદ આવી અને મને બસ સ્ટેન્ડ બોલાવ્યો, ત્યારે શું તું ખરેખર ચોપડા લેવા આવી હતી કે મને મળવા? શું તે તારા કઝીનને ખરેખર કોલ લગાવ્યો હતો?”

તેણે કહ્યું: “યાદ નહીં.”

 

સમય આવી ગયો હતો, મારી કોલેજ પૂરી થઈ, હું નોકરી લાગ્યો. આજ હું તેનાથી હજારો કિલોમીટર દૂર બીજા દેશમાં મારા રૂમના એકાંતમાં તેણીએ આપેલી ફોટોફ્રેમમાં એને જોવ છું, એની બાજુમાં જે મારી સ્પેસ હતી એમાં હું શક્યતાઓ મૂકું છું અને તેણીએ તે જગ્યા કોઈ બીજા સાથે ભરી દીધી હતી.

 

(પૂર્ણ.)

-કીર્તિદેવ