RAJKOT SIDE STORY books and stories free download online pdf in Gujarati

રાજકોટ સાઈડ સ્ટોરી

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૧)

 

                              “ગુજરતના બધા ગવર્નમેંટ નેટવર્કમાં ફાયરવોલ લાદવાનો નિર્ણય લેવામાં આયવો. ગાંધીનગરમાં બીજી બ્રાન્ચ નાયખી. ૨૦૦૯માં ઇંડિયન રેલ્વે કરતાં વધારે લોકોને અમે હાયર કયરા હયશે. નોર્થ અને ઈસ્ટ ઈંડિયામાંથી બહોળા પ્રમાણમા આઇ.ટી. ઇજનેરો જોડાયા. મેં એમને વિશ્વાસ અપાયવો:’વી વિલ મેક હિસ્ટ્રી ટુગેધર!’ પહેલા તો GU(ગુજરાત યુનિવર્સિટી) નેટવર્કમાં ફાયરવોલ એક્ટિવ કયરું. એમ કરતાં ઇન્ટરનેટ સ્પીડ અર્ધી થઈ ગઈ. કારણ બેંડવીથમાં સરકારે અમને આપેલી પોલિસી મુજબ બહુ ઓછા ડેટામાં એક્સેસ આપવાનો નિર્ણય થયો હતો. ડેટા રીડ કરવામાં પણ સિસ્ટમ ખૂબ જ લોડ લેતું. કારણ હિસ્ટ્રી જેમ બધો ડેટા લોકેશન સાથે રેકોર્ડ કરવામાં આવતો. એ રીતે બધી સાઇટ અમે કોન્ટ્રાક્ટ બેસિસ પર સિકયોર કયરી.”

 

“આ તો તમે સરકારને લૂંટી કે’વાય, પોતાના અંગત સ્વાર્થ માટે...” શાલકીએ કહ્યું.

 

                              “શાલકી, આ દુનિયા બોવ હયલકી સે, પૂરી વાત સાંભળ. ગુજરાત ગવર્નમેંટની બધી વેબસાઇટ નોર્મલ થઈ બાદ ભારત સરકારને વાત કયરી. તામિલનાડુમાં માલવેર સૉફ્ટવેર બનાવાનું કામ શરૂ થઈ ગયું હતું. માટે અમારી હળી કરવાનો તેમને પૂરતો સમય મળી ગયો’તો. મારી ઓફિસમાં આવી અમારું કામ બંધ કરાવી ઓડીટ ચાલુ કયરી. બધા કંપયુટર જપ્ત કરી લેવામાં આયવા કારણ અમારી પાસે ગવર્નમેંટ સાઇટનો સર્વર હાથમાં હતો. ધ્યાનથી સાંભળજે સર્વર હાથમાં હતો, એક્સેસ ન’તું. અમે સાઇટમાં કાંય ચેન્જ નો કરી શકીએ પણ એવા આરોપ લાયગા કે અમે ચેન્જ કરી શકીએ. પ્રોપર ટેસ્ટિંગ અને લીગલ ઓડિટ વગર એક્સેસ મેળવી જ કેવી રીતે શકો છો? એવા પ્રશ્નો ઉયઠા.

 

                              વી વર જસ્ટ ટ્રાઈંગ ટુ હેલ્પ ગવર્નમેંટ. એન્ડ વોટ ધેય ડિડ ટુ અસ?(અમે ફક્ત સરકારની મદદ કરવા માંગતા હતા અને તેમણે કેવું કર્યું અમારી સાથે?) મને અને મારા CFOને ગાંધીનગર સચિવાલયમાં બે દિવસ સુધી કેદ કરી લેવામાં આયવા અને અમારા પર દબાણ કરવામાં આયવું કે ભારત સરકાર સાથે કોંટ્રેક્ટ કરે, એમની કંડિશન્સ મુજબ.

 

                              આખા દેશની સાઇટ્સને સિકયોર કયરી મોનીટર કરવું ચેલેંજિંગ અને ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હતું. ઇનો તો વાંધો નય ચેન્નઈથી આઇ.ટી. ફીલ્ડના માણસો હાયર કરી લેવી પણ સરકાર અમને મગફળી જેવી સેલેરી આપવાની વાત કરે. જસ્ટ વિચાર કર રોજજે ૮૦થી૯૦ કરોડનું નુકશાન સરકાર ભોગવતી હતી, એવરેજ. ‘ને અમે એના ૧૫૦% જેટલું ફંડિંગ માંગી રહ્યા’તા. ખાલી કરંટ ટાઈમનું નો વિચાર, આગળના સમયને સિકયોર કરવાની વાયત હતી. કાંય આવી ઓફર હવામાં જ નો’તી મૂકી. અમારી સ્લેટ સાફ હતી માટે કોઈ બીજા એક્શન નો લેવાયા.”

“આટલા તો અદાણી ગ્રૂપ પણ સરકાર પાસે ન’તું માંગતુ. કશુક વિચારીને પ્રપોઝલ મૂકો.” અમદાવાદથી આવેલા ઓફિસર મને બોયલા. મેં કહ્યું:

“અદાણી ગ્રૂપ વગર દેશ હાલી હકશે. અમારા વગર નય. હોસ્પીટલમાં મરીઝને ઑક્સીજનની જરૂર હોય તો ઑક્સીજન જ આપવો પડે, એમ નો કે’વાય ન્યૂરોસર્જરી કરાવી લે?” બોલી ને હું પોતે વિચારમાં પયડો કે આ ઉદાહરણ બંધ બેયસુ કે નય?

“હેં?” ઓફિસરને ન સમજાયું.

“ઈ, ઈ જ. જે તમે હમજ્યા..” અમદાવાદી ઓફિસર મારી સામે જોઈ રહ્યો. સવાલ એ જ રહ્યો તેઓ અમને કોન્ટ્રાક્ટ આપશે કે પછી જેલમાં નાખી દેશે?

 

*

 

(બે વર્ષ બાદ)

 

                               “જી, હું જાણું છું આ વાત તમને અટપટી લાગશે પણ એ જરૂરી છે. આપની પાસેથી તમારી દીકરી સિવાય કાંઇ નથ જોયતું મારે... પણ સગાઈ પહેલા હું તમારા ઘરે થોડો સમય રોકાવા માંગુ છું... જાણવા કે તમારા ઘરની રીત-ભાત અને પ્રણાલી કેવી છે. એ બહાને તમે પણ મને જાણી લે’જો.” નિશાંતે કહ્યું.

 

                              ધીરેનભાઈ તેની સામે જોઈ રહ્યા. તેમના મોટાભાઇ દિનકરરાવ પણ વાત સમજવા પ્રયત્ન કરી રહ્યા હતા. બે ક્ષણ કોઈ કઇ બોલ્યું નહીં. નિશાંતના પપ્પા રાવજીભાઈના હાથમાં ચાનો કપ હતો. તેમણે ધીરેનભાઈને જોઈ રહ્યા હતા. નિશાંતની ચાનો કપ હજુ મેજ પર જ પડ્યો હતો. પિતા-પુત્રની ચા ઠંડી થઈ રહી હતી. તે બંનેનું ધ્યાન ધીરજભાઈ કેન્દ્રિત થયું હતું.

“આપની જે કોઈ શરતો કે કન્ડિશન હોય તે જણાવી દ્યો. તમે, પપ્પા અને વડીલો પોતાની રીતે નક્કી કરી શકો છો.” નિશાંતે ઉમેર્યું.

“જોવો, નિશાંતકુમાર ઇમાં એવું સે કે હમારા ઘેરે ૧૨ વરહ પહી રૂડો પરસંગ થવા જય રયો સે ‘ને મારી મોટી દીકરીનો પરસંગ સે. દીકરીયુને હંમેશા અમે આયપું જ સે. એમની પાંહેથી ક્યારેય કશું લેવાય નય. મારી બે દીકરીયુ સે. આ મારા મોટાભાયનો એકનો એક દીકરો સ, સિદ્ધાર્થ. આના લગન અમે કરાવ્યા ત્યારે અમારી આર્થિક સ્થિતિ એટલી હારી નો હતી. માટે એના લગનમાં ઝાઝો ખર્ચો અમે ન’તા કયરી હક્યા. શાલ્કીના અમે ધામધૂમથી લગન કયરવા માંગીયે સીયે. સમાજમાં આબરૂ સે અમારી, વટથી રયા સી અને આગર પણ માનભેર જીવવા માંગી સીએ. તમારી હંધિય વાતો મંજૂર સે પણ આમ ઘેરે રે’વાની વાત કરો મા. તમને આંય રાખવામાં મુશ્કેલી કોઈ સે નય પણ જો સમાજમાં વાત જાય તો કેવું લાગે? સમાજમાં બધા હમારી હાંસી ઉડાવે કે ધનંજય-કરસનના પુત્રો થવા વારા જમાયને ઘર જમાય બનાય રાયખે સે અને ઇ પણ લગન પે’લા? આ અંગે પણ તમે વિચાર કરી જુઓ...”

 

                               “કમાલ છે, તમારી દીકરી આખી ઝીંદગી મારા ઘરે રહી શકે પણ હું આપના ત્યાં ૩ માસ ન રહી શકું? ‘ને કયા સમાજની વાતુ તમે કરો છો? આ સમાજ ઓળખ્યા-પારખ્યા વગર પરણાવી દયે છે. માણસ તેના જિંદગીભરના સાથીદારને ક્યારેય પોતાના મનની વાત નથી કરી શકતો. પરસ્પર એકબીજાના વિચારો-અભિરુચિની એકરૂપતા નથી હોતી. અરે, અભિરુચિની વાત બાજુમાં મૂકો. ઘણા એવા કિસ્સા બને છે લગ્ન પછી કે પતિ-પત્ની એકબીજા માટે સામાન્ય સમજણ પણ નથી ધરાવતા હોતા. વિચારોની આપ-લે તો દૂરની વાત છે. ‘ને ત્યારે માણસ ત્રીજી વ્યક્તિનો સહારો ઝંખે છે અને મર્યાદા ઓળંગી બેશે છે. આવા કિસ્સાઓથી ચોરી, મારામારી, વ્યસન, રોજ રોજના ઝઘડા-કંકાસ જેવા અસામાજિક દૂષણો વધે છે.

 

                              હું અને શાલકી અથવા મારૂ પરિવાર એકમેકની સાથે સુખી છે કે નય? એ જોવા સમાજ નહીં આવે. એ અમારે જ સોર્ટ આઉટ કરવું પયડશે. સંકોચાઈને બેબાકળા બની મારે નથી રહેવું અને હું કોયને રાખવા પણ નથી માંગતો. એકબીજાને અને એકબીજાના પરિવારને જાણી લઈએ તો શું એમાં આપના સૌનું હિત નથી? આપણે આગળની પેઢીને વધારે સમૃદ્ધ અને પૂરતી સામાજિક-બૌધિક સમજથી ઉછેરી નહીં શકીએ?”

 

“ઈ તો તમે હગાઈ પસી પણ એકબીજાને જાણી હકો સો ને? તમારે ૬,૯ મયના, વરહ, દોઢ વરહ હગાઈ રાયખવી હોય રાયખજો. જ્યારે તમારા મનને પૂરતો હંતોષ થઈ જાય તીયારે લગન વિષે વિસારજો.” સિદ્ધાર્થે કહ્યું.

“સગાઈ પછી તમારી બેનને અને મને એકબીજાને જાણવાનો સમય બહુ ઓછો મળશે. કારણ કે અમારા ઘરની જીવનશૈલી જુદી છે. તેને એ સમજતા વાર લાગશે. બધા વ્યવહારો કેવી રીતે થાય છે, શું કરવાનું? કેટલીક બાબતો અમારા માટે પણ નવી થવાની તો એમાં એમણે બધુ શીખવું પડશે.”

“હા, ઈ તો હીખવું પડે.” ધીરેનભાઈ બોલ્યા.

“માટે હું ચાહું છું, સગાઈ પછી તે અમારા ઘરની રીત-ભાત શીખે અને પોતાના કરિયર અંગે નિર્ણય લેય. જો આપ પરવાનગી આપો તો હું તેમને અમારું ઘર બતાવી બધી માહિતી આપવા માંગુ છું. સગાઈ બાદ તેમને અમારી રીત-ભાત ફાવી જાય ત્યારબાદ...”

“તમે બોવ બધી અશક્ય વાતું કરી રયા સો નિશાંત...”ધીરેનભાઈ બોલ્યા. તેમના અવાજમાં થોડી નિરાસા-ચિંતા લાગી રહી હતી.

“માટે જ મેં અંતમાં કહ્યું ‘જો તમે પરવાનગી આપો તો’ અને હું સગાઈ પછી વધુ સમય લંબાવા નથી માંગતો. બધી તૈયારી માટે છ મહિના પૂરતા છે... સર, હું અત્યાર સુધીમાં બે વાર કન્યા જોવા ગયો છું. આ ત્રીજી વાર છે. આની પહેલા મેં એકેય ઘરે આ પ્રસ્તાવ નથી મૂક્યો. તમારું ઘર અને આપ સૌ મને પસંદ આવ્યા છો. ખાસ કરીને સમાજમાં તમારો જે મોભો છે, તમારા પરિવારના રૂઢિગત મૂલ્યો તમને અન્ય લોકોથી ઉત્તમ ઠરાવે છે. માટે મેં આ પ્રસ્તાવ રજૂ કર્યો એમ સમજીને કે તમે બ્રોડ માઇન્ડથી વિચારતા હઇશો.” નિશાંત મેજ પર પડેલા ચાના કપને જોઈ રહ્યો. તે ચા અડયો પણ ન હતો. ચા ઠરી ગઈ હશે.

 

                              થોડીવાર એમ જ સૌ મૌન રહ્યા. ધીરેનભાઈ-દિનકરરાવ વિચારતા રહ્યા. સિદ્ધાર્થ પણ. રાવજીભાઇને લાગ્યું ધીરેનભાઈ પ્રસ્તાવ ઠુકરાવી દેશે. દરવાજાની આડશે ઊભેલી સુરભિની નજર પરસાળમાં બેઠેલા મહેમાનમાં નિશાંતને શોધી રહી હતી. નિશાંતની ખુરશી ધીરેનભાઈ સામે હતી. સુરભિ નિશાંતની પાછળના કક્ષમાં ઊભી  હતી માટે તે એને જોઈ શક્તી ન હતી.

“કેવો લાગ સ?” શાલકી તેના કક્ષમાં પલંગ પર ગુજરાતી ડ્રેસમાં તૈયાર બેસી હતી. તે નિશાંતને હજુ મળી ન હતી. બે ક્ષણ વીતી સુરભિએ જવાબ ન આપ્યો માટે તેણે ફરી પૂછ્યું:”સુભી... કેવો લાયગે સે એ?”

“અલી પપ્પાની હામેની ખુરશીમાં બેયઠો સ. આયાંથી નથ દેખાતું.” દીવાલની આડસે તે ઊભી ઊભી પરસાળમાં બેઠેલા સૌને જોઈ રહી હતી.

 

                              શાલકી નર્વસ થઈ ગઈ હતી. કોઈપણ ક્ષણે તેના કક્ષમાં નિશાંત વાત કરવા આવી શકે છે. જેના વિષે આટલું બધુ સાંભળ્યું હતું એને રૂબરૂ થવાની ક્ષણ આવી ગઈ હતી. તે તેના પગ ટપ ટપાવા લાગી. બ્હાર નિશાંત તેના પપ્પા અને ફુવા સાથે શાલકીને જોવા આવ્યો હતો. તે ધંધે બિઝનેસમેન હતો. તેની કંપની મોટી વેબસાઇટનું કામ કરતી. ગુજરાતમાં કહી શકાય એવા ૩૦ વર્ષથી ઓછી ઉંમરમાં કરોડપતિ બની ચૂકેલા યુવાનોમાં તે પ્રખર હતો. તેના પિતા સમાજમાં મોટું માથું કહેવાતા. ધીરેનભાઈ ઘણા લોકોની વગ અને વિનંતીથી રાવજીભાઇને દિકરીની વાત જોવા બોલાવ્યા હતા. એમ વિચારી કે મોટા ઘર સાથે સંબંધ બંધાય તો સમાજમાં માન વધે અને દીકરીનું સારી જગ્યાએ ઘર વસી જાય પણ તેમણે વિચાર્યું નહીં હોય એવી પરિસ્થિતી અત્યારે આવી પડી હતી. નિશાંત જે વાત કરી રહ્યો હતો તે એમને ગળે ન હતી ઉતરી રહી.

 

                              દિનકરરાવે ધીરેનભાઈને બાજુના કક્ષમાં આવવા જણાવ્યુ અને રાવજીભાઈને કહ્યું:”બે મિનિટ અમને અમારા પરિવાર હારે વાત કરી લેવા દ્યો. પછી તમને જવાબ જણાવીએ.” બંને ભાઈ શાલકીના કક્ષમાં આવ્યા. દિનકરરાવ બોલ્યા:”આવી મોટી વાતું વારંવાર નય આવે. એકવાર જો શાલકીનું ગોઠવાય જાહે તો સુરભિનું શોધવામાં વધારે મે’નત નય કયરવી પડે. ઈને પણ હારો મુરતિયો મળી જાહે. જો હવ રાવજીભાયની આ શરત ના પાયડી તો એમને શંકા જાહે કે આમના પરિવારમાં કાંઈક ખોટ હયશે એટલે સોકરાને આંય રોકાવા નય દેવા માંગતા હોય. વળી, જો સમાજમાં બીજા બધાને ખબર પયડી કે આપડે રાવજી પરમારના ઘરનું હગપણ નો થાવા દીધું. તો બધા આયપડી જ વાતું કરશે કી આપણામાં કે આપડી સોડીમાં કાંયક દોષ હયશે. ‘ને આંયાં રે’વું હોય તો રય લેવા દ્યો. ઈમ કરવાથી આપણી સમાજમાં આબરૂ વયધશે કે આવા કરોડપતિ આદમીને આપણે આપડા ઘેરે રે’વા દીધો. ‘ને જો આપણાં ન્યાં રયા પસી પણ ઈ હગાઈની ના પાડે તોય આપણું નુકશાન નથી જાવાનું. એને આગર હોધવું અઘરું પયડશે, બીજે જ્યાં જશે ઈ વિચારશે કે આ ત-તણ મહિના રયા પછીય ના પાડે હે લગનની તો એમનો તો ખોટો ટેમ જાવાનો. બાકી, આપડે આપડી સોડી માટે કય હકીશું ઈ મોટા માણાં’ને આપણાં નાના મકાનમાં નો ફાવેની.” દિનકરરાવે સમજાવ્યું. રસોડામાંથી કાજલબેન અને રમીલાબેન તેમની વાત સાંભળવા આવ્યા હતા. બધાને દિનકરરાવની વાત ગળે ઉતરી.

 

                              બે-ચાર મિનિટ બાદ દિનકરરાવ-ધીરેનભાઈ પરસાળમાં આવ્યા:”નિશાંત, તમે આટલા મોટા આદમી થયને જો અમારા ઘેરે રે’વામાં નાનપ નો અનુભવતા હોય તો અમે ચઈ રીતે તમને ના પાડી હકીએ? તમને જે ઠીક લાગે એ નિર્ણયનું અમે માન રાયખશું.”

 

                              આ સાંભળી નિશાન રાજી થયો. તેની યોજના મુજબ બધુ પાર પડી રહ્યું હતું. આ ત્રણ માસમાં તે એવી ઘટનાઓનો સાક્ષી બનવાનો હતો જે સૌને વિચિત્ર સ્થિતિમાં મૂકી દેવાની હતી. નિશાંત, તેના પપ્પા અને ફૂઆએ વિદાય લીધી. દિનકરરાવ અને ધીરેનભાઈ તેમને ગાડી સુધી વળાવા ગયા. શાલકી એના કક્ષમાં નીરસ ભાવે બેસી રહી. જેને જોવા-મળવા તે તલપાપડ થઈ રહી હતી, એ તેને મળ્યા વગર જ જતો રહ્યો.

 

દિવસ:૧

 

                              મર્સિડિઝ ગાડી પાછળ છોકરાઓ દોડી રહ્યા હતા. ધીરેનભાઈના ઘર આગળ ગાડી ઊભી રહી, ડ્રાઈવર બ્હાર ઉતરી બાળકોને ભગાડવા લાગ્યો. નાના છોકરાઓ ધૂમ મચાવી રહ્યા હતા. નિશાંત તેના ટેબલેટમાં ગેમ રમી રહ્યો હતો. બારીની બ્હાર જોયું, ઘર આવી ગયું હતું. ટેબલેટ બંધ કરી સીટ પર મૂક્યું. ડ્રાઈવર ડેકીમાંથી સામાન કાઢી રહ્યો હતો. નિશાંત તેની મદદે ગયો. બ્હાર કોલાહલ સાંભળતા ધીરેનભાઈ બ્હાર આવ્યા, તેમની પાછળ પાછળ કાજલબેન આવ્યા. ફોરમલ પેન્ટ-શર્ટ નિશાંતે પહેર્યા હતા, આંખો પર એવિયેટર પ્રકારના ગોગલ્સ ચઢાવી તે ક્લીન શેવમાં ગ્રીક ગોડ જેવો લાગતો હતો. તેના ચુસ્ત શરીર પર શર્ટ સજ્જડ લાગી રહ્યો હતો, શર્ટની બંને બાંય વાળેલી હતી. જે તેના હાથના સ્નાયુઓ વધારે ઊપસેલા હોય એમ લાગી રહ્યું હતું.

 

                              સામાનની એક બેગ લઈ તે ધીરેનભાઈ પાસે આવ્યો અને તેમને પ્રણામ કર્યા. કાજલબેન બ્હાર આવ્યા, નિશાંત તેમને પણ નમસ્તે કહી તેમની તબિયત પૂછી. બેય માણાંએ નિશાંતને આવકારયો. બેગ લઈ તે ઘરમાં આવ્યો. બીજી બેગ ડ્રાઈવર લઈ તેની પાછળ ગયો. સુરભિ તેના કક્ષ પાસે ઊભી હતી. સિદ્ધાર્થના પત્ની દિશાબેન રસોઈઘરમાં હતા. કામવાળા પ્રાંજલબેન મોરીમાં કપડાં ધોઈ રહ્યા હતા. સિદ્ધાર્થના પત્નીને નિશાંતના આવવાના એંધાણ લાગતાં બ્હાર આવ્યા.

 

                              સૌ કોઈ નિશાંતને અવાક બની જોઈ રહ્યા હતા. તેણે ચશ્મા ઉતારી શર્ટના ખિસ્સામાં મૂક્યા. બધાની નજરોનું કેન્દ્ર નિશાંત બન્યો હતો અને નિશાંતની નજરો શાલકીને જોવા માંગતી હતી પણ ઘરમાં આવીને એને જોવું થોડું અસામાન્ય લાગે માટે તે જાણી જોઈને શાલકીના કક્ષ તરફ જોઈ રહ્યો ન હતો. તેના બદલે તે ઘરનું શિલ્પકામ નિહાળી રહ્યો હતો. શાલકી સુરભિની પાસે ઊભી હતી. ધીરેનભાઈનું ઘર જૂની શૈલીનું હતું. આની પહેલા આવ્યો ત્યારે પરસાળમાં જૂના શિલ્પકામવાળી મેજ-ખુરશીઓ હતી. જે અત્યારે દેખાઈ રહી ન હતી. તેની જગ્યાએ હિંચકો લગાવ્યો હતો. દીવાલને અડતા પલંગ મૂક્યો હતો. ઘરનું પગલુછણિયું અને તોરણ જૂના હતા. બે દિવસ પહેલા આવ્યો ત્યારે નવું પગલુછણિયું અને નવા તોરણ લગાવ્યા હતા. ઉપરાંત સૌએ આજે દૈનિક વસ્ત્રો પહેર્યા હતા.

“આજે તમે નોર્મલ લાગી રહ્યા છો અને ઘર પણ.” નિશાંતે કહ્યું.

“હા...હા(વાત ઉડાવવા ધીરેનભાઈ હસ્યાં) અંદર આવો, તમારો ખંડ બતાવું.”

ધીરેનભાઈ પ્રથમ ઓરડામાં પ્રવેશ્યા. જે મહેમાન કક્ષ હતો. નિશાંતને ત્યાં ઉતારો આપી, તેનો સામાન ત્યાં મુકાવ્યો. ડ્રાઈવર બેગ મૂકી બ્હાર ચાલ્યો ગયો.

“સરસ રૂમ છે.” તેના નવા કક્ષનું નજરાણું મેળવતા તે બોલ્યો.

“ગયમું તમને?”

“હા. જોવોને પોતું મારેલું પણ હજી સુકાયું નથી.” કહી પલંગ પાસે ફરસ પરનું પાણી બતાવ્યુ. તે મરક મરક હસ્તો બારી પાસે ગયો.

“ઈ હમણાં જ પ્રાંજલબેને પોતું માયરું હયશે. હવારનો કે’તો’તો કે’ નિશાંતકુમાર આયવાના સે, તો રૂમ તેયાર રાયખજો... પણ ઈમણે કામમાં બોવ ધીમા.” ધીરેનભાઈ બોલી રહ્યા હતા, દરમિયાન કાજલબેન પ્રવેશ્યા.

“ફાવશેને તમને આયા?” કાજલબેને પૂછ્યું

“હા. કેમ નય?”

“તમારા ઘર જેવુ આલીશાન નથી, અમારું સાદું મકાન સે.” કાજલબેને કહ્યું.

“તમે જોયું છે મારૂ ઘર?” નિશાંતે પૂછ્યું.

“ના. અનુમાન લગાવું સુ.”

નિશાંત હસ્યો:”અમારે પણ સાદું જ છે. તમારા જેવુ.”

“હોતું હશે કાઇ? ૧૨ બેડરૂમ અને ચાર ગેસ્ટરૂમને કાઈ સાદું મકાન કે’વાય?” ધીરેનભાઈએ કટાક્ષમાં પૂછ્યું.

“શું વાત છે ને... અહી કોઇકે રિસર્ચ કયરી લાગે છે.”

“કોને નય્થ ખબર? આખા રાજકોટમાં બધાયને ખ્યાલ સે.” ધીરેનભાઈ બોલ્યા. આ વાતચીત ચાલી રહી હતી દરમિયાન દિશાબેન આવ્યા:

“કાકી, ચા-નાસ્તો થઈ ગીયો સે. લગાવી દઉં?”

“હા, હા. હાલો બધા બારે. ચા નાસ્તો કરી લેવી.” કાજલબેન બોલ્યા.

“હું ચા નથી પીતો...”નિશાંતે કહ્યું.

“કાં?”

“મમ્મી, હું નાનપણથી જ નથી પીતો. ટેવ જ નથી પડી.” નિશાંત બોલ્યો.

 

                              ‘મમ્મી’ સંબોધન સાંભળી કાજલબેનનું હ્રદય થડકી ઉઠ્યું. આશ્ચર્ય અને આનંદ એક સાથે તેઓ અનુભવી રહ્યા હતા. નિશાંતના જવાબ સામે શું પ્રતિક્રિયા આપવી એ નક્કી કરે, એ પહેલા ‘મમ્મી’ શબ્દના સંબોધને તેમને સ્નેહની વિચારશૃંખલામાં ઉતારી દીધા અને પછી તરત બ્હાર પણ આવી ગયા. ચાર ક્ષણ બાદ શું પ્રતિક્રિયા આપવી એ સમજાયું:

“વારુ. તો કોફી બનાવડાવું?”

“ના. ચા નહીં, કોફી નહીં. કશું જ નહીં. ફક્ત ગ્રીન ટી!”

“ગ્રીન ટી? ઈ હું હોય?” કાજલબેને પૂછ્યું.

“એ...(વિચારતા, થોડી ક્ષણો બાદ)ઉકાળા જેવુ પાણી આવે. પાચનક્રિયા મજબૂત બનાવે અને ચરબી ઓછી કરવામાં મદદરૂપ બને.”

“બરાબર.” કાજલબેને કહ્યું.

“તમારે પણ પીવી જોઈએ. ફક્ત પેટ ઓછું કરવા જ નહીં, જો તમને વાયુની તકલીફ રહેતી હોય તો દરરોજ ગ્રીન ટી પીવાથી મટી શકે.” ધીરેનભાઈના આગળ આવેલા પેટને જોઈ નિશાંતે સૂચન આપ્યું.

“હા, કેમ નય? આજે જ લય આયસુ ગ્રીન ટી. આપણે બંને હારે પીયસુ.” ધીરેનભાઈએ બોલ્યા.

“દિનાભાઈ અને ભાભી માટે પણ લેતા આવજો.” કાજલબેને કહ્યું.

“એક કામ કરીયે ઘરના હંધાય માટે લેતો આવું. આજથી આપણે ગ્રીન ટી પીયશુ.” ધીરેનભાઈ ઉત્સાહમાં આવી બોલ્યા.

“એની જરૂર નથી, હું લાવ્યો છું મારી સાથે.” કહી તેણે તેનું બેગ ખોલ્યું.

 

                              ગ્રીન ટીનું પેકેટ લઈ બ્હાર આવ્યા. નિશાંત ગ્રીન ટી બનાવાની પ્રક્રિયા કહી રહ્યો હતો. ઘરમાં સભ્યોની સ્થિતિ સહેજ બદલાઈ હતી. બધા પોત-પોતાનું કામ કરવાનો ડોળ કરી રહ્યા હતા. ધીરેનભાઈ, કાજલબેન અને નિશાંતને ચાલતા ચાલતા વાત કરતાં જોઈ સૌ એ તરફ આકર્ષાયા. સુરભિ-શાલકી તેમના કક્ષ પાસે જ ઊભા હતા. હજુ સુધી નિશાંત-શાલકી એકબીજાને સત્તાવાર રીતે મળ્યા ન હતા. રસોડા પાસે શાલકીનો ખંડ પડતો. ત્રણેય એ બાજુ આવ્યા. ધીરેનભાઈએ હવે ઓળખાણ કરાવી:

“આ મારી મોટી દીકરી. શાલકી.”

“હાઇ, નિશાંત.” નિશાંતે હાથ લંબાવતા કહ્યું.

“હાઇ, આઈ એમ શાલકી ધીરેન સોલંકી.” હાથ મળાવતા શાલકીએ કહ્યું.

“વાવ... ફૂલ ઇન્ટરવ્યુ મોડમાં તમે લાગો છો.”

“ધેટ્સ વોટ આઈ લર્ન્ટ, ઓલવેયઝ સે ફૂલ નેમ.”

“વેલ, આઈ નેવર હેડ ટુ. એવરિવન ન્યુ હુ આઈ એમ. આસ્ક યોર ફાધર.(જોકે, મારે ક્યારેય મારૂ નામ જણાવાની જરૂર નથી પડી, બધા જાણે છે હું કોણ છું. તમારા પપ્પાને પૂછો)” નિશાંતને લાગ્યું શાલકી એટીટ્યુડ બતાવી રહી છે, માટે અંગ્રેજીમાં બોલી રહી છે. એટલે તેણે એવો જવાબ આપ્યો. નિશાંતના આવા જવાબથી શાલકીને તે સડેલ અને અભિમાની લાગ્યો. તેણીએ કહ્યું:”ગુડ ફોર યુ.(સારું કહેવાય તમારા માટે)” કહી તે પોતાના કક્ષમાં ચાલી ગઈ.

 

                              નિશાંત તેને જતાં જોઈ રહ્યો. બાદમાં તેણે કાજલબેન સામે જોયું. ‘ને વિચારવા લાગ્યો. શું જુવાનીમાં કાજલબેન પણ શાલકી જેવા હશે? રસોડા પાસે આસન પાંથર્યા હતા. ધીરેનભાઈ-નિશાંત ત્યાં બેશયા. કાજલબેન અંદર ગયા અને ગ્રીન ટી બનાવી.

 

                              ચા પી સૌ કોઈ પોત-પોતાના કામ-ધંધે વળગયા. નિશાંતનો ડ્રાઈવર ઘરની બ્હાર ગાડીની રખેવાળી કરી રહ્યો હતો. નિશાંત આવ્યો એટલે ડ્રાઇવરે ગાડી ચાલુ કરી. ધીરેનભાઈ પાછા રસોડામાં ગયા અને ચા જોડે ૩ તળેલી રોટલી ખાધી. સાથે સાથે ગ્રીન ટીની કડવાશ કાજલબેનને સંભળાવતા રહ્યા.

 

*

 

                              સાંજે ૬ વાગતા તે ઓફિસેથી ઘરે આવ્યો. ઘરમાં તે પહેલો પુરુષ હતો જે પોતાના કામ-ધંધેથી સૌપ્રથમ ઘરે આવ્યો અને તે જ સૌથી વધારે સફળ હતો, વધુ પૈસા કમાઈ રહ્યો હતો. હજુ બધા ઘરના તેનાથી સમાયોજિત થવા પ્રયત્ન કરી રહ્યા હતા. સુરભિ-કાજલબેન હીંચકામાં તુવાર ફોલી રહ્યા હતા. શાલકી થોડે દૂર દીવાલના ટેકે ભણવાનું કરી રહી હતી. કાજલબેને નિશાંતને આવકારયો. નિશાત પ્રણામ કરી તેના કક્ષમાં ગયો, રાત્રિએ પહેરવાના કપડાં અને ટુવાલ લઈ બ્હાર બાથરૂમમાં નાહવા ગયો.

 

                              રાત્રે જમતી વેળાએ સૌ ભેગા થયા. આસન પટ્ટાની બે પંગત પાથરી હતી. એક તરફ સિદ્ધાર્થ, સુરભિ, દિનકરરાવ અને શાલકી દર્શાવેલ નામના અનુક્રમે હરોળમાં બેઠા હતા. તેમની સામેના આસન પર નિશાંત અને ધીરેનભાઈ બેઠા. જમવા બેસેલા સૌ કોઈ ભોજન આરોગી ઊભા થાય પછી ઘરની બાકી સ્ત્રીઓ જમવા બેસે. પ્રથમ પુરુષો-દીકરીઓને જમવાનું પીરસી દીધું. ક્યારેક દીકરીઓ પણ મમ્મી-મોટા મમ્મી અને ભાભી સાથે જમતી.

 

                              ભાણામાં રીંગણનું ભરથુ, ખિચડી અને ભાખરી પીરસવામાં આવી. સિદ્ધાર્થ રસોડા નજીક બેઠો હતો. એક-એક થાળી તે આગળ આપતો ગયો. બધાને ભાણું મળી ગયું પછી ઘીની ટબૂડી આવી, પછી અથાણું આવ્યું. સિદ્ધાર્થે ખિચડી-ભાખરી પર ઘી રેડી, ટબૂડી આગળ જવા દીધી. બે ચમચી અથાણું લઈ બરણી આગળ ધપાવી. એમ ઘી-અથાણાંનું ચક્ર ફર્યું.

ધીરેનભાઈએ નિશાંતને ઘી લેવા આગ્રહ કર્યો:”લ્યો, લ્યો ઘી લ્યો...”

“ના, હું આટલું ભારે નથી જમતો.”

“હોતું હયશે, ઘી તો આપડા કાઠિયાવાડી માણા’નું સોમરસ કે’વાય. આના વગર ખાવાનું અધૂરું રે’…”

“ના રે ના, આ બહુ ભારે જમવાનું છે. રાત્રે હળવો ખોરાક જ ખાવો જોઈએ.”

“તો તમે રાતે હુ જયમો શો?” સિદ્ધાર્થે પૂછ્યું.

 

                              ધીરેનભાઈ આગળ કઈ બોલ્યા નહીં. શાલકી ગંભીર ઢબે ચૂપચાપ જમી રહી હતી. તેને નિશાંતની એ વાત ગમી. તે પણ ઘી ઓછું ખાતી પણ આજે સામે ચાલીને તેણે ભાખરી પર વધારે ઘી લગાવ્યું. નિશાંતનું ધ્યાન તેના ભાણામાં હતું. બાકી સૌએ શાલકીના ઘી પ્રકરણની નોંધ લીધી. ભાખરીનો બીજો રાઉન્ડ આવ્યો. કાજલબેન ભાખરી લઈને આવ્યા અને નિશાંત આનાકાની કરે એ પહેલા તેના ભાણામાં બે ભાખરી મૂકી દીધી.

“મમ્મી હું બે જ ભાખરી ખાઉ છું.” નિશાંત બોલ્યો.

“મમ્મી?

“મમ્મી!” સુરભિ અને સિદ્ધાર્થ એકસાથે બોલ્યા. સુરભિ, સિદ્ધાર્થ અને શાલકી નિશાંતના મોઢે ‘મમ્મી’ સંબોધન સાંભળી નવાઈ પામ્યા.

“હા તો અમારા ન્યાં તઈણ ખાવાની.” કહેતા કાજલબેને ભાખરીની છાદડી આગળ જવા દીધી.

કાજલબેન મનોમન હસી રહ્યા હતા:”શાક લાવુંસુ.” કહી તેમણે રસોડામાં ચાલ્યા ગયા. ત્રણેય નિશાંતને જોઈ રહ્યા. નિશાંત થોડો શરમાઈ રહ્યો હતો. શાલકીને તેની આ નિખાલસતા ગમી. તે સ્મિત સાથે જમતા જમતા તેની સામે જોઈ રહી હતી. કાજલબેન શાક લઈને આવ્યા, નિશાંતને પીરસ્તા હતા.

“મમ્મી... મમ્મી મને પણ આપજો હોં!” કાકીની મશ્કરી કરતાં સિદ્ધાર્થ બોલ્યો. સુરભિથી હસી પડાયું. નિશાંતે ભાણામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. શાલકીને નિશાંત અજાયબ લાગી રહ્યો હતો.

 

                              ધીરેનભાઈએ સૌથી પહેલા જમી લીધું, તેમણે પોતાના સ્થાન પર નિશાંત જમી લે તેની રાહ જોતાં બેઠા હતા. નિશાંત જમીને તેની થાળી લઈ ઊભો થયો. સૌએ આ જોયું.

“મોરી ક્યાં?”

“આ હુ કરો?” ધીરેનભાઈએ પૂછ્યું.

“કાં? મોરીમાં નથી મૂકવાની થાળી?”

“થાળી ભલે આયાં પડી, રે’વા દ્યો. ઇ હમણાં ન્યાં મૂકયાવશે.”

“કાં?”

બે ક્ષણ રહી ધીરેનભાઈ બોલ્યા:”ઈ બૈરાં ઉપાડી લેશે, તમે રે’વા દ્યો.” ધીરેનભાઈએ કહ્યું. નિશાંત તેમને જોઈ રહ્યો. ધીરેનભાઈએ થાળીમાં જ પાણીથી હાથ ધોયા હતા. એમની થાળી આસન પાસે પડી હતી.

“એવું કેવું? તમને અન્ન સ્ત્રીઓ આપે, પીરસી પણ દ્યે, ‘ને એઠી થાળી એય ધોવે... જોકે તમારી એઠી થાળી ધોવે ઈ વાત પણ વ્યાજબી નથી. ઓછામાં ઓછું આપણે થાળી તો મોરીમાં મૂકી હકીએ ને?” બે ક્ષણ શાંતિ છવાઈ ગઈ.

“અઅહીઇયા!(ઓડકાર બાદ) ઈમાં એવું સ કે અમારા ઘેરે ભાયડાઓ જમીને ભાણાં નથી અડતા. ઈ આ સોડિયું અથવા ઘરના બૈરાં કરે.” ધીરેનભાઈ બોલ્યા. દરમિયાન શાલકી જમીને તેની થાળી લઈ ઊભી થઈ. તે યંત્રવત રીતે ધીરેનભાઈ પાસે આવી, તેમની થાળી ઉપાડી. નિશાંતે તેને રોકી:

“એક મિનિટ.(રસોડામાંથી દિનકરરાવના પત્ની રમીલાબેન અને કાજલબેન બ્હાર આવ્યા) કાં ફક્ત સ્ત્રીઓ જ થાળી ઉપાડે? પુરુષો કેમ નય?(બધા ચૂપ) ખરો દંભ છે તમારો. કો’કના લગનમાં જાવ તો ન્યાં ક્યાં થાળી મૂકો? જ્યાં ખાધું હોય ન્યાં કે વાહણ ગહતા હોય ન્યાં?”

“ન્યાં.” ધીરેનભાઈ બોલ્યા. નિશાંત ગૂંચવાયો. ધીરેનભાઈના ‘ન્યાં’નો અર્થ ખાધું હોય ત્યાં થતો હશે કે જ્યાં વાસણ ધોવાતા હોય ત્યાં? સર્વસામાન્ય ધારણા બાંધી તે આગળ વધ્યો.

“શાલકી...(પ્રથમવાર નિશાંતના મોઢે તેનું નામ નિકળ્યું. શાલકી નિશાંતની સામે જોઈ રહી) લાવો, તમારા પપ્પાની ડિશ હું મૂકી આવું.”

“અરે, હોતું હયશે કુમાર. આવી જીણકી વાતમાં તમે ખરું કરો સો...”કહી ધીરેનભાઈ હસ્યાં અને શાલકીના હાથમાંથી થાળી લઈ લીધી:”લ્યો, હું મારી થાળી મૂકી દઉં સુ, બસ?”

“બસ! શું? મારા માટે થોડી હું કહી રયો છું. તમને જેણે જમવાનું આયપુ એના માટે આટલું તો કરી શકોને?”

“એ જ્ઞાન સાલુ!”ધીરેનભાઈ મોરી તરફ ચાલતા મનોમન બબડ્યા. શાલકી અને નિશાંત ધીરેનભાઈની પાછળ પાછળ પોત-પોતાની થાળી મૂકવા ગયા.

“ખરો વેદિયો સે...” સિદ્ધાર્થ ધીમે રહી બોલ્યો.

“એમનું તર્ક ખોટું સે?” સુરભિએ પૂછ્યું.

“એ હે, બધા નારી સશક્તિકરણ માટે લડવા લાયગા. તું રેસ્ટોરાંમાં જમવા જાવ તો અંદર રસોડામાં થાળી મૂકવા જાય સે?” સિદ્ધાર્થ બોલ્યો.

“આ ઘર સ કે રેસ્ટોરાં?” સુરભિએ પૂછ્યું.

“ઘર.”

“તો તમારે હુ કરવું સ?”

 

                              સિદ્ધાર્થ મૌન થઈ ગયો. જમ્યા બાદ સિદ્ધાર્થ અને દિનકરરાવે પણ પોતાની થાળી મોરીમાં મૂકવી પડી. રસોઈમાંથી દિશાબેન, કાજલબેન અને રમીલાબેન બ્હાર આવી જોયું તો તે દ્રશ્ય આહ્લાદક અને નૈનપ્રિય લાગ્યું. કોઈ એઠા વાસણ સ્થાન પર ન હતા.

 

                              ધીરેનભાઈ પંખો ચાલુ કરી હીંચકામાં બેઠા. નિશાંત તેમની બાજુમાં પલંગ પર બેઠો. થાળી મૂકીને સિદ્ધાર્થ અને દિનકરરાવ પણ એ તરફ આવ્યા:”આ તમે હારું કયરું, હુંય પે’લા મોરીમાં જ ડિશ મૂકી આવતો... આ તો કાકાએ અને બાપુએ આદત પડાવી દીધી સે.” સિદ્ધાર્થે કહ્યું.

“બસ, હો બસ.” સુરભિ ત્યાંથી પસાર થતાં બોલી. સિદ્ધાર્થ નેપકિનથી હાથ લૂંછી રહ્યો હતો, જે સુરભિએ એની પાસેથી ખેંચી લીધો. તે બે ઘડી ચૂપચાપ ઊભો રહ્યો. ધીરેનભાઈ હીંચકા પર એક પગ ચઢાવી ફાકી મેળવી રહ્યા હતા. દિનકરરાવ મોરી પાસે ભરાવેલા નેપકિનથી હાથ લુંછી હીંચકામાં બિરાજમાન થયા. ધીરેનભાઈએ એમને ફાકી આપી. સ્ત્રીઓ જમવા બેસી. શાલકી-સુરભિ તેમના કક્ષમાં ચાલી ગઈ.

“આવતી કાલે હુ કરશું?” સિદ્ધાર્થે પૂછ્યું, તે નિશાંત પાસે બેઠો.

“શેનું?” નિશાંતે પૂછ્યું.

“જે આજે કયરું એનું.”

“એવો પ્રશ્ન જ કેમ થાય છે? તમે પોતાને એમની જગ્યાએ મૂકી જુવો. કોઈને જમાડીને એમનું એઠ ઉપાડી સાફ કરવું. વિચારી જુઓ ખાલી.”

ફાકીએ બંને ભાઈને ચર્ચાના મિજાજમાં લાવી દીધા હતા. દિનકરરાવે ચાલુ કર્યું:”અમે કમાહી સીએ, એંમ્ન ઘરના કામની જવાબદારી સ, ખવડાવાની, ઘર હંભાળવાની, બાળબચ્ચાં હંભાળવાની એવી બયધી. અમારી સત(છત) પૂરું પાડવાની, રક્ષા કરવાની અને જોયતી વસ્તુ લાઇ આપવાની સે.” બોલ્યા પછી દિનકરરાવ પિકદાનીમાં થૂંકયા.

“તમે એક વસ્તુ આપો છો અને સામે ત્રણ વસ્તુની આશા રાખો છો. આવું કેવું? તમે પૈસા આપો છો એની સામે તમારી પત્ની તમને ખવડાવે, તમારું ઘર સંભાળે અને તમારા છોકરાઓને સાંચવે...”

“તો. પૈસામાં ચેટલી તાકાત સે નય?” સિદ્ધાર્થે ડપકું પૂરયું.

“બાળકોને સાચવવાની જવાબદારી શું ફક્ત સ્ત્રીઓની છે? પુરુષોની કોઈ ભૂમિકા નથી? બાળક કેવી રીતે સમાજના વ્યવહારો સમજતું થશે? કોણ તેને રક્ષા કરતાં, જીવનના મૂલ્યોની સમજ આપશે? મારા જીવનમાં આ બધુ મને મારા પિતાએ શીખવ્યું છે.”

“તો રાવજીભાઇ હારા માણાં કે’વાય... કુડોસ ટુ રાવજીભાઇ!” સિદ્ધાર્થે ફરી ડપકું પૂરયું. (કૂડોસ-જશ)

 

                              “પૈસા કમાવવું અઘરું નથી. ક્યાં કેટલો ખર્ચ કરવો એ અઘરો છે. માટે જ તો માર્કેટમાં પૈસા રોકવાને લોકો જોખમ સમજે છે. સાધારણ મગજ તર્ક એટલું જ સમજે છે કે આ કાર્ય કરીશ અથવા આ વસ્તુ વેચીશ એટલે મને પૈસા મળી જશે. પૈસા કમાવા સાધ્ય છે, જ્યારે ક્યાં કેટલા પૈસા વાપરવા અથવા રોકવા એ મગજ પર જોર નાખવાની બાબત છે. જેમાં ઘણી વાર વ્યક્તિ મગજથી છેતરાઈ જાય છે. ‘ને આ જ અઘરું કામ સ્ત્રીઓને મયળે છે. પુરુષો પૈસા આપીને છૂટા થઈ જાય, ઘર ચલાવા બધી બાજુ વિચાર કરી પૈસા વાપરવા પયડે છે. ગ્રાહક એટલે જ ચીકણા હોય છે. નાની વસ્તુમાં ભાવતાલ કરવું ભલે નગણ્ય લાગે પણ સ્ત્રીઓ મેનેજમેંટથી ચાલતી હોય છે. ગણતરી આખી ન ફેરવાઇ જાય માટે...

 

                              આ કામ સ્ટ્રેસ વાળું છે. તમે ક્યો છો ઘર ચલાવું એમની જવાબદારી છે. ઘર ચલાવાના ક્યાંય કોર્સ નથ થાતા કે ન તો એની તાલીમ મળે છે. જેમ ધંધામાં કે નોકરીમાં મળતી હોય છે. સમાજે સ્ત્રીઓ પર ઘરના કામ થોપી દીધા છે. જેમ પુરુષો પર કમાવાની જવાબદારી થોપી છે. તમે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી થઈને આંકડાશાસ્ત્રનો દાખલો ગણવા જશો તો ભૂલ પડવાની શક્યતા રહેશે. સમાજે સ્ત્રીઓને કમાવાની ફરજ આપી નથી, તેથી ઘણી સ્ત્રીઓ કમાઈ નથી શક્તી. ‘ને સામાજિક ભૂમિકા મુજબ ઘરવાળીનું પાત્ર ભજવે છે.” નિશાંત બોલ્યો. શાલકી-સુરભિ કક્ષની બ્હાર આ લોકોની ચર્ચા સાંભળવા આવ્યા. જમવા બેસેલા રમીલાબેન, કાજલબેન અને દિશાબેન પણ બધી વાતો સાંભળી રહ્યા હતા.

“અમે કોઈ દી’ અમારા ઘરમાં ના નથી પાયડી બ્હાર કમાવા જાવાની. ઈમને પોતાને નથી જાવું.” દિનકરરાવ બોલ્યા.

“મેં એ જ તો ઉદાહરણ આયપું, વિજ્ઞાન પ્રવાહ વાળું. આંકડાશાસ્ત્રનો દાખલો ગણવા જશો તો ભૂલ પઇડશે. ‘ને પૈસા એવી બાબત છે કે એમાં ભૂલ પયડે તો નુકશાન ક્યારેક રિકવર નથી થઈ શકતું.”

“એવું નો બને, એટલે જ મારી બેય સોકરીઓને હું ભણાવું સૂ. જેથી ઈ વિજ્ઞાન પ્રવાહ પણ જાણે અને આંકડાશાસ્ત્ર પણ.” ધીરેનભાઈએ કહ્યું.

“જો, આટલું સરસ બ્રોડ માઇન્ડ હોવાનો દેખાડો કરી શકો છો તો થોડો વધારે કેમ નથી કરતાં? આજની જેમ પહેલા કેમ થાળી મોરીમાં ન હતા મુક્તા?”

“હું કાલથી મોરી પાંહે જમવા બેહીશ. જમીને થાળી ન્યાં જ ધોય નાયખવાની.” સિદ્ધાર્થે ફરી પાછું ડપકું પુરયું. સુરભિ હસવા લાગી તે બોલી:

“’ને તમારે ઘી જોયતું હયશે તો?”

“હું કાલે પેલી જીણકી કોથળીયુ આવે ને ચુનાના પાઉચ જેટલી, ઈ લેતો આયીશ. આપડે ઘીની એવી નાની નાની પડીકીયુ બનાવીશું. મને પીરસો એટલે ભાખરીની બાજુમાં એક ઘીની પડીકી મૂકી દેવાની.” સિદ્ધાર્થે જણાવ્યુ. શાલકી-સુરભિ અને દિશાબેન હસી પડ્યા. સુરભિએ લંબાવ્યું:”અન તમને બીજીવાર ખિચડી કે શાક જોયશે તો?”

“તો કાંઈ નય, ત્યાં બાજુમાં એઠવાડ પડ્યો હોય સે ને, ન્યાંથી બપોરનો ભાત લઈ લયશ ‘ને ટાઢું શાક બપોરનું લય લઇશ ઈમાંથી.”

“લ્યો... આમણે તો કુતરાના પેટ પર પાટુ માર્યું.” શાલકી બોલી.

“હું કૂતરો જ સુ!” સિદ્ધાર્થ મોટેથી બોલ્યો. શાલકી અને સુરભિ ખડખડાટ હસી પડ્યા. આગળ બીજી લપ્પન છપ્પન થાય એ પહેલા ધીરેનભાઈ બોલ્યા:“આજે ડિશ મેલીને? રોજ મેલીશુ.”

“એ તો તમે તમારા માટે કરશો... એમના પર કોઈ ઉપકાર નથી કરવાના, તમારે એમનો આભાર માનવા કઈક કરવું જોઈએ. એમનો આભાર માનવા કોઈ પ્રતિકાત્મક ભેટ આપવી જોઈએ.”

“તી અમારે જ આભાર વ્યક્ત કરવાનો? તમે પણ જમ્યા સો, તમે હુ કરશો? અન કાકા સુપસાપ થાળી મૂક્યા’વ્યા હોત તો? આટલું લાંબુ ખેંચવાની હુ જરૂર હતી?” સિદ્ધાર્થ બોલ્યો.

“ભાઈ, ખેંચી નથી રયાં, વિચારોની આપ-લે કરી રહ્યા છીએ. હું ફક્ત તર્ક જણાવું છું. જે મને યોગ્ય લાગે છે.” નિશાંતે કહ્યું.

“હા, યોગ્ય સે તમારી વાત. આપણે જરૂર ઘરની સ્ત્રીઓનો આભાર વ્યક્ત કઈરવો જોઈ. હું તો કવ સુ સ્ત્રીઓનો આભાર જ્યાં કરવો હોય, જેવો કરવો હોય હું ન્યાં વ્યક્ત કરવા સૌથી આગળ રઈશ. આખું મલક ભેગું કરી સ્ટેજ પર હાલ ઓઢાડી સન્માન આપવું સે? કે અમારા ઘરની સ્ત્રીઓ રોજ અમને ખાવાનું આપે સે અને અમારી થાળી પણ ધોઈ નાયખે સે, જેથી અમે બીજા દા’ડે એમાં ખાય હકી!” સિદ્ધાર્થ કટાક્ષ સાથે અતિશયોક્તિ કરી રહ્યો હતો. જે તેને ભરાવાની હતી.

“તમારો શું વિચાર છે?” નિશાંતે દિનકરરાવ-ધીરેનભાઈને પૂછ્યું.

“ચોક્કસ કાંયક કરીયે.” ધીરેનભાઈએ સહમતી દર્શાવી. સ્ત્રીઓ બધી વિચારમાં પડી કે આ લોકો શુ કરવા માંગે છે?

“હાલો, તો આ રવિવારે આપણે રસોઈ બનાવીશું અને સ્ત્રીઓ આરામ કરશે!”

 

                                        આ સાંભળતા સાથે કાજલબેને હાથમાં લીધેલો કોળિયો હોઠે જ અટકી ગયો, રમીલાબેન નિખિલ બાજુ પાછળ ફર્યા, દિશાબેન પૂતળાની જેમ ચોંટી ગયા, ધીરેનભાઈએ પગથી હિંચકો રોક્યો, સુરભિ-શાલકી નિશાંતને જોઈ રહ્યા. દિનકરરાવ પિકદાનીમાં થૂકી, નિશાંત સામે જોયું...

 

*

 (ક્રમશ:)

 

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૨)

 

[રવિવારે સવારે]

 

“થેન્ક યુ. મેં ક્યારેય મારા પપ્પાને રસોડામાં નથી જોયા, ખાવા સિવાય.” સુરભિએ કહ્યું.

“લે, એમાં શું વળી, જમવાનું બનાવું એ પ્રાથમિક જરૂરિયાત છે. એમાં કઈ જાતિય બાંધછોડ ન હોવી જોઈએ. હું એમ માનું છું.”

 

                              નિશાંત-સુરભિ બજારમાં સાંજના આયોજનનો સામાન લેવા બજાર આવ્યા હતા. નિશાંત સિદ્ધાર્થને સાથે લાવવાનો હતો પણ સુરભિએ હઠ પકડી કે એને આવવું છે, તક જાણી સિદ્ધાર્થ છટકી ગયો. સુરભિએ માથામાં તેલ ન હતું નાખ્યું, વાળનો અંબોડો વાળ્યો હતો. જે ક્યૂટ લાગી રહ્યો હતો. તેના કારણે તેની ઊજળી ગરદન દેખાઈ રહી હતી. તેણે ટોપ પહેર્યું હતું, તે અક્કડ બેઠી હતી, ખોળામાં કાપડની થેલી મૂકી હતી.

“ઘણા સમયે એક્ટિવા મેં ચલાવી.” નિશાંત બોલ્યો. બંને શાલકીનું એક્ટિવા લઈ આવ્યા હતા.

“તમે ગાડીમાં ફરવાવારા નૈ?” પાછળ બેસેલી સુરભિ બોલી.

“મારી કંપનીએ મને સુવિધા આપી છે. ઉપરાંત ગાડીમાં હું શાંતિથી કોલ પર મિટિંગમાં હાજર રહી શકું. કાચ બંધ હોય એટલે બીજો કોઈ ઘોંઘાટ ન આવે. ટેબલેટમાં એક્સલ શિટ ચેક કરી શકું.”

 

                              એક બાઈકસવાર ઘણી મિનિટથી તેમની પાછળ આવી રહ્યો હતો. ઘરેથી નીકળ્યા ત્યારથી નિશાંતે તેની નોંધ લીધી હતી. તેના પીળા-સોનેરી વાળ અર્ધા ત્રાંસા, અર્ધા ઊભા હતા. તેના ચૂસાઈ ગયેલા ગાલમાં એક બાજુ માવો દબાવ્યો હોય એવું લાગતું હતું. તેણે લાલ રંગનો શર્ટ પહેર્યો હતો, જેનો રંગ ઊડી ગયો હતો. શર્ટના પહેલા બે બટન ખુલ્લા હતા. તે લાગતો હિન્દુ હતો પણ સ્ટાઈલ મારવા ગળામાં ક્રોસ પહેર્યો હતો. તેના જીન્સના પેન્ટ પર સસ્તી ડિઝાઇન દોરી હતી. ઢીંચણ તથા ઝાંઘ પરના કાપડ પર ચીરા પડેલા હતા. જેમાંથી તેના ટાંટિયાના વાળ બ્હાર નીકળતા હતા.

 

                              નિશાંત અને સુરભિ વાત કરી રહ્યા હતા દરમિયાન ઘણીવાર બાઈકસવાર તેમને જોઈ રહ્યો હતો. નિશાંત ચિડાયો, તેણે એક દુકાન પાસે એક્ટિવા ઊભું રાખ્યું અને પાછળ બાઈકવાળાને જોવા લાગ્યો. બાઈકસવાર ધીમી ગતિથી તેમની તરફ આવી રહ્યો હતો.

“હુ થ્યું?” સુરભિએ પૂછ્યું.

 

                              બાઇકસવાર તેમની બાજુમાંથી પસાર થયો. તેણે નિશાંતની સામે જોયું. નિશાંતની આંખોમાં તેને ખોફ દેખાયો. પસાર થયા પછી પણ નિશાંત એને જોઈ રહ્યો છે. બાઈકસવારે સાઈડ ગ્લાસમાંથી નોંધ કરી. તે ડરથી સીધે સીધો આગળ જતો રહ્યો. તે છેક સુધી દેખાતો બંધ થયો ન થયો, ત્યાં સુધી નિશાંત તેને જોઈ રહ્યો. બાદ આગળ વધ્યા. બંને સામાન લઈ પાછા વળ્યા. પછી બાઈકસવાર દેખાયો નહીં.

 

                              શુક્રવારે રાત્રે જ્યારે નિશાંતે બધા માટે જમવાનું આમંત્રણ મૂક્યું, ત્યારે સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા, ધીરેનભાઈ, દિનકરરાવ, સિદ્ધાર્થ પોતાની થાળી મોરીમાં મૂકી, સ્ત્રીઓને છૂટછાટ આપવાની વાત સાથે સહમત થઈ જબરા ફસાયા. નિશાંતે જમવાનું બનાવાનો આગ્રહ કર્યો એમાંથી છટકી શકાય એમ ન હતું. છતાંય, સિદ્ધાર્થ છટકવાનો લાગ જોઈ રહ્યો હતો.

“હવે આપણને હુ ગતાગમ પડવાની રહોડામાં?” તે રાતે પછી ધીરેનભાઈ બોલ્યા હતા.

“આપણને તો નુડલ્સ હીવાય કાંય બનાવતા નથ આવડતું.” સિદ્ધાર્થે કહ્યું.

“તે શીખી જાવાનું. તાજ મહેલ કાંય એક દિવસમાં ન હતો બન્યો. કાલનો દિવસ છે. રસોડામાં જઈ મહાવરો કરી જોવો. ઇન્ટરનેટ પર રેસીપી છે. ત્યાંથી જાણો કેવી રીતે બનાવીશું.”

“અચ્છા, હમારે રેસીપી શીયખવાની, તમે હુ કરશો?” સિદ્ધાર્થે નિશાંતને પૂછ્યું.

“હું શાક સમારી,. વઘાર કરીશ, તળવાનું, શેકવાનું, ગરમ કરવાનું બધુ હું કરીશ.”

“એમ...?” ધીરેનભાઈએ પૂછ્યું.

“હા. મહિનામાં બે વાર હું મારા ઘરે જમવાનું બનાવું છું.”

“કોઈને ભાવે સે ખરી?” સિદ્ધાર્થ બોલ્યો અને પછી હસતાં-હસતાં આસપાસ બધાની સામે જોયું. એના સિવાય કોઈ ન હતું હસ્યું. તેનું હાસ્ય વેરાઈ ગયું.

“રવિવારે તમે ચાખીને કહેજો...” નિશાંતે કીધું.

“તો કાંય વાંધો નય. આપડા ઘરની સ્ત્રીઓ માટે બધુ કરવા હું રેડી સુ. રવિવારે જમવાનું બનાવવામાં હું તમારી સાથે સુ. સ્ત્રીઓ આરામ કરશે.” સિદ્ધાર્થે કીધું.

 

                              ઘરની સ્ત્રીઓને આ વાતનો વિશેષ આનંદ થઈ રહ્યો હતો પણ મૂળ પ્રશ્ન એ ઊભો હતો કે ઘરના બીજા પુરુષો રસોડામાં કામ કરવા રાજી થશે કે કેમ? અન્ય કોઈ પુરુષ કશું બોલી ન હતા રહ્યા. દિશાબેન આ બાબતે સકારાત્મક હતા. તેમને લાગતું હતું નિશાંત બધાને પોતાની વાત મનાવી લેશે. તેમને નિશાંતની બધી વાતો ખૂબ જ ગમતી. તે બંનેના વિચાર સારા એવા મળતા હતા. તેમણે સિદ્ધાર્થમાં આવા જ બધા ગુણોની ઝંખના કરી રહ્યા હતા. સિદ્ધાર્થને આ બાબતનો ખ્યાલ આવી ગયો હતો. માટે તે દિશાબેનને રાજી કરવા નિશાંતની હા માં હા મિલાવી રહ્યો હતો.        સિદ્ધાર્થનો રાજીપો જોઈ નિશાંતે કીધું:

“વાહ...! ખૂબ સરસ!”

“જમવાનું તમે બનાવશો પણ વાહણ કોણ ઉટકશે?” જમવા બેઠા હતા ત્યાંથી કાજલબેન મજાકમાં બોલ્યા.

“અમે. એ પણ રસોઈનો એક ભાગ છે.” નિશાંતે કહ્યું.

 

                              શાલકી-સુરભિ નિશાંતની આપસૂઝથી ઇમ્પ્રેસ થયા અને પુરુષો રસોડામાં જઈ શું કરશે? તે જાણવા ઉત્સાહ અનુભવી રહ્યા હતા. સુરભિ બાજુમાં પડેલી ખુરશી નિશાંત પાસે પાસે લાવી, સભામાં જોડાઈ. દિનકરરાવ-ધીરેનભાઈ ક્યારના મૌન હતા. તેમને ચૂપ જોઈ સુરભિ બોલી:

“પપ્પા અને મોટા પપ્પા, તમે હુ કરવાનું વિચાયરું?”

“જે આમણે ક્યે ઈ.” ધીરેનભાઈ બોલ્યા.

“તમે બેય બધાને જમવાનું પીરસજો...”

“હોવ, કોઈ વાંધો નય. કે’તા હોવ તો વાહણ પણ ઉટકી દયશ.”

“એ તો આપણે ચારેએ કરવાનું છે.” નિશાંતે જણાવ્યુ. બધી સ્ત્રીઓ હસવા લાગી.

 

                              પુરુષ મંડળી ગંભીર લાગી રહી હતી. મનમાં વિચારી રહ્યા હતા જબરા ફસાયા!

 

*

 

                              રવિવારના બપોરે જમી પરવારી સૌએ લંબાવ્યું હતું. સુરભિ-નિશાંત હીંચકા ખાતા-ખાતા વાતે વળગ્યાં હતા. શાલકી, કાજલબેન અને રમીલાબેન એક કક્ષમાં સૂતા હતા. નિશાંતે તેનો ફોન હીંચકા પર વચ્ચે મૂક્યો. સુરભિએ તેનો ફોન લીધો. તે આઇફોન હતો, જેમાં સારા ફોટા પડતાં. સુરભિએ કેમેરા એપ્લીકેશન ખોલી કહ્યું:”મારે ફોટા પડાવા સે.”

“ક્યાં?”

“અગાસીએ  જાવુંસ?” સુરભિએ સુઝાવ આપ્યો.

“તડકો નય હોય?”

“જોતાં આયએ. તણ વાગસ એટલે ભાયના રૂમનો સાંયો આવી ગ્યો હશે.”

“વારું.”

 

                              સુરભિ-નિશાંત પોચા પગલે ઉપર આવ્યા. સિદ્ધાર્થના કક્ષના લીધે ફરસ પર થોડો છાયો આવી રહ્યો હતો. પાળીના કઠેડા પર સિંહાકૃતિ બનેલી હતી. સુરભિએ સવારે પહેર્યો હતો એ ડ્રેસ અને લેગિસ પહેરી હતી. તેણે અંબોડો ખોલી નાખ્યો. અત્યારે તેનો ચહેરો કુદરતી લાગી રહ્યો હતો. સાદો-નિર્મળ. છતાં, જો ત્રાંસી નજર કોઈના પર નાખે તો ભલ ભલાનું મન ખળભળી ઊઠે. એક-બે ફોટા પાડી, નિશાંતે બતાવ્યા. ફોટામાં તેનું અસલ સૌંદર્ય નિખર્યુ હતું. નિશાંત કહ્યા વગર રહી ન શક્યો:”અચ્છી સુરત કો સવરને કી ઝરૂરત ક્યાં હે? સાદગીમેં ભી કયામતકી અદા હોતી હે!”

તે શરમાઈ ગઈ. બીજા અલગ પોઝમાં બે-ત્રણ ફોટા પાડ્યા બાદ નિશાંતે કહ્યું:”થોડો મેકઅપ કેવો રહેશે?”

“ઘેરે મેકપ થોડી લગાવાય?”

“થોડો લગાવી લે, ખાલી લિપસ્ટિક અને કાજળ હોય એટલે બોવ.”

“હેઠે જાવું પડશે.”

“કાં? સિદ્ધાર્થના રૂમમાં નય હોય? ભાભી પાસે...”

“સૂતા હશે ઈમણે.”

“ખોલીને જોઈ જો.” નિશાંતે કીધું.

 

                              હળવેથી સુરભિએ સિદ્ધાર્થના કક્ષનો દરવાજો ખોલ્યો. બંને માણાં’ સૂતા હતા.

“ક્યાંથી રાજકોટ આગળ આવે? લોકો દિવસે ઘોરે છે!” નિશાંત બબડ્યો.

 

                              સુરભિ અરીસા સામે બેસી. અરીસા આગળ મેકપનો સામાન પડ્યો હતો. એમાંથી તેણે લિપસ્ટિક ઉપાડી. નિશાંતે તેના હાથમાંથી લિપસ્ટિક લઈ લીધી અને તેનો શેડ જોયો. પછી સુરભિના ચહેરા સામે જોયું. તે લિપસ્ટિક મૂકી દઈ, બે-ચાર શેડ તપાસી જોયા. અંતે મરૂન કથ્થાઇ કલર જેવો એક શેડ તેને પસંદ આવ્યો. એ શેડ સુરભિને લગાવા કહ્યું. પછી તેણે એક રોલર લઈ તેના કાન પાસેની લટ એમાં ભરાવી.

 

                              પાછળ દિશાબેન જાગી ગયા. નિશાંત પાછળ ફર્યો. તેણે તેમની સામે જોઈ સ્મિત આપી, હાથ હલાવી ‘હાઇ’ કીધું. દિશાબેને પણ એમ કર્યું. તેમણે વગર અવાજે હોઠ હલાવી પૂછી લીધું તેઓ શું કરી રહ્યા છે? નિશાંતે ફોટા પાડવાની ચેષ્ટા કરી. સુરભિએ મેકઅપ કરી લીધો. તેણે નિશાંતને બોલાવી, પૂછ્યું બરાબર લાગે છે કે નહીં?

“સો ક્યૂટ!” તે ધીમેથી સુરભિના કાનમાં બોલ્યો. પછી તેના માથે હાથ ફેરવી, ટચાકા ફોડયા. ટચાકાનો અવાજ સાંભળી તે બોલી:”એ ફૂટયા...!”

“શસસસસ...!”સિદ્ધાર્થ સૂતો હતો તે જાગે નહીં માટે નિશાંતે ચૂપ રહેવા ઈશારો કર્યો. તેના ચહેરા પર નિખાલસ હાસ્ય તરી આવ્યું. સુરભિએ રોલર ઉતાર્યું. તેની કાન પાસેની લટ સ્પ્રિંગ જેમ વળાંકમાં દેખાઈ આવી. મેકપે સુરભિની સુંદરતા વધારે નિખારી દીધી. બંને બ્હાર જઈ ફોટો સેશન ચાલુ રાખ્યું. દિશાબેન બાથરૂમમાં હાથ-મો ધોવા ચાલ્યા.

 

                              અગાશીની પાળી પર તે બેસી. નિશાંતે તેનો લાંબો દુપટ્ટો પહોળો કરી, પાળી પર લંબાવી, ફોટોગ્રાફી ચાલુ કરી. દિશાબેન બ્હાર આવ્યા. સુરભિને તૈયાર જોઈ તે બોલી:”નજર ના લાગે, અમારી સુભીને.”

જાણે લગ્નનું ફોટોશૂટ ચાલતું હોય અને ફોટોગ્રાફરે હલવાની ના પાડી હોય એમ ખાલી હોઠ ફફડાવી તેણે ઉત્તર આપ્યો:”થેન્ક યુ!”

 

                              નિશાંતે અન્ય પોઝમાં અલગ અલગ ફોટા પાડ્યા, બાદમાં સુરભિ-દિશાબેને સાથે ફોટા પડાવ્યા. એક-બે ફોટા પછી નિશાંતે સૂચન આપ્યું:

“ભાભી, તમે પણ તૈયાર થઈ જાવ.”

“હા.” સુરભિએ કહ્યું.

“કાં?” દિશાબેને પૂછ્યું.

“તમારા ફોટા પાડીયે.”

“ના, મારે હાલશે.” તેમણે કહ્યું. નિશાંતને ઝાઝો આગ્રહ કરવો યોગ્ય ન લાગ્યો, તે ચૂપ રહ્યો. સુરભિ તેમને કક્ષ તરફ ધકેલતા બોલી:

“હવે, જાવને ફટાફટ લિપસ્ટિક અને થોડો મેકપ કયરી લ્યો. સરસ ફોટા આવેસ.”

 

                              સુરભિના આગ્રહથી દિશાબેન ફોટા પડાવા રાજી થયા. તેમણે કક્ષમાં તૈયાર થવા ગયા. સુરભિ દીવાલે ટેકો દઈ પાળી પર બેસી હતી. નિશાંત તેની સામે ઊભો હતો. સવારે પેલો બાઈકવાળો નીકળ્યો હતો, તે થોડે દૂર નીચે ઊભો ઊભો સુરભિની સામે જોઈ રહ્યો હતો. સુરભિ બે ક્ષણ તેને જોઈ રહી, પછી તેને સ્મિત આપ્યું. નિશાંતે આ નયન મેળાપ જોયો. નિશાંત બાઈકવાળાને ખાર સાથે જોવા લાગ્યો. તેણે મો ફેરવી લીધું. પછી બાઇક ચાલુ કરી ત્યાંથી જતો રહ્યો. નિશાંતે સુરભિને પૂછ્યું:

“તારો બોયફ્રેંડ છે?”

“કોણ? ના.” એકાએક આવેલા સવાલથી તે ચમકી ગઈ.

“તો?”

“કોની વાત કરો સો?”

નિશાંત સુરભિની પાંગળી દલીલ સાંભળી, તેની આંખોમાં નિરસતાથી જોઈ રહ્યો. તેની આંખો જોઈ સુરભિને ખ્યાલ આવ્યો નિશાંતને ઉલ્લુ નહીં બનાવી શકાય.

“એ મારો બોયફ્રેંડ નથી કાંય.”

“તો કોણ છે?”

“કોય નય.”

“તો કેમ તે દાંત કાઢ્યા એને જોઈને?”

“મારી નિશાર આગર પણ ઈ ઊભો રઈ મને જોતો હોય સે પણ ઈની હિમ્મત નથ થાતી મને બોલાવાની... અરધે રસ્તે મારી પાસર આવે પસી વયો જાય.”

“ઓહ માય ગોડ! એ તને હેરાન કરે છે? હું રિમાન્ડ લઉ એની?”

“ના... ના. અમથો ઈ તો, ઈ કાંય મને હેરાન નથ કરતો. ‘ને હું ખાલી ટાયમ પાસ કરું સુ. કાંય સિરિયસ નથી.”

“ઓકે. તારી પસંદગી પણ ખરી છે!” તે મલકાયો.

“ચેવીસ મારી પસંદ?”

“એના બાઇકની હેડલાઇટ પર ‘રંગિલો રાજા’ લખ્યું છે. આમ, તો રાજકોટના મોટા ભાગના જુવાનિયા પોતાને રાજા સમજે છે પણ પાછળ તો વાંચ ‘FEAK LOVE’ લખ્યું છે... એનો મતલબ તને સમજાયો?”

“હા(કહી તે હસવા લાગી) ઈ ફેક લખવા માંગતો હયશે.”

“પણ લયખું છે શું? ‘ફીક લવ!’ આ અભણનું ભણતર શું હશે? એના પીળા વાળ જોય એમ લાગે છે જાણે કોઈએ છોડને પાણી પીવડાવાનું બંયધ કરી દીધું હોય ‘ને છોડ હૂકાય ગયો હોય.. મોઢામાં ફાકી ભયરી હોય છે. આવા છોકરા પાસે રોમાંસની વ્યાખ્યા શું હોય? શેની આશા રાખી શકાય?”

“હું કોય આશા નથ રાખતી બાપા! રિલેક્સ. હું કાંય આવા લૂઝરને નય જાવ.”

“તો કેવો છોકરો?”

“મને ખુશ રાખે... લોયલ રે’ એટલે બોવ...(બે ક્ષણ બાદ) અને હા ફાકી નો ખાતો હોવો જોઈ. આપણાં ન્યાં એવો સોકરો હોધવો બોવ અઘરો સે.”

“બસ? આટલું જ? એક સંબંધમાં તારે આટલું જ જોઈએ? એ તને ખુશ કેવી રીતે રાખે? શું કરે એવું કે જેનાથી તું ખુશ રહે?”

“ફરવા લય જાય, બ્હાર ખાવાનું, ફિલ્મ જોવાની. બીજું શું હોય?”

“તો એના માટે બોયફ્રેંડ કે પતિની શી જરૂર? આ બધુ તો મિત્રો સાથે પણ કરી શકાય ને? અને મિત્રો જેવી મજાક મસ્તી કદાચ એવા સંબંધ ના પણ થાય. ફરવા જવું, બ્હાર જલ્સા કરવા. એ બધુ મગજને રિલેક્સ કરવા માટે સારી બાબત છે. ભણવાથી અથવા કામથી થોડો સમય છુટકારો મેળવવા, રિલેક્સ થવા આ બધુ કરીયે તો સારું લાગે પણ રોજ એવી જિંદગી જીવાતી નથી. વાસ્તવિકતામાં તો એવું જોવા મળ્યું છે કે ભણવાનું સ્ટ્રેસ, કામનું પ્રેસર સહન કરવું પડે છે. સામેની વ્યક્તિ દર વખતે તમને હસાવી શકતી નથી. તમે અથવા એ એકબીજાની શારીરિક જરૂરિયાતો દર વખતે પૂરી કરી શકતા નથી. શારીરિક શું કોઈપણ જાતની અપેક્ષા તમે સાચા મનથી પૂરી કરવા માંગતા હોવ છતાં સામે વાળાની અપેક્ષાઓ પૂરી કરી શકાતી નથી.”

“તો આ હંધિય બાબતો સંબંધ ખરાબ નો કરી નાખે?”

“થઈ શકે એવું.”

“એવું નો થવા દેવું હોય તો?”

“તો સમયે-સમયે રિલેક્સ થવું પડે. સંબંધને આરામ આપવો જોઈએ.”

“ઓકે. તમે ક્યો તમે હુ કરો? અથવા શાલકી હારે તમે હુ કરસો, જો બાધવાનું થાય તો?”

“હું... મારી અને શાલકી વચ્ચે અણબનાવ બને તો હું એને અડાલજની વાવ લઈ જઉ.”

“ત્યાં હુ સ?”

“ઐતિહાશિક સૌંદર્ય. ત્યાં વાવમાં સિક્કો નાખી કોઈ ઈચ્છા માંગો તો તે પૂરી થાય એવું માનવમાં આવે છે. મારે એ સિક્કા નાખે એ જોવું છે, સિક્કાનો અવાજ સાંભળવો છે. અંદરની પ્રકૃતિમાં ચુંબકીય આકર્ષણ છે. તેની સાથે ત્યાં પગથિયાં પર અને કોતરણીકામ વાળા ગોખલામાં બેસી, વાત કરી સમસ્યાનો ઉકેલ લાવું. એક સાંજ માટે વાવ ભાડે લઈ લઉ. મારી ઈચ્છા છે કે દિવાળીમાં દિવડા પ્રગટાવીએ એમ પગથીયામાં, કઠેડાના ચોસલા, પિલ્લર અને ગોખલામાં દિવડા પ્રગટાવી રાસ રમવા છે.”

“વાવ. આઈ મીન અંગ્રેજી વાળું વાવ(Wow!) સરકાર વાવ ભાડે પણ આપે સે?”

“આપે ને બધાને આપે, પણ એક કલાકનું ભાડું ૮૦,૦૦૦ હજાર છે.”

“એંસી હજાર?” આશ્ચર્ય સાથે સુરભિએ પૂછ્યું.

“હા. ચાર-પાંચ કલાક ઇનફ છે. કારણ કે હું અફોર્ડ કરી શકું છું.” ખંધાઈથી નિશાંતે કહ્યું.

“કેવું પડે બાકી! બીજું?”

“મારે એની સાથે ગિરનારના દસ હજાર પગથિયાં ચઢવા છે. પહેલો પર્વત અંબાજીનો છે. એ સર કર્યા બાદ આગળ ફક્ત પ્રકૃતિ અને ઉડતા પંખીઓ અસ્તિત્વ ધરાવે છે. દૂર સુધી ચારેકોર વનસ્પતિ-પહાડો છે. ડિસેંબરની વહેલી પરોઢમાં ફક્ત સૂર્ય દેખાય, બાકી આખી અવની ઉપર ધુમ્મસ છવાય જાય છે. તમારા કપડાં પર તમે ઝાકળ અનુભવી શકો. મોઢામાંથી વરાળ નીકળે એવી તીવ્ર ઠંડીમાં તમારા શ્વાસની ગરમી જ શરીરને હુંફ આપે. ફક્ત તમારી જીવનસંગિની અને તમારા હ્રદયના ધબકારા પુરાવા આપે કે તમે જીવતા છો. બાકી, આખી શ્રુષ્ટિ ૩॰ ડિગ્રી ટાઢકમાં જામી ગઈ હોય છે. દત્તાત્રેય શિખરના પગથિયાં સીધા અને ઊભી ચઢાણ જેવા છે. એકબીજાનો સહારો બની ઉપર સુધી પહોંચવું છે...

 

                              મારે તેની સાથે કચ્છનું રણ જોવું છે. ત્યાની સફેદ રેતમાં અક્ષર સહ અક્ષર તેનું નામ ખૂંદવું છે. કચ્છી ભૂંગામાં રહેવું છે. ત્યાંના ભીલ આદિવાસી સંસ્કૃતિના માદળિયાં ખરીદી પહેરવા છે...

 

                              મારે વરસાદના ભીના મૌસમમાં તેની સાથે સાપુતારા જાવું છે, ગિરા વોટરફોલ્સને નિહાળતા ગ્રીન ટી પીવી છે, પોળોના જંગલમાં કેમ્પ ફાયર કરી તુવેર ટોઠા અને જીરા રાઈસ ખાવા છે.” નિશાંતે જણાવ્યુ.

“ઓહોહોહો! શું વાત સે! વાહ... વાહ! વેરી બ્યુટીફુલ!” સુરભિએ જણાવ્યુ.

નિશાંત સ્મિત સાથે બોલ્યો:”પેલા રંગીલા રાજા ની થિંકિંગ ફરવા જવા માટે ગેસ્ટ હાઉસથી આગળ ન હોય. ત્યાં ટાઈમ પાસ કરવા માટે પણ ટાઈમ ન બગાડાય.”

                             

                              સુરભિ ચૂપ રહી. દિશાબેન હજુ સુધી આવ્યા ન’તા. તે તપાસ કરવા એ બાજુ ગયો. દિશાબેન ઝૂમખું પહેરી રહ્યા હતા. તેમણે નિશાંતને આવતા જોઈ પૂછ્યું:”એક જ મિનિટ.”

“હા, હા. વાંધો નહીં.”

“આ ચેવું લાગે સે?” દિશાબેને ડોક ફેરવી ઝૂમખું બતાવ્યુ. નિશાંતે તેમનો ફોટો પાડી લીધો અને કહ્યું:”બ્યુટીફુલ! તમે પરણિત હશો લાગતું નથી.”

 

                              દિશાબેન સ્મિત સાથે શરમાયા. તેમણે પણ સુરભિની જેમ કાજળ આંજી, લિપસ્ટિક લગાવી હતી. બંને બ્હાર આવ્યા. બાદ તેણે દિશાબેનના સાડીમાં ફોટા પાડ્યા. ત્યારબાદ દિશાબેને સુરભિ સાથે, સુરભિએ નિશાંત સાથે અને ત્રણેયે ફોન અવળો કરી સમૂહમાં ફોટા પડાવ્યા.

 

*

 

                              ભોજન આજે ઘરના પુરુષો દ્વારા બનવાનું હતું. સાંજના ૬:૩૦ વાગ્યાના ચારેય પુરુષો રસોડામાં ઘુસી ગયા હતા. કાજલબેન કોઈકના કોઈક બહાને કુતૂહલવશ ચાર વાર રસોડામાં આંટા મારી ગયા હતા. નિશાંત તેમને બ્હાર જવા સૂચવતો. છતાં, તેઓ આવી જતાં. છેવટે તેણે બ્હાર એક ચોકિયાત મૂકવાનો નિર્ણય કર્યો. દિનકરરાવ, સિદ્ધાર્થ અને ધીરેનભાઈ આ કામ માટે પડાપડી કરવા લાગ્યા. નિશાંતે દિનકરરાવને બ્હાર રખેવાળી કરવા ઊભા રાખ્યા. કારણ તે ઘરમાં વડીલ હતા, તેથી કોઈ તેમને ઓળંગવાની હિમ્મત નહીં કરે. ધીરેનભાઈ અને સિદ્ધાર્થ વસવસો કરવા લાગ્યા. અંદર બંને ધોયેલાં મૂળા જેમ ઊભા હતા. રસોઈ બધી નિશાંત બનાવી રહ્યો હતો. તેણે જાતે જ શાકભાજી સમારી. અત્યારે તે ભાજીપાવની ભાજી બનાવી રહ્યો હતો.

 

                              આજે તે થોડો ગભરાયેલો હતો. કારણ આટલા બધા લોકો માટે તેણે ક્યારેય સાથે જમવાનું બનાવ્યું ન હતું. ક્યાંક ભૂલ થઈ ગઈ તો ઉપાધિ થશે. તે નવ જણની ગણતરીથી જ રસોઈ કરી રહ્યો હતો પણ અત્યારે તેના પર ખૂબ જ દબાણ હતું. મોટા ઉપાડે ‘જમવાનું બનાવીશું!’ કહી તો દીધું પણ ક્યાંક ભોંઠા પડવાનું ન થાય એ બીકે તેને મૌન કરી દીધો હતો.

 

                              એકી કરવાના બહાને પાયખાનામાં જઈ તેણે ડ્રાઇવરને કોલ કરી આપાત્કાલીન પરિસ્થિતિ માટે તૈયાર રહેવા કહ્યું. બ્હાર આવ્યો ત્યારે તેણે સ્ત્રીઓની હીંચકા-પલંગ પર મંડળી જમાવેલી જોઈ. તે સૌના ચહેરા પર ચમક અને ખુશી દેખાઈ રહી હતી. તેમને વિશ્વાસ હતો નિશાંત લહેજતદાર ભોજન બનાવશે. નિશાંતને પણ એવું લાગતું હતું.

 

                              રસોડામાં સિદ્ધાર્થ સૂંઠ સૂંઘી રહ્યો હતો. તેણે ધીરેનભાઈને બોલાવ્યા:“કાકા... આંય આવો.”

“આ હુંઘો તો...”

“એલા, આ સૂંઠ સે. હુંઘવા લાયગો તે, આંટા આઈ રયા સે કે હુ તારા?” ધીરેનભાઈ બોલ્યા.

“હારું.”

“લાય, મનેય હુંઘવા દે.” કહી તેમણે સિદ્ધાર્થ પાસેથી સૂંઠ લીધી.

 

                              સૂંઠ સૂંઘતા, તેની તૂરી કડવાશ મગજમાં ઘૂસતા ધીરેનભાઈના આખા શરીરમાં કંપારી છૂટી ગઈ. તેમને ઊબકા આવવા લાગ્યા. સિદ્ધાર્થે પણ સામે એવું મો બનાવ્યું. ધીરેનભાઈની આંખે પાણી આવી ગયું. તેમણે કહ્યું:”જબરું સ મારૂ બેટું! કડક!” સિદ્ધાર્થ હસવા લાગ્યો.

“આ શું કરો છો?” પાછળ નિશાંત આવ્યો.

 

                              સૂંઠ નીચે મૂકી તેમણે પાછળ ફર્યા. બંને ચૂપચાપ સીધા ઊભા રહ્યા. નિશાંતે ભાજીનો ગેસ ધીમો કર્યો. ધીરેનભાઈ સૂંઠની તૂરી વાસ હટાવા ફાકી ખાવાનું વિચાર્યું. ખીચામાંથી ફાકી કાઢી, મેળવવા લાગ્યા.

 

                              લગભગ બધી રસોઈ થઈ ગઈ હતી. નિશાંતે ચમચાથી થોડી ભાજી હાથમાં લઈ ચાખી. પોતે એટલો ડરી ગયો હતો કે નક્કી ન કરી શક્યો કે ભાજી સ્વાદિષ્ટ બની છે કે નહીં?” તેણે ધીરેનભાઈને ચાખવા કહ્યું.

“(ચાવતા-ચાવતા)મારા મોઢામાં માવો સે.” ધીરેનભાઈએ જવાબ આપ્યો.

“તમે સિદ્ધાર્થભાઇ ચાખો...”

“હા, લાવો.

 

                              સિદ્ધાર્થે હમણાં જ સૂંઠ સૂંઘી હતી તો તે પણ ચોક્કસ સ્વાદ ન કહી શક્યો. તેને થયું બ્હાર જો જમવાનું નહીં ભાવે તો? બધી મહેનત નિરર્થક નીવડશે. એવા વિચાર બાજુમાં મૂકી તેણે ગુલાબજાંબુ તૈયાર કરવાનું શરૂ કર્યું. એ કામમાં તે પારંગત હતો. એમાં અનુમાન ખોટું આવે એવી સંભાવના ઓછી હતી.

 

                              ૭:૫૫ વાગ્યા. ત્રણેય બ્હાર આવ્યા. દિનકરરાવ ખુરશી નાખી રસોઈઘરના દરવાજે સૂઈ ગયા હતા. નિશાંતે તેમને ઉઠાડયા. પછી ચારેય મહિલાઓ તરફ ગયા. સાંજના આ સમયે ભાગ્યે જ સ્ત્રીઓ કામ વગર બેસી હોય. અન્યથા જમવાનું કે ઘરના કામમાં વ્યસ્ત રહેતી. દોઢ કલાકથી અલક-મલકની વાતો અને હસી મજાક ચાલી રહી હતી. પુરૂષોને એમની તરફ આવતા જોઈ સૌ એકાએક ચૂપ થઈ ગયા. બધાનું તેમની તરફ ધ્યાન દોરાયુ.

“મજા આવે સે ને?” નિશાનતે પૂછ્યું.

“હા.”

“બોવ જ.” સમૂહમાં જવાબ આવ્યો.

“નાઇસ, ભૂખ લાગી સે હવે?”

“હા... ઈની તો રાહ જોઇસી ક્યારના!” સુરભિએ કહ્યું.

“બની ગ્યું?” રમીલાબેને પૂછ્યું.

“હા.”

“સરસ.”

“યાર, મમ્મી પેલી સૂંઠ ફેકી દ્યો, વાસી થઈ જય લાગે સે.” સિદ્ધાર્થે કહ્યું.

“નો હોય, કાલ તો લાયવા સી.”

“તો કાં એવી વાસ મારે?”

“આ ભાઈએ સૂંઠ નાકે અડાડી સૂંઘી છે. તેની સંવેદનચેતાઓ બહેર મારી ગઈ છે.” નિશાંતે કહ્યું. બધી સ્ત્રીઓ હસવા લાગી. સિદ્ધાર્થ ઊભો-ઊભો માથું ખંજવાળવા લાગ્યો. નિશાંતે ધીરેનભાઈ-દિનકરરાવને રસોડા તરફ કઈક ઈસારો કર્યો. બંને ત્યાં ગયા.

 

                              રમીલાબેને બેસવા માટે જગ્યા કરી, નિશાંતને આવકાર્યો. તે શાલકી અને રમીલાબેનની વચ્ચે બેસ્યો. સિદ્ધાર્થ ખીચોખીચ સુરભિ, દિશાબેન અને કાજલબેન વચ્ચે હીંચકા પર બેસ્યો. તેણે આરામથી સુરભિની પાછળ હાથ જવા દીધો. બધા પાછા વાતે વળગ્યા. દરમિયાન દિનકરરાવ આસન પાંથરી રહ્યા હતા. ધીરેનભાઈ થાળીઓ સાફ કરી રહ્યા હતા અને આસન પાસે મૂકી રહ્યા હતા. તેમણે બૂમ પાડી:”એ હાલો જમવા!”

 

                              બોલ્યા બાદ તેમને પોતાનો જ સ્વર વિચિત્ર લાગ્યો. તેમને થયું હું આ શું બોલ્યો? દિનકરરાવ અને કુટુંબજનોને પણ એ શબ્દો થોડા અજુગતા અને તેમના સ્વરે નવા લાગ્યા. ઉત્સાહ સાથે બધા ઊભા થયા. નિશાંત-સિદ્ધાર્થ રસોડામાં ગયા. સ્ત્રીઓ હાથ પગ ધોવા ચાલી. બાથરૂમ-વોશ બેઝિન પાસે ભીડ ભેગી થઈ. આરામથી બે-બે જણ હાથ-મોં ધોઈ આસન પર સ્થાન ગ્રહણ કરવા લાગ્યા. બધા વાસણ બ્હાર લાવી નિશાંત પણ હાથ-મો ધોવા ગયો. તે ગયો ત્યારે શાલકી નેપકિનથી મોં લૂછી રહી હતી. નિશાંતે શાલકીને કહ્યું:”જમવાનું સારું ન બન્યું હોય તો અત્યારથી માફી માંગુ છું.”

“કોય વાંધો નહીં. અમારામાંથી કોઈ ફરિયાદ નય કરે.”

“તો મને ખબર કેમની પડશે સારું બન્યું સે કે ખરાબ?”

“હું તમને લગન પસી કઈસ.” શાલકી બોલી અને હોઠ દાબી હાસ્ય રોકી રહી.

 

                              શાલકીના જવાબથી નિશાંત દંગ થઈ ગયો. તે જમવા ચાલી ગઈ. નિશાંત વિચારોમાં જતો રહ્યો. ધીરેનભાઈ-દિનકરરાવ પીરસવા માટે તત્પર ઊભા હતા. સિદ્ધાર્થ એ તરફ આવી રહ્યો હતો. નિશાંત સજાગ બન્યો અને હાથ-મો ધોઈ જમણવાર તરફ ફર્યો. બધા આસન પર ગોઠવાઈ ગયા હતા. બે આસન વધારે મૂકવામાં આવ્યા હતા. તેના પર કોઈ બેઠું ન હતું. ઘરની બધી સ્ત્રીઓ પહેલી વાર પુરુષોની હાજરીમાં પુરુષો કરતાં પહેલા જમવા જઈ રહી હતી પણ નિશાંતે એવું થવા ન દીધું.

 

                              ધીરેનભાઈ-દિનકરરાવ રસોઈ પાસે ઊભા હતા. તેમની સામે તરફ નિશાંત-સિદ્ધાર્થ ઊભા હતા. રસોડાની દીવાલ પાસે શાલકી-સુરભિ અને દિશાબેન બેઠા હતા, તેમની સામે રમીલાબેન અને કાજલબેન બેઠા હતા. પાછળ સિદ્ધાર્થ-નિશાંત ઊભા હતા.

“તમે અને મોટા પપ્પા પણ બેસી જાવ.” નિશાંતે ધીરેનભાઈને કહ્યું.

“ના. એવી વાત કરો મા, તમે અને સિદ્ધાર્થ બેહી જાવ અમે પીરસી દેસુ. જમવાનું પીરસવા બે માણાં તો બોવ.” ધીરેનભાઈ બોલ્યા. દિનકરરાવે સિદ્ધાર્થ-નિશાંત માટે આસન પાંથર્યા હતા.

“તમે બેસો ને...” નિશાંતે આગ્રહ કર્યો.

“તમે સોકરાઓ બેહો. અમે પુરુષો પીરસી દયસુ.” ધીરેનભાઈએ હઠ પકડી.

“અમે પણ પુરુષો જ છીયે, તમે વડીલ છો અને ઘરમાં મોટા છો તમે બેસી જાવ.” નિશાંતે કહ્યું.

 

                              ઝાઝી દલીલ થાય એ પહેલા દિનકરરાવ આસન પર બિરાજમાન થઇ ગયા. તેમણે હજી ઊંઘમાં લાગી રહ્યા હતા. ભૂખ લાગી હતી અને સ્ત્રીઓને પીરસવું થોડું વિચિત્ર લાગી રહ્યું હતું માટે અવસર જાણી તેમણે બેસી ગયા. તેમને બેસેલા જોઈ ધીરેનભાઈ પણ દલીલ છોડી.

“હવે થઇ સમાનતા... આપણે કોઈ ભેદ નથી રાખવા માંગતા કે પુરુષો પહેલા જમે અથવા સ્ત્રીઓ પહેલા જમે. બધા હારે જમીસુ. કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં. કદાચ, એને જ તો જીવનસાથી કહેવાય છે કે જે સાથે રહે નહીં કે તમારી પાછળ... મારી તો ઈચ્છા છે કે લગ્નમાં ફેરા પણ હું સાથે ફરું. આગળ પાછળ નય. (શાલકીએ તેની સામે જોયું) સાથે રહીએ, સાથે જમીએ અને સૌને સાથે લઈને આગળ વધીએ.

“લ્યો હાલો વળી ખાવાનું ઠરી જાહે.” ધીમે રહી દિનકરરાવ બબડ્યા.

“પપ્પા-મોટા પપ્પા તમે બંને ઘરના વડીલ છો. તમે અમને પીરસો એ સારું નો લાગે. માટે તમને જમવા બેસાડયા. જ્યાં સુધી ઘરમાં તમારા છોકરા-છોકરીઓ છે. ત્યાં સુધી તમારે પીરસવાની જરૂર નથી પણ અર્થ ઇનો ઇ નથી કે તમે તમારી થાળી ન્યાં જ મૂકી રાખો.” કહી તે હસ્યો, સૌ હસ્યાં.

 

                              “’ને છેલ્લી વાત આટલા બધા લોકો માટે સાથે જમવાનું બનાવાનો મારો આ પ્રથમ અનુભવ છે. તો કદાચ સ્વાદમાં ૧૯-૨૦ થયું હોય તો માફ કરજો. છતાં, જો ખાવાની મજા નો આવે તો આપણે બ્હારથી મંગાવી દઇશું. મેં મારા ડ્રાઇવરને કહી રાખ્યું છે.” કહેતા તેણે તેનો ફોન બતાવ્યો. ફોનમાં લાઇટ થઈ. “હું એમને ફોન કરીશ એટલે તે ૧૫-૨૦ મિનિટમાં બધા માટે રેસ્ટોરાંમાંથી ખાવાનું લેતા આવશે.”

“પે’લા પીરસો તો ખરા!” દિનકરરાવ બોલ્યા.

“ઓકે.” નિશાંતે કહ્યું.

 

                              તે અને સિદ્ધાર્થ ફરીને વાસણો પાસે આવ્યા અને સૌને પીરસવાનું શરૂ કર્યું. ભાજીપાવ, પુલાવ અને ગુલાબજાંબુ. આજની રસોઈનું મેનૂ હતું. ભાજીની સુગંધથી બધાના મુખમાં પાણી આવી રહ્યું હતું. પુલાવનું ઢાકણ ખૂલતાં મશાલેદાર સુગંધ વાતાવરણમાં ફેલાઈ. વરાળ તેમાંથી છૂટી રહી હતી. એક તરફ નિશાંત અને બીજી તરફ સિદ્ધાર્થે પીરસવાનું શરૂ કર્યું અને ઝટપટ બધાને પીરસી પણ દીધું. જમવાનો આરંભ થયો. પહેલો કોળિયો ખાતા સાથે જ એક એક કરી બધાએ નિશ્ચલભાવે નિશાંત સામે જોયું અને આજુબાજુમાં ગુસપુસ કરવા લાગ્યા. ત્યારબાદ જમવાનું જારી રાખ્યું. નિશાંતને તેની રસોઈનો રિવ્યુ જાણવાની તીવ્ર જિજ્ઞાસા જાગી હતી. સામેથી કોઈ જણાવશે, એમ વિચારી તે મૌન સાથે સહુને જોઈ રહ્યો હતો. ચૂપચાપ બધા જમતા રહ્યા. તે વિચારમાં પડ્યો કેમ બધા ચૂપ છે? જમવાનું સારું નહીં બન્યું હોય? તો કેમ બધા ચૂપચાપ ખાઈ રહ્યા છે? તેણે પોતાને પૂછ્યું. તેનો આત્મવિશ્વાસ જાણે ડગી ગયો હોય. તેનું મો પડી ગયું. બધાનું મૌન રસોઈની સમીક્ષા લાગી રહી.

 

                              ત્રણ-ચાર મિનિટ વીતી ગઈ પણ કોઈ એક શબ્દ બોલ્યું ન હતું. કોઈને કઈ જોઈતું કરતું હોય તો એનાં માટે તે તૈયાર બેઠો હતો પણ બધા જાણે યંત્રમાનવ બની ગયા હોય એમ યંત્રવત રીતે આરોગી રહ્યા હતા. બહુ મોટી ભૂલ મેં કરી નાખી, વગર અનુભવે આટલા બધા લોકો માટે ખાવાનું બનાવાની. પુરૂષોને સમજાવા જતાં પોતે જ મેં મારી અશક્ત આવડત બધાની સમક્ષ છતી કરી નાખી. આ લોકો મને મહેમાન માની ટીકા નથી કરી રહ્યા કે મેં સારું જમવાનું નથી બનાવ્યું. નિશાંતને તેવું લાગી રહ્યું હતું.

 

                              જોકે, વાત ઉલ્ટી બની રહી હતી. જમવાનું સ્વાદિષ્ટ બન્યું હતું અને બધાને ભાવી પણ રહ્યું હતું. ઘરના સભ્યો નિશાંતનો ડર જાણી ગયા હતા, તેથી એની સાથે રમત રમી રહ્યા હતા. જ્યારે તે હાથ-મો ધોવા ગયો ત્યારે સૌએ નક્કી કર્યું કે બધા ચૂપચાપ ખાવાનું ખાશે. કેવું જમવાનું બનાવ્યું નિશાંતને કોઈ નહીં જણાવે. તેમની યોજના પાર પડી રહી હતી. નિશાંત રિવ્યુ જાણવા અધિરો બની રહ્યો હતો. તેનાથી રહેવાયું નહીં, થોડી ક્ષણો બાદ હિમ્મત ભેગી કરી નિશાંતે પૂછી લીધું:“કેમ બધા ચૂપ છો?(તેનો અવાજ તૂટી રહ્યો હતો, લાગ્યું કે તે રડી પડશે. તે ખોંખારયો અને આગળ બોલ્યો) ખાવાનું કેવું બન્યું છે?”

“શસસસસ! જમતા જમતા વાતું નો કરાય.” દિનકરરાવે કહ્યું.

“હેં? કાલે તો તમે કરતાં’તા.”

 

                              કોઈએ કઈ જવાબ ન આપ્યો. સહુને નિશાંતની અધીરાઇ દેખાઈ રહી હતી. બધા અંદરથી મલકાઈ રહ્યા હતા. થોડીવાર બાદ નીલભાવે ધીરેનભાઈ બોલ્યા:”પાવ અને થોડી ભાજી આપો.” નિશાંતે તેમ કર્યું. બાદ તેઓ બોલ્યા:”થોડો સલાડ...”

“હા.” નિશાંતે કહ્યું અને સલાડની થાળી નજીક કરી.

“ભાજીનો મસાલો?”

 

                              નિશાંતે મસાલાદાની આપી. ધીરેનભાઈએ ભાજી પર સલાડ ભભરાવ્યા, બાદ ભાજીનો મસાલો છાંટ્યો. શાલકીએ તેમની સામે જોયું. ‘ને જમવાનું ચાલુ રાખ્યું. બે ક્ષણ નિશાંત એમને જોઈ રહ્યો. બાદ સૌને પૂછ્યું:”કોઈને કઈ જોઈતું કરતું હોય તો કહેજો...” તેના અવાજમાં નર્વસનેસ લાગી રહી હતી. તે ભાજીનું વાસણ ઉપાડી દરેક જણ પાસે ફેરો મારી આવ્યો. સૌને આગ્રહ સાથે ભાજી પણ આપી. છતાં, કોઈએ રસોઈ પર કશી ટિપ્પણી ન કરી. તેના ચહેરા પર તણાવ અને ઉદાસીનતા તરી આવી. તેનું વીલું મોઢું શાલકીથી ન જોવાયું. તે બોલી:”બસ કરો હવે બધાય. બોવ થઈ ગઈ મજાક!”

“અલી, રે’વા દે ને!” સુરભિ બોલી.

“ના. નિશાંત આ લોકો મજાક કરી ર’યાસ. એમને ખબર હતી તમે રસોઈનો રિવ્યુ જાણવા એક્સાઈટેડ થાશો એટલે કોય કાય બોયલું નય. જમવાનું ખરેખર સ્વાદિષ્ટ બયનું સે. તમે બધા હવે મોટા થય જાશો? Can we all please behave like grownups for a while? (મહેરબાની કરી આપણે સૌ થોડીવાર પુખ્ત માણસો જેમ વર્તન કરી શકીશું?”)

“બે યાર...” સુરભિ બોલી.

“એટલે આ મજાક હતી?” નિશાંતે પૂછ્યું.

“હા. માફ કરજો આવી મજાક માટે.” શાલકીએ કહ્યું.

“વાંધો નહીં.”

“દોઢ ડાયી!” સિદ્ધાર્થ બોલ્યો.

“It was not funny anymore…Did you looked at his face just before?” (એ મજાક વિનોદી ન હતી રહી. તમે એનો ચહેરો જોયો હતો થોડીવાર પહેલા?)

“યસ, આઈ ડિડ! ઈટ વોઝ અ ક્વાઇટ રિલિફ!” (હા, મેં જોયું હતું અને મને એ જોઈ રાહત મળી) સિદ્ધાર્થ બોલ્યો.

“It was a ridiculous prank! I could not watch him like that! (એ ખૂબ જ વાહિયાત મજાક હતી, હું એને એ રીતે જોઈ નથી શક્તી)” શાલકીએ જણાવ્યુ.

“ઓહો... I could not watch him like that!” સિદ્ધાર્થ તેની નકલ કરતાં બોલ્યો.

“ઓહો... I could not watch him like that! હેં...!” સુરભિએ પણ સૂર પુરાવ્યો.

 

                              સીદ્ધાર્થ-દિશાબેન શાલકી સામે જોઈ હસવા લાગ્યા. શાલકી શરમાઈ ગઈ, તેણે જમવાનું જારી રાખ્યું. નિશાંત સ્મિત સાથે તેને જમતા જોઈ રહ્યો. પછી બધાએ નિશાંતની રસોઈની સાચી તારીફ કરી અને આજનો આ રૂડો દિવસ જે કોઈ પ્રસંગ અથવા ઉત્સવના દિવસ જેવો સૌને લાગી રહ્યો હતો તો એના માટે પણ તેનો આભાર માની, વખાણ કર્યા.

 

                              સૌએ જમી લીધું, બાદ નિશાંત અને સિદ્ધાર્થ જમવા બેઠા. ઘરના બીજા સભ્યો હીંચકા-પલંગ પાસે ગોઠવાયા. દિશાબેન નિશાંત-સિદ્ધાર્થને પીરસવા રોકાયા. જોકે, પીરસવાની જરૂર ન હતી. તેમણે ના પાડી. છતાં, દિશાબેન રોકાયા. કાજલબેન બંને માટે પાણીના પ્યાલા ભરી લાવ્યા, નીચે મૂકી, બંનેના માથે હાથ ફેરવી સિદ્ધાર્થના ગાલ પર વ્હાલ કર્યું. બે ક્ષણ નિશાંત સામે જોઈ રહ્યા. પછી તેને પણ ગાલે વ્હાલ કર્યું.

“બોવ મોટું કામ કર્યું, આજ તમે બંનેએ, નિરાંતે જમજો.” કાજલબેને કહ્યું અને સભા જામી હતી ત્યાં જોડાવા ચાલ્યા. ત્યાં બારણે ટકોરા થયા. શાલકી બારણે ગઈ. નિશાંત-સિદ્ધાર્થ જમવાનું પરવારી ઊભા થઈ રહ્યા હતા. દરવાજે શાલકી કોઈકની સાથે વાટાઘાટ કરી રહી હતી. તેનો અવાજ અંદર સુધી આવી રહ્યો હતો.

“અરે ભાય, તમે ખોટા સરનામે આવી ગ્યાં સો...”

“અરે મેડમ, મેં કુસ નહીં જાનતા, મુજે મેરે પૈસે દે દિજિયે... ક્યાં ટાઈમ વેસ્ટ કર રહી હે મેરા!”

“એ ભાઈ, તુજે કિસને રોકા? તું આયા હે, હમને નહીં બુલાયા.”

“મેડમ, આપ સા’બ કો બોલાઈએ.!” ગુજરાતી હોવા છતાં હિન્દી બોલવાનો પ્રયત્ન કરતાં બ્હાર ઉભેલો આદમી બોલ્યો. શાલકી બ્હાર ઉભેલા આદમી જોડે દલીલ કરી રહી હતી, તેનો અવાજ અંદર સંભળાતા હીંચકા સભા ચૂપ ગઈ.

“કોણ સર?” તેણે પૂછ્યું.

“નિશાંત પરમાર સર.” બ્હાર ઉભેલો આદમી બોલ્યો.

 

                              તે પાછળ ફરી. નિશાંત હાથ ધોઈ એ તરફ જ આવી રહ્યો હતો. ધીરેનભાઈ અને દિનકરરાવ દરવાજે આવ્યા. બીજા બધા પણ તેમની પાછળ ચાલ્યા. ધીરેનભાઈ શાલકીને પાછળ કરી પેલા ભાઈને શું સમસ્યા છે તે પૂછ્યું. બ્હાર ઉભેલા આદમીને જોઈ નિશાંત આશ્ચર્યચકિત થઈ ગયો. શાલકી ફાટેલી આંખે નિશાંતને જોઈ રહી. તે ગૂંચવાઈ ગઈ હતી. ધીરેનભાઈ-દિનકરરાવ બ્હાર ઉભેલા આદમીને જોઈ કઈ ખાસ ખુશ થયા હોય એવું લાગી ન હતું રહ્યું. જે રીતથી તેણે શાલકી સાથે વાત કરી હતી, ધીરેનભાઈને જરાય ન હતું ગમ્યું. તેમણે કોઈપણ ક્ષણે પેલા પર હાથ ઉઠાવાની તૈયારીમાં લાગી રહ્યા હતા. સિદ્ધાર્થે બ્હાર ઉભેલા આદમીને જોઈ કપાળે હાથ મૂક્યો અને બોલ્યો:”આ હુ કયરું તમે?” ગંભીર અને નિરાશાથી તે નિશાંત સામે જોઈ રહ્યો. ફક્ત સિદ્ધાર્થ બોલ્યો હતો પરંતુ પ્રશ્ન બધાના મનમાં ઘૂમી રહ્યો હતો. ‘નિશાંતે આ શું કર્યું?’

 

*

 

 (ક્રમશ:)

 

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૩)

 

“આ બધુ તમે મંગાયવું સે?” શાલકીએ પૂછ્યું.

“એક મિનિટ.” કહેતા નિશાંત ધીરેનભાઈ અને દિનકરરાવ વચ્ચેથી આગળ આવ્યો. બ્હાર ઉભેલા ડિલિવરીબોયના શર્ટનો લોગો જોઈ તે બોલ્યો:”તું રમણીકમાંથી આયવો છે?”

“હા.”

“તો વાત કરવાની ભાન નથી તને? ડિલિવરી આપવા આયવો છે કે વસૂલી કરવા? લગાવું કિરણને ફોન?”

“કોણ કિરણ?”

“ઊભો રે’ કહું.” કહી નિશાંતે તેનો ફોન કાઢ્યો.

“આ બધુ હુ હાલી રયું સે?” દિનકરરાવે કડક સ્વરે પૂછ્યું.

“બે મિનિટ ખમો.” નિશાંત તેના ફોનમાં નંબર શોધી રહ્યો હતો.

દરમિયાન પેલા આદમીએ બિલ ઉપર નામ વાંચ્યું, કિરણ કોઠારી. બાજુમાં તેનો નંબર વાંચ્યો. પછી તેના મગજમાં લાઇટ થઈ.

“ઓ સા’બ રે’વા દ્યો... ફોન કરો મા.”

નિશાંતે ફોન લગાવી દીધો હતો. રિંગ વાગી રહી હતી. પેલો આદમી બોલ્યો:

“સાયબ, મુ નવો મુકાયો સુ, મને ખબર નથી. રે’વા દ્યો.”

“હું તારી ઓળખાણ કરાવું... રે’”

“ના. સાયબ મને ખબર પડી ગીસે.”

“કિરણ...” ફોન લાગી ગયો, તેણે લાઉડ સ્પીકર કર્યો.

“હા. સર.”

“મેં એક ઓર્ડર આયપો છે હમણાં. તારો માણસ આયવો તો ક્યે’ છે કે એ તને નથી ઓળખતો. પૂછે છે કોણ કિરણ?”

“મારો માણસ? સોરી સર. હું તેનું નામ જાણી શકું?”

“તારું નામ બોલ.”

“એ સા’બ, હું ભૂરો, કાળિયાનો ભાય. ઇ તો મારા મોઢામાંથી ભૂલથી નિકરી જ્યુ.”

“તને રાયખો સે કોણે? ગોસ્વામીને વાયત કરી હતી કે જીવાણિને?” કિરણે પૂછ્યું.

“ગોસ્વામીને.”

“હારુ. ડિલિવરી પતાવીને ઉપર આવજે.”

“એ હા.” ડિલિવરી બોયે કહ્યું.

“હલો.” નિશાંતે ફોન સ્પીકરથી હટાવ્યો.

“હા સર.”

“કાં ભાઈ? તમારા માણસો તમને નો ઓળખે? થોડી ટ્રેનીંગ આપો વાત કરવાની, કામ કરવાની.”

“સ્યોર સર. ચોક્કસ, આ નવો છોકરો છે. હું વાત કરું છું હાલોને. કઈ પ્રોબલમ નથી થયને?”

“ના. પણ પૈસા માંગવાની રીત હોય કે નય? જે રીતે માંગે છે, લાગે કે સ્ત્રીઓ જોડે હફતો લેવા આયવો હોય.” નિશાંત અતિરેકમાં આવી ગયો હતો, જેથી થોડી થોડી તેની કાઠિયાવાડી લઢણ નીકળી રહી હતી. બાકી તે ચોખ્ખું ગુજરાતી જ બોલતો.

“માફી ચાહું છું સર. તમે એને ફોન આપો.”

 

                              દોઢ મિનિટ સુધી કિરણે ડિલિવરીબોયને ખખડાવ્યો. ભૂંડી જ ગાળો દીધી. પેલો હા સર, હા સર. કહેતો સાંભળી રહ્યો. કિરણે જણાવ્યુ એને નિશાંત કોણ છે. કેટલા વર્ષોથી તેમનો ગ્રાહક છે, વગેરે વગેરે. હમણાં તે જેટલો પાવર કરી રહ્યો હતો, એ બધો ઉતરી ગયો. બે મિનિટ બાદ તેણે નિશાંતને ફોન આપ્યો.

“હા, બોલ.”

“સર, માફી ચાહું છું. આવું ફરી ક્યારેય નય થાય. હું તમને બાહેંધરી આપું છું. તમે એને પૈસા ન આપશો અને પ્લીઝ પેકેજ લઈ લેજો.”

“ના, ના, પૈસા તો આપવા જ પડે ને. સેવી વાત કરો સો.”

“નહીં સર. બિલકુલ નહીં. તમારા ન્યાં કોઈ આવી રીતે વર્તે એ અયોગ્ય બાબત છે અને અમારા કોય કર્મચારી આવું વર્તન કરે એ અમે ના ચલાવી લઈએ. પણ આ ભૂલ થઈ ગઈ એના માટે તમને વિનંતી કરું છું પ્લીઝ પૈસા ના આપતા. જોકે, એ લેશે પણ નહીં. મેં એને કહી દીધું છે...”

 

                              નિશાંતે તેની સાથે ઘણી આનાકાની કરી પણ કિરણે પૈસા લેવાની સાફ મનાઈ કરી દીધી. અંતે નિશાંત તેની વાત માની કોલ પૂરો કર્યો. પેલો ડિલિવરીબોય હાથ જોડી નિશાંતને કરગરવા લાગ્યો:

“સા’બ, મને માફ કરજો, હું ન’તો જાણતો તમે કોણ સો.”

“વાંધો નહીં ભાય પણ ક્યાંય પણ જાવ એક રીત હોય પાર્સલ આપવાની. હું શું બીજું કોઈ હોય તો પણ આ રીતે તોછડાયથી નો મંગાય.”

“માફી માંગુ સા’બ.” કહી તેણે પેકેજ આપ્યા.

તેના ગયા બાદ શાલકીએ પૂછ્યું:”આ બધુ હુ હતું?”

“આ મારા ડ્રાઇવરે ઓર્ડર આયપો લાગે છે. મેં એને કીધું હતું કે હું કહું પછી ઓર્ડર આપજે તો પણ એમણે કેમ મારા કીધા વગર ઓર્ડર આયપો? હું એને પૂછી જોવ.” કહી તેણે ડ્રાઇવરને કોલ લગાવ્યો.

“ભાઈ દીપેન, મેં તમને કહ્યું હતું કે કોલ કરીશ મારે જો ખાવાનું જોયતું હશે તો. તમે કાં મારા કીધા વિના મંગાવી દીધું?”

“સાહેબ તમે ફોન કયરો હતો મને. “

“ક્યારે?”

“આઠ વાગે. તમે કાંઈ બોયલા નય, હું હલો, હલો કરતો રયો... મને લાગ્યું તમે વ્યસ્ત હશો એટલે મેં મંગાવી દીધું.”

“શું વાત કરો છો?” કહી તેણે ફોન તપાસ્યો.

 

                              જ્યારે ઘરના બધા જમવા બેસ્યા, ત્યારે તે ફોન નિકાળી બોલ્યો હતો કે ‘જો ખાવાની મજા ન આવે તો બ્હારથી મંગાવી દઇશું.” તેણે છેલ્લો કોલ ડ્રાઈવરને કર્યો હતો. તો કદાચ ભૂલથી લાગી ગયો હતો. માટે દિપેનભાઇએ ઓર્ડર આપી દીધો.

“દિપેનભાઇ મને ફરી ફોન તો કરવો હતો. જો ના સંભળાયું હોય તો. અમે બધાએ જમી લીધું છે. આ બધુ વેસ્ટ ગયું ને હવે?”

“માફી સર.”

“હારુ. નેક્સ્ટ ટાઈમ પ્લીઝ કોલ કરી વાત ક્લિયર કરી લેવી. ગૂંચવાતા નય.”

 

                              તેણે વાત પતાવી. બધાને ઘટનાક્રમ અંગે ખ્યાલ આવી ગયો. જમવાની બંને થેલી લઈ અંદર આવ્યા. બધા હીંચકા પાસે બેઠા.

“એ રેસ્ટોરાં વાળો તમને કેમનો ઓળખે?”ધીરેનભાઈએ પૂછ્યું.

“એ અમારા કેન્ટીનનો વેન્ડર છે. બે વર્ષથી અમારી ઓફિસમાં કામ કરે છે.”

“બરાબર.”

“હુ કરશું તો હવે આનું?” સિદ્ધાર્થે પૂછ્યું.

નિશાંતને કઈ સૂઝ ન પડી. ચાર ક્ષણ બધા ચૂપચાપ નિશાંતને જોઈ રહ્યા. છેડો આડો રાખી દિશાબેન બોલ્યા:”કાલાવાડ રોડ આસપાસ ફૂટપાથ પર ભૂયખા ગરીબો હુતા હોય સે. એમને આપી દેવાય.”

“એમ કરી શકાય.” નિશાંતે કહ્યું.

 

                              ત્યારબાદ શાલકી-નિશાંત, દિશાબેન-સિદ્ધાર્થ એક્ટિવા અને બાઇક લઈ રોડ પર સૂતેલા નિર્ધનોને જમવાના પેકેટ આપ્યા. વળતી વેળાએ આઇસ્ક્રીમ પાર્લરે ઊભા રહી આઇસ્ક્રીમની ઉજાણી કરી અને  નીકળતા પહેલા ઘરના બધા માટે ફેમિલી પેક લેતા આવ્યા.

 

*

 

(૧માસ બાદ)

 

(૩૦.૦૩.૨૦૧૧)

 

                              માહોલ ગંભીર હતો. સૌના ચહેરા પર ચિંતા અને અધીરાપણું દેખાઈ રહ્યું હતું. સોસાયટીના બાકડા-કમ્પાઉન્ડ ખાલીખમ હતા. કોઈ માણસ/ વાહન/પસુ રોડ પર સંચાર કરી રહ્યું ન હતું. કદાચ આખા ભારતમાં બધે આ જ સ્થિતિ હતી. પાનના ગલ્લે, ડેરીએ, દુકાને અને ઘરે ઘરે લોકો ટીવી સામે ગોઠવાઈ ગયા હતા. છેલ્લા ૩ કલાકથી રોડ પર એક વાહન પસાર ન હતું થયું.

 

                              ભારત-પાકિસ્તાન સેમિફાઇનલ વર્લ્ડકપ ક્રિકેટ મેચ ચાલી રહી હતી. છેલ્લી બે ઓવર બાકી હતી. થોડીવાર પહેલા ઘરમાં દલીલ ચાલતી હતી. ભજીયા બનાવા કોણ જશે? નિશાંતે બધી સ્ત્રીઓને મેચ જોવા બેસાડી હતી. તેમને પણ ખૂબ જ રસ હતો. પુરુષો મેચના કારણે બ્હાર લેવા જવા ન હતા માંગતા. અને સ્ત્રીઓને નિશાંત જવા દેવા ન હતો માંગતો. નિશાંતે રમણીક રેસ્ટોરાંમાં કોલ કરી પૂછી જોયું પણ મેચના કારણે આપવા આવી નહીં શકે એવું જાણવા મળ્યું. એ હદે રાજકોટમાં ક્રિકેટનું વળગણ લાગ્યું હતું. લોકો ધંધા બાજુમાં મૂકીને મેચમાં તલ્લીન થઈ ગયા હતા.

 

                              કોઈ નાસ્તો બનાવા ન ઊભું થયું. છેવટે દિશાબેન ઊભા થયા. સમૂહ પરિવારમાં કોઈ એક વ્યક્તિએ સંઘર્ષ કરવો પડતો હોય છે. અન્યની ખુશી માટે પોતાની ખુશીનું બલિદાન આપવું પડતું હોય છે. દિશાબેને આ સંઘર્ષ ઉઠાવાનું નક્કી કર્યું. આ ઐતિહાસિક મેચ મૂકી તેમણે રસોડામાં બધા માટે ભજીયા બનાવા ચાલ્યા ગયા. નિશાંતે તેમને જતાં જોયા અને બે ક્ષણ વિચારમાં પડ્યો. તેને આ યોગ્ય ન લાગ્યું. મેચમાં સૌ કોઈ તલ્લીન થઈ ગયા હતા. રસોડામાં દિશાબેન યંત્રવત બની કામ કરી રહ્યા હતા. રસોડાના દરવાજે તેમની મદદે કોઈ આવ્યું. દિશાબેન બીજી તરફ ઊભા હતા. કોઈ આવ્યું છે એવો ખ્યાલ આવ્યો:

“તમે જાવ, હું બનાવીને લેતી આવું સુ.” લાગ્યું નિશાંત આવ્યો હશે પણ તેમણે ખોટા હતા. સિદ્ધાર્થ રસોડામાં આવ્યો હતો.

 

                              તેમણે કલ્પના ન હતી કરી કે સિદ્ધાર્થ ક્રિકેટ મેચ છોડી રસોડામાં તેમની મદદ કરવા આવશે પણ તે ચોક્કસ આવ્યો હતો. સમૂહ પરિવારમાં જ્યારે સંઘર્ષ ખેડવાનો આવે અને તમારી/રો જીવનસાથી તમારો સાથ આપે તો એ સંઘર્ષ ખેડવાની પણ મજા આવી શકે છે. લગ્નના ફેરામાં આ બાબતની વાત થઈ છે. સુખ-દુખમાં સાથે અને એકબીજાના સંઘર્ષમાં પણ સાથે. મોટાભાગે પતિ-પત્ની એકબીજાના સુખ-દુખમાં ભાગીદાર બને છે પણ સંઘર્ષ તો કોઈ એકે જ ઉઠાવો પડતો હોય છે. દિશાબેન આ બધા વિચાર કરી રહ્યા હતા. આજે સિદ્ધાર્થે એ જુનવાણી રૂઢિવાદ બદલી નાખ્યો. તે પોતાનો સ્વાર્થ(પોતાની અતિપ્રિય રમત ક્રિકેટ) બાજુમાં મૂકી દિશાબેન પાસે આવ્યો.

 

                                        દિશાબેન પ્લેટફોર્મ પર લોટ બાંધી રહ્યા હતા. સિદ્ધાર્થ આવ્યો અને તેણે દિશાબેનને કામ કરતાં જોયા. તે રસોઈઘરની બ્હાર ડોકાચિયું કરી જોઈ લીધું બધા શું કરી રહ્યા છે. સૌ ટીવીમાં મશગુલ હતા. તે પાછો અંદર આવ્યો અને દિશાબેનની પાછળ ઊભા રહી તેમની કમરે હાથ જવા દીધો. સાડીની અંદર બદન પર સિદ્ધાર્થનો હાથ ફરી રહ્યો હતો. તેના હોઠ તેમની મુલાયમ ગરદન પર ફરી રહ્યા હતા.

“કો’ક આવી જાશે...”

“અહહહ... કોય નો આવે.” દિશાબેનના વાળની ખુશ્બુ લેતા તે બોલ્યો.

દિશાબેને તેને ન રોક્યો. સિદ્ધાર્થે એમનો આભાર માન્યો:”થેન્ક યુ દિશું બધા માટે ગોટા બનાવા આવવા માટે.”

“હો, એમાં હુ? તમે જોડે હો એટલે મારે બીજું કાંય ના જોઈ.” કહેતા તેમણે સિદ્ધાર્થ સામે જોયું. તેમની આંગળિયો લોટ ખૂંદતી અટકી ગઈ. સ્થિર અવસ્થામાં બંને ઊભા હતા. તેમના હોઠ આગળ વધવા સહેજ ઉઘડયા. સિદ્ધાર્થ થોડો નમી તેની પાસે આવ્યો. દિશાબેને આંખો બંધ કરી દીધી.

 

                              સિદ્ધાર્થે તેમના ગાલ પર હોઠ અડાડયા અને પછી રેફ્રીજરેટર પાસે ગયો. દિશાબેનની કમર પર લપાયેલા હાથ લસરતા છૂટ્યા. તેમણે આંખો ખોલી. તેમને ન સમજાણુ કેમ સિદ્ધાર્થ દૂર જતો રહ્યો?. તેમણે તેની સામે જોઈ રહ્યા. સિદ્ધાર્થે પાણીની બોટલ લીધી. કોઈ કઈ બોલે એ પહેલા બ્હારથી ધીરેનભાઈએ બૂમ મારી:“તીજી(અડતાળીશમી ઓવર) ચાલુ થાય સે.. સિધ્ધુડા!”

દિશાબેનના કાન નજીક તે ઊભો હતો અને જોરથી બોલ્યો:“એ આયવો.” તેમણે કાન આગળ હાથ આડો રાખ્યો અને દર્દથી ઉહંકારી ઉઠ્યા:”શશશ...”

“મારા માટે મરચાંવારા એક-બે બનાવજે.” કહી સિદ્ધાર્થ પાણીની બોટલ લઈ ઝટપટ બ્હાર ભાગ્યો.


                              સિદ્ધાર્થનું એમ જતાં રહેવું દિશાબેનને જરાય ન ગમ્યું. એ જ અવસ્થામાં થોડીવાર ઊભા રહ્યા, થોડા ખીજાયા હોય એવું લાગી રહ્યું હતું. હમણાં જે વિચારો તેમને આવ્યા કે સંઘર્ષમાં જીવનસાથીનો સાથ હોય તો સંઘર્ષ ખેડવાનો આનંદ આવે. ‘ને અત્યારે સિદ્ધાર્થ તેમને એકલા છોડીને જતો રહ્યો, બીજું તે એમના કાન પાસે બૂમ પાડી એટલે પણ ગુસ્સો આવી રહ્યો હતો.

 

                              એક વાર્તાકાર તરીકે મને પણ એવું જ લાગ્યું કે સંઘર્ષમાં બંને પતિ-પત્ની સહભાગી બનશે પણ વાસ્તવિકતામાં એવું થતું નથી, ઉપર જોયું એમ. સંઘર્ષ એક આધ્યાત્મિક બાબત છે. લૌકિક રીતે સંઘર્ષ આકારમાં જોઈ શકાતો નથી. તે આત્મીયતાનું દર્શન છે, નિરાકાર છે. તેને ફક્ત વ્યક્તિ આત્માથી અનુભવી શકે. સર્વ બાબતોનો મોહ છોડવાથી એક વસ્તુ પ્રાપ્ત થાય છે, તે છે મોક્ષ. એ જ રીતે કોઈ વસ્તુને મેળવવા, ચાહના પૂરી કરવા અથવા સાંસારિક મોહને પામવા સંઘર્ષ પણ ત્યાગ માંગે છે. બસ, આ મોહ જીવનનું આખું ચક્ર ફરાવે છે. કોઈ વસ્તુના મોહને કારણે ખેડવામાં આવતો સંઘર્ષ જીવનને આગળ વધારે છે. સંઘર્ષથી નવી સમસ્યાઓ ઊભી થતી હોય છે. એ સમસ્યાનો ઉકેલ લાવવા અન્ય વસ્તુઓનો મોહ કેળવવો પડે છે. નવો મોહ એટલે નવો સંઘર્ષ, નવો સંઘર્ષ એટલે નવી સમસ્યા અને નવી સમસ્યા એટલે ફરી નવો મોહ. જીવનનું આ ચક્ર ફર્યા કરે છે અને એક દિવસ આત્મા શરીરના આવરણમાંથી નીકળી જાય છે.

 

                              જ્યારે તમે કોઈ સંઘર્ષ પકડો છો ત્યારે તમે નવી સમસ્યાઓને આમંત્રણ આપો છો અને તે જરૂરી પણ છે. જીવનને આગળ ધપાવા, જીવન જીવવા કોઈ ચાલકબળ હોવું જરૂરી છે અને એ ચાલકબળ છે મોહ. કશુક મેળવવાની ઈચ્છા. કઈક બનવાની આકાંક્ષા. કોઇના માટે કશુક કરવાની લગની. આ બાબતો સંઘર્ષ માંગે છે. નક્કી તમારે કરવાનું તમે શેના માટે સંઘર્ષ કરી રહ્યા છો. ‘ને તમારો સંઘર્ષ શું એ બાબતને લાયક છે? સ્વયં વિચારી જુઓ.

 

                              તમારું શરીર અને તમારી આત્મા બંને અલગ છે. શરીર નશ્વર છે. તે એક દિવસ નિર્જીવ બની જશે પણ આત્મા શાશ્વત છે. જે સંઘર્ષની મોહતાજ નથી. તેને કશો મોહ નથી. જોકે, કહેવાય છે કે મોહનો ત્યાગ જ આત્માને મોક્ષ તરફ લઈ જાય છે પરંતુ મોક્ષ મેળવવાનો મોહ તો ખરી ને? આત્માને મુક્તિ આપવાની ઈચ્છા તો ખરી ને... તો કેવો સંઘર્ષ પસંદ કરવા જોઈએ? એ વ્યક્તિગત બાબત છે. માણસ માયા મૂકે કે ન મૂકે આત્મા સમય આવે દેહ મૂકી દે છે. મારૂ લખવું એટલું જ છે કે તમારો સંઘર્ષ વ્યાજબી હોવો જોઈએ. તમારી ચાહના પૂરી કરવા આત્માનો સાથ હોવો જોઈએ. આ બાબત જાણવી જટિલ છે. મગજ/મન વ્યક્તિને ક્યારેક છેતરી દે છે. મનમાં તો હોય સંપૂર્ણ ઈચ્છા કશુક મેળવવાની, કશાકને પામવાની. જે ક્યારેક ક્ષણિક આકર્ષણ હોય શકે છે. સમય જતાં એ વસ્તુલક્ષી આકર્ષણ મટી જતું હોય છે. ત્યારે થાય કે મેં મારી આત્માથી આ બાબતની ચાહના કરી હતી તો પણ હુ ‘ખાલી’ કેમ નથી? કેમ મારામાં હજુ પણ બીજું કશુક મેળવવાની/પામવાની ઈચ્છા જાગે?

 

                              માણસનું મન આવા કપટમાં ન સંડોવાય અને પોતાનું ધ્યેય નક્કી કરે એના માટે મનની સ્થિરતા જરૂરી છે અને મન તો હોય છે ચંચળ. તેની તો નિયતિ છે વિચલિત થયા કરવું. આ વિચલનોને સ્થિર કરવા હોય તો શું કરી શકાય? ઉત્તર છે:ધ્યાન.

 

                              મોક્ષની પ્રથમ અવસ્થા. ધ્યાન એટલે વિચારોની એકાગ્રતા. પોતાના શરીરના દરેક અવયવો સ્પર્શ વિના અનુભવવાની ક્ષમતા. મોક્ષનું પ્રથમ ચરણ તમે પ્રાપ્ત કરી લો ત્યારે મસ્તિષ્ક આત્માની ખરી વાંછના જાણી લે છે. મન/મગજ જે શરીરનો ભાગ છે. એને ખ્યાલ આવી જાય છે. આત્મા અને શરીર અલગ બાબતો છે, બંનેના ધ્યેય અને ઈરાદા અલગ છે. તો જો ધ્યાનથી ભૌતિક મોહ જાણી શકાય, જે ક્ષણિક અથવા તો જીવનકાળ પૂરતો જ છે. જેને પામ્યા બાદ નવી સમસ્યાઓ, નવા સંઘર્ષને જ જન્મવાની તો જીવનની બધી માયાના સંઘર્ષથી ઉઠી મોક્ષને પ્રાપ્ત કરવાની પસંદગી શું યોગ્ય પસંદગી નથી? જીવનચક્ર પૂર્ણ કર્યા બાદ જે બાબતનો મોહ રહે છે, જે એક બાબત મૂલ્ય ધરાવે છે:મોક્ષ. તેને શરીરની કાયાથી જ પ્રાપ્ત કરી શકાય છે, તો શું ભૌતિક મોહ પાળવા કરતાં જે શાશ્વત છે, એના નિજાનંદને પામવું યોગ્ય પસંદગી ન હોય શકે?

 

                              આ બધી આધ્યાત્મિક બાબતોથી સમાજનો મોટો વર્ગ અજાણ છે. સમાજે માણસથી અપેક્ષાઓ નક્કી કરી રાખી છે. એ અપેક્ષા મુજબ વર્તવું માણસની ફરજ માનવામાં આવે છે. એવું નથી કે બધા જ લોકો સમાજે દર્શાવેલ અપેક્ષાઓ પૂર્ણ કરે. અર્ધા સમાજથી પણ વધારે લોકો એવું કરી શકતા નથી. કારણ અન્યની અપેક્ષા પૂર્ણ કરવા માણસે નિજ માટે કશુક ગુમાવવું પડે છે. કશાકનો ભોગ આપવો પડે છે, સંઘર્ષ ખેડવો પડે છે. બધામાં એટલી તાકાત નથી હોતી. સમાજે સૂચવ્યું છે કે ઘરમાં કોઈ એક વ્યક્તિએ સંઘર્ષ કરવો જ પડતો હોય છે. તો જ્યારે કુટુંબનો એક સભ્ય પરિપક્વતા માની સંઘર્ષ ખેડે છે પરિવાર માટે ત્યારે પરિવારના સભ્યો એ વ્યક્તિથી સંઘર્ષ સહન કરવાની અપેક્ષા રાખવા લાગે છે. એમાં વ્યક્તિની સાથે નથી કોઈ. તેના ભાગ્યમાં જે કરવાનું આવે છે, એ તેણે કરવું પડતું હોય છે. કોઈ તેની નોંધ લે કે ન લે.

 

                              ટેકન ફોર ગ્રાન્ટેડ! અર્થાત કોઈ માણસને હરહંમેશ પોતાની જરૂરિયાતો માટે હાજરાહજૂર સમજવી. જેમાં વ્યક્તિ અન્યોની જરૂરિયાત પૂરતું જ અસ્તિત્વ ધરાવે છે. આ ઘડીએ માણસે જાણવાની જરૂર આવી પડે છે શું તેનો સંઘર્ષ યોગ્ય માણસો માટે કે યોગ્ય પરિસ્થિતી માટે છે ખરો? આ અનુભૂતિથી અજાણ ઘરે ઘરે કોઈ બાપ, કોઈ મા, કોઈ દીકરો, કોઈ દીકરી, કોઈ પત્ની, કોઈ પતિ, કોઈ દાદા, કોઈ દાદી, કોઈ પૌત્ર કે પૌત્રી અથવા ઘરની કોઈપણ વ્યક્તિ ઘર ચલાવા અથવા પરિવારને ખુશ રાખવા/રાજી રાખવા, સંઘર્ષ ખેડતી હોય છે. જે સંઘર્ષ ક્યારેક મૂલ્યરહિત-નિરર્થક હોય છે પણ માણસ એમાંથી પસાર થાય છે. કારણ સમાજે આશા રાખી છે. કોઈ એકે તો ભોગ આપવો પડે.

 

                              આપણાં માનવીઓની કરુણતા એ છે, ક્યારેક સંઘર્ષ કરતા માણસને અનુભૂતિ નથી થતી તેમણે જે જહેમત ઉઠાવી રહ્યા છે. એ તેમનો સંઘર્ષ છે. રોજ અસંખ્ય માણસો પોતાની જાણબાર સંઘર્ષ ખેડતા હોય છે. જેમાંથી કેવી રીતે બ્હાર આવવું? અથવા શબ્દોથી પોતાની પીડા રજૂ કરવાની આપસૂઝ પણ ધરાવતા હોતા નથી. ખેર, એ વિષય પર બીજા કોઈ દિવસે લખીશું. અત્યારે વાત એટલી છે કે માણસનું વર્તન અને તેના વિચારોમાં એકરૂપતા હોય તો જીવન સંપૂર્ણ રીતે અર્થપૂર્ણ બને છે.

 

                              ધ્યાનથી આત્માની વાસ્તવિક ચાહના જાણી આ પીડામાંથી બ્હાર આવી શકવું શું એટલું અઘરું છે?

 

                              એક ડીશમાં ભજીયા અને બીજી ટ્રેમાં કઢીની ત્રણ વાટકી લઈ દિશાબેન પરસાળમાં આવ્યા. બધા આનંદથી શોરબકોર કરી રહ્યા હતા. મેચ પૂરી થઈ હતી. બ્હાર રોડ પર વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. જેનો અવાજ સંભળાઈ શકતો હતો. દિશાબેને મેજ પર ડિશ અને ટ્રે મૂકી. બધા વાતો કરતાં આનંદથી ભજીયા ઉઠાવ્યા. સૌ કોઈ ખુશીના માહોલમાં હતા. ટીવીમાં હાઇલાઇટ્સ અને એક્ઝિટ ઈંટરવ્યુઝ દેખાડી રહ્યા હતા. જેની કોઈ નોંધ લઈ રહ્યું ન હતું કારણ મેચ જીતવાથી ખુશ હતા. દિશાબેને પરિવાર માટે કરેલા સંઘર્ષની નોંધ કોઈએ ન કરી. સૌ ભજીયાની ઉજાણી કરી રહ્યા હતા અને મેચ અંગે ચર્ચા કરતાં રહ્યા. પુરુષો સૌ બધા હીંચકા પાસે ગોઠવાયા. સ્ત્રીઓ રમીલાબેનના કક્ષમાં બિરાજમાન થયા.

 

                              દિશાબેન ટીવી પાસે બેસી હાઇલાઇટ્સ જોવા લાગ્યા અને કેવી રીતે મેચ પૂરી થઈ એ જાણવામાં તલ્લીન બન્યા. તેમણે ટીવીમાં પરોવાયા હતા. રમીલાબેને એમને અંદર આવવા કહ્યું. દિશાબેનના નસીબમાં હાઈલાઈટ્સ જોવાનું પણ નહીં લખ્યું હોય. તેમણે કક્ષ તરફ ગયા અને બારણાં પાસે જ બેસ્યા. ટીવી ચાલુ રહ્યું. મેજ પર પડેલી ડીશમાં ભજીયા પડ્યા રહ્યા.

 

                              નિશાંત મેજ તરફ ગયો અને એક ભજિયું ઉઠાવ્યું. દિશાબેન તેને જોઈ રહ્યા. નિશાંતે નજર નમાવી તેમનો આભાર માન્યો. તેમણે કૃત્રિમ હાસ્ય વેરયું. નિશાંત અગાસી પર ચાલ્યો ગયો. પાળીના ટેકે ઊભા રહી, આકાશમાં ફૂટી રહેલા રોકેટની સિનેરી જોઈ રહ્યો.

 

*

 (ક્રમશ:)

 

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૪)

 

(છેલ્લો એક મહિનો બાકી)

 

                              એ દિવસે ધીરેનભાઈ અને નિશાંત સાથે ચા-નાસ્તો કરવા બેઠા હતા. ધીરેનભાઈ ગ્રીન ટી ફૂંક મારી ઠારી રહ્યા હતા. નિશાંતને મોડુ થતું હતું તો તે ફટાફટ ગ્રીન ટી પી ગયો.

“હું જાવ છું. સાંજે મળીએ.” ઊભા થતાં બોલ્યો અને મોરિ પાસે ગયો. પાણીથી મગ સાફ કરી, પાણી સોંસરવો કાઢ્યો. તેના ફોનમાં કોલ આવી રહ્યો હતો. ફટાફટ હાથ લૂંછી, ફોન પર વાત કરતાં કરતાં મગ રસોડામાં મૂકવા ચાલ્યો.

 

                              ધીરેનભાઈ ધ્યાનથી તેને જોઈ રહ્યા હતા. નિશાંત વાત કરતાં-કરતાં તેના કક્ષમાં ચાલ્યો, પછી ત્યાંથી બેગ લઈ ઓફિસ જવા નીકળી ગયો. એ ગયો એટલે ધીરેનભાઈ બૂમ પાડી બોલ્યા:”લ્યો હાલો, સા ‘ને થેપલા આવવા દ્યો...”કહી ગ્રીન ટી બાજુમાં સરકાવી. આ ખેલ ઘરના રોજ જોતાં. એમાં પણ બંને જો સાથે ચા-નાસ્તો કરવા બેસતા ત્યારે ધીરેનભાઈએ ગ્રીન ટી પીવાનું નાટક કરવું પડતું. બાકી એમને નામથી પણ ગ્રીન ટી ભાવતી ન હતી. ૩ રકાબી ચા અને પાંચ થેપલા આરોગી તેમણે દુકાન જવા તૈયાર થયા.

 

                              સાંજે રોજની જેમ નિશાંત બધા કરતાં પહેલા કામેથી આવ્યો. ફ્રેશ થઈ તે શાલકીના કક્ષ પાસે ગયો. શાલકી ભણી રહી હતી. બારણે ટકોરા સાંભળી તે દરવાજે આવી.

“શું કરે છે?” નિશાંતે પૂછ્યું.

“વાંચું સુ.”

“બરાબર. એમ.સી.એ. લાસ્ટ યરમાં છો ને તું?”

"હા.”

“ગૂડ. મેં ડેટા એનાલિસિસ કર્યું છે.”

“મને ખ્યાલ સે.”

“જો તારે એમાં અથવા જાવા કે બીજી કોઈ લેન્ગ્વેજમાં કઈ મદદ જોઈતી હોય તો મને કહી શકે છે.”

“અંહા!”

“યસ.”

“એક્સલ ડેટા સાઇટમાં ઉતારવાનો ટ્રાય કરું સુ પણ સી.એમ.ડી. કીપ થ્રોવિંગ એન એરર!”

“દેખાડ.”

શાલકીએ તેનો ચોપડો બતાવ્યો. એમાં કોડિંગ બધુ હાથથી લખ્યું હતું.

“Are you kidding me?(તું મારી સાથે મજાક કરી રહી છું?)” કહી તે હસ્યો.

“નો યાર. Please don’t laugh. I have a good reason for that.” (મહેરબાની કરીને હસીસ નહીં, એના માટે મારી પાસે વ્યાજબી કારણ છે)

“Oh, Is it? May I know it?” (અચ્છા એમ? હું જાણી શકું?)

“No. પે’લા ક્યો સી.એમ.ડી. એરર કેમ આલે સે?”

“તું બેચલરમાં ભણતી હોવ એમ કરે છે યાર. કઈ લેન્ગ્વેજ યુઝ કરે?”

“જાવા.”

“તો એમાં ટ્રાય કર. એડમીન પેજ બનાવ. બાર્સ અને ફંક્શન ટૂલ સેટપ કર. મેઇન બોડીમાં હાઇપર લિન્ક મૂક અને પછી ઇન ઓર્ડર ઓફ ડેટા પુટ ઇન ધી એડમીન પેજ. ઈટ વિલ રિફલેક્ટ ઇન યોર પેજ બોડી.” નિશાંત ટેકનિકલ ભાષામાં તેને સમજાવી રહ્યો હતો. થોડું ઘણું શાલકીને સમજાયું. બાકી બાઉન્સ ગયું. તેણે કહ્યું:” મને પીસીમાં સમજાવો.”

“સ્યોર. તારું પીસી ચાલુ કર...” તે અંદર આવ્યો. કંપયુટરમાં Windows XP સિસ્ટમ હતી. પી.સી. ચાલુ થયું તેમાં યુઝર નેમ સુરભિ લખ્યું હતું. શાલકીએ પાસવર્ડ નાખી કંપયુટર ચાલુ કર્યું. ડેસ્કટોપ પર સુરભિનો ફોટો હતો. નિશાંતને ખ્યાલ આવી ગયો કેમ શાલકીએ કોડિંગ નોટબુકમાં કર્યું હતું. તેના રૂમમાં એને કમફરટેબલ લાગી રહ્યું હતું. તે બોલ્યો:”રે’વા દે. મારા લેપટોપમાં ટ્રાય કરીએ. મારી પાસું નવું વર્ઝન છે જાવાનું. ઇનો એક્સપિરિયન્સ તું કરી જો...”

“સારું.”

 

                              બંને નિશાંતના કક્ષમાં ગયા. તેઓ પલંગને ટેકે ફરસ પર બેઠા. લેપટોપ ચાલુ થઈ રહ્યું રહ્યું હતું, દરમિયાન શાલકી બોલી:”અરે...”

“શું થયું?”

“મારી ફાઇલ મારા પીસીમાં સે, ઈના વગર કેમનું કરીશું?”

“મેઈલ કરી દે મને.”

“એના કરતાં મારી પાસે પેન ડ્રાઈવ સે, હું એમાં લેતી આવું.” કહેતા તે ઊભી થઈ અને બ્હાર ચાલી ગઈ.

 

                              પાંચ કે સાત મિનિટ બાદ તે આવી. પેન ડ્રાઈવમાંથી ફાઇલ લેપટોપમાં લઈ નિશાંત તેનું કોડિંગ વાંચવા લાગ્યો. દરમિયાન સિક્યોરિટી અડ્રેસ, સેફ પાસ અને વેબ સિક્યોરિટી અંગે શાલકી પૂછી રહી હતી. નિશાંત તેને જવાબ આપતો રહેતો સાથે સાથે તેના કોડિંગમાં ઘણી ભૂલો હતી, એ સુધારી રહ્યો હતો. તેણે કોડિંગમાં ક્યાં કયો ફોર્મ્યુલા મૂકવો જોઈએ. એ સમજાવ્યું. એટલું કરતાં કરતાં ૮:૦૦ વાગી ગયા. જમવાનો સમય થયો. તેમણે જમવાની બ્રેક પાડી.

 

                              પ્રથમ દિવસ જેમ આજે નિશાંત-ધીરેનભાઈ પાસે જમવા બેઠા હતા. સામે સિદ્ધાર્થ, સુરભિ, શાલકી અને દિનકરરાવ બેઠા હતા. નિશાંતને ખબર નહીં શું સૂઝયું, તે બોલ્યો:“મારે શાલકી સાથે એક રાત સાથે રહેવું છે.”

શાલકીએ ચમચી થાળીમાં મૂકી દીધી અને ગંભીર નજરે તેને જોઈ રહી.

“હેં? હુ બોયલા?” ધીરેનભાઈએ કહ્યું. બધા નિશાંતને જોઈ રહ્યા.

“ગભરાશો મા. એવો કોઈ ઇરાદો નથી મારો. બસ, એકબીજાને વધુ સારી રીતે જાણવા, નજીક આવવા માટે.”

“તે આ બોવ નજીક નથી આવી રયા તમે?”સિદ્ધાર્થે કહ્યું.

“તો કઈ ખોટું છે એમાં?” નિશાંતે પૂછ્યું. સૌ ચૂપ થઈ ગયા.

 

                              જ્યાં સુધી કઈ કરે નહીં, ત્યાં સુધી ધીરેનભાઈને કોઈ વાંધો ન હતો, તેમણે મંજૂરી આપી. શાલકીને વિશ્વાસ ન હતો આવતો કે તેના પપ્પા આ બાબત માટે પરવાનગી આપશે. તેમણે વિશ્વાસ મુક્તા કહ્યું:

“હું કોણ તમારી જિંદગીને કાબુમાં રાખવા વારો? તમે બંને પરિપક્વ સો અને જાણો સો તમારા માટે હુ હારુ અને હુ ખરાબ પણ આના કોઈ ખોટા પરિણામો આયવા તો તકલીફ ઊભી થાશે.”

“એવું નય થાવા દવ. એમ પણ અમે કદાચ એનું કામ જ કરવાના છીએ લેપટોપમાં. એ વહેલા પત્શે તો વાતું કરીશું. ‘ને મોડા પત્શે તો એ એના રૂમમાં જઈને ઊંઘી જશે.” નિશાંતે કહ્યું.

“હારુ.” ધીરેનભાઈએ કહ્યું.

 

                              જમી પરવારી બધા ઊભા થયા. થાળી સૌએ મોરિમાં મૂકી. હીંચકા પર ધીરેનભાઈ-સિદ્ધાર્થ ગોઠવાયા. બાજુમાં દિનકરરાવ આરામથી બેસ્યા. નિશાંત તેના કક્ષ બાજુ ચાલ્યો. તે જઈ રહ્યો હતો ત્યારે ધીરેનભાઈએ પૂછ્યું:

“સેટલા વાગે પયત્શે તમારું કામ?”

“કામ તો કલાકમાં પતી જાશે પણ અમારે વાર લાગશે.” નિશાંત બોલ્યો.

 

                              મોરિ પાસે ઊભી ઊભી શાલકી સાંભળી રહી હતી, તેના મનમાં આવો જવાબ સાંભળી ધ્રાસ્કો પડ્યો. કે હમણાં પપ્પા ખીજાશે પણ અગાઉ પરવાનગી મળી ગઈ હતી, જે જવાબ મળ્યો એની સામે તેમણે મૂંગા થઈ ગયા અને ફાકી બનાવા લાગ્યા.

 

                              નિશાંત થાકી ગયો હતો. પોતાના માટે સાચા જીવનસાથીની પસંદગી કરવા માટે કરવી પડતી આ જહેમતમાં મગજ ઘસવું પડતું હતું. તે આ ઘરના લોકો કરતાં જુદો હતો, તેના વિચારો અલગ હતા. તે બધાની રહેણીકરણીમાં ફર્ક હતો. ક્યાં સુધી આ બધુ સહન કરવું પડશે? એમ વિચારતા તે પલંગ પર પડ્યો અને આંખો બંધ કરી તર્ક-વિચારણામાં ગૂંથવાયો.

 

                              અર્ધો કલાક વીતી ગયો. તેના કક્ષમાં અંધારું હતું. માણસની કાયા જેવુ પલંગ પર દેખાઈ આવે એટલો આછો પ્રકાશ બારીમાંથી પથારી પર પડી રહ્યો હતો. તેને લાગ્યું શાલકી નહીં આવે. ભૂલ કદાચ મારી જ હતી. મારે પૂછી જોવું હતું એને કે તે રાતે એમ આવવા રાજી થશે કે નહીં? જોકે, એનું કામ જ પતાવાનું હતું તો કેમ ન આવી? કદાચ, આ કુટુંબમાં બધાની માનસિકતા એવી હશે? તેને એવો વિચાર આવ્યો. ઊઠીને તે એકી કરવા બ્હાર ચાલ્યો. પરસાળમાં ધીરેનભાઈ અને દિનકરરાવ હીંચકા બાજુ વાતો કરી રહ્યા હતા. સિદ્ધાર્થ ઉપર તેના કક્ષમાં ચાલ્યો ગયો હતો.

 

                              રમીલાબેન-કાજલબેન તેમના કક્ષમાં વાતો કરી રહ્યા હતા. શાલકીના કક્ષનો દરવાજો બંધ હતો.

 

                              રાતે સવા દશ વાગતા દિનકરરાવ અને ધીરેનભાઈ પણ સુવા માટે જતાં રહ્યા. રમીલાબેન-કાજલબેન બાકીની વાતો કાલ માટે બાકી રાખી સુવાની તૈયારી શરૂ કરી. બધા જતાં રહ્યા ત્યારે શાલકીએ દરવાજા બ્હાર ડોકાચીયું નાખી ખરાઈ કરી કોઈ પરસાળમાં છે કે નહીં? કોઈને બ્હાર ન ભાળતા અવાજ કર્યા વગર, હાથમાં નોટ-પેન અને DBMS નામની જાડી ચોપડી લઈ રસોડામાં ગઈ. ચવાણું-વેફરનો એક વાટકો ભર્યો, રેફ્રીજરેટરમાંથી જ્યુસના જગમાંથી એક લોટો જ્યુસ ભર્યો. પાણીની બોટલ લીધી. ચોપડા, વાટકો, લોટો અને પાણીની બોટલ લઈ તે સાવચેતીથી નિશાંતના કક્ષ તરફ ગઈ. તેણે દરવાજો હળવેથી ખખડાવ્યો.

 

                              નિશાંત સૂઈ ગયો હતો. શાલકીએ ફરી ટકોરા માર્યા. નિશાંતને અવાજ સંભળાયો પણ તે ઘેનમાં હતો. શાલકીએ દરવાજનું કમાડ અંદર સહેજ જતું જોયું. મતલબ કે દરવાજો બંધ ન હતો. અચાનક ઊંઘમાંથી નિશાંત ઝપક્યો અને બોલ્યો:”શાલકી આવવાની છે!” તે સફાળો બેઠો થયો. દરવાજો ઉઘાડી શાલકી અંદર પ્રવેશી, નીચે લોટો મૂકી, દરવાજો આડો કરી, લાઇટ ચાલુ કરી. એકાએક લાઇટ ચાલુ થતાં નિશાંતની આંખો બંધ થઈ ગઈ. આંખ ઝીણી કરી તેણે શાલકી સામે જોયું. નાઇટી અને ટી-શર્ટ તેણે પહેરી હતી. થોડી થોડી બોડી સ્પ્રેની ખુશ્બુ આવી રહી હતી. તેણે વાળ બાંધ્યા હતા પણ એવી રીતે બાંધ્યા હતા કે બંને બાજુ થોડા વાળ છૂટા રહે. એવી સ્ટાઇલથી તે આકર્ષક લાગી રહી હતી. તેણે આંખોમાં કાજળ લગાવ્યું હતું અને હોઠ પર લિપસ્ટિક લગાવી હતી. લાગતું હતું તે નિશાંત માટે તૈયાર થઈ હશે. તેના હાથમાં ચોપડા અને વાટકો હતો.

“ઊંઘી ગ્યાં’તા?” તેણે પૂછ્યું.

“તારી વાટ જોતો’તો, થોડીવાર આડો પયડો તો ક્યારે આંખ લાગી ગય ખબર જ નો પયડી... આવ ને અંદર, આવ.”

 

                              શાલકી અંદર આવી. જ્યાં પહેલા બેઠા હતા ત્યાં ફરી બંને ફરસ પર બેઠા. નિશાંત તેના હોઠ તરફ જોઈ રહ્યો હતો. તેના લાલ હોઠ નિશાંતને તેની તરફ સંમોહિત કરી રહ્યા હતા. વારેઘડીયે તે શાલકીના હોઠ તરફ જોઈ રહ્યો હતો. તેણે લેપટોપ ચાલુ કર્યું. સિસ્ટમ ચાલુ થઈ રહી હતી. બંને સિસ્ટમ ચાલુ થાય તેની પ્રતિક્ષા કરવા લાગ્યા. ખૂબ જ કમજોર અવસ્થા હતી. નિશાંત માટે ન રહેવાય કે ન સહેવાય એવી પરિસ્થિતી હતી. શાલકીનું ધ્યાન ગયું તેના પર કે નિશાંત વારે ઘડીએ તેની સામે જોઈ રહ્યો છે. નિશાંત તેની ડાબી કોર બેઠો હતો. માટે તેને શાલકીનો ડાબો ગાલ દેખાઈ રહ્યો હતો. શાલકી લેપટોપમાં લોડીંગ સ્ક્રીન જોઈ રહી હતી.

 

                              નિશાંતને તેનો સંપૂર્ણ ચહેરો જોવો હતો. આ તરફથી તો પૂરા હોઠ પણ દેખાઈ ન હતા રહ્યા. તેણે વિચાર કરી જોયો. આમ, અર્ધી રાતે તૈયાર થઈ મારા રૂમમાં આવવાનો અર્થ શું? અને એ પણ નાસ્તો ‘ને જ્યુશ લઈને આવી છે. કોડિંગ પતાવતા કલાક થાય મેક્સિમમ. તો નાસ્તો રાત માટે લાવી હયશે? ‘ને મેકઅપ કેમ કર્યો એણે? મારા માટે? જો મારા માટે કર્યો હોય તો મારે કોમેન્ટ આપવી જોઈએ. યાર... હું અર્ધો ઊંઘમાં હતો, તો એને સરખી રીતે જોઈ ન શક્યો. એક હાથથી તેણે પુસ્તકો છાતીએ ચાંપી પાછળ દુનિયાની બે નરમ માયા દબાવી રાખી હતી. એના લીધે તેના વક્ષનો આકાર ઉપરથી વધારે ઘટ્ટ બન્યો હતો. મારી સામે જે નિર્દોષતાથી તે જોઈ રહી ત્યારે થયું કે એને વળગીને બથ ભરી લઉં પણ ત્યારે એકાએક તે આવી ગઈ તો કઈ સૂઝયું નહીં. અત્યારે એવું કરું?

 

                              નિશાંત જાત સાથે આ બધી ચર્ચા કરી રહ્યો હતો, ત્યારે તેની નજરો શાલકીના વક્ષથી તેના હોઠ સુધી પહોંચી હતી. ત્યાં જ અટકેલી આંખોથી શાલકીને ખ્યાલ આવ્યો નિશાંત તેની સામે જોઈ રહ્યો છે. કમ્પયુટર સિસ્ટમ ચાલુ થઈ પણ નિશાંતની સિસ્ટમ શાલકીના હોઠ પર અટકી હતી. શાલકીએ ડોકું ડાબી કોર ફેરવી તેની સામે જોયું. હવે, નિશાંતને તેનો સંપૂર્ણ ચહેરો દેખાઈ રહ્યો હતો. શાલકી વિચારો અને સવાલોના વિમાસણમાં ઘેરાઈ હતી. શું ચાલી રહ્યું છે? નિશાંત કેમ આમ તેને જોઈ રહ્યો છે? શું કરવું જોઈએ? એવી કઈ સૂઝ તેને ન પડી. તે એની આંખોમાં જોઈ રહી. બે ઘડી બંને થંભી ગયા. શાલકીનો ચહેરો ગંભીર થયો. નિશાંત કેમ આમ વિચિત્ર રીતે તેને જોઈ રહ્યો હતો? આવી રીતે ક્યારેય તે મારી સામે જોઈ રહેતો ન હતો. આજે શું હતું? તેને પ્રશ્નો થયા, જે નેણ ઊંચા કરી પૂછ્યું:”શું?”

 

                              તેને ખ્યાલ આવ્યો કે આમ ન જોઈ રહેવાય. તેણે માથું નકાર્યું. લેપટોપ ચાલુ થઈ ગયું છે, એવું ભાન પડતાં તે પ્રોગ્રામ ખોલવા લાગ્યો. શાલકી પણ લેપટોપની સ્ક્રીન સામે જોઈ રહી. પ્રોગ્રામ ખૂલતાં અર્ધી એક મિનિટ લાગવાની હતી. ફરી બંને વેઇટ કરવા લાગ્યા. નિશાંતથી રહેવાતું ન હતું. શાલકી તેની પાસે બેસી હતી અને તેના દેહમાંથી અત્યંત ઉત્તેજક ખુશ્બુ આવી રહી હતી. ઊંડો શ્વાસ ભરી ઉતારી શકાય એટલી તેની ખુશ્બુ પોતાની અંદર ઉતારવાનો નિશાંતે પ્રયત્ન કર્યો અને છેવટે મૌન તોડ્યું:

“જો મેં આવું કઈ...”

“હું ચવા...”

 

                              બંને એક સાથે બોલ્યા. તો ખ્યાલ ન આવ્યો કે સામેવાળી વ્યક્તિ શું બોલી?

“શું? બોલ.”

“હા, બોલો” શાલકીએ કહ્યું.

“તું કહી દે, શું કે’વું છે તારે?”

“કાંય નૈ, એમ કે’તી’તી કે’ હું ચવાણું અને વેફર લાવીસુ.”

“ઓકે.”

“તમે હું કેતા’તા.”

“જો મેં આવું કઈ વિચાર્યું ન હતું કે મારૂ કઈ પ્લાનિંગ ન હતું. આ તો તું આમ તૈયાર થઈને આવી એટલે મારે કરવું પયડશે.”

“હુ હું કરવું પયડશે?”

“હુ આ બાબત સગાઈ પહેલા લાવવા જ ન હતો માંગતો.”

“ચૈ વાત? હુ ક્યો સો? એટ્...”

 

                              શાલકી બોલી રહી હતી ત્યાં નિશાંતે તેના હોઠ પર હોઠ મૂકી દીધા. અચાનક નિશાંતે અપનાવેલા આ વલણથી તે મુગ્ધ થઈ ગઈ. તેની આંખો મોટી થઈ અને બે ઘડી બાદ ઝીણી થઈ, બંધ થઈ. નિશાંતે તેના ગાલે હાથ મૂકી એના હોઠનું રસપાન કરી રહ્યો હોય એમ તેના હોઠ શાલકીના હોઠ સાથે ઉપર-નીચે થઈ રહ્યા હતા. શાલકીએ થોડું તેનું મુખ ખોલ્યું. નિશાંતે જીભ અંદર જવા દીધી. નિશાંતનો હાથ તેના ગાલ પરથી નીચે ગરદન પર ઉતર્યો અને પછી તેના સ્તન પર અટક્યો. શાલકી તેને ચુંબન કરતી અટકી.

 

                              તેણે આંખો ખોલી નિશાંત સામે જોયું. નિશાંત થોભયો. તેણે શાલકીની આંખોમાં જોયું. આપોઆપ તેનો હાથ શાલકીના ઉર:સ્થળથી હટયો. તે નિશાંત સામે જોઈ બોલી:

“આપણે હુ કરી રયા સી?”

“આવું કશું થશે એ મેં વિચાર્યું નો’તુ. તારી વાત સાચી છે. આવું ન કરવું જોઈએ.”

“મેં ચ્યારે કીધું એવું?”

“તો, તારી શી ઈચ્છા છે?”

“મેં ના નથી પાયડી કાંય.” શરમાતા શાલકી બોલી. નિશાંત તેની સામે જોઈ રહ્યો.

“ના, ખરાબ આઇડિયા છે. આપણે બીજી એક વસ્તુ કરી શકીએ...”

“હુ?”

“DBMS (Database management system) માંથી જાવા શીખી તારું કોડિંગ સુધારીએ.” કહેતા તેણે શાલકી લાવી એ પુસ્તક બતાવ્યુ.

“ઓકે.” શાલકી એટલું બોલી.

 

                              નિશાંત હસ્યો અને લેપટોપમાં શાલકીની ફાઇલ ઓપન કરી. તે ચૂપચાપ સ્ક્રીન સામે જોઈ રહી. નિશાંતની સમજાવાની પદ્ધતિ ઘણી સરળ હતી. અર્ધા કલાકમાં એડમીન પેજ બનાવી સાઇટનું સ્ટ્રક્ચર ઊભું કરી દીધું. તેણે કોડિંગ સુધારી હાઇપર લિન્ક સેટ કરી આપી. પોણા કલાકમાં બધુ કામ પૂરું થઈ ગયું. બાદમાં નિશાંતે શાલકીને મહાવરા માટે નવું પેજ બનાવા લેપટોપ આપ્યું અને એડમીન પેજ અને હાઇપર લિન્ક મૂકવા જણાવ્યુ. શાલકી કોડિંગ કરવા લાગી.

 

                    દરમિયાન બંનેએ માસ્ટર્સ અને કોલેજ દરમિયાન થયેલા અનુભવો એકબીજા સાથે શેર કર્યા. એમ કરતાં કરતાં બીજો એક કલાક વીતી ગયો. શાલકીએ બેઝિક સ્ટ્રક્ચર બનાવી નાખ્યું. ડેટા ફિલ અપ કરવાનો બાકી હતો. જે પરિશ્રમ માંગે તેવું કામ હતું. બેઝિક સ્ટ્રક્ચર અને કોડિંગ તે નિખિલને બતાવા લાગી. કોડિંગની પેટર્ન જોઈને જ તેને ખ્યાલ આવી ગયો કોઈ ભૂલ નહીં હોય. છતાં, તેણે શાલકીને કોડિંગ એક્સપ્લેન કરવા દીધું. દરમિયાન તે શાલકીની સામે જોઈ રહ્યો અને વિચારતો રહ્યો:ખરેખર આ છોકરીમાં અડેપ્શન પાવર ગજબનો છે. એક વાર સમજાવ્યું અને બધુ પોઈન્ટ ટૂ પોઈન્ટ સમજી ગઈ એન્ડ ધ વે શી એક્ષ્પ્લેઇન યાર... ક્વાઇટ લાઈક એન પ્રોફેશનલ! શી ડિસર્વ્સ અ જોબ ઇન માય કંપની... એન્ડ શી ઈઝ સો બ્યુટીફુલ.(એક વ્યાવસાયિક માણસની જેમ તે સમજાવી રહી છે યાર, તે મારી કંપનીમાં નોકરી કરવાને લાયક છે અને તે કેટલી સુંદર દેખાય છે.)

 

                              તે સમજાવી રહી હતી દરમિયાન નિશાંતના ચહેરા પર હાસ્ય તરી આવ્યું. તે સ્મિત કરતાં શાલકીને જોઈ રહ્યો હતો. શાલકીએ તેની સામે જોયું. નિશાંતના ચહેરા પર હાસ્ય જોતાં તે બોલતી બંધ થઈ. તેણે પૂછ્યું:“વોટ?” (શું?)

“નથિંગ?”(કઈ નહીં)

“ધેન વ્હાય આર યુ લાફિંગ? એમ આઈ એક્ષ્પ્લેનિંગ ઇન રોંગ વે? (તો પછી કેમ તમે હસી રહ્યા છો? હુ કઈ ખોટું સમજાવી રહી છું?) તે અંગ્રેજીમાં તેનું કોડિંગ સમજાવી રહી હતી માટે અંગ્રેજીમાં વાત કરવા લાગી.

“ઇટ્સ જસ્ટ... I didn’t have taught anyone after college. યુ લુક ગૂડ, અટ્રેકટીવ.”(એ તો એમ જ, મેં મારી કોલેજ પછી કોઈને ભણાવ્યું નથી. તું સારી લાગુ છું, આકર્ષક.)

“શટ અપ યાર, યુ મેકિંગ મી અનકન્ફર્ટેબલ.” (ચૂપ થાવ યાર, તમે મને બેચેન કરી રહ્યા છો.)

“માફી પણ હુ તને જોયા વગર રહી ન શક્યો. તારું કોડિંગ બરાબર છે. હુ તારી પેન ડ્રાઈવમાં બંને ફાઇલ કોપી મારી દવ છું, તું શાંતિથી ફાઇલમાં ડેટા ફિલ કરી દેજે અથવા જૂની ફાઇલ તૈયાર છે. એ પણ યુઝ કરી શકે છે.” કહેતા નિશાંત લેપટોપમાંથી પેન ડ્રાઈવમાં ફાઇલ કોપી મારવા લાગ્યો.

“તમે સારું વેબપેજ બનાયવું. થેન્ક યુ સો મચ!” શાલકીએ જણાવ્યુ.

“ઓકે. વેલકમ.”

 

                              નિશાંતે પેન ડ્રાઈવ આપી ઊભો થયો. શાલકી પણ ઊભી થઈ આભાર માન્યો. પછી બે ઘડી એમ જ બંને ઊભા રહ્યા. બે ક્ષણ બાદ શાલકી તેના બેડ પર ચઢી અને બારી પાસે ગઈ. માથું નમાવી આકાશમાં ઉભેલા ચંદ્રને નીરખવાનો પ્રયત્ન કર્યો. તે બોલી:

“મને ઘરમાં આ રૂમ બોવ ગમતો.”

“એવું કેમ?”

“જોવોની, કેવું સરસ વાતાવરણ સે. બારે આકાશમાં ચાંદો આયાંથી સરસ દેખાયસ.”

“બરાબર.”

“અમારા રૂમમાં એક બારી સે પણ ન્યાં સુરભિ હુવે સે.” કહેતા તે સીધી ફરી, પલંગ પર બેસી.

“બરાબર.” નિશાંત બોલ્યો અને બાજુમાંથી ખુરશી ખેંચી પાસે બેઠો.

“hmm… તમારી કંપની હુ કરે સે?”

“DDoS.”

“ઈ હુ વળી?”

“લ્યો બોલો, આમને DDoS નથી ખબર. હુ BCA ભયણા તમે?”

“નથી એવું કાંય આયવું અમારે ભણવામાં.” શાલકીએ જણાવ્યુ.

“મારી કંપની સર્વિસ પ્રોવાઇડર છે, DDoS એટલે ‘Distributed denial of service attacks’ બે વર્ષ પહેલા ૨૦૦૮માં આખું માર્કેટ ડાઉન થઈ ગયું હતું. સૌને લાગ્યું યુએસના લીધે ગ્લોબલી મંદી આયવી છે, જે સાચું હતું પણ બીજું એક કારણ હતું, જે કોઈપણ દેશની સરકારે બ્હાર નહીં પડવા દેવાના પૂરતા પ્રયત્ન કયરા હતા.

 

                              બીજું કારણ માર્કેટ કોલેપ્સ થવાનું એ હતું કે ઈટલી દેશમાં કો’ક હેકરે ‘ટ્રોજન_ઓ_વન’ નામનો વાઇરસ ઇન્ટરનેટ પર ફરતો કયરો હતો. જે બધા નેટવર્કમાં આઈ ગયો હતો. ૨ અથવા 3 દીવસમાં વાઇરસ દુનિયાના ઓલમોસ્ટ બધા દેશમાં ઘૂસી ગયો. ધીમે ધીમે SE(સ્ટોક એક્સચેન્જ) અને અન્ય ગવર્નમેંટ વેબસાઇટને પણ અફેક્ટ થવા લાયગો. ઓલરેડી યુએસ ઈન્વેસ્ટર્સ બેન્કોનું દેવાળું ફૂંકાય ગયું હતું. જેની પાછળ મોર્ગેજ બેન્ક્સ અને રીઅલ એસ્ટેટ જવાબદાર હતા. દુનિયાની સૌથી સ્ટ્રોંગ અને મહાકાય ઓર્ગેનાઇઝેશન જેવી કે AIG અને લેહમેન બ્રધર્શ બેન્ક બિલિયન્સ ઓફ ડોલર્સના દેવા હેઠે આયવી ગ્યાં, જેની અસર ગ્લોબલ ઈકોનોમી પર થાવા લાગી. યુ.એસ.એ ડેમેજ રોકવા AIGને ૮૫ બિલિયનની મદદ કયરી. જ્યારે AIG ૯૦ બિલિયનના દેવામાં હતી. બીજી તરફ લેહમેન બ્રધર્શને એમના હાલ પર મૂકી દીધા. જેના લીધે ઓલ ઓવર ધી વર્લ્ડ બધી બેંકોએ સફર(suffer) કરવું પયડું.

 

                              જો યુ.એસ. સરકારે AIG અને લેહમેન બ્રધર્શ વચ્ચે ઈક્વલ પૈસા આયપ્યા હોત તો એટલીસ લેહમેન બ્રધર્શ ક્લોઝ નો થાત. બીજી કોઈ બેન્ક કદાચ મદદ કરત અથવા તો અન્ય બેન્ક એક્વાયર કરી લેત પણ જ્યારે સરકારે જ હાથ નો ઝાયલો તો અન્ય બેન્ક શું કામ રસ લે? અંતે એક સદીથી વધારે સમયથી ચાલી આવી રહેલી લેહમેન બ્રધર્શ પર તાળું લાયગું. બેન્કે બેંકરપ્સી જાહેર કરવી પયડી અને ૨૫,૦૦૦ જેટલા લોકોએ રોજગાર ખોયો. જસ્ટ વિચાર કર દુનિયાની સ્ટ્રોંગેસ્ટ કન્ટ્રીની વન ઓફ ધી સ્ટ્રોંગેસ્ટ બેન્ક કે જે વર્લ્ડ વોર ૧, વર્લ્ડ વોર ૨ એન્ડ ગ્રેટ ડિપ્રેશન ઓફ ૧૯૨૯ બધુય સહજતાથી પસાર કયરું, એ ૨૦૦૭ના સ્લોડાઉનમાં ઉઠી ગઈ. જો યુએસની આવી હાલત હોય તો બીજા દેશોની શું દશા થઈ હયશે?

 

                              પ્રધાનમંત્રી મનમોહનસિંહએ યુ.એસ.ની આર્થિક ભયાનકતાની અસર આપડા પર પડે નહીં એના પૂરતા પ્રયત્ન કયરા. બીજા ફેક્ટર્સમાં જોકે એટલી ઝાઝી અસર નો’તી દેખાણી પણ સ્ટોક માર્કેટમાં ધરખમ ગાબડું પયડું. જેવુ અમેરિકાની બેન્ક સાફ થઈ ગઈ એવા ન્યૂઝ આયવા, આપણાં ન્યાં પણ લોકોને બેન્કો પરથી ભરોસો ઉઠી ગ્યો. બેન્કના શેર્સ નીચે જાવા લાયગા. ઓછામાં પૂરું વાઇરસ હરકતમાં આવવા લાયગો’તો, ઓછા લોકો ડેટા સિક્યોરિટીમાં માનતા. વાઇરસના કારણે સાઇટ બધી સ્લો ચાલવા લાગી. સ્ટોક્સના રેટ એ જ જગ્યાએ સ્થિર બતાવતો. જ્યારે લોકો બીજા દિવસે સેમ રેટ જોતાં તો સ્ટોક્સ ઇન-આઉટ કરતાં, ત્રીજા દિવસે જૂનો રેટ અલગ દેખાડતો. તો ડિમેટમાં રિફલેક્ટ થાતાં પહેલા ભાવ ચેન્જ થઈ જાતો’તો.

 

                              બધાને એમ હતું આમાં કે NYSE(New York Stock Exchange)ની વૈશ્વિક મંદી માર્કેટ પાયડી રયું છે. જ્યારે ટ્રોજન_ઓ_વન વિશ્વના ૮૦% દેશની સરકારી વેબસાઇટ્સમાં ઘૂસી ગયો હતો. જેના કારણે પણ બધા રાષ્ટ્રોની ઈકોનોમી ડાઉન થઈ રહી હતી. જો પબ્લિકને ખબર પયડે કે સરકારી વેબસાઇટમાં ઘૂસેલા વાઇરસના લીધે આ લોચો થયો છે તો સરકાર બોવ મોટી મુશ્કેલીમાં મુકાય. પબ્લિક વળતર માંગે પરંતુ લોકોને પહેલાથી જ NYSE-ગ્લોબલ રિસેશન પર વહેમ હતો. માટે એમ જ રે’વા દીધું. અમેરિકા, ચાઈના અને જાપાન જેવા દેશોએ ઇન્ટરનેટ બ્રિચિંગમાં પોતાની કોડિંગ બારેની ફાઇલ એક્સેસ નો કરે એવું સૉફ્ટવેર બનાયવું. જેને આપણે ‘એન્ટિ-વાઇરસ’ તરીકે જાણીએ સી.

 

                              એન્ટિ-વાઇરસ બેઝિકલી ડેટા એનાલિસિસ કરે છે. મળી રહેલા ડેટામાં કોઈ થ્રેટ કે વાઇરસ નથ ને? મતલબ કોડિંગમાં મૂકેલી ફાઇલ સિવાય અન્ય પર્ટીક્યુલર ફાઇલ/એક્ષટેન્સન એક્સેસ થાવા જાશે તો સિસ્ટમ એને ઘૂસવા નય ધ્યે. જેને સિક્યોરિટી ફાયરવોલ કે’વાય છે. વાઇરસ વાળી વાત મને મારા અમેરિકાના મિત્ર પાસેથી જાણવા મળી. જેને હું કોલેજમાં કોડિંગ શીખવાડતો હતો. તેણે રિસ્ક લઈ બધા પૈસા ફાયરવોલ બનાવામાં લગાવી દીધા અને અમેરિકાએ USની બધી ઇન્ટરનેટ લાઇન્સ ફાયરવોલ પ્રોટેકટેડ કરવાનું કાર્ય હાઇ ઈમરજન્સીથી ચાલુ કયરું. ફક્ત પંદર જ દિવસમાં એ માણસ બિલયોનેર બની ગયો. ૩ મહિના તેણે કંપનીમાં કામ કયરું અને પછી રિટાયર્ડ થઈ વેસ્ટ ઈન્ડિઝ બાજુના કોઈ ટાપુ પર સ્થિત થઈ ગયો વિથ ૫૧% ઓફ કંપની રાઇટ્સ.

 

                              ભારત સિવાય અમેરિકા-જાપાન-ચાઈના ફાયરવોલ બનાવી ર્યા’તા. બધી મહાસત્તા કોઈને આ બાબતે કઈ કહી નો’તા ર્યા. કારણ જેટલો સમય ઇન્ટરનેટ ડાઉન રે’વાનુ, એટલો ટાઈમ જે-તે દેશ/મહાસત્તાની ઈકોનોમી પણ નીચે જાવાની હતી. વાસ્તવિકતામાં ત્રણેય દેશોએ રિસર્ચ અને ડેવલપમેન્ટ કયરી પ્રોબ્લમનું સોલ્યુશન લાવી દીધું’તું. અન્ય દેશો સાવ નીચે આવી જાય પસી દેખાડા પૂરતી મદદ કરવાનો અભિનય કરવાના હતા. જેથી નાના દેશોને લોન આયપી પોતાના દેવાદાર બનાવી હકે.

 

                              ભારત સરકાર વર્લ્ડ બેન્ક અને અન્ય દેશો પાસેથી લોન લઈ રહી હતી, જેના આંકડા બ્હાર પાડી રહી ન હતી, માટે આપણાં ન્યાં ૨૦૦૭-૦૮ ગ્લોબલ રિસેસનની ઝાઝી અસર નો’તી દેખાઈ રય. મારા પપ્પાએ જીવનની અડધી કમાણી માર્કેટમાં લગાયવી દીધી હતી. માર્કેટ ક્રેશ થાવાના લીધે બધુ લોસમાં ચાલી ર્યું ‘તું. વધ્યા થોડા ઘરેણાં એ અને મારી પાસે હતા એ બધા પૈસા મેં ‘સેફ શીલ્ડ’ નામની પોતાની કંપની ચાલુ કરવા લગાયવા. પહેલા ગુજરાત સિકયોર કયરું. ડંફાસ નથી ઠોકતો પણ ઓલરેડી સરકારની ગાઈડલાઇંસ હુ જાણતો હતો, અને બહુ સારી રીતે જાણતો હતો કે ટેસ્ટિંગ વગર સરકાર કોઈ સૉફ્ટવેર નહીં લે. તો પહેલા રાજકોટમાં GVCનો કોંટેક્ટ કયરો. કીધું કે’ અમે તમારું સર્વર રીપેર કરી શકીએ સી અને એ પણ ફ્રી માં. એમને આવું ગાજર આયપુ. જેમાં ફિફ્ટી ફિફ્ટી ચાંસ હતા, એમણે કદાચ ના પાયડી શકે પણ GVCએ ગાજર પૈયકડી લીધું.

 

                              અમારા આઈ.ટી. ડિપાર્ટમેંટે કોડિંગ રિસોલ્વ કયરું, ફાયરવોલ મૂકી સર્વર સિકયોર કયરો. સિકયોર કરતાં જ સાઇટ રન કરવા લાગી. વિથાઉટ ટેસ્ટિંગ મારી કંપનીનું સૉફ્ટવેર GVCમાં નાખતા બહુ બધા કોમ્પ્લિકેશંસ ઊભા કરવામાં આયવા અને ઓડિટ બેસાડવામાં આયવી. મારી આઈટી ટિમ ધરખમ હતી. ગાઈડલાઇન્સની અંદર જ અમે ડેટા એનાલિઝ કર્યો હતો. કોઈનો પપ્પો એમાં બ્રિચિંગ ના હોધી હકે એટલું હાઇ લેવલ સિક્યોરિટીનું અમે ધ્યાન રાયખું’તું. બે દિવસ ઓડિટમાં વયા ગ્યા. જાત-જાતની ઓડિટ અને પૂસપરસ અમારા પર થય ‘ને અમે એની તૈયારી રાયખી ‘તી જ. ત્રીજા દિવસે ફરી GVCનું સર્વર ડાઉન થયું. સરકારને અમારી સિક્યોરિટીમાં એક લૂપહોલ મયળી ગ્યું. એમણે અમારૂ એક્સેસ રિમોવ કયરું.

 

                              GVCના આઇ.ટી. હેડને અને તેમના ડિપાર્ટમેંટને ખ્યાલ આવી ગ્યો ફાયરવોલ ડીએક્ટિવ કરવામાં આયવું હોય તો જ એવું બને બાકી કોઈ રીતે સર્વર બે દિવસમાં ડાઉન નો થાય. અમારા એક્સેસ પર ફાઇનલ એક્શન લેવાની બાકી હતી. તે કામ આઇ.ટી. હેડના હાથમાં હતું. જેવુ એણે એક્સેસ હટાયવું અમે ગેમની બ્હાર... પણ એની પહેલા GVCમાં મિટિંગ થઈ. અમારી પાહે કારણ માંયગુ કેમ સર્વર ડાઉન થ્યુ? મારી ટીમે સાફ સાફ જણાવી દીધું. આ સોફ્ટવેર અમે અનોનીમસ(અનામી)કંપનીને વેચવાના છઈ. ડાઇરેક્ટ નેશનલ લેવલ પર. એના માટે ટેસ્ટિંગ તો કરવું પડે ને? અમે ટેસ્ટિંગ GVC પર કરી નાયખું એટલે બસ, પ્રપોઝલ મૂકવાનું જ બાકી રયું.”

“સર્વર કેમનું ડાઉન થયું?” આઇટી હેડએ પૂછ્યું.

“અમે ફાયરવોલ ROMમાં એક્ટિવ કયરું’તું. તો રોમમાં એક્ટિવ કરવાથી હુ થાય તમે જાણો જ સો. તમારો આભાર કે વગર ટેસ્ટિંગે તમે અમારા સૉફ્ટવેરને ટ્રાયલ આયપો. જે સફળ નિવડ્યો છે. ગુજરાત સરકાર અમારું એક્સેસ રિમોવ કયરશે તો ય કાંય વાંધો નય અમારી પાસે બીજા રસ્તા છે.

 

                              જોકે, એવી શક્યતા નહિવત હતી. પ્રાઈવેટ કંપની અમને ચાંસ આપે. કારણ બધી પ્રાઈવેટ નેટવર્ક પ્રોવાઇડર કંપની ફોરેનની છે. તો અમારા સોફ્ટવેરને ગ્રાન્ટ મેળવવા બધા ફેઝિસ માંથી પસાર થાવું પડે. ડોમેસ્ટિકથી મેઇન હેડક્વાટર્સ સુધી પહોંચતા-પહોંચતા વરહ લાગી જાય. ન્યાં હુધીમાં બીજા ૨૦ રસ્તા માર્કેટમાં ઊભા થઈ જાવાના. ખરેખરમાં એવું બયનું પણ. હાલ તો GVCને ગાજર લટકાયવું. જો પકડે તો ઠીક બાકી, ઉઠમણું થાવાનું હતું અમારું...

 

*

 

                              સરકાર પર દબાણ વધી રહ્યું હતું. આ એક એવો ટાઈમ બોમ્બ હતો જે ગમે ત્યારે બ્લાસ્ટ થવાનો હતો. ટીક-ટીક ચાલુ થઈ ગયું હતું. વિશ્વમાં બધા દેશોની આ જ સ્થિતિ હતી. જો સર્વર રીપેર થયા પહેલા લોકોને ખ્યાલ આવે કે વાઇરસના લીધે ઈકોનોમી નમી રહી છે. માર્કેટ નીચે જય રહ્યું છે તો સરકાર પાસે લોકો તેમના પૈસા પાછા માંગવા લાગે પણ જો સર્વર ઠીક કરી દે અને પછી ખબર પડે તો સરકાર પર બ્લેમ આવવાના ચાંસ ઓછા થઈ જાતાં હતા.

 

                              GVC પાસે વિકલ્પ ન’તો બચતો. ઉપરથી પ્રેશર વધી રહ્યું હતું. આમાં હવે GVCના બધા અધિકારીઓની નોકરી જોખમમાં આયવી ગઈ’તી. કારણ જો તેમણે અમારું એક્સેસ રિમોવ કયરે અને આગળ ખબર પડે કે અમે સર્વર સિકયોર કરી હકતા’તા અને અમને રોકવામાં આયવા તો બધા ઉપરી અધિકારીઓને નોકરીમાંથી કાયઢી મૂકવામાં આવી હકે. માટે GVCએ એક્સેસ રિવોક નો કયરું ‘ને આગળ કોન્ટ્રાક્ટ બનાવાની કામગીરી ચાલુ કયરી.

 

                              અમદાવાદથી ૨ અધિકારીઓ આયવા હતા, બોવ ચીકણા હો... એટલી લપ કયરી કોંટ્રેક્ટમાં ચેન્જ લાવવા માટે, ૫૧% પાર્ટનરશિપ માંયગી મારી જોડે, ‘ને એવી વિચિત્ર ડીલ મારી આગળ મુક્તા કે હસવું આવે આપણને પણ અમારી ટિમ અડીખમ રઇ. અમારા CFO(Chief Financial Officer)એ કય દીધું તમે અમારો અને સરકાર બંનેનો ટાઈમ વેસ્ટ કરો છો. છેવટે અમારી મરજીના કોંટ્રેક્ટ સાઇન કરવા ગવર્નમેંટ ઓફ ગુજરાત રાજી થઈ. અમારે પણ થોડા રિસ્ટ્રીક્સન, પોલિસી સાથે અગ્રી થાવું પયડું.

 

                              ગુજરતના બધા ગવર્નમેંટ નેટવર્કમાં ફાયરવોલ લાદવાનો નિર્ણય લેવામાં આયવો. ગાંધીનગરમાં બીજી બ્રાન્ચ નાયખી. ૨૦૦૯માં ઇંડિયન રેલ્વે કરતાં વધારે લોકોને અમે હાયર કયરા હયશે. નોર્થ અને ઈસ્ટ ઈંડિયામાંથી બહોળા પ્રમાણમા આઇ.ટી. ઇજનેરો જોડાયા. મેં એમને વિશ્વાસ અપાયવો:’વી વિલ મેક હિસ્ટ્રી ટુગેધર!’ પહેલા તો GU(ગુજરાત યુનિવર્સિટી) નેટવર્કમાં ફાયરવોલ એક્ટિવ કયરું. એમ કરતાં ઇન્ટરનેટ સ્પીડ અર્ધી થઈ ગઈ. કારણ બેંડવીથમાં સરકારે અમને આપેલી પોલિસી મુજબ બહુ ઓછા ડેટામાં એક્સેસ આપવાનો નિર્ણય થયો હતો. ડેટા રીડ કરવામાં પણ સિસ્ટમ ખૂબ જ લોડ લેતું. કારણ હિસ્ટ્રી જેમ બધો ડેટા લોકેશન સાથે રેકોર્ડ કરવામાં આવતો. એ રીતે બધી સાઇટ અમે  કોન્ટ્રાક્ટ બેસિસ પર સિકયોર કયરી.”

 

“આ તો તમે સરકારને લૂંટી કે’વાય, પોતાના અંગત સ્વાર્થ માટે...” શાલકીએ કહ્યું.

 

                              “શાલકી, આ દુનિયા બોવ હયલકી સે, પૂરી વાત સાંભળ. ગુજરાત ગવર્નમેંટની બધી વેબસાઇટ નોર્મલ થઈ બાદ ભારત સરકારને વાત કયરી. તામિલનાડુમાં માલવેર સૉફ્ટવેર બનાવાનું કામ શરૂ થઈ ગયું હતું. માટે અમારી હળી કરવાનો તેમને પૂરતો સમય મળી ગયો’તો. મારી ઓફિસમાં આવી અમારું કામ બંધ કરાવી ઓડીટ ચાલુ કયરી. બધા કંપયુટર જપ્ત કરી લેવામાં આયવા કારણ અમારી પાસે ગવર્નમેંટ સાઇટનો સર્વર હાથમાં હતો. ધ્યાનથી સાંભળજે સર્વર હાથમાં હતો, એક્સેસ ન’તું. અમે સાઇટમાં કાંય ચેન્જ નો કરી શકીએ પણ એવા આરોપ લાયગા કે અમે ચેન્જ કરી શકીએ. પ્રોપર ટેસ્ટિંગ અને લીગલ ઓડિટ વગર એક્સેસ મેળવી જ કેવી રીતે શકો છો? એવા પ્રશ્નો ઉયઠા.

 

                              વી વર જસ્ટ ટ્રાઈંગ ટુ હેલ્પ ગવર્નમેંટ. એન્ડ વોટ ધેય ડિડ ટુ અસ?(અમે ફક્ત સરકારની મદદ કરવા માંગતા હતા અને તેમણે કેવું કર્યું અમારી સાથે?) મને અને મારા CFOને સચિવાલયમાં કેદ કરી લેવામાં આયવા અને અમારા પર દબાણ કરવામાં આયવું કે ભારત સરકાર સાથે કોંટ્રેક્ટ કરે, એમની કંડિશન્સ મુજબ.

 

                              આખા દેશની સાઇટ્સને સિકયોર કયરી મોનીટર કરવું ચેલેંજિંગ અને ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હતું. ઇનો તો વાંધો નય સાઉથમાંથી આઇટી ફીલ્ડના માણસો હાયર કરી લેવી પણ સરકાર અમને મગફળી જેવી સેલેરી આપવાની વાત કરે. જસ્ટ વિચાર કર રોજજે ૮૦થી૯૦ કરોડનું નુકશાન સરકાર ભોગવતી હતી, એવરેજ. ‘ને અમે એના ૧૫૦% જેટલું ફંડિંગ માંગી રહ્યા’તા. ખાલી કરંટ ટાઈમનું નો વિચાર, આગળના સમયને સિકયોર કરવાની વાયત હતી. કાંય આવી ઓફર હવામાં જ નો’તી મૂકી. અમારી સ્લેટ સાફ હતી માટે કોઈ બીજા એક્શન નો લેવાયા.

“આટલા તો અદાણી ગ્રૂપ પણ સરકાર પાસે ન’તું માંગતુ. કશુક વિચારીને પ્રપોઝલ મૂકો.” અમદાવાદથી આવેલા ઓફિસર મને બોયલા. મેં કહ્યું:

“અદાણી ગ્રૂપ વગર દેશ હાલી હકશે. અમારા વગર નય. હોસ્પીટલમાં મરીઝને ઑક્સીજનની જરૂર હોય તો ઑક્સીજન જ આપવો પડે, એમ નો કે’વાય ન્યૂરોસર્જરી કરાવી લે?” બોલી ને હું પોતે વિચારમાં પયડો કે આ ઉદાહરણ બંધ બેયસુ કે નય?

“હેં?” ઓફિસરને ન સમજાયું.

“ઈ, ઈ જ. જે તમે હમજ્યા..” અમદાવાદી ઓફિસર મારી સામે જોઈ રહ્યો.

 

                              સાઉથવાળા સૉફ્ટવેર બનાવામાં હજી ટાઈમ માંગી રયા ‘તા. એમનું સૉફ્ટવેર રેડી થાય ત્યાં સુધી ગવર્નમેંટે SEનો અમારી હારે ૬ મહિનાનો કોંટ્રેક્ટ કયરો. સળંગ ૩ રાત-દિવસ ડેટા એનાલિસ કયરા બાદ સર્વર રન થયો. બાદમાં MTNLનો કોંટ્રેક્ટ કયરો. જેમાં બોવ વાર લાગી. કારણ MTNLમાં બહુ રિસ્ટ્રીક્સન હતા. એ જ ગાળામાં BSNLનો કોંટ્રેક્ટ કરવાનો હતો. MTNLમાં નવેસરથી કોડિંગ કરવું પયડું... ત્રણ મહિના એમાં વયા ગ્યાં પણ અમે MTNL સિકયોર કયરૂ ખરું. પછી સમાચાર આયવા કે સાઉથવાળા ‘મ્ણે એન્ટિ વાઇરસ બનાવી નાયખું છે. BSNL અમારા હાથમાંથી વયુ ગ્યુ. બધી સરકારી વેબસાઇટમાં સાઉથવાળાએ બનાવેલું એન્ટિ વાઇરસ રન કરવામાં આયવું. ૧૭ કલાકમાં બધી વેબસાઇટ જંક ફ્રી થઈ ગઈ. છતાં, SE અઠવાડિયું ડાઉન રહ્યું, ટ્રાફિકના લીધે. અમારો કોંટ્રેક્ટ ત્રણ મહિના બાદ પૂરો થ્યો.

 

                              પેલા ઓફિસરની વાત માની ગવર્નમેંટમાં કંપની મર્જ કરી દીધી હોત તો કદાચ ફાયદામાં રે’ત. કે’ એટલીસ જોબ સિક્યોરિટી અને અત્યાર સુધીની મહેનતના રૂપિયા તો મળી જાત પણ એમ કરવાથી અમે માર્કેટમાં નો રહી હક્યા હોત. આવી ઐતિહાસિક ક્ષણના નાયક નો બની હકયા હોત. હજી અમે બિઝનેસમાંથી ફેંકાઇ ગયા નો’તા. અમે નવા હતા માર્કેટમાં અને ઇંપ્રેશન સારી બયની હતી. ચાર પાંચ વર્ષ બધા એમ્પ્લોયઝને પગાર આપી હકીએ એટલી ક્ષમતા ત્યારે હતી પણ પાંચ વર્ષ પછી શું? એના કરતાં લોંગ શોટ મારવાનું મેં વિચાયરું. ઓલરેડી ૧૦૦ કરોડની કેપ અમે ક્રોસ કરી દીધી હતી. માર્કેટમાં બધા શોક થઈ ગયા હતા. કંપનીને ૬ મહિના જ થયા હતા ન્યાં અમે IPO ઇસ્યુ કયરો. ઇન્ફૉસાઇઝ, વેસપ્રો, ઇન્ફિરીમ, ઇસીએસ બધી કંપનીઓના હાલ બેહાલ થઈ ગ્યાં’તા કે માર્કેટમાં કોમ્પિટિશન આયપવા નવી એક કંપની જોડાણી:સેફ શીલ્ડ. પહેલા જ વીકમાં સારા એવા બ્રોકર્સ અને ઇન્વેસ્ટર્સે રોકાણ કયરું. સેફ શીલ્ડના શેર ૩૦૦ વયા ગ્યાં. લગભગ ડબલ. છતાં, ઇસીએસ ૧૧૦રૂ. આગળ હતી. અમે સેફ શીલ્ડની ડાયરી-કેલેન્ડર બનાવડાવ્યા. ટેલિકોરના આઇટી વિભાગ હારે અમે સર્વર સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ કયરો. ગાડી પાટા પર આવી રહી હતી.

 

                              માર્કેટ રાઇઝ થતાં. બધી આઇટી કંપનીના શેર્સ વયધા કારણ બધા પ્રોવાઇડર અને પોર્ટલ યુઝ કરવા વાળા બિઝનેસમેન્સ, ઓફિસ, અને એડ્યુકેશન સેન્ટર ઇન્ટરનેટ નેટવર્ક સ્ટ્રોંગ કરવામાં લાગી પયડા. એમાં અમે ફાવી ગ્યાં પણ લોચો એ થયો કે GVCએ સેફ શીલ્ડના ૩૮% શેર્સ એક્વાયર કયરા’તા. એમણે એમના શેર ફ્રીઝ કરી દીધા નો ઇન-નો આઉટ. બીજી આઇટી કંપની સાથે રેગ્યુલર ગેમ રમાઈ. જેટલા નાના ઇન્વેસ્ટર્સે સ્ટોક મૂકી રાયખા’તા ઈ માર્કેટ અપ થતાં કાયઢી નાયખા અને માર્કેટમાંથી ઊભા થઈ ગયા. થોડીવાર માટે બધુ સંકેલી લીધું. ‘ને પછી સત્યમ કંપયુટર્સનું સ્કેમ બારે આયવું. એ જ ગાળામાં ટેલિકોર હચમાં મર્જ થઈ ગઈ તો એ પ્રોસેસ પણ ગઈ અમારી પાસેથી. પછી ખરેખરમાં માર્કેટ ક્રેશ થયું. આગળ જે ઘોટાળો થયો, એમાં મોટા બિઝનેસમેન પોતાના રૂપિયા ગાર્ડ કરવામાં પયડા’તા, ત્યાં નાના ઈન્વેસ્ટર્સ ફ્રીઝ થઈ ગયા હતા. બેર્સ(bears) બધુ શાંત પડવાની વાટ જોતાં’તા.

 

                              મોટા ઈન્વેસ્ટર્સ નવા સ્ટોક લેવા જાય એ પહેલા જ પડતી આયવી. જેના કારણે ફુગાવો ફેલાયો. ઘણા જૂના માર્કેટ ક્રેસથી જ બ્હાર નો’તા આયવા ‘ને કેટલાકના ધંધા બંયધ થઈ જ્યાં’તા. GVCએ માર્કેટ ભાવમાં સેફ શીલ્ડના બધા શેર કાયઢી નાયખા’તા. જે એમણે મફતમાં લીધા હતા અમારી પાસેથી. IPO પડ્યો સીધો માઇનસ ૪૦!

 

                              ના છૂટકે IPO બંયધ કરવો પયડો. આમ તો કાંઇ બયચુ જ ન’તું. કોઈ નવા બાયર શેર નો’તો ખરીદવાના. માટે અમે જ GVC પાસેથી શેર્સ લઈ લીધા. જેથી માર્કેટમાં બોવ બદનામી થઈ. બધી આઇટી કંપનીઓ પર ૨૦૦૮માં જેવુ બેન્ક સાથે થયું એવું થઈ રહ્યું હતું. લોકોનો ભરોસો ઓછો થાતાં આઇટી કંપનીઝના શેર્સ નીચે ઉતયરા. ગુજરાત વીજ કંપની(GVC) પાસે અમે લોન માંયગી. જ્યારે એમને જરૂર હતી ત્યારે અમે એમને મદદ કયરી હતી. GVCએ ૬ મહિના સેલેરી પે આઉટ કયરી હકાય એટલી લોન આયપી.

 

                              ‘સત્યમ કંપયુટર્સ સ્કેમ’ બાદ કોઈ કંપની અમારા જેવી નવી આઇટી કંપની હારે કામ કરવામાં જોખમ હમજતી હતી. એક મહિનો વગર કામે બેહી ર્યા. કંપનીનું ફંડિંગ ઘટી રયું’તું. ઈન્ફો સાઇઝ, ઇસીએસ જેવી કંપની પાસે મદદ માંગી, જો મદદ નો કરી હકે તો ઓછામાં ઓછું સેફ શીલ્ડ એક્વાયર કરી લે, એમની હારે મર્જ કરી લે પણ કોઈ અમારી મદદે નો આયવું. બધાયને બા’નું મળી ગયું ગ્લોબલ રિસેસન, સ્ટોક્સ ડાઉન વગેરે. બોર્ડના આદેશથી ૫0% કર્મચારીઓને છૂટા કરવા પયડા. જેથી એક વરસ સસ્ટેન કરી હકી. આ કામમાં મુશ્કેલી એટલે ના પયડી કારણ એક પોઈન્ટ પર બધાયને લાગતું’તું કંપની ઉઠવાની સે. છતાં, ઘણા કર્મચારીઓ બાવરા અને બેબાકળા થઈ જ્યાં’તા. મને મારા જ શબ્દો ખોખલા લાયગા:વી વિલ મેક હિસ્ટ્રી ટુગેધર. વગર પ્રોજેકટે ૪ મહિના બેસી રહ્યા. બેંકરપ્સી જાહેર કરવી પયડી. GVCએ બંને ઓફિસ અને બધી સિસ્ટમ સીલ કયરી લીધી. સેફ શીલ્ડ પર ઓફિશ્યલ તાળું વાયગુ. તોય, GVCને ૧૫કરોડ આપવાના નીકળતા હતા. અંતે કંપની બંધ કરવી પયડી! વી લોસ!

 

*

 (ક્રમશ:)

 

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૫)

 

                     GVC પાસેથી મળેલું ફંડિંગ અને ઇનિશ્યલ નાણાં ડેન્માર્કવાળા અકાઉન્ટમાં રાયખા’તા. અમેરિકાવાળા ભાયબંધની મદદે ‘ઈકામારુ’ નામની સોશ્યલ સિક્યોરિટી કંપનીની ઓનરશિપ લીધી. ‘ને ડેન્માર્કથી પૈસા નાયખા યુએસ ‘ઇકામારુ’માં. ભારતમાં પહેલી ‘ઈકામારુ’ કંપનીની બ્રાન્ચ રાજકોટમાં ખોયલી. મારા સિવાય કોઈ નથી જાણતું. ‘ઇકામારુ’ ખાલી નામ છે. તેનો ઓનર હું પોતે જ છું. અમેરિકાની ફોરેન લેબર પોલિસીના કારણે ‘ઈકામારુ’ નામની મેડઅપ કંપની લીગલ દસ્તાવેજથી ચાલુ કયરી. અફકોર્સ મારા નામથી કંપની ચાલુ કરું તો લોસમાં જવાની સંભાવના રહે. ‘ને પાછું લીગલ-ફાઈનાન્શિયલ ઇસ્યુઝ રહે. ઇકામારુથી મેં પોતાને ડિવિઝનલ મેનેજરની પોસ્ટ ઓફર કયરી.

 

                     કોણ રાજકોટમાં આઇટી કંપનીમાં કામ કરવા નો માંગે?‘ને આઇટીવાળાને ગાજર લટકાયવૂ બીજી કંપનીઓની જેમ, ફોરેન જવા માટે. એટલે જલ્દી-જલ્દી માણસો હાયર કયરા. મેં જે લોકોને નોકરીમાંથી કાયઢા’તા. એ બધાને અમે પાછા બોલાયવા. જેમાંથી ઘણા જોડાયા. ‘ને DDoSનો કોન્સેપ્ટ લાયવા. DDoS એટલે Distributed Denial of Service. સાધારણ ભાષામાં એન્ટિ વાઇરસ જેવુ કામ હતું. જે-તે કંપનીના પોર્ટલ-વેબસાઇટને પ્રોટેક્ટ કરવાનું કામ અમે કરતાં. જે ફોરેનમાં સફળ નિવડ્યુ હતો. આંઠના માર્કેટ ક્રેશમાં જેમ ઇન્ટરનેટ વાઇરસથી નુકશાન થયું, એને ધ્યાનમાં રાખી આવી સર્વિસ ઊભી કરવામાં આવી હતી.

 

                     હવે મોરલ હાઈગ્રાઊન્ડની વાત કરું તો મને નથ લાગતું મેં કાય ખોટ કયરું હોય. દરેક વસ્તુની ચોક્કસ કિમત હોય છે. ડેટા સિક્યોરિટી કાય પકોડા નથી કે તમે ૧૫ રૂપિયામાં ખરીદી હકો. આખા દેશમાં જ્યારે બધાને એની જરૂર હતી. પ્રાઈવેટ સેક્ટર્સમાં સરકાર કરતાં પાંચ ગણું વધારે ફંડિંગ મયળું હોત. પણ અમે ન્યાં નો ગ્યાં. કારણ દેશને સૌથી વધારે જરૂર હતી. જો એન્ટિવાઇરસ આવે ન્યાં હુંધી રા’ જોય હોત તો કેટલા અબજોનું દેવું વધી જાત દેશના માંથે? તું વિચારી શકે છે?”

 

                     શાલકી તેને જોઈ રહી. તેણે મોઢું હંકાર્યું. નિશાંતના હાથમાં જ્યુસ હતો. તેણે ઘૂંટ પીધો. તે ટેકો દઈ પલંગ પર બેસી હતી. નિશાંત ખુરશી પર બેસયો હતો. તેના ધ્યાનમાં આવ્યું નિશાંત મર્યાદા જાળવી પલંગ પર ન હતો બેસયો. બંને બે વાગ્યા સુધી વાતો કરતાં રહ્યા. પછી તે જવા માટે ઊભી થઈ. નિશાંતે તેને બેસવા કહ્યું. તે એને જોઈ રહ્યો. શાલકી મૌન બેસી રહી. બાદ પૂછ્યું:

“શું જોવો સો?”

“તારો ચહેરો અલગ લાગે છે…”

“ચેવી રીતે?”

“ખબર નહીં પણ થોડી અલગ.”

“અચ્છા, ચહેરામાં નહીં જોવાવાળી નજરમાં ફર્ક સે. ઘરમાં આપણે સાદી રીતે મયળા હોવી તો અલગ નો લાગે. આ ફિલિંગ અલગ સે, બાકી હું એજ સુ, જે પે’લા હતી.”

“હોય શકે.” ચેવડો ખાતા નિશાંત બોલ્યો.

“હઁમ્મ, વારુ મને એક વાત ક્યો તમે કાં મને હજુ હુંધી મારા ભૂતકાળ વિષે કાંય નો પુયછું?”

“કેવા ભૂતકાળ વિષે?” નિશાંતને ના સમજાયું.

“”મારા પાસ્ટ વિયષે જેમ કે મારે કોઈ બોયફ્રેંડ અથવા એવો કોઈ રિલેશન હતો કે નય?”

“એવું જાણીને હું થય જાવાનું?” તેણે પ્રશ્ન કર્યો. શાલકીને અચરજ થયો. બે ક્ષણ તે મુગ્ધ બની ગઈ.

“આપણાં ન્યા સોકરાવોને મેઇન વાંધો ઇ જ હોય સે. પે’લી-બીજી મુલાકાતમાં પુસી લેતા હોય પસી જ વાત આગર વધાયરે.”

“આ આપણી કઈ મુલાકાત છે?”

”પે’લી.” શાલકીએ કહ્યું. નિશાંતે તેની સામે જોઈ સ્મિત વેરયું. એ જોઈ શાલકીના ચહેરા પર મુસ્કાન આવી. તે બોલી:

“મતલબ કે, તમે બીજી મુલાકાતની રા’ જોય રયા સો કે ત્યારે પુસીસ એમ?”

નિશાંત હસ્યો:”ના...ના. હું એવું પૂછવાનો જ નથી કે તું કોઇની સાથે હતી કે નો’તી.”

“કાં?”

“કારણ એ ભૂતકાળ છે. ‘ને એક સંબંધના અંતથી કોઈ આનંદદાયક સ્મરણ મળતું નથી હોતું. ‘ને પૂર્ણ થયેલા એ સંબંધના સુખના સ્મરણો પણ દુખ નોતરે છે. જો એ જૂનો સંબંધ ભૂલી જય તું નવો સંબંધ બાંધવા તૈયાર હોવ, જો તું તૈયાર સો, તો પાછું ભૂતકાળ કોતરીને મને હું મળી જાવાનું?”

“મોસ્ટલી સોકરાઓને આ જ પ્રોબલમ હોય સે કે સોકરી સુંદર, સુશિલ, મોડર્ન, હાઉસવાઈફ, હોવી જોઈ ‘ને બોયફ્રેન્ડની વાયત પ્રામાણિક્તાથી જણાવી દેવી તો વાત આગર નો ચલાવે. Wait a minute! Did you just imply I had a relationship?”(એક મિનિટ, તમે એવું મારા પર ઢોળ્યું કે હું કોઈ સંબંધમાં હતી?)

“No,You say… Did you had any?” (ના. તું જણાવ શું તું કોઈ સંબંધમાં હતી?)

“No...no...no! You said કી:”જો એ સંબંધ તું(હું) ભૂલી જય નવો સંબંધ બાંધવા તૈયાર હોવ…What you mean by that? (એનો અર્થ શું થયો?)

“Now you brought up that point. Did you have any boyfriend or relationship? Tell me only if you want to, no pressure from me and yes after revealing the truth, our future will be not impacted by the truth, until and unless if you have feelings for him. (હવે, તે એ વાત ચાલુ કરી. શું તારે કોઈ બોયફ્રેંડ કે એવો કોઈ સંબંધ હતો? તારી જણાવાની ઈચ્છા હોય તો જ કહેજે. હું કઈ દબાણ નથી કરી રહ્યો અને હા હકીકત જે કઈ હશે એનાથી આપણાં ભવિષ્ય પર અસર નહીં પડે. સિવાય કે તને એના પ્રત્યે લાગણી હોય.)

“ના રે ના, મારે કોય ન’તું. આતો આપણાં ન્યાં ‘It’s like a BIG DEAL!’ (જાણે બોવ મોટી ગંભીર વાત હોય)

“એવા લોકોનું વલણ સ્ત્રીઓ માટે વસ્તુવિશેષ હોય છે, માનવ વિશેષ નહીં. જેમ કે તમને એ એઠા બર્ગરની જેમ જોવે છે. આ તો એઠું બર્ગર છે. આની પહેલાના સંબંધમાં આવીને સામેવાળા/વાળીએ એઠો/એઠી કયરો/રી નાયખો/ખી. લગન વગર સંબંધમાં આવતા લોકો એમના માટે એઠ છે. ‘ને એ લોકો એઠું ખાવા માંગતા નથી. ફની બાબત એ છે કે આવા લોકો જેને મળે એને ‘જય શ્રી ક્રુષ્ણ’ કહી સંબોધતા હોય છે.

 

                     ભગવાન શ્રી ક્રુષ્ણ લગ્ન વગરના પ્રેમ સંબંધને પ્રાધાન્ય આયપતા હતા, તેમજ જેને જેની સાથે લગ્ન કરવા હોય તેમને મદદ કરતાં હતા. ક્રુષ્ણ ભગવાને તેમની ભત્રીજીને તેના પ્રેમી સાથે ભગાડી હતી. તેમની બે’નને પણ એ રીતે ભાગવામાં મદદ કરી હતી. ‘મહાભારત’વાંચો તો ખ્યાલ આવે પરંતુ બે માઇનસ, બે ખોટી વસ્તુ એક સાચું નથી કરતી.

 

                     આજકાલના રિલેશનશિપ આપણી સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિની વચ્ચે પિસાઈ રહ્યા છે. આ સંઘર્ષમાંથી ટ્રેજેડી ઉદભવે છે. આપણાં ન્યાં સહુલિયત લોકોને બધી વિદેશી જોઈ છે પણ સંસ્કારો એ જ રૂઢિગત. જે જૂના સમય માટે બનાયવા’તા એ. તને ખબર છે સ્ત્રીઓએ બંગડી પહેરવી, લાજ કાયઢવી, ચાંદલો માંડવો, સિંદુર પૂરવું, કાનનું ઝૂમખું, નાકની નથણી, અષાઢ-શ્રાવણના ઉપવાસ આ બધાય પાછળ શારીરિક-માનસિક અવસ્થા પાછળ તર્ક લગાવ્યું હતું. જે એક સંજોગ અને સમયે જરૂરી હતું.”

“અચ્છા, એવું સે?” શાલકી માટે આ બાબત નવી હતી.

 

                     “હા, પણ એ જ રૂઢિગત માન્યતા હાલમાં પણ રાખવી જડતા કહેવાય. દાખલા તરીકે પહેલા રાજાઓ બીજા રાજ્યમાં સંદેશ દુત દ્વારા મોકલતા. જ્યારે હવે મોબાઈલ-મેઈલથી કાર્ય પૂરું કરવું સરળ પડ્યું છે. તો જો હાલમાં પણ તમે સાંસ્ક્રુતિક શૈલીથી કોઈને દુત બનાવી સંદેશ મોકલો તો એને માનસિક-સામાજિક સમજણશક્તિનું વિક્ષેપણ કહેવાય. સંસ્કૃતિનું રક્ષણ નય.

 

                     જ્યાં સુધી બ્હારના દેશો આપણાં પુરાણો અને યોગ શીખી રહ્યા છે, ન્યાં હુંધી મને નય લાગતું આપણે સંસ્કૃતિની ચિંતા કરવી જોઈએ અને જે આપણી સંસ્કૃતિ બચાવાની ચિંતા કરે છે એમને પોતાની ખુરશીની ચિંતા છે. એથી વિશેષ કાંય નય.”

 

“તો આપણે ચૈ રીતે જીવવું જોઈએ ઇંડિયન કે વેસ્ટર્ન?” શાલકીએ પૂછ્યું.

 

                     “આપણે એવા અસ્તિત્વના સંઘર્ષમાં છીએ કે એક તરફ પશ્ચિમી અને એક તરફ ભારતીય સંસ્કૃતિ બંનેને જાળવવા પ્રયત્ન થઈ રહ્યા છે. જેમાંથી દંભ અને દેખાડો પ્રગટે છે. દરેક સંસ્કૃતિનું મૂળ એક જ વસ્તુ જણાવે છે કે લગ્ન વગરનો પ્રેમ સંબંધ આધાર શૂન્ય છે. તેનો હેતુ ક્ષણિક આનંદ કે અનુભવ માટે જાગેલી જિજ્ઞાસા હોય છે. પ્રેમ સંબંધ અને લગ્ન સંબંધ એકબીજા સાથે સંકળાયેલા છે પરંતુ અર્થ એનો એ નથી કે બંને એકબીજાના પર્યાય છે. પ્રેમ સંબંધથી લગ્ન કેળવી શકાય છે પણ લગ્ન સંબંધથી પ્રેમ કેળવાય એવું બધી વખતે થતું નથી. માટે પશ્ચિમી દેશોમાં લોકો મેરેજ પહેલા સંબંધ બાંધવાનું સ્વાતંત્ર રાયખે છે. લગ્ન પહેલા સંબંધ બાંધવાના કારણોમાંનું એક કારણ આ છે. કોઈ સંસ્કૃતિ લગ્ન પહેલાના પ્રેમ સંબંધને પ્રાધાન્ય નથી આપતી કે ન એમ કરવા ઉશ્કેરે છે. માણસોએ પોતાની શારીરિક-માનસિક હુંફ માટે સ્વતંત્રતા ઊભી કયરી છે. જેમ આપણા ન્યાં રૂઢિગત પ્રથાઓ પાછળ કશાક શારીરિક-માનસિક કારણો રહ્યા હતા. એ જ રીતે એ સમયે ત્યાંના લોકોએ પોતાની સગવડ મુજબ આદતો ગ્રહણ કરી.

 

“એવી આદતોથી સમાજ માટે હાનિકારક નથી? અસામાજિક દૂષણો વયધે ને? તોય કાં આપણે એમના કરતાં ઓસાં સમૃદ્ધ સીએ?”

“હંમેશા લોકોથી ઘેરાયેલા આપણાં સમાજમાં પરસ્પર લેણી દેણી વધુ હોય છે. લેણી દેણી ફક્ત વ્યવહારોની જ નહીં પરંતુ વિચારો ‘ને વ્યવહારોની પણ. એવી જ એક વ્યવસ્થા એટલે અરેંજ મેરેજ(વ્યવસ્થા વિવાહ). આપણાં પર બ્રિટિશર્સ, મુઘલો અને રાજાઓએ બોવ રાજ કયરું એટલે આપણે એ રૂઢિવાદ ભૂલી નથી શયકા. બે માણસને પરણાવા તેમના કુટુંબની પણ મનમરજીને માન આપવામાં આયવે છે. આપણું જ ઉદાહરણ જોય લે. આ રાજાઓની એક રાજકીય વ્યવસ્થા હતી. યાદ કર આપણી સંસ્કૃતિ પ્રેમની બાબતમાં આટલી ક્રૂર અને જક્કી ક્યારેય નો’તી. જેટલી અત્યારે છે. જો આપણો ધર્મ આપણને લગ્ન વગરના પ્રેમનો વિરોધ કરવામાં આયવો હોત તો શું લોકો રાધા-ક્રુષ્ણની પુજા કરતાં. મીરાબાઈની લગનીની ભક્તિ વખાણતા?

 

                     ઇંગ્લેન્ડમાં પે’લા અરેંજ મેરેજની પ્રથા હયતી. જ્યાં જે-તે કોમ/જાતિ/વર્ગના લોકો સમાવડો થાતો, ત્યાં કુટુંબ યુવાન-યુવતીના લગન ગોઠવતા. ન્યાં જો યુવાન કે યુવતીને અન્ય વર્ગનું પાત્ર ગમે તો પણ ઘર માંડી શકાતું નો’તું. આવી પ્રથા સમય બદલાતા ન્યાં બદલાય ગય. અંગ્રેજોએ તેમની ભાષા, યંત્ર -ઉપકરણો અને તેમના સામાજિક રૂઢિવાદી મૂલ્યો આપણાં ન્યાં મુક્તા ગ્યાં. આ જ મૂલ્યોને આપણે આપણી ધરોહર માની લીધી. ‘ને રાધા-ક્રુષ્ણની પુજા કરવાવાળો સમાજ લગ્ન વગરના પ્રેમને તુચ્છ સમજવા લાયગો.”

“તમારી વાતું કેટલી અલગ સે. આપણાં ન્યાં લોકો આવું હમજવા લાગે તો કેટલું સારુ.”

“તારે પહેલા કોય સંબંધ હોય ‘ને તું તૈયાર નો હોવ મારી હારે સંબંધ બાયંધવા માટે તો હું વાયત આગળ નો વધારું પણ જો તું રેડી છવ તો આગળની જવાબદારી મારી બયને કે હું તને ખુશ રાખું, પ્રેમ આપું અને એટલી લાગણી દર્શાવું કે તને તારો જૂનો સંબંધ યાદ નો આવે.” નિશાંતે કહ્યું.

“પણ બાપા... મારે એવો કોય સંબંધ હતો જ નહીં.”

“સારું.”

“તમારે એવો કોય રિલેશન હતો?”

“મારે...? ના. મને પે’લાથી શીખવવામાં આયવું કે જીવનમાં જે કાંય કરીએ એ મન લગાવી કરવું જોઈએ. ભણતર જીવનનો અત્યંત મહત્વનો પાયો છે. જેના પર ભવિષ્ય નામનું મકાન ચણાશે. તો નક્કી તમારે કરવાનું તમારા મકાનનો પાયો કાચો રાખસો કે પાક્કો! યાદ રાખજો જેટલો પાકો પાયો એટલું પાકું મકાન અને જેટલો પાયો કાચો હાહાહા! એટલું નબળું જીવન. ભણતી વખતે ભણવાનું કરવાનું. આવા લફડા અને આવા સંબંધ માણસની એકાગ્રતા અને સ્મરણ શક્તિ અને ગ્રહણ શક્તિ પર માઠી અસર કયરે. જો ભયણતી વખતે હું છોકરીયું જોડ લફાકા લેતો હોત તો કદાચ બે કંપનીનો માલિક નો બયનો હોત.”

“વારુ.”

“ભયણાં પછી બીજનેસ ચાલુ કયરો. સમાજ એમ નો કહી જવો જોઈ કે સોકરો કમાતો નથી. આ બધુ જરૂરી હતું એક સારી લાઇફસ્ટાઇલ માટે, એટલું ખપ પૂરતું મેળવી લીધું પછી તારી પાસે આયવો છું. ના મને કોય વ્યસન છે. ‘ને દેખાવમાં પણ ઠીક ઠાક લાગુ છું. એમ નય કે’તો કે હીરો જેવો લાગુ છું પણ સાવ ખરાબ પણ નથી લાગતો.”

 

                     શાલકી તેને સાંભળી રહી. પછી બંને થોડીવાર ચૂપ રહ્યા. બાદ શાલકીએ તેના નાનપણની વાતો શરૂ કરી. કેવી રીતે આ ઘરમાં મોટી થઈ, નિશાળની બહેનપણીઓ, કોલેજનું મિત્રવર્તુળ, માસ્ટર્સનો મિત્રસમૂહ, ‘ને આટલા સમય સુધી ખાસ ટકેલા મિત્રો અને છોકરાઓનું તેની પાછળ આકર્ષણ વગેરે વાતો તે જણાવી રહી. નિશાંત ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરી રહ્યો હતો પણ નીંદરના કારણે તેની ગરદન પડી રહી હતી. છતાં, તે વારે વારે ‘હા, હઁ, હું, હમ્મ’ જેવા પ્રતિકાર આપતો રહેતો હતો.

 

                     ૨:૧૭ થઈ. હવે, શાલકીને પણ ઊંઘ આવવા લાગી. નિશાંત ખુરશી પર જ લાંબો થયો હતો. શાલકી પગ લાંબા કરી પલંગ પર બેસી હતી. થોડી ક્ષણો મૌન છવાઈ રહ્યું. શાલકીને થયું હવે સૂઈ જવું જોઈએ.

“નીંદર આવેસ?” શાલકીએ પૂછ્યું.

“ના... બોલ તું હું...(બગાસું રોકતા) હાંભળુંસુ.”

“વારું.” શાલકીને જવું ન હતું. તે વધુ સમય નિશાંત સાથે પસાર કરવા માંગતી હતી પણ નિશાંતને આવી રહેલી ઊંઘ તેની સૌત બની નિશાંતના મસ્તિષ્કમાં છવાઈ ગઈ હતી. કેટલો આરામ મળતો ઊંઘવાથી પણ આજે એ ઊંઘ પર શાલકીને ચીડ ચઢી રહી હતી. કે કાશ, બંને જાગી શકતા ‘ને એકમેકને આખી રાત જોઈ શકતા. નિશાંતને ઊંઘમાંથી બ્હાર લાવવા તેને એક સવાલ સૂજ્યો:

“તમે આમ તો બધા હામે શુદ્ધ ગુજરાતી બોલો, ‘ને હમળા કાં કાઠિયાવાડી બોયલ્તા’તા?”

“ઓફિસમાં ૫૦% પબ્લિક બારેથી આવે. અલગ-અલગ સિટી,અલગ-અલગ સ્ટેટમાંથી. એ લોકો હારે શુદ્ધ ગુજરાતીમાં વાયત કરવાની ટેવ પડી ગઈ છે.”

“ઓકે.”

 

                     ફરી થોડીવાર મૌન છવાઈ રહ્યું. શાલકીને પણ ઊંઘ આવી રહી હતી. તે વિચારી રહી હતી કે શું અહી સૂઈ જાઉં? પણ નિશાંત શું વિચારશે? “લાવ પુસી લઉં...”

 

                     તે બોલવા જઇ રહી હતી દરમિયાન નિશાંત ખુરશીમાંથી ઊભો થઈ તેની પાસે આવ્યો. તે ચૂપ રહી. નિશાંત છેક તેના ચહેરા પાસે આવ્યો. શાલકીએ હોઠ આગળ કર્યા. તેણે તેની મુઠ્ઠી ભીંસી ઊંડો શ્વાસ ભર્યો. નિશાંતના દેહની સ્મેલ તેના શ્વાસમાં ભળી. એની ઉત્તેજનાથી તેનું મન ખળભળી ઉઠ્યું. ‘ને મન થયું કે તેની ટીશર્ટ ખેંચી તેને ગળે લગાવી લે અથવા તેના હાથ પકડી પોતાની છાતીએ ચાંપી ફીલ કરાવે કે કેટલું જોરથી હ્રદય તેનું ધડકી રહ્યું છે એના માટે. પણ નિશાંત આગળ વધી રહ્યો હતો માટે તેણે કશી પહેલ ન કરી.

 

                     હમણાં શાલકીની નજીક ગયો હતો ત્યારે તેના બોડીસ્પ્રેની સુગંધથી અને તેના હોઠ પર હોઠ રાખી દેવાથી તે સંમોહિત થઈ જાણે અન્ય કોઈ અવસ્થામાં પહોંચી ગયો હતો. અત્યારે ફરી તે એટલો જ નજીક આવ્યો. હવે, તે બોડીસ્પ્રે અને બોડીની સ્મેલ વચ્ચેનો તફાવત પારખી શક્યો. તે જે હેતુથી પાસે આવ્યો હતો, એ પૂરો કરવા આગળ વધ્યો. શાલકીએ આંખો બંધ કરી. નિશાંતે તેના ચહેરા સામે જોયું અને સહેજ અચકાયો. મન આગળ વધી ગયું હતું, કે શાલકીને કિસ કરી, ભીંસીને આલિંગન આપી દે. તેની અને શાલકી વચ્ચે ૧૦ ઇંચ જેટલું અંતર બાકી રહ્યું હશે પરંતુ ઇચ્છાને કાબુમાં રાખી બાજુમાં પડેલું ઓશીકું લઈ તે પાછો વળ્યો.

 

                     મહાપ્રયાશે વગર સ્પર્શ કરે તેણે પોતાને શાલકીથી દૂર કર્યો. શાલકીએ આંખો ખોલી. ખુરશી ખૂણામાં સરકાવી ઓશિકાના ટેકે નિશાંત જમીન પર આડો થયો. તેને નીચે સૂતેલો જોઈ શાલકી બેઠી થઈ ગઈ:

“અરે, નીચે કાં હુતા? આંય ઉપર આવી જાવ.”

“તારી ભેયગા?”

“હમ્મ.”

“ના. એ બરાબર નો લાગે.”

“તો હું મારા રૂમમાં જતી રવ?”

“ના, ના. તું સૂઈ રે આયાં.”

“પણ...” આગળ શું કહેવું તે ન સમજાયું.

 

                     થોડીવાર તે પથારી પર બેસી વિચારતી રહી. અહી સૂવું કે પાછા મારા રૂમ પર જતાં રે’વું જોઈએ. તેણે જવાનો નિર્ણય કર્યો.

“આંયા આવતા ર્યો. હું જાવ સુ.”કહેતા તે ઊભી થઈ.

“કાં? રોકા ને...” નિશાંત ઉઠ્યો.

“જવને હવે, તમે સૂવો આરામથી આયાં. હું પણ સૂઈ જઉં. મને મારા રૂમ પર જ ઊંઘ આવશે.” શાલકીએ જણાવ્યુ. જોકે, તેની ઈચ્છા ન હતી રૂમ પર જવાની પણ નિશાંત નીચે સૂઈ રહે એ યોગ્ય ન હતું લાગી રહ્યું. નિશાંત વધારે આગ્રહ ના કરે માટે કીધું કે મને મારા રૂમમાં ઊંઘ જ આવશે.

 

                     નિશાંતને પણ ઝાઝો આગ્રહ કરવો યોગ્ય ન લાગ્યો. તે મૌન રહ્યો. શાલકીએ તેના ચોપડા ઉઠાવ્યા અને ચાલતી થઈ.

“ઊભી રે...” નિશાંતે કહ્યું અને લેપટોપમાંથી તેની પેનડ્રાઈવ નિકાળી પરત આપી.

 

                     શાલકીએ પેનડ્રાઈવ લીધી અને પગેથી ઊંચી થઈ નિશાંતના હોઠ પર હોઠ બીડી દીધા. ત્રણ ક્ષણ સુધી તે એમ ઊભી રહી ‘ને પછી કક્ષની બ્હાર નીકળી ગઈ.

 

*

 

(પંદર દિવસ પછી)

 

                     આજે શુક્રવારે હતો. સવારે નિશાંતના પપ્પા અને નાનજી ફુવા આવ્યા હતા વેવિશાળનું શ્રીફળ, ચુંદડીની છાબ લઈને. ધીરેનભાઈએ તેમને આવકાર્યા. દિનકરરાવ તેમના કક્ષમાંથી મહેમાન પાસે આવ્યા અને રામ-રામ કર્યા.

“એ આવો આવો, રાવજીભાઇ.” ધીરેનભાઈએ સ્વાગત કર્યું.

“તબિયત બબીયત હાજી હુજી સ્યે ને?” તેમણે ફુવાને પૂછ્યું.

“એકદમ બરાબર સે ધીરેનભાઈ.” ફુવાએ જણાવ્યુ.

“બરાબર... એ પાણી લાવજો મે’માન હાટુ.” રસોડામાં સંભળાય એમ ધીરેનભાઈ બોલ્યા.

 

                     શાલકી-દિશાબેન રસોડામાં હતા. શાલકીએ બ્હાર આવી જોયું કે કોણ આવ્યું છે. પછી ખીંટીએ લટકાવેલો દુપટ્ટો ગળે નાખી મહેમાન માટે પાણી લેતી આવી. નિશાંત તેના કક્ષની બ્હાર આવ્યો અને સભામાં સહભાગી બન્યો. રાવજીભાઇએ બધાની હાજરીમાં સગપણની છાબ ધીરેનભાઈને આપી. સુરભિ, કાજલબેન અને રમીલાબેન સામેના કક્ષમાંથી જોઈ રહ્યા હતા. દિશાબેન-શાલકી રસોઈઘરના બારણે ઊભા હતા. દિશાબેન લાજ ઉપર કરી જોઈ રહ્યા. તેમના ચહેરા પર આનંદ છવાયો. ઘરમાં બધા રાજી થઈ ગયા. શાલકી જરા શરમાઈ. ધીરેનભાઈ-રાવજીભાઇ છાબમાંની વસ્તુઓ જોઈ. સિદ્ધાર્થ પગથિયાં ઊતરતો તેના કક્ષમાંથી આવ્યો. શાલકીને અને દિશાબેનને એ રીતે ઉભેલા જોઈ. તેણે પૂછ્યું:”હું થ્યું?”

“શાલુબેનના સસરા અને સસરાજી ફુવા સગાયની ચુંદડી આયપવા આયવાસ.” કહી તેમણે રસોડામાં ગયા.

“અચ્છા.” તે બબડ્યો અને મહેમાન તરફ ગયો. તેણે સૌને નમસ્તે કર્યા.

“લે આ અંદર જાવા દે.” કહેતા દિનકરરાવે સિદ્ધાર્થને છાબ આપી. સિદ્ધાર્થ કાજલબેનને છાબ આપી આવ્યો અને દરવાજા પાસે જ ઊભો રહ્યો.

“એ સા મેલ્જો.” ધીરેનભાઈ બોલ્યા. દિશાબેન પહેલેથી જ ચા મૂકવા રસોડામાં આવી ગયા હતા.

 

                     રમીલાબેન છાબનો સામાન જોઈ બ્હાર આવ્યા. મહેમાનને નમસ્તે કરી તેમણે રસોડા તરફ ગયા.

“તે હજી ચ્યાં તણ મયના થ્યા સે? કુમારને તણ મયના જોયતા’તા ને... પસી આ બધુ કરવું’તું.” જાણે પોતે કસોટીમાં ખરા ઉતરી બહુ મોટી જીત હાંસલ કરી હોય એવી ખુશી ધીરેનભાઈના ચહેરા પર તરી આવી.

“ભાય, એ ખાલી સંબંધ મજબૂત કરવા જોડે રયો’તો. બાકી બધાય ધનંજય-કરસનના ઘરના સંસ્કાર હુ સે એ નથી જાણતા કાંય?” ફુવાએ જણાવ્યુ.

“હાહાહા!” ધીરેનભાઈ કૃત્રિમ હસ્યા.

“જો નો હજયું હોત તો આ આખા અઢી મયના રોકાય એવો ગાંડો પણ એ નથી.” રાવજીભાઇ બોલ્યા. નિશાંતને આ વાત પર જરા ચીડ ચઢી પરંતુ તે ચૂપ રહ્યો.

“તો હવે તારીખ કેવરાવજો...તમે નક્કી કયરીને.” ફુવાએ કહ્યું.

“ઈ... હાલોને મા’રાજને કાલ-બાલ બોલાવી મૂરત કઢાવી લેવી.”

“વારુ. જે તારીખ ગોઠવો અમને જણાય દેજો. તો અમે ઈ હિસાબથી તૈયારી કયરી હક્વી.” ફુવાએ જણાવ્યુ.

“હા, હા. પાકું! તમને પુયછીને જ તારીખ નક્કી કરશુંને...” ધીરેનભાઈએ કહ્યું.

 

                     દિશાબેન ચાની કીટલી અને રકાબી લઈ રસોડા પાસે ઊભા હતા. તેમણે લાજ કાઢી હતી. સિદ્ધાર્થને બોલાવ્યો, તેને મહેમાનોને ચા આપવા કહ્યું. સિદ્ધાર્થ તેમની પાસેથી કીટલી-રકાબી લઈ આવ્યો. તેણે બધાને રકાબી આપી, એમાં ચા રેડી.

“કુમારને પણ આપ.” દિનકરરાવે સિદ્ધાર્થને કહ્યું.

“એમણે ગ્રીન ટી પીવે સે.”

“હા તો ઈ બનાવો. વોવને ક્યો ગિન ટી બનાયવી નાખે.”

“ના, મેં હમણાં જ પીધી છે.” નિશાંતે જણાવ્યુ. તે ધીરેનભાઈને જોઈ રહ્યો.

“તમેય ચા ચાલુ કરી?” તેણે પૂછ્યું.

“આ તો બધાયે લીધી એટલે થયું લાવ હુંય થોડી પીવ.”

“હમણાં તો ગ્રીન ટી પીધી, ‘ને ઉપરથી ચા. આંતરડા બાળી નાખશે. એ બંને ગરમ પીણાં છે.”

“ઇનો વાંધો નય. હમણાં માવો બનાવી લઇશ.”

“અચ્છા, તો ફાકીથી ટાઢક મળશે?” તેણે કટાક્ષમાં પૂછ્યું. તે જાણતો હતો ધીરેનભાઈ ગ્રીન ટી પીતા ન હતા. તે ખંધું હસ્યો.

“તો, ચ્યાં રોકાવાનો પોગ્રામ સે આયાં?” ફુવાએ નિશાંતને પૂછ્યું.

“બસ, આજે ચુંદડી આપી એટલે કાલે અને... પરમ દિવસે હું આવી જઈશ.”

“કાં? આટલા જલ્દી? રોકાવું નથી?” દિનકરરાવે પૂછ્યું.

 

                     શાલકીનો ­ચહેરો ગંભીર બન્યો. નિશાંત જઈ રહ્યો છે એ વાત તેને જરા ખટકી. એણે કાલે જણાવ્યુ કેમ નહીં? તે વિચારતી રહી. જબરી ઘટનાઓના સાક્ષી સૌ બન્યા હતા. આ સવા બે મહિનામાં સાબિત થયું કે માણસ ચાહે તો કોઇની પણ મહેમાનગતી નિભાવી શકે છે. નિશાંતના જવાની વાત સુરભિને ન ગમી.

“કાં આમ અચાનક? હુ કામ જાતાં રેવુસ?”

“જઉ ને હવે… એક કામ કરજો, તમે આવી જાજો મારા ઘરે.” નિશાંતે કહ્યું.

“ઈ તો પસીની વાત સે. આટલા દિ’ રોકાયા સો તો થોડા દા’ડા વધારે. તમને નથ ફાવતું આયાં?”

“ના, એવું નથી. પણ હવે જાઉ પડશે ઘરે.”

“હારુ મા’રાજ. બે દા’ડા પસી આવજો.” ફુવા હસતાં-હસતાં બોલ્યા. ‘મા’રાજ’ શબ્દ સાંભળી સુરભિ હસી પડી. રાવજીભાઇ-ફુવા જવા ઊભા થયા.

 

                     વડીલોએ રામ-રામ કર્યા. ફુવા-રાવજીભાઇએ રજા લીધી. તેમણે ગયા બાદ નિશાંતે ધીરેનભાઈ પાસે શાલકીનો મોબાઈલ નંબર માંગ્યો. શાલકી તેની સામે જોઈ રહી.

“લે, આટલા ટાયમથી જોડે ર્યા ‘ને ઈનો નંબર નથી તમારી પાંહે?” ધીરેનભાઈએ પૂછ્યું.

‘એમ ડાઇરેક્ટ થોડી નંબર મગાય...” નિશાંતે જણાવ્યુ.

“વારુ.” ધીરેનભાઈએ કહ્યું. તેમણે નંબર લખાવ્યો.

 

                     ધીરેનભાઈનો હરખ સમાતો ન’તો. એક કરોડપતિ મુરતિયો તેમની મધ્યમવર્ગીય કુટુંબની શાલકી માટે ઝડયો હતો. આ બે મહિના બહુ સંકોચાઈને, પોતાનું વર્તન સુધારીને રહેવું પડ્યું. અંતે તેનું ફળ પ્રાપ્ત થયું ખરી. નિશાંતને ઓફિસ જવાનો સમય થઈ ગયો હતો. તે ઓફિસ જવા નીકળ્યો.

 

                     કાજલબેન, રમીલાબેન અને ધીરેનભાઈ ગર્વથી બધાને કોલ કરી કરી જણાવી રહ્યા હતા. શાલકીનું નિશાંત પરમાર હારે ગોઠવ્યુ સે. આજે જ સગાઈની છાબ આપી ગયા. સ્નેહીજનો મિશ્ર પ્રતીભાવ આપી રહ્યા હતા. કો’ક આ જાણી ખુશ થઈ રહ્યું હતું તો કો’ક ઈર્ષ્યાથી દાઝી રહ્યું હતું. ઘરમાં બધા રાજીના રેડ થઈ ગયા હતા. સ્ત્રીઓએ સગાઈની યોજના-વ્યવસ્થાની ચર્ચા આરંભી. છાબમાં મોંઘીદાટ વસ્તુઓ આવી હતી. એટલે શાલકી પાછળ મેકઅપ સિવાય અન્ય ખર્ચ બચતો ન હતો પરંતુ વર પક્ષને ઓછું ના લાગે એટલે ધૂમધામથી સગાઈ કરવાની હતી. એમ પણ ખર્ચા સામે જોવાનું ન હતું. ૧૨ વર્ષ પછી આંગણે રૂડો પ્રસંગ આવવાનો હતો. જેથી વૈભવસાળી સગાઈની તૈયારી આરંભાઈ. કોને ખબર હતી આ બધી તૈયારીઓ વ્યર્થ જવાની હતી. આ સગપણ એક દુખદ અધૂરું સ્વપ્ન બની રહી જવાનું હતું.

 

*

 

                     સાંજે ઓફિસથી ઘરે આવતા નિશાંત બધા માટે ભેટસોગાદ લાવ્યો હતો. રવિવારે તે ઘરે જતો રહેવાનો હતો. આવતીકાલે વહેલા બધા સાથે સોમનાથ દર્શન કરવા જવાનું હતું. પાછા આવતા સાંજ પડી જાય, કદાચ મોડુ થાય તો બધા સાથે શાંતિથી બેસી ના પણ શકાય. તો આજે જ ઘરના બધા સભ્યોને ભેટ આપવી યોગ્ય લાગી. તે અને દિપેનભાઇ અંદર આવ્યા. તેના હાથમાં થેલી હતી, દીપેનભાઈના હાથમાં મોટું પાર્ષલ હતું. બધાએ બંનેને જતાં જોયા. તેમના મનમાં કુતૂહલ જાગી:શું લાવ્યા હશે? કોઈ પૂછે એ પહેલા જ તેણે જણાવી દીધું:“બધા માટે સરપ્રાઈઝ છે, જમ્યા પછી...” કક્ષમાં જતાં તે બોલ્યો.

 

                     બધા જમી પરવારી, હીંચકા પાસે ગોઠવાઈ ગયા. રમીલાબેન, દિનકરરાવ અને ધીરેનભાઈ હીંચકા પર બેઠા. કાજલબેન, દિશાબેન અને શાલકી પલંગ પર ગોઠવાયા. સુરભિ અને સિદ્ધાર્થ કુતૂહલવશ તેના કક્ષમાં આવ્યા. નિશાંતે કહ્યું:”ચાલો બાર. હું બાર જ આવું છું.”

“શું લાયવા છો?” સુરભિએ પૂછ્યું.

“બારે જોઈ લેજો...”કહી તે હસ્યો, બંને થેલા ઉપાડ્યા.

“બોવ હારુ.” સુરભિ ચિડાઈ અને બ્હાર ચાલી. સિદ્ધાર્થ પણ તેની પાછળ ગયો.

 

                     સુરભિ ખુરશી લઈ પલંગ પાસે બેસી. સિદ્ધાર્થ નિશાંતની પાસે પિલ્લરે ટેકો દઈ ઊભો રહ્યો. બધાને અંદાજ આવી ગયો હતો. નિશાંત ભેટ લાવ્યો હશે. પણ કોના માટે? એ ખબર ન હતી. જતાં પહેલા ભેટ આપવી. એ વિચાર માટે સૌને નિશાંત પર હેત આવ્યું. તેણે થેલા નીચે મૂક્યા. સભા આરંભાઈ.

“આ ૨ મહિના મારા માટે બહુ જ ખાસ રહ્યા હતા. તમારા બધા સાથે ઘણી આત્મીયતા જોડાઈ ગઈ છે. એવું નથી કે ખાલી હું શાલકી સાથે સગાઈ કરવા જય રહ્યો છું. ઘરના બધા સભ્યો સાથે હું સગપણ કરી રહ્યો હોવ એવી ભાવના અનુભવાઈ રહી છે. મમ્મી, ભાભુ, સુભી, ભાભી મને તમારા સૌ પ્રત્યે એટલો જ પ્રેમ આવે છે જેટલો શાલકી માટે છે...”

 

                     આ સાંભળતા દિશાબેન અને સુરભિ ‘ઓઑઑઑ!” કહી શાલકીને છેડવા લાગ્યા. આગળ જે કહ્યું એ કરતાં છેલ્લા વાક્ય પર બધાનું ધ્યાન વધારે ગયું. શાલકી હરખ સાથે શરમાઈ ગઈ. નિશાંતે આગળ બોલવાનું ચાલુ રાખ્યું:”મમ્મી અને ભાભુ, આ તમારા માટે.” કહી તેણે રમીલાબેનને બોક્સ આપ્યું.

“આ હુ સે?”

“ખોલીને જોવો.”

 

                     તેમણે ગિફ્ટનું રેપર કાઢી બોક્સ ખોલ્યું. જેમાં સરદાર પટેલની મુર્તિ હતી. મુર્તિ જોતાં સુરભિ બોલી ઉઠી:“WOW! સુપર્બ!”

“સરસ સે.” રમીલાબેને કહ્યું.

“હા હોં.”કાજલબેન બોલ્યા.

“તમારા બંનેમાં તાકાત છે સરદાર પટેલ જેવી. આ ઘરને તમે એક રાખ્યું છે. તમે એ છેડો છો, જેના તાંતણે ઘરના આ બધા પ્રવાહ પરસ્પર જોડાયેલા છે. હુ ચાહું છું આ મુર્તિ તમે મંદિરમાં મૂકો. જેથી આ એકતા તમે જાળવી રોજ પુજા કરી શકો.”

“વાહ... શું વિચાર છે!” સિદ્ધાર્થ બોલ્યો.

“મારી માટે લાયવા સો કાંઇ?” સુરભિએ પૂછ્યું.

“હા”

“તો આલોને...”

“ખમ થોડી વાર.”

 

                     નિશાંતે બીજી ભેટ દિનકરરાવને આપી. તેમાં ગાંધીજીની મુર્તિ હતી:“મોટા પપ્પા, તમારું મૌન આ ઘરમાં ઉગ્ર આવેગો રોકે છે. તમારા હોવાથી કોઈ ઊંચા અવાજમાં વાત કરતાં પહેલા કે બોલાબોલી કરતાં પહેલા શાંત પડે અને આવેશમાં આવ્યા વિના કામ નિકાળે છે.”સુરભિ અને શાલકીએ તાળીઓ પાડી. બાદ બધાએ પાડી. દિનકરરાવ ઊભા થયા અને નિશાંતને ગળે લગાવ્યો.

“થેન્ક યુ.” હળવેથી નિશાંતના કાનમાં તેમણે બોલ્યા. તેઓ ભાવવિભોર થઈ ગયા.

“પપ્પા જોડે ઊભા ર્યો, તમારા બંનેનો હારે ફોટો ખેંચું.” સિદ્ધાર્થે કહ્યું.

 

                     દિનકરરાવે ભેટ લેતા ફોટો પડાવ્યો. બાદમાં નિશાંતે ધીરેનભાઈની ભેટ નિકાળી.

“મારી ગિફ્ટ આપો હવે...” શાલકી અધિરી બની રહી હતી.

“ખમને બકા...” નિશાંતે કહ્યું. ધીરેનભાઈને ભેટ આપતા તે બોલ્યો:”આ તમારા માટે. પ્લીઝ ખોલો.”

ધીરેનભાઈએ રેપર ખોલ્યું. તેમાં જ્યોતિરાવ ફુલેની મુર્તિ હતી.

“તમે, દીકરીઓને ભણવાની પરવાનગી આપી, તેમના પર વિશ્વાસ મૂક્યો છે. આગળ જતાં તેમને નોકરી માટે પણ નહીં રોકો. તમારું આ વલણ અને નિર્ણયો શ્રી જ્યોતિરાવ ફુલેના આદર્શો છે. આ મુર્તિ મેં તમારા માટે પસંદ કરી છે.”

“વાહ...વાહ! હુ વાત સે!” સુરભિ બોલી.

 

                     ભેટ સ્વીકારી તેમને ચૂપચાપ પોતાના સ્થાન પર બેસી ગયા. અન્ય ભેટ તેણે નિકાળી.

“સિદ્ધૂભાઈ, આ તમારા માટે.” સિદ્ધાર્થને ભેટ આપતા તેણે કહ્યું. જેમાં શ્રવણની પ્રતિકૃતિ હતી.

 

                     “તમારી જવાબદારી હેઠે બે પરિવાર આવે છે. બે મા અને બાપની જવાબદારી તમારા કાંધે છે. શ્રવણ તેમના જન્મદાતાની સેવા કરતા હતા. એમ તમે પણ ચારેયને સાચવશો. એવી પ્રતિભા તમારામાં દેખાઈ આવે છે.”

“નાઇસ. થેન્ક યુ.” સિદ્ધાર્થે કહ્યું.

“હવે મારી ગિફ્ટ આપોને...” સુરભિએ ટાપસી પૂરી.

“પોરો ખાને... આલ્શે એમણે, ક્યાંય ભાયગી નથ જાવાના!” રમીલાબેન બોલ્યા.

“જપ ઘડીક.” કાજલબેને કહ્યું.

“લો સારું. તમારી ગિફ્ટ આપી દવ છું તમને.” નિશાંત બોલ્યો.

સુરભિ રાજી થઈ તાળીઓ પાડતા બોલી:“યેય...!”

 

                     નિશાંતે મોટી ફ્રેમ કાઢી અને સુરભિને આપી. ઝટપટ તેણે રેપર કાઢ્યું અને ફોટો જોયો.

“બાબા સાહેબ આંબેડકર.” ફોટો જોતાં તે બોલી અને બે ક્ષણ અસમંજસમાં મુકાઇ.

“તમે LLBમાં રસ ધરાવો છો. બાબાસાહેબે આપણાં દેશના સંવિધાનના રચયતા છે. તમને આ પ્રતિમા જોઈ એક સારા નાગરિક અને ઉત્તમ વકીલ બનવાની પ્રેરણા મળે એ જ અભિલાષા. બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર!”

“થેન્ક યુ.” સ્મિત સાથે સુરભિએ કહ્યું.

બાદમાં નિશાંતે દિશબેનને ભેટ આપી.

“ભાભી, તમારામાં બીજા માટે કશુક કરવાની, અન્યની મદદ કરવાની ભાવના રહેલી છે. આ વ્યક્તિએ પોતાનું આખું જીવન અન્યોને જિવાડવા માટે સમર્પિત કર્યું હતું. આ ઘરમાં તમે બધાને જીવાડી રહ્યા છો.” નિશાંતે કહ્યું. તે મધર ટેરેસાની મુર્તિ હતી. તેણે ઉમેર્યું:”અને તમારા હાથની રસોઈ મને બોવ ભાવે છે. અહીથી ગયા બાદ મને બોવ યાદ આવશે એની,I will miss this.”

દિશાબેનના ચહેરા પર નિર્મળ ખુશી તરી આવી. વર્ષો બાદ કોઈએ તેમની અંતરની વેદનાના સંઘર્ષને વાચા આપી હતી. તેમની આંખો ભીની થઈ ઉઠી.

“વાહ... ક્વાઇટ એન ઇનસાઈટ ભાભી!” દિશાબેનને હળવેથી હચમચાવતા શાલકી બોલી.

“થેન્ક યુ ડિયર...” હળવેથી દિશાબેન બોલ્યા. તેમની આંખોમાંથી એક-બે અશ્રુ ટપક્યા. શાલકીએ તે જોયું:”અરે, આ શું?”

 

                     બધાનું ધ્યાન તેમના પર ગયું. દિશાબેને પાલવ નીચે કરી લાજ કાઢી લીધી. દિશાબેને પોતાના આંસુઓને અને પોતાની ભાવના કાબૂમાં રાખી, શાંત બેસી રહ્યા. બધા પછી નિશાંત તરફ ફર્યા. હવે ખાલી શાલકીની ભેટ બાકી રહી હતી. તેણે નિશાંત સામે જોયું. નિશાંતનું ધ્યાન તેના પર જ હતું.

“શાલું માટે શું લાયવા?” સુરભિએ પૂછ્યું.

“હા, એના માટે શું લાયવા? જરૂર કાંયક ખાસ હયશે.” સિદ્ધાર્થે અનુમાન લગાવ્યું.

“એના માટે...” નિશાંત બોલ્યો અને તેની સામે જોઈ રહ્યો...

 

*

 (ક્રમશ:)

 

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૬)

 

(સોલંકી અને પરમારો વચ્ચેની નફરત)

 

                              શાલકીની ગિફ્ટ જાણવા બધા અધીરા બન્યા હતા. ઘરના સભ્યોના ઉત્સાહે શાલકીને નર્વસ કરી મૂકી. તેના ધબકારા વધી રહ્યા હતા. નિશાંત પેકેટ લઈ તેની પાસે આવ્યો, ઢીંચણે બેઠો અને શાલકીને ભેટ આપતા કહ્યું:”ઓપન કર.”

                              તમામ આ દ્રશ્ય નિહાળી રહ્યા હતા. શાલકી રેપર ખોલવા લાગી. બોક્સ ખોલ્યું. તેમાં પ્લાસ્ટિકની પન્નીનું ભૂંગળું હતું. સ્ટિકર જેવુ લાગી રહ્યું હતું. એના પર કઈક લખ્યું હતું. તેણે પન્ની સવળી કરી:CODING TAUGHT ME TO NEVER GIVE UP WHEN SOMETHING DOES NOT WORK! અર્થાત કોડિંગથી શીખવા મળ્યું છે કે જ્યારે કોઈ વસ્તુ કામ ન કરે ત્યારે હાર ન માનવી જોઈએ.

 

                              આ વાંચી શાલકી હસવા લાગી. તેને ખબર પડી ગઈ નિશાંતે કેમ આવી ગિફ્ટ આપી। તેનું કોડિંગ રન ના થાય ત્યારે તે મૂકી દેતી. એને ધ્યાનમાં રાખી નિશાંતે આ ગિફ્ટ આપી હતી. ખૂબ જ રચનાત્મક અને હ્રદયને ગમે એવી ગિફ્ટ લાગી. તે રાજી થઈ બોલી:”થેન્ક યૂ!”

“વેલકમ, આ તું તારા mac પર ચોંટાડ્જે. જેથી જ્યારે તારું કોડિંગ કામ ના કરે અને તું ઊભી થાવ, તો આ વાંચી પાછી કોડિંગ કરવા બેસી જજે. “ નિશાંતે મસ્તી કરતાં કહ્યું. સુરભિ-સિદ્ધાર્થ હસવા લાગ્યા.

“હા,હા! આના માટે તો નવી ટેક્નોલોજી બનાયવી પયડશે. જે હાચું કોડિંગ કયરી હકે. આના કોડિંગમાં ભૂલો જ એટલી હોય સેને.” સિદ્ધાર્થ બોલ્યો.

“એક સેકન્ડ! દી પાંહે ક્યાં mac સે? ઇ તો મારા PCમાં કોડિંગ કયરે સે.” સુરભિ બોલી.

“ઓહ સોરી! એક ભૂલ થઈ ગઈ.”

“શું?” શાલકીએ પૂછ્યું.

“એ જ કે પહેલા મારે આ આપવાનું હતું, પછી સ્ટિકર આપવાનું હતું.” કહેતા નિશાંતે મોટું બોક્સ કાઢ્યું. બોક્સનો આકાર જોઈ સિદ્ધાર્થે અંદાજો લગાવી લીધો. તેના મોઢામાંથી આપોઆપ શબ્દ નીકળ્યા:”વોટ ધ હેલ!”

“સિરિયસ્લિ?” આશ્ચર્ય સાથે સુરભિએ પૂછ્યું.

“ઓહ માય ગોડ! નિશાંત તમે આ શું કયરું?” બોક્સ જોતાં શાલકી બોલી ઉઠી.

“જસ્ટ ઓપન ઈટ!” સ્મિત સાથે તે બોલ્યો.

ઉત્સાહથી શાલકીએ રેપર ખોલ્યું. મેકબુક પ્રો(૨૦૧૧) લખેલું ખોખું દેખાયું.

“વોહ...!” સિદ્ધાર્થ અચંબિત થઈ ગયો.

“Wow… દી! કોંગ્રેટ્સ!” સુરભિ બોલી.

“ચાલુ કર જલ્દી.” સિદ્ધાર્થે શાલકીને કહ્યું અને પાછળ પલંગ પર ચઢી તેના માથે ઊભો રહ્યો. શાલકી નાજુકાઈથી બોક્સ ખોલી રહી. લેપટોપ નિકાળી ચાલુ કર્યું. સિદ્ધાર્થ, સુરભિ-શાલકી લેપટોપની સ્ક્રિનમાં જોઈ રહ્યા. સિસ્ટમ ચાલુ થતાં સ્ક્રીનનો પ્રકાશ શાલકીના ચહેરા પર પરાવર્તિત થયો. તેણે આંખોથી નિશાંતનો આભાર વ્યક્ત કર્યો. નિશાંતે સામે સ્મિત આપ્યું.

“હવે, આની હુ જરૂર હતી?” દિનકરરાવ બોલ્યા.

“હાસ્તો વળી, આવી ગિફ્ટ લેવાતી હયશે!” ધીરેનભાઈએ દિનકરરાવની વાતમાં સહમતી દર્શાવી.

“કેમ નો લેવાય?” તેણે પૂછ્યું. બંને બે ઘડી ચૂપ રહ્યા.

“હા, સાચી વાત સે પપ્પાની. આ બહુ વધારે કે’વાય.” શાલકીએ કહ્યું.

“આ જરૂરિયાત છે બકા!” શાલકી સામે જોઈ તેણે કહ્યું. ધીરેનભાઈને ઉદ્દેશી ઉમેર્યું:”આ વસ્તુ તમારે શાલકીને કોલેજમાં લઈ આપવાની જરૂર હતી. એ ના લાવી આયપુ એટલે આજે એને કોડિંગમાં તકલીફ પડે છે.” ધીરેનભાઈ ચૂપચાપ સાંભળી રહ્યા.

“Still, yaar I have PC.”(છતાં, મારી પાસે PC છે યાર.)

“પેંટિયમ ૪ તું વાપરે છે. એમાં CMD હેંગ મારી જાય. તો વિચાર કર લેંગ્વેજિંગ સોફ્ટવેરની શું હાલત થાય? થોડુક લોજિકલી વિચાર. મેં કઈ ફાલતુ ખર્ચો નથી કયરો. જરૂરિયાત હતી, એટલે તને આયપુ છે.” નિશાંતે જણાવ્યુ.

“Indeed.(ખરેખર).” લેપટોપ મંતરતા સુરભિ બોલી.

“વારુ. લઈ લઉં છું બસ?” શાલકીએ કહ્યું.

“બસ, એટલું જ કહેવું હતું મારે. આપણે બધાએ કાલે વહેલા ઉઠવાનું છે સોમનાથ જવા માટે તો હવે સૂઈ જવી.” નિશાંત સભા પૂરી કરતાં બોલ્યો.

“ઘડીક ખમો. એક મિનિટ, અમારે પણ તમને એક ભેટ આયપવી સે. લાવ તો પેલું...” ધીરેનભાઈએ કહ્યું.

“હા, લેતી આવું સુ.” કહેતા કાજલબેન તેમના કક્ષમાંથી એક થેલી લાવ્યા. જેમાં શુટનું કાપડ હતું. ધીરેનભાઈએ કાપડ અને ૫૦૧ રૂપિયા આપી ઓઢામણી કરી. પછી બધા સુવા માટે છૂટા પડ્યા.

 

*

 

                              લગભગ સવારે ૬ ટ્રાવેલર બસ ઘર આંગણે આવી ઊભી. બધાને તૈયાર થતા ૭:૩૦ થઈ ગયા. દસ મિનિટ બાદ બસ ઉપડી. અગિયાર વાગતા તેઓ સોમનાથ પહોંચ્યા. દર્શન કરી રેસ્ટોરાંમાં જમવા ગયા. બાદ વળતાં ગિરનારની તળેટી રોકાયા. સાંજે ૬-૭ વાગતા ઘરે પહોંચ્યા. સફરના કારણે સૌ થાકી ગયા હતા. હવાફેર થતાં બધાના મન હળવા થયા હતા. નિશાંત-સિદ્ધાર્થ બસવાળાનો હિસાબ ચૂકતે કરી અંદર આવ્યા.

 

                              ઘરે આવી સિદ્ધાર્થ તેના કક્ષમાં ગયો અને નિશાંત નાહવા. નાહીને તે કપડાં પહેરી રહ્યો હતો. ત્યારે બારણે ટકોરા પડ્યા. પાયજામો પહેરી તેણે બારણું ખોલ્યું. શાલકી આવી હતી. તેણે વિચાર્યું ન હતું કે તે આવશે. શું કામ આવી હશે એ પણ ન હતી ખબર. તેણે એને આવકારી. શાલકી અંદર આવી. નિશાંત ઉઘાડો હતો. તે એની કાયા જોઈ રહી.

“કેમ, અચાનક?”

“અમથા ઈ તો. તમને થાક લાયગો સે?” શાલકીએ પૂછ્યું.

“ના.”

“તો બરાબર. આ તો તમે કાલે જાતા રે’વાના. તો થયું થોડીવાર બેસીએ.”

“અચ્છા.”

“કેવું લાયગુ અમારા ન્યાં?”

“સારું લાયગુ.” ટી-શર્ટ પહેરતા તે બોલ્યો.

“’ને મારી હારે?”

“તારી હારે પણ... બધાની સાથે મજા આવી. એક નવો અનુભવ થયો. અને હા, એક વાત મારે તારી સાથે કરવી છે.”

“બોલો.”

“આપડા લગ્ન પછી... જો તું ઊંધું નો હમજતી. આપડા લગ્ન પછી તારી ડિલિવરી થાય ત્યારે હું ઇનો DNA ટેસ્ટ કરાવા માંગુ છું.”

“વોટ?” પહેલા તો તેને આંચકો લાગ્યો.

“DNA ટેસ્ટ. જેનાથી ખ્યાલ આવે બાળકના જીન્સ(genes) અને પિતાના જીન્સ એક...”

“મને ખબર સે DNA એટલે શું. પણ કેમ કરવું સે?”

“હવે, તું તો જાણે જ છે... સેફર સાઈડ.”

“આટલા સમય પયછી શું આપણો સંબંધ એટલો પણ સ્ટ્રોંગ નયથી બયનો? કે હજી તમારે બધા પુરાવા જોઈ સી?”

“ઓહ... ઈ વાયત ક્યાંથી આયવી?”

“તો શું મિનિંગ થયો ટેસ્ટ કરશો? તમે મને શું સમજી સે?”

“It’s just a test યાર! મેં એમાં શું વધારે માંયગ્યું?”

“ઓકે. સમજી ગઈ.” કહી તે હસવા લાગી.

“શું?”

“આ તમે ટેસ્ટ લય રયા સોને મારી?”

“ના. હું સિરિયસ છું. આ બાબતે મારે ૧% પણ જોખમ નથી લેવું.”

“જોખમ? કેવું બોલો છો યાર! તમને ખબર છે આ કેટલું ઇન્સલ્ટિંગ લાગે છે?”

“એમાં શું ઇન્સલ્ટિંગ થયું? તને પણ જાણવા મળશે કે બાળક કોનું છે?”

“શું કહ્યું?”

“હા, આપણે બંને ક્લિયર રહી શકીશું.”

“તમે યાર... છોડો! હું કોઈ સેકન્ડ હેન્ડ વિહિકલ નથી કે મને જાણવાની જરૂર પડે કે કોણ ચલાવે છે?”

“શું? જો તે જ કેવી હલકી વાત કયરી.”

“હલકી વાત મેં કયરી? તે કયરી. તારે મારો ટેસ્ટ કરાવો છે!”

“જો...જો તમે પરથી તું પર આવી ગઈ?”

“તે હાથે કરીને તારું સ્ટાન્ડર્ડ નીચે લાવી નાયખું. મારા કેરેક્ટર પર પ્રશ્ન કરનાર તું કોણ?”

“મેં ક્યાં એવું કાંઇ કીધું?”

“You know what? Shut up! આટલા દિવસોથી ડાઈ ડાઈ વાયતું કરતો’તો. ઓહોહોહો... છોકરિયુંને ભૂતકાળ વિષે ના પૂયછવું જોઈ, એનાથી કઈ ફર્ક નો પડે. સમાનતા જોઈ. બધુ ખોટું ખોટું નાટક કયરું. હવે, તે તારો સાચો રંગ બતાયવો ખરી!”

“સમાનતાની ક્યાં ના પાડું છું હું, તું પણ કરી લે મારો ટેસ્ટ!”

“હું તારા જેટલી શેલો(shallow) નથી.(કહેતા તે ઊભી થઈ ચાલવા લાગી) તને ખબર છે આટલા દિવસોમાં તે જે કાંઇ કયરું એમાં મને વિશ્વાસ બેસી ગ્યો’તો કે You’re a guy without flows but you are no different than others.(ભાવાર્થ: તારામાં કોઈ ખામી નહીં હોય પણ તારામાં અને અન્યમાં કોઈ ફેર નથી.)

“ઊભી રે શાલકી, મારી પૂરી વાત સાંભળીને જા...”

“તું ભાડમાં જા... વાત કર મા મારી હારે.” બ્હાર જતાં તે બોલી. નિશાંત તેની પાછળ ગયો.

“શાલકી... ઊભી રે.” નિશાંત બોલ્યો પણ તે ન ઊભી રહી. બંને તેના કક્ષ સુધી આવી ગયા. તેણે કહ્યું:

“વેઇટ... સારું સાંભળ. બાળકને આપણે ભણવા મૂકી દઈએ, એનું પે’લા ધોરણનું પરિણામ આવી જાય પછી ટેસ્ટ કરીશું!”

“ગો ટુ હેલ!” કહી તેણે દરવાજો બંધ કરી દીધો.

 

                              દિશાબેન રસોડા પાસે ઊભા રહી બંનેને જોઈ રહ્યા હતા. નિશાંતનો ચહેરો ગંભીર થઈ ગયો. તેની નજર દિશાબેન પર પડતાં તેણે સ્મિત કર્યું. પછી ઘડિયાળ બતાવી, બે આંગળીથી ચાલવાનો ઈશારો કર્યો. બાદ ખભા ઉલાળતો હસવા લાગ્યો. દિશાબેન કઠોરતાથી તેની સામે જોઈ રહ્યા. બાદ પગથિયાં ચઢી તેમના કક્ષમાં જતાં રહ્યા. નિશાંત તેના કક્ષ તરફ ચાલ્યો ગયો.

 

                              સાંજે જમવા શાલકી ન આવી. તે એના કક્ષમાં સૂઈ રહી. તેણે સુરભિને વાત જણાવી. તેનું પણ નિશાંત પરથી મન ઉઠી ગયું. તે પણ નિશાંત સાથે વાત કરવાનું ટાળવા લાગી. દિશાબેને સુરભિને પૂછ્યું. તેણે વાત જણાવી. દિશાબેનને વિશ્વાસ ન હતો બેસતો કે નિશાંત આવી માંગણી કરી શકે. ઘરમાં પછી બધાને ઓછા વત્તા અંશે વાતની ખબર પડી ગઈ. રાતે મોડુ થઈ ગયું હતું માટે કોઈ એ મુદ્દા પર ચર્ચા કરવા ભેગા ન થઈ શક્યું. સૌ પોત-પોતાના કક્ષમાં સૂઈ ગયા. અત્યારે સૂતા પહેલા ચોખવટ કરી લીધી હોત તો સારું થાત પણ નિયતિએ આમના ભાગે પીડા અને માનસિક ત્રાસ નિરધાર્યો હતો.

 

*

 

                              સવારે કામવાળા પ્રાંજલબેન આવ્યા અને સાફ-સફાઈ કરી રહ્યા હતા. સૌ કોઈ ઉઠી કરી નિતક્રિયા પતાવી રહ્યા હતા. શાલકીએ ગઇકાલનો કક્ષ બંધ કરી લીધો હતો. તેના કક્ષમાં જોર જોરથી ગીતો વાગી રહ્યા હતા. તે એક ખૂણામાં બેઠી હતી. ગઇકાલે જે રીતે છૂટા પડ્યા એ વાતથી બંને વ્યાકુળ બની ગયા હતા. નિશાંત શાલકીને દુખ પહોંચાડવા ન’તો માંગતો પણ પરિસ્થિતી કાબૂ બ્હાર જતી રહી હતી. થોડીવારમાં તે પાછો પોતાના ઘરે ચાલ્યો જશે. તેને એમ લાગ્યું મારામાં કોઈ નથી રહ્યું મારૂ. અર્ધા કલાક બાદ બારણે ટકોરા થયા. તેણે દરવાજો ખોલ્યો.

“તે ટેસ્ટ કરાયવો?” ધીરેનભાઈએ પૂછ્યું.

“શાલકીનો.” દિનકરરાવે ઉમેર્યું.

“હા.”

 

                              ધીરેનભાઈએ તેને લાફો માર્યો, તેનો કોલર ઝાલી બ્હાર લાવ્યા. વચ્ચે દિનકરરાવે તેના બરડા પર ઘુસ્તો મૂક્યો. ઓસરી વચ્ચે ધીરેનભાઈ તેને ઝાપટો મારવા લાગ્યા. રમીલાબેન, કાજલબેન, અને પ્રાંજલબેન ઊભા-ઊભા જોઈ રહ્યા હતા. કાજલબેનના હાથમાં કશીક સફેદ પટ્ટી દેખાઈ રહી હતી.

“ભેણબખત! વિશ્વાસ કયરો’તો તારા પર ‘ને તું અમને આવું ફળ આપે સ?” કહી ધીરેનભાઈએ બીજા બે લાફા ઝીંકી દીધા!

“માદરભગત!” દિનકરરાવ બોલ્યા, ‘ને તેની છાતી-પેટમાં ગડદા મૂકવા લાગ્યા.

 

                              બરાબર કિડની ઉપર બે ઘૂસતા લાગતાં નિશાંત વાંકો વળી ગયો. આટલા દિવસોથી આ લોકો સંકોચાઈને જીવી રહ્યા હતા. નિશાંતે જાણે તેમનું શોષણ કરી કાબુમાં રાખ્યા હોય એમ બધાને લાગી રહ્યું હતું. આજે એ બધી બાબતોનો રોષ બંને કાઢી રહ્યા હતા.

“નીકળ! હારા હલકીના પેટના!” કહી ધીરેનભાઈએ તેને ધક્કો માર્યો.

 

                              ધીરેનભાઈએ એવું ન હતું કહેવું જોઈતું. નિશાંતને હવે ગુસ્સો આવ્યો તે સીધો ઊભો રહી ધીરેનભાઈની સામે ડોળા કાઢી જોઈ રહ્યો.

“હામે હું જોવે સ?” કહી તેમણે નિશાંતને ધક્કો માર્યો.

 

                              નિશાંતનુ સંતુલન ડગયું. તેણે ઊભા રહેવાનો વ્યર્થ પ્રયત્ન કરી જોયો પણ તે નીચે પડ્યો. નીચે કોલાહલ સાંભળતા સુરભિ અગાસી પરથી દોડતી નીચે આવી. નિશાંતને બંને ભાઈ પાટુ મારી રહ્યા હતા. શાલકીને ત્યાં ન ભાળતા સુરભિએ તેના કક્ષનો દરવાજો ખખડાવ્યો પણ અંદર વાગતા ગીતના કારણે તેને સંભળાયું નહીં હોય.

 

                              લાતો, લાફા અને ઘૂસતાથી પણ દિનકરરાવનું પેટ ન ભરાયું તો તેમણે તેમના કક્ષમાં હથિયાર લેવા દોડ્યા. રમીલાબેન તેમની પાછળ ગયા. દરવાજાની અંદર તરફ જગ્યામાં માલધારી લાકડી મૂકી હતી. તેમણે એ લાકડી ઉઠાવી અને ઝડપથી બ્હાર આવ્યા. રમીલાબેને તેમને રોક્યા:

“આમ નો હોય, મારી નથી નાખવાનો એને.”

“આઘી રે તું!” રમીલાબેનને ધક્કો મારી બાજુમાં કર્યા.

 

                              માંડ માંડ રમીલાબેન નીચે પડતાં પડતાં બચ્યા. તેમણે સંતુલન સંભાળ્યું, તેમણે લાકડી પકડી. દિનકરરાવ ઝાટકા સાથે ખેંચાયા. તેમણે ગુસ્સાથી લાલપીળા થઈ ગયા હતા.

“લાકડી છોડ!”

“હું કવ સુ છોડો તમે.” રમીલાબેન બોલ્યા અને લાકડી ખેંચી. તેમને ખ્યાલ આવી ગયો, તેમના એકથી દિનકરરાવ નહીં રોકાય.

“કાજલ.... આમ આવ! આમને રોક તું!” રમીલાબેન બોલ્યા.

 

                              દિનકરરાવનો પિત્તો ગયો. તેમણે મોટી રાડ નાખી:”લાકડી સોડ રાં*!” કહી જોરથી લાકડી ખેંચી. રમીલાબેનના હાથમાં આંચકો લાગ્યો. આપોઆપ ગભરાટથી તેમની પકડ છૂટી ગઈ. તેમણે ફફડી ગયા. બે ડગલાં આપમેળે પાછળ ખસયા અને નીચે ફસડાઈ પડ્યા. દિનકરરાવ ચાર-પાંચ ડગલાં દોડીને બે હાથથી ગદા જેમ લાકડી પકડી હવામાં ઉપર જવા દઈ નિશાંતના પંડ પર નાખી!

 

                              કાજલબેન રમીલાબેન પાસે ગયા. પ્રાંજલબેન તેમની પાછળ દોડ્યા. આ બધી ધમાલથી ગભરાઈ જઈ નાની સુરભિ રડવા લાગી અને વધુ જોરથી બારણું ટીપવા લાગી:”શાલકી... દરવાજો ખોલ!”

 

                              ગીતોના ઘોંઘાટમાં શાલકી એક ખૂણામાં લપાઈ ગઈ હતી. સતત દરવાજો પીટવાનું થોડું સંવેદન તેને થયું કે બારણું ખખડે છે કદાચ, બ્હાર કશોક સંચાર થઈ રહ્યો છે. તે ઊભી થઈ.

 

                              દિનકરરાવની લાઠી નિશાંત પર પડે એના પહેલા કોઈ આવ્યું અને લાઠી પકડી લીધી. અર્ધા ફૂટ જેટલું અંતર રહ્યું હશે. નિશાંત પર પડવા વાળો ફટકો એ અજનબી મુઠ્ઠીએ રોક્યો. એ હાથે લાકડી પકડી લીધી. એ હાથ મોટો જબરો હતો, જાડો-કડક. તે કાંડા પર કડુ હતું અને બહુ બધા દોરા-ધાગા બાંધ્યા હતા. જેથી એટલા ભાગમાં રુંવાટી દબાઈ ગઈ હતી. તો કલાઈમાં હળવો એવો ખાડો લાગતો હતો. એ માણસે એક હાથે લાકડી ઉઠાવી અને બીજા હાથે દિનકરરાવને ધક્કો માર્યો. આવા સામા પ્રહારની દિનકરરાવે ગણતરી નહીં કરી હોય, તેમણે જમીન ભેગા થઈ ગયા.

 

                              એ માણસે કપાળે ચંદન લગાવી, લાલ તિલક કર્યો હતો. તેના વાળ ઝીણા અને દાઢી ભરાવદાર હતી. તેણે કાળો જભ્ભો પહેર્યો હતો. જે તેના વિશાળ ખડતલ શરીર પર સજ્જડ લાગતો હતો. તેણે મોઢામાં ફાકી ભરાવી હતી. તેણે ૯૦॰ ગરદન ફેરવી ઓસરીના ફરસ પર પિચકારી મારી. સફેદ ટાઇલ્સ પર લાલ પિચકારી વિચિત્ર રીતે ચોંટી. તેનું બીજી તરફ ધ્યાન હતું, એ જ ક્ષણે ધીરેનભાઈએ તેની ગળચી પકડી.

 

                              તે આદમીને ધીરેનભાઈના પ્રહાર માટે સાવચેત થવાની તક ન મળી. તે એક- બે ડગલાં પાછળ ખસયો. એની આંખોમાં ક્રોધની જ્વાળા ભભકી. તેણે હાથ ઉલાળી ધીરેનભાઈનો હાથ ફંગોળી દીધો. તેણે ધીરેનભાઈની ગરદન પકડી દીવાલમાં ભીંસ્યા. ધીરેનભાઈ ડઘાઈ ગયા. તેમના હોઠ ફફડવા લાગ્યા. સામે ઉભેલા મહાકાય માણસ સામે પ્રતિકાર કરવાનું હામ તેમનામાં ન રહ્યું. આ તરફ દિનકરરાવ ઊભા થઈ એ મહામાનવથી પોતાના ભાઈને છોડાવા ગયા. તેમણે બે-ચાર લાકડીના ફટકા એના બરડા પર લગાવ્યા પણ એને રતિભાર પણ અસર થઈ નહીં. ધીરેનભાઈનો જીવ અર્ધો થઈ ગયો. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ ધૂની માણસ તેમનો જાન લેવા તુલ્યો હોય એમ લાગી રહ્યું હતું. જ્યારે મારથી પેલાને કઈ અસર ન થઈ તો દિનકરરાવ બોલ્યા:

”અય છોડ! છોડ મારા ભાયને.” એનો હાથ હચમચાવી દિનકરરાવ બોલ્યા પણ પેલાના મનમાં ધીરેનભાઈનું કાંસળ કાઢી નાખવાનું ઝનૂન સવાર થયું હતું. તે એમ આસાનીથી છોડવાનો ન હતો. દિનકરરાવે તેની ગરદન દબાવી. જેથી પેલાને વધુ ગુસ્સો આવ્યો, તેણે વધુ જોરથી ધીરેનભાઈની ગળચી દબાવી!

 

                              હાઈવોલ્ટનો કરંટ પ્રસર્યો હોય એમ ધીરેનભાઈ કંપી ઉઠ્યા. છેલ્લો ઉપાય દિનકરરાવને એક જ સૂઝયો પણ એમ કરવાથી તેમને ખબર હતી આ રાક્ષસ તેમને છોડશે નહીં. છતાં, ધીરેનભાઈનો જીવ બચાવા એવું કરવું જ યોગ્ય લાગ્યું. તેમણે અંગૂઠાનો નખ એની ગરદનમાં ઘુસાડી દીધો. એમ થવાથી તે આદમી દર્દથી બરાડી ઉઠ્યો. તેણે ધીરેનભાઈને છોડ્યા. ધીરેનભાઈ જમીન પર ફસડાઈ પડ્યા અને મોઢું ફાડી શ્વાસ લેવા પ્રયત્ન કરી રહ્યા. પેલો આદમી સહેજ ઝૂકયો અને બોલ્યો:”અય લકોટા! સોડ!”

 

                              હંમેશા માનથી રહેવાવાળા દિનકરરાવ આવો શબ્દોપ્રયોગ સાંભળતા, તેમનું લોહી ઉકળી ઉઠ્યું. દાંત ભીંસી તેમણે વધારે જોરથી અંગુઠો દબાવ્યો. “આહહહહહહ!” દર્દભરી રાડ નાખી તે અવળો ફર્યો. દિનકરરાવે અંગુઠો ઘુસાડી રાખ્યો. તેણે દિનકરરાવને ઉપરા છાપરી ૩-૪ ઝાપટ ઠોકી! પોતાના રક્ષણાત્મક તરીકે દિનકરરાવે અંગૂઠાનું જોર વધાર્યું. પેલો ‘અઈઈઇઇઇઇ!’ ઊંહકારતો ઝાપટ મારતો અટક્યો. પછી દિનકરરાવે તેને સામે લાફા મારવાનું શરૂ કર્યું. એમ કરતાં કરતાં બંને ગોળ ગોળ ફરી રહ્યા. એકેએ એકેયને છોડ્યા નહીં.

 

                              આ તરફ શાલકીએ બારણું ખોલ્યું. બ્હારનું બિહામણું દ્રશ્ય જોતાં તે ડરી ગઈ. દિનકરરાવ અને કો’ક વિશાળ માણસ બાથ ભીડી ઝપાઝપી કરી રહ્યા હતા. નિશાંત અને ધીરેનભાઈને જમીન પર પડેલા જોઈ તેની આંખોમાંથી ટપોટપ આંસુ ટપકવા લાગ્યા. આટલો બધો કોલાહલ સાંભળતા સિદ્ધાર્થ તેના કક્ષમાંથી નીચે આવ્યો. તેની પાછળ દિશાબેન પણ પાલવ સરખો કરી દોડ્યા.

 

                              પેલા આદમીએ દિનકરરાવનો શર્ટ ખેંચ્યો. શર્ટના પહેલા ત્રણ બટન તૂટ્યા! દિનકરરાવ હ્રદયના દર્દી હતા, તેઓ હાંફી ગયા. તેમની છાતી શ્વાસ રૂંધાતા લાલ થઈ ગઈ. તે આદમીને ત્યાં ધબ્બો મારવાનું મન થયું. એણે ઊભી મુઠ્ઠી તાકાત લગાવી દિનકરરાવની છાતીમાં ઠોકી!

 

                              દિનકરરાવને ફેફસા પર હથોડો માર્યો હોય એવી અતિશય પીડા થવા લાગી. તેની ગરદન પરથી એમનો હાથ હટયો. એ આદમીને સહેજ નિરાંત થઈ. તેણે ગરદન પર હાથ મૂક્યો, ત્યાં અડતા જ તેને બળવા લાગ્યું. ઝરાક લોહી તેના આંગળીના વેઢે ચોંટયું. તેનું મગજ ગયું. એણે દિનકરરાવને એક ધોલ ચોંટાડી દીધો. દિનકરરાવ ભોય ભેગા થઈ ગયા અને ધીરેનભાઈ જેમ મોઢું ખોલી શ્વાસ લેવા તરફડવા લાગ્યા.

“અય.....!!!!” સિદ્ધાર્થે રાડ નાખી, અત્યંત ગતિથી એ તરફ દોડતો ગયો અને તે આદમીના નાક સુધી પહોંચી શકે એમ કૂદયો અને કોણી મારી. કોણી નાક પર વાગતા પેલાની નસકોરી ફાટી! તેની આંખે ચાર ક્ષણ અંધારા આવી ગયા, ‘ને થોડા તમ્મર પણ આવ્યા. નાકની હાડકીએ એવી પીડા થઈ રહી હતી કે તેની આંખે ઝળઝળિયા આવી ગયા, આંખોમાં લોહી તરી આવ્યું. તે એક ઘૂંટણ વાળી નીચે નમી ગયો. દર્દથી ત્રાહિ મામ્ થઈ ગાળો ભાંડવા લાગ્યો:

“પી#*, માદ@#*%!

 

                              ગુસ્સાથી તપેલા સિદ્ધાર્થે તેને લાત મારી. તે આદમી ધીરેનભાઈ પર જઈ પડ્યો. અર્ધસભાન અવસ્થામાં આંખો બંધ કરી સૂઈ રહેલા ધીરેનભાઈ પર અચાનક ૧૧૮ કિલોનો આદમી પડતા જાણે તેમની આખી નર્વસસિસ્ટમ એક જાટકે કાર્યરત થઈ ગઈ હોય એમ તેમણે જપકી ગયા. સુગંધ સિવાયની બધી સાંવેદનીક ચેતાઓ મગજને એક જ સંદેશો મોકલવા લાગી:”આ પાડાને મારા પરથી હટાવો!” તેમણે ચીસ પાડી. તે આદમીના નાકમાંથી લોહી અને પાણી નીકળી રહ્યું હતું. તેણે ધીરેનભાઈની ગરદન અને કાન પર નાક લૂંછયું. એમ પડ્યા રહી તેને થોડીવાર સારું લાગ્યું. બે ક્ષણ પરિસ્થિતીથી અજાણ બની તે મીઠી નીંદરમાં પોંઢી ગયો. પછી સિદ્ધાર્થ આવ્યો અને તેને ધીરેનભાઈ પરથી હટાવ્યો.

 

                              સિદ્ધાર્થ એ આદમી પર લાફા ઝીંકવા લાગ્યો. તે આદમીએ આંખો ખોલી. તે સભાન થયો, એની આંખો લાલચોળ થઈ ગઈ હતી. સિદ્ધાર્થે પેલાની આંખોમાં ખોફ જોયો પરંતુ તે જરાય ગભરાયો નહીં. તે આદમીએ સિદ્ધાર્થના વાળ ખેંચ્યા અને પછી તેને પાછળ ફેંક્યો. નિશાંત દીવાલના ટેકે બેસી આ બધુ નિહાળી રહ્યો હતો.

 

                              તે આદમી ઊભો થયો અને સિદ્ધાર્થને ખેંચીને એક ધોલ માર્યો. પછી, તેણે સિદ્ધાર્થનું મો દીવાલમાં ભટકાડયું. સિદ્ધાર્થ નીચે પડ્યો અને દર્દથી બે ક્ષણ કણસી ઉઠ્યો. દિનકરરાવે આ જોયું. પેલા આદમીને હજુય નાકમાં દુખી રહ્યું હતું, બાથરૂમના સિંક પાસેના ખીંટાએ નેપકિન લટકેલો હતો. તેણે એ નેપકિનથી નાક સાફ કર્યું. પછી તે સિદ્ધાર્થને મારવા આગળ વધ્યો. દિનકરરાવ ત્યાં સૂતા સૂતા ગંદી જ ગાળો બોલવા લાગ્યા. જેથી તે આદમી સિદ્ધાર્થને છોડી તેમને મારવા આવે.

“અય પી#$!”

 

                              એ આદમીને દિનકરરાવની આ યોજના સમજાઈ ગઈ. માટે તે એમને અવગણી સિદ્ધાર્થને મારવા આવ્યો.

“અય લૂખ્ખા સો##!”

તે આદમીએ સિદ્ધાર્થની ફેંટ પકડી. સિદ્ધાર્થના માથેથી લાલ પાણી નીકળવા લાગ્યું હતું. તે આદમીએ સિદ્ધાર્થને ઊભો કર્યો.

“અય નાગી રાં#ના!” દિનકરરાવ બોલ્યા અને ખાંસયા.

 

                              મા સામેની ગાળ ખાતા તે આદમી ખૂબ જ રોષે ભરાયો. તેને દિનકરરાવ પ્રત્યે અતિશય ખાર ચઢ્યો. નિશાંતે પણ ગાળ સાંભળી, તે ચૂપ રહ્યો. આજે આ ઘરમાં સૌ દિનકરરાવના નામનું છેલ્લી વાર જમી લેશે. એમ વિચારી સિદ્ધાર્થને પડતો મૂકી તે આદમી દિનકરરાવ પાસે ગયો. બ્હારથી બીજો એક આદમી આવ્યો. તે પણ અંદર આવેલા આદમી જેવો હટોકટ્ટો પહેલવાન લાગી રહ્યો હતો. તેણે ફોરમલ અર્ધી બાંયનો ઘાટો ભૂરો શર્ટ અને ફોરમલ કાળું પેન્ટ પહેર્યું હતું.

“સર!” નિશાંતને નીચે પડેલો જોઈ, તેને બેઠો કર્યો.

 

                              પેલો આદમી દિનકરરાવ પાસે આવી રહ્યો હતો. દિનકરરાવ ગભરાતા પાછળ ધસી રહ્યા. શાલકી વચ્ચે પડી. તે એ મહાકાય આદમી આગળ બોલી:”આઘો રે અય, દૂર રે’ મારા મોટા પપ્પાથી.”

“હરામજાદી!” કહેતા તે આદમીએ શાલકીને વાળમાંથી ઝાલી અને તેના વાળ ખેંચ્યા.

“શાલકી!”

“શાલકી!” રમીલાબેન-કાજલબેન એક સાથે બોલ્યા.

“આહહહ!” દર્દથી તે ઊંહકારી ઉઠી. ‘ને પછી રડવા લાગી. નિશાંતે તે જોયું.

“પશા...” નિશાંત બોલ્યો. તે આદમીએ એની સામે જોયું, શાલકીએ નિશાંત સામે જોયું. તે આદમી અટક્યો.

“સોડી દે એન!” નિશાંતે આદેશ આપ્યો. તે આદમીએ શાલકીને છોડી દીધી.

 

                              આ જોઈ બધા દંગ રહી ગયા. સૌ કોઈ આશ્ચર્ય અને ભયથી તે આદમીને જોઈ રહ્યા. સિદ્ધાર્થ ઊભો થયો અને એનું ગળું દબાવ્યું. નિશાંતને જેણે ઊભો કર્યો એ આદમી ‘પશા’ નામના માણસને છોડાવા ગયો. એણે સિદ્ધાર્થને પોતાની તરફ ફેરવી, આંખ નીચે મુક્કો માર્યો. સિદ્ધાર્થ હેઠે પડ્યો. સુરભિ તેની પાસે આવી:”ભઈ...ભઈ!” કહી તેણે સિદ્ધાર્થનું મો ખોળામાં મૂક્યું અને રડવા લાગી. દરમિયાન બીજા ચાર-પાંચ જણા લાકડી લઈ અંદર આવ્યા.

 

*

 

                              અંદર ઉભેલા બે મહાકાય માણસોને પાંચેય બે ક્ષણ જોઈ રહ્યા. તેમને અંદાજો આવી ગયો કોણ છે વિલન? પાંચેય આક્રોશ સાથે એમની તરફ દોડ્યા. બીજા આદમીએ ચોર ખિસ્સાની જગ્યામાં બંદૂક ભરાવી હતી. તેણે ઝડપથી બંદૂક નિકાળી સામે તાકી. પાંચેય ત્યાં અટક્યાં. તે બધા આડોશ-પાડોશમાં રહેતા હતા. તેમાંનો એક બોલ્યો:

“પી#@! ડેલાની બારે નીકળી બતાય...”

“તારી માના એકના એક ધણીની ઓલાદ હોવ તો રોકી બતાય!” એ માણસે જવાબ આપ્યો.

“હેય!”

“હેય!”

“ઓ!”

“હો!”

“એ...!” પાંચેય સાથે બોલી ઉઠ્યા.

 

                              તેણે સામે દીવાલમાં ગોળીબાર કર્યો. ધડાકાથી બધા સમસમી ગયા. દીવાલમાં કાણું પડ્યું. દિશાબેન ગોળીનો ધડાકો સાંભળી એકાએક બોલી ઉઠ્યા:”ઓ માડી રે!” તેમણે રમીલાબેન પાસે ગયા. તેમણે અને કાજલબેન જમીન પર જ બેઠા હતા. ઊભા થવાની હિમ્મત ન હતી થઈ રહી.

“પ્રશાંતભાઈ, સરને લઈને બારે નીકળો.” સામે ઉભેલા પાંચેય આદમીઓ પર બંદૂક તાકી રાખી તે બોલ્યો. પ્રશાંત નિશાંત પાસે ગયો. સૌ તેને જતાં જોઈ રહ્યા.

“એક જ ગોળી વેયડફી સે. હજી પાંચ સે. તમને પાંચેયને એક એક ઉતારીશ તોય આરામથી વયો જયસ. એટલે કોઈ ચાપલાસ નો કરતાં.” તે આદમી બોલ્યો.

 

                              પ્રશાંતે નિશાંતને ટેકો આપ્યો. શાલકી આ બધાથી ફફડી ગઈ હતી. તેના ચહેરા પર ગભરાટની ગ્લાનિ તરી આવી હતી. તે રડી રહી હતી. નિખિલના મુખમાં લોહી ભરાયું હતું. તેણે શાલકીની સામે જોયું, ‘ને પછી ઘરની દહલિજ પર થૂંકયો. પ્રશાંત તેને બ્હાર લઈ ગયો. જે માણસે બંદૂક તાકી રાખી હતી એ પણ સાવચેતીથી દરવાજા તરફ ખસયો અને બ્હાર નીકળી ગયો. ‘ને બ્હારથી કડી લગાવતો ગયો.

 

                              પાડોશના આદમી ધીરેનભાઈ-દિનકરરાવની મદદે આવ્યા. ધીરેનભાઈને જુલામાં બેસાડયા, દિનકરરાવને પલંગ પર સુવડાવ્યા. દિશાબેન અને અન્ય સ્ત્રીઓ સિદ્ધાર્થ પાસે આવી. દિશાબેને તેના માથા પરથી લોહી સાફ કર્યું. શાલકી તેના માટે બરફ લેવા ગઈ. એ જ ક્ષણે ઘરના દ્વારે કઈક સંચાર થયો. આંકડો ખોલી કોઈક અંદર આવ્યું. સૌની આંખો દરવાજા પર કેન્દ્રિત થઈ. પેલો બંદૂકવાળો આદમી અંદર આવ્યો અને સામે બંદૂક તાકી ગોળીબાર કરવાની મુદ્રામાં ઊભો રહ્યો. બધા પોતાની સ્થિતિમાં સ્થિર થઈ ગયા.

“ક્યાં?” કાને ભરાવેલા બ્લૂટૂથમાં તે વાત કરી રહ્યો હતો.

“પાકુંને? ઓકે. કોપી!” કહી તેણે દિનકરરાવ પર બંદૂક તાકી. હાજર ઉભેલા સૌ કોઈ ખળભળી ઉઠ્યા. બંદૂક તાકી રાખી તે દિનકરરાવ પાસે આવ્યો.

 

*

 

(ક્રમશ:)

  

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૭)

 

                              બધાએ માર્યા પણ અને માર ખાધો પણ ખરો. છતાં, તાત્કાલિક દાખલ કરવા પડે એવી ઇજા કોઈને પહોંચી ન હતી. જે સારી બાબત હતી. ધીરેનભાઈ આ બાબત પંચમાં લઈ જવા માંગતા હતા.

 

                              આ તરફ ઘરમાં કેટલાક સભ્યો ગૂંચવણમાં મુકાયા. એવું તો શું થઈ ગયું કે આવી રીતે ઉગ્ર મારામારી પર ઉતરવું પડ્યું, ઘરમાં વહુ-દીકરીઓની સામે હલકી ભાષા વાપરવી પડી. એવું તો શું થઈ ગયું હતું? સુરભિએ પૂછ્યું.

“આ તારી હયલ્કી બેને જો હું ધંધા માંડ્યા સ...” કહેતા કાજલબેને જમીન પર પડેલી સફેદ પટ્ટી બતાવી. સૌએ તે પટ્ટી જોઈ. સુરભિ ઊભી હતી એની ઊંધી દિશામાં પટ્ટી પડી હતી. તે જમણી તરફ ડોક નમાવી જોવા પ્રયત્ન કરી રહી.

“આટલી ઉતાવળ આય જય’તી તને... હેં?” રમીલાબેન ઠપકો આપતા બોલ્યા. શાલકી ચૂપચાપ નીચે જોઈ રહી.

દિશાબેને હળવેથી રમીલાબેનને બોલાયા:”મમ્મી...”     તેમને ખબર હતી કે પટ્ટી કોની હતી. બધા વગર વાંકે શાલકી પર તૂટી પડે એ પહેલા રમીલાબેનને જણાવું માફક લાગ્યું પણ રોષે ભરાયેલા રમીલાબેન દિશાબેનના આહ્વાન પર ધ્યાન ન આપી, શાલકીના જવાબની રાહ જોઈ રહ્યા. શાલકીએ કોઈ પ્રતિસાદ ન આપ્યો જેથી તેમને ગુસ્સો આવ્યો.

“બોલને હવે! હારી હલકી!” કહી તેમણે શાલકીને એક લાફો ચોડી દીધો.

“મમ્મી!” મોટા સ્વરે દિશાબેન બોલ્યા. બધાનું ધ્યાન તેમના પર ગયું:”ઈ મારી ટેસ્ટ સે. મેં વાયપરી’તી.”

 

                              બધા ચકિત થઈ ગયા. સિદ્ધાર્થ મંદ ગતિએ દિશાબેન પાસે આવ્યો. તેને માથે વાગ્યું હતું. એ પીડાને ભૂલી જઈ નીચે બેઠો. દિશાબેન તેને જોઈ રહ્યા. ટેસ્ટની પટ્ટીમાં ‘પોઝિટિવ’ દર્શાવતુ હતું.

“ખરેખર દિશુ?” તેણે દિશાબેનના ગાલ પર હાથ રાખી પૂછ્યું. દિશાબેને માથું હંકાર્યું. સિદ્ધાર્થની આંખે હરખના આંસુ આવ્યા. તેણે દિશાબેનને બાથ ભરી. તેના ચહેરાની ખુશી જોઈ દિશાબેન પણ રડવા લાગ્યા. ૧૨વર્ષ બાદ ખુશ ખબર મળી હતી. છતાં, સંજોગ એવા હતા કે કોઈ મન ખોલી આનંદ વ્યક્ત કરવાની સ્થિતિમાં ન હતું. તો પણ શાલકી-સુરભિ પાસે આવી બંનેને અભિનંદન પાઠવ્યા.

 

“ધીરુ, બોવ મોટી ભૂલ થઈ ગઈ...” માથે હાથ મૂકી દિનકરરાવ બોલ્યા.

“હા.” ધીરેનભાઈનો અવાજ બેસી ગયો હતો. પ્રશાંતે આકરી રીતે તેમનું ગળું દબાવ્યું હતું.

“તે તમને કોણે ડાયા થાવાનું કીધું’તું? એકવાર પુસાય નય એને?” રમીલાબેને કહ્યું.

“ભાભી મેં પુયસુ’તું, કે’ તે ટેસ્ટ કરાયવો? તો ઈણે હા પાયડી એટલે... ‘ને બીજું ગયા અઠવાડીએ જ શાલું ‘ને બેય રાત ભેગા રોકાણા’તા. વોવનું નોખું ટોઇલેટ સે, ઈમને નીચેવાળા ટોયલેટમાં હું કામ આવે? તો બીજું કોણ હોય? એટલે બધી મૂંઝવણ ઊભી થય.”

“મને કાં નો પુયછું? ઈની પાંહે જાતાં પે’લા?” શાલકી બોલી.

“તે કાલનો દરવાજો બયંધ રાયખો’તો. મને ઇમ થયું કે’ આના કારણે જ હયશે.” ધીરેનભાઈનો અવાજ બેસી ગયો હતો. તેમને ગળામાં દુખતું હતું, જેથી બોલવામાં તકલીફ પડતી હતી. છતાં, તેમણે જવાબ આપી રહ્યા હતા.

“પણ આમ નો હોય. ઘરની માન મર્યાદા તો રાખવી જોઈ કી નય. ગુંડા ઘોડે બાઝવા લાયગા’તા તી. હારુ લાગે? કો’ક ચાર જણ જોવે તો હું વીચારે?”

 

                              બંને ભાઈ ક્ષોભમાં મુકાયા. દિશાબેનનું ધ્યાન સામે દીવાલમાં હતું. જ્યાં બંદૂકની ગોળી છૂટી હતી. આ આગ જે લાગી હતી એને કેવી રીતે ઠારવી? તેનો રસ્તો ધીરેનભાઈ-દિનકરરાવ શોધી રહ્યા હતા.

“હવે, મારી સોકરીનું ક્યાંય નય ગોઠવાય...” રડતાં સ્વરે કાજલબેન બોલ્યા.

“એવું બોલ મા!” રમીલાબેને કહ્યું.

“મારી સોકરીની જિંદગી ખરાબ કયરી નાયખી આ લોકોએ!” આંસુ સારતા કહ્યું.

 

                              દિનકરરાવે બરફ રૂમાલમાં રાખી ગાલે અડાડી રાખ્યો હતો. તેમની અને ધીરેનભાઈની મુંડી નીચે નમેલી હતી. પાડોશના પાંચેય આદમી પડખે બેઠા હતા.

“તું એવું બધુ નો વિચાર. કાં’ક કરશું બધા ભેગા મયળી. તું ચિંતા નો કર.” રમીલાબેન આશ્વાસન આપી રહ્યા હતા. છતાં, કાજલબેન રડતાં રહ્યા.

“રાવજીભાયને ફોન કરું?” ધીરેનભાઈ બોલ્યા.

“અન પસી?” દિનકરરાવે પૂછ્યું.

“”કે’સુ કે’ થોડી ગૂંચવણના હિસાબે મામલો ગોટે ચયડો’તો, માફ કરી ધ્યો.”

“જો, જો ધીરેનભાઈ એવી મૂર્ખામી નો કરતાં...” બાજુવાળા પ્રભાકરભાઈ બોલ્યા.

“કાં?”

“માફી માંગશો તો પંચવાળા તમને બાકી નૈ મેલે. બધા તમારા પર ચઢી જાહે કે એક અમીર આદમીને વગર વાંકે માયરો તમે, ‘ને જે સોકરીનો બાપ વગર વાંકે મારામારી કરતો હોય ઈની સોડિને કુણ પૈણવાનું?”

“પભાની વાયત હાચી સ.” દિનકરરાવે સહમતી દર્શાવી.

“તો હું કરવું સ?”

“હવે લડી લ્યો. પંચમાં કહી ધ્યો એ સોકરાએ મારી સોડી હાયરે રાયત ગુજારી સ. પસી ઇનો ટેસ્ટ કરવાનું ક્યે સે. તો આવાને મારી નય તો હું ગોરવારો કરીને ચાટીએ? અને ઇમ પણ કય દે’જો ઇણે હામે ગુંડા બોલાયવી, ઘરમાં ગરી બુઝુર્ગ એવા દિનકરરાવને માયરા, સિદ્ધાર્થને માયરો, બાપડી શાલકીના વાળ ઝાયલા. ‘ને ગાયરું હંભળાવી હંધાયને. સમાજમાં જો સોકરીની વાયત જાય કે સોડી તો કો’કની ભેયગુ રાત રઈ’તી. તો ચીયો મુવો એના સોકરાની વોવ બનાવશે તમારી દીકરીન?” પ્રભાકરભાઈએ જણાવ્યુ.

“વાત તો હાચી તારી.” દિનકરરાવને આ ઉપાય ગમ્યો.

“તો સુ, હું કાંય ખોટું કવસુ?” ખરાઈ કરતાં પ્રભાકરભાઈએ પૂછ્યું.

“ના, જરાય નય.” દિનકરરાવે કહ્યું.

“પંચની જબાબદારી બયને ઇ સોકરાનું આપડી સોડી હાયરે જ હગપણ વધારવું જોઈ. નયતર આમ ચેટલા લોકોની સોડિયું જોડ નો કરવાનું કરીને વયા જાય?”

“પણ પભા એકવાર રાવજીભાયને વાયત કરી લેવીને. પસી પંચને લાઈએ. જો ઇમને વાત આગર નો વધારતા હોય તો અહીંથી વાતનો સેડો(છેડો) આઈ જાય.” બેઠેલા સ્વરે ધીરેનભાઈ બોલ્યા.

“મન નથ લાગતું આવું બધુ થયા પસી એમણે ભૂલી જાય... તો પણ કરી જોવો વાત.” પ્રભાકરભાઈએ જણાવ્યુ.

 

                              એક કલાક જેટલો સમય વીતી ગયો હતો. નિશાંત ઘરે પહોંચી ગયો હશે, ‘ને રાવજીભાઇ સુધી વાત પહોંચી ગઈ હશે. ધીરેનભાઈએ રાવજીભાઈને કોલ કર્યો અને પછી ખોંખારો ખાધો. બધાના ધ્યાનનું કેન્દ્ર અને કર્ણનું આકર્ષણ ધીરેનભાઈ બન્યા. કોલ લાગ્યો:

“નમો બુદ્ધાય નમ: રાવજીભાય.”

“બુદ્ધાય નમ:”

“વાયત જાયણી?”

“હા.”

“આ... અ, એટલે એવું ન’તું ઈમાં.”

“ફોન કાં કરવો પયડો તો? મારા સોકરાએ તારા ઘરના બધાય બાયલા આદમીઓને ફટકાયરા. તે હવે હું સે?” રાવજીભાઇ સારા મૂડમાં ન હતી લાગી રહ્યા. તેમણે ધીરેનભાઈને તુકારાથી બોલાવ્યા. જેની તેમણે નોંધ લીધી પણ તેમનું ધ્યાન બીજી વાત પર વળ્યું. એમના છોકરાએ ફટકાર્યો? એ વાત ન સમજાઈ. નિશાંત તો માર ખાઈ નીચે પડ્યો હતો. રાવજીભાઈને શું વાત મળી?

“કોની વાયત કરી રયા સો તમે?”

“મારા નાના સોકરાની. પશો, પરશાંત.”

“અચ્છા, ઇ તમારો બીજો દીકરો સે? બોવ તાકાતવારો સે હો. બોવ ગુસ્સો આવતો લાગે એને. અમને તણેયને ભોય ભેગા કયરી દીધા ઇણે એકલાએ.” કહી ધીરેનભાઈ ખાલી ખાલી રાવજીભાઇને સારું લગાડવા હસ્યા.

“હમ્મ... તે ચમ ફોન કરવો પયડો?”

“ઈ જ કે’વા કે આમ હોતું હયશે? નિશાંતકુમાર આવું બધુ કરે...”

“અય ગેલસપ્પા! તારી બેનનો ધણી સ ઈ ચાર સોકરાનો? તે એન નિશાંત ‘કુમાર’ કે’સ! હેં?”

“રાવજીભાઇ મને ખબર સે તમે કાયા થાસો પણ પે’લા પૂરી વાત તો જાણી લ્યો...”

“હા, ઈ કીયધું ઈણે મને. ‘ને એમાં હું ખોટું સે?”

“તમને ઈમાં કાંય ખોટું નથ લાયગતું?”

“અલા બંયધ ખોપડી! એ એટલા માટે DNA કરવાનું કે’તો તો કારણ હોસ્પિટલોવારા સોકરા બયદલી નાયખ્તા હોય સે. કો’કનુ સોકરું કો’કને પધરાવી દ્યે. ‘ને આપના કેસમાં એવું નો થાય ઈ માટે એણે DNA કરાવાનું કીયધું’તું પણ તમે બળધિયાઓ તમારી હયલ્કી માનસિકતાથી ધારી લય, માયરો એને.”

“રાવજીભાઇ એવું કાંઈ એ બોયલો નથી અમારી આગળ. તેમ છતાં માફી માંગુ...”

બાજુમાં ઉભેલા પ્રભાકરભાઈ માફી ન માંગવા ઈશારો કરી ધીમા સ્વરે બોલ્યા:”માફી નો માંગસો. ધીરેનભાઈએ તેમને ચૂપ રહેવાની સંજ્ઞા કરી.

“તને એકને જ આબરૂ સ હેં? ઓલા દા’ડ બોવ કે’તો તો કે ‘અમે વટથી રયા સી ‘ને આગર પણ વટથી રયસુ!’ બે ઘોડીના! તમે જે ગંદકી મગજમાં લયને રો’ સો ઇન વટ નો કે’વાય. તમારી બુદ્ધિનું પરદર્શન કરો સો. જોવ શું કુણ તારી સોકરીનો હાથ ઝાલસ.” કહી રાવજીભાઇએ ફોન મૂક્યો.

 

                              ઘરના બધા ધીરેનભાઈએ શું વાત કરી જાણવા દરેક અધીરા બન્યા પણ સમાચાર સારા ન હતા. કોઈને કશું ગોથે ન હતું ચઢતું. છેવટે પ્રભાકરભાઈના મંતવ્યને આચરણમાં લાવવાનો નિર્ણય થયો. પ્રકરણ૬ પરમાર અને સોલંકીઓની નફરત પંચ સમક્ષ રજૂ કરવામાં આવશે.

 

                              ઘરમાં એક વાત ખુશીની હતી અને બીજી ગંભીર. પૂરી વાત જાણ્યા વગર આવેશમાં આવી ધીરેનભાઈ-દિનકરરાવે ખોટું પગલું ભર્યું હતું. જે આગળ જતાં તેમને બહુ નડવાનું હતું. તેઓ રાજકોટના શહેરી વિસ્તારમાં રહેતા હતા. તેમ છતાં, નાતમાં ગામડાનું ચલણ હતું. જેથી, પોલીસ બોલાવતા પહેલા સમાજના પંચ અથવા ચૂંટાયેલા વડા પાસે સમસ્યાની રજૂઆત કરવી પડતી. ભલે તે કોઈપણ હોય, ગરીબ કે અમીર. કોઈ ફર્ક ન હતો. પંચમાં ચાર અધ્યક્ષ હતા. જે આવી સમસ્યાનો ઉકેલ લાવતા. મોટાભાગે પંચના નિર્ણયથી લોકો સંતુષ્ટ રહેતા. જેથી પોલીસમાં કોઈ જતું નહીં.

 

                              નિશાંતને સમાજ કે તેના અધ્યક્ષથી કઈ ફર્ક ન હતો પડતો. તે તેના મનનું ધાર્યું જ કરવાનો હતો. જો પંચ અથવા બ્હારનું કોઈ એમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કરશે તો તેમના માટે સારું નહીં થાય. આ બાબત દરેકને ખબર હતી, માટે તેને છૂટા બળદ જેમ છોડી મૂક્યો પણ બધા રૂપિયાવાળા થઈ જાય અને પંચની અવગણના ન કરવા લાગે એ માટે રાવજીભાઈને સમાધાન માટે હાજર રહેવા ફરમાન મોકલ્યું.

 

                              નિશાંતના ફુઆ નાનજીભાઈના ઘરે બેઠક રાખવામાં આવી. બંને પક્ષોને હાજર રહેવા નિમંત્રણ મોકલ્યું. જ્યારે રાવજીભાઈએ નિશાંતને આ વાત કરી ત્યારે તેમને ન હતું લાગતું, તે આવવા માટે રાજી થશે. તેણે બેઠકમાં આવવા રસ દાખવ્યો, તે થોડું અસાહજિક લાગ્યું.

 

                              કોઈ ખાસ પ્રસંગ પર જ બંને ભાઈ કાઠિયાવાડી ધોતી-ઝભ્ભો અને પાઘડી પહેરતા. સમાજના વડવા સામે લગોલગ બેસવાનો દુર્લભ લાગ કદાચ પહેલી-છેલ્લી વાર મળી રહ્યો હતો તો ઠાઠમાઠથી જઉ જોઈએ, એવું દિનકરરાવને લાગ્યું. શાલકીએ ધીરેનભાઈને પાઘડી બાંધી આપી. તૈયાર થઈ બંને ભાઈ નિરધારેલ સરનામે આવી પહોંચ્યા. આ બેઠકથી આગ ઠંડી પડશે કે લાવા વરસશે? જાણવા માટે ચાલો જઈએ નાનજીફુઆના ઘરે...

 

*

 

(નાનજીફુઆના ઘરે)

 

                              ઓસરીમાં બેઠક ગોઠવી હતી. ચતુષ્કોણ ઢબમાં એક-એક ગોદડું પાંથર્યું હતું. ઉત્તર તરફના ગોદડા પર ફુઆ, અધ્યક્ષ-૧ અને ફુઆનો મોટો દીકરો બેઠા હતા, ડાબી કોર નિશાંત, રાવજીભાઇ, અને પ્રશાંત બેસ્યા, તેમની પાછળ મગાકાકા બેઠા, તેમણે પ્રશાંત પાસે માવો માંગ્યો. કોઈ જોઈ ન જાય એમ પ્રશાંત માવો આપી, ઊભો થઈ નિશાંત પાસે બેઠો. નિશાંતે પૂછ્યું:”કાં?”

“એ મગાકાકા, હમડા માવો ખાયને પાદમ પાદ કરી મૂકશે. મારો મૂડ ખરાબ થઈ જાય ઘરેથી સભા આટોપીને નય આવતા, અહીંયા આપડી સભા બગાડશે.” કહી તે ખૂણામાં ગોઠવાયો. મગાકાકા પ્રશાંતની જગ્યા પર આવી ગયા.

 

                              દક્ષીણ તરફ પંચ અધ્યક્ષ-૨,૩ અને ૪ બેઠા. પાછળ અન્ય સમાજના વડવાઓ બેઠા, જમણી બાજુ દિનકરરાવ-ધીરેનભાઈ અને એક વડીલ બેઠા. સભા આરંભાઈ પાછળ ઉભેલા અન્ય લોકો પણ નીચે બેસી ગયા.

“રાવજીભાઇ, તમારો દીકરો નિશાંતસિંહ સોલંકી આમની દીકરી શાલકી ધીરેનભાઈ પરમારના ન્યાં હગાઈની સાબ(છાબ) મોકલવામાં આયવી’તી. હાચું સે?” અધ્યક્ષ ચારે પૂછ્યું.

“હા, ખરું.”

“આપસી ઝગડાના લીધે તમને હવે આ સગાય માન્ય નયથી. તમે કારણ આપસો?”

“વજુભાય, હામેવાળાએ મારા બેય સોકરાને માયરા અને ગંદી ગાયરું દીધી સ. મારા સોકરાઓનો કોય વાંક ગુનો બનતો નથી.” રાવજીભાઇએ જણાવ્યુ. ત્યારે કેટલાકનું ધ્યાન પ્રશાંતના નાક પર પડ્યું, તેણે પટ્ટી લગાવી હતી.

“વાંક ગુનો બનતો નથી ઈ હજી પાકું નથ થયું. ઈ કામ માટે અમે સી!” અધ્યક્ષ ૪ બોલ્યા. આ સાંભળી રાવજીભાઇને આંચકો લાગ્યો. તેમનો રૂપિયાનો દબદબો અહીં ચાલવાનો ન હતો. એ વાત સમજાઈ ગઈ. અધ્યક્ષ ચારે ધીરેનભાઈને પૂછવાનું શરૂ કર્યું. દરમિયાન નાનજીફુઆનો નાનો દીકરો થાળીમાં બે પ્રકારની બીડીની ગાંસડીઓ, ૧રૂપિયાવાળી સિગારેટનું બોક્સ અને બે માચીસ મૂકતો ગયો. બીજો એક યુવાન બધાને રકાબીમાં કીટલીથી ચા આપી રહ્યો હતો.

“ધીરેનભય, તમે ‘ને તમારા મોટાભય દિનકરભાયે નિશાંતભાઈ અને પરસાંતભાયને માયરા ‘ને ગંદી ગાયરું પણ બોયલા કાં?” અધ્યક્ષ ચારે પૂછ્યું.

“વજુભાય, અમારી સોકરી ભેયગા નિશાંતે રાત ગાયરી સે. ‘ને પસી ઇમ કે’સે કે ઈ લગન પસી બાળકનો ડીએનએ કરશે. આ વાત કેટલી યોગ્ય?”

“હવ, દવાખાનવારા ડિલિવરી પસી સોકરા બદલી નાયખતા હોય સે. એના ઉદાહરણ રાજકોટમાં કાંય એક-બે નથી. રોજ સાપામાં એવા હમાચાર આવ સ. જાણે આ બંદ ખોપડીયુના ન્યાં સાપા જ નો આવતા હોય...” રાવજીભાઇ બોલી ઉઠ્યા.

“નિશાંતે ચમ નો કીધું એવું?” ધીરેનભાઈએ પૂછ્યું.

“હા, અમે પુયછું ત્યારે તો ઇણે જબાબ આપવો જોઈની.” દિનકરરાવે ઉમેર્યું.

“તો તમે માયરવા લાગ સો?”

“તમારા પશાએ અમને માયરા’તા.”

“શરૂઆત તમે કયરી’તી.”

“નાના-મોટાનું કોય ભાન નયથી એને, વડીલ જેવા દિનકરભાય પર હાથ ઉપાયડો.”

“મોટા થયને, એમણે ગાયરું દ્યે ઈ કાંય નય!”

“મારી સોકરી જોડ રાયત ગુજારી.”

“તે એકબીજાને જાણવા હાટું. કાંય તારી સોડીન મા નય બનાય નાયખી એણે...”

“તો હગાય પયસી નો જણાય?”

“તારા આંટા આય રયા સે. નય હમજાય તને રે’વા દે...”

 

                              ધીરેનભાઈ-રાવજીભાઇ સામસામે ઉગ્ર અવાજે આરોપ-પ્રત્યારોપ ઠોકી રહ્યા હતા. થોડીવારમાં નિશાંતના કાકા મગાકાકા અને દિનકરરાવ પણ દલીલબાઝીમાં ઉતરી પડ્યા.

“એ ઘડીક ખમો!!!” અધ્યક્ષ એક બધાને શાંત પાડતા બોલ્યા.

“ભાય, બધા શાંતિ રાખો. આ કાંય શાક માર્કેટ નથી. શાંતિ રાખો.” અધ્યક્ષ ત્રણે કહ્યું. બે ઘડી સૌ ચૂપ થઈ ગયા. પછી અધ્યક્ષ ચાર બોલ્યા:

“ધીરેનભાઈ તમે આ ખોટું કયરું. નિશાંતે ટેસ્ટ કરવાનું કીયધું હોય ‘ને તમને નો હયજુ હોય તો તમારે વાયત કાપી નાયખવી’તી. જો તમારી દીકરી જોડ એણે કાંઈ ખોટું કયરું હતું તો હવે આયવા ઇમ ત્યારે આવવું જોઈને. આપડા સમાજના ઊભરતા ગૌરવ સમી શાન પરગ્ટાવતા આદમીને મારો ઈ નો હાલે. નિશાંતભાય હું કયરવું સે?”

ધીરેનભાઈ-દિનકરરાવને ફાળ પડી. મામલો ઊંધો જઈ રહ્યો હતો.

“મારે...” નિશાંત વિચારમાં પડ્યો.

“અમારે કાંય નથી કરવું, આ વાતને મેલો સાલ!” રાવજીભાઇ બોલ્યા.

“વાત નય મુકાય રાવજીભાય. નિશાંતભાયે સોકરી જોડ રાત ગુજારી સ, તમે ચુંદડી મોકલાય દિયધી સે. મોટું મન રાયખી વાતનો સેડો લાવો. (બે ક્ષણ બધા ચૂપ રહ્યા, બાદ અધ્યક્ષ ચારે ઉમેર્યું) નિશાંતભાય બોલો હું કરવું સ?”

 

                              જબરા ફસાયા. આવી મારઝૂડ બાદ કોઈ સંબંધ વધારવા ન હતું માંગતુ પણ પંચ આગળ વાત મૂકી ફસાઈ ગયા હતા. તમામ લોકો નિશાંતનો જવાબ સાંભળવા તલપાપડ થઈ રહ્યા હતા. તે કઈ બોલ્યો નહીં એટલે અધ્યક્ષ ચારે ઉમેર્યું:”૫૦ હજાર એમણે આપવા તૈયાર સે. નિશાંતભાય મેલો એ વાત.”

“મા’રાજ મુગટો કોણ પે’રે?” નિશાંતે અધ્યક્ષ ચારને પૂછ્યું.

“હું?” અધ્યક્ષ ચારને પણ ન સમજાયું બધા જેમ. તમામ આંખો નિશાંત પર અટકી.

“મુગટ, પાઘડી એવું કોણ પે’રે?”

બે ક્ષણ વિચાર્યા બાદ:”રાજા... પરધાન, આપણાં ન્યાં માલેતુજાર ભાભાઓ અને પંજાબીઓ.” અધ્યક્ષ ચારે કહ્યું.

કૃત્રિમ સ્મિત વેરી તે બોલ્યો:”તો આમણે કાં પાઘડી પે’રી?”

 

                              બધાની નજર દિનકરરાવ-ધીરેનભાઈના માથા પર સ્થિત કાઠિયાવાડી પાઘડી પર પડી. ટોળાંમાં ગુસપુસ થવા લાગી. કેટલાંક અંશે બધાને ખ્યાલ આવી ગયો આ ચર્ચા ક્યાં જઈ રહી હતી.

“અમારા વડવાઓ-આપડા સમાજની આ પરથા સે. પાઘડી ઈ આપણાં સમાજનું ગૌરવ સે.” દિનકરરાવે જવાબ આપ્યો.

“આપડા સમાજનું ગૌરવ તમે કાં તમારા કાળા માથે મૂયકું?” નિશાંતે ટોણો માર્યો. (અહીં કાળા રંગની વાત નથી થઈ રહી.)

“કારણ અમારા પૂર્વજો ઈ પેરતા’તા.”

“તો તમેય પે’રવા લાગશો?” બે ઘડી કોઈ કઈ બોલ્યું નહીં. હળવેથી પ્રશાંતે ફાકી બનાવી, ગલોફામાં ભરાવી. થોડી ક્ષણો બાદ અધ્યક્ષ ચારે ચુપકી તોડી.

“એટલે તમે હું કે’વા માંગો સો?”

“વજુકાકા, આ લોકો બોવ અહંકારી માણસો સે, એમના ઘેરે પે’લી વાર ગ્યાં, ત્યારે અમને કે’તા’તા ‘અમે વટથી રયસુ. સમાજમાં અમારી બોવ ઇજ્જત સે.’ ઇનો મતલબ અમે ઇમના આગળ કાંય નથી. આયાં જેટલા માણાં’ બેઠા, એમાં એમણે એક જ રૂવાબદાર સે, આપડી કોઈ ઇજ્જત-આબરૂ નથી.” નિશાંત બોલ્યો.

“ભાય, બધાની ઇજ્જત ‘ને આબરૂ સે.” અધ્યક્ષ એક બોલ્યા.

“એમણે તમારી માફી તો માયગે સે, હજી કેટલા આબરૂદાર તમારે થાવું સે?” અધ્યક્ષ ચાર બોલ્યા.

“એમ નય, મારે મારી ઇજ્જત જોઇસી. મારા પરિવારનું માન પાછું જોઈ.”

“તે અમે ક્યાં નો પાયડી?” દિનકરરાવ બોલ્યા.

“તો વળી?” ધીરેનભાઈ બોલ્યા.

“એ રીતે નય...” નિશાંત બોલ્યો.

“સમજી ગયો નિશાંતભાય, સમજી ગયો હું. ધીરેનભાય અને દિનકરભય તમે બંને રાવજીભાઇ અને તેમના બંને દીકરાઓની માફી માગી લ્યો અને બંને વેવાઈ રામ રામ કરી વાત પૂરી કરો આયાં.” અધ્યક્ષ ચારે કીધું.

 

                              આવું કઈ કરવું પડશે એવી કલ્પના ધીરેનભાઈએ ન હતી કરી. તેમને તો હતું દીકરી નામનો એક ભારે એક્કો એમની પાસે છે તો બીજા બધા એની સામે ફેલ જશે. તેમના ચહેરા પર કોઈ ભાવ દેખાઈ રહ્યો ન હતો. તમામ આવેગો અંદર મનમાં દબાવી રાખ્યા હતા. દિનકરરાવની જેમ. સભાનું ધ્યાન બંને ભાઈ પર ચોંટયું. બે ક્ષણ ખંડમાં ખામોશી છવાઈ ગઈ.

“વારુ.” ઠંડા અને બેસેલા શ્વરે ધીરેનભાઈ બોલ્યા.

“નિશાંત કુમાર અને પરશાંતભાય, જે કાંય ગેરસમજના કારણે ગોટાળો વયળો’તો ઈ માટે અમે દિલગીર સીએ. અમને માફ કરી દ્યો.”

“કુમાર, પરશાંત બેટા, રાવજીભાય એક મુંજવણના લીયધે વાત લાયન્બી થય ગય. ભૂલ થઈ જય ભાઈસા’બ. બાપા માફ કરી દ્યો અમને.” હાથ જોડી દિનકરરાવ બોલ્યા. ધીરેનભાઈએ પણ હાથ જોડ્યા. હાજર ઉભેલા તમામ આ જોઈ રહ્યા હતા. શરમિંદગીના શોકે બે ઘડી મૌન પાળ્યું. બાદ અધ્યક્ષ ચારે ચુપકી ઢંઢોળી:“લો પતી જયને વાત.”

“એક મિનિટ...” નિશાંત બોલ્યો:”તમે જો ખરેખર દિલગીર હોવ તો પાઘડી કાં પેયરી રાખી સ? જો દિલગીર જ હોવ તો પાઘડી ઉતારો.” ધીરેનભાઈને કહ્યું.

“નિશાંતભાય, આ તમે હયદ બારે બોલો સો. એવું નય થાય.” અધ્યક્ષ ચારે કહ્યું.

“”કાં? એમણે મારી ઇજ્જત કરતાં હોય તો સાબિત કરે.”

 

                              અધ્યક્ષ ૧-૨એ પણ આ વાતનો વિરોધ કર્યો. સામે મગાકાકા તેમની સાથે દલીલમાં ઉતર્યા. ધીરેનભાઈ મૌન બેઠા હતા. દિનકરરાવ નિર્ણય ન લઈ શક્યા શું કરવું? ત્રણેક મિનિટ વીતી ગઈ. નિશાંત ધીરેનભાઈની આંખોમાં આંખ પરોવી જોઈ રહ્યો હતો. જો પાઘડી ધરવાથી સમાધાન થઈ જતું હોય તો એમ કરવા પણ ધીરેનભાઈ રાજી હતા.

 

                              તેમણે પાઘડી ઉતારી, ચહેરો થોડો ગંભીર અને શુષ્ક લાગી રહ્યો હતો. મનમાં વિચારી રહ્યા હતા, તેમના પૂર્વજો આ પાઘડી હાટું કેટલું લડ્યા. પાઘડીના માન હેતુ કેટલાએ જાન ગુમાવ્યો અને કેટલાનો જાન લીધો. એ બધી લડાઈઓ જે પરમાર કોમના વંશજો લડ્યા હતા અને એ રાજાઓ જીત્યા હતા. સૌની માનસિક છબી આંખો આગળ તરી આવી. આજે એક ભૂલના કારણે તેમણે તમામ આગળ પોતાની પાઘડી મૂકવી પડી. કદાચ રાજાઓ પણ પોતાની દીકરી માટે મૂકવા તૈયાર થયા હશે? આજે દીકરીએ તેના હાથે એમને પાઘડી પહેરાવી હતી. એ દ્રશ્યના સ્મરણે તેમની આંખે ઊભરો લાવી નાખ્યો. જાત પર સંયમ રાખી તેમણે નિશાંતના પગ પાસે પાઘડી મૂકી. તેમણે નિશાંત સામે હાથ જોડી ભારે સ્વરે બોલ્યા:”માફ કરી દ્યો.”

 

                              મનોમન ધીરેનભાઈએ પ્રણ લીધા, આજ પછી જીવનમાં ક્યારેય પાઘડી નહીં પહેરે. દિનકરરાવ પાઘડી ઉતારવા રાજી ન હતા પણ દીકરીના ભવિષ્ય માટે ઉતારવી પડી. બધાને આ વાત ખટકી રહી હતી. નિશાંતે આવું ન હતું કરવું જોઈતું. પહેલા તો રાવજીભાઇ થોડીવાર ખળભળી ગયા. નિશાંત આવું કઈક કરાવશે એ તેમને ખબર ન હતી. આ બધુ કલ્પના બ્હાર જઈ રહ્યું હતું. તેમણે સાતમાં આકાશ પર પહોંચી ગયા. ખૂબ જ માન-પાન મળ્યું હોય એમ જરાક અમથા મલકાઈ રહ્યા હતા. છતાં, તેમને એક ડર સતાવતો હતો કે પોતાનો રુતબો ક્યાંક ખોઈ ન બેસે.

 

                              જો ધીરેનભાઈ પાઘડી મૂકવા રાજી ન થયા હોત તો જરૂર સમાજ તેમના પક્ષે ઊભો રહ્યો હોત, બીજો કોઈ માર્ગ શોધ્યો હોત પણ જ્યારે ધીરેનભાઈ એમ કરવા રાજી થઈ ગયા તો અન્ય કોઈને વચ્ચે ટાપસી પુરવી યોગ્ય ન લાગી. પરમાર ભાઈઓના આ કૃત્યથી રાવજીભાઈનું માન ચાર ગણું વધી ગયું. મનોમન વિચારી રહ્યા હતા કે સમાજમાં બધાને હવે ખબર પડી જશે સોલંકીઓ હારે વેર નોતરવાનું પરિણામ શું આવી શકે છે. નિશાંત ઊભો થઈ ગયો, તે દરવાજા તરફ બે ડગલાં વધ્યો. બધા છક થઈ ગયા, અધ્યક્ષ ચાર બોલ્યા:”ક્યાં હાયલા?”

માથું નકારી નિશાંત ચાલતો થયો.

“જોવો, તમે ક’યુ એ બધુય અમે કયરું સે નિશાંતભાય, ધીરેનભાઈ-દિનકરરાવ વડીલ સે ‘ને તમારા કરતાં ઘણા મોટા, તેમ છતાં, તેમણે તમારા પગે પયડા. ઈ થી વધારે તમારે હું જોય?” ચારે પૂછ્યું.

“મારે કઈ નથી જોઈતું, મારે કોઈ સંબંધ નય.”

“નિશાંતભાય આ વાત ખોટી પડે. તમે ક્યો ઈ કયરું. હવે સમાધાન કરો.” અધ્યક્ષ ૧ બોલ્યા.

“નય કરું!”

“કાં” અધ્યક્ષ ૨એ પૂછ્યું.

તેણે માથું ધુણાવી ના પાડી.

“રાવજીભાય, તમારા સોકરાને હમજાવો...” અધ્યક્ષ ચાર બોલ્યા.

         

                              રાવજીભાઇ ચૂપચાપ જોઈ રહ્યા. બની બનેલી આબરૂ પર નિશાંત પાણી ફેરવી રહ્યો હતો. પ્રશાંતને કઈક બોલવું હતું પણ તેણે મોઢામાં ફાકી ભરાવી હતી અને જગ્યા સજ્જડ હતી તો થૂંકવા જઈ શક્યો નહીં.

“ભય મારો ડીસીજન સે, ના મારે એમાં સમાજની જરૂર સે કે ના આમની.” ધીરેનભાઈ સામે જોઈ નિશાંત બોલ્યો.

“આ હારાવટ નય રે’ હો...” અધ્યક્ષ ચારે ચેતવણી આપી.

“તમે કોય મારા ઘેરે રોટલા ખવડાવા આવવાના છો? કે વરહના અનાજ ભરી આપવાના છો? તો તમે ક્યો એમ કરું? મારો નિર્ણય અફર રહેશે.”

“તે આ રકમ તો મૂકી તમારા આગળ...” અધ્યક્ષ એકે કહ્યું.

“મારા ગાર્ડનો મહિનાનો પગાર આનાથી વધારે છે.” નિશાંત બોલ્યો.

“તમારે સમાધાન નો’તું કરવું તો અમને ભેગા કાં કયરા?” અધ્યક્ષ ત્રણે પૂછ્યું.

“આ તમને મોંઘું પડશે.” અધ્યક્ષ ચારે જણાવ્યુ.

“કશો વાંધો નય.” ખંધાઈથી તે બોલ્યો અને પછી જતો રહ્યો.

“આમની હારે કોય હવે રોટી કે બેટીનો વે’વાર નય કરે... રાવજીભાયના હારા-બુરા પરસંગમાં કે એમના સોકરાના પરસંગમાં આપડા સમાજનું કોય નો હોવું જોઈ. ‘ને જો કોય એમની હારે વે’વાર કરતાં જણાશે તો ઈને પણ નાત બારે મૂકવામાં આવશે!” અધ્યક્ષ ચારે ફેસલો જાહેર કર્યો.

 

                              પ્રશાંત અને રાવજીભાઇ મૂંગામોઢ આ તમાશો જોઈ રહ્યા. મગાકાકાને પણ ચૂપ રહેવું ઠીક લાગ્યું. બધા પછી રાવજીભાઇ પર ચઢી ગયા કે કેમ તેમણે ચૂપ રહ્યા, છોકરો કહ્યામાં નથી રહ્યો? તમારે એને સમજાવો જોઈએ, આમ, સંબંધ ખરાબ ના કરાય વગેરે. રાવજીભાઈ બધાને સાંભળી રહ્યા. પ્રશાંત થૂંક ગળી ગયો હતો. તેને છાતી બળી રહી હતી, તમ્મર આવી રહ્યા હતા. તેણે એક-બે વાર માથું પણ ધૂણાવ્યું હતું. નિશાંત નીકળ્યો એટલે તેને પણ ઉઠવાનો મોકો મળ્યો. નાનજીભાઈના નાના દીકરાના હાથમાંથી પાણીનો જગ લઈ તે બ્હાર નીકળ્યો અને કોગળા કરવા લાગ્યો.

 

*

 

                              નિશાંતનું કૃત્ય અપમાનજનક હતું. તેણે બધાને હડધૂત કર્યા. ધીરેનભાઈ-દિનકરરાવ નિરાંશ લાગી રહ્યા હતા. વધુ એક પ્રયત્ન હેઠળ તેમણે નિશાંતને મળવા તેની ઓફિસ ગયા. ગ્રાઉંડ ફ્લોર પર જ કેફેટેરિયા હતું. જે ક્ષણે તેમણે ઓફિસ પહોંચ્યા ત્યારે જ નિશાંત-પ્રશાંત ઓફિસના એક કર્મચારી ત્યાં આવ્યા. તેઓ કેન્ટીનમાં ભેગા થયા. પ્રશાંત બંનેને જોઈને ચિડાયો, તેને હતું બંને ભાઈ અહીં કઈક તમાશો કરવા આવ્યા હશે.

“અય ડોહા! આયાં હું કર સ?” પ્રશાંતે તુકારો દઈ દિનકરરાવને પૂછ્યું. ગઈ વખતના ઘાવ તે ભૂલ્યો ન હતો. તે બસ એક ક્ષણની ફિરાકમાં હતો.

“અમે ફક્ત વાત કરવા આયવા સીયે.”

“વાત...(તે હસ્યો, એક ડગલું ભરી બોલ્યો) પે’લા મારા હાથ જોડે વાત કર.” કહી તેણે દિનકરરાવને તમાચો ચોડી દીધો. દિનકરરાવ લથડયા. ધીરેનભાઈ તેમને ઉઠાવા ગયા. દરમિયન કિરણ કોઠારીએ તેમને પકડી ઊભા કર્યા.

“સર, તમે ઠીક છો?” કિરણે દિનકરરાવને પૂછ્યું. ગઈ વખતની વસૂલાત કરવાના ઈરાદાથી પ્રશાંત આગળ વધ્યો.

“સર, બેક ઓફ! પાછા રો’” કિરણ કોઠારીએ કહ્યું. પ્રશાંતને જરાય ન ગમ્યું.

“તને ખબર સે ને હું કોણ છું?”

“હા. ઓફિસ ભલે તમારા ભાઈની રઈ, આ કેન્ટીનનો ઇન્ચાર્જ હું છું. મને સિક્યોરિટી બોલાવા માટે મજબૂર નો કરશો.” તેણે જણાવ્યુ.

 

                              આજુબાજુના ટેબલ પર બેસેલા લોકો આ જોઈ રહ્યા. જેમાંના ઘણા નિશાંતને ઓળખતા હતા. નિશાંત પ્રશાંતને ત્યાંથી લઈ ગયો. જ્યારે તેને વાત જ નથી સાંભળવી તો તેને મોઢે લગાડવા કરતાં જતાં રહેવું જોઈએ. એમ વિચારી ધીરેનભાઈ દિનકરરાવને લઈ પાછા વળ્યા.

 

“તું હાથ ના ઉઠાવીસ બોવ.” નિશાંતે પ્રશાંતને કહ્યું. તેમણે એક ટેબલ પર ચા પી રહ્યા હતા.

“તે ત્યારે કાં નો બોયલો એવું જ્યારે તને ઈ લોકો માયરતા’તા?”

“ઈ સિચ્વેશન અલગ હતી... ‘ને એ ડોહો તારી ભાભીનો મોટો બાપ છે. બીજીવાર એ એકેયના સાથે મીસબિહેવ કર્યું તો આ જેટલા દોરા હાથે પેર્યા હંધાય તારા મોઢામાં ઠૂંસી દઇશ!” નિશાંતે જણાવી દીધું મોટો ભાઈ કોણ છે.

 

*

 

                              માર્કેટમાં વાત ફેલાઈ ગઈ હતી. બંને ભાઈઓએ તેમના કરોડપતિ જમાઈને વગર માંકે માર્યો હતો. આવી વાતો તેમના ધંધા માટે નિષેધક હતી. એક-બે જણ તેમની દુકાને આ વિષય પર પંચાત કરવા આવતા. નિશાંત રાજકોટમાં ખ્યાતનામ વ્યક્તિ હતો. કદાચ એટલે જ તેમના ધંધા પર એની અસર પડી રહી હતી. આ તરફ સિદ્ધાર્થ બીજી દિશામાં વિચારી રહ્યો હતો. વાંક એક તરફી હતો જ નહીં. નિશાંતના બોડીગાર્ડે-ભાઈએ સામે હાથા-પાઈ કરી હતી. તેમ છતાં, કેમ નિશાંત આટલો બધો અહંકાર રાખે છે. તેના અભિમાનને ઓગાળવાનો ઉપાય સિદ્ધાર્થને મળી ગયો. તે એને રૂબરૂ થવા નીકળ્યો.

 

*

 

                              સાંજે દિનકરરાવ-ધીરેનભાઈ ઘરે આવ્યા. ઘરે બધાને બપોરે જ ફોન પર સમાચાર આપી દીધા હતા. સૌને હતું તેઓ સારા સમાચાર લાવશે પણ વાત જુદી બની હતી. સળગતો પ્રશ્ન એ ઉઠ્યો કે હવે કરવાનું શું? જેનો જવાબ કોઈના પાસે ન હતો. કાજલબેન રડવા લાગ્યા, ધીરેનભાઈ-દિનકરરાવને કોસવા લાગ્યા. શાલકી પીલ્લરના ટેકે બેસી હતી. તેના ચહેરા પર હતાશા વર્તાતી હતી. દિનકરરાવ પહેલીવાર ક્ષોભિત બન્યા હતા. તેમણે શાલકી પાસે આવ્યા. તેની પાસે બેસી બોલ્યા:

”હું પોતાને તારા માટે સમર્પિત કરી શકું છું શાલું. મારી ભૂલથી તારો ઘર સંસાર મંડાતો અટક્યો. હું પ્રણ લઉં છું દીકરી...

જ્યાં સુધી આ વાતનો સેડો નો આવે ન્યાં હુંધી અંશન કરીશ. અન્ન-જળનો આજથી ‘ને અત્યારથી ત્યાગ કરું છું!”

 

                              આ સાંભળી ઘરના સૌ ઝપકી ગયા અને આશ્ચર્ય પામ્યા. દિનકરરાવે આ કેવા પ્રણ લઈ લીધા? ઘરના તમામે મનાઈ ફરમાવી. દિનકરરાવે અંશન પર બેસવું ન જોઈએ પણ તેમણે એકના બે ન થયા. છેવટે, પરિવારે અન્ય માર્ગ શોધવાનો શરૂ કર્યો.

 

                              દિનકરરાવ-શાલકી પાસ-પાસે જમીન પર બેઠા હતા, દિશાબેન રસોડાના બારણાંની આડશે ઊભા હતા, ધીરેનભાઈ હીંચકામાં સકારાત્મક વિચારો જુલાવી રહ્યા હતા(છતાં, બેચેન દેખાઈ રહ્યા હતા), રમીલાબેન-કાજલબેન કક્ષની દીવાલ પાસે બેઠા હતા. સુરભિ તેની મમ્મીના ખોળામાં માથું રાખી આડી પડી હતી. દિશાબેન પાસે આવી બેઠા. સિદ્ધાર્થ પગથિયે બેઠો હતો. તેના માથે ઝળુંબતો ગોળો, ગોળ આછો પ્રકાશ ઝળહળાવી રહ્યો હતો. દરેકના પંડ પર ટ્યૂબલાઈટનો પ્રકાશ પૂરતો આવી રહ્યો હતો પણ એ પ્રકાશ પણ એમની જેમ નિરાંશ અને લોથ લાગી રહ્યો હતો.

 

                              રાત ઘેરાઈ ગઈ. કોઈને જમવાનું મન ન થયું. મુઝવણની ખામોશી રાત ભરખી રહી હતી. એ રાત રસોડામાં ગેસ ચાલુ ન હતો થયો. દરેક ચહેરા નીરસ અને ઉદાસ જણાય રહ્યા હતા. બધા એક પછી એક પોત-પોતાના કક્ષમાં ચાલ્યા ગયા. ફક્ત ધીરેનભાઈ અને કાજલબેન બચ્યા હતા. સૌ નિશાંત સાથે વિતાવેલ સમય સંભારવા લાગ્યા. દિશાબેન, રમીલાબેન, દિનકરરાવ અને સિદ્ધાર્થ નિશાંત પાસેથી મળેલી ભેટ નિહાળી રહ્યા, તેઓ ચાહતા હતા શાલકીનો શુભ સંસાર શરૂ થાય પણ તેમની પોતાની વિચારસરણી કઠોર પરિણામ લઈ આવી હતી. દુખ લાગી રહ્યું હતું, જે એક સંબંધ શરૂ થયો હતો સ્નેહ થી, એ આજે દ્વેષથી ખરડાઇ ગયો. શાલકી, જેનો કોઈ વાંક ન હતો. તેમ છતાં, આજે તેની જિંદગી અન્યના કારણે વળાંક લઈ રહી હતી. આ નીરસ રાતમાં નિંદ્રાહીન તેના નેણ સુકાયા.

 

                              કાજલબેન ધીરેનભાઈ પાસે આવ્યા. થોડો આરામ કરી લેવો જોઈએ. બેસી રહેવાથી સંજોગો બદલાવાના ન હતા. ગમે તેટલા દોષના ટોપલા તેમણે ધીરેનભાઈ પર નાખે અથવા તેમને કોશે, અંતે તો એ બે જ એકબીજાનાને. તેમણે ધીરેનભાઈને કક્ષમાં લઈ ગયા. વિચારોનો ભાર જાણે પગને લાગી રહ્યો હોય એમ બેય માણાં’ હળવે-હળવે કક્ષમાં ગયા. ‘ને કયો બાપ નિરાંશ ના થાય જ્યારે એની દીકરીનું સગપણ ના થતું હોય?

*

 (ક્રમશ:)

 

રાજકોટ સાઈડ સ્ટોરી (ભાગ:૮)

 

                              પ્રવેશ પાસે ઉભેલો દ્વારપાલ તેમને અંદર ન હતો આવી દેવા રહ્યો. સવારનો નવ-સવા નવ વાગ્યાનો સમય થયો હશે. કાજલબેન-રમીલાબેન નિશાંતના ઘરે આવ્યા હતા. દ્વારપાલ સાથે રકઝક ચાલી રહી હતી. છેવટે, એક દ્વારપાલ ઘરમાં ગયો અને રાવજીભાઈને વાત જણાવી. આ સ્ત્રીઓની મહેમાનગતી અનપેક્ષિત હતી. દ્વારપાલને કહ્યું બંને બેનોને અંદર આવવા દો. રાવજીભાઈએ નિશાંતના પક્ષની વાત સાંભળી હતી. સભામાં પણ દિનકરરાવ કે ધીરેનભાઈ તટસ્થ વાસ્તવિક્તા મૂકી શક્યા નહીં. રમીલાબેન-કાજલબેને નિષ્પક્ષ તથ્ય જણાવ્યુ. પ્રશાંત વ્યાયામ કરી ચા-નાસ્તો કરવા આવ્યો ત્યારે મુખ્ય ખંડમાં રાવજીભાઈને સ્ત્રીઓ સાથે વાત કરતાં ભાળ્યા. તે વ્યાકુળ બન્યો, પાસે આવી સોફા પર સ્થાન ગ્રહણ કર્યું.

 

                              રમીલાબેને સાચેસાચી વાત જણાવી. સાથે-સાથે એ પણ કહ્યું કેટલી ખુશીથી તેઓ રહ્યા હતા, બાદમાં હાથ જોડી તેમણે અને કાજલબેને માફી માંગી. કાજલબેન રડવા લાગ્યા. બંને બાપ-દીકરો ભોંઠા પડ્યા. નાની અમથી વાતમાં આ લોકો કેટલા હેરાન થઈ રહ્યા હતા. ખબર નહીં આ સ્ત્રીઓમાં શું આત્મીયતા કે એ ભાવના હતી જે તેમની નિર્મળતા પ્રગટ કરી રહી હતી. બાકી ગઇકાલે દિનકરરાવે અને ધીરેનભાઈએ માફી માંગી એમાં એ ભાવ ન હતો લાગી રહ્યો. ક્યાંકને ક્યાંક થોડો અહંકાર કે ગુરૂર જણાતો હતો. આ સ્ત્રીઓએ ફક્ત વાત જણાવી એ પરથી જ લાગી આવ્યું ઘટનાના પરિણામો તેમના માટે કેટલા આકરા-અયોગ્ય છે. જેની અસર એમના જીવન પર કરુણતા પેદા કરી રહી છે. આ ભાવને તેમણે તેમની વાત દ્વારા રજૂ કર્યો ત્યારે બંને બાપ-દીકરાનું હ્રદયદ્રવી ઉઠ્યું, તેમણે પણ સામે પોતાના કાર્યની માફી માંગી અને વિશ્વાસ અપાવ્યો કે તેઓ સગપણની વાત આગળ ધપાવશે.

                              વર્ષો બાદ કોઈ સ્ત્રીનો અવાજ આ ઘરમાં ગુંજ્યો હતો. ‘ને તેમની પીડાનું રુદન બાપ- દીકરાને આકરું લાગ્યું. કાજલબેન-રમીલાબેનની ભાવના નિર્મળ હતી. તેમને રોવડાવવું વ્યાજબી ન લાગ્યું માટે સગપણ રાબેતામુજબ રાખવાનો પ્રસ્તાવ રાવજીભાઈ મૂકી બેઠા. રમીલાબેન-કાજલબેન ઘરે પાછા આવ્યા. અંદર આવી જોયું તો ઘરમાં કોઈ હતું નહીં. પ્રશાંત-રાવજીભાઇએ નિશાંતને સમજાવવાનું બચતું હતું.

 

*

 

                              ગઇકાલે સિદ્ધાર્થ જ્યારે નિશાંતને વાત કરવા ગયો ત્યારે પૂછ્યું હતું, તે સમાધાન માટે કેમ રાજી નથી. તેણે જણાવ્યુ ‘તમારા લોકોનું સ્ટાન્ડર્ડ અમારા જેટલું નથી.’ બધાએ માફી માંગી તેમ છતાં પણ નિશાંત વાત માનવા તૈયાર ન હતો. તેની શાન ઠેકાણે લાવવા સિદ્ધાર્થે યોજના અમલમાં લાવવી રહી. ‘જો બધી જગ્યાએ એક જ વખતે સમય પણ બધે સરખો નથી હોતો તો આપણે તો માણસ છીએ, આપડો પણ સમય આવશે.’ એવું સિદ્ધાર્થનું માનવું હતું.

 

                              આ તરફ સવારમાં જ દિશાબેન તેને અને સુરભિને પોતાની સાથે લઈ ગયા હતા. ધીરેનભાઈ સવારે દુકાન પર જઈ ‘સૌરાષ્ટ્ર પ્રકાશન’ના એડિટર ગુણવંતભાઈ જે તેમના મિત્ર હતા, તેમને ચા માટે બોલાવ્યા હતા. બીજી તરફ શાલકી દિનકરરાવને ચોક પાછળના રામ મંદિરે લઈ ગઈ હતી. તેમણે આખા દિવસમાં એક અન્નનો ટુકડો આરોગ્યો ન હતો. પ્રભુ શરણમાં તેઓ ધ્યાન ધરી બેઠા હતા. જેથી ઘરે કોઈ હાજર ન હતું. દિશાબેને નિશાંતના નામથી ભોજન સેવા શરૂ કરી. જેમાં શ્રમજીવીઓ અને ભૂખ્યા રોડ પર રહેતા નિર્ધનોને પૂરી-શાક-ખિચડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું હતું. ધીરેનભાઈએ સૌરાષ્ટ્ર પ્રકાશનને ૨૦૦૦ નોટબુક નિશાંતસિંહ પરમારના નામે છાપવાનો ઓર્ડર આપ્યો. ઉપરાંત મારવાડી યુનિવર્સિટીમાં ત્રણ ગરીબ વિદ્યાર્થિનીઓની ત્રીજા સત્રની ફી ભરી તેમને પાર્ટ-ટાઈમ જોબ માટે વ્યવસ્થા કરી આપી, જેથી આગળનું સત્ર તેઓ પોતાના પૈસે ભણી શકે. આ કશાથી ઘરમાં એકમેક વાકેફ ન હતા. જ્યારે સાંજે બધા ભેગા મળ્યા ત્યારે જણાવ્યુ તેઓ નિશાંત માટે શું કરી રહ્યા છે. બધાની ભાવના ઉત્તમ લાગી રહી હતી.

 

                              ધીરેનભાઈના આઇડિયામાં ઉમેરવામાં આવ્યું. ઝૂપડપટ્ટી વિસ્તારમાં એકાદ શિક્ષણ કેન્દ્ર ઊભું કરવું જોઈએ, જેથી ત્યાંના બાળકો વાંચવું-લખવું અને સાદી ગણતરી જેવુ પાયાનું શિક્ષણ મેળવી શકે. ૩૦ જેટલા બાળકોના નોટબુક, પેન-પેન્સિલ, પાઠ્યપુસ્તક વગેરે લાવવામાં આવ્યું અને એ બધી વસ્તુઓ ઘરે લઈ જવાની નહીં ત્યાં કેન્દ્ર પર જ મૂકી રાખવાની. જેથી બીજા બાળકોના કામમાં આવી શકે. કેન્દ્ર માટે એક ખંડ ભાડે રાખવામાં આવ્યો. સામાન્ય પગારધોરણે એક શિક્ષક રોકવામાં આવ્યો, જે સોમ-શુક્ર આવીને બધા વિષય ભણાવી શકે.

 

                              દિશાબેનના આઇડિયામાં અઠવાડીયાના છેલ્લા બે દિવસો વૃદ્ધાશ્રમ-અનાથાશ્રમ, મૂકબધિર કેન્દ્ર અને અંધજન મંડળમાં રસોઈ પીરસવાનું અમલમાં લાવવામાં આવ્યું. જેમાં તેઓ વૃદ્ધો અને બાળકો સાથે જમતા. અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ જેટલા પૈસા ખર્ચાઈ ગયા હતા. બધો ખર્ચો શાલકીના લગ્ન માટે એકઠા કરેલા પૈસામાંથી કાઢવામાં આવી રહ્યો હતો. રોજના દસથી બાર હજાર રૂપિયા ખર્ચાઈ રહ્યા હતા. એવા સંબંધ પાછળ જેની કોઈ આયાત દેખાઈ રહી ન હતી. એના કરતાં શું નવું સગપણ શોધવું ન જોઈએ?

 

*

 

“બેટા, ઇ બધી ગેરસમજ પસી ભૂલી જા...” રાવજીભાઈ બોલ્યા.

 

                              તેઓ પ્રશાંત-નિશાંત સાથે સવારની ચા પી રહ્યા હતા. સર્વન્ટ વણેલા ગાંઠિયા અને કઢીનો જગ મૂકી રસોડા તરફ ગયો. સર્વન્ટના ગયા બાદ નિશાંત બોલ્યો:”પપ્પાએ વાત કરો મા. એમની હાયરે સંબંધ રાયખવામાં કશી હારાવાટ નથી. ઈ લોકોનું સ્ટાન્ડર્ડ આપડા જેટલું નથી.”

“નિશું, ભૂલ થય જાય માણાં’થી ક્યારેક... ઈ લોકોએ માફી નો માયગી તારી?” પ્રશાંતે કહ્યું.

“આ તું કય રહ્યો સે? તું? તને ગાયરું આલી’તી. ભૂલી ગ્યો? એ તું જ હતો ને જેણે એમને લાફો માયરો’તો?”

“ઈ પરિસ્થિતી અલગ હતી. ઈમને પણ આપડે નો કે’વાનું કય દિયધુ. છતાં, ઈમણે માફી માયગી.”

“ખોટું કાં વાયતનું વતેસર કયરે સે?” રાવજીભાઈએ કહ્યું.

“તમને બંનેને થયું સે હું? ઓલા દા’ડે તો કે’તા’તા કે એમની શાન ઠેકાણે લાયવી દેશું. હવે કાં આમ ક્યો છો?”

“ઈ પરિસ્થિતી જુદી હતી. ત્યારે ઈ લોકો ઘમંડમાં હતા. હવે ઈમણે આપડી માફી માયગી સે. તે કીયધુ ઈ હંધુય કરવા રેડી થ્યા તો આપડે મન મોટું રાયખી વાત મેલવી જોઈ. ખોટી હઠ પકડી રાયખી હું મયળી જાવાનું?” પ્રશાંત બોલ્યો.

“જીવનમાં યાદ રાયખ્શે આપડી જોડે પંગો લેવો કેટલો ભાયરે પડી શકે છે. ‘ને બધાને ખબર પયડવી જોઇ પરમારો કેટલા વટવાળા છે.”

“આમાં કોઈની જિંદગી દાવ ઉપર સે, બધા જાણે જ સે કોણ કેટલા વટવાળું સે...” પ્રશાંતે જવાબ આપ્યો.

“તને એટલું એનું લાગી આવતું હોય તો તું પૈણી જા એની હાયરે...” નિશાંતે કહ્યું.

“તું એની જોડ હુતો અન મને પસી કે’સ એની જોડે પૈણવાનું? જબરું!” શાંતિથી પ્રશાંત બોલ્યો. આ સાંભળી નિશાંત ચિડાયો.

“બે બાજુમાં બાપા બેઠા છે. કઈક તો બોલવાનું ભાન રાખ!”

“તું કરવાનું ભાન નથી રાયખ્તો ‘ને મને બોલવાનું ભાન રાખવાનું ક્યે સે.”

પ્રશાંત બબડ્યો.

“બસ! બોવ થયું હવે. મારે કઈ નથી સાંભળવું. મેં ના પાડી એટલે પતી ગઈ વાત! ‘ને FYI એ રાત અમે ફક્ત વાતો કયરી હતી, કાઈ લિમિટ ક્રોસ નથ કયરી.” કહી નિશાંત ઊભો થયો. પ્રશાંત વળતો જવાબ આપ્યા સિવાય રહી ન શક્યો:

“એ દુનિયા આગળ સાબિત કર.” ધીમા સ્વરે તે બોલ્યો.

 

                              નિશાંતને તે સંભળાયું. તે રોષે ભરાયો. ચૂપચાપ ઓફિસ માટે તૈયાર થવા જતો રહ્યો. રાવજીભાઈ આ બધુ નિહાળી રહ્યા હતા. પ્રશાંત દિનકરરાવ પર હાથ ઉઠાવી આવ્યો હતો, એ વાત તેમને જરાય ન ગમી. બીજી તરફ નિશાંત પણ તેમની વાત માની રહ્યો ન હતો. જેથી તેમણે નાસીપાસ થયા.

“મેં તમને એવા સંસ્કાર આયપા સે?” રાવજીભાઈએ પ્રશાંતને પૂછ્યું.

“કેવા?”

“મોટાને મારવાના... એમને બૈઈજ્જત કરવાના!”

“પપ્પા યાર, લોડ નો આપશો ખોટો!”

“મને એકવાર કય દ્યો તમે, પોતે રૂપિયા કમાતા થયા, આર્થિક રીતે સેટ થય ગ્યાં એટલે આ બાપની વાત નય માનો? અમારી વાત અવગણવાને તમે સ્ટાયલ હમજો સો કાં?”

“આમણે પાછું ચાલુ કયરું! કૈ વાત નો માની મેં તમારી? અન તમે પાર્ટી કાં બયદલી? આપડે નિશુંને મનાવાનો હતો ને? ન્યાં તમે મારી જ ગા…(જીભ પર સંયમ રાખતા તે વાક્ય સુધારે છે) હળી કરો સો.” પ્રશાંત બોલ્યો.

“મારી જ તમને મોટા કરવામાં કાંક ભૂલ થય જય હયશે. તમને બેયને તો નાના હતા ત્યારે જ વાંહે લાત માયરી ઘરની બ્હાર કાઢી મૂકવાની જરૂર હતી. તો અત્યાર આવું દોઢ ડાહપણ નો કરત.”

 

                              પ્રશાંતનો પારો છટક્યો. તેણે પકડેલું ગાંઠિયું પાછું ડીશમાં ફેંકયું, હાથ ખંખેરી ઊભો થયો. ઝભ્ભો સહેજ સરખો કર્યો અને ઊંધો ફરી વાંકો વળ્યો:”લો મારો લાત!”

 

                              રાવજીભાઈ ગુસ્સાથી રાતાચોળ થઈ ગયા. ચા અધૂરી મૂકી તેમણે ઊભા થઈ ગયા.

“લો મારોને લાત!” સવળો થઈ પ્રશાંત બોલ્યો અને પાછો અવળો ફરી વાંકો વળ્યો. રાવજીભાઈ તેમની લાકડી લઈ તેમના કક્ષ તરફ ચાલવા લાગ્યા. પ્રશાંતે તેમનો માર્ગ રોક્યો.

“લો મારો.” રાવજીભાઈ તેની બાજુમાંથી નીકળી ગયા. એ તેમની આગળ આવ્યો.

“અરે, મારો લાત!” કહી તેણે રાવજીભાઈનો હાથ પકડ્યો.

“સોડ મને!” કડકાઇથી તેમણે બોલ્યા. પ્રશાંતે હાથ છોડ્યો. તેમણે ચૂપચાપ ચાલવા લાગ્યા. પ્રશાંત સવળો થયો.

“ડોહાને હાલવાના હોંસ નથી ‘ને ઓલેમ્પિકમાં નામ લખાવું!” તે બોલ્યો. રાવજીભાઈ મૂંગામોઢ જતાં રહ્યા. તે પાછો ખુરશી પર બેસી, ગાંઠિયા અને કઢી ઠૂંસવા લાગ્યો.

 

*

 

                              ઘરની બ્હાર સામે છેડે શાલકી ઊભી હતી. તે ઘર પાસે રહેતા પેલા છોકરા સાથે આવી હતી, જે સુરભિની પાછળ પડ્યો હતો. નિશાંત ગાડીમાં પસાર થયો ત્યારે તેણે જોયું. શાલકીએ સફેદ ટી-શર્ટ પહેરી હતી. જેના પર લખ્યું હતું:’CODING TAUGHT ME TO NEVER GIVE UP WHEN SOMETHING DOES NOT WORK!’ નિશાંતના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. શાલકીના હાથમાં પોસ્ટર હતું. જેમાં લખ્યું હતું:

                                        ”રાત નથી ગુજરતી યાદમાં તમારી,

                                        એટલી નગણ્ય છું હું નજરમાં તમારી

                                        કે નથી લાયક રહી હું માફીને તમારી?”

 

                              નિશાંતને આવતો ભાળી તેણે પોસ્ટર ઊંચું કર્યું. નિશાંત વગર બોલે ગાડીમાં પસાર થયો. શાલકી ઝટપટ પેલા વાંકા-અર્ધા ઊભા સ્પ્લેંડરવાળા છોકરા જોડે તેની એક્ટિવા પાછળ બેસી. પોસ્ટર આગળ થેલીમાં ભેરવ્યું, તેઓ નિશાંત પાછળ ગયા. શાલકીએ ઝડપથી એક્ટિવા ભગાવાનું કહ્યું અને નિશાંતની બાજુમાં વાહન લેવડાવ્યું, તેણે ગાડીનો કાચ ટકોરયો. નિશાંતે કાચ નીચે કર્યો.

“સોરી નિશાંત. મને તારા ઈંટેન્શન વિષે નો’તી ખબર...” શાલકી બોલી. તેના વાળ હવામાં ઊડી રહ્યા હતા. તડકાના લીધે તેણે ગોગલ્સ પહેર્યા હતા. બંને વાહન ચાલુ હતા, ‘ને તેઓ વાતો કરી રહ્યા હતા.

“તો આ શું નખરાં માંડ્યા છે તે?” નિશાંતે પૂછ્યું.

“માફી માગુ છું હું. મેં શું કયરું તો તું મારો ફોન-મેસેજનો રિપલાય નથ આપતો?”

“આપડે બંને જાણીએ છીએ, આ સંબંધમાં માનસિકતા તમારા લોકોની નીચલી રે’વાની.”

“તદ્દન ખોટી વાત છે, આપડે બેસીને ચા પીતા પીતા વાત કરીયે...”

“મારી પાસે ટાઈમ નથી.” નિશાંતે કહ્યું. આગળ ચાર રસ્તા પર સિગ્નલ બંધ થયો. શાલકીએ આસપાસ નજર ફેરવી.

“તો આપણે આયાં ચા પી લેવી એમાં શું.” કહી તેણે એક્ટિવાસવારને કહ્યું:”લોલા, જા હામે પેલી તપરી પરથી બે કટિંગ લેતો આય.”

“જી દીદી.” કહી તેણે ટ્રાફિકમાં એક્ટિવા સ્ટેન્ડ પર લગાવ્યું અને દોડતો ચાની કીટલી પાસે ગયો.

“હું એ દિવસે હાજર હોત તો એવું કાય નો થાત પણ મને મોડા ખબર પયડી.”

“શાલકી આપડો મેળ નય પડે. ખોટી મે’નત ના કર... ‘ને પેલા ને કાં ચા લેવા મોયકલો?”

“આપડો જ મેળ પડવો જોઈએ. રાજકોટમાં તારા માટે કોય છોકરી હોય તો એ હું જ છું. આપડે જ એકબીજા માટે બરાબર સીએ. તારી પાહે મારી હારે ચા પીવાનો ટાઈમ નથી તો આપડે આયાં ટ્રાફિકમાં જ ચા પિયશૂ. એમાં ટાઈમ નય બગડે.” કહી તેણે લોલા સામે જોયું, પછી બોલી:”બે લોલા... કેટલી વાર? તારો હગલો લાઇટ ચાલુ થાય જાહે હમડા! જલ્દી કર!” આજુબાજુ ટ્રાફિકમાં ઉભેલા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. ટ્રાફિક ઉઘડવામાં ૭૧ સેકન્ડ બાકી હતી.

“જી દીદી આયો!” લોલો પ્લાસ્ટિકની થેલીમાં ચા અને કપ લઈ દોડતો આવ્યો.

 

                              તેણે ફટાફટ સીટ ઉપર ચાર કપ મૂક્યા અને એમાં ચા રેડી. શાલકીએ એક કપ નિશાંતને આપ્યો. નિશાંત યંત્રવત બની કપ પકડ્યો, બીજો કપ એના ડ્રાઈવર દિપેનભાઇને આપ્યો. દિપેનભાઇ હળવું હસ્યાં અને કપ લીધો. ત્રીજો કપ તેણે ઉપાડયો પછી બોલી:

“જસ્ટ એક વાર આપડે ભેગા મળીને વાત કરીએ. કઈક સોલ્યુશન લાવીએ. શું એ રાત પછી તને જરા પણ ફિલિંગ નથી રહી મારા માટે?”

 

                              નિશાંત તેની સામે જોઈ રહ્યો. ગોગલ્સમાં તે આકર્ષક-નિર્દોષ લાગી રહી હતી. એના આ સવાલનો જવાબ તે ન આપી શક્યો. લોલાએ કપ ઉપાડી ખાલી કોથળી ડીવાઈડર બાજુ ફેંકી. દસ સેકન્ડ બાકી રહી. લોલો વાહન પાસે ઊભો હતો. શાલકી એક્ટિવા પર બેઠી હતી. તે નિશાંતની સામે જોઈ રહી. નિશાંત અનુત્તર બની નીચે જોઈ રહ્યો હતો. બધાના વાહન ચાલુ થવાનો અવાજ આવ્યો, શાલકી જગ્યાથી સભાન થઈ. તેણે લોલાનો કોલર પકડ્યો, તેના હાથથી ચા ઢોળાતા બચી ગઈ. શાલકી બોલી:”લોલા, એક્ટિવા ચાલુ કર જલ્દી!” ટ્રાફિક ઉઘડ્યો. લોલાએ તેનો કપ શાલકીને પકડાવ્યો. તે એક્ટિવા પર સવાર થયો અને સેલ માર્યો પણ એક્ટિવા ચાલુ ન થયું. તેણે બે-ત્રણ વાર પ્રયત્ન કરી જોયો પણ ચાલુ ન થયું. શાલકી ચિડાઈ.

“શું કરે સે?”

“ખબર નય, ચાલુ નથ થતું.”

“હે ભગવાન! જલ્દી કર!” તે બોલી.

 

                              વાહન બધા ઉપડવા લાગ્યા હતા. એક્ટિવા પાછળ ઊભેલી ગાડી હોર્ન મારી રહી હતી. નિશાંતની ગાડી ત્યાંથી નીકળી ગઈ. નિશાંત ચા ન હતો પીતો. તે ચાના કપ સામે જોઈ રહ્યો અને દીર્ઘ વિચારણામાં ખોવાઈ ગયો હોય એવું લાગ્યું. લોલો પગેથી એક્ટિવા એક બાજુ લઈ ગયો અને ડબલ સ્ટેન્ડ પર ચઢાવી. શાલકી નિશાંતની ગાડી મોઢું ફુલાવી જતાં જોઈ રહી. તેના હાથમાં બે ચાના કપ હતા. લોલો એક્ટિવા ચાલુ કરવા મથી રહ્યો.

 

*

 

“ગુડ મોર્નિંગ.” આસિસ્ટન્ટ રેશ્માબા કેબિનમાં આવ્યા.

“મોર્નિંગ.” નિશાંતે જવાબ આપ્યો.

“નિશાંત એક પ્રોબલમ ઊભી થઈ છે. જેનો ઉપાય લાવવો જરૂરી છે.”

“શું?”

“ગઇકાલે વસંત ઓટોના એક્ઝિક્યુટિવ મેનેજર મળવા આયવા હતા. તેમણે મિસબીહેવનો મેઈલ કયરો છે તમારા પર. મેં કોલ પર એ બાબતે ફોલો અપ લીયધું. તો એમણે ક્યે છે એમના ઘરના સબંધ છે તમારી હાયરે. ‘ને તમે પર્સનલ ડિસ્પ્યુટના લીધે જેવુ-તેવું બોયલા એમને.”

“મેં કૈ મિસબીહેવ નથી કયરું. મેનેજર એટલે સિદ્ધાર્થ જ ને?” નિશાંતે કહ્યું.

“હા. સિદ્ધાર્થ સોલંકી. એમણે માર્કેટમાં અલગ વાત ફેલાઈ રહ્યા છે. એમણે પોતાની ગેરસમજ અંગે માફી માંગી તમારી પાસે, તમે એમને માફ નથી કરી રહ્યા તો એમણે બધી સોશ્યલ સર્વિસ ચાલુ કરી દીધી છે. લાઈક ઓરફન હોમ્સમાં જમાડવું, ગરીબ બાળકોને ભણાવવા વગેરે. પ્લસ તેમના ફાધર કઈક ઉપવાસ પર ઉતરી ગયા છે કે જ્યાં સુધી તમે એમને માફ નય કરો ન્યાં સુધી તેમણે જમશે નહીં.”

“આ બધા નાટકો છે ખોટે ખોટા!”

“નાટક હોય કે ના હોય પણ એની અસર જરૂર થઈ રહી છે. ખાસ કરીને આપડી કંપની અને વસંત ઓટોનો રિલેશન પર. દરેક એમ્પ્લોયીના મોઢે આ જ વાત નીકળે છે. શું ચાલી રહ્યું છે વસંત ઓટો અને આપડી વચ્ચે. જો જલ્દીથી આનો ઉપાય નય લાવીએ તો આ ઇસ્યુ વધશે અને પ્રોબલમ મોટી થઈ જશે.” રેશ્માબાએ જણાવ્યુ. નિશાંત વિચારમાં પડ્યો.

“શું કરી શકાય? તું કે’” તેણે રેશ્માબાને પૂછ્યું.

“એમને ખાલી માફી જોઈ છે. તો માફ કરી દ્યો. એકવાર એમણે જમતા થઈ જાશે તો વાંધો નય આવે. બાકી આ વાત ફેલાતા આપડી બદનામી થાશે.”

“બરાબર.”

 

                              હમણાં જ શાલકી સાથે વાત કરી તેને સારું લાગ્યું હતું. તે જીદ છોડી, જૂની વાત ભૂલી જઈ આગળ વધવા તૈયાર થયો હતો, ત્યાં શાલકીના ઘરના એ સામો પ્રહાર કર્યો. તેને એક બહાનું જોઈતું હતું વાત ભૂલવાનું પણ આ લોકો એમ થવા દેતા ન હતા. માટે તેણે પણ આ રમત ચાલુ રાખવાનું વિચાર્યું. તેને રેશ્માબાની વાત યોગ્ય લાગી. જીદ છોડી વાત ભૂલી જવા રાજી થવું પડ્યું. તેણે તરત રાવજીભાઈને ફોન લગાવ્યો અને જણાવ્યુ ‘ધીરેનભાઈ અને દિનકરરાવને પંચના વડવાઓ સાથે આપડા ઘરે આમંત્રિત કરો. શાલ ઓઢાડી વાત નો છેડો લાવી દઈએ. ‘ને બધાનું જમવાનું આપડા ન્યાં ગોઠવો. દિનકરરાવ આપડા ન્યાં જમીને ઉપવાસ તોડશે.’

 

                              રાવજીભાઈને આ વાત ગમી. તેમણે ફટાફટ આગેકૂચ કરી. પંચ અધ્યક્ષ૪(વજુભાઈ)ને આ વાત જાણી નવાઈ લાગી કે નિશાંતને અચાનક શું થયું? આ પ્રસંગમાં તેમણે હાજર રહ્યા. ઓફિસમાં વાત ત્યાં જ અટકી ગઈ પણ કોણ જાણતું હતું આ એક નવી શરૂઆત થવા જઈ રહી હતી.

 

*

 

                              નિશાંતનું મન ન હતું એ લોકોને ઘરે જમવા બોલાવવું પણ તેની બકરી ડબ્બામાં ફસાઈ ગઈ હતી એને નિકાળવા એમ કરવું જરૂરી હતું. તે લંચબ્રેકમાં કેફેટેરિયામાં આવ્યો ત્યાં શાલકી તેની પાછળ આવી.

“હાઈ...”

“તું આયાં શું કરે છે?”

“વાત કરવા આવી છું, તારી હારે.”

“આ તારા મોટા બાપાએ શું ધાર્યું છે નવું?”

“એમણે આપડા સારા માટે ઉપવાસ કરે છે, તને વિશ્વાસ આવે એટલે.”

“એની જરૂર નથી આજ સાંજે મેં એમને મારા ઘરે જમવા બોલાયવા છે. હું સમાધાન કરી રહ્યો છું.”

“સાચ્ચે?” હરખથી તે બોલી ઉઠી.

“હા.”

“તો આપડી એંગેજમેંટ થશે?”

“ઓ વેઇટ, વેઇટ. બોવ વધારે અપેક્ષાઓ ના રાખીશ. મારે તમારા કોઇની જરૂર નથી. મારો જીવ ના ખાવ એટલે આજે બેઠક ગોઠવી છે.”

“તો હવે હું તારો જીવ ખાઈ રહી છું? આટલું બધુ થયા અને કર્યા પછી પણ?”

“જો મેં તો તને ન હતું કહ્યું મારા માટે કાય કર? તમે જેટલું અત્યાર સુધી કર્યું એ બોવ છે.” તે કટાક્ષમાં બોલ્યો.

 

                              એક ટેબલ પર આવી તે અને રેશ્માબા બેઠા. રેશ્માબા શાલકીને જોઈ રહ્યા. ખરેખર આ છોકરીમાં કઈક અલગ હતું. તેની સાદગીમાં પણ ભારેખમ આકર્ષણ દેખાઈ પડતું હતું. સામે નિશાંત તેને કઈ ભાવ આપી રહ્યો ન હતો. શાલકી અને લોલો તેની પાસે ઊભા હતા. નિશાંતે વેઇટરને ઈશારો કર્યો. આ જોઈ શાલકી બોલી:”મને પણ ભૂખ લાગી છે.”
“તો ઘરે જા અને ખાઈ લે, અહીં શું કરે છે?” નિશાંત બોલ્યો.

“તારી હારે વાત કરવા આવી છું.”

“પતી તો ગઈ વાત.”

“એમ થોડી કાઇ પતે. તું કે’ શું કરવું છે?”

“મારે શાંતિથી મારૂ લંચ ખાવું છે.”

“બોવ સારું.” કહી તેણે રેશ્મા સામે જોયું અને તેની બાજુની ખુરશીમાં બેસી. પછી ઉમેર્યું:”લોલા, હામે બેહી જા, આજ આપડે અહીનું જમવાનું ખાયશું.” લોલો નિશાંતની બાજુમાં બેઠો.

 

                              વેઇટર આવ્યો અને નિશાંત-રેશ્માબા આગળ કોમ્બો લંચ ડિશ મૂકી. શાલકીએ પણ એ જ ઓર્ડર આપ્યો. વેઇટર ઓર્ડર લઈ ત્યાંથી ગયો. રેશ્માબા શાલકીને જોઈ રહ્યા. નિશાંત ખૂબ જ ઓકવર્ડ અનુભવી રહ્યો હતો. આ બંનેને બેસેલા જોઈ તેને ખાવાનું મન ન હતું થઈ રહ્યું. શાલકી તેની સામે જોઈ રહી:”તમે તમારું ખાવાનું ખાવ... અમારું આવી રહ્યું છે, હું કઈ ડિસ્ટર્બ નય કરું.” કહી તેણે નજર ફેરવી.

“નિશાંત, આઈ થિંક તમારે અને શાલકીબેને સાથે જમવું જોઈએ.” કહી રેશ્માબા ઊભા થયા.

“વાહ, ચાલો એટલીસ તમે તો અમને કઈક સાથે કરવા દેવા માંગો છો, થેન્ક યુ.” શાલકી બોલી.

“ના, રેશ્મા તું બેસ, એવું કઈ નથી.”

“નો નિશાંત, ધીસ ઈઝ પર્સનલ મેટર, યૂ શુડ સોર્ટ ઈટ આઉટ.” કહી રેશ્મા તેની ડિશ લઈ બીજે જતી રહી.

“તારે મને બધી જગ્યાએ એમ્બેરેસ કરવો જરૂરી છે?” નિશાંત ચિડાયો.

“એમ્બેરેસ્મેંટ માથાના વાળ જેવી છે, તમે જેટલી અનુભવો એટલી લાગે.” ખંધાઈથી શાલકી બોલી.

“ઓઓ... ફિલોસોફી. મેં તને તરછોડી ત્યાં તારામાં ફિલોસોફી અવતરવા લાગી?”

“મને તરછોડવાથી મારામાં તત્વ દર્શનની અનુભૂતિ થઈ છે, જો એવું તને લાગતું હોય તો ક્લીરલી તમે મને હજુ ઓળખતા જ નથી. તમે હજુ અજાણ્યા અને એટલા જ અપરિચિત છો જેટલા બે મહિના પહેલા હતા.” શાલકી બોલી.

 

                              નિશાંત મૂંગો થયો. શાલકી-લોલાનું જમવાનું આવી ગયું. શાલકીએ લોલાને રેશ્મા પાસે જમવા જવાનું કહ્યું. લોલાએ એમ કર્યું. તેની થાળી આવી ગઈ એટલે નિશાંતે જમવાનું શરૂ કર્યું. શાલકી બોલી:

“શું તને ખરેખર એવું લાગ્યું હતું કે બે મહિનામાં મને ઓળખી જાઈશ?”

“ચૂપચાપ તારું ખાવાનું ખા.” નિશાંત બોલ્યો.

“ખાવાનું ગરમ છે. ઠંડુ થાય તો ખાવને.”

“તો મૂંગામોઢ ઠંડુ કર. બોલ બોલ કર મા.”

“એના કરતાં આપડે બંને તારી ડીશમાંથી ખાઈએ તો કેવું રે’શે?” સ્મિત સાથે શાલકીએ પૂછ્યું. નિશાંત તેની સામે જોઈ રહ્યો.

“ના. તું તારામાંથી ખા.”

“સારું હો.” શાલકી બોલી.

 

                              બંને પછી થોડીવાર જમવા લાગ્યા. લોલો-રેશ્મા સામે ટેબલેથી બંનેને જોઈ રહ્યા હતા. શાલકીએ જમવાનું શરૂ કર્યું. એક કોળ્યો ખાધા પછી તે બોલી:“ખાવાનું તો સારું છે હો આયાં. કેટલાનું મળે છે?” તેણે પૂછ્યું. નિશાંતે કોઈ ઉત્તર ન આપ્યો. તે ચૂપચાપ ખાતો રહ્યો. પછી શાલકીએ ઉમેર્યું:”એટલે અમારા ઘરેથી ટિફિન ન’તા લય જાતા. આયાં આવું ચટાકેદાર ખાવા મળે ને...નય?” તે નિશાંતની મશ્કરી કરી રહી હતી. નિશાંત નિરસભાવે તેની સામે જોઈ રહ્યો. તેણે જમી લીધું, ઊભા થઈ ડિશ લઈ સિંક પાસે ગયો. શાલકી તેની પાછળ ગઈ.

“હવે, જમીને શું આઇસ્ક્રીમ ખાવાનો કે ઠંડુ પીવાનું?”

“હવે હું કામ કરીશ અને તું ઘરે જા...”

“પણ મારે આઈસક્રીમ ખાવો છે.” તે અને નિશાંત ડિશ મૂકી, સિંકમાં હાથ ધોઈ રહ્યા હતા. નિશાંત ચૂપચાપ હાથ લૂછવા લાગ્યો. તેઓ બ્હાર નીકળ્યા.

“બોલને, ચાલો આઇસ્ક્રીમ ખાવા જાઈ...”

“ઇનફ! બોવ થયું હવે. મને કામ કરવા દે. હું તારા જેમ નવરો નથી. ઘરે જા!” તેણે શાલકીને ધધડાવી. આસપાસના લોકો તેમને જોઈ રહ્યા. શાલકી સહેજ ભોંઠી પડી. તે ચૂપચાપ  ટેબલ પાસે ગઈ. ચાવી ઉપાડી અને નીકળી ગઈ. જતાં-જતાં વિષાદભાવે બોલી:”હાલ લોલા, ઘેરે જાવી.”

 

                              લોલો ફટાફટ ડિશ મૂકવા ચાલ્યો. શાલકી બ્હાર નીકળી ગઈ. નિશાંત કાઉન્ટર પર પૈસા આપી રહ્યો હતો. લોલો આવ્યો અને તેને જોઈ રહ્યો, એટલે નિશાંતે પૂછ્યું:”શું?”

“મારી પાસે પૈસા નથી, ‘ને દીદી બારે નીકળી ગયા...”

“મારા હારા... માથે જ પયડા સો બધા મને.” તે બબડ્યો અને લોલા-શાલકીના જમવાના પૈસા આપ્યા.

 

*

 

                              સાંજે પાર્કિંગમાં એક છેડે લોલો ફુગ્ગા ફુલાઈ રહ્યો હતો. શાલકી એટલામાં દેખાઈ રહી ન હતી. નિશાંત ઓફિસની બ્હાર આવ્યો ત્યારે તેને કોઈકનો ફોન આવ્યો. તે વાત કરતો પાર્કિંગ તરફ આવી રહ્યો હતો. તેનો ડ્રાઈવર ગાડીને ટેકો દઈ માથું નીચે રાખી ઊભો હતો. નિશાંત આવ્યો એટલે તેણે દરવાજો ખોલ્યો. નિશાંત પાછળ બેસયો, ડ્રાઈવર દરવાજો બંધ કરી, આગળની સીટ પર આવ્યો. નિશાંત વાત કરી રહ્યો હતો. ડ્રાઈવર બેસી રહી સામે જોઈ રહ્યો હતો. બે ક્ષણ બાદ નિશાંત બોલ્યો.

“મિસ્ટર સ્મિથ, હોલ્ડ ફોર અ સેકન્ડ! ગિવ મી અ મિનટ.” કહી તેણે ડ્રાઈવર સામે જોયું અને કહ્યું:”કાં દિપેનભાઇ ઊભી રાયખી?”

“ક્યાં જાવું સે?” કહેતા શાલકી પાછળ ફરી. તે ડ્રાઈવરના યુનિફોર્મમાં આગળ બેસી હતી. શાલકીને જોઈ નિશાંત ડઘાઈ ગયો.

“વોટ ધ હેલ!!!” બોલી તે સીટ પર ઊછળી પડ્યો. તે ગાડીની બ્હાર નીકળ્યો.

“યુ સ્કેર્ડ ધ શીટ આઉટ ઓફ મી!” તેણે શાલકીને કહ્યું. ખંધું હસતાં શાલકી બ્હાર આવી અને બોલી:”સોરી. કેવી લાગી સરપ્રાઈઝ?”

“અરે માય ગઈ સરપ્રાઈઝ! દિપેનભાઈ ક્યાં છે?”

“એમને અમે બેભાન કરીને પાછળ ડેકીમાં પૂરી દીધા છે.” શાલકી બોલી.

“વોટ?” આશ્ચર્ય અને આઘાત સાથે નિશાંત બોલ્યો. તેણે સ્ટિયરિંગ પાસે સ્વિચ દબાવી પાછળની ડેકી ખોલી.

 

                              ડેકી ખોલતા એમાંથી સોરી લખેલા ફુગ્ગા, લાલ અને સફેદ રંગના તથા દિલ આકારના ૯,૧૦ રીબીનથી બાંધેલા ફુગ્ગા ઊડ્યાં. નિશાંતને આઘાત પર આઘાત લાગી રહ્યા હતા. ડેકીમાં દિપેનભાઇ ન હતા.

“આમાં નથી દિપેનભાઇ.”

“ઓહ સીલી... તને ખરેખર લાગ્યું હું એમને બેભાન કરીને ડેકીમાં પૂરી દઇશ?” નિશાંતને ના સમજાયું શું બોલવું જોઈએ. તે ચૂપચાપ એને જોઈ રહ્યો, શાલકીએ ઉમેર્યું:”એમને પૈસા આપી, બીજો ડ્રાઇવિંગનો યુનિફોર્મ લઈ તને સરપ્રાઈઝ આપવા એમને ટહેલવા મેં મોકલી દીધા હોય... તને એવું લાગે છે? એ સાવ ગાંડા જેવી વાત છે.” કહી તે હસી. જોકે, ખરેખરમાં તેણે એવું જ કર્યું હતું.

“તું સાયકો થઈ ગઈ છું.” બોલી તેણે દીપેનભાઈને ફોન લગાવ્યો.

“એમના મમ્મીની તબિયત ખરાબ હશે... કદાચ.” શાલકી બોલી. નિશાંત તેની સામે જોઈ રહ્યો. દીપેનભાઈએ કોલ ઉઠાવી એ જ વાત જણાવી.

“બોવ સારું.” ડેકી બંધ કરતાં તેણે કહ્યું અને ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખોલ્યો.

“નિશાંત સોરી યાર...”

નિશાંતે ગોગલ્સ ચડાવ્યા. “શાલકી મેં ઓલરેડી માફ કરી દીધા છે અને આજે સાંજે સમાધાન માટે તારા પપ્પાને પણ બોલાવ્યા છે, તો પ્લીઝ આ બધા સ્ટંટ કરવાનું બંધ કરી દે. તું મારા માટે નથી. આપડી વચ્ચે એ સ્પાર્ક નથી જે એક સબંધ હોવા જોઈએ. લીવ ઈટ યાર. સ્ટોપ ધીસ ડ્રામા!” તેણે શાલકીને જણાવ્યુ.

 

                              શાલકી ન હતી જાણતી નિશાંત તેની સાથે રહેવા જ નથી માંગતો. તેને હતું કે ઝઘડાના લીધે તે ગુસ્સે હશે પણ તેને શાલકી માટે કોઈ લાગણી જ રહી ન હતી. નિશાંતના શબ્દો તેને ખૂબ આકરા લાગ્યા.

“સાચી વાત કરી હતી તે, હવે લોકોનું સ્ત્રીઓ પ્રત્યેનું વલણ વસ્તુ વિશેષ થઈ ગયું છે માનવ વિશેષ નહીં. આ બધા ઝઘડા મેં તો ન’તા કયરા ને? શું મેં તને માયરો? મેં તમને ગાયરું દિયધી? મેં એવું કાંય નથ કયરું કે તારે મારી હારે સબંધ કાપવો પયડે, તો કાં તું મારી હાયરે આવું કરે છે...? તને ખબર છે આ SORRY લખેલા ફુગ્ગા શોધવા કેટલા મુશ્કેલ છે? તને ચેલેન્જ આપું છું, જા આખા રાજકોટમાં આવા ફુગ્ગા શોધી બતાવ... પણ તને કાશી કદર જ નથી. તે કહ્યું એ સાચું જ છે આ સમાજમાં અમારું અસ્તિત્વ વસ્તુ વિશેષ છે. તમારા ભાયડાઓના અહંકારમાં અમારે અમારી જિંદગી વાળવી પડે છે. એક નિર્જીવ એઠા બર્ગર જેમ. જેને કોઈ મોએ લગાવવા નથી માંગતુ.” કહી તે ત્યાંથી જતી રહી.

 

                              પશ્ચાદભૂમિમાં લોલો સોરી લખેલા ફુગ્ગા ફુલાવી, રીબીન બાંધી હવામાં ઉડાવી રહ્યો હતો. નિશાંત મંત્રમુગ્ધ બની પૂતળા જેમ ચોંટી ગયો પછી ગાડી ચાલુ કરી, ત્યાંથી નીકળી ગયો. તે વિચારમાં પડ્યો. તેની પોતાની વિચારસરણી અને તેણે ભરેલા પગલામાં વિરોધાભાસ દેખાઈ રહ્યો હતો. આ દંભ કેવી રીતે એનામાં પ્રગટ્યો? તે મનોમંથન કરવા લાગ્યો.

 

                              શાલકી પાછળના પાર્કિંગ તરફ જઈ, એક જગ્યાએ બેસી ગઈ. બાજુમાં ડ્રાઈવરની ટોપી મૂકી, રડવા લાગી. થોડીવાર બાદ લોલો પાસે આવ્યો, તે એને સાંતવાના આપવા માંગતો હતો પણ સમજાયું નહીં શું બોલવું જોઈએ, તે ચૂપચાપ ઊભો રહ્યો. નિશાંતે બારીમાંથી આકાશમાં ઉડતા ફુગ્ગા જોયા અને પછી ડ્રાઇવિંગમાં ધ્યાન આપી જતો રહ્યો.

 

*

 

                              સિદ્ધાર્થ જાણતો હતો લગ્નની રજૂઆત નિશાંત નકારી દેશે. ધીરેનભાઈ-દિનકરરાવને તેણે એ વાત ન કાઢવા અગાઉથી જ ચેતવી દીધા. સમય આવે બધુ થશે. તેણે ઘરનાને વિશ્વાસ અપાવ્યો. સિદ્ધાર્થ, દિનકરરાવ, ધીરેનભાઈ, મગાકાકા, નાનજી ફૂઆ, વજુભાઈ અને પંચ અધ્યક્ષ ત્રણ રાવજીભાઈના ઘરે ભેગા થયા. નિશાંત જૂની વાત ભૂલી જઈ વડીલોને પગે લાગ્યો. સૌએ માનની લાગણી અનુભવી. બાદમાં દિનકરરાવને રાવજીભાઈએ શાલ ઓઢાડી રામરામ કરી જૂના મતભેદો પર માટી નાખી. આ જોઈ સિદ્ધાર્થ મનમાં એક જ શબ્દ ઘોળી રહ્યો હતો:સ્ટાન્ડર્ડ. બધાને લાગ્યું સંબંધ સચવાય ગયો છે પણ બંને પાર્ટીના અલગ મનસૂબા હતા, જેથી કોઈ સગાઈની વાત લાવ્યું નહીં. પંચ અધ્યક્ષ અને ફુવા-કાકા આ બાબત મનમાં વિચારી જ રહ્યા હતા પણ ત્યારે મૂંગા રહ્યા. સૌએ સાથે ભોજન લઈ, થોડીવાર બેસી, વાતોચિતો કરી છૂટા પડ્યા.

 

                              નિશાંતને એમ હતું જૂના વિવાદનો છેડો લાવવાથી મેટર પૂરી થઈ જશે પણ એમ થઈ ન હતું રહ્યું. સોલંકી પરિવારના સારા કાર્યો, લોકોની સેવા તેમણે મૂકી નહીં. તેમણે નિશાંતનું નામ પડતું મૂકી શાલકીનું માર્કેટિંગ કરવા લાગ્યા. બીજા દિવસે સવારે સૂર્યોદય નામની નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના કાયદાકીય દસ્તાવેજ બનાવી સંસ્થા ઊભી કરી દીધી. તેમના દરેક કામના મુખ્ય હિમાયતી શાલકીને દેખાડવામાં આવી. શાલકી મારવાડી યુનિવર્સિટીમાં ભણતી હતી. ધીમે ધીમે કોલેજના વિદ્યાર્થીઓને તેણે પોતાની ઓર્ગેનાઇઝેશનમાં જોડ્યા. જેનાથી બે ફાયદા થયા. શિક્ષણ કેન્દ્ર પર ભણાવા માટે મુફ્તમાં કોલેજના વિદ્યાર્થીઓ આવવા લાગ્યા, ઉપરાંત, NSSના વિદ્યાર્થીઓ પણ અન્ય સેવામાં જોડાયા. ધીરેનભાઈએ તેની કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓની ત્રીજા સત્રની ફી ભરી, નોકરી અપાવી હતી તો એ કન્યાઓ ધર્મના પ્રચાર જેમ લગનીથી શાલકીનું માર્કેટિંગ કરી રહ્યા હતા જેના સકારાત્મક પરિણામ દેખાઈ રહ્યા હતા. સંસ્થાનું કદ વધી રહ્યું હતું. આ બધાની આગેવાન શાલકી હતી. તેના મેનેજમેંટ હેઠળ બધી પ્રવૃતિઓ ચાલી રહી હતી.

 

                              એ પછી સંસ્થાને ફંડિંગ મળવા લાગ્યું. આવી પ્રવૃતિઓમાં ઘણા ઉદ્યોગપતિઓ અને માલેતુજાર વ્યક્તિઓ પોતાનું યોગદાન આપવા લાગ્યા. દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કન્યાઓને NCC અને સ્પોર્ટ્સ કોટા હેઠળ સ્કોલરશીપ મળે એ માટેનો જોગવાઈ પત્ર મોકલ્યો. જેની ચર્ચાએ રાજકોટમાં ગરમાહટ પકડી કે ત્રણ-ચાર દિવસ પહેલા જ ઊભી થયેલી એક સામાજિક સંસ્થા પુરજોશથી આવા બધા કામ કેવી રીતે શરૂ કરી શકે છે? આટલી અંદર સુધીની માહિતી કેવી રીતે મેળવી શકે છે. સામે તરફ ABVP-NSUI સાથે આ સંસ્થા કોઈ સંબંધ ધરાવે છે કે નહીં? આ સંસ્થાનો હેતુ શું વગેરે જેવી ચર્ચાઓ લોકોને કરવા માટે મળી ગઈ. જેનો અર્ધો શ્રેય શાલકીને જતો હતો જેણે કોલેજમાં આ બધુ જોયું હતું અને સ્કોલરશીપ ન હોવાથી કેટલી છોકરીઓ નથી ભણી શકી એ ખ્યાલ હતો.

 

                              પચાસ ટકા કામ તો ત્યાં જ પતી ગયું. એડમીન વિભાગમાં આ બાબત પ્રત્યે જાગૃત કરવાના હતા. તેની પાસે સંસ્થા માટે કામ કરતાં અનુયાયી કહી શકાય એવા યુવાન/યુવતીઓ હતા જ. કોલેજમાં એમને ભેગા કરી સવારે ૧૦:૩૦ના બ્રેકમાં ઓપન સ્ટેજ આગળ ભાષણ આપી દીધું કે ‘કેવા બદલાવ જરૂરી છે અત્યારની એડ્યુકેશન સિસ્ટમમાં. જેના પ્રથમ પડાવ તરીકે સ્કોલરશીપની માંગ કરવી જોઈએ. એના માટે હું અત્યારે પ્રિન્સિપાલશ્રી સર વિનાયક પુરોહિત પાસે જાવ છું. જેને આ બાબત યોગ્ય લાગતી હોય ઈ મારી હારે આવી શકે છે.’

 

                              પછી જોઈતું હતું જ શું? કોલેજ કેમ્પન્સમાં ઉભેલા અન્ય વિદ્યાર્થીઓ પણ તેની સાથે જોડાયા. પ્રિન્સિપાલની ઓફિસ બ્હાર કોલાહલ થઈ ગયો. ૫૫ થી ૬૦ જેટલા વિદ્યાર્થીઓ બ્હાર ઊભા હતા. શાલકીએ બધાની સહી લેવડાવેલું પેટિશન બતાવ્યુ અને વિનંતી પત્ર રજૂ કર્યું. આ ઘટના સાંજના અખબારમાં આવી ગઈ અને પછી સવારે રાજકોટના અન્ય દૈનિક સમાચાર પત્રની પુરતીઓમાં શાલકીનું આ અભિયાન ફરવા લાગ્યું.

 

                              સાંજે ઘરના સભ્યો શાલકીનો ફોટો સુરખીમાં જોઈ વાંચી રહ્યા હતા, ત્યારે એનો ફોન રણક્યો. છેલ્લા ત્રણ દિવસમાં શરૂ થયેલી સમાજસેવાએ ભારે જોર પકડ્યું હતું. વાત છેક V9 ગુજરાતી ન્યૂઝ ચેનલ સુધી પહોંચી ગઈ. તેઓ શાલકીનો એક્ષ્ક્લુઝિવ ઇન્ટરવ્યુ લેવા માંગતા હતા. જો અત્યારે તેઓ ઇન્ટરવ્યુ માટે આવી જતાં હોય તો રાતે ૧૦ વાગ્યાના પ્રસારણમાં તેનું ઇન્ટરવ્યુ રજૂ કરવામાં આવી દે. સિદ્ધાર્થે લીલી જંડી બતાવી. શાલકી ઇન્ટરવ્યુ માટે તૈયાર થઈ. ઘરના સભ્યોએ તેને પુછવામાં આવતા સવાલો માટે તૈયાર કરી. સ્ક્રીપ્ટની સાદી કોપી તેને મેઈલ કરી દેવામાં આવી હતી. એના પરથી તેના જવાબ તૈયાર કરવામાં આવ્યા. જેમાં સુરભિએ ઘણી મદદ કરી. તેણે શાલકીને બધી વાતો પૂછી હતી. એ રાતે નિશાંત સાથે શું વાત થઈ હતી. એ બધી વિગતો તેની પાસે હતી. તૈયાર કરેલા જવાબ સચોટ અને પ્રતિભાશાળી હતા. આખી પોળમાં તમામ લોકોને ખબર પડી ગઈ આજે શાલકીનો ઇન્ટરવ્યુ પ્રસારિત થવાનું છે.

 

*

 

“કેમેરા રોલિંગ...?”

“રોલિંગ.”

“એન્કર રેડી?”

“રોલિંગ.”

“ફિફ્ટીન, ફોર્ટિન... થર્ટિન, (શાલકી-એન્કર સ્ક્રીન સામે બેઠા હતા. ૧૨ સેકન્ડમાં રેકોર્ડિંગ શરૂ થવાનું હતું) ટ્વેલ, ઇલેવન, ટેન, નાઈન, એઇટ, સેવન, સિક્સ, ફાઇવ, ફોર, (એન્કર પૂતળા જેમ સ્થિર બની કેમેરા સામે જોઈ રહી હતી) થ્રી, ટુ, વન...” કેમેરામેને થમ્સ અપની સંજ્ઞા દર્શાવી.

એન્કર:”એક કાઠિયાવાડી કન્યા જે આજકાલ અને રોજબરોજ તેના સામાજિક કાર્યથી રાજકોટની જનતાની જનની બની બેઠી છે. છેલ્લા ઘણા દિવસોથી સ્લમ વિસ્તારમાં બાળકો ભણવા જઈ રહ્યા છે, મહાવિદ્યાલયમાં છાત્રો તેમની જવાબદારીથી વાકેફ થઈ રહ્યા છે, વિનામૂલ્યે શ્રમજીવીઓને ભોજન મળી રહ્યું છે, વગેરે બીજા ઘણા કાર્યો છે, જેની નોંધ બહુ લાંબી છે. એ સૌની વાત આજે આપણે આ સ્પેશ્યલ ઇન્ટરવ્યુમાં કરવાના છીએ. નમસ્કાર હું મહિમા અગ્રવાલ આપનું સ્વાગત કરું છું આજના આ ખાસ શોમાં.

 

                              કોણ છે તે કન્યા? જેણે એકાએક આ બધા કાર્યો હાથે ધર્યા? શું છે તેનું લક્ષ્ય? ક્યાંથી આવી છે આ મહત્વકાંક્ષી યુવતી? અ બધા સવાલોના જવાબ આજે આપણને એ વ્યક્તિ પોતે જણાવા આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે. શાલકી સોલંકી. શાલકી તમારું આ શોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. હું મહિમા અગ્રવાલ આજના ઇન્ટરવ્યુની હોસ્ટ તમારો આભાર વ્યક્ત કરું છું, તમે તમારા ટાઈટ સેડ્યુલમાંથી સમય કાઢી અમારી સાથે વાત કરવા આવ્યા એ માટે. શાલકી સૌને તમારા વિષે જાણવું છે. તમે તમારા વિષે અમને કહો...”

શાલકી:”જી થેન્ક યુ મહિમાબેન, મને અહીં આમંત્રિત કરવા માટે. રાજકોટના લોકો સામે આ રીતે મારી જાતને રજૂ કરવી મારા માટે ખૂબ જ મોટી વાત છે. હું આ શહેરની એક સાધારણ કન્યા છું. મારી આસપાસ હું લોકોને જોવ છું, જે સામાન્ય સુવિધાઓ પણ અફોર્ડ નથી કરી શકતા, તેમની મદદ કરવાની ઈચ્છા મને જાગી, ‘ને મેં આ કાર્ય હાથ ધાર્યું. આજે હું રાજકોટના લોકોની મદદથી જ અમારી સંસ્થા આ બધા કાર્યો સફળતાથી આગળ વધારી શકી છે.”

“જી બિલકુલ. શાલકી એવી કઈ બાબત છે, જે તમને સમાજનો ઉદ્ધાર કરવા મોટીવેટ કરે છે?”

“મારા પપ્પા. એમણે કોઈને દાબમાં રાખતા નથી. તેઓ સૌનો વિકાસ ઇચ્છતા હોય છે. તેમણે લોકોની મદદ કરતાં હોય છે. મને એમનાથી ખૂબ પ્રેરણા મળે છે.”

એન્કર:“વાહ... એક પિતા અને દીકરીનો સંબંધ બહુ જ ખૂબસૂરત હોય છે. દુનિયાના બધા સંબંધ એક તરફ અને પિતા-પુત્રીનો સંબંધ એક તરફ.”

“જી ખરી વાત.”

“શાલકી, તમારી એંગેજમેંટ વિષે અમને વાત મળી છે. જાણીતા ઉદ્યોગપતિ રાવજીભાઈના પુત્ર અને ઈકામાંરુ કંપનીના ચેરમેન નિશાંત પરમાર સાથે તમારી સગાઈ નક્કી થઈ હતી. જે હાલમાં તૂટી ગઈ છે. તમે એના વિષે કઈ કહેવા માંગશો?”

“મહિમાબેન, હાલમાં આપડા સમાજમાં સ્ત્રીઓએ પુરૂષોને આધીન રહેવું પડે છે. જે કાંય મિસઅંડરસ્ટેન્ડિંગ થય હતી એમની અને મારા પરિવાર વચ્ચે, એમાં મારી દેખીતી રીતે કોઈ જાતની ભૂમિકા ન હતી પણ એમનું એવું માનવું છે કે મારૂ સ્ટાન્ડર્ડ એમના જેટલું નથી.” નિશાંત આ ઇન્ટરવ્યુ જોઈ રહ્યો હતો. તેના કાન સરવા થયા.

“શું મિસઅંડરસ્ટેન્ડિંગ થઈ હતી તમારી અને નિશાંત પરમાર વચ્ચે?

“એમણે શરત મૂકી હતી કે લગ્ન બાદ બાળકનો ટેસ્ટ કરાવા માંગતા હતા. તેમના કારણો અલગ હતા ‘ને અમારા અલગ. જેના કારણે ઇસ્યુ થયો હતો. હયશે જો એમને એવું લાગતું હોય કે અમારું એટલું સ્ટાન્ડર્ડ નથી, તો કદાચ નહીં હોય.”

“તો શાલકી તમને એવું લાગે છે ક્યાંક કોઈ છેડે, કોઈક રીતે એ બાબત તમારી અન્ય લોકોને મદદ કરવા સાથે કનેકટેડ છે? હું ખાલી ડોટ્સ જોડવા પ્રયત્ન કરું છું. શું હોય શકે છે?”

“મહિમાબેન, બધા બધુ મેળવી નથી શકતા જીવનમાં. આ અધુરપ હું અન્ય લોકોમાં જોવ છું, કેટલી સામાન્ય બાબતો, કેટલી સાદી વસ્તુઓ, જે આપડા માટે મામૂલી હોય છે, એ મેળવવા લોકો તરસતા હોય છે. એ પ્રાથમિકતા પૂરી કરી શકતા નથી. મારે એમની એ જરૂરિયાત પૂરી કરવી છે. મારે રાજકોટની પ્રજાના જીવનમાં સારી તકલીફો જોઈએ છે. એવી પ્રોબલમ જે જીવન જરૂરિયાતની પ્રાથમિકતા પર મર્યાદિત ના રહે.”

“કેવી રીતે એટલે? પ્રજાની તકલીફ કે પ્રોબલમથી લગ્ન સંબંધ કે પ્રેમ સંબંધને શું લેવાદેવા?” એંકરે પૂછ્યું.

“આપડા લોકોની જે માનસિકતા છે. લગ્ન વગરના સંબંધની એ બદલવી છે, આપડી જનતા ઘણું બેટર ડિસર્વ કરે છે. એક યુવક-યુવતીના પૂર્વ પ્રેમ સંબંધને કેમ અસામાજિક રીતે જોવામાં આવે છે? જો કોઈ એ વિષે સાચેસાચું જણાવી દે તો માણસો સંબંધ આગળ વધારતા નથી. ક્યાંથી વધારે? આપડો સમાજ લગ્ન માટેના ધોરણો જ જીવનની પ્રાથમિકતા સુધી સીમિત રાખે છે. છોકરો કેટલું કમાય છે? શું ભયણો છે? પોતાનું ઘર છે કે ભાડે રેય છે? આ બધી ભૌતિક પ્રાથમિકતાથી આપડે ઉપર ઉઠવાનું છે. જ્યારે બધા પાસે આ ભૌતિક જરૂરિયાતો હશે, ત્યારે એ બાબતો, એ વસ્તુઓ ગૌણ થઈ જાશે. ‘ને ત્યારે સમાજ મોકળા મનથી વિચારશે કે લગ્ન વગરનો પૂર્વ સંબંધ એ કાય કલંક નથી. જોકે, એને વધારે હું પ્રોત્સાહન પણ નથી આપતી પણ કોઈ વ્યક્તિને જાણવા એ સંબંધ રાખવો પયડો હોય તો મને એમાં કાંય ખોટું પણ નથી લાગતું. દરેક વસ્તુના પ્રોસ અને કોન્સ રે’વાના. આમાં લીવ ઇન રિલેશનમાં બધુ જ સારું હોય એવું પણ હોતું નથી, તેની પણ કેટલીક મર્યાદા હોય છે.”

“જી, જી બિલકુલ. શાલકી, તમારી વાત સાથે હું ૧૦૦% સહમત થાવ છું. સ્પિરિચ્યુયાલિટી તરફ વધવા માટે પણ સામાન્ય જરૂરિયાત પૂરી થવી એટલી જ જરૂરી છે, તો જ માનવી આધ્યાત્મિકતા તરફ વળી શકે છે. શાલકી તમારું આગળનું વિઝન શું છે? તમારો નેક્સ્ટ ગોલ શું છે?”

“હાલમાં અમે આ બાબતો પર વધારે ફોકસ કરીયે છીએ કે સ્લમ વિસ્તારના બાળકો ભણે, સ્ટ્રીટ અને ફ્લાયઓવર નીચે રહેતા લોકોને બે ટંકનું જમવાનું મળી રહે, એવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, મુખ્ય ગોલ એ છે કે આગળ જતાં કોઈ યુવક/યુવતી આર્થિક સકડામણના કારણે ભણવાનું નો છોડે. એના માટે પાર્ટ ટાઈમ નોકરી જેવી તકો અમે એમના માટે લાવી રહ્યા છીએ...”

 

                              એમ આગળ ઇન્ટરવ્યુ ચાલતું રહ્યું. નિશાંત બધુ સાંભળી રહ્યો હતો. શાલકી અને તેના પરિવારે કઠોર પ્રહાર કર્યા હતા તેના પર, એને હતું તે એ બધા કરતાં આગળ અને ઉપર ઊંચા મુકામે છે કે કોઈ તેનું કશું બગાડી નહીં શકે પણ એ લોકોએ તેની સામાજિક પ્રતિભા અને કમાવાની સુવિધા પર સોલીડ અટેક કર્યા હતા. એક વાત તેને ગમી. શાલકી આગેવાન બની ગઈ છે. કેવું સરસ ટીવીમાં બોલી નાખ્યું. ગોળ ગોળ વાત ફેરવ્યા કરતાં સીધે સીધું નામ મારૂ આપી દીધું કે મેં શું કર્યું હતું. લાવ એને મેસેજ કરું...

 

                              ઘરના બધા શાલકીનો ઇન્ટરવ્યુ જોઈ રહ્યા હતા. શાલકી દિશાબેન પાસે બેસી હતી. તેનો મોબાઈલ બાજુમાં પડ્યો હતો. અનાયાસે તેનું ધ્યાન મોબાઈલ પર એક-બે વાર ગયું. પછી બધા સાથે મન ભળી ગયું.

 

‘hi’ નિશાંતે મેસેજ ટાઈપ કર્યો. બે ક્ષણ વિચારમાં પડ્યો અને પછી મેસેજ ભૂંસી નાખ્યો. પછી લખ્યું:’શું કરે છે?” તે મેસેજ મોકલવા જઈ રહ્યો હતો પણ મેસેજ ઠીક ન લાગ્યો, તેણે પાછું બેકસ્પેસ મારી મેસેજ કાઢી નાખ્યો. પછી લખ્યું:”Nice interview! Congrats!”

 

                              મનમાં વિચારી રહ્યો કે પોતે શું કરી રહ્યો છે? કેટલા વાર પ્રહાર સામ સામે થયા. દુશ્મનાવટ નિભાવામાં સોલંકીઓએ કોઈ કસર બાકી ન હતી રાખી. છતાં, કેમ તેમનાથી આત્મીયતા જોડાઈ ગઈ છે? કેમ મને એના પ્રત્યે આકર્ષણ થઈ રહ્યું છે? નિશાંતે પોતાને પૂછ્યું. એ વિચારમાં જ આખી રાત પસાર થઈ ગઈ. સવારે ઊઠીને જોયું તો મેસેજ સેન્ડ કરવાનું તે ભૂલું ગયો હતો. એ મેસેજ પણ બેકસ્પેસથી ભૂંસી નાખી તે નાહવા ગયો. આ બેક્સ્પેસે કેટલા વિચારો અને કેટલા લોકોને પોતાની ભાવના રજૂ કરતાં રોક્યા હશે. કાશ આ બેકસ્પેસનો આવિષ્કાર ન થયો હોત તો જીવન કેટલું સરળ બની જાત.

 

*

 

                              શાલકીનો મોબાઈલ ઘરમાં હતો. સવારથી જ સંસ્થાના, કેન્દ્રના, ભોજન મંડળ, કોલેજ, મિત્રો વગેરેના કોલ મેસેજ આવવા લાગ્યા હતા. જેનો જવાબ આપનાર કોઈ હતું નહીં. પછી એક બે જણ તેની શોધ કરતાં કરતાં ઘરે પણ આવી ગયા. ઘરેથી જાણવા મળ્યું કે તે બ્હાર ગઈ છે. ક્યાં ગઈ છે એ ઘરનાને પણ ન હતી ખબર.

 

                              ઘણું કામ તેના વગર અટક્યું હતું. ક્યાંક તેની સહી જોઈતી હતી, તો ક્યાંક તેનું અપૃવલ જોઈતું હતું. નવા ઈન્વેસ્ટર્સ અને ડોનર્સ તેને મળવા ઘરે આવતા પણ બધાને જવાબ એક જ મળતો ‘તે ક્યાંક બ્હાર ગઈ છે.’ સૌને બે દિવસ તો એમ હતું આટલા બધા કામ સાથે કરે છે, તો ક્યાંક વ્યસ્ત હશે પણ જ્યારે બે દિવસ સુધી એક પણ ક્ષેત્રના માણસોને તે ન મળી એ જરાક અસાહજિક લાગ્યું. સંસ્થાના લોકોને હવે ચિંતા થવા લાગી. છેલ્લા બે દિવસથી શાલકીનું કોઈ ઠેકાણું ન હતું. તેમણે ઘરનાને દબાણ સાથે પૂછ્યું છેલ્લે ક્યારે જોઈ હતી? કોની સાથે ગઈ હતી?

 

                              પરિવારમાં કોઈ પાસે એનો સંતોષકારક જવાબ ન હતો. છેવટે, પોલીસમાં જવાની ફરજ પડી. સંસ્થાના વિદ્યાર્થીઓએ શાલકીના મિસિંગની FIR લખાવી. જ્યારે નિશાંતને આ વિષે ખબર પડી તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. અચાનક ક્યાં ગઈ શાલકી? શું થયું એને? ઘણા લોકો એના પર આંગળી ચીંધવા લાગ્યા, નિશાંતે જરૂર કઈક કર્યું હશે. આમાં તેની કઈક ભૂમિકા રહી હશે. લોકોએ જ્યારે એના પર પ્રશ્નો ઉઠાવ્યા. ત્યારે તેને ન ગમ્યું. એ સૌની વાતને આંખ આડા કાન કરી શાલકીની શોધખોળ શરૂ કરી. તેની કોલેજ, ફેવરિટ કોફી બાર, ગાર્ડન, શિક્ષણ કેન્દ્ર, જમવાની વાન, અન્ય કોલેજ, ABVP અને NSUI ઓફિસ તથા તેમના કાર્યકરોને મળીને જોયું પણ કોઈ જગ્યાએ શાલકીનું ઠેકાણું ન  હતું. સાંજે થાક્યો હારયો તે એના ઘરે ગયો. સિદ્ધાર્થ અને દિશાબેન બધાથી થોડે દૂર ઊભા હતા. સુરભિ, કાજલબેન હીંચકામાં બેઠા હતા. ધીરેનભાઈ અને રમીલાબેન પલંગ પર બેઠા હતા. દિનકરરાવ ક્યાંય દેખાયા નહીં. નિશાંતને આવેલો જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા. એ જ ક્ષણે તેનો ફોન રણક્યો.

 

                              નિશાંતે ફોન કાઢ્યો. મહિમા અગ્રવાલનો કોલ તેના પર આવ્યો હતો. તે અંદર આવ્યો. બધા પાસે ઊભો રહ્યો. સિદ્ધાર્થ-દિશાબેન એમના સ્થાન પર જ ઊભા રહી જોઈ રહ્યા હતા. સિદ્ધાર્થે તેનો ફોન કાને લગાવ્યો હતો. તે નિશાંત સામે જોઈ રહ્યો. નિશાંતે ફોન ઉપાડયો અને લાઉડ સ્પીકર મૂક્યો.

“હલો, હેલો નિશાંત? મહિમા અગ્રવાલ હિયર ફ્રોમ V9 ન્યૂઝ.”

“યાહ, હાઇ મહિમા.”

“તને ખબર છે, શાલકી ક્યાં છે?”

         

                              તે ચૂપ રહ્યો. ઘરના પણ મૌન હતા. એ સવાલનો જવાબ કોઈ પાસે ન હતો. શાલકી છે ક્યાં?

 

*

(ક્રમશ:)

 

રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૯)

 

                              લાઇટનો ગોળો ચાલુ કરવાના પ્રયાસ ચાલી રહ્યા હતા. તેણે આમ-તેમ ગોળો ફેરવી જોયો છતાં, ચાલુ ન થતા કાઢીને ફરી હોલ્ડરમાં નાખ્યો પણ કરંટ પસાર ન હતો થઈ રહ્યો, સોકેટ ખરાબ લાગી રહ્યું હતું. માળીયામાં વાયરોના ગૂંચળામાંથી એક સારો વાયર લાવી તે નવું કનેક્શન લગાવી રહી હતી. આમ તો કઈ ખાસ તેને વિદ્યુતનું જ્ઞાન ન હતું પણ હોય શકે છે જ શું? A-B વાયર જ ભરાવાનાને. એમ વિચારી પોતે ઘોડાની સીડી પર ચઢી બલ્બ લગાવી રહી હતી. અચાનક સોકેટમાં આંગળી ઘૂસતા ૧૧૦ વૉલ્ટનો કરંટ તેની બોડીમાં પ્રસર્યો. ક્ષણમાં જ ભયંકર ઝણઝણાટી શરીરમાં ફેલાઈ. ઝાટકા સાથે તે કૂદી અને આપોઆપ શરીર પાછળ ફેંકાયું, તે જમીન પર પડી અને ડાબી કોર ઘોડો પડ્યો.

 

*

 

                              મહિમા અગ્રવાલ નિશાંતના જવાબની વાટ જોઈ રહી હતી. તેની પાસે જવાબ ન હતો.

“મને નથી ખબર.” તે બોલ્યો.

“તને નથી ખબર? નિશાંત તને નથી ખબર? છેલ્લા પંદર એક દિવસથી એ છોકરી તારી પાછળ ઘેલી બની ગઈ છે ‘ને તને નથી ખબર એ ક્યાં છે?”

“ના.” બે ક્ષણ વિચારીને તેણે જવાબ આપ્યો.

મહિમાએ કોલ કાપ્યો. નિશાંતે ધિરેનભાઈ અને ઘરના સભ્યો સાથે વાત કરી.

“ક્યાં ગઈ હતી તે?”

“અમને હવારે ઘેરેથી એમ કયને ગઈ’તી કે આવે સે એક કામ પતાવીને.” કાજલબેને કહ્યું.

“એનો ફોન ક્યાં છે?”

“આ પયડો ઈના રૂમમાં.” ડૂસકાં ભરતા તેમણે શાલકીનો ફોન બતાવ્યો.

 

                              નિશાંતે ફોન જોયો. ૧૩૦થી વધારે મિસકોલ આવી ગયા હતા. પાછા મેસેજ અને મેઈલ અલગ. તેના ઇન્ટરવ્યુની રાતથી લઈને અત્યાર સુધીના તમામ કોલ લૉગ તેણે ચેક કર્યા. ફોન જોતાં જોતાં તેણે એક બાબત નોંધી દિનકરરાવ ક્યાંય દેખાઈ રહ્યા ન હતા. ફોન તપાસતા તેણે પૂછ્યું.

“મોટા પપ્પા ક્યાં છે?”

“ઈમણે ગામડે ગ્યાં સે, કામથી.” રમીલાબેન બોલ્યા.

“સારું.” તેણે કહ્યું.

                              સમગ્ર માહિતી ફોનની જોઈ લીધી પણ કોઈ પગેરું હાથ આવ્યું નહીં. બધુ સામાન્ય લાગી રહ્યું હતું સિવાય કે શાલકીનું ચાલ્યા જઊ. નીકળતા પહેલા તે ઘરનાને સહાનુભૂતિ આપી પાછો આવ્યો. રાત્રે મહિમાનો શો શરૂ થયો:

“નમસ્કાર દર્શકમિત્રો, હું મહિમા અગ્રવાલ સ્વાગત કરું છું આજના આ એપિસોડમાં ‘પ્રેમની પરાકાષ્ઠા, યુવતીની અવદશા’ જી હા તમે ઠીક સાંભળી રહ્યા છો. થોડા દિવસો પહેલા રાજકોટની યુવા સામાજિક કાર્યકર શાલકી સોલંકી સાથે આપણે વાત કરી હતી. તેમને મળીને ઘણા સામાજિક મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. એ જ શાલકી સોલંકી છેલ્લા બે દિવસથી ગાયબ છે. આ એ જ યુવતી છે જે ઘણા સમયથી જનતાની નિ:સ્વાર્થભાવે સેવા કરી રહી હતી. હાલમાં પણ તેમની ટિમ આગેવાન વગર સેવાકાર્ય યથાવત કરી રહ્યા છે.

 

                              પરંતુ ગંભીર પ્રશ્ન એ છે કે શાલકી સોલંકી છે ક્યાં? આ ખૂબ જ ચિંતાજનક વાત છે. કોઈને તેમના વિશે માહિતી નથી. શાલકીબેનના પરિવારજનો ખૂબ જ ઉદાસ અને ચિંતિત લાગી રહ્યા છે.(ટીવીમાં શાલકીનું ઘર દેખાડી, પરિવારજનો નીરસભાવે બેસેલા બતાવામાં આવે છે.) શાલકીબેનની નિશાંત પરમાર સાથે થોડા ઘણા દિવસોથી તકરાર ચાલી રહી હતી. નિશાંત પરમારે તેમને સગાઈનો ખોટો વાયદો કરી પછી સગાઈ તોડી નાખી. તેમ છતાં, પ્રેમમાં નિર્દોષ બનેલી શાલકીએ તેનો વાંક ન હોવા છતાં, નિશાંતને મનાવવા પ્રયત્ન કર્યા હતા. શાલકીબેને સોરી લખેલા પોસ્ટર લઈ નિશાંત પરમારના ઘર સામે ઊભા રહ્યા હતા, ચાર રસ્તા વચ્ચે નિશાંત માટે ચા મંગાવી તેમની જાહેરમાં બધા સામે માફી માંગી હતી. છતાં, નિશાંત ત્યાંથી તેની મોઘી ગાડીમાં ચાલ્યો જાય છે.” નિશાંત આ સમાચાર જોઈ રહ્યો હતો. એંકરે આગળ ચાલુ રાખ્યું.

 

                              શાલકીબેનના ઘર પાસે રહેતા યુવક પાસેથી જાણવા મળ્યું હતું (લોલાનો ઇન્ટરવ્યુ પ્રસારિત કર્યો) “દીદી, જીજુને સરપ્રાઈઝ આપવા તેમની ગાડીમાં સોરી લખી બલૂન્સ ભયરા’તા. તેમણે ડ્રાઈવરનો ડ્રેસ પેયરી નિશાંત પરમારને સરપ્રાઈઝ આયપી’તી.” જોયું મિત્રો કેટલી પ્રેમાળ રીતે શાલકીબેને નિશાંત પરમારની માફી માંગી છતાં, નિશાંત તેમના પર ગુસ્સે થયો, તેમને જેવુ તેવું બોલ્યો અને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. એવી તો નિશાંત પરમારને શાલકી માટે શું નફરત છે કે આ હદ સુધી તેઓ શાલકીને વગોવી રહ્યા છે, તેને હડધૂત કરી રહ્યા છે? નિશાંતભાઈ જો તમે આ શો અત્યારે જોઈ રહ્યા હોવ તો હું તમને પૂછવા માંગુ છું, એવી કઈ બાબત તમને ખટકી રહી છે તો તમે શાલકીબેનને આ હદ સુધી નફરત કરો છો? જવાબ જરૂર આપજો.

 

                              દર્શક મિત્રો તમને જણાવી દઉં આજ સાંજે મારે નિશાંતભાઈ પરમાર સાથે વાત થઈ હતી. મેં તેમને શાલકી અંગે પૂછ્યું. તેમનો જવાબ સાંભળી હું બે ઘડી અચંબિત થઈ ગઈ. તમે પણ એમનો જવાબ સાંભળશો તો આઘાત લાગશે. નિશાંતભાઈ કહે છે તેમને શાલકી વિશે કઈ માહિતી નથી. એ માણસ જેના માટે શાલકી આટઆટલું કરી રહી છે, ફક્ત તેના અપૃવલ માટે થઈને જાહેરમાં તેનાથી હડધૂત થઈ રહી છે, એને હડધૂત કરનાર માણસ એમ કહે છે તેને શાલકી વિશે કઈ માહિતી નથી. કેમ આજે માણસો આટલા કઠોર થઈ ગયા છે, શું પ્રેમની પરાકાષ્ઠાનું આ જ પરિણામ હોય છે? એક મધ્યમવર્ગીય કન્યા ગાયબ થઈ જાય છે. કો’ક પૈસાદાર આદમી તેની માહિતી રાખતો નથી. કેમ આજના જમાનાનો આ કઠોર પ્રેમ યુવતીઓની અવદશા લાવી રહ્યો છે? મળીએ છીએ એક નાના એવા બ્રેક પછી. (બે મિનિટનો બ્રેક પડ્યો, સમાચારમાં દરેક બાબત વધારી ચઢાવીને બતાવામાં આવતી હોય છે. જે ઘટના જેવી બની ન હતી એવી દેખાડવાનો પ્રયાશ થઈ રહ્યો હતો. ન્યૂઝ એન્કર નિશાંતને ખરાબ ચીતરવાનો પ્રયાસ કરી રહી હતી. શાલકીના ઘરના પણ આ સમાચાર જોઈ રહ્યા હતા. સુરભિ બધા માટે ધાણી-સોડા લાવી ટેબલ પર મૂકી. શો આગળ ચાલ્યો)

 

                              બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે. શાલ્કિબેન જે સમાજ માટે સારું કરી રહ્યા છે, એ જ સમાજમાં કેટલાક પુરુષો તેમની અવદશા લાવવા માટે દોષિત છે. આ લોકો ગુનાખોર ગેંગસ્ટર છે! તેમના પર ગંભીર અને આકરા પગલાં લેવાની જરૂર છે. એક ક્ષણ માટે માની લઈએ કે શાલકીબેનના લગ્ન નિશાંત પરમાર સાથે થયા હોત તો શું શાલ્કિબેન માટે એ ઘર સલામતીભર્યું હોત? (આ સાંભળી નિશાંત ગંભીર બન્યો) તમે પોતે જ વિચાર કરો જે ઘરમાં એક આદમી કોઈ યુવતીને કીડનેપ કરવા સક્ષમ હોય અને બીજો જાહેરમાં વડીલોને મારનાર અને ગાળો બોલનાર ગુંડો હોય, એ ઘરમાં શું કોઈ યુવતી સલામત રહી શકે છે? જે ઘરમાં કોઈ સ્ત્રી છેલ્લા ૨૨ વર્ષથી રહી ન હોય. તેમની માતા જન્મના ૫ વર્ષ બાદ મૃત્યુ પામી હોય એ બાળકોને શું ખબર હુંફ શું હોય? લાગણી શું હોય? અન્ય પ્રત્યેની ભાવના કેવી હોવી જોઈએ? એ જ બાળકો મોટા થઈને ગુંડા બને અથવા તો કો’કની લાગણીઓ પ્રત્યે કઠોર પાણા જેવા નિર્જીવ, નિરહર્દયી બને!” એન્કર મહિમા અગ્રવાલ લાવા વરસાવી નિશાંત પર ત્રાટકી.

 

                              ક્રોધથી ધ્રૂજતો, દાંત ભીંસતો નિશાંત ઊભો થયો અને તેના કક્ષની દીવાલ પાસે લટકાવેલ શાલકીની એકમાત્ર તસવીર જોઈ બોલ્યો:”આ હદ થઈ ગઈ શાલકી... મારા ઘરનાને ઇનવોલ કરવાની જરૂર ન’તી. જો તારું ગાયબ થવું મને મનાવવા માટે કરવામાં આવેલા સ્ટંટની જેમ કોઈ સ્ટંટ હશે તો તું મરી ગઈ સમજજે. આ એંકર બધા સામે મારા કપડાં ઉતારે છે. બની બનેલી આબરૂ ઉપર, મારા ઘરના ઉપર તે મૂતરી રહી છે. જે દિવસે તું હાથમાં આવી એ દિવસે ખેર નથી તારી અને આ એન્કર પણ ગઈ સમજજે...!” તે બબડ્યો અને શાલકીની તસવીરમાં તેની નિખાલસ હસી જોઈ રહ્યો. એટલો વધારે ગુસ્સો તેને આવી રહ્યો હતો. મનોમન વિચારી રહ્યો હતો સગાઈ તો નહિ પણ તારું શ્રાદ્ધ હું જરૂર કરીશ શાલકી.” કહી તેણે લાઇટ બંધ કરી. ટીવીમાં મહિમા શાલકીનો મહિમા ગાઈ રહી હતી. તેણે ટીવી બંધ કર્યું અને સુવા માટે આડો પડ્યો.

 

*

 

[શુક્રવારની સવાર, સમય ૮:૩૨ કલાક]

 

                              બ્હાર કકળાટ થઈ રહ્યો હતો. તેને હજુ ઊંઘવું હતું પણ બ્હાર કશોક ઘોંઘાટ થઈ રહ્યો હતો તો ઊંઘ ઊડી ગઈ. તેણે ઊઠીને બારી ખોલી. ઘર સામે ૧૫૦-૨૦૦ માણસોનું ટોળું ઊભું હતું. કેટલાકના હાથમાં નિશાંત વિરુદ્ધ સ્લોગન લખેલા પોસ્ટર હતા. ‘SHAME ON YOU NISHANT!’, ‘રાજકોટની દીકરી પાછી આપો’, ‘શાલકી ક્યાં છે?’, ‘WE WANT SHALKI’, ‘MISSING BUT LIVING IN OUR HEART’ એવું લખી વચ્ચે શાલકીનો ફોટો હતો. વગેરે જેવા પોસ્ટર લઈ લોકો નિશાંતના ઘર આગળ પ્રદર્શન કરી રહ્યા હતા. ન્યૂઝ ચેનલોનો કાફલો આવી ચઢ્યો હતો.

 

                              આખી સોસાયટીના તમામ દ્વારપાલ નિશાંતના દ્વાર પાસે આવી ગયા હતા. પ્રશાંતે હુકમ કર્યો હતો કે કોઈને અંદર આવવા દેવા નહીં. સિક્યોરિટીવાળા આજ્ઞાનું પૂરેપુરું પાલન કરી રહ્યા હતા. મુખ્ય જાળી સાંકળ વડે વીંટી તાળું મારી દીધું, જાળી પર બે તાળાં લગાવ્યા. ચાર અંદર અને પાંચ બ્હાર દ્વારપાલ ઊભા હતા. પબ્લિક એમનાથી થોડે છેટા રહી વિરોધ નોંધાવી રહી હતી. ન્યૂઝ રિપોર્ટર્સ ગેટ પાસે ઊભા રહી શૂટિંગ કરી રહ્યા હતા.

 

                              જેવો નિશાંતે પરદો હટાવ્યો, લોકોએ ઉગ્ર અવાજ ઉઠાવી પોસ્ટર્સ ઊંચા કર્યા, ફોટોગ્રાફર્સ કેમેરામાં નિશાંતને કેદ કરવા લાગ્યા, ન્યૂઝ કેમેરામેને નિશાંત પર ફોકસ વધાર્યું, રિપોર્ટર્સ આ નવી અપડેટ રેકોર્ડ કરી સ્ટુડિયો સુધી પહોંચાડી રહ્યા હતા. પ્રશાંત આવ્યો અને ઝડપથી બારીનો પરદો આડો કર્યો.

“હવાર હાત વાયગાના તારી વોવની કોલેજના સોકરા, એને સપોટ કરવાવારા, બીજી NGOવારા આયવી ગ્યા સે. એમાંય હમાચારવારા આયવા એટલે હંધાયને તાણ ચઢી જયું.” પ્રશાંત બોલ્યો. નિશાંતને ‘વોવ’ સંબોધન ન ગમ્યું, ચૂપચાપ કબાટ આગળ ગયો. પ્રશાંતે એને પૂછ્યું:”હવે આગર હું કરવાનું સે?”

“કાંય નય. હું કરી હક્વી આપડે? શાંતિથી જોવાનું બધુ.” કહી નિશાંત ટુવાલ લઈ નાહવા ગયો. તૈયાર થઈ નાસ્તો કરવા આવ્યો ત્યારે રાવજીભાઈને એ પ્રશ્ન થઈ રહ્યો હતો કરવાનું શું? આ રીતે તો ઘરની બ્હાર પણ ના નિકળાય. લોકો જીવ ખાઈ જાય. નિશાંત મૌન રહ્યો. તેણે દિપેનભાઇને કોલ કરી પાછળના માર્ગે ગાડી ઊભી રાખવા કહ્યું.

 

                              તે બ્હાર આવે એની બધા રાહ જોતાં હતા. એકવાર બ્હાર નીકળે એટલે એને ઘેરીને પ્રશ્નોનો પહાડ ચણી દઈએ પરંતુ નિશાંત પાછળના દરવાજાથી ઓફિસ જવા જતો રહ્યો. કામવાળા બેનનો દુપટ્ટો મોઢે લપેટી, ગોગલ્સ અને ટોપી પહેરી છુપાતા ગાડી પાસે ગયો. એ જ ક્ષણે મોટો અવાજ થયો. લાલ અને વાદળી રંગની લાઇટ થઈ. બીજી કોર ઉભેલા લોકોએ પણ આ અવાજ સાંભળ્યો. એક માણસ દોડતો ટોળાં તરફ આવ્યો અને મોટી રાડ નાખી બોલ્યો:”અલ્યા એયયયયય...!!! તમે બધા આયાં એની વાટ જોવો સો ઈ પાસરના ઝાંપેહી બારે વયો ગ્યો... હાલો ન્યાં...”

 

                              ટોળું એ બાજુ દોડ્યું. રિપોર્ટર્સ, કેમેરામેન, ફોટોગ્રાફર્સ તેમની સાથે સાથે સોસાયટીના વચ્ચેના માર્ગેથી પાછળ તરફ ગયા. પોલીસની ગાડી આવી. પ્રશાંતને ખબર પડી ગઈ લોચો થવાનો છે. આ લોકો નિશાંતની ગાડી નહીં નીકળવા દે. તે દોડતો ઓસરીમાંથી પ્રાંગણમાં આવ્યો. એક દ્વારપાલ સાંકળ ખોલવા લાગ્યો. પ્રશાંત ૧,૨ અને ૩ મોટા પગલાં ભરી જાળી પર ચઢ્યો અને ચોથી જ ક્ષણે સોસાયટી કંપાઉંડમાં આવી ગયો. સામે તેનું બુલેટ બાઇક પડ્યું હતું. તેનો ભાઈબંધ ચાવી લઈ ઉભડક બેઠો હતો. તે આવ્યો એટલે હેલ્મેટ અને ચાવી આપી, પ્રશાંતે સૌથી પહેલા પહોંચી નિશાંતને ઉઠાવાનો હતો. ફટાફટ હેલ્મેટ પહેરી બાઇક ચાલુ કર્યું. ટોળાંની બાજુમાં સળંગ હોર્ન મારતો તે ગાડી પાસે આવ્યો. કોઈ નજીક આવે એ પહેલા પાછળનો દરવાજો ખોલ્યો. અંદર જોયું તો કોઈ ન હતું.

 

                              દીપેનભાઈને પૂછ્યું નિશાંત ક્યાં? ‘પોલીસ લઈ ગઈ.’ જવાબ મળ્યો. ત્યારે તેની નજર સોસાયટી ગાર્ડનના છેડે પડી. પોલીસની જિપ્સી બ્હાર નીકળતી દેખાઈ. તેણે બાઇક એ દિશામાં ભગાવ્યું. ટોળું ગાડી પાસે આવી રહ્યું. દિપેનભાઈ ગભરાયા. લોકોએ ગાડી ઘેરી લીધી પણ કશું હાથમાં ન આવ્યું.

 

*

 

                              નિશાંતે કોલ કરી દીપેનભાઈને પોલીસ સ્ટેશન આવવા કહ્યું. પોલીસ ફક્ત પૂછપરછ કરી હતી કે તેની પાસે શાલકીની કોઈ માહિતી છે કે નહીં? કારણ હવે પોલીસ પર દબાણ વધી રહ્યું હતું. જલ્દીથી આ કેસમાં કઈક અપડેટ આપવી જરૂરી હતી. બાકી ઘણાએ એમ ધારી લીધું પોલીસ હાથ પર હાથ ધરી બેસી રહી છે. નિશાંતને ઉઠાવો પડ્યો કારણ ઓફિસ અને ઘર બધે માણસો પ્રદર્શન કરવા હાજર હતા. પૂછપરછથી કઈ જાણવા ન મળ્યું. નિશાંત પાસે એમ પણ શાલકીની કોઈ માહિતી ન હતી. પ્રશાંત આવ્યો અને પૂછ્યું શું થયું.

 

                              તેણે કહ્યું સારું થયું પોલીસ લેવા આવી બાકી ઓફિસ આગળ અટકી જાત. પંદર મિનિટ બાદ દિપેનભાઈ આવ્યા. પ્રશાંત ઘરે ગયો. નિશાંત ઓફિસ માટે નીકળ્યો. અંડરગ્રાઊન્ડ પાર્કિંગથી તે લીફ્ટથી ઓફિસમાં પ્રવેશ્યો.

“મોર્નિંગ.” આસિસ્ટન્ટ રેશ્મા કેબિનમાં બેઠા હતા.

“મોર્નિંગ.” નિશાંતે કહ્યું.

“નિશાંત તમારા અંગત જીવનમાં જે કઈ તકલીફ હોય એમાં મને બોવ ઓછો રસ છે. ‘ને પ્રેમથી કહું તો મને જરાય રસ નથી પણ તમારી આસિસ્ટન્ટ તરીકે મારે પ્રિટેંડ કરવું પયડશે કે’ મને રસ છે. તો તમે ક્યો ધનંજય જ્વેલર્સના ઓનર્સ હારે હું થયું સે?”

“ધનંજય જ્વેલર્સ? એટલે દિનકર-ધીરેનભાઈવાળા?”

“બીજા કેટલા ધનંજય જ્વેલર્સ તમારી જાણમાં છે?”

“જાણમાં તો એક જ છે, વેઇટ! તું કાં મારી હારે આમ વાત કરે છે? ડોન્ટ ક્રોસ યોર લિમિટ! રિમેમ્બર હું તારો બોસ છું, તું મારી નહીં.”

“સવાલ છે ક્યાં સુધી? ‘ને હું મારી લિમિટમાં જ છું. મેં એટલે જ પહેલા કહ્યું મને તમારી અંગત બાબતોમાં રસ નથી પણ હવે એ બધુ અહીં અફેક્ટ થવા લાગ્યું છે. ‘ને રહી વાત મારા ટોનની તો ટોન આવો જ રહેશે. ડિવિઝનલ મેનેજર બદલાય જાય તોય વાંધો નય પણ એની ભૂલું ના લીયધે મારૂ નમતું નો દેખાવું જોઈ. હું ફોલ્ટમાં આવું એના કરતાં હું મારી સાઈડથી ક્લિયર રે’વા માંગુ છું. જેથી મેનેજમેંટ ડીસીજન લેતી વખતે મને ટાર્ગેટ નો કરી શકે કે મે કાં કાંય નો કયરું?”

ઠાવકાઈથી રેશ્માએ જવાબ આપ્યો, પછી ઉમેર્યું:”તો બોલો શું પ્રોબલમ થઈ છે?”

“એક સેકન્ડ. મેનેજમેંટ ડીસીજન લે? મારી પર્સનલ મેટર કેવી રીતે અહીં અફેક્ટ થઈ?” નિશાંતે પૂછ્યું.

“ઈ તમને મેઈલમાં ખબર પડી જશે. પે’લા ક્યો કે પ્રોબલમ શું છે?”

“ઈ લોકોએ મારા ભાયને માયરો, મને પણ માયરો. ગંદી ગાયરું દીધી. તને ખબર છે હું મા સામે એક શબ્દ સાંખી નથી શકતો. મારા ભાયના જન્મ પછી મમ્મી ધામમાં ગયા, એમના પછી પપ્પાએ જ અમને બંને ભાયને મોટા કયરા. પપ્પાએ બીજા લગ્ન...”

“આઈ ડોન્ટ કેર!” અધવચ્ચે રેશમાં બોલી:”Either you fix this mess or get ready for some troubles!”

“What is wrong with you? શાંતિથી વાત કરને.”

“વસંત ઓટોએ મેઈલ કયરો’તો તમારા પર...”

“એ તો સોલ્યુશન લાવી દીધું હતું આપડે. તને તો ખબર જ છે...” નિશાંત બોલ્યો.

“Wait! Let me finish, don’t interrupt me while I’m talking. I will give you time to speak. (મને પહેલા મારી પૂરી વાત બોલી લેવા દે, વચ્ચે ના બોલ. હું બોલવા માટે સમય આપીશ.) એ પછી પાછું આજે શાલકીનું નવું પ્રકરણ ચાલુ થયું, જેમાં તમારું નામ સંડોવાયું છે. કંપનીની રેપ્યુટેશન પર અસર થઈ રહી છે. મેનેજમેંટ તમારી સાથે ફાઇનલ મિટિંગ કરવાની છે, તમારે ફાઇનલ સેટલમેન્ટ...”

“યાર, એમાં મારો કોઈ હાથ નથી. મને નથી ખબર શાલકી ક્યાં છે, નથી મને કશું કહીને તે વય ગઈ...”

“નિશાંત! Just keep quiet! તમે લકી છો કે આજે ફ્રાઈડે છે. HRએ તમારી પોઝિશન Vacant(ખાલી) કરી દીધી છે. આજે બોર્ડના મેમ્બર્સ આવી શકે એમ નથી, એથી તમને ફાયર કરી નથી શક્યા. સોમવારે સૌથી પેલું કામ એ જ કરશે. તમે મામલો સોર્ટ આઉટ કરશો ન્યાં સુધીમાં બોર્ડ કાઢી મૂકશે તમને.” તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેણે ઉમેર્યું:”આવું બધુ છે, જે છે એ.”

“ઓકે. મેનેજમેંટ પર્સનલ ઇસ્યુઝ રેઇસ નો કરી શકે.”

“કાં નો કરી શકે? એ ક્લાયન્ટ છે ‘ને તમે એના વર્કર. Remember, customer is the king and we all are mistress! તમે ક્લાયન્ટ હતા ત્યારે સેફશિલ્ડમાં શું કયરું હતું યાદ છે ને? દે ઠોકમ ઠોક ડીસીજન લીધા’તા. ‘ને છેલ્લે શું થયું? કંપનીનું ભોપાળું વાગી ગયું. છતાં, તમારી પાસેથી હું ઘણું શીખી છું. એ દિવસો યાદ આવશે. મંડે સુધીમાં આ ઇસ્યુઝ રિસોલ્વ કરી શકતા હોવ તો કરી લ્યો.” કહી રેશ્મા ખુમારી સાથે બ્હાર નીકળી. તે બ્હાર નીકળી એટલે નિશાંત બબડ્યો:

“આના સાલીના દા’ડા હાલતા લાગે!”

 

                              ઓફિસમાં કોઈને ખ્યાલ ન હતો નિશાંત જ કંપનીનો માલિક છે માટે તેને નોકરીની ચિંતા ન હતી. છતાં, તેને હાલની પોઝિશન પરથી હટાવામાં આવે તો ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે એમ હતા માટે આ નવી ગૂંચવણનો છેડો લાવવા વિચારમંથન શરૂ કરી દીધું.

 

*

 

“દીદી કાલે થોડું વધારે થઈ ગયું.” સુરભિ ફોન પર વાત કરી રહી હતી.

“શું વધારે થઈ ગયું?” સામેથી સવાલ આવ્યો.

“તમારે ખાલી શાલકીના મિસિંગની રિપોર્ટ આપવાની હતી, નિશાંતને ખરાબ નો’તો દેખાડવાનો. અમારે એમની હાયરે સબંધ રાયખવાનો સે.”

“સુભી, બેટા મને ખબર છે બધી પણ કોઈ મુદ્દા વગર એક કલાક સુધી તો હું શાલકીના ગુણગાન ના ગાય શકું ને ટીવી પર? નિશાંતે જે કર્યું છે એ લોકો સમક્ષ લાવવું જ પડે એમ હતું. ‘ને તું ચિંતા નો કર નિશાંતનું તારી બેન હાયરે જ ગોઠવાશે. રાજકોટમાં કોઈ છોકરી નિશાંતની હામે નય જોવે અને એ બીજે છોકરી શોધવાની મૂર્ખામી નય કરે.” મહિમાએ જવાબ આપ્યો.

“પણ એટલું બધુ તમારે બોલવાની શું જરૂર હતી? નો બોયલા હોત તો હાલત. અહીં ઘેયરે મમ્મીને તાવ આવી ગયો ચિંતા કરીને.”

“સુરભિ, આ શો બિઝનેસ છે. ‘ને મારા શો માટે જે જરૂરી છે એ મેં કર્યું. તમારે મારો આભાર માનવો જોઈએ, મેં શાલકીનો પક્ષ લીધો. જેથી આટલા લોકો તમારી જોડે ઊભા રહ્યા. બાકી, કોઈ પૂછવા પણ નો આવત શાલકી ક્યાં છે?”

“મહિમા દી’ તમે ખોટું સમજ્યા. We are thankful to you! આ મેટર થોડી એક્સ્ટ્રીમ થઈ ગઈ ટીવી પર એટલે મેં જરા કીયધું...”

“સારું. સુરભિ મારે જાવું પડશે હવે, એક અર્જન્ટ કામ છે, પછી વાત કરું. ‘ને સમય રહેશે તો સાંજે મળવા આવીશ હું તારા મમ્મીને. એમને કે’જે ચિંતા નો કરે.” મહિમાએ કહ્યું.

“હા. ઠીક છે. બાય.”

 

                              મહિમાએ કોલ કટ કર્યો. ઘરના સૌ ચિંતિત હતા કે નિશાંતનો આના પર શું પ્રતીભાવ હશે. મેટર હાથ બ્હાર જતી રહી હતી. હવે જનતા જનાર્દન જે કરે એ સાચું. સુરભિ પાસે હજી એક છેલ્લું બ્રહ્માસ્ત્ર બાકી હતું. જો તેણે એ અસ્ત્ર છોડ્યું તો નિશાંતનો વિનાશ પાકો હતો. રમખાણ મચી જવાની સંપૂર્ણ શક્યતા હતી. સુરભિની આ વિનાશકારી યોજના વિશે ઘરમાં કોઈને ખબર ન હતી. તે રાહ જોઈ રહી હતી યોગ્ય સમયની કે વારો આવે ‘ને નિશાંત તેમની વિરુદ્ધ કઈક બોલે એટલે તેનો ખેલ ખલાસ!

 

                              નિશાંતની હાલત વધારે કઠોર થઈ ગઈ હતી. તે બપોરે જમવા કેન્ટીન ગયો. ત્યાં પ્રદર્શનકારીઓ ભેગા થઈ ગયા. ના છૂટકે તેણે ત્યાંથી ભાગવું પડ્યું. ઉપર આવી કેબિનમાં જ જમવાનું મંગાવવું પડ્યું. તે આમ રહેવા ન હતો માંગતો. મહિમાના શોએ લોકોમાં તેના પ્રત્યે રોષ જગાવ્યો હતો. હવે, તે સામે આવી કઈક બોલે તો ફેર પડે. દરેકના મનમાં પ્રશ્ન એ જ હતો, નિશાંત આ ઘટના પર શું વિચારે છે, તેની શું પ્રતિક્રિયા હશે? તેનો આ મુદ્દા પર બોલવાનો સમય આવી ગયો હતો. લોકો તેને ગાળો આપવાનું મૂકવાના ન હતા. તેણે નક્કી કર્યું સાંજે ઓફિસથી નીકળી મીડિયામાં પોતાનું નિવેદન આપશે.

 

                              નિવેદન માટે માણસોની જરૂર હતી. જે શાંતિથી મીડિયા સામે વાત મૂકવા દે. રેશ્મા આ કામમાં ઘણી મદદ કરી શકી હોત પણ હમણાં જે કહેર વરસાવી ચાલી ગઈ’તી માટે તેની મદદ માંગવાનો સવાલ જ ઊભો ન હતો થતો. આ કોર્પોરેટ જગતમાં કોઈ કોઈનું હોતું નથી. નિશાંત આટલા સમયથી કોર્પોરેટમાં હતો. છતાં, એ બાબત ભૂલી ગયો. રેશ્મા કેટલું મીઠું મીઠું બોલતી હતી એના આગળ. તેણે આસિસ્ટન્ટની ભૂમિકા બખૂબી નિભાવી અને સારી એવી મૈત્રી પણ જાળવી. છતાં, સમય આવતા અસલી રંગ દેખાડી દીધો. તેણે જરૂર નિશાંતની પોઝિશન માટે એપ્લાય કર્યું હોવું જોઈએ. કોર્પોરેટ જગત આ જ તો છે. વખત આવતા માનવી ગમે તેને કચડીને આગળ વધી જાય. તેણે બીજા માણસો શોધવા જ રહ્યા. પ્રશાંતને બોલાવ્યો, બીજા કોને બોલાવી શકાય? નીચે ૬૦-૭૦ માણસો હશે. એમની વચ્ચે એકલા જઊ જોખમી હતું. એક ક્ષણ તેને શાલકીની ઈર્ષ્યા થઈ, તેની પાસે કેટલા બધા માણસો હતા.

 

                              કિરણ કોઠારીને કોલ કરી યોજના જણાવી. સાંજે અર્ધો એક કલાક તેનો સંપૂર્ણ સ્ટાફ પાર્કિંગ આગળ જોઈતો હતો. સિક્યોરિટી તરીકે કિરણનો સ્ટાફ નિશાંતની મદદે આવશે. એવી ગણતરી હતી. આ બાબતની જવાબદારી કિરણ કોઠારીએ ઉઠાવી. બંને ભાઈઓએ ભેગા મળી તેનું નિવેદન તૈયાર કર્યું. સાંજે ઓફિસ પૂરી થઈ. કર્મચારીઓ પોત-પોતાના ઘરે જવા નીકળ્યા.

 

                              સ્ટાફે ઓફિસની પાછળના પરિસરમાં ટેબલ-બે ખુરસી મૂકી સ્ટેજ ઊભો કર્યો. પ્રદર્શનકારીઓ આગળના દરવાજા પાસે ઊભા હતા. નિશાંત અંડરગ્રાઊન્ડ પાર્કિંગમાંથી સ્ટેજ પાસે આવ્યો. પ્રશાંતે બધા રિપોર્ટરોને પાર્કિંગમાં બોલાવ્યા. કેફેટેરિયા સ્ટાફ સ્ટેજ ઘેરીને ઊભા હતા. પ્રદર્શનકારીઓ શાંતિથી રિપોર્ટરો પાછળ આવ્યા. નિશાંત-કિરણ ખુરશીમાં બેઠા હતા. એ બાજુ લોકો આવ્યા એટલે સ્ટાફ મેમ્બર્સ સાવધાન બન્યા. કિરણ ઊભો થયો.

“બધા શાંતિ રાખજો અને બની શકે તો નીચે બેસી જાવ થોડીવાર. નિશાંતભાય આજે તમને તમારા સવાલોના જવાબ આપશે. આપડી પાસે બહુ ટાઈમ નથી. ફટાફટ રિપોર્ટર્સ માઇક અહીં ટેબલ પર મૂકી દો જેથી આજનો સેસન શરૂ કરી શકીએ. કેફેટેરિયાના યુનિફોર્મમાં સિક્યોરિટી જેમ ઉભેલા માણસો જોઈ બધાને અજુગતું લાગ્યું પણ કોઈ જાતનો શોરગુલ કરવાની જરૂર ન હતી. પ્રદર્શનકારીઓ ચૂપચાપ નીચે બેસી ગયા પણ પોતાના પોસ્ટર્સ નિશાંતને દેખાય એમ ઊંચા રાખ્યા. રિપોર્ટર્સ માઇક ટેબલ પર મૂકી આવ્યા. ફક્ત નિશાંત ખુરશીમાં રાજાની જેમ પગ પર પગ ચઢાવી બેઠો હતો. તેની આસપાસના તમામ લોકો ઊભા હતા. પ્રશાંત તેની પાછળ ડાબી બાજુ ઊભો રહ્યો.

“પહેલા નિશાંતભાયનું નિવેદન સાંભળીશુ.” કિરણે કહ્યું અને તેની સામે જોઈ ‘Carry on’ની સંજ્ઞા દર્શાવી. રેશ્મા નિશાંતની બાજુમાં આવી ઊભી.

 

                              “રંગીલું રાજકોટ. ખરેખર આ શહેરે આજે મને ઘણા નવા રંગ બતાયવા છે. મારી જન્મભૂમિ અને કર્મભૂમિ આ ધરતી છે. મને બીજે કામ કરવાની તક મળતી હતી, પૈસા વધારે છાપવાની તક મળતી હતી પણ હું આ ધરતી, અહીના લોકોને છોડી ના શક્યો...”

“હા, હા શાલકીને કાં કીડનેપ કયરી ઇનો જવાબ આલ!” ટોળામાંથી કોઈક બોલ્યું. પ્રશાંત ગુસ્સે થયો, તે એને પકડવા આગળ વધ્યો. નિશાંતે હાથ આડો કરી રોક્યો અને નિવેદન ચાલુ રાખ્યું.

 

                              “આઇટી કંપની શરૂ કરવી મારૂ સપનું હતું અને અહીના લોકોને રોજગાર આપવો મારો હેતુ. (પ્રદર્શનકારીઓ અંદરોઅંદર ગુસપુસ કરી રહ્યા નિશાંત કેમ બીજી બીજી વાતો કરી રહ્યો છે? પ્રશાંતની નજર એ આદમીને શોધી રહી, જેણે હમણાં ડપકું પુરયું હતું.) ‘ને મેં ઈ કયરું. લોકોને રોજગાર આયપો, સરકારને મદદ કયરી. સહાય કયરી. એની સામે લોકો મને શું ક્યે? ગેંગસ્ટર, કીડનેપર...(પબ્લિક ચૂપ) ગુનાખોર. ન્યાંથી પણ વાત નો અટકી તો મારા ઘર સુધી ગયા. મારી મમ્મી સુધી ગયા. ઈ મમ્મી જેના પ્રેમ માટે આખી જિંદગી હું તરસ્યો છું.(તેના અવાજમાં કંપન આવ્યું, રડવા જેવો થઈ રહ્યો) તમને બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું. તમારે મને જે કે’વું હોય એ ક્યો, ચાર રસ્તા પર ફાંસી આપવી હોય તો પણ હું આ રહ્યો તમારી સામે પણ પ્લીઝ, પ્લીઝ પ્લીઝ!!! મારી મા વિશે કાંય બોલો મા. પ્લીઝ  ના બોલશો! કદાચ મારા જીવનમાં માનો સ્નેહ કે જીવનસાથીનો પ્રેમ નય લયખ્યો હોય. ના જનતાનું વ્હાલ...” તે રડવા લાગ્યો. રેશ્મા તેની પાસે આવી અને ટીસ્યું આપ્યું. નિશાંતે આંખો લૂછી. રેશ્માએ પાણીની બોટલ મંગાવી. સ્ટાફ મેમ્બરે પાણી આપ્યું. તેણે નિશાંતને બોટલથી પાણી પીવડાવ્યું. લોકો આ દ્રશ્ય નિહાળી રહ્યા. બધુ કેમેરામા રેકોર્ડ થઈ રહ્યું હતું. રેશ્માનું આવવું તેને અજુગતું લાગ્યું. તે પાસે આવી ધીમે રહી બોલી:”If you don’t feel good, we can do this tomorrow. (તે કેમેરા તરફ ફરી) Please stop the camera…”

 

                              નિશાંતને સમજાઈ ગયું તે કેમ આવી હતી. તે બોલ્યો:નો, નો. ભલે ચાલુ રહ્યું.” પછી મનોમન બબડ્યો:”આવી ગઈ હરામજાદી મફતનું ફૂટેજ ખાવા. ટીવી પર આવવા માટે...” બાદમાં તેણે નિવેદન યથાવત રાખ્યું:”હું કેવો માણસ છું, મારે મારા શહેરના લોકોને જણાવાની જરૂર નયથી. મેં શું કયરું છે, હું કોણ છું લોકો જાણે છે. ટીઆરપી માટે મને વગોવતા એન્કરથી મને કઈ ફર્ક નથી પડતો. મને ફર્ક પડે છે મારા લોકોથી. આ સમાજથી, તમારા બધાથી. જ્યારે તમે લોકોએ વિચાર્યું મેં શાલકીને કાંઈક કયરું છે, એના ગાયબ થવા પાછળ મારો હાથ છે ત્યારે મને બહુ દુખ થયું. એટલે મારે આમ જાહેરમાં આવવું પડ્યું બાકી, એક વસ્તુ સમજાઈ ગઈ Media has no standard on today’s date.

 

                              મીડિયા એ જેનો ઇન્ટરવ્યુ બતાયવો ઈ યુવક કોણ છે, કોઈ જાણે છે? ઈ શાલકીના ઘર પાસે રહે છે. શાલકીને દીદી કહેનાર ઈ યુવક શાલકીની નાની સગીર બેનની પાછળ પડેલો છે. નિશાળે જતી સુરભિની પાછળ ઇ આદમી તેનો પીછો કરતો હોય છે. તેના ઘર આસપાસ બાઇક લઈ આંટા મારતો હયો છે. આજનું મીડિયા એવા સડકછાપ લોકોની વાત બતાવી રહ્યું છે, જેમનો કોઈ ક્લાસ નયથી. એવા લૂખ્ખાતત્વોનો ઇન્ટરવ્યુ બતાવી મને ગેંગસ્ટર કહેવાવાળા ન્યૂઝ એન્કરોના બેન્ક અકાઉન્ટ ચેક કરો, કે કોના કહેવા પર મારા વિશે એવું બધુ બોલે છે?

 

                              શાલકીનું ખોવાવું મારા માટે પણ ચિંતાજનક છે. હા અમારી વચ્ચે મતભેદ હતા પણ ઇનો અર્થ ઇ નથી કે મને તેની કશી પડી નથી. ભલે, અમારું કોઈ ભવિષ્ય નથી પણ એનાથી મારી માણસાઈ મટી નથ જાતી. ન્યૂઝ એન્કર તમને ઈ નહીં દેખાડે કે જ્યારે એનો કોલ આવ્યો ત્યારે હું શાલકીના ઘરના પાસે બેઠો હતો. ઈ એન્કર તમને નહીં જણાવે મેં શાલકીના પપ્પા-મોટા પપ્પાને પગે લાગી મારા ઘેયરે જમવા આમંત્રિત કયરા’તા. (બિલ્ડીંગના સિક્યોરિટી ઇન્ચાર્જ આવ્યા, અને પાછળ ઉભેલા લોકોને પૂછ્યું:’યહાં ક્યા હો રહા હે?)

 

                              હું ચાહું છું શાલકી ખૂબ જ જલ્દીથી મળી જાય, આ કેસ પર પોલીસ કાર્ય કરી રહી છે. હું સૌને વિનંતી કરું છું પોલીસ પર વિશ્વાસ રાખો અને બિનજરૂરી ન્યૂસન્સ ઊભો ના કરશો. તમારા ઘેયરે જાવ, પોલીસને તેમનું કાર્ય કરવા દ્યો.” નિશાંતે તેનું નિવેદન પૂરું કર્યું. પાછળથી બિલ્ડીંગના ઇન્ચાર્જ આવ્યા.

“યે સબ ક્યા હે? આપ ઐસે લોગ ઇકઠ્ઠા કરકે ઇન્ટરવ્યુ કેસે કર શકતે હો? બંધ કરો યે સબ.” બીજા દસ-બાર સિક્યોરિટીવાળા દંડા લઈ આગળ આવ્યા.

“નિશાંત, તો તમે એમ માનો છો શાલકી તમારા કારણે ગાયબ નથી થઈ?” એક રિપોર્ટરે પૂછ્યું.

“અરે, સબ બંધ કરો. યે... ક્યાં લગા રખા હે!” ઇન્ચાર્જ પાછળ લોકોને વેરતા બોલ્યો. પ્રશાંત ત્યાં આવ્યો અને બોલ્યો:”શું પ્રોબલમ છે?”

બે ક્ષણ પ્રશાંતને જોઈ યુપીનો ગુપ્તા સિક્યોરિટી ઇન્ચાર્જ ડઘાઈ ગયો, પછી બોલ્યો:”પ્રોબલમ મતલબ? આપકે પાસ પરમીશન હે યહાં પ્રોગ્રામ કરને કા?”

“બે મિનિટ ખમી જા...” પ્રશાંત બોલ્યો.

“નય, નય બંધ કરો સબ.” કહેતા ઇન્ચાર્જ સ્ટેજ તરફ વધ્યો. પ્રશાંતે એને પકડી લોન બાજુ ફેંક્યો. તે ઇન્ચાર્જ ગલોટિયું ખાઈ ઘાસમાં પડ્યો. બીજા બે ગાર્ડ્સ પ્રશાંતને મારવા આવ્યા. સ્ટાફ મેમ્બર્સ તેની મદદે દોડ્યા.

“ના. શાલકીની પોતાની પૂરી જિંદગી છે, ઈ શું કામ મારા માટે ક્યાંય જાય?”

નિશાંતની આ દલીલ રિપોર્ટર્સને પાંગળી લાગી. તેમણે એ જવાબ સામે પ્રશ્નોનો પહાડ ઊભો કરી દીધો. તે તોતડાઈ ગયો. રેશ્માને લાગ્યું હવે અહીંથી નીકળવું જોઈએ. સિક્યોરિટી ગાર્ડ્સ લાઠીચાર્જ શરૂ કરી દીધો. જેનો ભોગ પાછળના કેટલાક પ્રદર્શનકારીઓ બન્યા, તેઓ ભાગવા લાગ્યા, સિક્યોરિટીવાળા અને કેન્ટીનના સ્ટાફ મેમ્બર્સ સામ-સામે આવી ગયા.

 

                              રેશ્માએ અમથો ફોન કાને લગાવ્યો અને નિશાંતની નજીક આવી બોલી “મિટિંગનો કોલ આવ્યો છે, તો જવું પડશે ચાલો.” નિશાંત ઊભો થયો. કિરણ પણ ઊભો થઈ સિક્યોરિટી વાળા પાસે આવ્યો. તેમને શાંત પાડતા વાટાઘાટ કરવા લાગ્યો. પ્રશાંતે હાથ ઉગામયો તો મામલો ગરમાયો. ભેગા થયેલા લોકોમાં ભાગદોડ થઈ ગઈ. રિપોર્ટર્સ નિશાંતને પ્રશ્ન પૂછી રહ્યા હતા. તે ત્યાંથી નીકળી ગયો. કેમેરામેન તેની પાછળ દોડ્યા. પ્રશાંતે તેમને જતાં જોયા, તે એમની પાછળ ગયો. સિક્યોરિટીવાળા ઉગ્ર થઈ ગયા. ફટાફટ નિશાંત-રેશ્મા ગાડીમાં બેસ્યા. પાછળ પ્રશાંત આવ્યો એ પણ બેઠો. દિપેનભાઈએ ગાડી ઉપાડી. ઘડીકમાં ધમાચકડી થઈ ગઈ. થોડીવાર સિક્યોરિટી અને સ્ટાફ મેમ્બર્સ બાથે ભીડયા. પછી થયું કે શું કામ લડે છે? બધા સૌ પોતાનું કામ કરી નીકળી ગયા હતા.

 

“તું કાં આયવી? ફૂટેજ ખાવા?” નિશાંતે બાજુમાં બેસેલી રેશ્માને પૂછ્યું.

“હું હજુ પણ તમારી આસિસ્ટન્ટ છું. ‘ને મારી જોબ છે તમે જ્યાં નિવેદન આપો ન્યાં હાજર રહેવું. મને ફૂટેજ ખાવાનો કોઈ શોખ નથી. જો તમે મને કહ્યું હોત તો આપડે સાથે મળીને તમારું સ્ટેટમેન્ટ તૈયાર કરત.”

“સારું.” નિશાંતે એ દ્રષ્ટિકોણથી ન હતું વિચાર્યું.

“તમારે તો ક્યાં ઉતરવાનું છે?” પ્રશાંતે રેશ્માને પૂછ્યું.

“મારૂ એક્ટિવા પાર્કિંગમાં પયડું છે.”

“એની ચિંતા કરો મા. મને ચાવી આપજો. અત્યાર તમને ઘેયરે ઉતારી દેવી. પછી હું એક્ટિવા મોકલાવી દવ છું.”

“જી, ઓકે. થેન્ક યુ પ્રશાંતભાઈ.” રેશ્માએ આભાર માન્યો.

 

                              વૃંદાવન ફ્લેટ્સ પાસે ગાડી ઊભી રહી. તેણે ચા માટે ઉપર આવવા કહ્યું પણ નિશાંતે કહ્યું કે ઘરે જવું પડશે. રેશ્માએ આગ્રહ કર્યો પણ તેમણે ત્યાંથી ઘરે જવા નીકળી ગયા. બાદ કિરણ કોઠારીને કોલ લગાવી ત્યાંની પરિસ્થિતી વિશે માહિતી મેળવી. લોકો વેરાઈ ગયા હતા. સ્ટાફ મેમ્બર્સ અને ગાર્ડ્સ પોત-પોતાના કામે વળગ્યા. થોડીવાર પહેલા થયેલી ધમાલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નિશાંતે આપેલા નિવેદનનો સામો પ્રતિકાર મહિમા આપ્યા વગર રહેવાની ન હતી. જો ત્યાં માથાકૂટ ના થઈ હોત તો બધુ પરફેક્ટ રીતે પૂરું થયું હોત પણ મીડિયાને બોલવા માટે મુદ્દો જડી ગયો હતો.

 

*

 

                              “નમસ્કાર, હું મહિમા અગ્રવાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના શોમાં:’લોકો પિટે તો પિટે, વટ બિલકુલ ના ઘટે! જી હા થોડીવાર પહેલા નિશાંત પરમારનું એક ડિસ્ટર્બિંગ ઇન્ટરવ્યુ સામે આવ્યું છે. જેમાં તેમણે વટથી કહી રહ્યા છે મારૂ અને શાલકીનું આગળ કોઈ ભવિષ્ય નથી તો શું થયું? પોલીસ તેમનું કામ કરી રહી છે. જુઓ આ રહ્યો વિડીયો.” વિડીયો પ્લે કરવામાં આવ્યો. જેમાં નિશાંતનું સ્ટેટમેન્ટ કાપી-જોડીને કઈક જુદા અર્થમાં બતાડવામાં આવ્યું. ટીવીમાં અધૂરું સ્ટેટમેન્ટ પ્રસારિત થયું. જેનો અર્થ બીજો થઈ રહ્યો હતો. આખી વાતમાં નિશાંતે કહેલું એટલું વાક્ય વધારે વાર દેખાડવામાં આવ્યું:’મારૂ અને શાલકીનું આગળ કોઈ ભવિષ્ય નથી તો શું થયું? પોલીસ તેમનું કામ કરી રહી છે.’ નિશાંત, રાવજીભાઈ અને પ્રશાંત સમાચાર જોઈ રહ્યા હતા.

 

                              “આગળ નિશાંત પરમારના નાના ભાઈ પ્રશાંતનો વિડીયો સામે આવ્યો છે. જેમાં તેઓ બિલ્ડીંગના સિક્યોરિટી ગાર્ડ્સ સાથે મારામારી કરતાં દેખાઈ રહ્યા છે. ઘાટ્ટા ભૂખરા રંગના જભ્ભામાં ઉભેલ વ્યક્તિ પ્રશાંત પરમાર છે. (સ્લો મોશનમાં વિડીયો દેખાડવામાં આવ્યું) જુઓ કેવી દાદાગીરીથી તે એક સિક્યોરિટી ગાર્ડને ખૂલેઆમ કોલર પકડી ધક્કો મારી રહ્યા છે. શું પ્રશાંતને પોલીસ અથવા પ્રશાસનની બીક નથી? ત્યારબાદ નિશાંત પરમારની ગેંગના આદમીઓ સિક્યોરિટી સાથે મારામારી પર ઉતરી આવ્યા. શાંતિ રાખવાની વાત કરવાવાળા નિશાંત પરમાર પોતે રમખાણ કરાવી રહ્યા છે. નિર્દોષ લોકો પિટાઈ રહ્યા છે, છતાં નિશાંત પરમાર તેમની પર્સનલ સેક્રેટરી સાથે ગાડીમાં જતાં રહે છે. લોકો પિટે તો પિટે પણ નિશાંતસિંહનો વટ નો ઘટે!” (પર્સનલ સેક્રેટરી નથી એ. નિશાંત બબડ્યો.)

 

                              નિશાંતનું તાજેતાજું સ્ટેટમેન્ટ ગુજરાતી ન્યૂઝ ચેનલો પર ફરતું થઈ ગયું. સોલંકી પરિવાર નાસીપાસ થયો. મીડિયા સુધી વાત પહોંચાડવાનો હેતુ એ જ હતો કે ગમે એમ તે બંનેને મળાવી શકે. આટલું બધુ થયા પછી પણ નિશાંત સ્ટેટમેન્ટ આપે છે ‘ભલે અમારું સાથે કોઈ ભવિષ્ય નથી.’ આ વાત નિરાશાજનક હતી. શાલકીનું ઘર અશ્રુઘર બની ગયું. કોઈ ઉમ્મીદ કે આશ હવે ન દેખાઈ રહી. નિશાંતની વાત માની લેવી જ ઠીક લાગી. કદાચ તેમનું આગળ કોઈ ભવિષ્ય નહીં હોય.

 

                              પોતાના ઘરની આવી દુર્દશા સુરભિ સાંખી ન શકી. તે એના રૂમમાં ગઈ અને બ્રહમાષ્ત્રની તૈયારી શરૂ કરી. તેણે સિદ્ધાર્થને યોજના જણાવી. સુરભિની વાત સાંભળી સિદ્ધાર્થ ખળભળી ઉઠ્યો. આ ખેલ તાસના પત્તાના ઘર જેમ ઊભો થયો હતો. એક પત્તું પણ હલાવ્યું તો આખું ઘર ભાંગી જવાનું. તેની યોજના અમલમાં લાવતા બીજા લોકોની જિંદગી પણ દાવ પર લાગી જશે. તેમ છતાં, સિદ્ધાર્થે મંજૂરી આપી. લોકો પ્રેમમાં પોતાની જાતને કુરબાન કરી દેતા હોય છે. આ પરિવાર પહેલો એવો પરિવાર હતો જે પોતાના પ્રેમ માટે બીજાને કુરબાન કરવાની તૈયારી દેખાડી રહ્યા હતા.

“આજની રાયત નિશાંતકુમાર શાંતિથી ઊંઘી લ્યો, કાલના દિ’ પસી તમારી રાત પડવાની નથી.” સિદ્ધાર્થ બોલ્યો.

 

*

 

[શનિવાર સવારે ૯:૪૮ કલાકે]

 

                              નિશાંતના સ્ટેટમેન્ટથી પ્રદર્શનકારીઓ ઘટી ગયા હતા. છતાં, જે પાક્કા અંધઅનુયાયીઓ હતા, તેમણે તેને હજુ પણ દોષિત માનતા હતા, તેમણે પ્રોટેસ્ટ ચાલુ રાખ્યો. સવારે બારીમાંથી જોયું ૨૨ જેટલા પ્રદર્શનકારીઓ પોસ્ટર લઈ ઘર સામે બેઠા હતા.

“હું કરવું સે? ફટકારું બારે જાઈને?” પ્રશાંતે પૂછ્યું.

“ના. જે વ્યક્તિ જોઈ ના શક્તી હોય એને રસ્તો પાર કરાવી શકાય. જેમણે આંખો બંધ કરી રાયખી છે, એમની મદદ આપડે નો કરી શકીએ. કાલે આપડે રસ્તો દેખાડી દીધો. જે બુદ્ધિથી વિચારી શકતા હતા એ એમના ઘરે જતાં રહ્યા. આ લોકોએ આંખો બંધ કરી રાયખી છે. ભલે બેસતા.” નિશાંતે જણાવ્યુ.

 

                              તેઓ રાબેતામુજબ પોતાનું કામ કરી રહ્યા. સોસાયટી વચ્ચે બેસેલી ભીડ આસપાસના રહેણાકોનું ધ્યાન ખેંચતી. ત્રણેય બાપ-દીકરા ઘરમાં બેઠા હતા. બ્હાર નીકળી શકતા ન હતા. લોકો તેમને ફોન કરી આ બાબતે વાત કરતાં. દર કલાકે પ્રશાંત બ્હાર જઈ માવો ખાતો. સામે બેસેલા લોકોને જોઈ લોનમાં પિચકારી મારી અંદર આવી જતો. બાર-એક વાગે સુરભિ-સિદ્ધાર્થ બાઇક પર નિશાંતના બંગલે આવ્યા. સાંકળથી ઝાંપો બંધ હતો. બંનેએ પહેલા તો દરેક પ્રદર્શનકારીઓનો આભાર માન્યો. તેઓ એમની સાથે વાત કરી રહ્યા. દરમિયાન સિદ્ધાર્થ પાનના ગલ્લે બધા માટે પાણીના પાઉચ લેવા ગયો. પાઉચનો કોથળો પેટ્રોલની ટાંકી પર મૂકી તે પાછો આવ્યો. બધાને પાણી આપી હાલચાલ પૂછ્યા. બાદ સુરભિ ઝાંપા પાસે ગઈ, બેગમાંથી એક પરબીડિયું કાઢી અંદર ઉભેલા દ્વારપાલને આપ્યું. થોડીવાર પ્રદર્શનકારીઓ પાસે ઊભા રહી તેમણે ત્યાંથી નીકળી ગયા. જતાં-જતાં ચાની રેકડી પર જઈ પ્રદર્શનકારીઓ માટે ચા-બિસ્કીટનો ઓર્ડર આપ્યો. બિલ ચૂકવી બંને ઘરે આવ્યા.

 

                              દ્વારપાલે અંદર પાર્સલ આપ્યું. નિશાંતે એન્વોલોપ ખોલ્યું. તેમાં ફાઇલ હતી. વાંચવાનું શરૂ કર્યું. વિષયનું મથાળું અને પહેલો ફકરો વાંચતાં જ તેના હોશ ઊડી ગયા. સુરભિએ લીગલ નોટિસ મોકલી હતી. ઈકામારુ કંપની જે એક મેડપ કંપની નિશાંતે બનાવી હતી. એના પર કોર્ટ ઇંક્વાયરી બેસાડવાના પેપર્સ મોકલ્યા હતા. શનિ-રવિ રજા હોવાના લીધે સોમવારે જ કોર્ટમાં નોટિસ ફાઇલ કરવાની હતી. આ તો નિશાંતની જાણ માટે મોકલી આપી. અલગ-અલગ ફ્રૌડ, ગેરકાનૂની વ્યવસાય કેન્દ્ર, મની મેનીપ્યુલેટિંગ, કરચોરી જેવા ગુના હેઠળ ડઝન એક ધારા-કલમો લગાડી હતી.

 

                              સુરભિ બારમું ભણતી હતી. તેના ધોરણના હિસાબે આટલું બધુ જ્ઞાન અસાહજિક રીતે વિશેષ હતું. તેને લાગતું જ હતું નિશાંત સામી પ્રતિક્રિયા આપશે, એથી જ અગાઉ તેણે નોટિસ આપવાનું વિચારી રાખ્યું હતું. આ બાબત ગંભીર હતી. નિશાંત બધુ ગુમાવી શકે છે. ઉપરથી જેલમાં જવાનું થાય એ અલગ. આ હદે સોલંકી પરિવાર તેના પર પ્રહાર કરશે, એવી તેણે કલ્પના ન હતી કરી. સુરભિનું આ બ્રહ્માસ્ત્ર નિશાંત, તેનું પરિવાર અને તેની કંપની બધાને ખેદાનમેદાન કરી નાખવા સક્ષમ હતું. વધુ દાઝ તેને એ વાતની ચઢી કે તેણે લોલાનું નામ એની સાથે જોડ્યુ અને એ પણ ટીવી ઉપર. તે જરાય રહેમ ખાવા માંગતી ન હતી. ભલે, એકના કારણે બીજા ૧૦૦ લોકો નોકરી ગુમાવે. એકને બેઇજ્જત કરવા સામે બીજા હજાર કપડાં વિના ફરતા હશે તો ચાલશે. એવું સુરભિનું માનવું હતું.

 

                              નિશાંતને ફાળ પડી. આ કઈ નાની મોટી વાત ન હતી. આ સ્કેમ બ્હાર આવે તો લોકો તેનું મો કાળું કરી જુલૂસ નિકાળે એમ હતા. બીજા ઘણા લોકોની નોકરી જતી રહે જો કંપની પર કેસ થાય તો. પોતાના ઈગોને લેટ ગો કરી આ મામલો શાંત પાડવો પડે એમ હતો. રાવજીભાઈને આ વાત જણાવી. તેમણે મિત્ર હરિભાઈ વકીલને કોલ લગાવી ઘરે બોલાવ્યા. નિશાંતે સમગ્ર વાત જણાવી ફાઇલ બતાવી. હરિભાઈએ નોટીસના બધા કાગળિયા વાંચ્યા, પછી એક બાબત પાક્કી થઈ ગઈ. આ મેટર કોર્ટમાં ગઈ તો નિશાંતનું આવી બન્યું. બીજો વિકલ્પ એ હતો કોઈ ડોમેસ્ટિક આઇટી કંપની સાથે જોડાણ કરી ઓફિશ્યલ દસ્તાવેજ ઊભા કરે. જો કોઈ કંપની ટેકો કરે તો બચી શકાય.

 

                              જે લગભગ અશક્ય વાત હતી. નિશાંતે ઓન પેપર માહિતી આપી હતી પણ રેવન્યુ આઉટસોર્સિંગનો કોઈ ડેટા ભારતમાં ન હતો થઈ રહ્યો. તે અમેરિકાથી પોતાને પગાર આપી રહ્યો હતો. ઉપરાંત જે કઈ રેવન્યુ જનરેટ થતો તે ડેન્માર્કવાળા ખાતામાં ટ્રાન્સફર થઈ રહ્યો હતો. કોઈ કંપની આવી ગૂંચવણવાળી કંપનીમાં હાથ ન નાખે. ‘ને જેની પાસે જાવ એને આ બધી બાબતોથી વાકેફ કરવા પડે. જે સારો વિચાર ન હતો. રાઈવલ કંપની મદદ કરવાની જગ્યાએ આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે. એમ વિચારી કે ચાલો કોમ્પિટિશન ઓછી થઈ. જેથી એ રસ્તે પણ જવાય એમ ન હતું.

 

                              અંતિમ ઉપાય સુરભિ સાથે રૂબરૂમાં વાટાઘાટ કરી મામલો અટકાવી દેવાનો બચતો હતો. આટલી મોટી ઘાત મારી છે તો તેમની ડિમાન્ડ સામાન્ય રહેવાની નથી. તે જરૂર શાલકી સાથે લગ્નની વાત લાવી મૂકશે. હરિભાઈ વકીલે એ જ કહ્યું માંડવાળી કરી લેવામાં જ શાણપણ છે. બાકી જો ફરી કંપની ઉઠી જશે તો પાછા ઊભા નહીં થઈ શકાય. ‘ને ફ્રૌડના કેસમાં કોર્ટ રહેમ નથી દાખવતી. આબરૂના ધજાગરા થાય એ અલગ. તેણે શાલકીને ફોન લગાવ્યો:

“હલો.”

“સુભુ, બેટા મજામાં?”

“બોલો જીજુ. હું મજામાં. તમે કેમ છો?”

“તને ખબર જ છે ને. હમડા આવીને તે તબિયત ના સુધારી મારી. તને કોણે કીધું મારી કંપની યુએસ બેઝ નથી? ”

“એ વાત મેલો, મારે એ વાત નથ કરવી. ડાઇરેક્ટ પોઈન્ટ પર આવો.”

“ડાર્લીંગ તારે મને કહેવાનું છે, શું કરવું છે? પે’લા એ વાત જણાવ તને ખબર કેમની પડી કંપની વિશે?”

“શાલકીનો ઇન્ટરવ્યુ યાદ છે? એના જવાબ અમે તૈયાર કરતાં’તા ત્યારે મેં એને પુયછું’તુ એ રાતે તમે શું કયરું. એણે મને તમારી આખી હિસ્ટ્રી કહી. એ ડોબીને નથ ખબર પડતી કે આ ફ્રૌડ કે’વાય.”

“બરાબર.” નિશાંત બોલ્યો. ‘બૈરાંના પેટમાં કોય વાત રે’તી નથી. કશું નો કે’વાય આમને!” મનોમન બબડ્યો.

“એ બધુ મેલો સાલ. મેં મારી બેનને તમારી હારે જેટલી ખુશ જોઈ સે, એટલી ક્યારેય કોઇની હારે નથી જોઈ. હા એકવાર અમે સર્કસમાં ગ્યાં’તા. ન્યાં એક જોકરની ધોતી ખૂલી ગઈ’તી ત્યારે એ બોવ હસી’તી પણ મૂળ વાત, એ તમારી હારે બોવ ખુશ રયે છે. ‘ને મેં તમારી આંખોમાં એના માટે ફિલિંગ જોઈ છે. તો ઇગો બાજુમાં રાખી, એક સારો સંબંધ આગળ કાં નો વધારીએ?”

“હા, એ તો ડિમાન્ડ હશે જ મને ખબર હતી. બીજું કાંય?”

“ના. મારે તમને બંનેને ખુશ જોવા છે.”

“મારી ખુશી...(તે કટાક્ષમાં હસ્યો) ક્યાં છે ક્યાં તારી બેન? લો હાલો કરી લઈએ લગન!” નિશાંત બોલ્યો.

“હું નથી જાણતી. મને એમ કે તમને ખબર હયશે.”

“તો આ બધુ લાંબુ કરવાનો મિનિંગ શું યાર? જો તારે કે’વું જ ન’તું તો...”

“અરે, મને સાચ્ચે નથી ખબર, હું...”

“આ તમારા માટે રમત હયશે, મારા માટે નય. મારા ઘર હામે ૨૫ જણા ધરણાં પર બેઠા સે. મારી ઓફિસમાં વાટ લાગી ગઈસ. આબરૂની પત્તર ફાડી નાયખી સે. ‘ને તું મને એમ જવાબ આપે છે શાલકી ક્યાં છે? તને નથી ખબર! હજુ તમારે લોકોને શું જોઈએ સે? પગ તો કાપી નાયખા મારા. ના હું મારા ઘરની બારે જાઈ શકું સુ, આબરૂ કાયઢી નાખી મારી, ના હું કોઈને મો દેખાડી હકું સુ. નોટિસ મોકલી તે મને જેલ ભેગો કરવાની તૈયારી બતાડી, મારી કંપની બંધ કરાવી ભિખારી તો બનાયવી દીધો મને, હવે શું મારી મરદાનગી ઉતારવી સે તમારે મારી? નપુંશક બની જવ હું?” નિશાંત વીફર્યો.

“તમારી મરદાનગી મારી બેન પાસે છે. એની જરૂર નથ.” કહી તે હસી અને પછી બોલી:”મજાક કરું છું, તમે ચિંતા નો કરશો. ઈ આવી જાશે.”

“તમારું આખું ઘર સાયકો થઈ ગયું છે, તમે બધા મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થઈ જાવ, હંધાય મેન્ટલ પેસન્ટ સો તમે.”

“હાય, હાય. આવું કે’વાનું તમારા થવાવાળા ઇન લોઝ વિશે...?” સુરભિ હસી.

“તારે મારી હાયરે જે કરવું હોય ઈ કરી લે. જે દા’ડે મને ખબર પયડીને કે’ તમે જાણી જોઈને આ નાટકો કયરા’તા. તમને જાણ હતી, તેમ છતાં નો કહ્યું એ ક્યાં સે. તો તું ગઈ હમજજે. ભલે હું જેલ ભેગો થાવ તમને બધાયને ફેક કેસ કરવા પાછળ જેલના સળિયા ગણાવડાવીશ. તને એકલીને જ કાયદો ખબર છે એમ નો હમજતી. યાદ રાખજે મારા જેવો ફરેલ આખા રાજકોટમાં કોય નથી.” નિશાંતે કહ્યું.

“એ તો બધાને ખબર છે, હારુ હાંભળો, જો જેલમાં જાવાનું થાય તો આપડે જોડે જોડેની કોટડિયુંમાં રોકાયશું. એકબીજાને કંપની આયપવા. ન્યાં તમે મને તમારા બીજા જોલજપાટા કે’જો.”

“બોવ ડાઈ ના થઈશ.”

“છું જ નાનપણથી.” તે બોલી.

“હારુ. એને હોધી પાડો. જો હું હોધીશ તો તમને બધાને જેલ ભેગા કરી દઇશ!”

“We will meet you there!(અમે તમને ત્યાં મળીશું.)” સુરભિ બોલી. નિશાંતે કોલ કાપ્યો. સુરભિએ જોયું.

“કોલ કાપી નાયખો. I think he is in!” સુરભિએ જણાવ્યુ. ઘરના સૌ આ સાંભળી રહ્યા હતા. સિદ્ધાર્થ ખુશ થઈ ગયો.

“યસ!” કહી તેણે સુરભિને ગળે લગાવી.

 

*

 

“પાસપોર્ટ હાથવગો રાખજો બધા. હું જર્મની કે બ્રાઝિલના વિઝા કરાવી દઉં છું.” નિશાંતે કહ્યું. રાવજીભાઈ અને પ્રશાંત તેને જોઈ રહ્યા.

“પશા, ઓફિસના લોકરમાં ૧૭ કેશ પયડા છે, એ લેતો આવ. ‘ને ઘરમાં જે છે એ પણ એક બેગમાં મૂકી દ્યો.”

“ક્યાં જાવું સે?” રાવજીભાઈએ પૂછ્યું.

“સાંભળ્યું નય તમે? આ લોકો આપડને જેલ ભેગા કરવાની ગણતરીમાં સે, ઈન્ડિયા હવે મૂકી દેવું પયડશે. અહીંથી પે’લા બ્રાઝિલ જાશું. ‘ને ન્યાંથી થોડા દિ’ પસી કેનેડા.”

“મારે ક્યાંય નથી આવવું.” રાવજીભાઈએ જણાવ્યુ.

“કાં?”

“હું રાજકોટ નય છોડું. મારી આબરૂ સે આયાં. આખી જિંદગી અહીં કાયઢી ‘ને ગયઢપણમાં ભાગતો ફરું? તમારે જાવું હોય ન્યાં જાવ. મારી ગણતરી નો કરતાં.”

“કોય આબરૂ રે’શે નય આયાં, આ લોકો કેસ કરશે એ પસી.” નિશાંત બોલ્યો.

“એવું કાંય નય કરે એમણે.” રાવજીભાઈએ કહ્યું.

“મને લાગતું’તું જ બાપા નય માને...(તેણે પ્રશાંતને કહ્યું) વાંધો નય તો એમણે ભલે આયાં રે’તા. હું આપડી જાવાની તૈયારી કરું સુ.” કહી નિશાંતે ફોન કાઢ્યો. આ સાંભળી પ્રશાંત તેની પાસે આવ્યો અને ધીમે રહીને બોલ્યો:

“જો આપડે બે જ સીએ તો થાઈલેંડનું ગોઠવને, ન્યાં જાવી. ન્યાં તો વિજા નીય જરૂર નય પયડે.”

“તારે ન્યાં કેમ જાવું સે, મને ખબર સે પણ ન્યાં નથી જાવાનું હો.”

“વિચારી જોજે. ઈન્ડિયાથી બારે નીકળવાનો ફાસટેસ્ટ વે ઈ એક જ સે.” કહી પ્રશાંત જતો રહ્યો. એ રીતે તેણે વિચારી જોયું. આમ તો પ્રશાંતની વાત સાચી હતી. સૌથી ઝડપી તેઓ થાઈલેંડ કે માલદિવ્સ જઈ શકતા હતા. એમ જ કરવું ઠીક લાગ્યું. તે પાછળના જાંપેથી બ્હાર જઈ એરપોર્ટ જવા નીકળ્યો.

 

                              રસ્તામાં શાલકીની કોલેજ આવતી હતી, તો થયું ત્યાં એક આંટો મારી આવવો જોઈએ. મારવાડી યુનિવર્સિટીના પ્રવેશમાર્ગ પાસે ગાડી ઊભી રાખી. બે ઘડી કોલેજનું નામ જોયા પછી પાર્કિંગમાં ગાડી લગાવી, અંદર પ્રવેશ્યો. લોકરરૂમમાં તે ગયો. સુરભિને કોલ કરી શાલકીનો લોકર નંબર અને તાળાંનો પાસવર્ડ જાણ્યો. એકાદ સુરાગ મળી જાય એની જંખનાએ લોકર ખોલ્યું. અંદર ટાઈમટેબલ લગાવ્યું હતું. પેન અને સ્ટેશનરીનું પાઉચ હતું અને એક ડાયરી હતી. વાંચવાનું શરૂ કર્યું:

 

[DATE:7TH JAN 2011]

ગઇકાલે નિશાંત નામનો છોકરો મેરેજ માટે મળવા આવ્યો. પપ્પા કહેતા હતા બહુ પૈસાદાર અને સારા ઘરનો હેન્ડસમ છોકરો છે. મેં પણ એના વિશે ઘણું સાંભળ્યું હતું. BCA વખતે વિચારતી’તી ગ્રેજ્યુએશન પછી સેફશિલ્ડમાં જોબ માટે એપ્લાય કરીશ. વિચાર્યું ન’તું એ જ કંપનીના ઓનર સાથે મારા લગ્નની વાત ચાલશે. એને મળવા માટે બહુ એક્સાઈટેડ હતી પણ તે મને મયળા વગર જ જતો રહ્યો. મેં એને જોયો પણ ન હતો કે ન એણે મને જોઈ. વિચિત્ર વાત એ હતી તેને અમારા ઘરે રોકાવું છે. અમને જાણવા. પપ્પાએ એની એ વાત માન્ય રાખી. બે દી’ બાદ તે અમારા ઘરે આવવાનો છે રોકાવા...

 

[DATE:11TH JAN 2011]

મને બિલકુલ વિશ્વાસ નથી થતો ગઇકાલે જે ઘરમાં થયું એના પર. એમણે અને પપ્પા અને મોટા પપ્પા અને સિદ્ધૂભાઇએ ભેગા મળી ઘરની બધી લેડિઝ માટે જમવાનું બનાયવું અને પીરસ્યું પણ ખરું. એમના કોંટેક્ટ કેટલા ઉપર સુધીના છે, એક તોછડો ડિલિવરીવાળો આયવો એને ઠીક કરી દીધો. એમની પાછળ એક્ટિવા પર બેસવાની એટલી મજા આવીને... God, I love him!

 

[DATE:28TH JAN 2011]

ગઇકાલે એમણે મારા પપ્પા હારે મારી સાથ રાત રોકાવાની પરમીશન માંગી. મારો તો શ્વાસ અધ્ધર થઈ ગયો. પપ્પા શું રીએક્ટ કરશે પણ તેમણે પરમીશન આપી. આખી રાત અમે વાતું કયરી. અમે એકબીજાની પાસે આયવા. ‘ને ફર્સ્ટ ટાઈમ મેં કોઈને કિસ કરી.

 

[DATE:2nd FEB 2011]

મને લાગે છે હું એમના વગર નય જીવી શકું. જો એમને કાંય થયું અથવા આ સબંધને કાંય થાશે તો મને નથી લાગતું હું જીવી શકીશ...

 

[DATE:14th FEB 2011]

આજે વેલેન્ટાઇન ડે છે, મેં રા’ જોઈ તેમણે મને વિશ કરશે પણ એમણે બ્હારનું કલ્ચર બહુ અનુસરતા નથી.

 

                              તેણે પાનાં ફટાફટ ફેરવ્યા. આખી નોટબુક નિશાંતની વાતોથી ભરી હતી, તે એને કેટલું ચાહે છે, સાથે શું શું કરવાના છે. નિશાંત ક્યાં ક્યાં એને ફરવા લઈ જવા માંગે છે વગેરે. સારું થયું આ નોટબુક કોઈના હાથમાં ન આવી. બાકી, એનું આવી બન્યું હોત. તો શું શાલકીએ સુસાઇડ કર્યું હશે? તે છેલ્લા પાનાં પર આવ્યો.

 

[4th APR 2011]

મહિમા દી’ સાથે વાત કરી આજે સાંજે. BCAમાં તેમણે મારા સિનિયર હતા. તેમણે મને પણ જરનાલિઝમ કરવા પુશ કયરું’તું પણ મેં નો કયરું. આજે એમણે ન્યૂઝ એન્કર છે. મારી આ લડતમાં તેમણે મદદ કરવા રાજી થયા.(નિશાંતને હવે સમજાયું મહિમા કેમ શાલકીનો પક્ષ લઈ રહી હતી) બે કલાક પહેલા દી’એ મારો ઇન્ટરવ્યુ લીધો. એમણે કહ્યું આનાથી તે ગુસ્સે થશે. હું નિશાંતને નહીં મેળવી શકું. મને કોઈ હોપ નથી દેખાય રહ્યું એને પામવાનું. હું નહીં જીવી શકું એના વગર! આ બધી મહેનત નકામી છે. હું જઈ રહી છું. એની વાટ જોઈશ ન્યાં, જ્યાં અમારી વચ્ચે કોઈ ઇગો નહીં હોય, જ્યાં અમારી વચ્ચે કોઈ પ્રોબલમ નહીં હોય. જ્યાં હઈશુ ફક્ત ને ફક્ત હું અને તે. સફેદ રંગની માર્બલ દીવાલો શાંતિનું પ્રતિક બનશે. એવા જ મખમલના ધોળા પરદા પવન સાથે લહેરાતા હશે. ત્યાં ભેગા થયા પછી કોઈ અમને અલગ નહીં કરી શકે. ત્યાં અમે સદાય ‘ને એક થઈ જઈશું. હું ત્યાં તારી વાટ જોઈશ. નિશાંત આવી શકું તો આવ મારી પાસે. ચાલ આપડે એક થઈ જઈએ...

 

*

 

“મા ફાડી આણે...!” આપોઆપ તેના મોઢામાંથી શબ્દો નીકળ્યા. સૌથી પહેલા તો નોટબુક લઈ તે ફટાફટ ગાડી તરફ ચાલ્યો. તેની ચાલ લથડાઈ, પગ કંપી રહ્યા. શાલકીએ ન કરવાનું પગલું ભર્યું હતું. જો આ નોટબુક કોઈના હાથમાં આવી તો તેનું જીવવું મુશ્કેલ થઈ જશે. તે ફફડી ગયો. શાલકીએ આ શું કર્યું? તેણે પ્રશાંતને ફોન લગાવ્યો. તેનો હાથ ધ્રુજી રહ્યો હતો.

“હા, બોલ...” તે બિલ્ડીંગના સિક્યોરિટી ઇન્ચાર્જ ગુપ્તા જોડે ઊભો રહી ગપાટાં મારી રહ્યો હતો. ઇન્ચાર્જ એના માટે માવો ઘસી રહ્યો હતો. સત્તર લાખ રૂપિયાની કાપડની થેલી તેણે બગલમાં ભરાવી હતી. ઇન્ચાર્જે માવો આપ્યો, તેણે ફોન ખભાના ટેકે કાને રાખી માવો ગલોફામાં મૂક્યો.

“હલો, હલો પશા.”

“હા.”

“પશા, પશા એ મરી ગઈ. (નિશાંત રડવા લાગ્યો) એ મરી ગઈ પશા!”

“કોણ?”

“શાલકી, એણે સુસાઇડ કરી લીધું છે.” “તે હીબકી રહ્યો હતો. તેણે ઉમેર્યું:“આ ર્યુ. એણે બધુ આ ચોપડીમાં લયખું છે. મેં વાંયચ્યું.”

“બરાબર. બે મિનિટ ચાલુ રાખજે.” તેણે ફોન જભ્ભાના ઉપરના ખીચામાં મૂક્યો: “અય ગુપ્તા, મેં બાદ મે મલતા હું તેરે કો. ઘરે જાના પડેગા. ચલ મેં નીકલતા હું.”

“હા, હા, પશાંતભાય મેં ભી વાં જાતા હું. બાદ મે મિલતે હે.” ઇન્ચાર્જ બોલ્યો.

પ્રશાંતમાં મૈત્રી કરવાની સારી કળા હતી. હજુ ગઇકાલે જ એ સિક્યોરિટીવાળા જોડે મારામારી કરી રહ્યો હતો અને આજે એની જોડે ઊભા રહી માવો ખાધો. તે ફટાફટ ગાડી પાસે આવ્યો અને નિશાંત સાથે વાત કરી:

“હું બોયલો તું હમડા?”

“શાલકી મરી ગઈ છે. એણે આ ચોપડીમાં લખ્યું છે.”

“તું ક્યાં છે?”

“એની કોલેજ...”

“એની કોલેજ?!? તારા આંટા આઈ રયા સે? ન્યાં હું કરેસ તું?”

“હું એરપોર્ટ જાતો’તો. ન્યાં ઈની કોલેજ આવે સે, તો જોયું મેં. ઈના લોકરમાં એક નોટબુક સે. ઈમાં બધુ લયખું છે. ચૌદ તારીખે ઇનો ટીવી પર ઇન્ટરવ્યુ થયો હતો.  પછી હવારની તે ગાયબ છે... એણે લયખું છે...”

“એક મિનિટ શાંતિ રાખ. એ મરી નથી. એના ઘરનાનું પ્લાનિંગ સે આ બધુ.”

“બે ટોપા! મારી હામે એની નોટબુક સે, એના જ અક્ષર સે. એણે લખ્યું સે એ મને ન્યાં મળશે.”

“ન્યાં?” પ્રશાંતે પૂછ્યું.

“ન્યાં.”

“ન્યાં ક્યાં?”

“ન્યાં... તારો બાપ સ્વર્ગમાં!” નિશાંત અતિરેકમાં આવી ગયો. તેનું હ્રદય જોરથી ધબકી રહ્યું હતું.

“એણે એડ્રેસ લયખું સે?”

નિશાંતને ગુસ્સો આવ્યો. “શું ગાંડા જેવી વાતું કરે છે. સ્વર્ગનું કોઈ એડ્રેસ હોય હારા જાડીયા!”

“બે પોપટ, હું જયગ્યાની વાત કરું સુ જ્યાં ઈણે સુસાઇડ કયરું.”

“નથી લયખું ગધાડા!”

“તું વાંદરા ઘરે આવ પે’લા મળીને કઈક કરીયે.”

“હું પે’લા ટિકિટ લઈ આવું બેંગકોકની કુતરા.” બંને ભાઈ એકબીજાને નાના બાળકોની જેમ ચીડવી રહ્યા હતા. જે અટકવાના ન હતા.

“હારુ, તો ભૂંડીયા એવું કર!”

“તે પૈસા લીધા ઓફિસમાંથી બળધિયા?”

“હા, કાગડા...!” પ્રશાંત બોલ્યો, તે ગાડી નીકાળી રહ્યો હતો. તેને આમ ખીજાવાની મજા આવતી હતી.

“સારું.” નિશાંતે પરિપક્વતા દેખાડી. તેણે ફોન મૂકી ગાડી ચાલુ કરી. તે ખરેખરમાં શાલકીને પ્રેમ કરવા લાગ્યો હતો પણ શાલકીએ આ કેવું પગલું ભર્યું? નિશાંતને અફસોસ થઈ રહ્યો હતો. કાશ! તે મનાવી રહી હતી ત્યારે જ માની જઈ મનની વાત જણાવી દીધી હોત તો સારું થાત, રસ્તામાં વિચાર કરતાં કરતાં ઘરે આવ્યો. ડેશબોર્ડ પર પડેલી શાલકીની ડાયરી તેને ડિસ્ટર્બ કરી રહી હતી. મુખ્ય દરવાજાથી સોસાયટીમાં પ્રવેશ્યો ત્યારે બે છોકરીઓ જે પ્રોટેસ્ટમાં બેસી હતી એ એને જોઈને સ્મિત આપી રહી હતી. નિશાંતે પણ સામે સ્મિત આપ્યું. તેણે ગોગલ્સ ચડાવ્યા હતા માટે તેની પાછળનો સૈલાબ કોઈ જોઈ ન શક્યું. બીજા પ્રોટેસ્ટર્સ તેને ગુસ્સાથી જોઈ રહ્યા.

 

                              પ્રશાંતને નોટબુક વાંચવા આપી. પ્રશાંતે વાંચી જોઈ પણ કઈ ખાસ લાગ્યું નહીં. તે ન હતો માનવા તૈયાર કે શાલકી આત્મહત્યા કરી શકે. તેને મન સોલંકીઓની આ એક રાજરમત હતી. તેણે નિશાંતને આશ્વશન આપ્યું શાલકી પાછી આવી જશે. તે ક્યાંય નથી ગઈ. તે નિશાંતને તેના કક્ષમાં સુવડાવી ગયો. પછી બ્હાર આવી થાઈલેન્ડ જવાની વ્યવસ્થા કરી. જો તે મરી ગઈ હોય તો અહીંથી ભાગવું જ પડે પણ નિશાંતને એ વાત મનાવવી ના જોઈએ. નહીંતર એ બાવરો બની જાય. અંતે તો તે પણ શાલકીને ચાહતો હતો. તેને નડી રહ્યો હતો તેનો અહંકાર, તેનું સમાજ સ્વીકાર્ય પોલું પુરુષાતન. તે કેવી રીતે ઓગળી શકે છે? લોકો શું વિચારશે? એ વિચારમાં જ આજે તે શાલકીને ખોઈ બેઠો હતો.

 

                              ભારે મન ઊંઘ પણ ગાઢ આવતી હોય છે. સવારે સવા દસ વાગે તે ઉઠ્યો અને દૈનિક ક્રિયા કરવા લાગ્યો. તેણે બારીમાંથી જોયું પ્રદર્શનકારીઓ શાલકી માટે ગીતો વગાડી રહ્યા હતા. ‘જાને નહીં દેગે તુજે, બહેતી હવા સા થા વો’ વગેરે. તે નાહવા ગયો. નાહીને અરીસા સામે ઊભો રહી કાયા નિહાળી રહ્યો. પછી કપડાં પહેરવા ગયો. બીજી જ ક્ષણે તે પાછો અરીસા સામે આવ્યો અને વિચારમાં પડ્યો. મગજમાં ઘટનાઓ ગોઠવી કડી મળાવી રહ્યો.

“યસ!” ઉત્સાહ સાથે તે બોલ્યો. ફટાફટ કપડાં પહેરી ગ્રીન ટી પીવા ડિનર ટેબલ પર આવ્યો. તેના હોઠો પર ગીત ગુંજી રહ્યું હતું:”મેં વાપસ આઉંગા, મેં વાપસ આઉંગા! તુમ બિન યે ઘર પૂરા પૂરા હે.” એવું બોલી તે હસ્યો. પ્રશાંત અને રાવજીભાઈ આ જોઈ રહ્યા. તેઓ ગાંઠિયા અને ચા માણી રહ્યા હતા.

“આજ તો કાંય સારા મૂડમાં લાગેસ ને તું. કાં?” પ્રશાંતે કહ્યું.

“હા. પેલી મળી ગઈ.”

“એમ? ક્યાંથી?”

“આટલા ટાઈમથી આ લોકો આપણને ઊંઠા ભણાવી રહ્યા હતા. જાણે આપડે પાગલખાનામાંથી આવ્યા હોઈએ.”

“એ છે ક્યાં?” પ્રશાંતે ફરી પૂછ્યું.

“તું જો ખાલી. એના વાળ જાલીને પાછી લેતો આવું છું કે નહીં.” નિશાંત બોલ્યો. તેની ચા આવી ગઈ. તેણે ઉમેર્યું:”બોવ હેરાન કર્યા આ લોકોએ આપડને, હવે એમને લોકો હામે છતાં કરવાનો વારો આવી ગયો છે.”

“એ છે ક્યાં? એ બોલને તું.”

 

                              નિશાંત એની સામે જોઈ રહ્યો. ચૂપચાપ ચા પી, ગાડીની ચાવી લઈ આગળના ઝાંપાએ ગયો. ઉભેલા પ્રદર્શંકારીઓ દ્વિઘામાં મુકાયા. નિશાંત કેમ આવ્યો હશે? દ્વારપાલે ઝાંપો ઉઘાડયો. ગાડી લઈ તે બ્હાર આવ્યો, ઉતરીને પ્રદર્શનકારીઓને કહ્યું:”તમે આટલા દિવસોથી મારા ઘર આગળ ભેંસની જેમ બેહી રો છો એના કરતાં શાલકીને શોધવાના પ્રયત્ન કર્યા હોત તો મારી પહેલા તમે એને પકડી પાડી હોત. આ રંડાપો બંધ કરો તમારો! લઈને આવું છું તમારી સામાજિક કાર્યકર્તાને! Just wait and watch!” કહી તેણે એક પ્રદર્શનકારીના હાથમાંથી કીડનેપર લખેલું પોસ્ટર લઈ લીધું અને નીચે ફેંકયું.

 

                              ડ્રાઈવ કરતાં કરતાં તેણે શાલકીને કોલ લગાવ્યો. સુરભિએ ફોન ઉપાડયો. તે હજુ ઊંઘમાં હતી.

“હલો.”

“બોલો જીજુ.” આંખો ચોળતા તે બોલી.

“તમારા ગામનું અડ્રેસ આપજે.”

“શું?” તે ઝપકી ગઈ. ફટાફટ ઓસરીમાં આવી.

“તમારું ગામ ક્યાં? જ્યાં તારા મોટા પપ્પા ગયા છે.”

“અત્યારે ત્યાંનું શું કામ?”

“હવે નાટક બંધ કરો તમારા. ચોરી પકડાઈ ગઈ છે. તમને એમ હતું મને ક્યારેય ખાબર જ નહીં પડે હેં?”

“શું બોલો છો તમે?”

“તું અડ્રેસ મોકલે છે કે હું બીજા કોઈને કોલ કરું?”

“વેઇટ. હું તમને મેસેજ કરું છું.” કહી તેણે ફોન મૂક્યો. ધીરેનભાઈ તેની સામે જોઈ રહ્યા. સુરભિ બોલી:“એ આવી રહ્યો છે...” ઘરના સભ્યો સ્તબ્ધ થઈ ગયા.

 

*

 

[15 એપ્રિલ 2011 પરોઢમાં 3:48 કલાકે ઇન્ટરવ્યુની રાતે]

“બે દિવસ પછી બધા વાતું કરશે. આપડા તરફથી ટાઢી પ્રતિક્રિયા રે’વી જોઈ...” શાલકી બોલી.

“તે કંપલેટલી વિચાર્યું છે ને એના પર. એક વાર એવું કર્યા પછી પાછું નહીં અવાય.” સિદ્ધાર્થે કહ્યું.

“વાંધો નહીં. ચાલો બાપુ.” શાલકીએ દિનકરરાવને કહ્યું.

 

                              સુરભિ તેના કક્ષમાં સૂઈ રહી હતી, તે એને મળી ના શકી, ન હતી જાણતી શાલકી ક્યાં જઈ રહી હતી. તેની અને દિનકરરાવની બેગ તૈયાર હતી. બંને બેગ ઉપાડી બધાને છેલ્લી વાર મળી રાજકોટ છોડી ચાલ્યા ગયા.

 

*

 

                              નિશાંતે ગાડીના બધા કાચ ખોલી નાખ્યા. મોટેથી ગીતો વગાડી રહ્યો હતો. સુસવાતો પવન સંગીતમાં તાલ મિલાવી રહ્યો હતો. શાલકીનો મેસેજ આવ્યો, સુરભિએ અડ્રેસ મોકલ્યું હતું. નિશાંતે મોટી જીત હાંસલ કરી હતી:

“સાલાઓ મને ઉલ્લુ બનાવે છે. ખબર નય શું સમજતા હશે પોતાને. આટલી મોટી વાત એ લોકો કેવી રીતે ભૂલી શકે છે અને સાલું મારા મગજમાં કેમ ના આવ્યું? હું પણ ગાંડો થઈ ગયો આ બધી ધમાલમાં પણ હવે આ ચેપ્ટર મારે પતાવી દેવું છે.” કહી તેણે ગતિ વધારી.

 

                              ગોંડલથી આગળ વિરપુર આવ્યું. એ બાજુનું ક્યાંકનું સરનામું સુરભિએ મોકલ્યું હતું. ગામમાં પ્રવેશ્યો, ઓટલે બેસેલા એક ભાભાને દિનકરભાઈ સોલંકીનું સરનામું પૂછ્યું. આટલા દિવસોથી તેમણે ગામડે હતા, એવું તો શું કામ આવી ગયું કે શાલકીના ખોવાવા પર પણ તેમણે ઘરે પાછા ન આવ્યા? તેને શક થઈ રહ્યો હતો. શાલકી જરૂર અહીં હોવી જોઈએ. તે એને લેવા આવ્યો હતો. એમના જૂના ઘરે પહોંચ્યો. બ્હાર વરંડામાં દિનકરરાવ બે-ચાર આદમીઓ જોડે બેઠા હતા. ઘર તરફ ગાડી આવતા જોઈ તેમણે ઊભા થયા.

 

                              વાંસની બનાવેલી જાળી પાસે ઊભા રહ્યા. નિશાંત ગાડીમાંથી ઉતર્યો. તેને જોઈ દિનકરરાવ આશ્ચર્ય પામ્યા.

“કુમાર તમે...”

“શાલકી ક્યાં છે?” તે તરત મુદ્દા પર આવ્યો.

“શાલકી...? અંદર તો આવો, પાણી આપું તમને?” જાળી ઉઘાડતા દિનકરરાવે પૂછ્યું. નિશાંત અંદર આવ્યો.

“ના, મારે નથી પીવું.”

દિનકરરાવ પાણી લેવા ગયા. જાડના છાંયા નીચે બેસેલા આદમી નિશાંતને જોઈ રહ્યા. દિનકરરાવ ઘરમાં ગયા હતા. આટલા સમયથી એની નજરો શાલકીને જોવા તરસી ગઈ હતી. હવે પ્યાસ પૂરી થવા આવી. તે શાલકીને જોવા તેમની પાછળ પાછળ અંદર ગયો. તેમણે માટલાંમાંથી પ્યાલો ભરી નિશાંતને આપ્યો. એટલામાં ક્યાંય શાલકી દેખાઈ નહીં.

“શાલકી ક્યાં છે?” તેણે પૂછ્યું.

“એ અહીંયા નથી.”

“દેખો, તમને નથી ખબર હું કેવા માનસિક તણાવમાંથી પસાર થયો છું. આટલી ગરમીમાં હું આવ્યો છું, મને ગુસ્સો ના લેવડાવશો. પ્રેમથી પૂછું છું શાલકી ક્યાં છે?” નિશાંત બોલ્યો.

“અમે સાથે નીયકળ્યા’તા આયાં આવવા પણ બસ સ્ટેન્ડ પર જ તેણે મન બદલી નાયખ્યું.”

“કેમ?”

“તેણે કહ્યું પ્લાનમાં થોડો ચેન્જ સે. તે આયાં નય આવે. એમ કહ્યું કે ‘મારી અને નિશાંતની એક ખાસ જગ્યા છે, નિશાંત મને ત્યાં લેવા આવશે. જ્યાં ફક્ત હું અને એ હશે. કોઈ પ્રોબ્લમ, કોઈ ઇગો, કશું નહીં હોય ન્યાં.” દિનકરરાવ બોલ્યા. પછી બે ઘડી મૌન રહ્યા બાદ ઉમેર્યું:”મેં એને કહ્યું, હું પાણીની બોટલું લેતો આવું આપડા હાટું, ઈણે હા પાયડી. હું પાણી લયને આયવો ત્યારે ઇ ત્યાં ન’તી. ગાયબ થય જય એટલી વારમાં. મેં આસપાસ જોયું, આખું બસ સ્ટેન્ડ ફરી વળ્યો પણ એ નો દેખાણી. બસ, એ મેં એને સેલ્લી વાર જોઈ ઇ જોઈ, પસી જોઈ નથી.”

 

                              નિશાંત પાછો ગભરાયો. ફરી એ વિચાર આવવા લાગ્યો ક્યાંક શાલકીએ ઊંધું પગલું ના ભર્યું હોય. તે ભારે મન પાછો ફર્યો. દિનકરરાવ રોકાવા, આરામ કરવા અને જમવા માટે આગ્રહ કરી રહ્યા હતા પણ તે ત્યાંથી દુખી થઈ પાછો વળ્યો. તેને જતો જોઈ દિનકરરાવ બોલ્યા:

“એ હવારે તણ બસુ ઉપડી’તી.” નિશાંત પાછો ફર્યો.

“એ જય ત્યારે તણ બસુ ‘ટેસનની બારે નીકળી’તી.” દિનકરરાવે કહ્યું.

“ક્યાંની?”

“એક અંજાર બાજુ, બીજી દેવભૂમિ દ્વારકા-સોમનાથ ‘ને તીજી અમદાવાદ.”

“સારું.”

 

                              ગાડી ચાલુ કરી મેઇન રોડ પર લીધી અને આંખોએ આંસુની ધાર આવી. શાલકીએ પોતાને કઈક કર્યું હશે તો તેનું કોણ? તેને પોતાનું નિવેદન યાદ આવી ગયું:’કદાચ તેના ભાગ્યમાં પત્નીનો પ્રેમ નહીં લખ્યો હોય.’

 

                              દુખ તો દુખ હોય છે પણ સફરમાં લાગતી ભૂખ કુદરતી હોય છે. તેને ભૂખ લાગી હતી, હાઇ વે પરના એક ઓપન રેસ્ટોરાં પર ગાડી ઊભી રાખી. ઉપર છત અને કાટ ખાઈ ગયેલા પંખા હતા. પ્લાસ્ટિકના ટેબલ-ખુરશી ગોઠવેલા હતા. પેલી કોર ત્રણ પગથિયાં બાદ ખેતરા અને ખુલ્લા મેદાન દેખાઈ પડતાં. ભારે હ્રદયે તેણે જમવાનો ઓર્ડર આપ્યો. શાલકી સાથે વિતાવેલ ક્ષણોને યાદ કરતો રહ્યો. કેવા ખુશ હતા તેમણે. એકબીજા માટે લાગણી હતી, સ્નેહ હતો, હુંફ હતી, એકબીજાની ચિંતા હતી. ખબર નહીં કયા ચોઘડીએ કોની નજર લાગી તેમના સંબંધને કે આમ જુદા થવું પડ્યું? જમવાની થાળી આવી ગઈ. મનના ભારે તેને ખુરશી પર બેસવા ન દીધો. થાળી લઈ પગથિયાં પર બેઠો. જ્યાંથી ખેતરા-મેદાન દેખાઈ પડતું હતું.

 

                              દુખમાં તો જાણે મનની સાથે સાથે સૃષ્ટિ પણ નિર્જીવ બની હોય એમ લાગવા લાગે છે. તેની સામે ઉભેલા જાડવા, ખેતરમાં ઉગેલા છોડ અને મેદાનના ઘાસની જાજમ મૂંગી અને નિર્જીવ બની ગઈ હતી. કોઈ હલનચલન નહીં. જો કલ્પના કરી શકો તો લાગી શકે શાલકીના દોષી નિશાંતને તેઓ ગંભીરતાપૂર્વક અડગતાથી જોઈ રહ્યા હતા. નિશાંતને એવું જ લાગી રહ્યું હતું. તે પોતાની જાતને કોશી રહ્યો હતો. કાશ, શાલકીને ત્યારે રોકી લીધી હોત તો? અત્યાર તો તેની પાસે આંસુ અને અફસોસ બચ્યા હતો. ‘ને થાળીમાંનું ભોજન. તે દુખી મને પણ ઝડપથી ખાઈ રહ્યો હતો.

 

                              બે ક્ષણ થયું કે જે થઈ ગયું એ થઈ ગયું. આગળનું વિચારવું જોઈએ. હવે શું કરવું? પ્રદર્શનકારીઓને કહી આવ્યો હતો શાલકીને લેતો આવશે. અહીં પરિસ્થિતી જુદી હતી. પાછા જઈને શું જવાબ આપવો? એની ચિંતા વધવા લાગી. જમી કરી, બિલ ચૂકવી તે ગાડીમાં બેસયો અને પ્રશાંતને કોલ લગાવ્યો.

“હલો, પશા...”

“બોલ.”

“હું એના ગામ આવ્યો છું. દિનકરભાઈ ગામડે હતા પણ શાલકી ન્યાં નથી.

“તો ક્યાં સે?”

“મને નથી ખબર.”

“તું તો કે’તો તો તને ખબર સે...”

“મને લાગ્યું દિનકરભાઈ આટલા દિવસોથી ઘરે નથી આવ્યા તો તેમણે અને શાલકી જોડે હશે પણ અહીં તો એમને એકલા જ છે.”

“બરાબર. લે માવો બનાય.” તે પાનના ગલ્લે ઊભો હતો. જોડે ઉભેલા એક ભાઈબંધને કહ્યું. ફોન ચાલુ હતો. ચાર ક્ષણ શાંતિ જળવાઈ. નિશાંત બોલ્યો:

“હું ખોટો પડ્યો છું, આવેશમાં આવી ડંફાસ ઠોકી દીધી ઘર હામે બેઠેલા માણસો આગળ... પણ મને લાગે છે શાલકીએ સુસાઇડ કર્યું હશે. શું કરું હું?”

“હા, બરાબર. એક સેકન્ડ ચાલુ રાખ... ભૂરા હું મારી ગાડીમાં બેઠો છું એક કામ સે, તને બોલાવું એટલે હમડા આવ. ‘ને માવો ઘસીને આપી જા.”

“હારુ.”

પ્રશાંત ગાડીમાં ગયો અને બોલ્યો:”બધા જીવનમાં ક્યારેક ખોટા પયડે સે ભાય, એમાં કાંય નવું નયથી... કોઈ પરફેક્ટ નથી. આ આપડે તારી ઘરવાળીના બાપા જોડે બાખડ્યા. તોય એમણે સબંધ મૂયકો? હાર માયની? એમનો વાંક હતો તોય જીદ ના સોડી. શાલકીએ તને મનાવા કશાની પરવા કર્યા વગર લોકોની મદદ કરી. ટીવીમાં ઇન્ટરવ્યુ આલી આવી, ફક્ત તને મનાવા હાટું. આપડા તરફથી ચોખવટ થઈ ગઈ’તી કે આ હગપણ આગર નથ વધારવાનું. તોય ઇણે હાર માયની? તારો પીછો છોયડો? ઈની બેને તારા પર કેસ કરવાની ગણતરી દેખાયડી? શું ઈણે હાર માયની? આ બધુ કોના માટે? ચાલુ રાખજે...(ભૂરો એના તરફ આવ્યો, તેણે ગાડીનો કાચ નીચે કર્યો, એ માવો આપી જતો રહ્યો. માવો ખાઈ તેણે બોલવાનું ચાલુ રાખ્યું)

“હલો…”

“હા.”

 

                              “એ લોકો ખોટા હતા તોય હાર નો માયની તો આપડે તો હાચા સીએ. એમણે આપડું જીવવાનું હરામ કરી નાયખું સે, માનસિક, શારીરિક, આર્થિક બધી રીતે આપડી મારી સે! તો તું કય જ કેમનો હકે સે તું ખોટો સે? ઘર આગળ બેસેલા લોકો રા’ જોઈ રયા સે, કે તું શાલકીને લાવીશ. ગામમાં બધે વાત બી ફેલાઈ દીધી સે, કે નિશું શાલકીને લેવા ગિયો સે.”

“એ નથી યાર આયા. એણે કઈક કરી લીધું સે...”

 

                              તું મારી વાત ધ્યાનથી હાંભળ હવે. લોજિકલી અને પ્રેક્ટિકલી થોડું વિચાર. એ સોડી સુસાઇડ નો કરે. જો ઈ એના મોટા બાપા હારે ઘેરેથી નીકળી હોય તો અધવચ્ચે બીજે જઈ કાં આપઘાત કરે? પોલીસની ઇંક્વાયરી હૌથી પે’લા એ ડોહા પર થાય. ‘ને એ રાતોરાત ફેમસ બની સે, મને નથી લાગતું કોઈ આવી રોયાલ્ટી મૂકી મરી જવાનું વિચારે. એ સોડી જીવતી સે. મારૂ મન મને કય રહ્યું સે, એ જીવતી સે. ‘ને અત્યાર હુધી એ લોકો બધી રીતે આપડું શોષણ કરી જીતતા આયવા સે. હવે, આપડી વારી સે જીતવાની. તું કાંય પણ કર એ સોડીને પાસી લેતો આય. ‘ને એને આપડા ઘેરે લાવજે, ના પોલીસમાં કે ના એના ઘેરે, આપડા ન્યાં લાવ, બધા એના ફોલોવર્સ, ઘરવાળા બધાયને બોલાઈશું. ‘ને પેલી હલકટ મહિમાડીને પણ... એને લીધા વગર પાસો ના આવતો. ભલે રાતના બે વાગી જાય. મને વિશ્વાસ સે તું એને હોધી પાડીશ. ગમે તેમ એ તારી થવાવાળી બૈરી જ સે ને?” પ્રશાંતે જણાવ્યુ અને બારી ખોલી પિચકારી મારી.

“સારું.” નિશાંત બોલ્યો.

“હાલ, બીજી કઈ જરૂર હોય તોય કે’જે. હું બેઠો સુ આયાં. ના મળે તોય વાંધો નય, તેલ વાળી થઈ! સોમવારની ટિકિટ બુક સે આપડી. નીકળી જઈશું આ બધી જફા આયાં મેલીને...”

“ના, ના. ભાગીશ તો નય જ હું. તારી વાત હાચી સે, હવે જીતવાનો વારો આપડો સે. હું ગમે એમ કરી એને હોધી પાડીશ!” નિશાંતમાં હિમ્મત આવી.

“હમ્મ... એ ભૂરા એક માવો ફેંકજે.” પ્રશાંત બ્હાર નીકળી બોલ્યો. ભૂરાએ ગલ્લામાંથી એક માવો લઈ ફેંક્યો.

“સારું. મૂકું?”

“એ હા. સારું.” નિશાનતે ફોન મૂક્યો. પ્રશાંત માવો બનાવા લાગ્યો. ભૂરો તેની પાસે આવ્યો અને બંને ગપાટાં મારતા રસ્તે નીકળતી મહિલાઓને નિહાળવા લાગ્યા.

 

                              નિશાંત સીટ લાંબી કરી આડો પડ્યો. વિચારવા લાગ્યો ક્યાં જઈ હશે તે? શું કરતી હશે શાલકી? રેસ્ટોરાં આગળ તેના એકનું વાહન તડકામાં પડ્યું હતું. અંદર એસી ચાલુ કરી સૂતા સૂતા તે શાલકીની ડાયરી વાંચી રહ્યો. વારંવાર છેલ્લું પાનું વાંચી તે પહેલી ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો:

‘એની વાટ જોઈશ ત્યાં, જ્યાં અમારી વચ્ચે કોઈ ઇગો નહીં હોય, જ્યાં અમારી વચ્ચે કોઈ પ્રોબલમ નહીં હોય. જ્યાં હઈશુ ફક્ત ને ફક્ત હું અને તે. સફેદ રંગની માર્બલ દીવાલો શાંતિનું પ્રતિક બનશે. એવા જ મખમલના ધોળા પરદા પવન સાથે લહેરાતા હશે. ત્યાં ભેગા થયા પછી કોઈ અમને અલગ નહીં કરી શકે. ત્યાં અમે સદાય ‘ને એક થઈ જઈશું.’

 

                              આનો મતલબ શું થયો? શાલકી ક્યાં જઈ શકે છે? તે શું કહેવા માંગે છે? એવી કઈ જગ્યા છે જ્યાં સફેદ માર્બલની દીવાલો હોય? મખમલના ધોળા પડદા? મખમલના પડદા હોય? અને ધોળા પણ હોય? મને નથી ખબર પડદા કેવા હોય. મારા ઘરે તો લીસ્સા પડદા છે, એ પણ પ્રિંટેડ ડીસાઇનવાળા તે મનોમન બબડ્યો. ક્યાં હશે તે?

 

                              તે એની સામે ઊભી હતી. તેના વાળ ખુલ્લા હતા. લાંબો ડ્રેસ પહેર્યો હતો. ચહેરા પર કોઈ શૃંગાર કે આભૂષણ ન હોવા છતાં, અપ્સરા લાગી રહી હતી. તેને એ દીવાલો દેખાઈ. જે સફેદ માર્બલની બની હતી. જ્યાં સફેદ પરદા લગાવ્યા હતા. જ્યાં તે બંને સિવાય કોઈ ન હતું. એક મોટું ઝૂમર હતું. ફરસ પર વર્તુળમાં આહ્લાદક ડીસાઇન હતી. વર્તુળના કેન્દ્રમાં તે ઊભી હતી, તે આવ્યો અને:

“શાલકી... હા હું પણ કરું છું તને પ્રેમ. તે થોડી રા’ કેમ ના જોઈ?” શાલકી ઊંધી ફરી ગઈ. મનમાં વિચારી રહી હતી, ત્યારે કેમ ના કહ્યું જ્યારે તે એની પાસે એની સામે ઊભી હતી? તે નીચે જોઈ રહી.

“કાશ! હું તને કહી શક્યો હોત મને તને ટચ કરવાની કેટલી ઈચ્છા થઈ હતી જ્યારે તું ડ્રાઇવરના યુનિફોર્મમાં મારી ગાડીમાં બેસી હતી.” આ વાત તેણે એને અડયા વગર કહી.

“જો હું આવી ગયો તારી પાસે, બોલ શું કરવું છે? ચાલ એક થઈ જઈએ આપણે...” નિશાંત બોલ્યો. શાલકી તેની તરફ ફરી. એની સામે જોઈ રહી.

 

                              ધૂંધળું દેખાવા લાગ્યું. એક તીવ્ર પ્રકાશ થયો અને શાલકી અદ્રશ્ય બની. તે સ્વર્ગમહેલ ખંડિત થયો, ઇમારત પડી ભાંગી. તેણે આંખો ખોલી. ડાયરી છાતી પર રાખી તે સૂઈ ગયો હતો. આંખો ભીની થઈ હતી. ગાડીનો દરવાજો ખોલી પાણીથી મો ધોયું. ખીસામાંથી રૂમાલ કાઢ્યો, મો લૂછી ફરી ડાયરી ઉપાડી અને વિચારવા લાગ્યો.

 

                              એવી કઈ જગ્યા છે, જે મારી અને એની છે? જ્યાં હું અને એ જ હઇશું? તેના છેલ્લા લખાણમાં કઈક સંકેત હતા. જે કશુક સૂચવી રહ્યું હતું. એવી કઈ જગ્યા છે જ્યાં અમે બે જ હઇશું? તેને યાદ આવ્યું સુરભિને એકવાર કહ્યું હતું. તે શાલકી સાથે કચ્છી ભૂંગામાં રહેવા માંગે છે. તે શું અંજારની બસમાં બેસી હશે? તેની સાથે દત્તાત્રેય શિખર ચઢવું હતું, તે શું ગિરનાર ગઈ હશે? કે અડાલજની વાવ? જ્યાં પાણીમાં સિક્કા નાખતા મારે એને જોવી હતી. મારી અને એની જગ્યા આમાંથી જ કોઈ એક હોવી જોઈએ.

 

                              આ બધી જગ્યા પર એક દિવસમાં પહોંચી ન વળાય. તેણે ફરજિયાત કોઈ એક સ્થાન પસંદ કરવું પડે એમ હતું. તેનું મન સમજી રહ્યું હતું ક્યાં માર્બલની દીવાલો હશે? ક્યાં મખમલી પરદા લગાવ્યા હશે? તેણે ગાડી ઉપાડી અને પૂર્વ દિશામાં આગળ વધ્યો.

 

                              જ્યાંની દીવાલોમાં ઠંડક છે. કોઈ અવાજ હોતો નથી. શાંત વાતાવરણ હોય છે. જ્યાં બેસી વાતનો ઉકેલ લાવશે. એને ત્યાં આવવું પડશે. શાલકી તું ગમે ત્યાં હોવ, તારે ત્યાં આવવું પડશે. હું આવું છું તને મળવા...

 

*

(ક્રમશ:)

 

 રાજકોટ સાઈડ સ્ટોરી (પ્રકરણ:૧૦)

 

                                    તે દર્દથી કણસી ઉઠી. હાથ રહી ગયો છતાં, સીડીનો ઘોડો ઊભો કર્યો અને સોકેટમાં ગોળો ભરાવ્યો. અત્યંત આછા પ્રકાશ સાથે ગોળો જળહળયો. કદાચ, તેના ભાગ્યમાં એટલો જ પ્રકાશ હશે. હાથ સોજાઈ ગયો હતો. એટલો ભાગ લાલઘૂમ થઈ ગયો. અંદર પીડા થઈ રહી હતી. ઘોડો ઘસડી તે બ્હાર આવી અને કરંટ લાગેલા હાથની દવા કરવા લાગી.

 

                                    સવાર-સાંજ તે મુખ્ય ઓરડામાં પરદા લગાવતી અને તેની વચ્ચેની જગ્યાને કક્ષ ગણતી. આ સુભીનો કક્ષ, આ ભઈનો કક્ષ, આ મારો કક્ષ. મન ફાવે ત્યારે એમના કક્ષમાં પ્રવેશતી. એમની કાલ્પનિક કૃતિ આંખોમાં ભરતી. ગમે ત્યારે કક્ષ મિટાવી દેતી. પરદો ફેરવી કક્ષનો આકાર લાંબો-મોટો-નાનો કરતી.

“અને આ નિશાંતનો રૂમ...ના, ના. એ ક્યાં મારી ભેગું રે’વા માંગે છે. એનો રૂમ અમારી જોડે નય.” પેલો બંધ ઓરડો તેણે ખોલ્યો. જ્યાં હતો ફક્ત અંધકાર. એ ઓરડો નિશાંતના કક્ષ તરીકે રાખ્યો. અંધારું હોલવવા તે ગોળો લગાવી રહી હતી ત્યારે કરંટ લાગ્યો હતો. ગોળાની સ્વિચ ચાલુ રાખી, તાળું માર્યું.

 

                                    રોજ તે મુખ્ય કક્ષમાં પરદાના આવરણ વચ્ચે જીવતી. ક્યારેક જમીન પર સૂઈ જતી અને આવરણો વચ્ચેથી બીજા કક્ષમાં જાંખતી. એમ લાગતું પારદર્શક રીતે બધુ જોઈ શકે છે. બધા પોત-પોતાના કક્ષમાં તેમનું કામ કરતાં. તે બધા પાસે બેસતી. ક્યારેક મદદ કરતી અને જમીન પર સૂઈ દરેકની પ્રવૃત્તિઓ નિહાળતી. તેને નિશાંતના કક્ષમાં રહેવું હતું પણ નિશાંતની નારાજગીએ તેને અંદર ન આવવા દીધી. ગોળાના આછા જળહળ પ્રકાશમાં પણ ગાઢ અંધકાર ઓરડામાં છવાઈ રહેતો. તે પરિવારમાં વ્યસ્ત થઈ ગઈ.

 

*

 

                                    ત્રણ કલાક સતત ગાડી ચલાવી હતી. બગોદરા પહેલા એક મોટું વિસામા માટે સ્ટેન્ડ આવતું. ત્યાં એસટી અને પ્રાઈવેટ બસો સ્ટોપ રાખતી. અન્ય લોકો પણ ત્યાં બ્રેક પાડતા. નિશાંતે ચા માટે ત્યાં ગાડી ઊભી રાખી. સૂર્ય જરાક નીચે ઉતર્યો. ચાર વાગ્યા હતા. ગરદન ઊંચી કરી સામે જુઓ તો સુરજ આકરો તાપ. ચા પી, પાછો સફર માંડ્યો.

 

                                    ચાંગોદરથી ૩૪ કિલોમીટર આગળ અડાલજ આવતું. ત્યાં ઐતિહાસિક અડાલજની વાવ હતી. શાલકીના વર્ણન મુજબની એ જગ્યા ન હતી. છતાં, તેને લાગતું હતું શાલકી ત્યાં હશે. ચાંગોદર આવ્યું. સર્કલ પર સ્વાગતની આકૃતિ હતી. જેના નીચે લખ્યું હતું:’અમદાવાદમાં તમારું સ્વાગત છે.’ અહીંથી અમદાવાદની હદ શરૂ થતી. શહેરી વિસ્તાર શરૂ થયો. મજબૂત અને નવ્ય પ્રકારની ઇમારતો, ફેક્ટરીઓ દેખાઈ. એ રસ્તો સરખેજ આવ્યો. ત્યાંથી ડાબો ળાંક લીધો. જે એસ.જી. હાઇવે(સરખેજ-ગાંધીનગર હાઇવે) નામથી ઓળખાતો.

 

                                    એસ.જી. હાઇવે પર મોલ, ઓફિસ, વિશ્વવિદ્યાલય, બાગ-બગીચા, ફલાયઓવર બ્રિજ, આધુનિક રસ્તાઓ, ઇમારતો અને સ્થળો દેખાયા. ત્યાં ચાર મોલ-ચાર થિયેટર છે. ચારમાંથી ત્રણ મોલમાં મૂવી થિયેટર અને સ્નૂકર ગેમ રમવાની સુવિધા છે. બાળકો માટે સહેલાણી કેન્દ્ર હતું. (જે હવે બંધ થઈ ગયું છે) જ્યાં અલગ અલગ પ્રકારની રાઇડ્સ હતી. રસ્તા પાસે વિદેશી નાસ્તા-આઇસ્ક્રીમ કંપનીઓના મોટા સ્ટોર આવતા. વિવિધ જાતના ટેટૂ પાર્લર જોવા મળ્યા. એક મોલની અંદર હ્રદય થડકાવનારું ભૂતિયા ઘર પણ છે. ઘણા અમદાવાદના લોકો માટે એસ.જી. હાઇવે લાસ વેગાસ હતો. રાત્રે ખાણી પીણી બજાર ભરાતું. રાતે બ્હાર રખડનારાનો એસ.જી. હાઇવે અડ્ડો છે.

 

                                    જગત વિખ્યાત ઇસ્કોન બાલાજી મંદિરોમાંનું એક એસ.જી. હાઇવે પર છે. એટલો વિસ્તાર ઇસ્કોન નામથી ઓળખાય છે. ત્યાંથી રાજકોટ-સૌરાષ્ટ્ર જતી પ્રાઈવેટ બસો ઊપડતી. થલતેજ ગામ પાસે અંડરગ્રાઊન્ડ રસ્તો આવતો. ત્યાં ઉપર રોડ પાસે શંકર ભગવાનની પ્રતિમા છે. જે દરેક રાહદારીનું ધ્યાન ખેંચતી. પછીના ચાર રસ્તા પર ગુરુદ્વારા આવતું. આગળ અન્ય એક વિશિષ્ટ પ્રકારનું મંદિર આવ્યું. જે ૩૦ફૂટ ઊંચા કોંકરીટના હાથી પર સ્થિત હતું.

 

                                    આગળ વૈષ્ણોદેવી મંદિર આવ્યું, જેનો આકાર ખડકો જેવો હતો. અહીંથી ગાંધીનગરની હદ શરૂ થતી. આસપાસ એટલા જાડ અને મોટા જૂના વૃક્ષો છે કે થોડા અંદર જતા એમ લાગે કે જંગલમાં આવી ગયા હોઈએ. આવી બધી વૈવિધ્યસભર જગ્યા નિહાળતા તે અડાલજ ગામમાં આવ્યો.

 

                                    વાવના નિર્ગમદ્વાર પાસે ગાડી ઊભી રાખી. એક ચીની બૌદ્ધ સાધુ વડના ઓટલે બેઠા હતા. તે પ્રવેશદ્વારથી અંદર આવ્યો. બાજુમાં નાની મઢૂલી હતી. જે હાલમાં અંબે ચોકથી ઓળખાય છે. આસપાસ દીવાલ ચણી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાવની લોનમાં ઘણા સહેલાણીઓની ભીડ હતી. સજોડાઓ હાથ પકડી ચાલતા, કેટલાક ફોટા પડાવી રહ્યા હતા, બાકડા પર બેઠા હતા, કેટલાક નવયુગલો પોતાની પ્રિય વ્યક્તિને લઈને લોનમાં બેઠા હતા, નાના બાળકો આમતેમ દોડી રહ્યા હતા, ચાર-પાંચ વિદેશી આદમી-ઓરતો ટહેલી રહ્યા હતા, કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓનો એક સમૂહ વાતો-મસ્તી કરી રહ્યો હતો.

 

                                    તે વાવના પગથિયાં ઉતર્યો. આસપાસના પિલ્લરો, ઝરૂખા અને ગોખલાનું રચનાત્મક કોતરણીકામ જેટલું જોવો એટલું ઓછું લાગતું. ત્રણ ભાગમાં વાવ વિસ્તૃત હતી. ફક્ત પ્રથમ ભાગ ખુલ્લો હતો. (વાવનો બીજો-ત્રીજો ભાગ બંધ છે.) દરેક ગોખલા-ઝરૂખા પાસે કો’ક ઊભા રહી અથવા એમાં બેસી ફોટા પડાવી રહ્યું હતું. પગથિયાં ઊતરતો વાવ નજીક આવ્યો. નીચે ઠંડક હતી. બ્હાર કરતાં અહીંયા વાતાવરણ થોડું શીત હતું. નીચે ખાસી એવી ભીડ હતી. લોકો પાણીમાં સિક્કા નાખી રહ્યા હતા. તેને પાળી પાસે જવાની તક મળી. એક રૂપિયાનો સિક્કો કાઢી વાવનું પાણી જોઈ રહ્યો. તેમાં શાલકીનો ચહેરો દેખાયો, પહેલીવાર જ્યારે એને મળ્યો હતો:

“હાઇ, આઈ એમ શાલકી ધીરેન સોલંકી.” હાથ મળાવતા શાલકીએ કહ્યું.

“વાવ... ફૂલ ઇન્ટરવ્યુ મોડમાં તમે લાગો છો.”

“ધેટ્સ વોટ આઈ લર્ન્ટ, ઓલવેયઝ સે ફૂલ નેમ.”

 

                                    તેને યાદ આવ્યું બંને ઘણીવાર સાથે જમવા બેસ્યા હતા,

શિયાળો હોવા છતાં રાતે તેની સાથે ખાધેલ આઇસ્ક્રીમ, એક્ટિવા પર સાથે ફરવાનો અદ્વિતીય અનુભવ. એ ફિલિંગ કઈક ઓર હતી પણ સૌથી વધારે તો એનું ‘CODING HAS TAUGHT ME…’વાળી ટીશર્ટમાં ઊભા રહી પોસ્ટર દેખાડવું વધુ યાદ આવી રહ્યું હતું. સિલ્વર એવિયેટર ટાઈપના ગોગલ્સમાં આકર્ષક લાગતી હતી. મારી પાછળ પાછળ તેનું આવવું, કેફેટેરિયાની સિંકમાં સાથે હાથ ધોવા, મારૂ એના પર ચિડાવું, એનું ત્યાંથી મો ચઢાવી ચાલ્યા જવું. તે ડ્રાઈવરના યુનિફોર્મમાં પણ પાઇલોટ જેવી લાગતી હતી. એ જ ખાસિયત છે સ્માર્ટ લોકોની. તેઓ ગમે તે કપડાંમાં સ્માર્ટ જ લાગે. એનો હાથ પકડી ત્યારે કિસ કરવી જોઈતી હતી. ખબર નહીં હું કશાકથી જકડાઈ ગયો હતો. કદાચ મારો ઇગો હતો. ડ્રાઈવરની સીટ પરથી પાછળ મારા તરફ જોઈ તેણે જે સ્મિત આપ્યું હતું, એ હજુ ભૂલાયું નથી. એના રૂમમાં મેં એને કિસ કરી હતી. છેલ્લા દિવસે કક્ષની બ્હાર આવવું, મારા ભાઈએ એના વાળ પકડી લીધા ‘ને અમે છૂટા પડ્યા.

 

                                    તેનું રડવું, તેનું હસવું, તેના વાળ લહેરાવવા, ટીવીમાં બેધડક બોલી નાખવું વગેરે બધુ વિચલન કરી રહેલી પાણીની સપાટી પર તરી આવ્યું. કિનારીએ હાથ મૂકી મૂઠીમાં સિક્કો રાખ્યો હતો. નિરસભાવે સિક્કો પાણીમાં ફેંક્યો અને પાછો વળ્યો.

 

                                    અહીં આવવું ભૂલ હતી. તે જરૂર કચ્છી ભૂંગામાં રહેતી હશે. ભૂંગાની દીવાલો સફેદ હોય છે. અંદર ઠંડક હોય છે. શું ત્યાં જવું જોઈએ? તે નિર્ણય ન લઈ શક્યો શું કરવું? ઉદાસભાવે બ્હાર આવ્યો. શાલકી તું ક્યાં છે? મને કોઈ હિંટ આપ. આકાશમાં કાળા વાદળ ઘેરાયા હતા. વરસાદ પડવાની તૈયારી હતી. બૌદ્ધ સાધુ તેની સામે જોઈ રહ્યા હતા. વાવાજોડા જેવો પવન ફૂંકાયો. ધૂળની ડમરી ઊડી અને વાદળ ગરજી ઉઠ્યા. ઉનાળામાં આવું વાતાવરણ અસ્વાભાવિક હતું. એક બે બાળકો-સ્ત્રીઓ ફફડી ગયા. નિશાંતનું ધ્યાન સાધુ પર પડ્યું. નિસ્તેજ ભાવે તેમણે નિશાંત સામે નજર માંડી હતી.

 

                                    તેમની આંખો, ભ્રમર કે શરીર પર કોઈ વાળ ન હતા. મરૂન રંગનો સાધવિક પહેરવેશ પહેર્યો હતો. ૭૦ વર્ષ ઉમર હશે. તેમણે પાસે આવવા ઈશારો કર્યો. નિશાંત એ તરફ ચાલ્યો. પવન જોરશોરથી ફૂંકાય રહ્યો હતો. તેના વાળ હવામાં લહેરાયા. સફેદ શર્ટનું પહેલું બટન ખુલ્લુ હતું. એ જગા સહેજ મોકળી થઈ. બાંય ચઢાવેલી હતી. કાળું ફોરમલ પેન્ટ તેણે પહેર્યું હતું, નીચે કાળા બુટ. બંનેની નજરો વિના પલકારે તાકી રહી. સાધુની નજરમાં રહસ્યભાવ જણાઈ રહ્યો હતો. તે પાસે આવ્યો. સાધુએ સ્મિત સાથે બેસવા ઈશારો કર્યો, નિશાંત બેસ્યો. તેમણે બે હાથથી ઘરના છતની સંજ્ઞા કરી.

 

                                    ‘આમણે મને તેમના ઘરે લઈ જવા માંગે છે?’ તેને થયું. તેમણે બીજી સંજ્ઞા કરી, જે ન સમજાઈ. ચૂપચાપ જોઈ રહ્યો. નિશાંતને શાંત બેસેલો જોઈ સાધુ પણ સ્થિર થઈ ગયા. બે ઘડી બંને સામે લોનના વૃક્ષો જોઈ રહ્યા. ખોટો સમય વેડફાઇ રહ્યો છે, તેણે વિચાર્યું. તે ઊભો થયો અને બોલ્યો:”મારે જવું પડશે. પછી ક્યારેક આવીશ તમારા ઘરે ચા પીવા.” સાધુ તેને જોઈ રહ્યા, કોઈ પ્રતિકાર ન આપ્યો. આ જોઈ નિશાંત બોલ્યો:”તમને સમજાય છે? હું શું બોલું છું? મુજે જાના પડેગા. બાદમેં ફીર કભી આઉંગા!” સાધુ સ્થિર બની તેને જોઈ રહ્યા. તેને થયું સાધુ મનમૌજી છે. કશો જવાબ નહીં આપે. અહીંથી નીકળવું જોઈએ. સાધુએ પહાડ જેવી સંજ્ઞા કરી, નદી વહી રહી હોય એમ દર્શાવ્યું. નિશાંતે એમને હાથ જોડ્યા, પછી ગાડી તરફ ચાલવા લાગ્યો. તેમણે એને જતાં જોઈ રહ્યા.

 

                                    બૌદ્ધ સાધુઓ ધ્યાનના ભાગરૂપે મૌનની સમાધિ લઈ લેતા હોય છે. જેનો સમયગાળો અમર્યાદિત હોય છે. જ્યારે આત્માની પૂરતી થાય ત્યારે મૌન ખોલે છે. આ બૌદ્ધ સાધુ ૩૫ વર્ષથી મૌનની સમાધિમાં ઉતરી ગયા હતા. તેમણે કઈક સંકેત દર્શાવી રહ્યા હતા પણ નિશાંતને તેમની વાત ન સમજાઈ.

 

                                    એક ટ્રક રસ્તા પર પૂર ઝડપે પસાર થયો. આસપાસ બાળકો રમતા હતા, તેમના વાલીઓએ બાળકોને પાસે બોલાવ્યા અને રસ્તાથી દૂર રહેવા કહ્યું. નિશાંતે ટ્રકને ગતિમાં જતાં જોયો. મનમાં બોલ્યો:’બાપનો રોડ હોય એમ હાંકે છે હાળાં!’ નીકળતા પહેલા પાણીની બોટલ લેવા એક દુકાને ગયો.

“કચ્છ જવા કયા માર્ગેથી જવું જોઈએ?” તેણે દુકાનદારને પૂછ્યું.

“પાછા એસ.જી. હાઇવે જવું પડે. આગળ જમણી બાજુથી રિંગરોડવાળા રસ્તેથી પણ જવાય. એ રસ્તો વૈષ્ણોદેવી નીકળશે.”

“સારું. આ બાજુ શું છે?” તેણે વાવની ડાબી બાજુ બતાવી. જ્યાં ટેકરો હતો.

“એ તો બંધ રસ્તો છે. આમ રસ્તો ખરી પણ બોવ ખાડા-ખડિયા છે. પાકો રોડ નથી.” દુકાનદારે જણાવ્યુ.

“એ રસ્તો ક્યાં જાય?”
“ત્યાંથી આંબાવાસ જવાય. આ વાવ જેવી જ ઐતિહાસિક ઇમારત ત્યાં છે.” દુકાનદારે કહ્યું. નિશાંત ટેકરો જોઈ રહ્યો.

 

                                    તેને સાધુનો સંકેત યાદ આવ્યો, તેમણે કદાચ પહાડ નહીં, ટેકરો દર્શાવી રહ્યા હતા. નદી નહીં ખાડાવાળા રસ્તાનો સંકેત આપ્યો હતો. તે વિચારમાં પડ્યો. શું સાધુ સાચે જ કઈક ખરી દિશામાં ઈશારો કરી રહ્યા હતા?

“એ કેવી ઇમારત છે?” તેણે દુકાનદારને પૂછ્યું.

“આવી જ સેમ ટુ સેમ પણ થોડી નાની.”

“સારું.” તેણે વડના વૃક્ષ સામે જોયું. સાધુ હજી ત્યાં જ બેઠા હતા.

 

                                    તે પાછો આવ્યો. સાધુ નિખાલસ સ્મિત સાથે તેને જોઈ રહ્યા. નિશાંતે ઇશારામાં પૂછ્યું:’ટેકરા બાજુ શું છે?’ સાધુ આંખો બંધ કરી ધ્યાનમાં બેસી ગયા. તે દ્વિઘામાં મુકાયો. કશાક ઉત્તરની આશે તેમની તરફ મીટ માંડી પણ તેમને જેટલું જણાવાનું હતું એટલુ જણાવી દીધું હતું. શું કરવું જોઈએ? તે વિચારવા લાગ્યો. આ બાવાની વાતમાં કઈ સાર હશે ખરો? એ તો આંબાવાસ ગયા પછી જ જાણવા મળે. સવાલ એ હતો કે શું ત્યાં જવું જોઈએ? કે પહેલાની યોજના મુજબ આગળ વધવું જોઈએ?

 

                                    તેણે આંબાવાસ જવાનો નિર્ણય લીધો. ત્યાંથી પંદર કિલોમીટર દૂર હતું. તો થયું જોતાં આવીએ, એ ઉમ્મીદે સાધુની દિશા શાલકી પાસે લઈ જશે. ટેકરા તરફ ગાડી વળાવી ત્યારે દુકાનદાર ત્રાંસી નજરે દેખી સ્મિત કરી રહ્યો હતો. નિશાંતે તેની સામે જોયું.

 

                                    ટેકરા આગળ ઘટાદાર જાડવા દેખાઈ રહ્યા. એમની વચ્ચે ભરભાંખળું આકાશ. દુકાનદારની વાત સાચી હતી. થોડે આગળ જતાં જ ખાડા શરૂ થયા અને રસ્તો સાવ મટી ગયો. આજુબાજુ વૃક્ષોના સીધા પટ્ટાથી અંદાજો લગાવ્યો આ માર્ગ ક્યાંક જતો હશે. ‘ને દરેક માર્ગ ક્યાંક જતો જ હોય છે. માર્ગ આપણને ક્યાંક લઈ જતો હોય છે, એમ કહીયે તો પણ ચાલે. તેને લાગ્યું તે શાલકીને શોધી નાખશે. શોધ્યા પછી તેની સાથે શું કરશે? એ ન હતી ખબર પણ હવે અંત ઝાઝો દૂર ન હતો લાગી રહ્યો. એ તમામ પળો મનમાં વાગોળવા લાગ્યો, જેનાથી માનસિક તાણ અનુભવવું પડ્યું હતું.

 

                                    ટ્રકના પૈડાના નિશાન જમીનમાં ખૂંચ્યા હતા. ક્યાંક ક્યાંક ટ્રકના ટોચલે જાડની ડાળખીઓ ભરાતા ઊખડીને નીચે પડી હતી. તે ઝડપથી આગળ વધી રહ્યો હતો. મોટા અવાજે એનર્જેટિક સાઉંડટ્રેક્સ સાંભળતા ગાડી કૂદાડતા જઈ રહ્યો હતો. થોડીવાર બાદ રસ્તો ખાડારહિત થઈ ગયો. જાડી-ઝાંખરાં ઓછા થયા અને મેદાનપ્રદેશ શરૂ થયો. રસ્તો આખો વિરાન હતો. કોઈ પશુ કે માણસ દેખાઈ ન પડ્યું. તે આગળ વધ્યો.

 

                                    થોડે છેટેથી એક વિલા પાસે ટ્રક ઉભેલો જોયો. એ જ ટ્રક જતો, જે હમણાં રમસમ પસાર થયો હતો. તેણે એક્સિલેટર પર જોર આપ્યું. નજીક આવતા ફરી વિલા પર નજર પડી. ઘરના દરવાજા પાસે એક વ્યક્તિ ઊભી હતી. તે સરખું જોવે એ પહેલા સામે જોયું, મોઢામાંથી એકાએક નિકળ્યું:”એએએ...” તેણે જાટકા સાથે બ્રેક મારી અને સ્ટિયરિંગ જમણી કોર ફેરવ્યું. ચિચૂડા કરતી ગાડી વળી અને માટીવાળી ભૂમિમાં ટાયર ઘસાવાનો તીવ્ર અવાજ પેદા થયો, ધૂળ ઊડી. ટ્રક પાસે ઉભેલા બંને આદમીનું ધ્યાન આ તરફ ગયું. ઘરની બ્હાર ઉભેલી વ્યક્તિ અંદર જતી રહી.

 

                                    વિલાનું દ્રશ્ય જોઈ ગાડી વાળી હતી. તેણે હાસકારો અનુભવ્યો. સાદી ગતિએ ગાડી વિલામાં લીધી. ટ્રકના માણસો સામાન આપી ટ્રક ઉપાડી રહ્યા હતા. નિશાંત પાસે આવ્યો:”શું આપવા આવ્યા હતા?”

“જી, અમે લાલ દરવાજાથી આવ્યા છીએ. કાપડબજારમાં ભવ્ય ઇમ્પોર્ટ માંથી. સામાનની ડિલિવરી માટે.”

“કોના નામની ડિલિવરી છે?” નિશાંત એવી રીતે સવાલ પૂછી રહ્યો હોય જાણે તે એ ઘરનો માલિક હોય અને તેની ગેરહાજરીમાં આ લોકો કઈક મૂકવા આવ્યા હશે.

“આ રઈ બિલની કોપી. શું નામ લખ્યું છે? શાલકી સોલંકી.” કહી તેણે ઇનવોઇસ દેખાડી. નિશાંતે નામ વાંચ્યું. તેના ચહેરા પર સ્મિત આવ્યું. પહોંચ પાછી આપી વિલા સામે જોઈ રહ્યો. ટ્રક ત્યાંથી નીકળી ગયો.

 

“ત્યાંની દીવાલો... જે સફેદ માર્બલની બની હશે.” તે બોલ્યો અને સફેદ માર્બલથી બનેલા વિલા તરફ જોઈ રહ્યો. પાસે આવી દીવાલ પર હાથ ફેરવ્યો:”જ્યાં હું અને તું જ હોઈશુ...” બોલ્યો અને હરખ સાથે હસી પડ્યો.

“કાનૂન ના પહોંચી શકે ત્યાં હું પહોંચી ગયો!” તે મનોમન ડાઈલોગબાઝી કરવા લાગ્યો:”કબ તક છુપોગે હમશે? હમ વો હે જો તુમકો છોડ આયે...!”

 

                                    દરવાજા પાસે આવી અત્યંત પ્રેમથી અને કાળજીથી દરવાજા પરનું કડુ ટકોરયું, બે ક્ષણ બાદ થોડા મોટા અવાજે ટકોરયું. કોઈ બારણે આવ્યું નહીં. તેની સહનશક્તિની ચરમસીમા આવી ગઈ હતી, શાલકીને મળવા અધિરો બની ગયો હતો. તેણે જોરથી બારણાં પર હાથ ઠોક્યો. ‘થડાક!’ કરતો અવાજ આવ્યો અને બારણું ઉઘડ્યું. તેણે બીજું બારણું પણ ખોલ્યું. દરવાજા ઊઘડતા અંદર પ્રકાશ પડ્યો, વાદળો ગાજયા, વીજળી કકડી અને વરસાદ શરૂ થયો. પવન ફૂંકાતા હોલની બારીઓ ઠકાઠક ખોલબંધ થઈ. તે વિશાળ ખંડમાં પ્રવેશ્યો.

 

                                    સમગ્ર ખંડમાં સફેદ મખમલી પરદા લગાવ્યા હતા. વચ્ચે વચ્ચે સમપ્રમાણ કાપા પાડ્યા હતા. દરેક કાપા વચ્ચે ચોરસ કક્ષ હતા. આખો ખંડ આવા કક્ષથી ભરચક હતો. પવન લહેરાતા પરદા પણ લય લઈ રહ્યા. નિશાંતને ન સમજાયું આ શું છે. ગાડીમાંથી દરવાજા આગળ જે વ્યક્તિની કૃતિ જોઈ હતી. તે જરૂર શાલકી હતી. ટ્રકવાળાની પાવતીમાં પણ એનું નામ લખ્યું હતું માટે ચૂકનું અવકાશ રતિભાર ન હતું. શાલકી અહીં જ હશે. અહીં જ હોવી જોઈએ.

 

“મારો અભાવ... મારો અભાવ મોરની માફક ટહુકશે,

ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ!”

-(મનોજ ખંડેરિયા)

તે શાલકીનો અવાજ હતો. બ્હાર પડતાં વરસાદના ટીપાં સંભળાઈ રહ્યા. કેટલા દિવસ પછી શાલકીનો અવાજ સાંભળ્યો, મનને નિરાંત થઈ. તે બોલ્યો:

“અબ મેરી કોઈ ઝીંદગી હી નહીં,

અબ મેરી કોઈ ઝીંદગી હી નહીં…

અબ ભી તુમ મેરી જિંદગી હો ક્યાં...?”

-(જોન એલિયા)

“જોન એલિયા, માય ફેવરિટ.” તે મનોમન બોલી. નિશાંત દ્વાર પાસે ઊભો હતો. શાલકી એકાદ કક્ષમાં હતી, બંનેએ હજુ એકબીજાને જોયા ન હતા. શાલકી બોલી:

“હું વિખૂટો થઈને પણ તારી જ સંગાથે હતો,

મારા ખુદમાં પણ સતત મારી કસર લાગી મને...”

-(બરકતઅલી વિરાણી)

નિશાંત સામો જવાબ આપતા, પરદો હટાવી કક્ષમાં પ્રવેશ્યો.:

“એ જ તો મારા હ્રદયના ઘાવ થઈ ગઈ છે હવે,

એક વખતે જે તારી આંખોની ટસર લાગી મને...”

-(બરકતઅલી વિરાણી)

એ કક્ષમાં કોઈ ન હતું. તે બોલ્યો:

“લૂંટી લીધી બધાએ એ રીતે કઈ જિંદગી મારી,

જીવું છું તોય લાગે છે મને જાણે કમી તારી.”

-(બરકતઅલી વિરાણી)

શાલકી અન્ય કક્ષમાં ચાલી ગઈ. તેનો અવાજ ગુંજ્યો:

“હવે એવું કહીને મારૂ દુખ શાને વધારો છો?

કે આખી જિંદગી ફિકી મને તારા વગર લાગી.”

-(અબ્બાસ વાસી)

નિશાંત ડાબી બાજુના કક્ષમાં ગયો. જે ખાલી હતો. તે બોલ્યો:

”તમે કાલે હતા કેવા અને આજે થયા કેવા?

તમારી સાથે પણ હું તમને સરખાવી નથી શકતો...”

-(અબ્બાસ વાસી)

તે અન્ય કક્ષમાં પ્રવેશ્યો, જ્યાં કોઈ ન હતું. બીજા કક્ષમાં શાલકી જતાં બોલી:

“આવી જતાં નહીં ફરીથી દરમિયાનમાં,

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં...”

-(અબ્બાસ વાસી)

નિશાંતે નિસાસો નાખ્યો. બે ક્ષણ નીચે જોઈ રહ્યો, પછી બોલ્યો:

“રંજિશ હી સહી દિલ હી દુખાને કે લીએ આ...

આ ફીર સે મુજે છોડ કે જાને કે લીએ આ.”

-(અહમદ ફરાજ)

શાલકી ચૂપ થઈ ગઈ. તે એને બીજા કક્ષમાં શોધવા આગળ વધ્યો. શાલકીને ખોળતાં બોલ્યો:

“કિસ કિસ કો બતાયેંગે જુદાઇ કા સબબ હમ?

કિસ કિસ કો બતાયેંગે જુદાઇ કા સબબ હમ,

તુ મુઝ સે ખફા હૈ તો જમાને કે લીએ આ...”

-(અહમદ ફરાજ)

શાલકી ઊભી રહી ગઈ હતી, તેણે નિશાંતને પૂછ્યું:

“ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું છું,

તમારી સાથે હતી મારી દોસ્તી કે નહીં?”

-(અબ્બાસ વાસી)

આ વાતનો નિશાંતે જવાબ આપ્યો:

“કોઈ ખતા હો અગર, તો સઝા દી જાયે,

પર ઈશ્ક હે તુમસે ક્યાં કિયા જાયે?”

શાલકીની આંખે ઝળઝળિયા આવી ગયા. કેટલું તડપી અને તરસી ગઈ હતી આ શબ્દો એના મોઢે સાંભળવા. તે અન્ય કક્ષમાં જતાં બોલી:

“કુછ તો મેરે પિંદાર-એ-મુહબ્બત(પ્રેમનું સ્વમાન) કા ભરમ રખ,

કુછ તો મેરે પિંદાર-એ-મુહબ્બત કા ભરમ રખ,

તું ભી તો કભી મુઝે મનાને કે લીએ આ...”

-(અહમદ ફરાજ)

 નિશાંત એના અવાજની દિશા તરફ વળ્યો. કક્ષમાં પ્રવેશતા બોલ્યો:

“અબ મેં સારે જહાં મેં હું બદનામ...

અબ મેં સારે જહાં મેં હું બદનામ,

અબ ભી તુમ મુજકો જાનતી હો ક્યા?

-(જોન એલિયા)

નિશાંતનો અવાજ પણ ભાવુક થઈ ગયો. શાલકીએ પ્રતિઉત્તર આપ્યો:

સદમા તો હૈ મુજે ભી કી તુજસે જુદા હૂઁ મેં,

લેકિન યે સોચતા હૂઁ કી અબ તેરા ક્યાં હૂઁ મેં?”

-(કતિલ શિફાઇ)

નિશાંતે પરદો ખોલ્યો. પ્રેયરની સ્થિતિમાં છાતીએ હાથ રાખી શાલકી ઊભી હતી. તેના એક હાથે પાટો બાંધ્યો હતો. તે રડી ગઈ હતી. એથી આંખોમાં લાલી હતી. બંનેના હ્રદય જોરથી ધબકવા લાગ્યા. તે બોલ્યો:

“કઇપણ કરી શકાય છે તારા વિચારમાં..,

“કઇપણ થતું નથી હવે તારા વિચારમાં...”

-(જવાહર બક્ષી)

 

શાલકીએ તેને ગળે લગાવી લીધો. તે એની બાહોપાશમાં લોથ થઈ ગઈ અને હૈયાફાટ રડવા લાગી. નિશાંતની આંખોમાંથી પણ એક બે અશ્રુઓની ધાર નીકળી. બસ, એ ક્ષણમાં બંને ખોવાઈ ગયા. કોઈ પ્રશ્ન નહીં, કોઈ જવાબ નહીં, કોઈ ફરિયાદ, કોઈ આક્ષેપ, રિસામણા, મનામણાં કે સંભારણા કશું જ નહીં. એકમેકની કાયા અનુભવી રહ્યા. એકમેકમાં ભળી ગયા. કેટલો ગુસ્સો, કેટલું વેર મનમાં ભરી રાખ્યું હતું, સામે આવતા બધુ ગાયબ થઈ ગયું. એક જ લાગણી જન્મી ગળે લાગવાની. ત્યાં સુધી લાગવાની કે બીજી વાર કોઈ નોખા ના પાડી શકે. શાલકીની ખુશ્બુ શ્વાસમાં ભળતા તેના જીવમાં જીવ આવ્યો હોય એવો અનુભવ થયો.

શાલકી તેનાથી અળગી થઈ, આંખો લૂછી. નિશાંતે તેની સામે જોયું, ખભે હાથ મૂકી પૂછ્યું:“તું કેમ બધુ છોડીને ચાલી ગઈ?”

“મારે એટલે અસ્ત થઈ જવું પડ્યું,

કેમકે બીજી તરફ મારો ઉદય પણ એ જ છે.

-(બરકતઅલી વિરાણી)

 

“તું અહીં કેમ છે?” નિશાંતે પૂછ્યું.

“ઓચિંતું કોઈ મને રસ્તે મળેને કદી ધીરેથી પૂછે કે કેમ છે?

આપણે તો કહીયે દરિયા શી મૌજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.”

-(ધૂર્વ ભટ્ટ)

શાલકીએ શાયરાના અંદાજમાં જવાબ આપ્યો.

“હવે, આ શેરો-શાયરી બંધ કર.”

“કહે તો મારૂ માથું મૂકી લાઉ હથેળી પર?

પણ શેરો-શાયરી બંધ કરવી આપડને નહીં ફાવે.”

ખલીલ સાહેબનો શે’ર છે, મેં જરા ચેન્જ કયરો.

“સારું. પણ સિરિયસ્લી હવે, કોઈ શે’ર ના બોલતી. મારી વાત સાંભળ.”

“સારું.” નિરાસભાવે તે બોલી.

“તું અહીંયા શું કરે છે? ‘ને આયાં આવી કેવી રીતે?”

“શું કરે છે એટલે? બધુ છોડી દીધું મેં. મારે નથી રહેવું ન્યાં તમારા કોઈ પાસે. એ સંસાર અસાર છે.”

“એમ? તો કાં રડવા લાગી હમડા?” તેણે પૂછ્યું. બે ઘડી નીચે જોઈ, પછી બોલી:

“સમય લાગશે મને, તારી જેમ કઠોર થાતાં પણ બની જાઈશ હું.”

“શાલકી યાર... મૂકને એ વાત આઈમ સોરી, આઇ લવ યુ!”

તે એની સામે જોઈ રહી. કશું બોલી નહીં. નિશાંતે કહ્યું:

“ચલ, હું તને લેવા આવ્યો છું.”

“ના...

સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળને પીતા’તા,

હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યાં છે!

-(બરકતઅલી વિરાણી)

“પાછું ચાલુ કર્યું આણે... તારે આયાં શું કરવું છે તો?”

“તું તારી જિંદગી જીવ. મને મારી જીવવા દે. મારે તમને કોઈને હેરાન નથી કરવા.” શાલકી બોલી.

“તે મને હેરાન કર્યો છે, તારી બેનપણીએ, તારા ભાઈએ, તારા પરિવારે, તારા કાર્યકર્તાઓએ બધાએ મારૂ જીવવું હરામ કરી નાખ્યું છે. તે જ લયખું’તું ‘ને ડાયરીમાં:’તું મારી રાહ જોઈશ.’ તું મને અહીં લાવવા માંગતી હતી, જો હું આવી ગયો. બોલ હવે શું કરવું છે તારે?”

“આટલા દિવસો પછી, છૂટા પડવાથી મને એમ કે તારામાં બદલાવ આવશે પણ તું હજી એવો જ છે. કોઈ બદલાવ નથી.”

 

                                    તે મૌન થયો. શાલકીની વાત યોગ્ય લાગી. હવે જૂની વાતો ભૂલી જવી જોઈએ અને આગળ વધવું જોઈએ. શાલકીના પાટાવાળા હાથ પર નજર પડી. “આ શું થયું?” તેણે પૂછ્યું.

“તારા રૂમમાં ગોળો લગાવતી હતી તો કરંટ લાગ્યો.”

“મારો રૂમ?”

“હા…” તે નિશાંતને એના કક્ષ તરફ લઈ ગઈ. પરદા હટાવતા તેઓ આગળ વધ્યા. આટલા બધા પરદા જોઈ નિશાંતે પૂછ્યું:

“આ બધુ શું છે? આટલા બધા પડદા?”

“આ મારૂ નગર છે. આ બધા ઘર છે લોકોના.”

તેને આ જવાબ સાંભળી આશ્ચર્ય થયું.“અહીં કોઈ રહેતું નથી?”

“ના. આયાં વસાહત નથી કરવાની. ફક્ત હું. હા, મારૂ ઘર ત્યાં પેલા ખૂણા એ હતું. ત્યાં મેં બધાના કક્ષ બનાયવા’તા. મારા ઘરના લોકો હારે હું રે’તી’તી. હવે, તો એમણે પણ જતાં રહ્યા સે. બચી હું. તો હું જીવી રય છું આયાં.” નિશાંતની સામે જોતાં તે બોલી. નિશાંતના કક્ષ આગળ આવી ગયા. દરવાજે તાળું લગાવ્યું હતું.

“તાળું માયરું છે? ચાવી ક્યાં?”

“મારી પાસે.”

“ખોલ.”

“ના. તું આ નગરનો રહેવાસી નથી. તે કશું સારું કયરું નથ, મને નકરી પીડા આપી છે. માટે તને અમે આ કક્ષમાં પૂરી રાયખો છે. તારા સારા માટે બલ્બ લગાવા ગય, એમાય મને કરંટ લાયગો. કાંય તારા માટે કરવા જેવુ નથી.”

“તો એ ગોળો હવે ચાલુ જ રાખજે. ક્યારેય બંધ નો કરતી.”

“સારું.”

“આ કોનું મકાન છે? તું ક્યારે આવી? આટલા દિવસ શું કયરું તે?”

“આટલા બધા સવાલ?” શાલકી બોલી.

“મારે જાણવું છે.”

“સારું. એક પછી એક સવાલ લઈએ. પહેલો સવાલ આ મકાન કોનું છે? તને ખબર છે ફેમસ થવાનો ફાયદો શું? લોકો નોય હોય તમારા મિત્ર બનવાનો પ્રયત્ન કરે. BCAમાં મારી બેચમાં એક અમીર છોકરો હતો. જ્યારે એને મારા કામ વિષે ખબર પડી તો એણે મને કહ્યું, તે પણ અમારી સાથે જોડાવા માંગે છે અને પછી એકવાર વાતો વાતોમાં આ વિલા વિષે જણાયવું. આયાં કોઈ રે’તું નથ તો થયું લાવો હું જ આવી જવ.”

“અચ્છા, આટલા દિવસ શું કર્યું?”

“મજા કરી. બાજુમાં નટુદાદા અને એમની છોકરી રયે છે. એમને જમવાનું અને ચા ભાખરી આપી જતાં. હું અમદાવાદ ફરવા જય આવી. લાલ દરવાજા જઈ, ન્યાંથી આ બધા પડદા ખરીદ્યા. એસ.જી. હાઇવે ગઈ. વૈષ્ણોદેવી મંદિર જઈ આવી. એવું બધુ કયરું.” શાલકીએ જણાવ્યુ. તેઓ ખંડ વચ્ચે સીડીઓ પાસે આવ્યા. નિશાંત તેની સામે ઊભો રહ્યો. તે પહેલા પગથિયાંના કઠેડા પાસે ઊભી રહી.

“વાહ, અમે બધા ચિંતા કરીયે ‘ને તમે આયા ઉજાણી કરો છો.”

“જો, મેં તો કોઈને નથી કીધું મારા માટે ચિંતા કરે? જાતે કરી રહ્યા સે.”

“પણ એકવાર કહીને નો નીકળાય?”

“તો તું આયા આવત નય ને...”

“તો તું ખોટું વિચારે છે... હું આયવો હોત. મને પણ તારા વિના ગમતું નથી.”

“એમ...” શાલકીએ ખરાઈ કરી.

“હા.”

“માટે હું તને લેવા આયવો છું.”

“હું નથી આવવાની.”

“કેમ?”

“આય રે’વા માટે તારી યાદો જ પૂરતી છે. તું મારી પાસે નો હોય તો પણ હાલશે હવે. તારે મારી જોડે રે’વું હોય તો અહીંયા આવી શકે. બાકી, મારે પાછા રાજકોટ નથી આવવું. ‘ને આ સબંધ પણ જો તારે આગળ રાયખવો હોય તો આપડે અહિયાં જ રહેવા આવવું પડશે.”

નિશાંતે ધીરજથી જવાબ આપ્યો:”સારું. આપડે અહી જ રે’વા આવી જાશું લગન પછી પણ અત્યારે દીકું જવું પડશે ને રાજકોટ.” શાલકીને રીઝવવા એવું કહ્યું.

“કાં?”

“મેં લોકોને પ્રોમિસ આયપુ છે હું તને પાછી લાવીશ. બધા તારી રા’ જુવે છે, પોલીસ શોધી રય છે તને. સૌને તારી ચિંતા થઈ રય છે.”

“સારું. લાય હું ફોન પર વાત કરીને બધાને કહી દવ છું હું ક્યાં છું પણ હું પાછી નય આવું એટલે નય આવું!” શાલકી બોલી.

નિશાંતનો પારો છટક્યો. ના છૂટકે તેણે બોલવું પડ્યું:

“જો મને મજબૂર નો કરીશ લઈ જાવા માટે...”

“મજબૂર? નય આવું તો કેવી રીતે લઈ જાઈશ? મને ફોર્સ કરીશ તું?”

“ના. મીડિયાને આયા લેતો આવીશ ‘ને જણાવીશ જેની તમે ચિંતા કરતાં હતા એ છોકરી આયા જલ્સા કરી રય છે. તારા ઘરના જશે જેલમાં પોલીસને ભરમાવાના ગુનામાં. પછી કર્યા કરજો આંટા ફેરા કોર્ટ કચેરીના!”

“તું હજુ પણ મારૂ પતન કરવા ઈચ્છે છે?”

નિશાંત તેની પાસે આવ્યો. કમરમાં હાથ જવા દીધો, તેના હોઠ નજીક આવી બોલ્યો:”એવું કઈ મારે નથી કરવું જેનાથી તને કોઈ તકલીફ પડે. ‘ને આપડે કરીશું કઈક તારે જેમ જીવવું છે એમ જીવવા માટે. પણ અત્યારે જવું પડશે જાન. કોઈના માટે નય તો મારા માટે તો આવ... પ્લીઝ મારા માટે આવ, આટલું નય કરે?”

શાલકી તેની સામે જોઈ રહી. તે હળવેથી બોલ્યો:”પ્લીઝ આવ, મારા... માટે... આટલું નય... કરે.” તેણે એના હોઠ પર કિસ કરી. શાલકી સહેજ આગળ નમી. તેણે નિશાંતના ખભા પર હાથ રાખ્યો હતો. માથું હંકારી તેણે આવવા માટે હા પાડી. નિશાંત તેનું માથું ચૂમી, ગળે લગાવી.

 

                                    શાલકીએ તેની બેગ તૈયાર કરી. નટુદાદાને મળી, ચાવી આપી તેઓ નીકળી ગયા. ગાડીમાં એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. વગર કારણે તેઓ એકમેકની સામે જોતાં, સ્મિત આપતા. આગળ ખાડાવાળો રોડ આવ્યો અને રમૂજી રીતે બંને કૂદી પડતાં હતા. જેથી હસવું આવી ગયું. તેઓ પાછા અડાલજ ગામમાં આવ્યા. ઓટલેથી પસાર થતાં નિશાંતને તે સાધુ યાદ આવ્યા:

“આ પેલા ચીની બાવાને તું ઓળખે છે? જે અહીં બેસે છે?”

“હા. એમનું નામ સેંગ યાત્સુ છે. મેં એમને કહ્યું હતું કે જો કોઈ મને શોધતું આયા આવે, નિરાશ લાગતું હોય તો એને કે’જો હું આંબાવાસ રવ છું.”

“એવું તે કેમનું કીધું? મને તો એમના કોઈ ઈસારા સરખા સમજાતા ન’તા.”

“બોલીને કીયધું મેં. હું થોડી મૌનમાં છું તો મારે ઇશારા કરવા પડે. એમણે સાંભળીને સમજી તો શકે ને. મને હતું જ કે તું આપડી જગ્યા એટલે સમજી જઈશ. આટલી વાર લાગશે, ન’તી ખબર. પણ લાગતું હતું કે તું આવીશ.”

“તારી પાછળ જે લોકો ગાંડા થયા છે, શું શું થઈ રહ્યું છે રાજકોટમાં તું કલ્પના નય કરી શકે.” નિશાંતે કહ્યું.

“એમ, શું થઈ રયું છે ત્યાં?”

 

                                    નિશાંતે સમગ્ર વાત જણાવી. તેના ગયા પછી જે ઘટનાઓ બની હતી, એ સાંભળી શાલકીએ વિચાર્યું ન હતું કે વાત આટલી હદે વકરશે.

“મેં કહ્યું જ હતું કે તમે સરકારને છેતરી કે’વાય. ત્યારે પણ તે મારી વાત નો’તી માયની.” નિશાંતની કંપનીની નોટિસ વાળી વાત સાંભળી તે બોલી.

“આમાં ખોટું કશું નથી. બસ, સરકારને જાણ નથી કરી. બાકી કઈ ઉંધા ધંધા થોડી કરીએ છીએ અમે?” બચાવમાં તે બોલ્યો.

“કર ચોરી તો કરી ને? ‘ને એ હોય કે નો હોય. હવે લીગલ પ્રોસેસ ચાલુ કરી નાખ. આટલા બધા લોકોની જોબ જોખમમાં નો મુકાય.”

“સારું.” તે બોલ્યો.

                                    તેઓ એસ.જી. હાઇવેથી પાછા બગોદરા રોડ પર આવ્યા. તેણે પ્રશાંતને કોલ કરી જણાવી દીધું શાલકીને લઈને આવે છે. પ્રદર્શનકારીઓ ઘરે જવાની ગણતરીમાં હતા. પ્રશાંતે બ્હાર જઈ બધાને ઊભા રાખ્યા.

 

                                    તે શાલકીને પાછી મેળવીને ઘણો ખુશ હતો. રસ્તામાં એકાદ-બે વિરાન જગ્યાએ ઊભા રહી, ખુલ્લુ આસમાન અને અફાટ વેરાન પ્રદેશ જોઈ રહેતા. ટિમ ટિમ ચમકતા તારાઓથી ભરેલા આકાશ વચ્ચે એકબીજાને આલિંગન કરી ગાડીના ટેકે ઊભા રહેતા. એક-બે વાર હોઠથી પ્રેમ કર્યો અને પાછો સફર ચાલુ રાખ્યો. ર કલાક જેટલો સફર કર્યો. રાતના ૮ વાગ્યા હતા. જમવા માટે વિસામો પાડ્યો. રેસ્ટોરાંમાં બંને જમવા ગયા. જમતી વેળાએ નિશાંતે પૂછ્યું:પેલા ટ્રકમાં શું હતું? ડિલિવરી માટે આવ્યો એ?”

જમતા-જમતા તેનાથી હસી પડાયું. ટીસ્યુંથી મો લૂછી જવાબ આપ્યો:

“પડદા મંગાયવા!”

“હજી કેટલા પડદા ભેગા કરવા છે તારે? શું કરે છે તું?”

“અરે, મને બોવ મજા આયવી. ઉપર બીજો એક હોલ છે, ન્યાં પણ મારે આમ પડદા લગાવવા હતા. મને એમ કે તું આવીશ ન્યાં હુંધીમાં ઉપર પણ પડદા લાગી જાશે પણ તું પહેલા આવી ગયો.”

“બાપ રે...” આશ્ચર્ય સાથે તે બોલ્યો.

“કશું બાપ રે નથી. સસ્તા જ છે ઈ પડદા. લાલદરવાજા બધુ સસ્તું મળે.”

“ઓકે.” જમીને તેઓ ઊભા થયા.  સફર પાછો શરૂ થયો.

“તે મને ક્યારેય કહ્યું નય તને ગઝલોના શે’ર આવડે છે.” શાલકીએ પૂછ્યું.

નિશાંત હસ્યો:”તે પણ ક્યાં કહ્યું હતું?”

“હા પણ મને તો પહેલાથી રસ છે.”

“મને પણ છે, ક્લીયરલી આપડે બંને એ હજુ એકબીજા વિષે બોવ બધુ જાણવાનું બાકી છે.” નિશાંત બોલ્યો.

તેણે માથું હંકાર્યું, પછી કહ્યું:”સાચું કહું, મેં મારૂ મન મનાવી લીધું હતું, કાઇપણ થાય પાછા નય આવું પણ જ્યારે તે મારી સાથે શે’રની સામે શે’ર કહી વાત કરી તો મને કલ્પના ન હતી કે તું મારા માટે શે’ર બોલીશ. આહાહહા... જોન એલિયા, અહમદ ફરાઝ વાહ! It was unexpected!”

“બેફામ, મરીઝ…” નિશાંતે ઉમેર્યું.

“હા, ધ્રુવ ભટ્ટ, જવાહર બક્ષી...”

“હા, એ પણ.”

“તે જેટલા પણ શે’ર કહ્યા. બધા મારા ફેવરિટ છે. તે મને ઇમ્પ્રેસ કરી દીધી. I literally loved it! તારા શે’ર સાંભળી મારૂ મન પીગળી ગયું.”

“અચ્છા…” તે હસ્યો. શાલકી તેની પાસે આવી, તેનો ગાલ ચુમયો.

“થેન્ક યુ, મારી પાસે પાછા આવવા માટે.” શાલકીએ કહ્યું. નિશાંતે સ્મિત કર્યું.

 

                                    એમ વાતો કરતાં, મસ્તી કરતાં, પ્રેમ કરતાં તેઓ પાછા રાજકોટ આવ્યા. બધે વાત ફેલાઈ ગઈ હતી કે શાલકી પાછી આવી રહી છે. માટે જ સોસાયટીમાં ભીડ હતી. પોલીસની ગાડી આવી હતી, રિપોર્ટર્સ, બધા કાર્યકર્તા, કોલેજના મિત્રો અને આસપાસના લોકો ભેગા થયા હતા. શાલકીના ઘરના નિશાંતના ઘરમાં બેઠા હતા. સોસાયટીના સિક્યોરિટી ગાર્ડસે આવવા જવાનો માર્ગ મોકળો રાખ્યો હતો. જેથી કોઈને તકલીફ ના પડે.

“અરે યાર...” શાલકી બોલી.

“શું?”

“લોકો પૂછશે કેમ વઈ ગઈ’તી તો શું જવાબ આપીશ?”

“તો પે’લા વિચારાયને. મને પૂછશે તો હું તો કહીશ કે મેં એને એ વિલામાં જોઈ હતી.” નિશાંત બોલ્યો. તે એની સામે જોઈ રહી અને વિચારમાં પડી કે શું જવાબ આપવો. રાત્રે સવા નવે તેઓ ઘરે પહોંચ્યા. ભીડમાં ગુસપુસ વધી. ઘરના સૌ પ્રાંગણમાં આવી ગયા. દ્વારપાલ રસ્તો સાફ રાખવામાં જોડાયા. લોકો વાટાઘાટ કરવા લાગ્યા, શાલકીને ગાડીમાં બેસેલી લોકોએ જોઈ. તેમને નિરાંત થઈ અને ચહેરા પર ખુશી આવી. ઉભેલા લોકોએ હાથ હલાવી તેનું સ્વાગત કર્યું, સામે શાલકીએ પણ સ્મિત સાથે હેલો કર્યું.

 

                                    ગાડી પ્રાંગણમાં લીધી. ગાર્ડસે જાળી આખી ખોલી નાખી. બધા રિપોર્ટર્સ, વિડીયો\ફોટોગ્રાફર્સ સામે ગોઠવાઈ ગયા. લોકોનું ટોળું વળ્યું, આસપાસના લોકો તેમના ઘરની ગેલેરી/અગાસી પર આવી ગયા અને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. નિશાંત નીચે ઉતર્યો. પછી બીજી બાજુ જઈ શાલકી માટે દરવાજો ખોલ્યો. તે એનો હાથ પકડી બ્હાર લાવ્યો. તેના જમણા હાથે પાટો બાંધ્યો હતો. ગેટ પાસે આવી રિપોર્ટર્સ સામે ઊભા રહ્યા. ઘરના સૌ તેમની સાથે જોડાયા. પ્રશાંત બાજુમાં ગયો અને કો’કને ફોન કર્યો:”હલો, જી મારી આવતી કાલની બે બેંગકોકની ટિકિટ સે. ઈ કેન્સલ કરવાની સે, થાશે?” સામેથી કઈક જવાબ આયો, પછી તે બોલ્યો:”હા, હા મૂકો ફોન બે મિનિટ હોલ્ડ ઉપર, કશો વાંધો નય.”

 

                                    સૌ કોઈ શાલકીને જોઈને રાજીનું રેડ થઈ ગયું. સામે શાલકીની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. તેણે બધાનો આભાર માન્યો. પરિવારને થેન્ક યુ, કહ્યું, નિશાંતને થેન્ક યુ કહી આઇ લવ યુ કહ્યું. સામે નિશાંતે પણ લવ યુ ટુ કહ્યું. એક રિપોર્ટરે પૂછ્યું:”તો શું શાલકીબેન તમે નિશાંતભાઈ સાથે લગ્ન કરવાના છો?”

“એ મારે એમને જ પૂછવું જોશે.” કહી તે નિશાંત સામે ફરી અને પૂછ્યું:”તમે કરશો મારી સાથે લગ્ન?” નિશાંતે માથું ધૂણાવી હા પાડી. પછી તેણે શાલકીને માથે કિસ કરી એને ગળે લગાવી. સૌએ તાળીઓ પાડી. પ્રશાંત નિશાંતની બાજુમાં આવી ઊભો રહ્યો. રિપોર્ટર્સ અન્ય જાતના સવાલ કર્યા.

અન્ય એક સવાલ આવ્યો:”તે આટલા દિવસ ક્યાં હતી અને શું કર્યું?”

“હું નિશાંતથી નારાજ હતી, અમારા રિલેશનમાં ઘણા ઇસ્યુઝ ઊભા થઈ ગયા હતા. એની anxiety મને થઈ રહી હતી. થોડા દિવસ રિલેક્સ થાવા મારા મિત્રના ઘરે રહેવા હું અમદાવાદ ગઈ હતી. ત્યાં હું એકલી રહેતી હતી. મારે મારા સરનામા વિષે જાણ કરવી હતી પણ એ દિવસે મારી સાથે એક દુર્ઘટના ઘટી. હું લાઇટનો બલ્બ લગાવા ઊંચા ઘોડા પર ચડી અને મને કરંટ લાગતાં ઘોડા પરથી નીચે પટકાઈ હતી. મારી સારસંભાળ કરવા કોઈ હતું નહીં. હું ચાલી ન હતી શક્તી. માંડ દૈનિક ક્રિયા માટે ઊભા થઈ શક્તી હતી. પછી નિશાંત આવ્યો અને તેણે સારવાર કરી મારી. મારો જીવ બચાવ્યો.” શાલકીએ જણાવ્યુ.

એક રિપોર્ટર બોલ્યો:”કરંટ લાગ્યો તો ઓર્થોપ્લેક્સનો પાટો બાંધી દીધો? એવો કેવો કરંટ લાગ્યો? આ સાંભળી પ્રશાંત હસવું રોકી રહ્યો.

 

                                    શાલકીએ નિશાંતને કહ્યું મારે આરામ કરવો છે. નિશાંતે ત્યાં જ ઇન્ટરવ્યુ પૂરો કર્યો અને તેનો હાથ પકડી ઘરમાં લઈ ગયો. જતાં-જતાં પ્રશાંત બોલ્યો:”એ B.A.M.S. દાક્તર હતો.”

 

                                    દરવાજા પાસે નિશાંત-શાલકી ઊભા રહ્યા. ઘરોની અગાસી પર, ઝરૂખામાં, રોડ પર સામે ગેટ પાસે લોકો ઊભા હતા. શાલકી પાછી વળી બધા સામે જોયું. પછી કેમેરા સામે જોઈ સ્મિત આપ્યું. દરવાજો ખોલી નિશાંત એને અંદર લઈ ગયો. આગલા દિવસે બધા સમાચારમાં દરવાજા પાસે આપેલી તેની સ્માઇલવાળા ફોટા સાથે કવર સ્ટોરી છપાઈ.

 

*

 

[નિશાંત સંગ શાલકી]

 

                                    સગાઈ માટે થયેલી માથાકૂટોના કારણે તે સગાઈ કરવા માંગતો ન હતો. બીજી બાજુ સોલંકી પરિવારે સેવાના કામમાં ઘણા પૈસા વાપરી નાખ્યા હતા. માટે જો સગાઈ ગોઠવે તો લગ્ન માટે બીજે ક્યાંકથી પૈસા લાવવા પડે એમ હતા. જેથી સગાઈ મોકૂફ રાખવાનું નક્કી થયું.

 

                                    ત્રણ મહિના બાદ લગ્ન રાખ્યા. ખૂબ જ સાદાઈથી પણ વૈભવ દેખાય એમ લગ્ન થયા. એ બધા જ પાત્રો હાજર હતા, જેમણે સામ-સામે વિરોધમાં હતા અથવા મેટરમાં હાજર રહ્યા હતા. મગાકાકા, નાનજીફૂઆ, પ્રભાકરભાઈ, મહિમા અગ્રવાલ, અન્ય શાલકીના પાડોશીઓ, શાલકીનો અમદાવાદી મિત્ર, અધ્યક્ષ ૨,૩ અને ૪, રેશ્મા તમામ હાજર રહ્યા હતા. ઉપરાંત તેમના સગા-સંબંધીઓ, ઓળખીતા-પારખીતા સૌ આવ્યા હતા.

 

                                    મહિમા ગિફ્ટ લઈ ચોરીમાં પ્રવેશી. શાલકીને ગિફ્ટ આપી ગળે મળી, નિશાંતને હાથ મિલાવી Congratulations! કહ્યું. નિશાંતે “Thank you!” કહ્યું. “મેડમ વન ફોટો.” લગ્નના ફોટોગ્રાફરે કહ્યું.

“સ્યોર.” કહી મહિમા નિશાંતની બાજુમાં ઊભી રહી.

“તે મને ગુંડો કહ્યો હતો ટીવી પર.” નિશાંત બોલ્યો.

“એ શો બિઝનેસ છે, તું જાણે છે. કમાવા માટે કરવું પડે એવું બધુ.” તે બોલી અને હસી. પછી શાલકીને મળી નીકળી ગઈ.

 

                                    ફેરાનો સમય થયો. યુવક-યુવતીઓ ચોરી પાસે હાજર થઈ ગયા. મંગળ ફેરા વખતે સૌએ પુષ્પથી અભિવાદન કર્યું. બે મંગળ ફેરા પછી મહારાજે શાલકીને કહ્યું:”તમારા ભાવિ પતિને પગે લાગો.”

“કાં હું લાગુ?” શાલકી બોલી.

“લાગવું પડે, તમે અગ્નિની સાક્ષીએ પ્રણ લઈ રયા છો ભવિષ્યમાં હે પતિ પરમેશ્વર મારી સુરક્ષ કરજો, હું તમારી જીવનસંગની તમારા ચરણે પડું છું.”

“એમ...” શાલકી કટાક્ષમાં બોલી. આસપાસ લોકો શાંત થઈ ગયા. નિશાંત તેની સામે જોઈ રહ્યો. તેને મનમાં થઈ રહ્યું હતું શાલકી શું કરી રહી છે?

“અને એનું શું જ્યારે એ માંદો પડશે, એની સારસંભાળ કોણ કરશે? તમે?” શાલકી બોલી. બધા હસવા લાગ્યા.

“એવું નથી કે એ જ મારી સુરક્ષા કરશે. હું ગુજરાતમાં રવ છું. મારે મારી સુરક્ષા માટે પુરુષના સહારે જીવવું પડે એવા કાઠાં દિવસો હજી નથી આયવા. જો માતાજીનાં પગે બધા પયડે છે, મારે એને પરમેશ્વર માનવાનો હોય તો મને એ દેવી-માતાજી માની પગે નો લાગી શકે?” શાલકીએ પૂછ્યું.

“એવું નય બને.” નિશાંત બોલ્યો.

“આ પરથા સે બેન. એમ જ હાલવુ પડે, લ્યો પગે લાગો ફટાફટ.” પંડિત બોલ્યા.

શાલકીએ નિશાંતની સામે જોયું:”શું કહ્યું તે? પગે નય લાગે? તો અહીંથી કોઈ રસમ આગળ નહીં વધે.”

નિશાંત ગંભીર બન્યો:“તું શું સાબિત કરવા માંગે છે?”

“મારે કાંય સાબિત નથી કરવું. મારે સમાનતા જોઈ છે. જો મારે તને પગે લાગવું પડે તો તું પણ મને પે’લા પગે લાગ.”

“સારું. તું મને પહેલા પગે લાગી લે, પછી હું તને લાગીશ...” નિશાંતે કહ્યું.

“ના હો...” તે હસી, ”હું તને પગે લાગીશ પછી તું નો લાગે મને. મન વિશ્વાસ નય તારા પર.”

“અરે, જીજુ લાગી લ્યો પગે.” સુરભિ બોલી.

“હા લાગી લ્યો.” બીજા એક-બે કન્યા પક્ષવાળા બોલ્યા.

“પે’લા તમે લાગો.” વર પક્ષના એક-બે યુવકો બોલ્યા.

“જોવો કન્ડિશન તો આ જ રે’શે. તમારા ભાય પે’લા પગે લાગે પછી જ હું પગે લાગીશ.” શાલકી બોલી.

“પગે લાગ્યા વગર આગળ નય વધાય? ભલે, એ પગે ના લાગે. આપડે વગર પગે લાગે ફેરા ફરી લઈએ તો નો હાલે?” નિશાંતે પંડિતને પૂછ્યું.

“એમ પરથા નો બદલાય ભાઈ... બેનને ક્યો પગે લાગે.” પંડીતે જણાવ્યુ. નિશાંત મૌન રહ્યો.

“લ્યો ભાભી અત્યારથી જ તમારું નથ હાંભળતા. લગન પસી હું થશે તમારું?” નાનજીફૂઆનો છોકરો બોલ્યો. બધા હસ્યાં.

“એ તો અમારા બેન જ એમને કંટ્રોલમાં રાખસે. જોજોને...” શાલકીની માસિયાઈ બેન બોલી. સ્મિત સાથે શાલકી ઊભી હતી, નિશાંતના પગે લાગવાની રા’ જોતી હતી. બધા સામ-સામે દલીલબાઝી કરી રહ્યા હતા. નિશાંત મૌન ઊભો હતો. એને જોઈ શાલકી બોલી:”શું આ છે ઇક્વાલિટી? શું થઈ જવાનું પગે લાગવાથી? કે પેલી બધી વાતો દંભ હતો?” શાલકીએ પૂછ્યું.

                                   

                                    આ સાંભળી નિશાંત વિચારમાં પડ્યો, તાર્કિક રીતે શાલકી સાચી લાગી રહી હતી પણ આમ બધાની સામે પગે લાગવાથી લોકો એને ચિડાવશે એવો ડર હતો. છતાં, તે શાલકીને પગે લાગ્યો.

“ફોટો પાડો જલ્દી!!!” સુરભિએ ફોટોગ્રાફરને કહ્યું.

 

                                    ફોટોગ્રાફરે ઝડપથી બે-ત્રણ ફોટા ક્લિક કરી લીધા. નિશાંત ઊભો થયો. તે બોલ્યો:”એ આ ચિટિંગ કે’વાય...” બધા હસવા લાગ્યા. પ્રશાંત ફોટોગ્રાફર પાસે ગયો અને એનો કેમેરા ઝૂંટવી લીધો. તેને ન આવડ્યું કેમેરા કેમનો ચલાવો. પાછો કેમેરા ફોટોગ્રાફરને આપ્યો, તેનો કોલર પકડ્યો અને બોલ્યો:”ફોટો ડિલીટ માર!”

ફોટોગ્રાફર ડરી ગયો. તે બોલ્યો:”એ તો બેને કાર્ડ લઈ લીધું.” કહી સુરભિ સામે ઈશારો કર્યો.

સુરભિ હસવા લાગી:”આ ફોટો ફ્રેમમાં મઢાવી ઘેરે લગાવીશ.”

પગે લાગવા માટે વર પક્ષના સભ્યો નિશાંતને કોસવા લાગ્યા. બધા હસતાં રહ્યા. પછી શાલકી તેને પગે લાગી અને ફેરા આગળ ચાલ્યા.

 

સમાપ્ત

-કીર્તિદેવ

બીજા રસપ્રદ વિકલ્પો