Agan Shikha books and stories free download online pdf in Gujarati

અગન શિખા

સ્મશાન ભૂમિ પર ઉદાસ ચિત્ત અગને પગ મુક્યો. તેને જોઈ અનેક જીભો શબ્દોનું ઝેર ઓકવા માંડી.

" આવ્યો લેખક નો બચ્ચો! મોટો સુધારા કરવા નીકળ્યો હતો.... ખૂબ હોશિયારી....! પ્રસંગ ની કરુણતાની અવગણના કરી તિમિર ના પડોશી એ ગાળ ઉચ્ચારી.

" લેખકના બચ્ચા પોતાની જાતને શું સમજતા હશે? "

" અક્કલ નો ઓથમીર નહીં તો બીજું શું? ભાગેડું ખૂની સાથે શિખાને પરણાવી દઈ તેની બિચારીની જિંદગી ઝૂટવી લીધી.

અગન શૂન્ય ચિત્ત તેમની વાત સાંભળી રહ્યો હતો. અણઘડ અભણ સમાજ ચપટી વગાડતા ઠેકાણે નહીં આવી જાય. તે બધું જાણતો સમજતો હતો. પણ આત્મ હત્યા ને ખૂન માં ખપાવી પોતાની જાત ને શાણા ગણાવતા સમાજને તે ઘૃણા ની નજરે નિહાળતો હતો.

જીવતા માણસ ને તો આ દુનિયા બાળે છે. પણ મરેલા ને રીતિ રિવાજની આડ લઈ છોડતી નથી. શિખાની બળતી ચિતા નિહાળી તેની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા.

' બસ કર દુનિયા અટકી જા,
તારા તમાશા નથી ઝીરવાતા,
દર્દ પણ ખુટ્યું વધું જખ્મ,
આ ઘા નથી ઝીરવાતા,

તિમિર અને શિખા ની અનોખી લવ સ્ટોરી માં તેની વિધવા મા સંતોક બા એ ખલનાયિકાની ભૂમિકા નિભાવી હતી. તેની સ્મૃતિ એ તેના હૈયે વેદનાની આગ ભડકી રહી હતી.

તેણે ખભા પર લટકાવેલા ધોતિયા વડે આંસુ લૂંછી નાખ્યા.

ઘરના માણસો સિવાય ના અન્ય માણસો શિખા ની ચિતા પેટ્યા બાદ એક પછી એક ' જય શ્રી કૃષ્ણ ' કહી વિદાય થવા માંડયા.

અગન સ્થિતપ્રજ્ઞ બની શિખાની ચિતા ને ઘુરકી રહ્યો હતો..

ત્યાં જ વાતાવરણમાં એક ડુસકુ સંભળાયું. અગને સ્વસ્થ બની અવાજની દિશામાં નજર દોડાવી. શિખાના પિતા નાના બાળકની માફક રોઈ રહ્યાં હતા. તેણે આશ્વાસન દેવાની કોશિશ કરી પણ અન્ય પરિચિત લોકો ની ઉપસ્થિતિમાં તે કાંઈ બોલી ન શક્યો.

ક્રાંતિ ની ઝાળ શિખા ને ભરખી ગઈ.

તે ખ્યાલે અગનનું આંતરમન પોકારી ઊઠ્યું. ચિતાની ઝાળ તેની આંખોને બાળી રહી હતી. અતીત ના સંસ્મરણો ફિલ્મ પટ્ટી ની માફક તેના મનોચક્ષુ સમક્ષ ચકરાવો લઈ રહ્યાં હતા.

શિખા તેની પડોશ માં રહેતી હતી. તેના માતા પિતા એ છૂટાછેડા લઈ પુન : નવો સંસાર માંડ્યો હતો. બે માંથી કોઈએ શિખા ની જવાબદારી સ્વીકારી નહીં. અને તેને એકલી અટુલી મૂકી પોતાની નવી દુનિયામાં ખોવાઈ ગયા હતા. આથી શિખાને ભારે આઘાત લાગ્યો હતો. લાગણી ની હૂંફ વિના તે જળ વિનાની માછલીની માફક તરફડી રહી

સદાય પ્રથમ વર્ગમાં પાસ થનારી શિખા મેટ્રિકમાં બૂરી રીતે નાપાસ થઈ ગઈ. તેથી અગનને ખૂબ જ નવાઈ લાગી. તેણે શિખાને આશ્વસ્ત કરી તેના શૂન્ય હદયને લાગણીથી ભરી દીધું અને તે પુન : નોર્મલ બની ગઈ.

બંનેના વિચારોમાં ઘણું જ સામ્ય હતું. બંને વચ્ચે પાંચ છ વર્ષનું અંતર હતું... છતાં તેઓ એકમેકની ખુબ જ નિકટ આવી ગયા હતા.

અગન એક નિષ્ફળ લેખક હતો. તેના લખાણમાં કાંઈ જાદુઈ તત્વ હતું. તેણે પોતાની જાતને પ્રસ્થાપિત કરવા માટે ખુબ મહેનત કરી હતી. પણ બદલામાં કોઈ પુરસ્કાર કે વળતર મળ્યું નહોતું. ગંદા રાજકારણે તે કદી ઉપર આવી શક્યો નહોતો. શિખાને તેની કલમમાં ભારે શ્રદ્ધા હતી.

અગને એક વાર્તામાં તેની વેદનાને વાચા આપી હતી. તે વાંચી શિખાની આંખો છલકાઈ ઊઠી હતી.

' સાચું સુખ ' ના ધ્વનિ ને પારખી તેઓ શિખા ને પોતાને ઘરે લઈ જવા આવ્યા હતા. પણ તેનો અવાજ સાંભળી ઉંબરા માં જ અટકી ગયા.

" હું તિમિર જોડે લગ્ન કરવા માંગુ છું! "

તેણે અગન સમક્ષ ધડાકો કર્યો.

આ સાંભળી તે સ્તબ્ધ બની ગયો.

બારણે ઉભેલા શિખાના માતા પિતા પણ હચમચી ગયા.

પેટના ભૂખ્યા ગંદકી માં પડેલા પાઉં ના ટુકડા પણ ખાઈ જાય છે.. અને સ્નેહ ભૂખ્યા?!

અગનને પોતાની જ એક વાર્તા ના અંશ યાદ આવી ગયા.

શિખા એક ખૂનીને પરણવા તૈયાર થઈ ગઈ હતી!!

તે આગળ કાંઈ જ વિચારી ન શક્યો.

શિખાએ તિમિર ના ભૂતકાળના રહસ્ય પરથી પડદો હટાવી નાખ્યો.

તે આણંદની બાજુમાં આવેલા વડોદ ગામમાં રહેતો હતો. તેના પોતાનું ખૂન થયું હતું... તેને માટે અનેક વાતો થતી હતી.

પિતાની માફક તિમિર પણ બચપણથી ખુબ જ બહાદુર હતો. પડોશ માં રહેતી સમવ્યસક રમા નામની છોકરી ની ઇજ્જત બચાવવા જતાં તેણે સરપંચના કપૂત ને વાઢી નાખ્યો હતો.. એક લોક વાયકા હતી. સરપંચે જ તેના પિતાનું કાટલું કાઢી નાખ્યું હતું!!

સંતોક બા ને લઈને તે મુંબઈ આવ્યો હતો. અને શિખાની કોલેજ કેન્ટીન માં વેઇટર તરીકે જોડાયો હતો. તે ખૂન કરીને મુંબઈ ભાગી આવ્યો હતો. તેની જાણ થતાં તેની નોકરી જતી રહી હતી.

તિમિર ની કથની સાંભળી અગને તેને એક ફેક્ટરીમાં પેકિંગ ડિપાર્ટમેન્ટ માં ગોઠવી દીધો હતો. તેની ઈમાનદારી રંગ લાવી હતી. છ મહિનામાં જ તે ઇન્સ્પેક્ટર બની ગયો હતો.

શિખાના માતા પિતાએ દીકરી ની પસંદગીને દાદ આપી હતી.

અને બંનેના લગ્ન થઈ ગયા હતા!!

થોડા દિવસમાં જ સરપંચ પોલીસ ને લઈ તેના બારણે ચઢી
. પુરાવાને આધારે તિમિરની ધર પકડ કરવામાં આવી હતી. આથી શિખા ભાંગી પડી હતી.

વહુના પગલાં અપશુંકનિયાળ છે તેવા કટુ વચનો કહી સંતોક બા એ કેર વર્તાવવો શરૂ કરી દીધો

કોર્ટમાં કેસ ચાલ્યો. સહુ કોઈના આશ્ચર્ય વચ્ચે રમાએ તિમિર વિરુદ્ધ જુબાની આપી અને ખૂનના આરોપસર તિમિર ને ફાંસીની સજા ફરમાવવામાં આવી.

વકીલ મિત્ર ની મદદથી કેસની ફાઈલ ફરીથી ખોલવામાં આવી. મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો.

અને તિમિર નિર્દોષ છૂટી ગયો

આ સાંભળી શિખા હક્કા બક્કા થઈ ગઈ.

આ સ્થિતિ માં અગને તેને સંભાળી લીધી.

અને પોતાની રીતે સમગ્ર ઘટનાની નવેસરથી તપાસ જારી કરી દીધી.

રમા પૈસા ખાતર ફરી ગઈ હતી. તેના પર દબાણ લાવવાથી તેણે સચ્ચાઈ કબૂલી લીધી.

અગન વકીલ મિત્ર ની મદદ લઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો.

અને તિમિર ને નિર્દોષ કરાર આપી છોડી મુક્યો.

પણ તે ઋણ વિસરી ગયો.

બંનેની મિત્રતા સંતોક બા ને ખૂંચવા માંડી

વહુના આગમને પોતાનું મહત્વ ઘટી જવાના ખ્યાલે તેમનું અહમ ખંડિત થઈ ગયું. તેમની માલિકી ભાવના ને ઠેસ વાગી. તેમણે અગન શિખાના પવિત્ર સંબંધના લીરા ખેંચવા માંડયા..

સુખી સમૃદ્ધ પરિવારમાં કંકાસ ના બીજ રોપાયા.

અગને તેને ઘરે ન જવાનો તેની સાથે સંબંધ તોડી નાખવાનો નિર્ણય કર્યો. તેના દિલ માં કોઈ જ ખોટ નહોતી. આથી તેનો અંતરાત્મા આ નિર્ણય ને માનવા તૈયાર નહોતો.

શા માટે પોતાની આઝાદી નો ભોગ આપવો?

જે સમાજ સ્નેહનું મૂલ્યાંકન ન કરી શકે તે સમાજ ને તે છોડવા પણ તૈયાર હતો. કોઈના મન મંદિર ને તોડવા તે બિલ્કુલ તૈયાર નહોતો. તેનો આ જ આદર્શ તેનો દુશ્મન બની ગયો.

અસંતુષ્ટ સંતોક બા એ સ્નેહ ની આડમાં તિમિર ના કાનોમાં વિષ રેડવાની ગંદી ચેષ્ટા નો સહારો લીધો.

દીકરો વહુનો થઇ ગયો હતો... ખુદ તિમિર પણ શિખાની આવડત પર ગર્વ કરવાને બદલે લઘુતા ગ્રંથિ થી પીડાવા માંડ્યો.. સંતોક બા એ દીકરાની સ્થિતિ નો લાભ લઈ તેને વહુ વિરુદ્ધ ભડકાવવા માંડ્યો. હથોડી સમા પ્રહાર થી તિમિર તૂટી ગયો.. તેણે અગન શિખા ના નિષ્પાપ સંબંધ પર આરી ચલાવવા માંડી.

દુઃખી શિખા પોતાને થતાં ત્રાસ થી બેવડ વળી ગઈ હતી. તેની બરદાસ્ત શક્તિ જવાબ દઈ ગઈ હતી.

તે પોતાની હૈયા વરાળ અગન સમક્ષ ઠાલવી રહી હતી.

તે જ વખતે દેવ દર્શને ગયેલા સંતોક બા ઘરે પાછા ફર્યા.

બંનેને વાત કરતા નિહાળી તેઓ આગ બબુલા થઈ ગયા.

દીકરા સમક્ષ રજનું ગજ કરી નાખ્યું... તે સાંભળી તિમિર ભડકી ગયો.. અને એલફેલ લવારો કરવા માંડ્યો.

લગ્ન પછી અગન શિખા એ સહ લેખનની પ્રવૃત્તિ જારી કરી હતી. તેમની સહિયારી કલમ થકી બે ત્રણ નવલકથા બજારમાં આવી હતી.. અને બંનેનું સાહિત્ય જગતમાં નામ થઈ ગયું હતું!!

પોતાની નવલકથા માટે ખાસ્સો સમય તેઓ સાથે રહેતા હતા...

પરિણામે તે ઘરના કામો ને પહોંચી શકતી નહોતી.

તેથી સંતોક બા પર કામનો બોજો આવી જતો હતો.

તેઓ નિરાંતની જિંદગી જીવવા માંગતા હતા.

ખુદ તિમિર પણ શરૂઆતમા શિખા ને સાથ આપતો હતો.

આથી તેમણે દીકરા ને ભડકાવવા માંડ્યો.

તિમિર ના આક્ષેપ યુક્ત વચનો સાંભળી અગને લેખન પ્રવૃત્તિ એકલ હાથે આગળ વધારવાનો નિર્ણય કર્યો..

" અગન કોણ છે? "

સંતોક બા આ સવાલ કરી દીકરા ને માનસિક ત્રાસ આપતા હતા.

શિખા સાથે ના સંબંધ નું કોઈ નામ નહોતું.

આવા નનામી સંબંધો આ દુનિયા સ્વીકારતી નથી.

વાસ્તવિકતા નો સ્વીકાર કરતા અગન તૂટી ગયો.

તેની કલમે પણ એકાએક રૂસણા લઈ લીધા.

તેની ' ક્રાંતિ ની જ્વાળા ', કોલમ ખુદ તેને ભરખી ગઈ.

' ક્રાંતિ ની શકલ ' નામક નવલકથા એ તેને પુન : લેખકની કક્ષા મા કમ બેક કરવામાં સહાય કરી.

ગુજરાત સરકારે તેનું બહુમાન કરી ગોલ્ડ મેડલ એનાયત કર્યું.

આ નવલકથા નો પ્લોટ શિખાના દિમાગ ની ઉપજ હતી.. આ ગોલ્ડ મેડલ ની તે બરાબરની ભાગીદાર હતી

પૈસાની તંગી ને કારણે તેને ગોલ્ડ મેડલ ગીરવે મૂકી પૈસા લેવાની જરૂરત આવી પડી હતી. શિખા ને પૂછયા વગર તે કાંઈ કરી શકે તેમ નહોતો.

તેની અનુમતિ લેવા તે શિખાના ઘરે ગયો હતો.

ત્યારે તેની નનામી ઊઠી રહી હતી!!

આગલી રાતે જ ઘરમાં ઉગ્ર ઝઘડો થયો હતો. સંતોક બા ના ચઢાવવા થી તિમિરે ગોલ્ડ મેડલની માંગણી કરી હતી. અને શિખાએ તેના પર બંનેનો કોઈ હક્ક નથી તેવું કહી ગોલ્ડ મેડલ આપવાની ના પાડી હતી.

સાંભળી બંને ભડકી ગયા હતા. અને તિમિરે તેના ચરિત્ર પર કીચડ ઉછાળ્યો હતો... અમાનુષી અત્યાચાર કર્યો હતો.

અને શિખાએ કૂવો પૂર્યો હતો...

બજાર માંથી નવું ધોતિયું લઈ તે સ્મશાને પહોંચી ગયો હતો.

અતીત ની ગર્તા મા ડૂબી ચૂકેલ અગનના દૂરના રિશ્તેદારો ની વાતો સાંભળી વર્તમાનમા આવી ગયો.

" બિચારા જિંદગી આખી કોઈ જ સુખ ન ભાળ્યું. પુત્રના સુખના સપના જોતા બુઢાપો બગાડ્યો. "

તે સાંભળી અગન ખળભળી ઊઠ્યો.

" વહુ ને કદી શાંતિ થી બેસવા દીધી છે ખરી? "

અગનને પૂછવાનું મન થયું. પણ શબ્દો ગળામાં જ રૂંધાઈ ગયા.

શિખાનો મૃતદેહ બળી ને રાખ થઈ ગયો..

તિમિરે તેની રાખ એક ડબ્બીમાં ભરવા માંડી. તેથી અગને અચરજની લાગણી અનુભવી.

" અગન ભાઈ લોક ટીકા હૈયા ને ઇંધણ આપશે. જાણું છું.
પણ હિંમત રાખજો. આપણો સમાજ જીવતાની કદર કરતા શીખ્યો નથી "

આટલું બોલી તિમિરે એક નાનકડી ચબરખી અગનના હાથમા મૂકી દીધી.. તેમાં લખ્યું હતું..

" તમારી કલમ દ્વારા દુઃખી પીડિતો ને સંભાળજો.. તેમની આંતરડી ઠારજો.. " શિખા.

નાનકડા વાક્યે અગનની આંખોમા આંસુ આવી ગયા.

તેને રડતો નિહાળી શિખાના પિતા તેની પાસે આવ્યા. તેમણે અગનને એક દીકરાની જેમ પોંખ્યો... તે જોઈ હર કોઈ ચકિત રહી ગયું.

" શિખાને નહીં પણ આવા શૈતાનો ને જ બાળવાની જરૂર છે "

તે મનોમન બબડ્યો. શિખાની રાખ કપાળે લગાડી.. ભાંગેલી કલમને દુરસ્ત કરવાની પ્રતિજ્ઞા કરી તે શિખાના પિતા જોડે સ્મશાનની બહાર નીકળ્યો.

0000000000000


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED