સાંજનો સમય હતો..... "દમણ" જેને ગુજરાત નું ગોવા પણ માનવામાં આવતું હતું... નાનકડું ટુરિસ્ટ માટે નું શહેર... દરિયાકિનારે વસેલું હતું.....
દમણ ના દરિયાની ઠીક સામે કિનારા ને લગોલોગ એક હોટેલ "સિલ્વર" ના ત્રીજા માળ ના એક રૂમની બારી પાસે એક સ્ત્રી ઊભી હતી ...
સફેદ ખાદી ની કુર્તી અને બ્લૂ જીન્સ.... કપાળે નાનકડી કાળા રંગ ની બિંદી... નાક માં થોડી મોટી નથણી..... સપ્રમાણ સ્વચ્છ ચહેરો....અને કથ્થઈ અને કાળા રંગ ને ભેગા કરી ને બનાવાઈ હોય એવા રંગ ની ઊંડી આંખો.... પરફેક્ટ માપ ના હોઠો અને એની ઉપર નાના બે તલ.... ખભા થી સહેજ લાંબા કાળા વાળ..જેમાંથી બે લટો બંને આંખો સામે ઝૂલી રહી હતી.....
એ સ્ત્રી સતત બારી ની બહાર ડૂબતા સૂરજ ને જોઈ રહી હતી... કદાચ વિચારોના વાવાઝોડામાં એ પણ સૂરજ ની જેમ ડૂબી રહી હોય .....
ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે એ પણ તો રોજે રોજ ઉગતી અને આથમતી હતી જ....
"શ્યામા..????કશું તો બોલ??"
પાછળ થી એના નામની એક બૂમ સંભળાઈ....
એ ફરીથી વર્તમાન માં આવી એણે એક નજર સૂરજ પર નાંખી અને પાછળ ફરી... સામે જ એક પુરુષ બેઠો હતો... લગભગ બંને ની ઉંમર સરખી જ હતી... ૪૦ વર્ષ.....
એ એની સામે જોઈ અને હસી પડી... પરંતુ હોઠની મુસ્કાન અને આંખો નો દર્દ ઘણો અલગ અલગ દેખાય આવતો હતો... એ સામે બેસેલો પુરુષ જાણતો હતો... એણે ઈશારો કરી શ્યામા ને પોતાની સામે બેસવા કહ્યું...
શ્યામા આજ્ઞાકારી સ્ત્રી ની જેમ ત્યાં જઈ ને એની સામે ના બેડ ઉપર બેસી ગઈ.... અને કહ્યું...
"બોલો ડોક્ટર.... આજે શું જાણવું છે???"
જેને શ્યામા ડોક્ટર કહી રહી હતી એ ગુજરાત ના બેસ્ટ સાઇકોલોજિસ્ટ માંથી એક હતા...
"ડૉ. વિક્રમ ગુપ્તા"
વિક્રમ પોતાના બંને હાથ એકબીજા સાથે ઘસે છે પછી સોફા પર થોડું આગળ ખસતા સામે બેસેલી શ્યામા ની આંખો માં જોતા પૂછે છે....
" આ આપણું ત્રીજું સેક્સન છે શ્યામા... પરંતુ હું જે પણ પૂછું છું... દરેક વખતે તું એના જવાબ ટાળે છે ક્યાં તો બીજી વાતો કરી ને મને જ વાતો માં ફેરવવાના પ્રયાસો કરતી આવી છે... કશું ના મળે તો ચૂપ રહે છે... તને શું લાગે છે એટલો મોટો ડૉક્ટર હું નહિ સમજી શકું તું તારો અને મારો બંને નો ટાઇમ બગાડી રહી છે એ.... તું વાત જ નહિ કરે શ્યામા તો હું કઈ રીતે તને તારી તકલીફો થી છુટવા માં મદદ કરી શકીશ?? બીમારી નો ઈલાજ કરવા માટે બીમારી ક્યાં છે અને કઈ છે એતો જાણવું પડે ને??"
શ્યામા શાંતિ થી સાંભળી રહી.... પછી બેડ પર સુઈ જતા અને કહ્યું...
"કોઈક એ કહ્યું છે ડૉક્ટર.... "you can't convince them.... Confuse them....."
અને હસવા લાગે છે... વિક્રમ ચૂપચાપ માથે હાથ મૂકી એને જોઈ રહે છે... પછી ધીરે થી કહે છે...
"તારા દીકરાને તારી ચિંતા છે.. એણે મને અહીં તારી માનસિક તકલીફ માટે બોલાવ્યો છે... હું જાણું છું કે તું તકલીફ માં છે ... પાગલ નથી... પરંતુ કઈ વાત તને આટલી તકલીફ આપે છે એતો તું કહે તોજ હું પણ મદદ કરી શકીશ ને ...મને તો સમજાતું નથી આટલી બુદ્ધિશાળી સ્ત્રી છે તું... અને વર્ષોથી હું તને ઓળખું છું.. જોતો આવ્યો છું શ્યામા... તું કેમ આવું વર્તન કરે છે... ડોક્ટર નહિ તો મિત્ર સમજી ને કહે... જે જેવું છે એ એવું જરાક પણ તોડ્યા મરોડ્યા વગર કહે..... હું સાંભળીશ તારી દરેક વાત અને માનીશ પણ ખરો ..."
શ્યામા પાછી બેઠી થાય છે..અને પોતાના વાળ સરખા કરતા ડૉ. વિક્રમ ને કહે છે...
" ખબર છે કે હું પાગલ તો નથી જ... તો પછી અહીંયા મારો ઈલાજ કરવા શું કામ આવી જાય છે ...મારે નથી જરૂર કોઈ ઈલાજ ની"
"તારા દીકરા ગોવિંદ એ કહ્યું એટલે... એ મારા પણ દીકરા જેવો છે.. પોતાની માતા ને નાનપણ થી જોતો આવ્યો છે જાત સાથે લડતા ઝઘડતા તડપતા ને રડતા દરેક ઘટના એને યાદ છે અને એ તારી મદદ કરવા ઈચ્છે છે... પરંતુ જ્યાં સુધી તું પોતાની મદદ નહિ કરે એ કે હું કોઈ પણ તારી મદદ નહિ કરી શકીશું ....."
શ્યામા નો ચહેરો ખીલી ઉઠ્યો.....
"હા વિક્રમ.... એ વાત તો સાચી .... મારા દીકરા ગોવિંદ એ હું જેવી છું એવી મને જોઈ છે.... અને એ એક માત્ર વ્યક્તિ છે જેણે સ્વીકારી પણ છે અને પ્રેમ પણ એટલો જ કરતો આવ્યો છે.... જ્યારે બીજા બધા જેમને હું પોતાના કહેતી હતી ... એ ક્યાં મને સહન કરી શક્યા?? માત્ર ૧૮ વર્ષ નો છે ગોવિંદ પરંતુ કેટલો સમજદાર.... મને જીદ કરી અહીંયા મુક્લે છે... કે મમ્મી બહુ થયું હવે મારા થી તને પોતાની જાત સાથે લડતા રોજે રોજ નથી જોવાતી...."
"હા, અને તું આવે છે ... એની જીદ તો એક બહાનું છે તને પણ ખબર છે તને મારી જરૂર છે.... જાત ને જાણવા... હું તો માત્ર તને સાંભળીશ અને વધુ માં વધુ મારા વિચાર વ્યક્ત કરીશ ... પરંતુ લડવાનું તો તારે જ છે"
"ના વિક્રમ.... હું આવું છું કારણ કે મારો દીકરો કહે છે.... બાકી તને લાગે છે મને મારી જાત ની કશી પડી છે.... મને સાચવવા વાળો તો એ બેઠો છે મારો કૃષ્ણ....."
શ્યામા એ દૃઢતા થી કહ્યું... વિક્રમ એની સામે જોતો રહ્યો...
"આ સ્ત્રી કેમ કરી ને મન નહિ ખોલે.. એની મદદ કરવી તો કરવી કઈ રીતે??"
"શું વિચારો છો ડૉક્ટર જી?" શ્યામા એ વિચારો માં ખોવાયેલા વિક્રમ ના હાથ પર પોતાનો હાથ મારતા પૂછ્યું...
"તને વિચારું છું શ્યામા... તારા દરેક રૂપ વિશે વિચારું છું..... "
"ઓહ.... વિચારી ને કશું ખબર પડી ખરી...?" શ્યામા એ વિક્રમ સામે હળવી મુસ્કાન કરતા પૂછ્યું...
"ના... કઈ શ્યામા સાચ્ચી એ જાણવું ખરેખર મારા માટે બહુ મુશ્કેલ છે જો આ વખતે પણ તું તારી આ રમતો બંધ નહિ કરે તો બીજી વાર મારે ગોવિંદ ને જોડે લઈ ને આવવું પડશે... એક સ્ત્રી કદાચ મન નહિ ખોલે પરંતુ એક માતા પુત્ર ના પૂછવા પર લાગણીઓ માં વહી જ જતી હોય છે"
"ધમકી આપી રહ્યો છે વિક્રમ...?"
શ્યામા એ આંખો નચાવતા પૂછ્યું
"સત્ય કહી રહ્યો છું મેમ " વિક્રમ એ પોતાના ચશ્મા સરખા કરતા શ્યામા તરફ જોયું અને ઉમેર્યું
"તો .... શરૂઆત થી શરૂ કરીએ?"
શ્યામા ચૂપ રહી અને વિક્રમ એ આગળ વાત વધારતાં સવાલ કર્યો.
"ભૂતકાળ માં જવા કહું તો પોતાની જાત તને ક્યાર થી યાદ છે ... કેટલી નાની હતી ત્યાર ની વાતો તને યાદ છે?"
શ્યામા આંખો બંધ કરે છે... ઘણા ચહેરાઓ અને ઘણી પરિસ્થિતિઓ જીવાય ગયેલી ઘણી યાદો ચલચિત્ર ની જેમ એની આંખો સામે થી આવી ને પસાર થઈ રહી હતી... અને એ પોતે ધીરે ધીરે જિંદગી માં પાછળ ધકેલાતી હતી...
એ જ્યાં આવી ને અટકી હતી એ કદાચ પોતાને બાર વર્ષ ની હતી એમ કહી શકી....
ઢીંગલી જેવી લાગતી હું... પપ્પા કહેતા.... એકદમ ક્યુટ પરી... પાતળી ...નાજુક... હસતી.... નાનકડી શ્યામા... જેની દુનિયા પોતાના પપ્પા થી શરૂ થઈ પપ્પા પર જ પૂરી થઈ જતી હતી....
એણે વિક્રમ સામે જોયું... અને કહ્યું....
"ખબર છે વિક્રમ જ્યારે હું નાની હતી ને મારા પપ્પા તું તો તો જાણે જ છે ને... કીર્તન ભાઈ વ્યાસ.... મને યાદ છે કે હું હમેશાં એમને ખુશ કરવાની કોશિશ કરતી... શું કરું તો પપ્પા ના ચહેરા પર મુસ્કાન આવે મારા કારણે... શું કરું તો પપ્પા ને મારા ઉપર ગર્વ થાય.... એમની સ્માઇલ જોવી એ મારા માટે દુનિયા નું સૌથી સુંદર દ્રશ્ય હતું.... પણ હા ... એ મારા કારણે હોય તો વધુ સારું લાગતું.... "
"અહા... તો શું કરતી શ્યામા પપ્પા ના ચહેરા પર સ્માઇલ લાવવા??"
શ્યામા ની આંખો ચમકી ઉઠી....
"પપ્પા ની ગાડી ની ચાવી ખોવાઈ જાય કે ઉપર રહી જાય તો ભાઈ કરતા પેહલા એમને શોધી ને દોડી ને આપવી... પપ્પા કહે ચા મૂકી દે શ્યામા તો પાણી નો ગ્લાસ પણ નહતી ઉચકતી હું ચા મૂકવા દોડી જતી... પપ્પા ને ગમે તેવા કપડાં પેહરવા.... એમની આજુબાજુ રેહવું.... એમને મદદરૂપ થવું ... એમની વાતો સાંભાળવી.... અને પોતાની વાતો એમને કહેવું... મારી આખી દુનિયા સાચા અર્થ માં એમની આજુબાજુ ફરતી હતી ..."
"હમમ.... સમજી શકાય... મને પણ ઘણું યાદ છે... તારા પપ્પા જ્યારે જ્યારે તારી સાથે હોય... મારી જાન... આ શબ્દ અચૂક કહેતા... તને ભેટી પડતાં... અને અનેક વખત દર્શાવતા કે તું છે તોજ એ છે... એમના માટે તું બહુ ખાસ છે....."
વિક્રમ ની વાત સાંભળી પેહલા તો શ્યામા ખુશ થઈ પરંતુ એની સામે એક ફોટો તરવરવા લાગ્યો જાણે પોતાને જ યાદ અપાવી રહ્યો હતો એ ફોટો કે ના પપ્પા આવું કરતા કારણ કે એમને હું નહતી જોઈતી... પોતાની જાત ને ગિલ્ટ માંથી મુક્ત કરવા માટે બધા સામે જતાવતા.... ...
નહિ શ્યામા તું પપ્પા ના પ્રેમ પર શકાં કરે છે.... એવું કશું નથી ...... તારા પપ્પા દુનિયા માં સૌથી વધુ તને પ્રેમ કરતા હતા.....
શ્યામા જાણે જાત સાથે જ લડતી હતી....
ઓહ.... તો આવી ખુશી જેવી ભાઈ સાથે ના ફોટો માં એમના ચહેરા પર હતી... એવી ખુશી એટલો ગર્વ તારા માટે કેમ નહતો જોયો....??? જોયો છે કોઈ પણ દિવસ...
અને સામે પપ્પા નું ઉપરાણું લેતી શ્યામા ચૂપ થઈ ગઈ .. કારણ કે એની પાસે આ સવાલ નો જવાબ નહતો....
વિક્રમ સામે બેસી શ્યામા ના હાવભાવ જોઈ રહ્યો... પછી જ્યારે એને લાગ્યું કે હવે શ્યામા ને વિચારો માંથી બહાર કરવી જોઈએ તો એણે એની વિચારો ની દિશા વાળતાં કહ્યું....
"પપ્પા સાથે ના દરેક પ્રસંગો યાદ છે... અને મમ્મી નું શું....? એમની સાથે ની યાદો?"
વિક્રમ જાણતો હતો શ્યામા ને કયો સવાલ ક્યારે કરવો... શ્યામા વિશે એને ઘણી જાણકારી પેહલા થી હતી સાથે એ પણ કે મમ્મી થી શ્યામા દૂર રેહવાનું પસંદ કરતી પરંતુ કારણ કોઈ જાણતું નહતું....
"મમ્મી ... મને યાદ છે ઘણી નાની હતી ને તો મારી મમ્મી વગર મારા થી રાત્રે સુવાતું નહિ... આખો દિવસ નીકળી જાય પરંતુ રાત્રે તો મારી મમ્મી જ જોઈએ... અને જ્યારે બીમાર હોઉં તો તો ખાસ .. અને એવી જ લાગણી મને ગોવિંદ માટે છે... જ્યાર થી માં બની... ગોવિંદ મારા વિના અને હું એના વિના ક્યારે રહી જ નહતો શક્યા...."
"એ તો હમણાં પણ ક્યાં તારા વગર રહે છે... તું જ એની દુનિયા છે..."
"હા.... અને એ મારી..."
શ્યામા આટલું બોલતા જ ભૂતકાળ માં વહી નીકળી....આંખો સામે ગોવિંદ સાથે ના ઘણા પ્રસંગો આવ્યાને વહી ગયા... વિચાર એક પ્રસંગ પર અટકી ગયો... જ્યારે એણે ગોવિંદ ને પેહલી વાર પોતાની અંદર મેહસુસ કર્યો તો... જ્યારે એને ખબર પડી હતી કે એ માં બનવાની છે.... એની અંદર એક જીવ છે.......
પોતે હમેશા ગોવિંદ ને આ વાત અચૂક કહેતી હતી શ્યામા...
"તું મારી સાથે હોશિયારી નહિ કરતો હા બેટું... હું તને આખી દુનિયા કરતા નવ મહિના વધુ જાણું છું... તારા ચહેરા ના ભાવ મને તારી અંદર ચાલતી દરેક વાત ની જાણ કરી દે છે તારા બોલવા પેહલા... ચાલ હવે બોલ શું થયું??"
પછી તો ગોવિંદ પણ સાથે સાથે બોલતો હતો આ વાક્ય... કે " હા માતાજી હા... જાણું છું તું મને દુનિયાથી નવ મહિના વધુ જાણે છે અને ચહેરો જોઈ ને તને મારા દિલ ની વાતો ખબર પડી જાય છે... તો તારા થી હું કશું છુપાવી નથી શકવાનો... " અને હસ્તો....
શ્યામા ને એ વાતો યાદ આવતા શ્યામા હસી પડી... એની આંખો સહેજ ભીનાય હતી.. આંખો સામે ગોવિંદ નો માસૂમ ચહેરો આવી ગયો....
૧૮ વર્ષ નો પરંતુ કોમળ અને કેરિંગ દિલધડક હેન્ડસમ... દીકરો હતો શ્યામા નો... એની એક મુસ્કાન થી તો જાણે શ્યામા શ્વાસ લેતી હતી... જીવતી હતી.... જેની ઉદાસી શ્યામા માટે અનહદ્ પીડાદાયક હતી... અને કેમ ન હોય.. દરેક માતા ને એનું સંતાન દુનિયા માં સૌથી પ્રિય હોય છે.. સંતાન ના દરેક ભાવો માતા પણ અનુભવતી હોય છે...
"તો શું મારી મમ્મી નહતી જાણતી એ બધું જે હું અનુભવી રહી હતી... જ્યારે જ્યારે એ ભાઈ ની ખોટી વાતો નું ઉપરાણું લેતી હતી..... વિશ્વાસ રાખી એને કોઈ વાત કહી હોય અને પપ્પા ને કહી દેતી.... બાળક નો વિશ્વાસ પળવાર માં તૂટી જાય છે એની ખબર એને નહિ હોય?"
શ્યામા થી આ વાત બોલાઈ તો ગઈ પરંતુ એનું ધ્યાન નહતું કે આ વાત વિક્રમ પણ સાંભળી શકતો હતો વિક્રમ કયાર થી શ્યામા ના ચહેરા ના હાવભાવ જ તો જોઈ રહ્યો હતો... એ ઊભી થઈ અને જગ માંથી પાણી ભરી પીવા લાગી...
વિક્રમ એ એને પાણી પી લેવા દીધી... પછી ધીરેથી સવાલ કર્યો ...
"કોઈ એવો બનાવ બન્યો તો સાધના માસી જોડે જે તું ભૂલી નથી શકી?"
શ્યામા આ સવાલ માટે તૈયાર જ હતી...
"ઘણા... " એક શબ્દ માં જવાબ આપતા એણે કહ્યું...
વિક્રમ એ આગળ બોલે એની રાહ જોતો હતો... શ્યામા એ જ આગળ વાત કરતા કહ્યું...
" કદાચ મારા માટે જે વાત બનાવ હતી ... એ વાત મમ્મી માટે નોર્મલ હોય શકે .. હું દોષ નથી આપતી એને... તને ખબર છે વિક્રમ ..માણસો એક વાર માં કોઈના થી દુર નથી થઈ શકતા.. થોડું થોડું ભેગુ થયા કરતું હોય છે અને જ્યારે સહન શક્તિ ઘટી જાય ત્યારે જ એ જ્વાળામુખી ની જેમ ફાટે છે..... અને ખબર પડે છે કે ધીરે ધીરે લાગણીઓ એ વ્યક્તિ માટે તો ક્યારની મરી જ ગઈ હતી આપણે જ મોહ માં ફસાઈ એને જકડી રાખતા હતા..."
"સમજી શકું છું.. પરંતુ તારી લાગણીઓ હજી મરી નથી ને.... તું તો..."
અને જાણી જોઈને શ્યામા ના હાવભાવ જોવા માટે અટકે છે...
શ્યામા જવાબ આપે છે....
"હા.... મારો કાન્હો મને ઘણી સહનશક્તિ આપે છે.... અને કોમળ હૃદય પણ... કે હું લોકો ને માફ કરી શકું છું જલ્દી....એક વાર નહિ ઘણી વાર... કોઈ પણ સંબંધ હોય મને ગીવઅપ કરતા ઘણી વાર લાગે છે... "
વિક્રમે તક ઝડપી લેતા તરત કહ્યું...
"હા, એનું જીવતું જાગતું ઉદાહરણ તો આપણી સામે જ છે .... આદિત્ય...."