નો ગર્લ્સ અલાઉડ - ભાગ 17 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 17


મેજિક ડ્રીંકસ હવે ઘરે ઘરે ફેમસ થવા લાગી હતી. લોકોની પહેલી પસંદ હવે મેજિક ડ્રીંકસ બની ચૂકી હતી. સામાન્ય ભાવમાં આપવામાં આવતો લાજવાબ ટેસ્ટથી સૌના હદયમાં મેજિક ડ્રીંકસનો જાદુ છવાઈ ચૂક્યો હતો. આકાશ અને અનન્યા એ પોતાના કામના ભાગ પાડી લીધા હતા. જેથી બંને વચ્ચે કામનો ભાર ઓછો પણ રહે અને કામની ગુણવત્તામાં પણ વધુ સારો સુધારો લાવી શકાય. આ બધાની વચ્ચે આકાશનું દિલ કામની સાથે સાથે અનન્યા પર પણ લાગી રહ્યું હતું. પરંતુ અનન્યાનું સંપૂર્ણ ધ્યાન માત્ર બિઝનેસ તરફ જ હતું. જેથી એ આકાશની આંખોમાં રહેલો પ્રેમ જોઈ ન શકી.

" અનન્યા...હવે બસ પણ કર બાકીનું કામ કાલ કરી લેજે..."

હાથમાં રહેલી પેનને ફેરવતી ફેરવતી અનન્યા બોલી. " થોડુંક કામ જ બાકી છે એ પતાવી લવ એટલે મારા મગજમાંથી એક ટેન્શન તો દૂર થાય..."

અનન્યા હંમેશા મન લગાવીને જ કામ કરતી. સરળ શબ્દોમાં કહીએ તો આ બિઝનેસ પાછળનું ઇન્વેસ્ટમેન્ટ માત્ર આકાશનું હતું બાકી બચેલું કામ અનન્યા એ જ કરી બતાવ્યું હતું.

પાંચેક મિનિટ બાદ આકાશ ફરી બોલ્યો." હવે કેટલું બાકી છે અનન્યા..? રાતના બાર થવા આવ્યા છે.."

પોતાના કામમાં મશગુલ અનન્યા એ લેપટોપમાં જ નજર રાખીને જવાબ આપતા કહ્યું. " તો શું થઈ ગયું?"

આકાશે ફરી ઘડિયાળ તરફ જોયું અને બિલ્ડીંગની પાછળની સાઈડ ખુલ્લી જગ્યાએ જતો રહ્યો. તેમણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી રાખ્યો હતો જેથી એમને કોઈ કોલ કરી ન શકે.

જ્યારે ઘડિયાળના ત્રણેય કાંટા એકસાથે બાર ઉપર પહોંચી ગયા. ત્યાં જ પાછળથી અનન્યા નાની કેકને પોતાની પાછળ સતાવતી આકાશની આગળ આવીને કુદી પડી.

" હેપી બર્થડે આકાશ..."

" અનન્યા તું! તને મારો બર્થ ડે યાદ હતો??"

" યાદ કેમ ન હોય, કોલેજના સમયથી આપણે સાથે છીએ..અને હવે તો આપણે બીઝનેસ પાર્ટનર પણ બની ચૂક્યા છે તો બર્થ ડે યાદ રાખવું વધારે જરૂરી બની જાય ને!"

" થેન્ક્યુ સો મચ અનન્યા..."

પાછળ છૂપાવીને રાખેલી કેકને આગળ કરી અને કહ્યું. " ચાલો તો કેક કટિંગ થઈ જાય.."

અનન્યાનું સરપ્રાઈઝ વીશ અને કેક જોઈને આકાશને મનમાં ક્યાંક ખૂણે ખ્યાલ તો પાક્કો થઈ જ રહ્યો હતો કે અનન્યા પણ એમને હવે પસંદ કરવા લાગી છે.

આકાશ કેક કટિંગ કરવા જઈ જ રહ્યો હતો કે કિંજલ અને આકાશના અન્ય મિત્રો એકસાથે આવી પહોંચ્યા.

" હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડીયર આકાશ...હેપી બર્થડે ટુ યુ..."

" હેપી બર્થ ડે મેરે શેર!"

" હેપી બર્થ ડે ફૂટબોલ ટીમના કેપ્ટન.."

એક પછી એક મિત્રો આવીને એમને વિશ કરવા લાગ્યા.

ત્યાર બાદ આકાશે કેક કટિંગ કર્યું અને ખૂબ બધી મસ્તી કરીને બધા છૂટા પડ્યા.

આકાશ કોલેજના પહેલા વર્ષથી જ અનન્યાને ચાહતો હતો. એમણે પોતાના જીવનમાં આ પહેલા ન તો કોઈ છોકરી સાથે રિલેશન રાખ્યું હતું કે ન તો કોઈ દોસ્તીનો સબંધ બાંધ્યો હતો. પણ જ્યારે તેમની મુલાકાત અનન્યા સાથે થઈ તે દિવસથી તેમનું દિલ માત્ર અનન્યાને પામવા કૂદાકૂદ કરી રહ્યું હતુ. તેમણે એની સાથે ઘણીવાર મિત્રતાને ગાઢ બનાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અનન્યાનું દિલ તો રાહુલ તરફ નમી ચૂક્યું હતું. બંને વચ્ચેના રીલેશનશીપની વાતની જાણ થતાં જ આકાશ અંદરથી તૂટી ગયો. ત્યાર બાદ તેમણે કૉલેજ આવવાનું પણ ઓછું કરી દીધું અને અનન્યા સાથેની દોસ્તી પણ ધીમે ધીમે ઓછી કરી દીધી. સમય વીતતો ગયો અને ફરી ઈશ્વરે તેમને અનન્યા સાથે બીઝનેસ પાર્ટનરમાં જોડી દીધા. રાહુલ સાથે તો બ્રેક અપ થઈ ગયું હતું જેથી અનન્યા હવે સિંગલ હતી. આ જ મોકાનો ફાયદો ઉઠાવતા તેમણે પાર્ટનરશિપમાં બિઝનેસ કરવાની ઓફર આપી અને ઑફર સ્વીકાર થતાં એમનો પ્લાન પણ ધીમે ધીમે સફળ થઈ રહ્યો હતો એવું આકાશને લાગી રહ્યું હતું પરંતુ અનન્યાના દિલો દિમાગમાં શું ચાલી રહ્યું છે એ તો માત્ર એ જ જાણતી હતી.

આકાશને પોતાના જન્મદિવસ નિમિત્તે અનન્યાને પ્રપોઝ કરવાની ઈચ્છા થઈ આવી. તેમને મનમાં પૂરો વિશ્વાસ હતો કે અનન્યા એમના પ્રપોઝનો સ્વીકાર કરશે જ. એટલા માટે તેમણે અનન્યા સાથે કંઇક બહાર જઈને સાંજના સમયે દિલની વાત કહેવાનું નક્કી કર્યું.

અન્ય મિત્રોને પાર્ટીના નામે ધેંગો દેખાડીને આકાશે અનન્યા સાથે બર્થ ડે પાર્ટીના નામે એક ડેટ ફિક્સ કરી નાખી. અનન્યાને જરા પણ ખ્યાલ ન હતો કે આકાશ એમને બર્થ ડે પાર્ટીના બહાને એક ડેટ ઉપર લઇ જઇ રહ્યો છે.

" બર્થ ડે મારો છે અને તે મને આ નવો ડ્રેસ કેમ ગિફ્ટ કર્યો?"

" અનન્યા આ મારી સ્ટાઇલ છે બર્થ ડે પાર્ટી દેવાની..તું બસ ખૂદ ને સારી રીતે તૈયાર કરી લે કારણ કે આપણે જઈ રહ્યા છીએ આ દુનિયાથી ખૂબ દૂર...." કાર ચલાવતા આકાશે કહ્યું.

" આકાશ આ તું શું બોલે છે? મારે રાત સુધીમાં ઘરે પહોંચી જવું પડશે..!"

" અરે તું ચીલ કર.. આપણે ક્યાંય દુનિયાથી દુર નથી જવાના અહીં નજીક જ એક ગાર્ડન છે બસ ત્યાં જ જઈએ છીએ.."

" હમમ...તો ઠીક છે, પણ તારું કઈ નક્કી નહી તું તો મને દુનિયાની પેલે પાર પણ લઈ જાય એમ છે..." અનન્યા આકાશ સાથે ખૂબ હળીમળી ચૂકી હતી. કેટલાય મહિનાઓથી કામના બોજમાંથી માંડ આજે અનન્યાને ફુરસત મળી અને એમાં પણ આકાશનો જન્મદિવસ હોવાથી આ ખુશી બે ગણી વધી ગઈ હતી.

આકાશે ગાર્ડન નજીક કાર પાર્ક કરી અને અનન્યાની કાળજી લેતો એ એમને ગાર્ડન તરફ લઈ ગયો. રંગબેરંગી ફૂલો જોઈને અનન્યાનું મન તો મોહિત થઈ ગયું.

" વાવ..! કેટલા મસ્ત ફૂલો છે નહિ આકાશ!" અનન્યા આકાશને છોડીને આસપાસના ફૂલો તરફ ચાલી ગઈ.ફૂલોની મહેક લેતી લેતી અનન્યા ખૂબ આનંદિત થઈ ઉઠી. આ સિવાય ગાર્ડનમાં અલગ અલગ કલરના ફૂલો અને પતંગિયા પણ ઉડી રહ્યા હતા. ગાર્ડનમાં ખૂબ ઓછા વ્યક્તિ હોવાથી આકાશનું મન વધુ અનન્યા તરફ લલચાઈ રહ્યું હતું. તેમની નજર તો માત્ર અનન્યાને જ તાકી રહી હતી. અનન્યા અચાનક આકાશ પાસે આવી અને હાથમાં ફોન આપતા ફોટા ખેંચવા માટે આગ્રહ કર્યો. પરંતુ આકાશે અનન્યાનો ફોન પોતાના પોકેટમાં નાખ્યો અને પોતાના ફોનથી અનન્યાના પિક્સ પાડવા લાગ્યો.
કલાક સુધી ગાર્ડનમાં હરતા ફરતા બંને જમવા માટે નજીકના એક ફેમસ રેસ્ટોરન્ટમાં પહોચી ગયા.

હાથમાં રહેલા નાના અમથા અરીસામાં જોઇને હોઠો પરની લિપસ્ટિકને ઠીક કરતી અનન્યાને આકાશે કહ્યું. " આજે શું તારે લિપસ્ટિક જ ખાવાની છે?"

" બસ થઈ જ ગયું...ઓકે..બોલ...હવે તું શું કહેતો હતો?" પોતાના પર્સમાં અરીસાને ગોઠવતી અનન્યા બોલી.

આકાશે ઓલરેડી ચાઇનિઝ ભેલ અને તીખી પાણીપુરીનો ઓર્ડર આપી જ દીધો હતો. જેથી આ જ સમય આકાશને યોગ્ય લાગ્યો પોતાની દિલની વાત કહેવા માટે.

" અનન્યા એક સવાલ પૂછું...?"

" હા બોલ..."

" તારી લાઇફમાં રાહુલ પછી કોઈ છે જેને તું પસંદ કરતી હોય? મીન્સ કે તું એને પસંદ કરવા લાગી હોય?"

આકાશ કોઈ દિવસ આ પ્રકારની વાતો એમની સાથે કરશે એવું અનન્યા એ સપનામાં પણ નહોતું વિચાર્યું.

" અચાનક આવો સવાલ? કેમ?" સામે પ્રશ્ન કરતા અનન્યા એ કહ્યું.

" પહેલા તું મારા સવાલનો જવાબ આપ પછી હું કહું છું.." આકાશે પોતાની બન્ને હાથની ફિંગર ક્રોસ કરી દીધી. કારણ કે અનન્યાના આ જવાબ પરથી જ આકાશને પોતાના પ્રપોઝનો જવાબ ઇનડાયરેક્ટલી મળી જવાનો હતો.

શું અનન્યાના દિલમાં રાહુલ સિવાય કોઈ અન્ય છોકરાનું નામ છે? કે પછી હજી પણ અનન્યા રાહુલને જ પ્રેમ કરે છે?

ક્રમશઃ