રાજર્ષિ કુમારપાલ - 34 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજર્ષિ કુમારપાલ - 34

૩૪

ઉપાલંભ

મહારાજ કુમારપાલ પાસે આવ્યા ત્યારે એમનો વેશ જોઇને આચાર્યને પણ નવાઈ લાગી. તદ્દન સાદો, જરાક પણ જાત પ્રગટ ન કરી દે તેવો એ વેશ હતો. દેખીતી રીતે રાત-આખી વેશપલટો કરીને, નગરચર્યા જોવા માટે તેઓ ગયા હોય તેમ જણાયું. એમણે આવતાંવેંત દેવચન્દ્રાચાર્યને પંચાંગ નમસ્કાર કર્યા. બે હાથ જોડીને તેઓ ત્યાં ઊભા રહ્યા.

‘મહારાજ! આમ અત્યારે ક્યાંથી?’ હેમચંદ્રાચાર્યે પૂછ્યું.

જવાબમાં મહારાજે એક જબ્બર નિશ્વાસ મૂક્યો: ‘રાજભંડાર તમામ ખાલી કરું તોપણ ટાળી ન શકાય એટલી ગરીબી જોઇને આવું છું. પ્રભુ! આ સહ્યું જાતું નથી! ઈશ્વર આપણને વાહન ન બનાવે?’

‘શેનું, રાજાજી?’ દેવચન્દ્રાચાર્યે પોછ્યું.

‘મહારાજ! તમામને અનૃણી કરવાનું. મને એ એક શક્તિ મળે! હવે જીવનમાં એક જ સ્વપ્ન બાકી રહ્યું છે! બધાને અનૃણી કરવાનું સ્વપ્ન જો ફળે!’

દેવચન્દ્રાચાર્ય હેમચંદ્ર સામે જોઈ રહ્યા. હેમચંદ્ર હમણાં એ જ વાત કહી રહ્યો હતો. રાજાને પણ એ જ વાત કરવાની હતી. રાજાને આ સ્વપ્ન આપનાર હેમચંદ્ર જ હશે. તેમનું મન ક્ષોભ પામ્યું. પછી ગુરુએ પોતાનો સ્વર જરાક ચોખ્ખો કર્યો: ધીમાં પણ સ્પષ્ટ અવાજે કહ્યું, ‘મહારાજ! પૃથ્વીને કોઈ અનૃણી કરી શક્યું છે?’

‘પ્રભુ! ઈતિહાસજ્ઞો કહે છે ને? રાજા વિક્રમે એ શક્ય બનાવ્યું હતું. કોઈ અદ્ભુત પુરુષનો આધાર મળી જાય તો એ થાય. અમારા ગુરુદેવ અદ્ભુત છે, પણ હું આપની પાસે હાથ જોડીને ઊભો છું.’

‘મારી પાસે?’ દેવચન્દ્રાચાર્ય અગ્નિ પડ્યો હોય તેમ બે ડગલાં પાછળ હઠી ગયા: ‘મારી પાસે શું છે, મહારાજ?’

‘પ્રભુ! મારા પોતાના માટે નહિ, મારી કીર્તિ માટે પણ નહિ, યશની સિદ્ધિ માટે પણ નહિ. વીર વિક્રમની સ્પર્ધા કરવા માટે પણ નહિ – માણસની આંખનું આંસુ જોવાતું નથી, એની દીનવાણી સંભળાતી નથી, એના ગૌરવને હણનાર ઋણ સહ્યું જાતું નથી! માટે હું યાચું છું: પ્રભુની પાસે જે સિદ્ધિ છે એ થોડો વખત લોકકલ્યાણ માટે પ્રભુ પ્રગટ કરે!’

‘આ કઈ સિદ્ધિની વાત છે, હેમચંદ્ર! મહારાજ શું કહે છે?’

હેમચંદ્રાચાર્યે બે હાથ જોડ્યા: ‘પ્રભુ! સુવર્ણસિદ્ધિની!’

જાણે કોઈએ માથે અગ્નિ નાખ્યો હોય તેમ હેમચંદ્રાચાર્યનો બોલ સાંભળતાં જ દેવચંદ્ર ત્યાંથી બેચાર ડગલાં પાછા સરી ગયા. તેમણે પોતાનું રજોહરણ ઠીક કર્યું. હેમચંદ્ર સામે જરાક દ્રષ્ટિ ઠેરવી. પોતે જે સાંભળ્યું તે ખોટું હતું કે સાચું એનો નિશ્ચય કરી શકતા ન હોય તેમ ધીમા, શાંત, મક્કમ, પ્રેમભર્યા, પણ ખિન્ન ઉપાલંભના સ્વરે તેઓ બોલ્યા: ‘હેમચંદ્ર! આ શું એક વખતના સોમચંદ્રની વાણી હું સાંભળી રહ્યો છું કે ચાંગદેવની?’

‘પ્રભુ!’ હેમચંદ્રાચાર્યે હાથ જોડ્યા.

‘આપણે તે વખતે પેલી રમત કરતાં હતા, નાનકડાં છોકરાં જેવી એ રમત  ઉપર તને આટલી બધી મમતા રહી ગઈ છે, હેમચંદ્ર? અને તે પણ આટલાં વર્ષો સુધી? તું યોગમાં શીખી-શીખીને આ શીખ્યો? અને જતિ તને આ છોકરાંની રમત ફરીને સાંભરી આવી? એટલે મેં તને કહ્યું કે આ તે હું સોમચંદ્રને સાંભળી રહ્યો છું કે નાનકડા ચાંગદેવને?’

‘પ્રભુ! સુવર્ણસિદ્ધિ એ છોકરાંની રમત છે?’

‘ત્યારે  એ શું કોઈ જતિની જોગસિદ્ધિ છે? તને કોઈ મહાન યોગ જણાતો હશે! હેમચંદ્ર! તમે આ બધું શું કરી રહ્યા છો? આ તો તમારો જીવનપ્રવાસ જ નિષ્ફળ ગયો હોય એવી વાત હું સાંભળું છું!’

ગુરુ દેવચન્દ્રાચાર્યનો અવાજ ખિન્ન થઇ ગયો.

‘આટલી વિદ્યા પણ તમે જો સાચવી શકતા નથી, એનો આજ તમે વ્યાપાર માંડ્યો છે. એને મોટું એક નામ આપી દીધું છે લોકકલ્યાણનું, તો પછી આમાં આગળ જતાં જે વિદ્યા મળશે એને તો તમે શું સાચવવાના હતા? વિદ્યાનો આનંદ જ જો અલૌકિક લાગતો હોય તો, હેમચંદ્ર! આપણે શરમાવું જોઈએ. આ રાજાને આ ભ્રમ આપીને તેં એનું સામાન્ય જનકલ્યાણનું કામ પણ વેડફી નાખવા જેવું કર્યું છે! સુવર્ણસિદ્ધિ છે, અમરત્વ છે, અજરત્વ છે, અરે! આકાશગમનની પણ વિદ્યા છે, વિદ્યાવારિનિધિમાં તો અનેક રત્નો છે, પણ પહેલાં તરતાં તો શીખો, ચાંગદેવ! મારે હવે આજે આહીંથી જ વિહાર કરવાનો છે!’

‘અરે! પણ, પ્રભુ!...’ 

‘હેમચંદ્ર! જ્યારે સાધુઓ સાધુત્વ સિવાય બીજી કોઈ પણ વસ્તુને મહાન ગણશે, ત્યારે જાણજે કે એ હવે ધર્મ નથી રહ્યો. ત્યાં હવે વિદ્યાપ્રીતિ નથી રહી. ત્યાં અકલ્પ્ય આનંદ નથી રહ્યો. પછી તો ત્યાં પણ વ્યાપાર રહ્યો છે. દ્રમ્મને બદલે કીર્તિનો, કનકને સ્થાને યશનો, સંગ્રહને ઠેકાણે સેવાનો, લોકકલ્યાણના નામનો, એ પણ એક વ્યાપાર છે. એ વળી તમને પણ ખબર ન પડે તેવો ખટપટનો વ્યાપાર છે. હું તો, ભાઈ! સીધોસાદો સાધુ છું ને સાધુ રહેવા માગુ છું. મહારાજ કુમારપાલને કનકસિદ્ધિ તો આ મળી છે, હેમચંદ્ર! – એમના અંત:કારણમાં, લાખોનાં અંત:કારણમાંથી એમના એકના જ અંત:કારણમાં કરુણા પ્રગટી. એ જ મહાન સુવર્ણસિદ્ધિ છે. સચવાય તેઓ એ સાચવો, મહારાજ! જગતને અનૃણી કરવાનું બળ એનામાં છે – કરુણામાં, દયામાં, પ્રેમમાં. એથી વધારે મહાન સિદ્ધિ મેં તો આ વિશ્વમાં જોઈ નથી. ચાલો, સુખશાતામાં રહેજો, ધર્મવૃદ્ધિ કરજો. હેમચંદ્ર! મારે મોડું થાય છે!’

રાજા ને હેમચંદ્ર બંને ત્યાં ઊભા જ રહી ગયા. કોઈ અદ્ભુત અવધૂત સમા દેવચન્દ્રાચાર્ય ચાલી નીકળ્યા. દૂરદૂર ક્ષિતિજમાં એમની મૂર્તિ અદ્રશ્ય થઇ ગઈ ત્યાં સુધી રાજા અને ગુરુ જોતા જ રહ્યા.

પછી બંનેનાં મસ્તક એ દિશામાં એકસાથે નમી પડ્યાં.