રાજર્ષિ કુમારપાલ - 28 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજર્ષિ કુમારપાલ - 28

૨૮

મંદિરનિર્માણ

બીજા દિવસે રાજા અને આચાર્ય ‘યોગસૂત્ર’નું રહસ્યવાંચન કરી રહ્યા હતા, એટલામાં સામેથી દ્વારપાલને આવતો જોયો ને હેમચંદ્રાચાર્ય સમજી ગયા. કવિ વિશ્વેશ્વર ભાવ બૃહસ્પતિને આહીં લાવી શક્યા હતા. આચાર્યને એ વસ્તુમાં જ અરધો વિજય લાગ્યો. એટલામાં વિશ્વેશ્વર પોતે દેખાયા. એમના ચહેરા ઉપર પ્રસન્નતાભરેલું માધુર્ય હતું. તેમની પાછળ જ ... હેમચંદ્રાચાર્ય ઊભા થઇ ગયા. રાજા કુમારપાલે પણ હાથ જોડીને મસ્તક નમાવ્યું. જાણે કોઈ દિવસ કાંઈ ખટરાગ જ ન હોય તેવું વાતાવરણ સ્થપાતું જોઇને આચાર્યના મનમાં આનંદ-આનંદ થઇ ગયો. એમને એ જ જોઈતું હતું. પાટણનું પુનરુત્થાન એમાં હતું.

‘પ્રભુ!’ ભાવ બૃહસ્પતિ પણ બેસતાં જ વિનયથી બોલ્યા:  ‘મને વિશ્વેશ્વરે કહ્યું, આપ આંહીં હશો. મારે ત્યાં આવવું હતું, આપના વિદ્યામંદિરમાં. મારે ત્યાં આવવું જોઈએ!’

હેમચંદ્રાચાર્ય વિશ્વેશ્વર સામે જોઈ રહ્યા. એમને કવિરાજમાં વસી રહેલો વ્યવહારકુશળ પુરુષ આકર્ષી ગયો. તેમણે સ્મિત કર્યું: ‘કવિરાજ! તમારી વાણીસુધા તો અમે આજ દિવસ સુધી ઘણી વાર અનુભવી, પણ તમારી પાસે આ છે – આવી અદ્ભુત સમાધાનસંજીવિની – એની આજે ખબર પડી. આવા મહાન મહંત આવો વિનય કરે, પછી અમારે તો  બે હાથ જ જોડવા રહ્યા! મહંતજી અમારે ત્યાં આવે એ શોભે કે અમે ત્યાં જઈએ એ શોભે? તમે કહો, કવિરાજ?’

‘પ્રભુ! હરિ ને હરના બે રૂપ એકસાથે દેખાય ત્યારે કહે છે કે ભક્તો હાથ જોડીને મૌનને વાણીનું કામ સોંપી દે છે!’

વિશ્વેશ્વરના પ્રત્યુત્તરે વાતાવરણ પ્રસન્ન થઇ ગયું: ‘હું તો તમારો બંનેનો ભક્ત છું, નથી વિદ્વાન કે કવિ!’ વિશ્વેશ્વરે ઉમેર્યું.

‘ને તમે કવિ નથી તો પછી મારું તો શું ગજું?’ રાજા બોલ્યો: ‘એટલે હું પણ મૌન જ રાખું!’

ભાવ બૃહસ્પતિ કેમ આવ્યા છે તે તો જાણીતું હતું જ. રાજાએ તેમના તરફ એક દ્રષ્ટિ કરી:

‘વાગ્ભટ્ટને મહાઅમાત્યપદે રાખ્યા છે, ધર્મમંત્રી પણ તેઓ જ બન્યા છે, મહંતજી! હમણાં તેઓ આવશે. અનુજ્ઞા આપની મળે તો પશ્ચિમ સમુદ્રને કિનારે જુગજુગ નીરખ્યા કરે એવું આ અભિનવ મંદિરનિર્માણ કરવાનું દિલ છે. રુદ્રમહારાજને મુહૂર્તનું પછી પૂછીએ, જો સૌની અનુજ્ઞા મળી જાય તો...’

રાજાનો પ્રસ્તાવ આવતાં તો વાતાવરણ એકદમ જ સ્વચ્છ બની ગયું. ભાવ બૃહસ્પતિની મુખમુદ્રા પ્રસન્નતાથી હસી ઊઠી. કવિ વિશ્વેશ્વરે તરત વાતને દોરી: ‘મહારાજ! મંદિરનિર્માણ એ જેવોતેવો પ્રસંગ નથી, એ તો પ્રજાનો એક મહોત્સવ છે! પ્રાણ રહેશે, પ્રજામાં કે જાશે એનો એ જાણે કે જીવંત લેખ છે. ત્યાં સૌ આવે – રાય-રંક, રાજા, ભગત, ભિખારી, સાધુ-સંત – સૌ પોતાનું જીવનનિર્માણ ત્યાં નિહાળે.’

‘મહારાજ!’ ભાવ બૃહસ્પતિએ હવે ભાગ લેવા માંડ્યો: ‘મેં ભારતખંડ – આખાની જાત્રા કરી છે. સોમનાથ સમુદ્રની તોલે કોઈ સમુદ્ર નથી ત્યાંની સુંદરતાની તોલે કોઈ સુંદરતા નથી. મહારાજ ભીમદેવના સમયમાં ગર્જનકો આવી ગયા. આપણને ઘા મારી ગયા. મંદિર ખંડિત થયું. ભારતવર્ષ-આખાની આજે એવી ઈચ્છા છે, મહારાજ! કે સોમનાથના પાષાણમંદિરનું ફરીને મહારાજ નિર્માણ કરે! અને એ જુગજુગ રહે!’

‘મંદિરનિર્માણ મહારાજ કરે, અને મહંતજી! એવું મંદિરનિર્માણ કરે કે. જે જુગજુગ મહારાજની કીર્તિગાથા ગાયા કરે! એની ભવ્યતાની તોલે કોઈ ભવ્યતા ન હોય – એવી રચના કરે!’ આચાર્યે કહ્યું.

એટલામાં તો વાગ્ભટ્ટ આવતો દેખાયો. સૌને આંહીં સાથે જોતાં જ એ વાત પામી ગયો. એને હમણાં જ કોંકણ-જુદ્ધના સમાચાર મળ્યા હતા. આમ્રભટ્ટનું સેન નદી પાર કરી ગયું હતું. ગયે વખતે એણે ત્યાં જ માર ખાધો હતો, એટલે એના પગલામાં જુદો જ ઉત્સાહ હતો. તેણે આવતાંવેંત બે હાથ જોડ્યા: ‘મહારાજ! ધારાવર્ષદેવજીનો સાંઢણી સવાર આવ્યો છે! ગુર્જરસેનાએ કલવિણી (કાવેરી) પાર કરી દીધી!’

‘પાર કરી દીધી?’ એકસાથે સૌ ઉત્સાહથી બોલી ઊઠ્યા.

‘હા, મહારાજ!’

‘ચાલો, ત્યારે વાગ્ભટ્ટજી! આ સમાચાર તમે શુભ આપ્યા છે.ભગવાન સોમનાથના મંદિરનું ફરીને નિર્માણ કરવાના સંકલ્પકાળે જ આ બને છે, એ પણ આપણું અહોભાગ્ય અને મહંતમહારાજ ભાવ બૃહસ્પતિજીની પણ અનુજ્ઞા છે. તમે હવે ત્યાં જાઓ અને આ કામ ઉપાડો!’

‘મહારાજ!’ વાગ્ભટ્ટે બે હાથ જોડ્યા: ‘પણ એનો શિલ્પી? શિલ્પી કોણ? એ ક્યાં?’

સૌ વિચારમાં પડી ગયા. શિલ્પી વિના મંદિર – એ તો વર વિનાની જાન જેવું હતું. વિમળ મંત્રીને મળ્યો હતો એવો ગણધર જેવો અદ્ભુત શિલ્પી ક્યાં હતો? રુદ્રમાળની અદ્ભુત રચના કરનારો પણ મરી પરવાર્યો હતો! શિલ્પી વિના મંદિરનું નિર્માણ કરે કોણ? વાત તો વાગ્ભટ્ટની સાચી હતી. ભાવ બૃહસ્પતિ પણ વિચારમાં પડી ગયા. મહારાજને પણ એ વાત પ્રથમ મહત્વની જણાઈ. 

‘એનો શિલ્પી આવશે, વાગ્ભટ્ટજી!’ હેમચંદ્રાચાર્યે કહ્યું: ‘તમે આંહીંથી સોમનાથ પ્રત્યે પ્રયાણ કરો ત્યારે ગામેગામ, નગરેનગર, સ્થળેસ્થળે ઘોષ કરાવો. “મહારાજ ગુર્જરેશ્વર સોમનાથના મંદિરનું નિર્માણ કરે છે. જેની પાસે શિલ્પસિદ્ધિ હોય તે આવે! મહારાજ રત્નરજથી એનું મૂલ્યાંકન કરશે!” અને જણા નીકળી આવશે! એમતો ગુર્જરધરા છે, બહુરત્ના વસુંધરા!

અને આટલું જ નહિ, વાગ્ભટ્ટ! આ મંદિર, ભગવાન શંકરનું, ભારતવર્ષમાં અનુપમ થવું જોઈએ.’ 

મહારાજે પોતે કહ્યું: ‘હું પોતે આજથી વ્રત લઉં છું: જ્યાં સુધી મંદિરનો કળશ ન દેખું ત્યાં સુધી મદ્ય ન લઉં. માંસ ન લઉં, મિથ્યા ભાષણ ન કરું, મિથ્યાચાર ન આચરું!’

વાગ્ભટ્ટ સાંભળી રહ્યો. તેણે આચાર્ય સામે જોયું. આચાર્યની દ્રષ્ટિ પૃથ્વી ઉપર હતી, પણ તેમાં અનેક અર્થ બેઠા હતા. વાગ્ભટ્ટ પામી ગયો. તે તરત બોલી ઊઠ્યો: ‘મહારાજની સાથે મારું પણ એ જ વ્રત હો – ભગવાન સોમનાથનો કળશ ન દેખું ત્યાં સુધી!’

‘અને મારું પણ...’ વિશ્વેશ્વરે ઉત્સાહથી કહ્યું.

રાજપુરોહિત સર્વદેવ એ વખતે આવતો દેખાયો: એની સાથે અર્ણોરાજ ને ત્રિલોચનપાલ આવી રહ્યા હતા. તેઓ આમ્રભટ્ટના યુદ્ધ-સમાચાર આપવા માટે આવતા હોય તેમ જણાતું હતું. તેમણે વાગ્ભટ્ટ પછી કવિ વિશ્વેશ્વરને સાંભળ્યા અને વાત સોમનાથ મંદિરની હોવી જોઈએ એ વગર કહ્યે તેઓ સમજી ગયા. તેઓ પણ ઉત્સાહમાં આવી ગયા. ત્યાંથી જ બોલી ઊઠ્યા:

‘અને અમારું પણ એ જ વ્રત હોય, જે મહારાજનું હો!’

‘મારું પણ...’ ત્રિલોચન બોલ્યો.

‘મારું પણ, મહારાજ!...’ અર્ણોરાજે કહ્યું.

‘મહારાજ! ભગવાન સોમનાથનાં ચરણે મારું પણ એ જ વ્રત હું મૂકું છું! કળશ ભગવાન સોમનાથનો ન દેખું ત્યાં સુધી – મદ્ય, માંસ, મિથ્યાભાષણ, મિથ્યાચાર – સધળું જ હું તજી દઉં છું. આ મારી પ્રતિજ્ઞા!’

સૌ ચમકી ગયા. પાસેના ખંડમાંથી જુવાન પ્રતાપમલ્લ આવતાં આ બોલી ગયો હતો.

‘વાગ્ભટ્ટજી!’ ભાવ બૃહસ્પતિના અંતરમાં ઉત્સાહનું મોજું આવ્યું. તેમને ખાતરી થઇ ગઈ? મહારાજ સોમનાથ ભગવાનના એક એવા મંદિરનું નિર્માણ કરવા માંગે છે કે જેવું ભવ્ય ભારતવર્ષમાં ક્યાંય ન હોય! એ  નીમિલિત નયને સ્વપ્નમાં એ ભવ્યતાને નિહાળી રહ્યો! તેણે અચાનક જ કહ્યું: ‘વાગ્ભટ્ટજી! મહાઅમાત્યરાજ! આવું મંદિરનિર્માણ એ કાંઈ જેવોતેવો પ્રસંગ નથી?’

‘મહંતમહારાજ!’ હેમચંદ્રાચાર્યે કહ્યું: ‘ભગવાન સોમનાથનું મંદિરનિર્માણ એ તો ગુર્જરદેશનું જીવનનિર્માણ છે. એ કાંઈ જેવોતેવો પ્રસંગ નથી. આ પ્રસંગ અલૌકિક છે, માટે અલૌકિક રીતે એનો મહોત્સવ માંડો!મહારાજનું વ્રત એ તમામનું વ્રત થઇ રહો – લોકસમસ્તનું, વાગ્ભટ્ટજી! આવી અલૌકિક રીતે આ પ્રસંગ લોકસ્મૃતીમાં રહી જાય એવો ઘોષ કરાવો.’

‘એ જ બરાબર છે, મહાઅમાત્યજી!’ ભાવ બૃહસ્પતિએ ઉત્સાહથી કહ્યું: ‘મારે તમને એ કહેવાનું હતું!’

‘ઘોષ કરાવો, ત્રિલોચનપાલજી!’ મહારાજે કહ્યું: ‘ભગવાન સોમનાથના મંદિરનું અભિનવ નિર્માણ થાય છે. ભાવ બૃહસ્પતિ મહારાજ જાતે એ દેખરેખ રાખીને કરાવે છે. ત્યાં સુધી સૌ મદ્ય છોડે, મિથ્યા આચાર છોડે, મિથ્યા ભાષણ છોડે. મંદિર ભગવાન સોમનાથનું પૃથ્વીમાંથી ઊઠે એટલામાં લોકો એક મંદિર હવામાં ઊભું કરી મૂકે! હવાને પવિત્ર પવિત્ર કરી દે! આ ઘોષ કરાવો.’

‘અને ત્રિલોચનપાલજી! સોમનાથના કળશદર્શન ન થાય ત્યાં સુધી મહારાજે આ વ્રત લીધું છે એ પણ પ્રજાનો દરેક જણ ભલે જાણે!’

‘વાગ્ભટ્ટજી!’ તરત આચાર્ય હેમચંદ્રાચાર્યે કહ્યું: ‘તમે આંહીંથી પ્રયાણ કરો ત્યારે ભગવાન સોમનાથ પ્રત્યેનો પ્રેમ સ્થળેસ્થળે પ્રગટ કરતાં જાઓ!’

‘અને મહારાજનું વ્રત પણ!’ ભાવ બૃહસ્પતિ બોલ્યા.

‘અને હા, મહારાજનું વ્રત પણ બરાબર છે.’ આચાર્યે કહ્યું.

તે દિવસે, સંધ્યાસમયે આખી પાટણનગરી મદ્યમાંસત્યાગનો ઘોષ સાંભળીને છક થઇ ગઈ. મહારાજની અમારિવ્રતની ઘોષણાએ કૈંકને ડોલાવી દીધા, કૈંકને હચમચાવી દીધા, કૈંકને ચમકાવી પણ દીધા.