રાજર્ષિ કુમારપાલ - 25 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજર્ષિ કુમારપાલ - 25

૨૫

મદ્યનિષેધ

મહારાજ કુમારપાલની અંતરની એક ઈચ્છા હતી – અજયપાલને પ્રેમભરેલી રીતે મેળવી લેવાની. આ પ્રયત્ન પણ એ માટે હતો. પણ બાલચંદ્ર કોઈ ને કોઈ રીતે અગ્નિને પવન આપતો રહ્યો હતો, એટલે અજયપાલ પાટણ તરફ પગ માંડે તેમ ન હતો! એને કપાળકોઢ જોઈતો ન હતો, અકાલ મૃત્યુ પણ ખપતું ન હતું! પાટણમાં એને માટે એ બે રાહ જોતાં હતાં એમ એ માનવા માંડ્યો. 

મહારાજ કુમારપાલ પોતે સિદ્ધેશ્વરના મંદિરમાં આવ્યા. જો માને તો અજયપાલને લઇ જવા માગતા હતા. એમને કાનમાં ભણકારા ક્યારના વાગી ગયા હતા. અજયપાલ એમનું કર્યું ન-કર્યું કરી નાખશે, જો રાજગાદી મળી તો. અને રાજગાદીનો વારસ એ જ હતો. પણ એથી વધુ ભયંકર વાત તો આ હતી: ‘પાટણમાં કુટુંબઘર્ષણ!’ એ થાય તો-તો થઇ રહ્યું! સાંભર આ વખતે એને રગદોળી જ નાખે. ત્યાં વિગ્રહરાજ જેવો સમર્થ જોદ્ધો હતો. અને પાટણે એના પ્રતિસ્પર્ધી જેવા સોમેશ્વરને સંગ્રહ્યા હતા. અર્ણોરાજે મહારાજને કહ્યું: ‘મહારાજ! હવે અત્યારે આ વાત વળે ચડી ગઈ છે. આપણે ફરી પ્રત્યત્ન કરીશું! અત્યારે એ પાર નહિ પડે!’ મહંતે એક જ વાત રાખી: ‘અજયપાલજી આંહીં નથી.’

‘અજયપાલ દેથળીમાં હોય કે ન હોય, પણ પોતે સિદ્ધરાજ મહારાજના ભયથી દેથળી ભાગ્યા હતા એ એમને યાદ હતું. એમને અત્યારે પિતાની પણ યાદ આવી ગઈ. દેથળીનો અજિત દુર્ગ રક્ષતાં પોતાને જીવનસમર્પણ કરવું પડશે કે શું? – એવા ભીષણ નિશ્ચયથી, શમશેર હાથમાં રાખીને દુર્ગને કાંગરેથી તેઓ પાટણની દિશા તરફ નિશ્ચયાત્મક મીટ માંડી રહ્યા હતા – ત્રિભુવનપાલની એ વીરમૂર્તી એમને યાદ આવી ગઈ! પણ ક્ષેમરાજ મહારાજ, દેવપ્રસાદ, ત્રિભુવનપાલ, પોતે – પરંપરામાં કોઈએ પાટણના સિંહાસન પ્રત્યે અપમાનજનક એક શબ્દ હજી કહ્યો ન હતો. બીજું કાંઈ નહિ તો, અજયપાલ પણ એ જ વારસો સાચવી રહે એ મહારાજની પ્રબળ ઈચ્છા હતી. નાયિકાદેવીને અજયપાલની ભલામણ કરી મહારાજે સિદ્ધેશ્વરથી પાટણ તરફ પાછું પ્રયાણ કર્યું. 

પાટણમાં તેઓ પહોંચ્યા ત્યારે રાજદરબારના મોટા ચોકમાં લોકો ભેગા થયેલા એમણે જોયા. આમ્રભટ્ટના સમાચાર ફેલાઈ ગયેલા હોય એમ જણાતું હતું. મંત્રીશ્વરનું મૃત્યુ પણ હવે પ્રગટ થઇ ગયું હોય. 

મહારાજે તરત અર્ણોરાજને બોલાવ્યો:

‘અર્ણોરાજ! પાટણમાંથી સૈન્યપ્રયાણનો ઘોષ કરાવો. આમ્રભટ્ટ સાથે જનારું બીજું સૈન્ય આજે જ ઊપડે. સોમેશ્વરજી એ સૈન્યને દોરશે. અને સોરઠવિજયનો પણ ઉત્સવ રચો! કોઈને નિરુત્સાહમાં પડવા દેતા જ નહિ!’

‘પણ મહારાજ! આ તો એક બીજી જ વિચિત્ર વાત માટે સૈનિકોનાં ને લોકનાં ટોળાં આવી રહ્યાં છે!’

‘શી છે એવી વાત?’

‘મહારાજે મદ્યનિષેધ કરાવ્યો છે. પાટણમાં કોઈ મદ્ય પીતું નથી. ગુજરાતભરમાં કોઈ પીતું નથી. મદ્યનું ખાલી વાસણ પણ કોઈને ત્યાં હવે રહ્યું નથી. પાટણ ફરતી જોજનવા કોઈને ખબર નથી કે મદ્ય કેવું હોય અને છતાં પાટણમાં એક માણસ ઉઘાડે છોગ મદ્ય પીએ છે!’

‘ઉઘાડે છોગ મદ્ય પીએ છે? કોણ મદ્ય પીએ છે? કોણ એમ રાજની આજ્ઞાનો ભંગ કરે છે? કૃષ્ણદેવનો કોઈ સગો છે?’

‘દુર્ગપતિજી જાણે છે!’ અર્ણોરાજે ત્રિલોચન સામે જોયું.

‘કોણ છે, ત્રિલોચન! મદ્ય કોણ પીએ છે – રાજઆજ્ઞા છતાં? ગમે તે હોય, જે પીએ એને ગુર્જરદેશમાંથી કાઢી મૂકો! ગુર્જરદેશમાં મદિરા નહિ, માંસ નહિ, પ્રાણીવધ નહિ. એ વાતમાં જેનો મેળ ન મળે તેને અર્બુદ-પાર કરી દ્યો! કોણ પીએ છે મદ્ય? કોણ છે એ?’

‘મહારાજ! પીનાર કોઈ સામાન્ય માણસ નથી, તેમ એ છાને ખૂણે પીતો નથી. એને કોઈનો ડર નથી, એ મદ્યને મદ્ય ગણતો નથી તેનું શું? ભગવાન શંકરને નામે એ પિનાકપાણિનો પ્રસાદ લે છે!’

‘કોની વાત છે દુર્ગપાલજી – અજયપાલની?’

‘ના, પ્રભુ! સાધુ દેવબોધની!’

‘હેં? સાધુ દેવબોધ?’ મહારાજના આશ્ચર્યનો પાર ન હતો.

‘હા, પ્રભુ! સાધુ દેવબોધ!’

મહારાજ કુમારપાલ વિચાર કરી રહ્યા. આજ્ઞાભંગ જેવો રાજની પ્રતિષ્ઠાનો વિષય એક તરફ હતો, બીજી બાજુ સાધુ દેવબોધ જેવો સર્વજ્ઞ ગણાતો સમર્થ સાધુ હતો. સોમનાથ મહંત ભાવ બૃહસ્પતિ જેવી એની પ્રતિષ્ઠા હતી. એનું કોઈ જાતનું અપમાન તો ઘડીના છઠ્ઠા ભાગમાં હવે ધર્મઘર્ષણ જ ઊભું કરી નાખે – એની એટલી પ્રબળ સત્તા હતી!

અર્ણોરાજે હાથ જોડ્યા, ‘મહારાજ! મેં તે દિવસે કહ્યું હતું, યાદ છે? આ સાધુ દેવબોધની રીતિ જ અનોખી છે. આ આજ્ઞાભંગ કરી રહ્યો છે ને પાછો એ બોલી રહ્યો છે: રાજાલોગ – સાધુકી બાતમેં ક્યા ગતાગત  હોતી હે!’

વાત તો અર્ણોરાજની સાચી હતી. એક આજ્ઞાભંગ આખા દેશને ચકરાવે ચડાવવા બસ હતો. 

મહારાજ કુમારપાલે જવાબ વાળ્યો: ‘અર્ણોરાજ! આજ સાંજે આપણે સાધુ દેવબોધ પાસે જવું છે. ત્રિલોચન, તું પણ તૈયાર રહેજે. આપણે અંધારું થયે દેવબોધને ત્યાં જઈશું. જોઈએ, એ સાધુ કેટલામાં છે!’

સંકેત પ્રમાણે સાંજે ત્રિલોચન અને અર્ણોરાજ મહારાજની સાથે ઊપડ્યા. અમને મનમાં એક ગડભાંગ થઇ રહી હતી. મહારાજ સિદ્ધરાજ જયસિંહ જેવા પ્રતાપી પુરુષને આ માણસે પોતાની પાસે જમીન ઉપર બેસાર્યા પછી તો વાત કરી હતી, જ્યારે મહારાજ કુમારપાલ માટે તો એના મનમાં વસવસો પણ હોવો જોઈએ, એટલે આ મુલાકાત કોઈ નવા ઘર્ષણને જન્મ ન આપે તો ઘણું! અર્ણોરાજની સ્મૃતિમાં તો દેવબોધે તે દિવસે અદ્ધર આકાશે લટકાવેલી પુષ્પમાળા તરતી હતી!

કુમારપાલ મહારાજના મનમાં પણ એ જ વિચાર રમી રહ્યો હોય તેમ જણાયું. ‘અર્ણોરાજ! આ દેવબોધ સાધુ એક પ્રકારની રાજવિડંબનાની હવા ઊભી કરી રહ્યો છે એ ઠીક નથી. સોમનાથના મહંતમહારાજે ને એવાએ એને ઉત્તેજન આપ્યું લાગે છે. પણ આપણે અત્યારે એને મળવું. ન માને તો એને આજ ને આજ પાટણ છોડાવી દેવું! કાં મદ્ય છોડે, કાં પાટણ છોડે.’

‘આજ ને આજ? મહારાજ! એ વખત હવે ગયો.’ અર્ણોરાજે હાથ જોડ્યા: ‘અત્યારે એમ કરવા જતાં આપણે ત્યાં ધર્મઘર્ષણનો ભડકો થશે ને નગરીને એ વીંટળાઈ વળશે. હવે તો એનો રસ્તો બીજો જ હશે!’

કુમારપાલ વિચાર કરી રહ્યો. ‘ગુરુમહારાજ એ કાઢશે, અર્ણોરાજ! તેં કહ્યું તે તદ્દન સાચું છે. આપણે ધર્મઘર્ષણ જોઈતું નથી!’

‘કુટુંબઘર્ષણમાંથી રાજ ઊગરે, પ્રભુ! પણ ધર્મઘર્ષણ તો રાજા-પ્રજા સૌને ભરખી જાય.

કુમારપાલના મનમાં અર્ણોરાજના વીરત્વભર્યા ડહાપણનું મૂલ્યાંકન હતું. અત્યારે એને એ વધારે સ્પષ્ટ જણાયું. આવો એકાદ ડાહ્યો પુરુષ પાટણમાં હશે ત્યાં સુધી તે ટકશે. અજયપાલ આની વાત માને તો સારું એ વિચાર એના મનમાં આવી ગયો. એટલામાં અર્ણોરાજે કહ્યું: ‘મહારાજ! આપણે આવી પહોંચ્યા છીએ. આ સામે જુઓ તો! દેવબોધનું ભવન જ જણાય છે!’

કુમારપાલે ત્યાં જે જોયું એનાથી એ ચકિત થઇ ગયો. ઇન્દ્રભવનની સ્પર્ધા કરતી હોય એવી અદ્ભુત મોહિની ત્યાં સાધુ દેવબોધના ભવન પાસે તેણે વિલસી રહેલી જોઈ. તેને આશ્ચર્ય થયું: આટલો બધો વૈભવ આ સાધુને ત્યાં ક્યાંથી? એને સુવર્ણસિદ્ધિ વરી છે કે શું? તેના મનમાં એક વિચાર આવી ગયો. 

મહારાજ કુમારપાલે ધીમેધીમે ભવનના હરિયાળા મેદાનમાં પ્રવેશ કર્યો.

ત્યાં ઠેકાણેઠેકાણે રસ્તા ઉપર સુંદર સ્ફટિક સમું નિર્મળ જલ વહી રહ્યું હતું. નાનાંનાનાં સુંદર સરોવરો હોય તેમ સ્થળેસ્થળે વિશાળ કુંડો શોભી રહ્યા હતા. અને તેમાં બેઠેલાં પોયણાંએ પૃથ્વીનું અમૃત જાણે પીવા માંડ્યું હોય તેમ પોતાની આંખો ખોલી નાખી હતી! આકાશી તારલાઓની હરીફાઈ કરતી સુંદર ફૂલવેલો મંડપાકારે ઢળી રહી હતી. રાજા કુમારપાલ નવાઈ પામતો હોય તેમ ત્યાંથી ચાલી રહ્યો હતો. 

કોઈ ઋષિમુનિનો આશ્રમ હોય તેમ ત્યાં સ્થળેસ્થળે, અત્યારે રાત્રિનો સમય હતો છતાં, હરિયાળી ભોં ઉપર હરણાં ને મોર ફરી રહ્યાં હતાં!

ફરીને જાણે સૂર્યોદય થયો હોય તેમ સુગંધી તૈલદીપોની સેંકડો દીપમાળાઓએ પ્રકાશને રેલંછેલ કરી મૂક્યો હતો. પાણીમાં પડતાં-પડતાં એમનાં પ્રતિબિંબોએ પૃથ્વી ઉપર એક આકાશ ઊભું કરી દીધું હતું!

અર્ણોરાજ, ત્રિલોચન, મહારાજ કુમારપાલ આ ઉદ્યાનને જોતા આગળ વધી રહ્યા હતા.

એક સ્થળે સેંકડો મનોહર નર્તિકાઓએ તમામ મુદ્રાઓને જાણે સ્થિર કરી દીધી હોય તેમ ત્રિભંગી રેખાવલિમાં, કોઈ જૂના ગ્રંથસ્થ નૃત્યશાસ્ત્રને પથ્થરની કાવ્યપંક્તિમાં આખેઆખું ઉતારી લીધું હતું. તો બીજે સ્થળે આરસની અદ્ભુત કૃતિઓએ રસશાસ્ત્રની મીમાંસા રચી દીધી હતી. કોઈકે શૃંગારરસની અત્યુત્તમ પળને કાવ્યવાણી આપી હતી, તો બીજી પ્રતિમાએ ભારતના ઇતિહાસની એકાદ વિરલ પળને ત્યાં સ્થિર કરી હતી.

કલ્પના, રસ,શૃંગાર, નૃત્ય – માનવજીવનની તમામ રમ્ય મોહકતાને સાધુ દેવબોધે જાણે આ સ્થળમાં શાંત સ્વપ્નસ્થ નિંદ્રા આપી દીધી હોય તેમ જ્યાં નજર ફરે ત્યાં કોઈ ને કોઈ સુંદર રૂપ અનુપમ છટાથી જાત પ્રગટ કરતું ત્યાં સામે ઊભું જ હોય? મહારાજ કુમારપાલને પણ નવાઈ લાગી. દેવબોધનું ભવન આવું છે એ કલ્પના તો એમને પણ ન હતી. ‘આવું ભવન? આ તે સાધુ કે શ્રીમંત? આટલો બધો વૈભવ એ કાઢે છે ક્યાંથી? એમના મનમાં ફરી-ફરીને એ પ્રશ્ન ઊઠતો જ રહ્યો અને સુવર્ણસિદ્ધિથી જગતને અનૃણી કરવાની એમની મહત્વાકાંક્ષાને ઉત્તેજતો રહ્યો.

‘અર્ણોરાજ!’ એમણે ધીમેથી કહ્યું: ‘આ સાધુની સિદ્ધિ આપણે તે દિવસે નિહાળી હતી. તને શું લાગે છે – આને સુવર્ણસિદ્ધિ તો નહિ વરી હોય?’

‘મહારાજ! મને પણ એમ જ લાગે છે!’ અર્ણોરાજ બોલ્યો: ‘તે વિના આટલી સમૃદ્ધિ ક્યાંથી? આંહીં તો બધું જ અદ્ભુત છે!’

ત્રિલોચને ધીમેથી કહ્યું: ‘એવું નથી મહારાજ!’

‘તો પછી આને ઐન્દ્રજાલિક રચના સમજવી, ત્રિલોચન?’

‘એમ પણ નથી, પ્રભુ!’ ત્રિલોચન બોલ્યો: ‘પણ મેં એમ સાંભળ્યું છે કે આભડ શ્રેષ્ઠીને આને ગમે તે બતાવ્યું હોય – આંબાઆંબલી, ગમે તે – પણ કોટીકોટી દ્રમ્મ શ્રેષ્ઠી આને મોકલી દે છે, માગે એટલી વાર! ને સાધુ પણ કનકનો પ્રવાહ વહેવરાવે છે!’

‘પણ શ્રેષ્ઠી – તેં કહ્યું તેમ – દ્રમ્મ મોકલી દે છે, એમ? શું કરવા?’

‘વાપરવા માટે, મહારાજ! પછી કારણ ગમે તે હોય!’

આ વસ્તુ વળી નવીનવાઈની લાગી. કુમારપાલ મહારાજને એનું રહસ્ય જાણવાની તાલાવેલી થઇ. પણ એટલામાં દેવબોધના ભવનનું મુખ્ય દ્વાર દેખાયું. લાલ કસુંબલ પથ્થરને સોનેરી રસે રસી દીધો હોય તેવી સેંકડો સ્તંભોની અનુપમ પંક્તિઓ ત્યાં જોતાં સૌ બે પળ થોભી ગયા. ઉદ્યાન અદ્ભુત હતું, પણ આ અનન્ય હતું!

આગલા એકાદ સ્તંભ પાસે બેચાર સાધુઓ બેઠેલા જણાયા. એમણે મહારાજને પગપાળા આવતા દીઠા. એમને પણ નવાઈ લાગી. કુમારપાલ મહારાજ કોઈ દિવસ આંહીં આવ્યા હોય એમ એમની જાણમાં ન હતું એટલે અત્યારે એમને આંહીં અચાનક આવેલા જોઇને એક જણો એકદમ દોડતો-દોડતો અંદર ખબર કરવા ગયો. 

પળ-બે-પળમાં જ એ પાછો દેખાયો: ‘મહારાજ!’ તેણે હાથ જોડ્યા. ‘આપની જ રાહ જોવાય છે!’

કુમારપાલને આશ્ચર્ય થયું. તેણે અર્ણોરાજ સામે જોયું: ‘આપણે આવવાના સમાચાર આંહીં વહેલા પહોંચી ગયા લાગે છે, આનક!’ આનકને પણ એ સમજાયું નહિ. મહારાજ આંહીં તદ્દન છાની રીતે જ આવ્યા હતા. સાધુના કોઈ માણસે રાજભવનમાંથી સીધી ખબર મોકલી હોય તો જ એ બને! અર્ણોરાજને એ એકદમ સમજાયું નહિ. એણે જોયું કે રાજભવનમાંથી કોઈ વાત  બહાર જતી લાગે છે! તેણે સાવચેત રહેવાની ગાંઠ વાળી લીધી. એવામાં મહારાજ કુમારપાલે અંદરના ભવનમાં પ્રવેશ કર્યો.

અંદરની શોભા પણ એવી જ હતી. ઇન્દ્રભવનની શોભા ત્યાં ખડી હતી. પણ આંહીં વળી એક વધુ આશ્ચર્ય હતું. કોઈક ઠેકાણેથી એવો પરિમલ આવી રહ્યો હતો કે એ અલૌકિક લાગે, તો બીજે સ્થળે કોઈ દેખાતું ન હતું, છતાં રમ્ય પદાવલિ સંભળાય એ અલૌકિક લાગે. વાતાવરણમાંથી સમજી કાંઈ ન શકાય, કેવળ અનુભવનો આનંદ જ મળે!

કુમારપાલે મહારાજ મૂલરાજના સમયમાં એક કંથડીનાથ વિશે વાત સાંભળી હતી. તેમની પાસે અદ્ભુત સિદ્ધિ હતી એમ કહેવાતું. આ સાધુ પણ એવો જ અદ્ભુત સિદ્ધિનો કોઈ જ્ઞાતા તો નહિ હોય? તે વિના આ ક્યાંથી? મહારાજનું મન વધારે ઊંડા વિચારમાં પડી ગયું.

એટલામાં તો સામે જ આવી રહેલા વિશાળ ખંડમાં એમની દ્રષ્ટિ પડી. એક અદ્ભુત કારીગરીવાળા સોનેરી સિંહાસન ઉપર એમની નજર ગઈ. ત્યાં ખંડમાં ચારે તરફ નર્તિકાઓ શાંત રીતે ઊભી રહેલી માલૂમ પડી. 

એક તરફ કેટલાંક ભાવિક જનો ને સાધુઓ બેઠા હતા. ત્યાં સિંહાસન ઉપર જ વચ્ચોવચ બીજી તરફ વિદ્વાનો પણ હતા. કોઈકોઈ શંકરભક્ત સામંતો પણ દેખાતા હતા.

હિમાદ્રીશ્રુંગમાંથી કોતરેલી કોઈ ભવ્ય મૂર્તિ હોય તેવો દેવબોધ ત્યાં બેઠેલો રાજાની નજરે પડ્યો. એનો એક પણ રેશમી ગાદી ઉપર લંબાયેલો હતો, તો બીજા પગનાં ગોઠણને અઠંગીને એનો એક હાથ આસાનીથી લટકી રહ્યો હતો. કોઈ યોગાસન કે ધ્યાનાવસ્થાની જરૂર ન હોય તેમ એ પોતા તાનમાં મસ્ત જણાતો હતો. તેણે રાજાને જોતાં જ આવકાર આવ્યો: ‘આઇએ-આઇએ કુમારપાલજી! આઇએ! તુમ તો, ભૈયા, બડા જોગી હો ગયા, ઔર તૈં તો ઐસા હી રહ ગયા. આઇએ-આઇએ!’ રાજા આગળ વધ્યો. તેણે બે હાથ જોડ્યા, એક તરફ એ ત્યાં બેસી ગયો. એટલામાં દેવબોધના હાથમાં એક સાધુએ કનકનો નાનો અદ્ભુત કુંભાકારનો કલશ આપ્યો. દેવબોધ એની સામે જોઈ રહ્યો: ‘ભારથીજી! ક્યા હૈ? મદ્ય યા શંકરવિજયા? કુછ બોલો!’

‘મહારાજ! આ તો મદ્ય છે!’ સાધુએ માથું નમાવ્યું.

‘તબ તો અચ્છા. કનકકુંભ ઇસકે લિયે બરાબર હૈ. વિજયા કે લિયે કભી કનકકુંભ મત લાના, સમજ ગયે?’

‘પ્રભુ!’

‘મહારાજ કે લિયે ભી લાના, ભારથીજી! યે આસવ, મહારાજ! કુછ સો સાલ જૂનાપુરાણા હૈ. મેરે જૈસા ખોખડધજ હો ગયા હૈ!’ દેવબોધ મીઠું હસ્યો: ‘ખાસ હમારે જૈસે કે લિયે – લીલા વૈદ્ય કે પૌત્ર હૈ નાં, ઉસને રખ્ખા થા. વો બિચારા પિછલી સાલ ચલ બસા.’

અર્ણોરાજ ત્યાં મહારાજની પાછળ બેઠો હતો તે તલપાપડ થઇ રહ્યો હતો. એને આ સ્થિતિ અસહ્ય જણાતી હતી. તેણે મક્કમ અવાજે પાછળથી કહ્યું: ‘સંન્યાસીજી! મહારાજ અત્યારે રાજપાટીમાં નીકળ્યા છે – આપની પાસે કોઈ વાત જાણવા. એમની ઈચ્છા આપને એકાંતે મળવાની છે!’

‘ઐસા? તબ તો... ભારથીજી!...’ દેવબોધનો ગોઠણ ઉપરનો એક  હાથ જરાક હાલતો જણાયો ને તમામ નમન કરતાં બહાર નીકળ્યા. શાંત સ્થિર ઊભી રહેલી નર્તિકાઓ પણ પાણીમાં અપ્સરા સરે તેમ ત્યાંથી સરી ગયેલી દેખાઈ. 

અને તરત જ ચારે તરફથી આવી રહેલા સેંકડો કનકકિંકીણીઓના મોહક રમ્ય અવાજે મહારાજનું ધ્યાન ખેંચ્યું.

ભવનને ખૂણેખૂણે ઊભેલી દીપબાલાની નૃત્યપ્રતિમાઓ, જાણે અચાનક સંચાલન પામી હોય તેમ, ચક્કર-ચક્કર નૃત્ય-અભિનયના સંવાદી મેળમાં પોતપોતાની માંડણીમાં ફરી રહી હતી! અને તેમનો તાલ દેતો હાથ એક પળે કનક-કિંકીણીઓનો મંજુલ રવ આપતો હતો, તો બીજી પળે દીપમાં સુગંધી તૈલનું સિંચન કરી રહ્યો હતો! રાજા તો આ દીપબાલાઓની અદ્ભુત કરામત જોઈ જ રહ્યા! એમનું નૃત્ય તાલબદ્ધ હતું. એમનું ફરવું મેળમાં હતું. એમનું તૈલસિંચન નિયમિત હતું. આટલી બધી કરામત કરનારો શિલ્પી ક્યાંનો હોઈ શકે એમ રાજા વિચાર કરે છે ત્યાં દેવબોધ જ બોલ્યો: ‘મહારાજ! યે સબ તો કુછ નહિ, મૈને બારાણસી – કાન્યકુબ્જમેં એક સહસ્ત્ર લક્કડકી દીપબાલા દેખી થી. ક્યા કરામત! આરસ ભિ ઇસકે સામને લોહ જૈસા લગે! લિજીએ, મહારાજ!... દેવબોધે મદ્યભરેલો કનકકલશ મહારાજની સામે ધર્યો.

‘પ્રભુ!’ કુમારપાલે દ્રઢ શાંત અવાજે કહ્યું: ‘પાટણનગરીમાં મદ્યપાન બંધ છે. તમારે પણ બંધ કરવું પડશે, નહિતર દેશ છોડવો પડે. મારે છોડવો પડે ને હું કરું...તો! હું એટલા માટે આવ્યો છું!’

સામેથી એક મોટું અટ્ટહાસ્ય સંભળાયું – નાનકડું છોકરું કાંઈ કાલુંઘેલું બોલી જાય ને મોટો માણસ હસી કાઢે એવું. અર્ણોરાજને દેવબોધનો આ ગર્વભરેલો અવિનય હવે ખૂંચી ગયો. તેણે તરત જ કહ્યું: ‘મહારાજ દેવબોધજી! યહ કાન્યકુબ્જ નહિ, યહ ગુજરાત હૈ!’

સાધુની મીઠાશ લુપ્ત થઇ ગઈ. ગર્વભરી વાણીમાં પ્રત્યુત્તર આવ્યો:

‘અર્ણોરાજજી! ક્યા યે બાત મુઝે માલૂમ નહિ કિ યહ ગુજરાત હૈ – ડાંગર કા મુલક હૈ? લોક ભી ચાવલ કે અપૂપ બનાકે ખાનેવાલે હૈ – યહ મૈ ખૂબખૂબ જાનતા હૂં. ઇધર કાન્યકુબ્જ કા આનંદ-રંગ કિસ તરહસે આ સકતા હૈ? ઉધર કાન્યકુબ્જ મેં પંડિત બડે, જોદ્ધા ભી બડે, રાજા ભી બડે, લોક ભી બડે, ઉધર સબ સૃષ્ટિ બડી!’

અરે! વહાંકી ક્યા બાત? ઉધર સ્ત્રીલોગ – વે બી સ્વર્ગકી અપ્સરા દેખ લો! વે ભી બડી! જુદ્ધવિશારદ ભી વૈસી! વો દેશકે સાઠ ઇધર કી તુલના કરનેસે ફાયદા ક્યા? અચ્છા, તો આપલોગ મત લિજિયે!’

‘મહારાજજી!’ કુમારપાલનો અવાજ વધારે દ્રઢ થયો: ‘પાટણમાં રાજઆજ્ઞાથી મદ્યપાનનો નિષેધ છે. મદ્યઘર કોઈનાથી રાખી શકાતું નથી. મદ્ય કોઈ પી પણ શકતું નથી. મદ્યનું નામ આંહીં લઇ શકાતું નથી. હું તમને એ જણાવવા માટે જાતે આવ્યો છું!’

‘અચ્છા? ઐસા?’ દેવબોધના અવાજમાં એ જ ગર્વ હતો.

‘તો મહારાજજી! આજથી જ આ મદ્યપાન આપ છોડો!’

‘મદ્ય કી બાત ન્યારી હૈ, રાજાજી! જો લોગ મદ્યકુ મદ્ય માનતે હૈ, ઉનકે લિયે વો મદ્ય હૈ. જો લોગ મદ્યકુ મદ્ય માનતે હી નહિ, ઉનકે લિયે વો કુછ નહિ હૈ.’

‘આપ સાધુ કે લિયે વો ક્યા હૈ?’ કુમારપાલનો અવાજ શાંત, ધીમો પણ દ્રઢ અને વજ્ર જેવો બળવાન થઇ ગયો. દેવબોધ એની કંઈ દરકાર કર્યા વિના જ બોલતો હોય તેમ બોલી રહ્યો: ‘હમારે લિયે તો, મહારાજ! મદ્ય કી કોઈ બાત નહિ હૈ! હમારે લિયે કોઈ પદાર્થ, પદાર્થ નહિ હોતે, તો મદ્ય કિસ તરહસે મદ્ય હો સકતા? હમ તો યે સંસાર મેં કોઈ પદાર્થ કુ દેખતે ભી નહિ! હમારે લિયે તો સભી જગામેં મન દિખાઈ દેતા હૈ: પદાર્થ નહિ. હમારી નજર મેં કોઈ પદાર્થ કા અસ્તિત્વ હિ નહિ, સભી જગે પર મન બૈઠા હૈ, પદાર્થ નહિ!’

કુમારપાલે કાંઈક વેગથી પૂછ્યું: ‘તો આ કનકકુંભમાં મદ્ય નથી?’

‘હૈ – ક્યૂં નહિ? જો માનતે હૈ ઉનકે લિયે હૈ...!’

‘તો આપ ઉસકુ મદ્ય નહિ માનતે?’

દેવબોધે અત્યંત શાંતિથી રાજા સામે થોડી વાર જોયું. પછી તેણે શાંત દ્રઢ પ્રત્યુતર વાળ્યો: ‘ના.’

‘તો તમારે માટે શું એ દૂધ છે?’ રાજાનો અવાજ જરાક ગુસ્સાથી ધ્રુજતો હોય તેઓ અર્ણોરાજને જણાયો. એને ભય પેઠો: ધર્મઘર્ષણ આંહીંથી જ ઊભું થઇ જાશે. એટલામાં દેવબોધની વાણીનો એનો એ ગર્વભર્યો ટંકારવ એને સંભળાયો:

‘મહારાજ! દૂધ ભી હૈ ઔર અમૃત ભી હૈ! મદ્ય ભી હૈ. ઔર કુછ ભી નહિ હૈ!’

‘મદ્ય પણ હોય ને દૂધ પણ હોય – બધું એકસાથે એ નવાઈની વાત સાંભળી! પ્રભુ! લાવો, મહારાજ! મને એ કળશ આપો. બધું એકસાથે એમાં હોય એ મારી બુદ્ધિમાં ઊતરતું નથી!’

દેવબોધ કુમારપાલ સામે જરાક સ્થિર દ્રષ્ટિથી જોઈ રહ્યો. તેના અવાજમાં એક પ્રકારની મીઠાશ આવી ગઈ: ‘મહારાજ આપ તો બાલક જૈસે માલૂમ હોતે હો. આપકી વાત હિ બાલક જૈસી હૈ... દેખના હૈ... અચ્છા...’

દેવબોધે ત્વરાથી કલશમાં એક જરાક આંગળી ફેરવી દીધી: ‘તબ તો મહારાજ! દેખ લો...’ અને તેણે મહારાજ કુમારપાલની સામે જ સોનેરી કળશ ધરી દીધો: ‘દેખિએ, રાજાજી!’

મહારાજ કુમારપાલે એકદમ કનકકળશમાં નજર કરી. તેઓ વિસ્મિત અને સ્તબ્ધ થઇ ગયા. 

કનકકળશમાં શુભ્ર ચાંદની જેવું ધોળું દૂધ હતું!

રાજાના મોંમાંથી શબ્દ નીકળી ગયો: ‘અરે!...’