રાજર્ષિ કુમારપાલ - 24 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજર્ષિ કુમારપાલ - 24

૨૪

ફરીને રણઘોષ

વાગ્ભટ્ટ સાથે સૌ આમ્રભટ્ટની સેનાના પડાવ તરફ ચાલ્યા. એટલામાં તો આમ્રભટ્ટ અને મહારાજ કુમારપાલ બંને વસ્ત્રઘર તરફથી આ બાજુ આવતા દેખાયા. શાંત, ધીમી, પ્રોત્સાહક વાણીથી મહારાજ એની સાથે કંઈક વાતો કરી રહ્યા હોય તેવું જણાયું. 

કાકભટ્ટને આગળ કરીને મહારાજની દ્રષ્ટિ પડે એટલે દૂર સૌ ઊભા રહ્યા.

પણ મહારાજે તેમને નિશાની કરીને ત્યાં બોલાવ્યા. આમ્રભટ્ટ, વાગ્ભટ્ટને જોતાં જ, કાંઈક લજ્જાસ્પદ રીતે જમીન ભણી જોઈ રહ્યો. એણે એને કોંકણ-ચઢાઈનું પદ લેવાના સાહસ માટે વાર્યો હતો તે તેને યાદ આવ્યું.

‘આંબડ!...’ વાગ્ભટ્ટ અચાનક બોલ્યો: ‘આ કાકભટ્ટ સોરઠથી આવ્યા છે. એમણે વાત કરી ને હું તો છક થઇ ગયો છું. તારું પણ ધનભાગ્ય છે કે અક્સ્માતથી જ તારાથી પિતાની અંતિમ ઈચ્છાને માન અપાઈ ગયું છે. પિતાની ઈચ્છાને માન આપવાની તને જાણે કે પ્રેરણા ઊગી નીકળી, આંબડ! પણ હવે એ શોક જવા દો!’

મહારાજ કુમારપાલ સાંભળી રહ્યા. વાગ્ભટ્ટે આંબડને મંત્રીશ્વરના સમાચાર માટે તૈયાર ધરીને અચાનક જ કહી દીધું હતું. એ કહેવાઈ રહ્યું એટલે તો મહારાજને પણ લાગ્યું કે આમ કહેવાઈ ગયું તે ઠીક થયું છે. પણ આમ્રભટ્ટ આભો બની ગયો હતો. તે વ્યાકુળ થઇ ગયો: ‘મોટા ભાઈ! તમે શું કહ્યું? પિતાજીની અંતિમ ઈચ્છા? અંતિમ? પિતાજી...!’

વાગ્ભટ્ટે જવાબ વાળ્યો: ‘આ વીરણાગજી નાયક રહ્યા. તેઓ કહેશે. પિતાજીએ અંતિમ કાળે સાધુનું દર્શન ઈચ્છ્યું હતું. કાક ભટ્ટરાજે એ વાત કરી. પણ ત્યાં સાધુ ક્યાંથી? એટલે આ નાયક વીરણાગજી સાધુ બન્યા!’

‘પણ મોટા ભાઈ! તમે કહો છો શું? પિતાજી!...’

‘પિતાજીએ તો, આંબડ! અનેકને રણમાં રગદોળ્યા. જીવન તો ઘણા જીવી જાય છે, પણ મૃત્યુ તો કોઈક જ. પિતાજી મૃત્યુ જીવી ગયા – ત્યાં સોરઠની રણભૂમિમાં. કેમ, વીરણાગજી મહારાજ?’

વીરણાગજીએ ધીમા શાંત સ્વરે કહ્યું:

‘મંત્રીશ્વરની મુખમુદ્રામાં જે શાંતિ હતી, આમ્રભટ્ટજી! એ શાંતિ કાં સાધુને મળે, કાં વીર જોદ્ધાને! મંત્રીશ્વર બંને હતા! અને બંનેમાં અદ્ભુત હતા! એવા પુરુષના નામે લેશ પણ શોક ન હોય! એમનો તો ઉત્સવ હોય.’

‘વધુ કાકભટ્ટ કહેશે, આંબડ! પિતાજીએ તને એક મહાન કામ સોંપ્યું છે!’

‘આમ્રભટ્ટજી!’ કાકભટ્ટે કહ્યું: ‘ભૃગુકચ્છમાં શકુનિકાવિહાર કરવાનું મંત્રીશ્વરે તમને સોંપ્યું છે; વિમલાચલનો ઉદ્ધાર મંત્રીરાજ વાગ્ભટ્ટને!’

‘અને ત્યારે મને શું સોંપ્યું છે, કાકભટ્ટ?’ મહારાજ કુમારપાલની સ્વજન સમી વાણી આવતાં આમ્રભટ્ટ ને વાગ્ભટ્ટ બંને હાથ જોડીને નમી રહ્યા: ‘તમને મહારાજ! આ આંબડની સોંપણી કરી છે!’ વાગ્ભટ્ટે કહ્યું.

‘આમ્રભટ્ટ તો, વાગ્ભટ્ટજી! આવતી કાલે પાછો રણઘોષ કરાવશે! એની પાસે વરસો મંત્રીશ્વરનો છે. ધારાવર્ષજી આવી રહ્યા છે; તે એમની સાથે જશે. સોમેશ્વરજી પણ જવાનાં અને રણદુંદુભિ પાછાં વાગશે. મુખ્ય સેનાપતિપદે આમ્રભટ્ટ પાછો ફરીને જાશે ને વિજય મેળવીને આવશે. આ સમો શોકનો નથી, મહા આનંદનો છે.’

‘મહારાજ! ત્યારે મારે પણ આંબડને એ જ કહેવાનું હતું. આ વેશ ને આ પટ્ટકુટિ તો કોઈ દુશ્મનદેશના ગુપ્તચરને જાહેરાત કરી દે, ગાંડાભાઈ! કે આપણે હાર્યા જ નથી, હારી ગયા છીએ. આ બધું આજ ને આજ સંકેલો. પિતાજીના શોકને પણ તજી દો. એમનો શોક? એંશીએ રણશય્યામાં તો મહાભારતી જમાનાના વીર પુરુષો સૂતા. રણઘોષની આજ્ઞા આપો, સેનાપતિજી! ખબર છે, મહારાજ વલ્લભરાજનું અચાનક મૃત્યુ છુપાવીને દુર્લભરાજ મહારાજ જ્યારે રણક્ષેત્રમાંથી સૈન્યને વિજયભરેલી રીતે પાછું પાટણ લાવે છે, એ પ્રસંગ પેલો વૃદ્ધ બારોટ આપણને કહેતો ત્યારે પિતાજી તારે વાંસે હાથ ફેરવીને બોલતા: “આંબડ! ભાઈ! આ વાત તું ફરી-ફરીને સાંભળજે હો!” એ શા માટે? એ પુણ્યાત્માને ખબર હતી કે એ જ પ્રમાણે મને પણ મૃત્યુ તો એક દિવસ રણક્ષેત્રમાં જ મળવાનું છે. આપણને સૌને એ ભાગ્ય મળે, આંબડ! મહારાજના સાંનિધ્યમાં સૌ એ ઈચ્છી રહ્યા છે!’

અત્યાર સુધી પ્રશાંત ઊભેલા વીરણાગજી નાયક તરફ મહારાજનું ધ્યાન હવે ગયું. તેમણે બે હાથ જોડ્યા. ‘સાધુમહારાજ! તમારે શું છે? કાક ભટ્ટરાજ! આમને શું છે કે તમારી સાથે આવ્યા છે?’

‘વાગ્ભટ્ટ કહેશે, પ્રભુ!’

વાગ્ભટ્ટે કાકભટ્ટે કહી હતી તે વાત મહારાજને કહી, પણ એ વાત પૂરી થતાં મંત્રીશ્વરની અવિચળ શ્રદ્ધાએ સૌનાં મસ્તક નમાવી દીધાં! એટલામાં તો વીરણાગજીએ કહ્યું: ‘મહારાજ! મેં મંત્રીશ્વરને મૃત્યુનો મહોત્સવ માણતા જોયા છે. મારે પણ એ મહોત્સવ માણવો છે.’

‘પણ સાધુમહારાજ! આપનાં સ્ત્રી-પુત્ર અમને શું કહે?’ કાકભટ્ટે કહ્યું.

‘ભટ્ટરાજ! તમે દરરોજ રણક્ષેત્રમાં જાઓ છો, મૃત્યુ ત્યાં અનિવાર્ય છે, છતાં સૌએ એ વિશે સમાધાન નથી મેળવી લીધું?’

બધા અનુત્તર થઇ ગયા હતા. 

‘મહારાજ!’ વીરણાગજીની શાંત વાણી આવી: ‘મૃત્યુની મહત્તા જાણ્યા પછી જો હું જીવન જેવા ક્ષુલ્લક પદાર્થને વળગી રહું, તો આ વેશ ધર્યો ન ધર્યો. અનશનવ્રત કરીને એકદમ નહિ, મૃત્યુને હંમેશાં અભિનંદતા-અભિનંદતા મારે એ મહાન પળને પ્રત્યક્ષ જોવી છે. મને શું કરવા હવે રોકો છો?’

મહારાજ કુમારપાલ પોતે બે હાથ જોડીને વીરણાગજીને નમી રહ્યા: ‘મહારાજ! કોઈ દિશા આપને રોકવા સમર્થ નથી. આપના ઈચ્છિત પંથે સુખેથી વિચરો. અમે દર્શનનો લાભ લીધો અને પાછા પણ લઈશું!’

કોઈ મેઘબિંદુ મહાસાગરને મળવા જતું હોય એવી પ્રેમભરી ઉત્સુકતા અનશનવ્રતને ભેટવા જતા આ સાધુમાં પ્રગટેલી જોઇને સૌ દંગ થઇ ગયા.

 થોડી વાર પછી વીરણાગજી ત્યાંથી ધીમેધીમે ચાલી નીકળ્યો.

‘આમ્રભટ્ટજી!’ મહારાજે તરત જ કહ્યું: ‘તમે પણ કોંકણવિજય કરીને આવો એટલે ભૃગુકચ્છમાં તમારે શુકુનિકાવિહાર રચવાનો છે – ને એ પ્રસંગે જાઓ, મારું વચન છે, મારે ત્યાં આવવું છે!’

‘જય હો મહારાજ ગુર્જરેશ્વરનો!’ સૌથી એકસાથે બોલાઈ ગયું.