રાજર્ષિ કુમારપાલ - 22 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજર્ષિ કુમારપાલ - 22

૨૨

આમ્રભટ્ટનો પરાજય

અર્ણોરાજ પાછો ફર્યો. ત્રિલોચન આતુરતાથી એની રાહ જોઈ રહેલો લાગ્યો. દુર્ગપતિ બહુ અણનમ ગણાતો. અજયપાલજીને પ્રભાતમાં પાટણમાં દાખલ કરી દેવાનું મહારાજે સોંપેલું કામ પાર ઉતારવાને એ ઘણો ઉત્સુક જણાતો હતો, પણ અર્ણોરાજને એ કામમાં રહેલું ઘર્ષણ હવે ધ્રુજાવી રહ્યું હતું. 

‘કેમ, વાઘેલાજી! શું હતું? ત્યાં મળ્યા અજયપાલજી મહારાજ?’ ત્રિલોચને ઉતાવળે પૂછ્યું. અર્ણોરાજે વિચાર કર્યો. અજયપાલનું ઘર્ષણ ઊભું કરવામાં પાટણનું સ્પષ્ટ અહિત રહ્યું હતું. તેણે પ્રત્યુતર આપ્યો: ‘આપણે ત્રિલોચનપાલજી! એકદમ હવે પાટણ પહોંચી જઈએ. મહારાજને સમાચાર આપીએ. આંહીં તો ભારે થઇ છે!’

‘કેમ, શું છે?’

‘આમ્રભટ્ટજી આવ્યા જણાય છે.’ તે પાસે આવીને ધીમેથી બોલ્યો.

‘ખરેખર? કેમ જાણ્યું?’

‘એમની રણસેના ત્યાં મુકામ નાખીને પડી ગઈ છે, પણ...’ તે ત્રિલોચનની છેક પાસે આવ્યો, તેના ખભા ઉપર હાથ મૂક્યો, કાનમાં બોલ્યો: ‘દુર્ગપાલજી! આમ્રભટ્ટ ભારે પરાજય લઈને આવ્યા લાગે છે. કાળાં વસ્ત્રોનું આખું નગર ત્યાં વસી ગયું લાગે છે!’

ત્રિલોચનને નવાઈ લાગી: ‘શું કહો છો?’

‘સાચું જ કહું છું! આપણે સત્વર પાછા જઈને મહારાજને આ સમાચાર આમ્રભટ્ટનો સ્વભાવ હું જાણું છું. તેઓ પાટણમાં પ્રવેશ નહિ કરે! એમને ઘણું લાગ્યું હશે!’

અર્ણોરાજના આ સમાચારે દુર્ગપતિને પણ વિચારમાં નાખી દીધો. તે જેમ અણનમ હતો તેમ ડાહ્યો પણ હતો. અર્ણોરાજના  મનને એ કળી ગયો. અજયપાલજી આંહીંથી હવે પાટણ લઇ જવા એ વાત ઘણી મુશ્કેલ હોવી જોઈએ, એટલે અર્ણોરાજ પાછા ફરવાની વાત કરી રહ્યો હતો. 

‘પણ મહારાજ અજયપાલજી? તેઓ આંહીં નથી, વાઘેલાજી? કે પછી મળ્યા જ નહિ? શું કહ્યું યુવરાજ્ઞીબાએ?’

‘બીજું શું કહેવાનું હતું? મેં તમને કહ્યું તે. ત્યાં ઝરૂખામાંથી પાછળના જંગલમાં પડેલું પાટણનું સેન દેખાય છે. અત્યારે તો એના કોઈકોઈ આછા દીવા જણાઈ રહ્યા હતા. પણ આમ્રભટ્ટ ત્યાં પાછળના ભાગમાં પડ્યા છે. યુવરાજ્ઞીબાએ એ  કહ્યું. આખું સેન શ્યામ વસ્ત્રો નીચે જાણે છુપાઈ ગયું છે! એટલે કહું છું, આપણે ઊપડીએ. મહારાજ અજયપાલજી આંહીં જણાતાં નથી!’

‘દેથળી ગયા છે?’

‘આપણે એમ જ માનવું રહ્યું, ત્રિલોચનપાલજી!’

‘પણ તો આપણે તપાસ કરીએ!’

‘ત્રિલોચનપાલજી! મને એમાં કાંઈ સાર જણાતો નથી. આ તરફ આમ્રભટ્ટ પરાજય કરીને આવેલ છે, એવે વખતે અજયપાલનું મન દૂભવવાનું આ પગલું ઠીક નથી. આપણે મહારાજને પણ એ જ કહેવાનું છે. આમાંથી કુટુંબઘર્ષણ ઊભું થાય અને આપણે કારણરૂપ બનીએ. નાયિકાદેવીને જોયાં તમે? તેઓ સમજે તો એમની મેળે સમજે. એ વખત પણ આવી જશે, ભગવાન સોમનાથની કૃપા તો બાકી એમને નમાવવાની વાતમાં શો માલ છે?’

ત્રિલોચન વિચારમાં પડી ગયો.મહંતના મંદિરમાં અજયપાલ હોય તોપણ હાથ લાગે નહિ. પરાણે એમને લઇ જવાનો કોઈ જ અર્થ પણ ન હતો. કુમારપાલ મહારાજની રાજનીતિના કોઈ જ સિદ્ધાંત સાથે જ્યાં અજયપાલનો મેળ નથી ત્યાં મહારાજ નમતું પણ કેટલુંક આપી શકશે? મહારાજની ઈચ્છા એને સત્તા આપવાની થઇ હશે, પણ જ્યાં મનમેળ નથી ત્યાં આ વસ્તુ ઘર્ષણ જ ઊભું કરશે! એને અર્ણોરાજનું કહેવું વાજબી લાગ્યું. તેણે કહ્યું: ‘વાઘેલાજી! તો આપણે વહેલા પરોઢમાં જ ઊપડી જઈએ. આમ્રભટ્ટના સેનની પણ ભાળ કાઢી લઈએ, મહારાજને આ વાત આપણે વહેલી જ ટકે આપી દેવી જોઈએ.’

‘હું પણ એ  કહું છું. બે ઘડી ત્યાં અતિથીશાળામાં આડે પડખે થઈશું ત્યાં પરોઢ થશે. ચાલો...’

બંને જણા અતિથીશાળા તરફ જવા ઊપડ્યા. એક મશાલચીએ માર્ગ દેખાડ્યો. 

વહેલા પ્રભાતે જરાજરા અજવાળું થતાં તો તેઓ તૈયાર થઇ ગયા. એમને હવે ત્વરાથી પાટણ પહોંચી જવું હતું. આમ્રભટ્ટનું સેન પડ્યું હતું તે જગ્યા જોવા માટે જરા ચકરાવો લેવો પડે તેમ હતું. 

હજી જરા અજવાળું થતું આવતું હતું; પણ જંગલના આ ભાગમાં કોઈની અવરજવર હતી જ નહિ. એક ઝાડ નીચે ઘોડાં ઊભાં રાખીને તેઓ આમ્રભટ્ટનું સેન નીરખવા આગળ વધ્યા.

આમ્રભટ્ટનું વસ્ત્રઘર (તંબુ) એમને સ્પષ્ટ દેખાતું હતું. કજ્જ્લ-શ્યામ રંગમાં એની આસપાસ નાનીનાની કાળી પટ્ટકુટિઓ આવી રહી હતી. અર્ણોરાજ ને ત્રિલોચન આ દ્રશ્યને આશ્ચર્યથી જોઈ રહ્યા.

‘આમ્રભટ્ટ કોઈ દિવસ પાટણમાં નહિ આવે, ત્રિલોચનપાલજી! હું એમનો સ્વભાવ જાણું છું. કોઈક જરાક બહાર આવતું જણાય છે! જુઓ તો.’

ત્રિલોચને ઝીણી નજરે સ્થિર એક દ્રષ્ટિ ત્યાં કરી. તે છક થઇ ગયો. આમ્રભટ્ટનો શ્યામ ઘોડો આંહીંથી દેખાતો હતો. આસપાસ ધજાઓ પણ શ્યામ હતી. કાળાં વસ્ત્ર પહેરીને આમ્રભટ્ટ પોતે ત્યાં ઘોડા પાસે ઊભેલો જણાયો.

‘વાઘેલાજી! એ તો આમ્રભટ્ટ પોતે જ લાગે છે! એણે કાળાં વસ્ત્રો પહેર્યા છે!’

‘આમ્રભટ્ટ જેવો એકરંગી જોદ્ધો અત્યારે ગુજરાતભરમાં કોઈ નથી. મને તો બીક છે, ક્યાંક એ જળસમાધી ન લે? એ જૂના પ્રાચીન મહારથીઓના વારસામાં માનનારો છે. પરાજયને એ સહી શકે જ નહિ. એનું વીરત્વ એનું પોતાનું છે, દુર્ગપાલજી! એમાં પરાજયને સ્થાન જ નથી. આપણે ઉતાવળે પાટણમાં મહારાજને આ વાતની ખબર કરી દઈએ!’

એટલામાં આમ્રભટ્ટે દિશા બદલી અને એનો ચહેરો દેખાયો. 

‘અરે!’ બંને એકીસાથે ચમકી ગયા. આમ્રભટ્ટે પોતાના ચહેરા ઉપર પણ મેંશ લગાવી હતી. કજ્જ્લ-શ્યામ એનો ચહેરો એના હ્રદયના ઉગ્ર સંતાપને બતાવતો હતો.

પણ એટલામાં કોઈકનાં ઘોડાં આવી રહ્યાનો અવાજ જંગલકેડી વીંધતો એમને કાને પડ્યો. તેઓ ચમકી ગયા. અવાજ આ તરફ આવતો હોય તેમ જણાયું. 

‘કોણ હશે?’ એકીસાથે બંનેનાં મનમાં પ્રશ્ન ઊભો થયો.

એમને ઝાઝો વખત થોભવું પડ્યું નહિ. આવનાર ઘોડેસવારો થોડે દૂર ઊતરી પડ્યા હોય તેમ લાગ્યું. અર્ણોરાજે વનકેડી તરફ દ્રષ્ટિ કરી અને એ ચોંકી ગયો: ‘અરે ત્રિલોચનપાલજી! આ તો મહારાજ પોતે આવતા જણાય છે! ત્યાં પણ ખબર પડી ગયા લાગે છે!’

‘હા, છે તો મહારાજ! સાથે વાગ્ભટ્ટજી જેવું કોઈક છે. શું હશે?’

‘આ ખબર પડ્યા હશે... બીજું શું? આપણે આંહીંથી થોડી વાર જરાક આઘાપાછા થઇ જઈએ તો સારું. હજી એમની નજર આ તરફ પડી નથી!’

અર્ણોરાજ ને ત્રિલોચનપાલ એકદમ જ પાછળના ભાગમાં એક વોકળા જેવું વહી રહ્યું હતું તે તરફ ગુપચુપ સરી ગયા. ત્યાં નીચેના ખાડા જેવા ભાગમાં એમનાં ઘોડાં પણ ઊભાં હતાં. બંને જણા ત્યાં એક ઝાડની ઓથે ઊભા રહ્યા. થોડેક દૂર આવેલી એક વનવાટ એમની સામેથી જ ચાલી જતી હતી. વાગ્ભટ્ટ ને મહારાજ શું કામે આવ્યા છે એ જાણવા માટે બંને ત્યાં શાંત ઊભા રહ્યા.