રાજર્ષિ કુમારપાલ - 12 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

રાજર્ષિ કુમારપાલ - 12

૧૨

આમ્રભટ્ટની રણ-ઉત્સુકતા!

કર્ણાટરાજ અદ્રશ્ય થયો કે તરત જ મહારાજ કુમારપાલની દ્રષ્ટિ આખી સભા ઉપર ફરી વાળી. એમાં સ્પષ્ટ રીતે રણનાદ બેઠો હતો. મલ્લિકાર્જુનની મહત્વાકાંક્ષા જાણીતી હતી. દાદા થઈને એને નવસારિકા સુધીનો પ્રદેશ પડાવી લેવાની વાત હતી. આ કર્ણાટરાજ તો પહેલું માપ લેવા આવ્યો હતો. કાવ્યવિલાસમાં વખત ન કાઢતાં એને સીધેસીધો વળાવવામાં આવ્યો એ મહારાજને ગમી ગયું. પણ એમની દ્રષ્ટિ આખી સભા ઉપર ફરી વળતાં તેઓ એક વાત પામી ગયા. ઠંડી ઉપેક્ષાભરેલી ઉદાસીનતા ત્યાં બેઠી હતી! પોતે  હમણાં જે પગલાં લઇ રહ્યા હતા એનો છાનો સબળ વિરોધ અત્યારે પ્રગટ થયો જણાયો. મહારાજ કાંઈ બોલ્યા નહિ. કેવળ એમના મનમાં ચાલી રહેલા મનોભાવને વ્યક્ત કરતો એમનો જમણો હાથ જરાક ઊંચો થયો. હંમેશની પેઠે એમાં આત્મશ્રદ્ધાનો રણકો હતો. પણ બરાબર એ જ વખતે વખતે સભાને છેડેથી આવી રહેલો એક રૂપાળો જુવાન ત્યાં દેખાયો. સૌની દ્રષ્ટિ એની તરફ ગઈ. 

ઊગતી જુવાની અને એના અંગેઅંગમાંથી પ્રગટતી મોહક વીરતા – આખી સભા જાણે એ વિરલ દ્રશ્ય જોવા બે પળ સ્થિર થઇ ગઈ લાગી. એની છટા એણે દોરથી પણ એક અદ્ભુત વીર તરીકે પ્રગટ કરી દે એવી અનોખા પ્રકારની હતી. એનું એકદન જુવાન વય અને રમણીય, લગભગ સ્ત્રીનું ગણી શકાય એવું મોહક રૂપ, આંખ, નાક, ચહેરો, મૂછનો દોરો હજી ઊગી રહ્યો હતો એ અવસ્થા – મહાભારતી જમાનાનો તરુણ વીર અભિમન્યુ પળ-બે-પળ સૌની સ્મૃતિમાં આવી ગયો! આ પણ બરાબર એ જ રીતે અત્યારે આવી ચડ્યો હતો! દુનિયા ડગે, પણ એક તસુ ન ડગવાનું સામર્થ્ય એના પગમાં હતું!

એનાં માબાપ તો જોઈ રહે, પણ હડહડતો દુશ્મન પણ બે ઘડી જોઈ રહે એવી અદ્ભુત વીરત્વભરેલી મોહિની ત્યાં બેઠી હતી!  

મહારાજ કુમારપાલની દ્રષ્ટિ પણ એક પળભર એના ઉપર ઠરી ગઈ. જુવાનની કેડે તલવાર લટકતી હતી. ડોકમાં મોટી મોતીની માળા હતી. પગે સોનાનો તોડો પડ્યો હતો. અંગ-અંગમાં પ્રાણવાન તેજમૂર્તિ સમો એ દેખાતો હતો. એની બે આંખ – એ આંખમાં બધો જીવનમર્મ જાણે રેલાઈ રહ્યો હતો. એની એક આંખમાં ઉદારતા બેઠી હતી બલિરાજાની, તો બીજી આંખમાં ઘેલું સ્વપ્ન બેઠું હતું જાનન્યોછાવરીનું. વૃદ્ધ મંત્રીશ્વરને આંબડ તરફ દ્રષ્ટિ કરતાં પોતાની જુવાની પાછી સાંભરી આવી. આમ્રભટ્ટને આવતો સૌ જોઈ રહ્યા હતા. પણ એણે જે ક્ષણે પ્રવેશ કર્યો બરાબર એ જ ક્ષણે મહારજે પોતાને મનોમય વીર રણભૂમિની હાકલ સંભળાતી હોય તેમ  પોતાનો જમણો તલવારી હાથ જરાક ઊંચો કર્યો હતો. કોઈને એનો ખ્યાલ સરખો ન હતો, પણ મહારાજને અભિવાદન કરવા હાથસંપુટ રચતો આમ્રભટ્ટ એ મનોભાવ જાણે પામી ગયો હોય તેમ તરત એનો હાથ પણ તલવાર ઉપર જ ગયો. મહારાજ આશ્ચર્યથી એ જોઈ જ રહ્યા! વીરત્વમાં રહેલી આ અસામાન્ય રણ-ઉત્સુકતા જોતા એમના મનમાં એક વિચાર પસાર થઇ ગયો: ‘આને જ એ મહામાન આપ્યું હોય તો? આનું વીરત્વ અનોખા પ્રકારનું છે!’

આમ્રભટ્ટ ત્યાં આવ્યો. એણે ભૃગુકચ્છથી ક્યારનું કર્ણાટરાજનું સાચું સ્વરૂપ આંહીં મોકલી દીધું હતું. કાકભટ્ટને કર્ણાટરાજ સાથે જતો જોયો, એટલે આમ્રભટ્ટ વાત પામી ગયો હતો: જુદ્ધ કોંકણનું આવી રહ્યું હતું; પણ એની રૂપરેખા હજી આંહીં અદ્રશ્ય લાગી. એને પણ એક વિજયી સૈન્ય દોરવાનો ઉત્સાહ હતો, એટલે જ એ અત્યારે સભા તરફ આવ્યો, પણ આમ્રભટ્ટ ને મહારાજ કુમારપાલ એકબીજાને સમજ્યા હોય તેમ એમની વચ્ચે જરાક આંખ-વાત થઇ-ન-થઇ, ત્યાં મહારાજના સિંહાસન પાછળથી એક અસામાન્ય સત્તાદર્શી અવાજ સંભળાયો!

‘મહારાજ ગુર્જરેશ્વર!’

આમ્રભટ્ટ ને મહારાજ બંને એમની આંખ-વાતમાંથી જાણે જાગી ગયા. સભા-આખી એક વ્યક્તિ હોય તેમ બે હાથ જોડીને શીર્ષ નમાવી રહી હતી. ચામરધારી નારીઓ બે પણ માનભેર ઊભી રહી ગઈ હતી. દૂર બેઠેલી નૃત્યાંગનાઓએ પણ પૂજ્યભાવથી મસ્તક નમાવ્યા હતા. ભગવાન સોમનાથ મંદિરના મહંત ભાવ બૃહસ્પતિ ત્યાં આવીને ઊભા હતા. એમની સાથે જરાક પાછળ કંટેશ્વરીનો મહંત ભવાનીરાશિ હતો. 

જે વસ્તુ અટકાવવા યત્ન થઇ રહ્યો હતો તે વસ્તુ, એટલે કે રાજસત્તા અને ધર્મસત્તાનું ઘર્ષણ અત્યારે જ સામે આવીને ઊભેલું જોતા ઉદયન પણ વિચારમાં પડી ગયો. મલ્લિકાર્જુનનું જુદ્ધ હવે તો અનિવાર્ય જેવું જ હતું. સામંતો,  મંડલેશ્વરો, સેનાપતિઓએ – સૌએ એ જુદ્ધ વિશે હમણાં જ એમની ઉપેક્ષાવૃત્તિનો ઠંડો પરચો બતાવ્યો હતો. આ બંને મહંત મહારાજ પાસે આ તક સાધીને જ, પોતાની વાત સ્વીકારાવાનો નિશ્ચય કરીને આવ્યા હોય , તેમ જણાતું હતું. પણ મહારાજનું મનોબળ ઉદયનને જાણીતું હતું. તે ઘડીભર એમ પણ ઈચ્છી રહ્યો હતો કે મહારાજ અત્યારે હવે તક જોઇને નમતું જોખે તો સારું! એકલા કંટેશ્વરી મહંતની વાત જુદી હતી. મલ્લિકાર્જુનનું જુદ્ધ અનિવાર્ય હતું ત્યારે ભાવ બૃહસ્પતિ જેવા વિરોધ કરે એ વાત જુદી હતી. એટલે એને થયું કે આવતી નવરાત્રિએ દેખી લેવાશે. આ બંને મહંત આવ્યા, પણ તેઓ રાણીવાસ તરફથી પાછળને રસ્તે થઈને આવ્યા એ વસ્તુ પણ જેવીતેવી સૂચક ન હતી. ભગવાન સોમનાથના જીવંત પડછાયા જેવી યુવરાજ્ઞી નાયિકાદેવી જરૂર પડશે તો સભામાં આવીને મહંતને ટેકો આપશે એવી ઊંડી યોજના એમાં સ્પષ્ટ રીતે મંત્રીશ્વરે જોઈ. દેવબોધને ત્યાં રાત્રે છાની સભા મળવાનો પ્રબંધ પણ થઇ રહ્યો હતો એ સમાચાર ત્રિલોચન દુર્ગપાલ લાવ્યો હતો, એટલે આ બધા એવી કોઈ યોજના માટે ભેગા તહી રહ્યા હતા. આ વાદળ જામે તો-તો થઇ રહ્યું. ઉદયને રાજ ઉપર ને રાજા ઉપર વિપત્તિનું વાદળ આવતું જોયું. એ તરત ઊભો થઇ ગયો. તે ભાવ બૃહસ્પતિને બે હાથ જોડીને નમી રહ્યો: ‘પ્રભુ!’ તેણે મહારાજ પાસેનું ખાલી આસન મહંતને બતાવ્યું, પણ મહંતે એ સાંભળ્યું ન હોય તેમ એ બે ડગલાં આગળ આવ્યો. એણે ફરીને વધારે સ્પષ્ટ અને કાંઈક વધારે સત્તાભર્યા અવાજે કહ્યું: ‘મહારાજ ગુર્જરેશ્વર! આ કંટેશ્વરીના મહંતની વાત સાચી છે – એમણે મને કહી તે?’

‘પ્રભુ! ઉદયન ઉત્તર આપવા જતો હતો, પણ મહંતે વચ્ચે જ હાથ લાંબો કરી તેને અટકાવી દીધો.

‘મહાઅમાત્યજી! પ્રશ્ન ધર્મનો છે, રાજનીતિનો નથી. મહારાજની ધર્મપરંપરા સાથે એનો સીધો સંબંધ છે, પ્રત્યુત્તર કાં મહારાજ પોતે આપે અથવા કોઈ ન આપે. પછી છેવટે ભગવાન સોમનાથ આપશે. મહારાજ ગુર્જરેશ્વર! આપ પરંપરા લોપવા માગો છો – ભવાનીરાશિજી એમ કહી રહ્યા હતા!...’

ઉદયન ધ્રૂજી ગયો. કુમારપાલ મહારાજની એક પળ-માત્ર-એક નાની-પળ- આંખ ફરી ગયેલી લાગી. પણ એ આંખ ઉપર એમણે તરત જ કાબૂ મેળવી લીધો હતો. તેમણે બે હાથ જોડ્યા: ‘ભગવાન! આપ આંહીં આવ્યા એ સારું થયું!’

સભા-આખી આ નવીનવાઈની વાત સાંભળવા એકકાન થઇ ગઈ હતી. ઉદયનને લાગ્યું કે મહારાજ કુમારપાલ વિશેનો એનો ભય અસ્થાને હતો. લૂતારોગ (કોઢ) હઠાવવા મહારાજે યોગાભ્યાસ શરુ કર્યો હતો. એમાંથી કૃષ્ણદેવને જનોઈવઢ હણી નાખનારી શક્તિ ઉપર મહારાજે કાબૂ મેળવ્યો હોય તેમ જણાયું. મહારાજ અત્યંત શાંતિથી કહી રહ્યા હતા:

‘ભવાનીરાશિ! તમે જ કહ્યું છે નાં માતાજી ભોગ માંગે છે? માતાજી સ્વયં ભોગ લે છે એ સાચું?’

‘ઈસ બારે મેં મહારાજ કુ કોઈ શંકા હે?’ રાશિ બોલ્યો. 

‘ના, શંકા નથી, શ્રદ્ધા છે.’ મહારાજે કહ્યું, ‘માતાજી! સ્વયં ભોગ લેતાં હોય તો ચાલુક્યસિંહાસનસ્થ દરેક રાજપુરુષની માફક મારે પરંપરા જાળવવાની છે. ત્રિલોચનપાલજી! રાશિજી માંગે તેટલાં જીવ અપાવો!’

‘હત્તારીની!’ ઘણાનાં દિલમાં અવાજ ઊઠ્યો: ‘સોમનાથ મહંતે વાત ધારી કરવી ખરી!’ સામસામી આંખોએ એટલી વારમાં તો વાતો પણ માંડી હતી. ‘મહારાજ નમતું જોખે છે – જુદ્ધ આવ્યું નાં? જુદ્દમાં આપણા સિવાય કોણ કાકો જવાનો હતો? ત્યાં તો માથાં વઢાવવાનાં છે, દ્રમ્મ ગણવા નથી! ને ડોસો તો એંશીએ પહોંચ્યો છે, એટલે નમતું જોખશે જ તો!’

મહારાજે દ્રષ્ટિ સૌની વાંચી લીધી, પણ છતાં અજબ જેવી શાંતિથી જ એમને આગળ ચલાવ્યું: ‘બસ, રાશિજી?’

‘ચૌલુક્ય વંશ કા કલ્યાણ હો જાયગા, મહારાજ! લૂતા ભી હઠ જાયગી – લૂતા જો રાજપદ કે લિએ આદમીકુ નાલાયક બનાતી હૈ...’

‘હાં... બરાબર.’ ઉદયનને દુર્ગપાલની વાત યાદ આવી ગઈ. એ છાની સભાને માપી લેવાનો એણે નિર્ણય કરી લીધો: સોરઠ જવાનું થાય તે પહેલાં એ વીખરાઈ જવી જોઈએ. 

‘પણ જુઓ, પ્રભુ! અરે, ત્રિલોચનપાલજી!...’ ત્રિલોચનપાલ બે હાથ જોડીને આગળ આવ્યો: ‘જીવ મહારાજ રાશિજી કહે તેટલા – બે વધુ, પણ ઓછા નહીં. મા કંટેશ્વરીના મંદિરમાં આજે જ પુરાવી દ્યો. સાંજ પહેલાં માના સાંનિધ્યમાં એ બધા રહે. મા કંટેશ્વરી આ વખતે સ્વયંભોજન લેવા આવનારાં છે, તો ત્યાં ચારે દ્વાર ઉપર પણ સૈનિકો મૂકો, કોઈ અંદર જાય નહિ, કોઈ બહાર નીકળે નહિ. પ્રભાતે હું પોતે ત્યાં આવવાનો છું. ચૌલુક્યવંશની પરંપરા જળવાવી જ જોઈએ. આ મારો નિશ્ચય છે. અજય! તારે પણ સવારે મારી ભેવું આવવાનું છે!’

અજયપાલ અચાનક ચમકી ગયો લાગ્યો. ઉદયન એ જોઈ રહ્યો. એની શંકા દ્રઢ થઇ. આમની કોઈ ગોઠવણ આજે રાતે લાગે છે; તેણે ત્રિલોચન સામે જોયું, પણ દુર્ગપાલ મહારાજની વાત સાંભળી રહ્યો હતો. 

‘ક્યાં, મહારાજ’ અજયપાલ બોલ્યો. 

‘ત્યાં- આપણી ગોત્રદેવી પાસે! ગોત્રદેવીનું ભોજન મેં આપવાનો નિષેધ કર્યો છે એવો મારા ઉપર મહંતજીએ આરોપ મૂક્યો છે. ગોત્રદેવી ભોજન લેવા આ સમયે સ્વયં આવવાનાં છે, દર વર્ષે આવે છે એમ. મહંતજી એ કહે છે, તો એ ભોજન અટકાવનારો હું કોણ? જાઓ ને હમણાં ને હમણાં – જીવ જેટલા મહારાજજી માંગે તેટલા વિધિ પ્રમાણે પૂરા પાડો!’

‘મહારાજ ગુર્જરેશ્વરનો જય!’ સભામાંથી એક નાદ ઊઠ્યો. 

ભવાનીરાશિ વિજયથી મંત્રીશ્વર સામે જોઈ રહ્યો હતો. ઉદયનને આ રમત શી છે એની સમજણ પડી ગઈ હતી, છતાં એ પોતાનું પરાજિત માનસ દાખવી રહ્યો હતો. એટલામાં મહંતે કહ્યું: ‘મહાઅમાત્યજી! હવે તમારે કહેવું હોય તે તમે કહી શકો છો!’

‘મારે જે કહેવાનું મહારાજે કહી દીધું છે, પ્રભુ!’ ઉદયને શાંત પ્રત્યુતર વાળ્યો.

‘પણ એ તો હવે નાં? તમે તો માં કંટેશ્વરીને પણ પોથાંપુસ્તક ખવરાવવા નીકળ્યા હતા તેનું શું?’

ઉદયને બે હાથ જોડ્યા: ‘પ્રભુ! ગુર્જરેશ્વર મહારાજની આજ્ઞા સર્વોપરી છે. હું પણ ત્રિલોચનપાલજીને શોધું છું!’

થોડી વાર પછી રાજસભામાંથી મહારાજ ગયા. આખી સભા બરખાસ્ત થઇ ગઈ. મહંત પાસે મહારાજે નમતું જોખ્યું તેમાં જુદ્ધ કારણરૂપ હતું એમ વાત વહેતી થઇ. મહારાજ આ રાજનીતિ જ તજી દેશે, મક્કમતા દાખવવામાં આવશે તો – એમ ઘણાને લાગ્યું. પણ ઉદયન હજી ત્યાં કાલે પ્રભાતે ખરી રીતે શું થશે એવી ચિંતામાં આમતેમ આંટા મારી રહ્યો હતો.