૬
સર્વ-અવસર
મહારાજ કુમારપાલ રાજદ્વાર પર લટકતી સોનેરી ઘંટા જેમ હરકોઈ માટે ન્યાય માગવા સારુ રાત્રિદિવસ ખુલ્લી રહેતી, તેમ ‘સર્વ-અવસર’ સભાના પ્રંસગે મહારાજના સાન્નિધ્યમાં હરકોઈને આવવાનો અધિકાર રહેતો અને હરકોઈ વાત કહેવાનો અધિકાર રહેતો. આજના ‘સર્વ-અવસર’ની તો આખી નગરીને ખબર હતી, એટલે ચારે તરફથી સૌકોઈ રાજમહાલયના ચોગાન તરફ જવા માટે ઊપડ્યા હતા. આજે પંચોલી શ્રીધરને મહારાજ શો ન્યાય આપે છે એ તરફ સૌની દ્રષ્ટિ મંડાણી હતી. કર્ણોપકર્ણ એક વાત ફેલાતી રહી હતી. કુમારપાલ જેવો લોભનો કટકો બોંતેર લક્ષ દ્રમ્મ હવે ભંડારમાંથી પાછા અપાવે એ વાતમાં માલ શો હતો? ગવૈયા સોલાકે એક વખત મહારાજની વિડંબના કરી હતી એ સૌને યાદ આવી ગઈ.
ગવૈયાની અદ્ભુત સુરાવલીએ મહારાજને એક વખત ડોલાવી દીધા હતા. પાટણના સોલાક ગવૈયાને સોળસો દ્રમ્મ આપ્યા! પણ ગવૈયો સોલાક માથાનો ફરેલ હતો. તેણે દ્રમ્મ તો લીધા, પણ રાજસભામાંથી નીકળતાં જ મહાવતનો છોકરો સામે મળ્યો તેને એક દ્રમ્મ આપ્યો. છોકરાએ તો તરત હર્ષમાં આવીને પોતાના દોસ્તોને બોલાવવા બૂમાબૂમ કરી મૂકી. ત્યાં રાજસભા પાસેના ચોકમાં જ છોકરાઓનું ટોળું ભેગું થઇ ગયું. ગવૈયાએ મહરાજ દેખે તેમ સોળસોયે સોળસો દ્રમ્મ ત્યાં વહેંચી દીધા છોકરાઓને ઉપવસ્ત્ર ખંખેરતો પોતે ત્યાંથી ચાલી નીકળ્યો!
હજી એ સોલાક ગવૈયો પાટણમાં આવ્યો ન હતો, પણ ગવૈયાની તે દિવસની વાત પાટણ-આખામાં ચર્ચાઈ ગઈ. દ્રમ્મ તો આ રાજા પાસેથી છોટે એ વાતમાં માલ નથી એવી મહારાજના નામની આસપાસ સાચીખોટી હવા બંધાઈ ગઈ!
એટલે આજ તો લોકનાં ટોળેટોળા ‘સર્વ-અવસર’ જોવા માટે ઊલટ્યાં હતાં!
રાજસભાની જાહેરાત તો વગર ડિંડિમિકાઘોષે પંચોલીએ જ કરી દીધી હતી, એટલે સમય થતાં-થતાંમાં તો ત્યાં માનવમહેરામણ જાણે હિલોળે ચડ્યો હોય એવો દેખાવ થઇ ગયો.
સમય થતો ગયો તેમ એક પછી એક રાજમંત્રીઓ પણ ત્યાં રંગમંચ ઉપર દેખાવા માંડ્યા. ‘સર્વ-અવસર’ પ્રસંગે પ્રજાનો હરકોઈ માણસ મહારાજને મળે ને વાત કરે એ વાતનો અટકાવ ન હતો – એટલે સુધી કે કોઈ મંત્રી વિરુદ્ધ વાત હોય તો તે પણ ત્યાં સંભળાતી ને એનો તત્કાલ નિર્ણય આપવો પડતો.
ઘણી વખત ‘સર્વ-અવસર’ પછી મહારાજ મંત્રણાપરિષદ ભરતા, એટલે સામાન્ય રીતે મંત્રીઓ આ અવસરે હાજર રહેતા. આજ તો આ અવસરની વિશેષતા પણ હતી.
પહેલો કપર્દી મંત્રી દેખાયો. એ રાજભાંડારિક હતો. એના જેવું કડવું સત્ય કહેનારો માણસ તે વખતે કોઈ જ ન હતો. લોકોના દિલમાં એના પ્રત્યે માન હતું, પણ એવી જ રીતે એ પ્રકારની ભડક પણ હતી. એ ત્યાં આવ્યો. એની કડક સત્યપ્રિય મુખમુદ્રા પ્રત્યે ધ્યાન ખેંચાયું, ત્યાં વાગ્ભટ્ટ પણ દેખાયો. મંત્રીશ્વરનો આ મોટો પુત્ર કવિજનોમાં એક પ્રકારની શ્રદ્ધા ધરાવતો હતો. પ્રિય કે અપ્રિય કાંઈ ન હોય તેમ કોઈ ખાસ ટીકા એના માટે ઊપડી નહિ. એ પણ કવિજનોને અભિવાદન કરતો રાજસિંહાસન પાસે બેસી ગયો. થોડી વારમાં તીક્ષ્ણ દ્રષ્ટિથી કોણકોણ પરદેશી દેખાય છે એ જોઈ લેતો ત્રિલોચન દુર્ગપાલ આવ્યો. સામંતો આવવા માંડ્યા, મંડળીકો-મંડળેશ્વરો દેખાયા, રાવ-રાણા આવ્યા, એટલામાં લોકોમાં હિલચાર થઇ. એક સુખાસનને મારગ આપતી કેડી પડી ગઈ.
મહામંત્રી ઉદયન એમાં આવી રહ્યો હતો. લોકો તેને માંથી મારગ આપતા એક તરફ ઊભા રહી ગયા હતા.
એ ચારે તરફ દ્રષ્ટિ કરી રહ્યો હતો. એના મોં ઉપર દિલ જીતનારું સ્મિત હતું. કપાળમાં કેટલાકને ધર્મધ્વજ જણાતો, કેટલાકને ભયંકર જણાતો પીળો કેસરી બદામાકૃતિ ચંદ્રક હતો. તે બે હાથે સૌનાં અભિવાદન ઝીલી રહ્યો હતો.
તે સુખાસનમાંથી ઊતર્યો, સૌને નજરથી જોઈ રહ્યો, પછી સીધો પગથિયાં ચડતો દેખાયો. એના ઉપર રાજ-આખાનો ભાર હતો એની સૌને ખબર હતી. પણ આજ એંશીની ઉંમરે પણ એ ટટ્ટાર ચાલી રહ્યો હતો! રાજસભામાં કોઈ પણ ઘર્ષણ ઊભું થાય તો એ વખતે કઈ સ્થિતિ પ્રવર્તશે એ કહી શકાય તેવું ન હતું. મહારાજ કુમારપાલની શાંતિ ને સહનશીલતા અજબ હતી, પણ એમનું એવું જ રૌદ્ર રૂપ ગજબનું હતું.
ઉદયન એ ચિંતામાં જ ઉપર આવ્યો. ત્યાં સિંહાસન સમક્ષ એ એક પણ થોભી ગયો. મૌક્તિકમાળાનું છત્ર ત્યાં સિંહાસન ઉપર ઝૂલી રહ્યું હતું. ઇન્દ્રસભાનું પણ બે ઘડી માન મુકાવે તેવી, સોનારૂપની સરિતાનો ત્યાં પ્રવાહ ઠરી ગયો હોય એવી, ઝળાહળા શોભા વિલસી રહી હતી. પાટણના નકશીદારોએ એમાં મૂકેલી ફૂલવેલ ઉપર માનસરોવરના હીરામાણેક-જડિત રાજહંસો સજીવ થઈને મોતી ચણી રહ્યા હોય એવા લાગતા હતા! ચામરધરેલી રૂપરૂપભરી નારીઓનો સમુદાય ત્યાં આવીને ક્યારનો ઊભો રહી ગયો હતો. સ્વર્ગની સૌંદર્યસભાને શરમાવે એવી વિજલવેલજેવી વીરાંગનાઓ મહારાજને અભિવાદન કરવા માટે ત્યાં પ્રતીક્ષા કરતી ઊભી હતી. સેંકડો નાગરીકો, શ્રેષ્ઠીઓ, કવિજનો, વિદ્વાનો, સાધુઓ, દેશપરદેશના કાર્યમંત્રીઓ ત્યાં હકડેઠઠ બેઠા હતા. ગૂર્જરોની ભવ્ય સિદ્ધિ જોઈ એક પળમાં મનમાં ગૌરવાન્વિત થતો મંત્રીશ્વર ત્યાં જરાક થોભ્યો અને પછી શાંતિથી પોતાની જગ્યા ઉપર જઈને બેઠો.
તેણે ચારે તરફ દ્રષ્ટિ કરી. બધાને ત્યાં જોયા. પોતાના આમ્રભટ્ટને જોવા એક નજર એણે ફેરવી, પણ હજી એ આવ્યો હોય તેમ જણાયું નહિ.
એણે જ મલ્લિકાર્જુનના રાજકવિ કવીન્દ્ર કર્ણાટરાજના સમાચાર ભૃગુકચ્છથી મોકલ્યા હતા, એટલે ઉદયને ધાર્યું કે કદાચ એ કવિને પરાજય આપવાના વિચારમાં કાં સિદ્ધપાલ પાસે કે વખતે કટારમલ્લ રામચંદ્ર પાસે અત્યારે હોવો જોઈએ. ઉદયન વાગ્ભટ્ટ તરફ ફર્યો: ‘આંબડ આવ્યો છે? મળ્યો છે તને? તને તો ખબર હશે નાં? કોઈ કવિ કોંકણરાજનો આંહીં આવ્યો છે!’
‘હા, મલ્લિકાર્જુનનો કર્ણાટરાજ.’ વાગ્ભટ્ટ બોલ્યો: ‘એનો કાંઈ વાંધો નથી. કવિ રામચંદ્ર ઊભા થાય એટલે એ ચંદ્ર, આ બધા તારા. આંબડ હજી આવ્યો નથી.’
‘પણ, ભાઈ! આ બધા કાંઈ આંહીં કવિતા માપવા નથી આવતા, તેઓ તો મને ને તને માપવા આવે છે! અને આપણે ત્યાં તો – પણ અજયપાલ કેમ આજે દેખાતા નથી?’
એટલામાં ત્યાં જવનિકા પાછળ સોનેરી-રૂપેરી ઝંકાર સંભળાયો. રાજરાણીઓ આવી ગયેલી લાગી. અને એજ ક્ષણે એક જુવાન તેજસ્વી કુમાર બહાર આવતો દેખાયો. ઉદયનની એના ઉપર દ્રષ્ટિ પડી ને એ ચોંકી ગયો. ઉદ્રેકભર્યા વીરત્વની અશ્વસ્થામા સમી એની મૂર્તિ ઉપર સૈનિકો, રાજપૂતો, સામંતો, રાવરાણાની આંખો પ્રશંસાભરેલી રીતે ઢળતી ઉદયને જોઈ. ભાવિ અમંગલની આ સ્પષ્ટ એંધાણી એ સચિંત નેત્રે નીરખી રહ્યો. અત્યારથી જ સેંકડોના દીમાં એ રાજમુગટના મણિ જેવો બની ગયેલો લાગ્યો. રાજા કુમારપાલને પોતાના આ ભત્રીજાની વીરમૂર્તિ પ્રત્યે અથોક પ્રેમ હતો, પણ એનું આ તેજ બાળશે કે પ્રકાશ આપશે એ વિશે વિદ્વાનોમાં મતભેદ હતો, ને રાજાના દિલમાં પણ વસવસો ઊભો થયો હતો. અજયપાલ સંભારતા જ આવ્યો હતો.
અજયપાલ ત્યાં આવ્યો, ઊભો, લોકમેદની તરફ એણે એક દ્રષ્ટિ કરી અને એ એક નાનકડી પળમાં જ એનો પ્રભાવ અમોઘ બાણના ટંકાર સમો જાણે મેદનીમાં સર્વોપરી થઈને ફરી વળ્યો. એની નખશિખ તેજભરી મૂર્તિઓ – કેવળ વીજળી જ જાણે લખલખી રહી હતી. એની આંખમાં સહસ્ત્રાર્જુનને હણવા નીકળેલા ભગવાન ભાર્ગવનો પ્રભાવ હતો. સીધું, સુંદર, જુદ્ધપ્રિય, મરોડદાર એનું નાક અને ભવ્ય કપાળ હરકોઈને આકર્ષી લે તેવાં હતા. એના કપાળમાં સોમનાથભક્તિનું ચંદનચર્ચિત ત્રિપુંડ શોભી રહ્યું હતું. એણે હાથમાં ધારણ કરેલી શમશેર જ એણે સેંકડોમાંથી એકલો તારવી કાઢવા માટે બસ હતી. બીજા જાણે શમશેર રાખતા, આના ભુજમાં તો જાણે એ જન્મ સાથે જન્મી હતી!
ઉદયન પળ-બે-પળ એની તરફ જોઈ રહ્યો. પથગામી આ વીરત્વ ધારે તો ભારતભરમાં કુક્કુટધ્વજનો જયજયકાર બોલાવે; પણ વિપથગામી બને તો પોતે પડે ને સેંકડોને પાડે! ઝળાઝળા થતા તેજ સામે માણસો મીટ માંડી નથી શકતા, તેમ તેજ, તેજ અને કેવળ તેજ-રૂપ એની મુદ્રામાં કોઈ સ્થિર વિચારબિંદુ પળભર ટકી શકે તેમ એને લાગ્યું નહિ. જીવનની આ કરુણતાને મહામંત્રી સખેદ જોઈ રહ્યો.
એટલામાં શંખનાદ થયો. લોકોમાં પણ કોલાહલ થઇ ગયો. રાજમંડપના પાછળના દ્વારમાંથી અર્ણોરાજ આવતો નજરે ચડ્યો. તેની પાછળ જ મહારાજ કુમારપાલ ને રાણી ભોપલદે આવી રહ્યાં હતાં.
લોકસમૂહમાંથી મહારાજના નામની એક જબરદસ્ત જયઘોષણા ઊઠી. મહારાજને નિહાળવા માટે ધક્કા-ધક્કી થવા માંડી. શંખનાદ થયા. વાજિંત્રો વાગવા માંડ્યા. ઘંટાઘોષ ઊઠ્યો. થોડી વારમાં જ મહારાજ ત્યાં રંગમંચ ઉપર આવી ગયેલા સૌની દ્રષ્ટિએ પડ્યા અને લોકમાં કાંઈક સ્થિરતા થઇ. મહારાજની સાથેસાથે ચાલી રહેલી વીરપંક્તિએ પણ લોકદ્રષ્ટિનું ધ્યાન ખેંચી રાખ્યું. ઉત્તુંગ અને ભવ્ય ચંદ્રાવતીનો પરમાર ધારાવર્ષદેવ ત્યાં મહારાજ પાસે ઊભો હતો. લોકહૈયામાં એના નામ ઉપર ગજબનો પ્યાર જણાયો. એને જોતાં જ કેટલાકે હર્ષનાદ કર્યા. એની સાથે શાકંભરીનો સોમેશ્વર ચૌહાણ હતો. નડૂલની પિતાપુત્રની જોડલી આલ્હણ-કેલ્હણ પણ ત્યાં હતા. વૃદ્ધ આલ્હણ જાણે મહારાજના કોપાનલમાંથી પોતાના જુવાન, બહાદુર, પણ ગર્વિષ્ઠ અને સાહસિક કેલ્હણને ઉગારી લેવા માટે જ સાથેસાથે ફરતો હોય તેમ જણાતું હતું એ એની અડોઅડ આવી રહ્યો હતો. કેલ્હણને મહારાજની રાજનીતિમાં અજયપાલની પેઠે રાજપૂતી લોપાતી લાગતી હતી.
મહારાજ ત્યાં આવીને ઊભા ને આખી સભા ચિત્રવત ખડી થઇ ગઈ. ચામર ઢોળાવા શરુ થાય. વારાંગનાઓ અભિવાદન આપવા આગળ આવી. મંત્રીશ્વરો, માંડલીકો, સામંતો ત્યાં નત મસ્તકે ઊભા રહી ગયા. મહારાજ સિંહાસન ઉપર બેઠા. રાણી ભોપલદેએ એની પાસે જરા પાછળ જગ્યા લીધી – અને કાંકરી પડે તો સંભળાય તેવી શાંતિ ફરીને વ્યાપી ગઈ.
ઉત્સુકતાથી સૌ એક દ્રષ્ટિ થઇ ગયા હતા. શ્રીધર પંચોલીના ઊઠવાની સૌ રાહ જોઈ રહ્યા હતા. ઉદયને અજયપાલની સાથે મળીને ઘર્ષણ કરતો તો એને અટકાવ્યો હતો, પણ એ હવે અહીં શી રીતે વાત મૂકે છે એ કહી શકાય તેમ ન હતું, આ તો મહારાજનો ‘સર્વ-અવસર’ હતો. હરકોઈને આવવાની ને પોતાની વાત પોતાની રીતે કરવાની છૂટ હતી. સૌ શ્રીધરને આવતો જોવા ઉત્સુક જણાતા હતા.
એટલામાં પંચોલી શ્રીધર આગળ આવતો જણાયો. તેના મોં ઉપર દબાયેલો ગુસ્સો બેઠો હતો, પણ તે રાજસભાનો વિવેક શીખ્યો હતો. તે ત્યાં આવ્યો, આવીને તેણે મહારાજને અભિવાદન કર્યું, મોટેથી કહ્યું: ‘મહારાજ, હું પંચોલી શ્રીધર! મહારાજે રુદતીવિત્ત ન લેવાનો ઘોષ કરાવ્યો છે તેની સામે કાંઈ કહેવા આવ્યો છું. ઘોષ મહારાજે કરાવ્યો છે અને મારી પાસે મહારાજનો જ આપેલો એનો પટ્ટો છે!’
‘શાનો પટ્ટો છે?’ મહારાજે પોતે જ પૂછ્યું: ‘આગળ આવીને બરાબર વાત કરો!’
શ્રીધર વધુ પાસે સર્યો: ‘મહારાજ! મેં બોંતેર લક્ષ દ્રમ્મ આ મહારાજના પટ્ટાધિકાર માટે રાજભંડારમાં આપ્યા છે. “રુદતીવિત્ત” મહારાજને ન લેવું હોય તો ભલે, મહારાજ દેશનાં ધણી છે, પણ તો મારા દ્રમ્મ... એનું શું? બોંતેર લક્ષ દ્રમ્મ છે, મહારાજ!’ પંચોલીએ બોંતેર લક્ષ ઉપર ઠીકઠીક ભાર મૂક્યો હતો.
‘દ્રમ્મ તમારા, શ્રેષ્ઠીજી!’ ઉદયન તરત ઊભો થઇ ગયો અને બોલ્યો: ‘પાટણના રાજભંડારમાં પડ્યા છે. જ્યારે માગશો ત્યારે તમને મળી જશે, બસ?’
પંચોલી ગાંજ્યો જાય તેવો ન હતો. વ્યવહારમાં શરમ રાખીને ઊંધી પાઘડી બાંધવા એ તૈયાર ન હતો. એણે તરત જવાબ વાળ્યો: ‘તો મહારાજ આજ્ઞા આપે, બોંતેર લક્ષ દ્રમ્મ ચૂકવી દેવાની. આ ભાંડારિકજી પણ આંહીં જ છે. આ બેઠા...’ શ્રીધરે કપર્દી મંત્રી તરફ અંગુલિનિર્દેશ કર્યો. ઉદયને કપર્દી તરફ નજર કરી પણ કપર્દી મંત્રીએ દ્રષ્ટિ જ જાણે ઝીલી નહિ. એ મંત્રીની વાત કળી ગયો હતો. પણ મહારાજ રુદતીવિત્તનો ત્યાગ કરે તો કેટલી હાનિ ભંડારને પડે એ એ જાણતો હતો. એને આ વાત અવાસ્તવિક જણાતી હતી. ઉદયને સમય ગાળવા માટે બીજી રીતે જ વાત મૂકી:
‘મહારાજ હમણાં જ આજ્ઞા આપી દેશે – કપર્દી મંત્રીને. તમારો પટ્ટો મહારાજને બતાવો...’
શ્રીધર વધારે આગળ આવ્યો. તેણે મહારાજ સામે જ પટ્ટો ધર્યો.
મહારાજે પટ્ટો લીધો. બોંતેર લક્ષ દ્રમ્મ શ્રીધરે આપ્યા હતા એનો એમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો. એના બદલામાં રુદતીવિત્ત એ લે એવો સ્પષ્ટ નિર્દેશ હતો. આ રુદતીવિત્તની પ્રથા બંધ કરવી હોય તો એ દ્રમ્મ તાત્કાલિક પાછા આપવા જોઈએ એ વાત સ્પષ્ટ હતી. એક પળભર કુમારપાલ વિચારમાં પડ્યો લાગ્યો, પણ તરત બીજી જ ક્ષણે એણે કપર્દી ભાંડારિક તરફ દ્રષ્ટિ કરી: ‘ભાંડારિકજી!’
કપર્દી ઊભો થઈને આગળ આવતો જણાયો; પણ તેટલામાં કોઈ સામંત ઊભો થઇ ગયો હતો. દેખીતી રીતે એની પાછળ અજયપાલનો હાથ જણાતો હતો: ‘મહારાજ! રુદતીવિત્તનો ત્યાગ શું કરવા કરવો પડે? રાજનું ધન એ છેવટે રૈયત માટેનો ભંડાર નથી? આવતી કાલે જુદ્ધ આવ્યું, દુષ્કાળ પડ્યો, કોઈ પરાચક્રભય ઊભો થયો. આ રુદતીવિત્ત છોડવાથી તો ભંડાર ખાલી થઇ જાય. ભાંડારિકજી શું કહે છે?’
કપર્દીએ બે હાથ જોડ્યા: ‘મહારાજ! વાત સામંતરાજની સાચી છે. રુદતીવિત્તનો ખાડો કોઈ રીતે ન જ પૂરી શકાય. છતાં રુદતીવિત્ત બંધ કરવું હોય તો કોડીએ કોડી પટ્ટાધર પંચોલીજીને ચૂકવી દેવી જોઈએ. મહારાજ વિચાર કરે!’
ઉદયનને કપર્દીની અતિશય સરળતા અત્યારે ભયંકર ઘર્ષણ કરનારી જણાઈ. મહારાજ ઘોષ ફેરવે તો પ્રતિસ્પર્ધીઓ એમાંથી વચનભંગનું મોટું કૌભાંડ ઊભું કરી શકે; ઘોષ ન ફેરવે તો તાત્કાલિક બોંતેર લક્ષ દ્રમ્મ શ્રીધરને આપવા પડે. તે મહારાજની વધુ નજીક આવ્યો: ‘પ્રભુ! આંબડ આવ્યો નથી. આવતો હોવો જોઈએ. પણ એણે સમાચાર ભૃગુકચ્છથી મને મોકલ્યા હતા.’
‘શા?’
‘કે મલ્લિકાર્જુન બહાનું શોધે છે!’
‘એટલે?’
‘એની સાથેનું જુદ્ધ અનિવાર્ય હશે, મહારાજ! અને સોરઠનું તો ઊભું થવાનું જ. કાકભટ્ટે એ સમાચાર આપ્યા છે!’
‘કાક આવ્યો?’
‘હા; આંહીં હમણાં આવશે. પણ ગમે તેમ, આપણે માથે બે જુદ્ધ ઊભાં છે એનો વિચાર કરવા જેવું ખરું. ભાંડારિકજી રીતસરનો પંચોલીજીને લેખ આપે... તો? – એમના દ્રમ્મ રાજભંડારમાં જમે પડ્યા છે એવો...’
‘પણ ભાંડારિકજી શું કહે છે?’
‘કપર્દીએ હાથ જોડ્યા: ‘શાનું પ્રભુ?’
કુમારપાલે તેને જરા નિશાની કરી, ભાંડારિક આગળ આવ્યો: ‘તમારો ભંડાર બોંતેર લક્ષ દ્રમ્મ તત્કાલ આપી દેશે?’ ઉદયને ધીમેથી પ્રશ્ન કર્યો.
કપર્દીએ એ જ જવાબ વાળ્યો: ‘મહામંત્રીજી! આપી દેશે કે નહિ એ પ્રશ્ન જુદો છે. આપવા જોઈએ. મહારાજ આજ્ઞા આપે એટલે મારે આપવાના.’
કપર્દીની એકલી સરળતાએ ઉદયનને જરાક અવ્યવસ્થિત કરી દીધો. ‘કપર્દીજી! તમારે સિક્કા સાચવવાના છે, મારે સામ્રાજ્ય. જુદ્ધ બે માથા ઉપર તોળાઈ રહ્યાં છે એ તમને ખબર લગતી નથી. આ વાત આ સૌ માટે નથી, એટલે ધીમે બોલજો.’
‘મંત્રીશ્વરજી!’ કપર્દીએ સોનાના રણકા જેવો શાંત ધીમો પણ મક્કમ જવાબ વાળ્યો: ‘હું તો રાજભાંડારિકછું. સત્તર જુદ્ધ માથે તોળાતાં હોય – ને અડધી રાતે મહારાજને નામે માણસ આવે એટલે હું ભંડાર ખાલી કરી દઉં! ભંડાર ખાલી કરાવવા માટે મહારાજે મને સોંપ્યો છે. એ ભરવાનું કામ તમારું છે! રુદતીવિત્તના દ્રમ્મ પંચોલીજીના નામે જમે છે. તમારે એ આપવા પડશે! હમણાં માગશે તો હમણાં!’
‘અથવા શ્રીધરજીને રીતસર વ્યાજ આપવું પડશે રાજે, એમ કહો ને?’
‘ના, એ હું નહિ કહું. રાજભંડારી એમ ન કહી શકે. નાગરિક પોતે એ વ્યવસ્થા માગી શકે ખરો!’
ઉદયન, કપર્દી મંત્રી ને કુમારપાલ એ ત્રણેની વાત શ્રીધર એક-ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેને પોતાનો ઘા મારવાનો સમય આવી ગયો જણાયો. તેણે ચાલતી વાતમાં મોટેથી, પણ રાજા ને બંને મંત્રીઓ સાંભળે એટલા જ મોટાં અવાજમાં મક્કમપણે કહ્યું: ‘મંત્રીશ્વરજી! મહારાજના નામને સોલાક ગવૈયાએ વગોવ્યું છે. રાજપુત્ર ત્યાગભટ્ટે વગોવ્યું. તમે એમાં હવે વધારો કરવા રહેવા દેજો. રાજભંડાર તો અખૂટ હોય. એ વાણિયા વેપારીની વખાર નથી...’
અચાનક જ કુમારપાલ સિંહાસન ઉપર બેઠા જેવો થઇ ગયો હતો. એણે મોટે અવાજે સૌ સાંભળે તેમ બોલવાની તૈયારી કરી હોય તેમ જણાયું.
ઉદયન બે હાથ જોડીને જરાક ધીમે અવાજે બોલ્યો: ‘મહારાજ! આંબડ આવતો લાગે છે... એ આવે...’
દૂરથી એક જુવાન સૈનિકને આવતો મહારાજે દેખ્યો પણ ખરો.
મલ્લિકાર્જુનનું જુદ્ધ આવવાનું જ છે, વાત આમ્રભટ્ટ પાસે પાકે પાયે હોવી જોઈએ એમ ઉદયન કહેવા માંગતો હતો, પણ મહારાજે ઉદયન તરફ મૌન રાખવાની નિશાની કરતો હાથ કર્યો: ‘નગરજનો!’ મહારાજનો સ્પષ્ટ મોટો અવાજ આવતાં એકદમ જ ગઢ નીરવતા વ્યાપી ગઈ. મહારાજ કુમારપાલનો અવાજ જાણે ગગનમાંથી આવતો જણાયો. ‘રુદતીવિત્ત ગુજરાતભરમાં આજથી બંધ છે. ભાંડારિકજી! બોંતેર લક્ષ દ્રમ્મ શ્રીધર પંચોલીને એ હમણાં માંગે તો હમણાં ને હમણાં જ ચૂકવી દો. એ આપીને રુદતીવિત્ત બંધ કર્યાનો ત્રિલોચન ફરી ઘોષ કરાવશે. રાજ-અન્ન ત્યાર પછી લેવાનું મારે નીમ છે!’ આખી સભા સ્તબ્ધ થઇ ગઈ.
મહારાજના મક્કમ અવાજમાંથી આજ્ઞાવાહી સ્વરનો એવો રણકો ઊડતો હતો કે અત્યારે કાંઈ પણ બોલવામાં હવે અતિરેકની પરાકાષ્ઠા થશે એમ સૌને જણાઈ ગયું. એટલામાં તો મહારાજ ઊભા પણ થઇ ગયા હતા. મહારાજ ઊભા થતાં જ હડુડુ કરતી સભા પણ ઊભી થઇ ગઈ. સૌની નજર મહારાજના હાથ ઉપર પડી. બે હાથથી મહારાજ શ્રીધર પંચોલીનો પટ્ટો ફાડીને એના ફરફરિયાં કરી રહ્યા હતા!
મંત્રીઓ, સામંતો, શ્રેષ્ઠીઓ અને જનસમુદાય –તમામ મહારાજ કુમારપાલના આ અકલ્પ્ય પગલાથી જાણે એક ક્ષણ સ્તબ્ધતા અનુભવતા હોય તેમ યંત્રવત સ્થિર થઇ ગયેલા જણાયા. એટલામાં ગગનવીંધતી એક ગૌરવભરેલી સ્વરાવલિ સૌને કાને પડી. જુએ છે તો કુબેરશ્રેષ્ઠીના ભવ્ય પ્રાસાદના દ્વારમાંથી એક તેજસ્વી સાધુની વાણી આવી રહી હતી. કલિકાલસર્વજ્ઞ પોતે ત્યાં ઊભાઊભા મહારાજ કુમારપાલના પ્રશસ્તિગાન કરી રહ્યા હતા.
તરત મહારાજના નામનો એક જયઘોષ ઊઠ્યો. મહારાજ પોતે બે હાથ જોડીને હેમચંદ્રાચાર્યની વાણીને જાણે નત મસ્તકે ઝીલી રહ્યા હતા. કલિકાલસર્વજ્ઞની વાણી બંધ થતાં જ રાજસભામાં એક મોટો કોલાહલ ઊઠતો જણાયો; પણ એ કોલાહલની ઉપરવટ જઈને એક સ્પષ્ટ ધનુષટંકારી અવાજ સંભળાયો: અને ફરીને ઘડી શાંતિ થઇ ગઈ.
કવિ રામચંદ્ર ત્યાં રાજસભામાં ઊભેલા જણાયા. એમની વાણીમાંથી ગર્વિષ્ઠ અને ગૌરવશીલ કવિપ્રતાપનો પડઘો ઊઠી રહ્યો હતો. એક હાથ ઉંચો કરીને તેઓ પોતાની કવિતાનું ગાન કરી રહ્યા હતા. તેમણે રાજાને રાજપિતામહ ગણાવ્યા જેને સભાએ ઝીલી લઈને એજ શબ્દનો પ્રતિઘોષ આપ્યો.