રાજર્ષિ કુમારપાલ - 4 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજર્ષિ કુમારપાલ - 4

ગોત્રદેવીનું ભોજન!

કુમારપાલને શયનખંડમાં પછી નિંદ્રા આવી શકી નહિ. તે પ્રભાતની રાહ જોતો પડખાં ફેરવતો રહ્યો. એને મનમાં દ્રઢ નિશ્ચય થઇ ગયો હતો: ‘રુદતીવિત્ત એ મહાભયંકર અમાનુષી વસ્તુ છે. એની વાત એ મંત્રીસભામાં મૂકે તો કોઈ એ સ્વીકારે એ અશક્ય હતું. અર્ણોરાજને પણ એટલા માટે જ એણે વાત કરી ન હતી. એણે પ્રભાતમાં જ ડિંડિમિકાઘોષ કરવી દેવાનો સંકલ્પ કરી લીધો. એની આંખ બે ઘડી મીંચાઈ ગઈ. 

રાજા જાગ્યો ત્યારે પહેલું કામ જ એણે એ કર્યું. પોતે જાતે જ ત્રિલોચનને એ આજ્ઞા આપી દીધી. તૈયાર થઈને પછી એ પૌષધશાળામાં જવા નીકળ્યો. એને દેવબોધની વાતનું આશ્ચર્ય થયું હતું. તેમ મનમાં હર્ષ પણ થયો હતો. સુવર્ણસિદ્ધિ હેમચંદ્રાચાર્યે પ્રાપ્ત કરી કહેવાતી હતી એની પણ કાંઈક સનસા એ આજે આ વાત-વાતમાંથી મેળવી શકશે. અને – એ તો એનું વિક્રમી સ્વપ્ન, સામ્રાજ્યને અનૃણી કરવાનું પણ સિદ્ધ થશે. એના મનમાં ઉત્સાહ-ઉત્સાહ વ્યાપી ગયો. તે હેમચંદ્રાચાર્યની પૌષધશાળા ભણી ગયો. 

આ તરફ પાટણના લોક હજી જાગીને પોતપોતાના કામે વળગવાની તૈયારી કરી રહ્યા હતા. એટલામાં રતનપોળ જેવા પાટણના સૌથી સમૃદ્ધ લત્તામાં આટલો બધો કોલાહલ સાંભળીને સૌ આશ્ચર્યમાં પડી ગયા. કુબેરશ્રેષ્ઠીના મહાન પ્રાસાદની સામે દુર્ગપાલ ત્રિલોચનને અત્યારમાં કેટલાંક ઘોડેસવાર સૈનિકો સાથે આવેલો જોઇને અનેકના મનમાં શ્રેષ્ઠી વિશે સંભળાતી વાત સાચી થઇ કે શું એવી શંકા જન્મી. કોઈ બહાર આવ્યા. કેટલાક અગાશી ઉપરથી જોવા લાગ્યા. કેટલાકે બારીમાંથી બારીક નજર રાખવા માંડી.

દુર્ગપાલ ઘોડા ઉપરથી ઊતર્યો, પણ એણે જેવો અંદર પ્રવેશ કર્યો-ન-કર્યો ને તે તરત જ પાછો ફરી ગયો. એટલે વળી લોકકુતૂહલ વધી પડ્યું. એની પાછળ જ વ્યગ્ર અને ગુસ્સાભર્યો પંચોલી શ્રીધર પોતાના માણસો સાથે પ્રાસાદમાંથી બહાર આવી રહ્યો હતો. 

‘પણ ત્યારે અમારે આ પટ્ટાને શું ધોઈ પીવો?’ પંચોળી ઉતાવળે-ઉતાવળે બોલી રહ્યો હતો: ‘દ્રમ્મ બોંતેર લક્ષ તમને આપવા ક્યે આંબેથી? અત્યારે ને અત્યારે જો તપાસ કરી નોંધ કરવામાં ન આવે તો-તો પછી થઇ રહ્યું! પાટણની સ્ત્રીઓ કાંઈ એવી ઘેલી નથી કે અમારા હાથમાં પછી એક કપર્દિકા પણ રહેવા દે? આ મહારાજની રાજમુદ્રા એની પાસે આવે જ ક્યાંથી? કોઈ અઠંગ ઉઠાવગીર ખાપરા-કોડિયા જેવા રાજમહાલયમાં બેઠા હોય તો ભલે! તો આ બને! રુદતીવિત્તનો સ્પષ્ટ કિસ્સો છે. શ્રેષ્ઠીજીની સાત પેઢીમાં દોઢ દીનું કોઈ છોકરું પણ જીવતું નથી, પછી આ વિલંબ શા માટે?’

‘શ્રીધરજી!’ ત્રિલોચને શાંતિથી કહ્યું: ‘હું મહારાજ પાસે જ જાઉં છું. તમે જરા ધીરજ રાખો ને! શું કરવા ઉતાવળા થાઓ છો? ઘીના ઠામમાં ઘી પડી રહેશે.’

‘એ કહેવું સહેલું છે, દુર્ગપાલજી! પણ પાટણમાં એમ  હંમેશાં વાંઝિયા મરતાં નથી. અને બહુ વાંઝિયા પાતળમાં થતાં પણ નથી. નારી પાટણની ફૂલવેલ માફક ઘરને ભરી દે છે. માંડ આ એક ઘર નીકળ્યું – ત્યાં આ રાજમુદ્રાનું કાઢ્યું!’

‘પંચોલીજી!’ દુર્ગપાલે પોતાના ઘોડા ઉપર સવાર થતાં કાંઈક કરડાકીથી કહ્યું: ‘રાજધ્વજ, રાજધર્મ ને રાજમુદ્રા – અમારી સમક્ષ એમનું ગૌરવભંગ ન હોય હો! તમે પટ્ટણી છો, તમને આ કહેવાનું ન હોય. અમારો સૈનિકધર્મ રાજમુદ્રાને માન આપવાનો.’

‘તમારી વાત સોળ વાલ ને એક રતી છે, દુર્ગપાલજી! પણ મને આ રાજમુદ્રા જ બનાવટી લાગે છે!’

‘તે હમણાં ખબર...!’ ત્રિલોચન ઝપાટાબંધ પોતાના માણસો સાથે રાજમહાલય તરફ ઊપડી ગયો. પંચોલીએ પણ આંહીં માખો મારવા કરતાં રાજમહાલયને બારણે જ ધા નાખવામાં સાર જોયો. છેવટે ન્યાય તો ત્યાંથી આવવાનો હતો, એટલે એ પણ પાછળ દોડ્યો. 

ત્રિલોચન રાજમહાલયમાં પહોંચ્યો. તેને અર્ણોરાજ જ મહાલયમાંથી બહાર આવતો સામો મળ્યો: ‘અરે! આનકરાજજી! મારો સંદેશો મહારાજને પહોંચાડશો?’

‘મહારાજ તો હમણાં જ ગયા.’

‘ક્યાં?’

‘સૂરિજીની પૌષધશાળાએ.’

‘અત્યારમાં?’

‘હવે, ભાઈ! રાજ અપાશરામાંથી હાલવાનાં છે – આંહીથી નહિ, ત્રિલોચનપાલજી! હું પણ એટલા માટે જ આવ્યો હતો...’ 

ત્રિલોચને ઉતાવળે પાછળ જોયું. પાછળ સોનેરી સુખાસનમાં બેઠેલા એક સાધુ ઉપર એની દ્રષ્ટિ પડી. એનો કડક, જરા ક્રોધ ભર્યો, છતાં એકદમ આકર્ષક એવો ચહેરો નજરે પડતા એ જરાક ક્ષોભ પામી ગયો. કંટેશ્વરીના મહંત ભવાનીરાજા સાથે એને મનમેળ ન હતો એ એણે ખબર હતી, છતાં તેણે તો ભક્તિથી તરત બે હાથ જોડ્યા અને એને નમન કર્યું: ‘અરે, પ્રભુ!... આપ છો? મહારાજ તો મહાર રાજપાટિકામાં છે...’

‘મહારાજ નથી નાં?’

સવાલ અર્ણોરાજતરફ મુકાયો હતો. એટલે એ પોતે જ હાથ જોડીને આગળ આવ્યો: ‘હા પ્રભુ! સૂરિજીની પૌષધશાળાએ હમણાં જ ગયા.’

‘એટલે અમારે હવે ધોળામાં ધૂળ નાખવી રહી! મહારાજને મળવું હોય તો પૌષધશાળામાં જવું, કેમ?’ અર્ણોરાજ મહંત સાધુની વધારે નજીક આવ્યો. ત્રિલોચનપાલ તો આટલી વધુ માહિતી મળતાં તરત જ બે હાથ જોડી નમન કરતો પૌષધશાળાએ જવા ઊપડી ગયો. 

‘આનકજી!’ ત્રિલોચનને ગયેલો જોઈ ભવાનીરાશિએ ધીમા, મક્કમ, શાંત પણ કડક અને આગામી ભયસૂચક અવાજે કહ્યું: ‘તમે મહારાજના મસિયાઈ છો. તમે કહેશો તો એ માનશે, આનું પરિણામ સારું નહિ આવે હો! કલિયુગમાં પ્રત્યક્ષ દેવી એક જ રહી છે – ભવાની. માતા કંટેશ્વરી ચૌલુક્યોની ગોત્રદેવી છે. પરંપરાથી અશ્વિન માસમાં નવરાત્રિના તહેવારોમાં માતાને ભોગ ધરાવતા આવ્યા છે.’

‘પણ પ્રભુ!’

‘રાખ-રાખ! તારે શું કહેવું છે એ હું જાણું છું.’ ભવાનીરાશિએ ઉતાવળે જવાબ વળ્યો ને આનકને ઠપકાભર્યો તુંકારો કર્યો. એની વૃદ્ધ કાયામાંથી આવતો એ તુંકારો શોભી ઊઠ્યો: ‘પણ જો...’ ભવાનીરાશિનો અવાજ વધારે ઊંચો થયો. સૃષ્ટિના હંસ નથી. બકરાં ને પાડા તો વધેરાતાં આવ્યાં છે, ગોત્રદેવીને એટલું ભોજન આપો છો ને શોણિત વહે છે, તો પ્રજા શોણિતથી ડરતી નથી. ત્રણત્રણ પાડાને એક બાણે વીંધનારો ધાર પરમાર ત્યાં બેઠો છે, તો અર્બુદઘાટીમાંથી કોઈ ચકલુંય આ બાજુ ફરી શકે છે ખરું? શોણિતથી આમ બીશો તો પછી રાજ કરી રહ્યા! ધાર પરમાર આંહીં છે, તું છે, સોમેશ્વરજી છે. ઉદયન મંત્રીશ્વર છે – ભલે ને એ જૈન રહ્યો તેથી શું?’ રાજનીતિને તો જરૂરિયાત એ ધર્મ. ભેગા થઈને મહારાજને સમજાવો. માતાજીના ભોગનો નિષેધ મહારાજે કહેવરાવ્યો છે, પણ એના પરિણામની કોઈને ખબર છે?’ ભવાનીરાશિની આંખમાંથી ઉગ્ર તેજ પ્રગટતું અર્ણોરાજે જોયું. એને દેવબોધવાળી વાત અચાનક સાંભરી ગઈ. તે વહેમી ન હતો, પણ એ જમાનાથી પર ન  હતો. તેણે બે હાથ જોડ્યા: ‘પ્રભુ! હું મહારાજને વિજ્ઞપ્તિ તો કરી જોઇશ!’

‘કરી જોજે, ભાઈ! તને સારું લાગે તો. હું તો ચૌલુક્યોની ગોત્રદેવીનો મહંત છું. મારો ધર્મ સ્પષ્ટ છે – એમની રક્ષા કરવાનો. એટલે હું તો પૌષધશાળામાં માનભંગ સહીને પણ મળવા તો જઈશ. હમણાં જાઉં છું, પણ આ તો તને કહી રાખું છું. રજપૂતી રંડાશે તો દેશ રંડાશે, ધ્યાન રાખજો! ને ધર્મ રંડાશે તો રાજપૂતી રંડાશે! અને જો ત્રિશૂલધારિણી એક વખત હાથમાં ત્રિશુલ લેશે –’  ભવાનીરાશિનો અવાજ ધીમો પણ વધારે મક્કમ અને ભયજનક બની ગયો. અર્ણોરાજ ભાવિ અમંગલની કલ્પનાથી ધ્રૂજી ઊઠ્યો. ત્યાં મહંતે પૂરું કર્યું: ‘પછી તારો કોઈ સાધુડો આડે હાથ દઈ શકવાનો નથી! લૂતારોગથી વંશોચ્છેદ થઇ જશે પાવળું પાણી પાનાર એક બે દીનું બચલુંય પછી પાછળ નહિ હોય! તું સમજાવજે-સમજાવજે. હું તો જાઉં છું કહેવા...’

પણ એટલામાં અચાનક આવતા ડિંડિમિકાઘોષે બંને સફાળા ચોંકી ઊઠ્યા. ઘોષ આવી રહ્યો હતો: ‘ગુર્જરજનો! સાંભળજો હો! આજથી આખા ગુર્જરસામ્રાજ્યમાં રુદતીવિત્તને રાજભંડારમાં લાવવાની ગુર્જરેશ્વર મહારાજ કુમારપાલ મના કરે છે. નગરજનો હો! આનંદો! આનંદો! રુદતીવિત્ત મહારાજને હવે ખપતું નથી!’  

આકાશમાંથી જેમ અચાનક સોનેરી રજ વરસવા માંડે અને માણસો ઘેલાઘેલા થઇ જાય. તેમ ડિંડિમિકાઘોષ સાંભળવા ઠેકાણેઠેકાણેથી માણસો ઊભરાઈ રહ્યા હતા! અચાનક જ અણકલ્પેલો આ ઘોષ આવ્યો હતો. 

મહરાજના આ પગલાને હર્ષનાદે વધાવી લેનારાઓ રસ્તા ઉપર આનંદપોકાર પાડી રહ્યા હતા, તો આ પગલાને ઠંડી ઉપેક્ષાથી ઘૃણાસ્પદ દ્રષ્ટિએ જોનારા સૌનિકો, રજપૂતો, બ્રાહ્મણો, સામંતો ને શૂરવીરો રસ્તામાં એક તરફ મોં રાખીને, કાખમાં તલવાર દબાવી, ગુપચુપ અંદર-અંદર રાજાના આત્મઘાતી પગલાંને દેશ ડુબાડી દેશે એમ વાતો કરતાં પણ સંભળાતા હતા. જાણે કે આ ઘોષ થતાં જ નહોતાં ત્યાંથી બે સ્પષ્ટ વર્ગો અસ્તિત્વમાં આવ્યા હોય.

ભવાનીરાશિએ એક અર્થભરી દ્રષ્ટિ અર્ણોરાજ તરફ નાખી: ‘આનકજી! રાજભંડાર તો ખાલીખમ થશે પછી દેશને રાજા રક્ષી રહ્યા! વાણિયા વેપારીમાં વાંઝિયા વધુ મરે, એટલે આ ઉદયનમંત્રીએ ગોઠવ્યું લાગે છે! ઠીક છે, જુઓ, તમારી રાજરીત ક્યાં જઈને અટકે છે તે!’

ભવાનીરાશિએ ભોઈઓને સુખાસન ઉપાડવા આજ્ઞા કરી પણ એટલામાં તો દૂરથી મહારાજનો ગજરાજ જ એણે આ તરફ આવતો દીઠો. તે ત્યાં થોભી ગયો. 

રાજપાટિકામાં ફરીને મહારાજનો નાનાં સરખા ડુંગર જેવો કલહપંચાનન આવી રહ્યો હોય તેમ લાગ્યું. સાંભરજુદ્ધનો એનો ગર્વ હવે રહ્યો ન હતો, પણ એને સ્થાને એનામાં અનોખા પ્રકારનું ગૌરવ આવ્યું હતું. એ રાજહસ્તિ માટીને જાણે મહારાજનો મિત્ર થઇ ગયો હતો. સોનેરી-રૂપેરી ઘંટડીઓના નાદને એક જાતના રાજવૈભવી ગૌરવથી જાણે સાંભળતો હોય તેમ ગજરાજ ધોમાં પગલે આવી રહ્યો હતો. રસ્તામાં આસપાસથી મહારાજ કુમારપાલનો જયઘોષ ઊપડતો હતો એને એ સમજતો હોય તેમ આખે રસ્તે સૂંઢ ઊંચી કરીને એ જાણે એમાં પોતાનો સૂર પુરાવી રહ્યો હતો. પોતાના તેજસ્વી વાજી ઉપર એની આગળ ત્રિલોચન આવી રહ્યો હતો. 

ગજરાજ પાસે આવ્યો. ભવાનીરાશિ કુતૂહલથી અને કાંઈક ક્રોધથી, થોડી ઠંડી ઉપેક્ષાથી એની સામે જોઈ રહ્યો. મહારાજ કુમારપાલ ત્યાં ન હતા, પણ સોનેરી હોદ્દામાં ગ્રંથો બિરાજ્યા હતા અને મંત્રીશ્વર ઉદયન એને બહુમાન કરતો છત્ર ધારીને પાછળ બેઠો હતો. રાશિની દ્રષ્ટિ એ તરફ સ્થિર થઇ. 

રાશિને નવાઈ લાગી. ત્યાં પાસે આવતાં ઉદયને માથું નમાવીને રાશિને નમન કર્યું. પ્રેમભરપૂર વાણીમાં કાંઈક નવી વાત કહેતો હોય તેમ તે બોલ્યો: 

‘પ્રભુ! મહાલયમાં આ વખતે આ નવે દિવસ “સરસ્વતીસત્ર” મહારાજ આરંભે છે, મહંતજી! આ ગ્રંથો એટલા માટે અમે લાવ્યા છીએ!’    

ભવાનીરાશિ કાંઈ જવાબ આપે તે પહેલાં તો પંચોલી શ્રીધર મહારાજના ગજરાજ પાસે આવી પહોંચ્યો હતો. તેણે ઉતાવળે વ્યગ્ર અવાજે મંત્રીને કહ્યું: ‘મંત્રીજી! આ તો ચોખ્ખો વચનદ્રોહ થાય છે! આમ તે કાંઈ હોય? રુદતીવિત્ત મહારાજ છોડી શકે છે, ભલે રાજભંડાર તળિયાસાફ થઇ જાય, એ જોવાનું મહારાજને છે, પણ અમે પટ્ટો કર્યો છે તેનું શું? મહારાજને અમારે  બોંતેર લક્ષ ભરવાનાં છે. કોઈ વંશહીન જાય કે ન જાય, પણ રુદતીવિત્ત લેવાનું જ  હોય તો અમે એ દ્રમ્મ ક્યાંથી આપીએ? આ તો ગુજરાતદેશમાં નવીનવાઈની વાત ચાલી છે! રુદતીવિત્ત આજ દી સુધી તો કોઈએ છોડ્યું નથી. તમારી તો રાજરીતી દી ઊગે છે ને નવી વાત લાવે છે! અમારે વેપારીને કરવું શું?’ ઉદયન પણ વિચારમાં પડી ગયો હતો. એણે નિશ્ચય કરી લીધો, કલહપંચાનનને જરાક હાથસ્પર્શ કર્યો. હાથી આગલા પગભર થઇ ગયો. મંત્રીએ નીચાં વળીને પંચોલીને પાસે બોલાવ્યો: ‘ક્યાં છે પટ્ટો તમારો?’

પંચોલીએ ઉદયનના હાથમાં એક વસ્ત્રલેખ મૂકી દીધો: ‘આ રહ્યો, પ્રભુ! અમારે બોંતેર લક્ષ દ્રમ્મ આપવાના છે, જો રુદતીવિત્ત પ્રથા ચાલુ રહે તો...’

‘એમ કરો પંચોલીજી! રાજસભામાં જ મેં આવી જાઓ. તમારી વાત ન્યાયની છે, ત્રિલોચનજી! આ ઘોષ કરવાની મહારાજે પોતે આજ્ઞા આપી છે?’ ઉદયને ત્રિલોચનને પૂછ્યું.

‘મહારાજની આજ્ઞા વિના કોઈ ઘોષ થાય છે જ ક્યાં પ્રભુ?’ ત્રિલોચને બે હાથ જોડીને કહ્યું? ‘રાજમુદ્રા પણ મહારાજની છે. એમણે ખાતરી આપી, પછી શું થાય?’

મંત્રી અનુત્તર થઇ ગયો. એને પણ આવી વાત સ્વપ્નમાં ન હતી.મહારાજે એને કોઈક વખત પૃચ્છા કરી હતી, પણ આટલો તાત્કાલિક નિર્ણય મહારાજ કરી લેશે એ વિશે એણે શંકા જ નહિ થયેલી, નહિતર એ પોતે જ આ વાતનો વિરોધ કરત. એને પણ લાગ્યું કે આમ તો રાજ ન જ ચાલે.’

હવે તો એક જ ઉપાય રહ્યો હતો – રાજસભામાં પંચોલી આવે ને મહારાજ નિર્ણય ફેરવે તો.

તેણે પંચોલીને એ જ વાત ફરીને કહી: ‘પંચોલીજી! તમે રાજસભામાં આવો!’

પંચોલીજી નમીને ગયો. ભવાનીરાશિ અત્યાર સુધી શાંત હતો. તેણે કરડાકીથી કહ્યું: ‘મંત્રીજી! ગોત્રદેવીના ભોજનની વાત પણ રાજસભામાં કરવાની હશે?’

ઉદયન મીઠું હસ્યો, ‘અરે પ્રભુ! એ કહેનાર હું કોણ?’ અને પછી અત્યંત ઠંડો પ્રહાર કર્યો: ‘મહારાજ તો ગોત્રદેવીને ભોજનમાં પણ આ જ આપે તેવા છે!’ તેણે ગ્રંથો તરફ અંગુલિનિર્દેશ કર્યો: ‘સરસ્વતીની વાણી શ્રવણે પડે એ જ ગોત્રદેવીનું ભોજન.’

પ્રત્યુતર ન આપતાં ભવાનીરાશિએ આકરા અવાજે ભોઈઓને કહ્યું: ‘સુખાસન ઉપાડી લ્યો, અલ્યા! હવે રાજા પોતે આવશે ત્યાં – એને ગરજ હશે તો!’

અને એ ઉતાવળે ત્યાંથી ચાલી નીકળ્યો. ઉદયન એને જતો જોઈને બે હાથ જોડીને નમી રહ્યો હતો; પણ એ નમન હજાર શસ્ત્ર કરતાં પણ ભયંકર હતું. રાશિ ઊભો ને ઊભો જાણે અગ્નિજ્વાળામાં ચાલી રહ્યો હતો.