પ્રેમ સમાધિ
પાર્ટ – 36
કલરવ બોલી રહેલો અને વિજય ટંડેલનાં મોબાઈલ પર રીંગ આવી સામેથી છોકરીનો ફોન હતો. એ બોલી “પાપા... પાપા... તમે હજી લેવા આવ્યાં નહીં ? નાનીનાં ઘરે મારે નથી રહેવું મને લઇ જાવ. મમ્મીનાં ગયાં પછી મને ખુબ એકલું લાગે છે મને દમણ લઇ જાવ”.
વિજય ટંડેલ ફોનથી ડીસ્ટર્બ થયો હોય એવું લાગ્યું એણે કહ્યું "ઍય બચ્ચા મને પણ તારાં વિના નથી ગમતું હું થોડો કામમાં હતો મેં તારાં ભાઈ સુમનને કહ્યું છે એ તને લઇ આવશે કાલેજ તું મારી પાસે હોઈશ. હમણાં ઘણાં સમયથી હું... કંઈ નહીં બીજી વાત પછી કરીશ તું અહીં આવી જા. અહીં આ બંગલો પણ ખાવા ધાય છે... તું ચિંતા ના કર બધી વ્યવસ્થા મેં કરી લીધી છે કાલે મારી પાસે હોઈશ ઓકે ? લવ યુ દીકરા... ગુડનાઈટ” કહી ફોન મુક્યો.
કલરવ ધ્યાનથી પણ આશ્ચર્યથી વિજય ટંડેલને સાંભળી રહેલો. એને મનમાં થયું શું ચાલે છે બધું ? એમની દીકરી પોરબંદર છે ? એને હજી હવે અહીં બોલાવે છે ? એમનાં પત્નિને શું થયું હશે ? સુમન એટલે મારો દોસ્ત એ અહીં આવશે ?એનાં ચહેરાં પર ખુશી છવાઈ...
વિજયે જોયું બોલ્યો... “સુમન તારી સાથે હતો ને ? એ મારો ભાણો છે મારી દીકરી એનાં ત્યાં છે એની નાની પાસે મારી પત્ની એક્સીડેંટલી ગુજરી ગઈ... પણ હું પોતે... મારી પરિસ્થિતિ પણ ખુબ વિકટ હતી હું માંડ સાજો થયો ત્યારે પોરબંદર જવું પડ્યું અહીં દમણનાં ઘરમાં કામ ચાલતું હતું... મારી પત્નીને કરંટ લાગેલો અને એ... એને પણ અપમૃત્યુ મળ્યું પોરબંદરનું ઘર મારું સ્મશાન થઇ ગયેલું શોર્ટસર્કીટથી આખું ઘર બળી ગયું એમાં મારી પત્નિ... દીકરી એનાં મામાનાં ઘરે હતી બચી ગઈ...”
“અહીં હું બચી ગયો મારાં રાઇવલ્સ... દુશ્મનો મારુ પત્તુ કાપવાની વેતરણમાં હતાં. મારાંજ માણસોએ મને દગો દીધો... મારાં ખાસ માણસ નારણ -શંકરનાથ ભુરીઓ કોઈનો સંપર્ક ના થયો... મને હોસ્પીટલમાં એકવાર નારણ મળવાં આવ્યો ત્યારે જાણ થઇ કે ભૂરો અને શંકરનાથ બંન્ને ગાયબ છે. મારાં જાણવા પ્રમાણે ભૂરો ગોળીનો શિકાર થયેલો... શંકરનાથ અને નારણ છૂટાં પડી ગયાં હતાં. નારણે બધાં સમાચાર આપ્યાં. કાલે નારણ અહીં આવશે... તારી મુલાકાત થશે...”
કલરવે કહ્યું “નારણ અંકલનું નામ મેં સાંભળ્યું છે. પાપાનાં મોઢે પણ એમનો નંબર મારી પાસે નહોતો પાપાએ ફોન આપેલો એમાં પણ નહોતો. કોઈ અજાણ્યાં નંબરથી કાયમ ફોન આવતો પછી એ નંબર પણ બંધ થઇ ગયેલો. નારણ અંકલને ખબર નથી પાપા ક્યાં છે ?”
વિજયે કહ્યું “તપાસ ચાલુ છે એ ચોક્કસ છે કે એ જીવે છે એવું મારું દીલ કહે છે તારા પાપા ખુબ હુંશિયાર અને બહાદુર છે સાથે પ્રામાણિક... એમનાં કારણે હું ઘણીવાર બચ્યો છું અને ખુબ પૈસા કમાયો છું એ બધી ધંધાની અને વ્યવહારની વાતો છે મને એ એક માણસ... વ્યક્તિ તરીકે ખુબ ગમતાં. મને ખુબ માન છે. એક તો તમે બ્રાહ્મણ... એ મારો એકનો એક ભૂદેવ મિત્ર... ઉંમરમાં મારાંથી થોડાં મોટાં એટલે મને ઘણીવાર શીખ આપી છે મારાં કામ કર્યા છે.”
“તારાં પાપાની તપાસ ચાલુ છે બરાબર છ મહિનાં થયા એમનાં ગુમ થયે અને તારું અહીં આવવું મને એનો આનંદ છે તું અહીં આવી ગયો... તને મારું અહીંનું સરનામું કોણે આપ્યું ?”
કલરવે કહ્યું “અંકલ હું સુરત સ્ટેશન ઉતર્યો... ત્યાંથી ક્યાં જવું ખબર નહોતી. પાપા સુરત ગયાં હતાં એજ ખબર હતી હું એમની પોસ્ટ ખાતાની મેઈન ઓફીસમાં ગયેલો ત્યાં પટાવાળાની મદદથી સાહેબ પાસે ગયો પાપા વિશે પૂછ્યું એમણે મારી સાથે બરાબર વાત પણ ના કરી મને કહે તારાં પાપાએ રાજીનામું આપ્યું છે ક્યાંક ડુમસમાં છેલ્લે જોયેલાં અહીં ઓફીસમાં કોઈ જાણકારી નથી... અંકલ હું ખુબ નિરાશ થઇ ગયેલો..”. ત્યાં રૂમમાં એક ચાકર આવ્યો બારણું ખખડાવી -ખોલીને અંદર આવ્યો એનાં હાથમાં ટ્રે હતી એમાં બે કપ કોફી અને નાસ્તો હતો. એ ઉંમર લાયક દેખાતાં હતાં. કલરવે કહ્યું “થેંક્યુ અંકલ..”.
વિજય ટંડેલે હસીને એ વૃદ્ધ ચાકરને કહ્યું “મણીકાકા બીજા કોઈને મોકલવો હતોને... આ મારાં પરમમિત્ર શંકરનાથનો દીકરો છે કલરવ..”.
મણીકાકાએ હસીને કહ્યું “શેઠ હું સમજી ગયો કે કોઈ ખાસ નો દીકરો છે... અત્યારે લાલપરીની જગ્યાએ કોફી મંગાવી થોડી નવાઈ લાગી પણ બરાબર કર્યું...”
વિજયે હસીને કહ્યું "હાં કાકા અત્યારે લાલ પરીની જરૂર નથી... દીકરા સાથે વાત કરવી છે ઘણી.. હવે તમે આરામ કરો.”. “ભલે” કહીને ચાકર મણીકાકા ગયાં .
કલરવે લાલપરી સાંભળ્યું નવાઈલાગી... વિજયે હસતાં હસતાં કહ્યું “કાકાએ વ્હીસ્કીની વાત કરી હું રાત્રે એજ પીતો હોઉં છું પણ તને કંપની આપવાં કોફી મંગાવી... ધીમે ધીમે બધું તને સમજાય જશે હવે તારે મારી સાથેજ રહેવાનું કામ કરવાનું છે આમ પણ તારો મિત્ર સુમન પણ આવી જશે.”
કલરવે થોડીકવાર અટકીને કહ્યું "અંકલ મારે આગળ ભણવું છે... તમે કહેશો એ કામ કરીશ પણ ભણવું છે મેં નક્કી કરેલું કે હું આગળ ભણીશ પણ વિધાતાએ બધું વેરવિખેર કરી નાંખ્યું..”.
વિજયે કહ્યું “તારે ભણવું હશે તો ભણાવીશ પણ ભણીનેય કામ તો પૈસા માટેજ કરવાનું છે ને ? અત્યારે કામે લાગી જઈશ તો ખુબ પૈસા કમાઈશ પણ તારી જે ઈચ્છા હશે હું પુરી કરીશ.”
કલરવે કહ્યું "પૈસા ખુબ મહત્વનાં છે એનાં વિનાં સુખ ક્યાં છે ? પણ આનંદ ભણવામાં આવે છે મારાં પાપા મને ક્યાંક બહાર મોકલી ભણાવવાં માંગતાં હતાં... પણ અત્યારે તો એ ક્યાં છે એજ નથી ખબર...”
વિજય સાંભળી રહેલો... એણે મોબાઈલથી ફોન જોડ્યો અને બોલ્યો “નારણ બંગલે આવી જા...”
વધુ આવતાં અંકે - પ્રકરણ -36