લલિતા - ભાગ 17 Darshini Vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લલિતા - ભાગ 17

લલિતમાં ઘણાં બદલાવ લાવવા પડશે એ અર્જુન સમજી ગયો હતો. અને તે પણ જાણી ગયો હતો કે આ કામ તેના સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી.

લલિતાને મૂકીને અર્જુન ઘરે આવે છે. થોડા દિવસોમાં લગ્નના કાર્ડ છપાઈને આવી જાય છે. અર્જુન અમુક કાર્ડ લઈને તેના મિત્રો અને સહ કર્મચારીઓને આપવા જાય છે. પણ વચ્ચેના દિવસોમાં એ પણ આટલા અંદરના ગામ સુધી આવે કોણ? એટલે અર્જુને કોઈને વધુ આગ્રહ કર્યો નહીં. તે નિરાશ હતો કેમ કે દરેક જણને એવું હોય છે કે તેમના મિત્રો લગ્નમાં હાજર રહે પણ અર્જુન તે બાબતે લકી ન હતો.

ઘરે આવીને અર્જુને પોતાની ઈચ્છા ઘરવાળાઓ સમક્ષ વ્યક્ત કરતાં કહ્યું, ' મારા કૉલેજના મિત્રો, સહ કર્મચારીઓ, બિલ્ડીંગમાં રહેતાં અને અડોશ પડોશનાં લોકો લગ્નમાં આવશે નહીં તો મારી ઇચ્છા છે કે લગ્ન બાદ આપણાં બિલ્ડીંગની ટેરેશમાં જમણવાર રાખીએ. હું બધાંનાં લગ્નમાં જઈ આવ્યો છું અને જો હું તેમને નહીં જમાડું તો સારું નહીં લાગે.'

'એટલે શું રીસેપ્શન રાખવા માંગે છે!' જ્યંતિભાઈ ટૉન મારતાં હોય એમ બોલ્યાં.

'તમે ચિંતા નહીં કરો. તેનો ખર્ચો અને વ્યવસ્થા હું સંભાળી લઈશ. બસ, તમારા બધાંની પરવાનગી જોઈએ છે.' અર્જુને મજબૂત રીતે પોતાની વાત રજૂ કરતાં કહ્યું.

'જો અર્જુન આવા ખોટા ખર્ચ કરવાની જરૂર નથી. લોકો ન આવી શકે એટલે તેમને અલગ રીતે ફક્શન રાખીને થોડી જમાડવાના હોય. બીજું એ કે જમણવાર રાખીએ તો આપણાં અમુક નજીકના સગા અને વેવાઈ પક્ષના લોકોને પણ બોલાવવા પડે નહીંતર ખરાબ લાગે.' જ્યંતિભાઈ કહે છે.

'મને કોઈ શોખ ન હોય. મારી એકાદ વસ્તુ તો મરજીથી થવા દો. આમ પણ ગામમાં લગ્ન હોવાથી મારી બધી ઈચ્છા અને અરમાન અધૂરા રહી ગયાં છે.' અર્જુન નિરાશભર્યા સૂર સાથે કહે છે.

જ્યંતિભાઈ ભરી રોષમાં આવે છે અને કહે છે, 'મેં નક્કી કર્યું હતું કે હવે હું શાંત રહીશ. પણ તું મને એમ નહીં જ કરવા દેઈ. ઉઠ બેસીને બસ જૂની વાતો લઈને બેસી જાય છે. તારે જે કરવું હોય તે કર પણ મારી પાસે એક પણ પૈસાની આસા રાખતો નહીં.'

અર્જુન ગુસ્સા અને દુઃખ એમ બંન્ને લાગણી સાથે રૂમમાંથી નીકળી જાય છે. આમ કરતાં કરતા લગ્નનો દિવસ નજીક આવી જાય છે. લગ્નના અઠવાડિયા પહેલાં ઇન્દુબેન, જ્યંતિભાઈ અને બા ગામ જવા રવાના થઈ જાય છે. ત્યારે અર્જુન તેના ભાઈ-ભાભી અને બહેનની સાથે ત્રણ દિવસ પહેલાં ગામ આવે છે.

અર્જુન અને લલિતાનું ગામ એક જ જિલ્લામાં હોય છે પણ બંન્ને ગામની વચ્ચે ખાસ્સું એવું અંતર હોય છે. તે સમયે ગાડી બહુ જ જૂજ કહી શકાય એટલા લોકો પાસે હતી. અને જેની પાસે હતી તે ગામના આવા રસ્તા ઉપર લઈ જવા માંગતા ન હતાં. ટ્રાન્સપોટેશનનું સાધન બળદગાડી અને ટાંગા જ હતાં.

લગ્નનો આગલો દિવસ આવે છે. અર્જુનના ગામના ઘરની બહાર માંડવો નખાઈ છે. સગા સંબંધીઓથી ઘર અને માંડવો ઉભરાઈ છે. અર્જુનના સગા સંબંધીઓનો વસ્તાર ઘણો મોટો હોય છે. આખો દિવસ ઘરના બધાં સભ્યોનો સમય મહેમાનો અને જમાઈઓને સાચવવામાં જ જતો રહે છે. જેના લગ્ન હોઈ તેની તરફ કોઈ ધ્યાન સુધ્ધા આપતું નથી. અર્જુને કંઈ ખાધું છે કે નહીં? તેના કપડાં ઈસ્ત્રી થયાં છે કે નહીં? કંઈ જોઈતું તો નથી ને? એવી કાળજી રાખવા વાળું કોઈ ન હતું. અહીં સુધી રાત્રે અર્જુનને બહાર ચોકમાં ખાટલો નાખીને સુવાનો વારો આવે છે. જેના લગ્ન બીજા દિવસે હોય તે કેટલો ઉત્સાહી હોય છે પણ અહીં અર્જુન જાણે જાનેયા સાથે આવેલો હોય એવું તેને લાગતું હતું.

લગ્નનો દિવસ આવે છે. વહેલી સવારે બધાં તૈયાર થઈને ઘરેથી વરઘોડો કાઢવાની તૈયારી કરવા માંડે છે. અર્જુનના કાકા, ભાઈ અને મામા તેને તૈયાર કરવા આવે છે. અમુક પરંપરાગત રિવાજો પૂર્ણ થયાં બાદ અર્જુનના વરઘોડાને લલિતાના ઘર તરફ લઈ જવા માટે બધા આગળ વધે છે.

અર્જુન ઘરની બહાર નજર કરી રહ્યો હોય છે ત્યાં કોઈ ગાડી દેખાતી નથી તેને વિચાર આવે છે કે અરે હજી કોઈ ગાડી શણગારેલી દેખાતી કેમ નથી.?

એટલાં માંજ અર્જુનના ફુવા અને કાકા આવે છે અને કહે છે, ' અરે અજુર્ન અહીં કેમ ઉભો છે ચલ બેસી જા. તારી જાન કાઢવાની છે. છોકરી વાળા રાહ જોતાં હશે.'

અર્જુન પૂછે છે કે' હા પણ, ક્યાં બેસું. વાહન તો આવ્યું નથી.?'

અર્જુનના ફુવા અને કાકા હાથનો ઈશારો કરીને તેને સામે ઉભી રહેલી બળદગાડી દેખાડે છે જેને શણગારેલી હોય છે જેમાં અર્જુને બેસવાનું હોય છે.

'બળદગાડીમાં મારી જાન નીકળશે?' એટલું બોલીને અર્જુન ચૂપ થઈ જાય છે. તેના સ્વરમાં દુઃખ, નિરાશા અને ગુસ્સો સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો.

આજના એક દિવસ માટે ઘરનાં લોકો મારા માટે એક ગાડીની વ્યવસ્થા પણ ન કરી શક્યા? એ પ્રશ્ન અર્જુને અંદરોઅંદર ખૂબ જ દુઃખ પહોંચાડી રહ્યો હતો.