ગુમરાહ - ભાગ 54 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 54

ગતાંકથી...

આનાકાની કરવાનો સમય ન હતો. પૃથ્વીની ઓફિસમાં પાછલું બારણું હતું તેમાંથી એક ગેલેરીમાં જવાતું હતું અને તેમાં આવેલી એક સીડીથી મકાનની બહાર જવાતું હતું. પૃથ્વી ઊભો થયો .બદમાશે એકદમ રિવોલ્વર તેના કપાળ આગળથી હટાવીને તેની કમર પર ધરી રાખી અને એ રીતે આગળ પૃથ્વી અને પાછળ તે બદમાશ એમ સીડી પરથી તેઓ નીચે ઊતર્યા. કોઈ જ સમય સૂચકતા અથવા તો કંઈપણ યુક્તિ પ્રયુક્તિ કરીને બદમાશથી દૂર જવાનો પૃથ્વીએ પ્રયાસ કર્યો નહિ. કારણ તેને એમ અનુમાન કરી લીધું હતું કે કદાચ આ રીતે જવાથી સિક્કાવાળી ટોળીના મુખ્ય અડ્ડાથી ને તેના બધાં જ કારસ્તાનોથી માહિતગાર થવાનું કદાચ બની શકશે .આ બદમાશ તે ટોળીમાંનો જ અથવા તો તે ટોળીનો જ આગેવાન હશે.

હવે આગળ....

ચૂપચાપ સીડી ઉતારવામાં આવ્યા બદમાશે નજીકમાં ઊભેલી એક કાર તરફ પૃથ્વીને ધકેલ્યો. તેઓ કારમાં બેઠા. તેમાં બીજા માણસો હતા. તેઓએ પૃથ્વીને મોઢે ડૂચો દઈ દીધો; આંખે પાટા બાંધી દીધા; અને કાર ચાલવા લાગી. કાર કેટલોક સમય ચાલ્યા બાદ ઊભી રહી ત્યારે પૃથ્વીને ઉઠાવવામાં આવ્યો અને બે વ્યક્તિઓ સીડી ચડીને તેને ક્યાંક લઈ જતા હોય તેમ પૃથ્વીને લાગ્યુ.તેને એ ખુરશીમાં બેસાડવામાં આવ્યો. તેની આંખના પાટા અને મોંમાનો ડૂચો કાઢી નાખવામાં આવ્યો.
પૃથ્વીએ જોયું કે પોતાને ખૂબ જ મોટા ડ્રોઈંગરૂમ. માં લાવવામાં આવ્યો છે. તેમાં લાઈટ નથી. પણ આકાશના ચંદ્રનું અજવાળું બારીઓમાંથી અંદર પડે છે, ડ્રોઈંગરૂમની જમીન ઉપર આશરે દસથી બાર આંખે કાળી પટ્ટી લગાવેલા માણસોની રિવોલ્વર પૃથ્વી તરફ તાકીને ગોઠવાયેલી છે .

તેની સામે જ એક ખુરશીમાં કાળા ઝભ્ભાવાળો માણસ આંખ પર કાળી પટ્ટી સાથે અને હાથમાં રિવોલ્વર સાથે બેઠેલો હતો. તેણે પૃથ્વીને કહ્યું: " જુઓ મિસ્ટર ,તમે અહીં આવવા માટે તમારા પોતાના જ લાભની આ વાત છે. જો અમારા મુજબ કરશો તો તમને પૈસાનો ઢગલો કરી દઈશું અને તરત જ પાછા તમને તમારા અસલ સ્થાને પહોંચાડવામાં આવશે."

"તમારો કહેવાનો મતલબ શું છે?" પૃથ્વી એ આસપાસ નજર કરતા પ્રશ્ન કર્યો.

"જે ટોળકીઓ વિશે તમારા ન્યુઝ પેપરમાં તમે લખાણ છાપો છો તે છાપુ બંધ કરશો, એવું અમને લખાણ લખી આપો."

"શહેરમાં મારું એકલાનું જ ન્યુઝ પેપર નથી; બીજાંય ઘણા છે."

"'લોકસત્તા'ના તંત્રી મિ. લાલ ચરણે મેં કહ્યું તેમ લખેલી લખી આપેલું છે જુઓ, વાંચો."

તેણે કાગળ કાઢ્યો અને પોતાના એક હાથમાં ટોર્ચ ની નાની લાઈટ પકડી તેનો પ્રકાશ તે કાગળ પર ફેંક્યો. પૃથ્વીએ વાંચ્યું : "જો 'લોકસેવક'માં લૂંટારો ટોળી ઓ સંબંધિત -ખાસ કરીને સિક્કા વાળી ટોળી સંબંધી લખાણ નહીં છાપે તો 'લોકસત્તા'માં પણ હું તે બંધ કરવા કબુલ થાઉં છું- લાલ ચરણ."

"ત્યારે મને સિક્કાવાળીની ટોળી આગળ ઉપસ્થિત થવાનું માન મળ્યું છે." પૃથ્વી એ જણાવ્યું.

"એ બાબત પર તમારે ધ્યાન આપવાની કશી જરૂર નથી.તમે ફક્ત તમારો લાભ તમે જુઓ. આ કબુલાત જો તમે લખી આપશો તો તે બદલ તમને વીસ લાખની રકમ આપવામાં આવશે."

"મારા ન્યુઝ પેપર ના નિયમો ઘડવામાં મારે કોઈ બીજા વ્યક્તિની કે કોઈ ટોળીની સલાહની જરૂર નથી ."પૃથ્વી એ કહ્યું.

"તમે વિચાર વગરનો જવાબ આપો છો . જેનું તમારી બરબાદી સિવાય બીજું કાંઈ પરિણામ આવશે નહિં."

"એ બાબત પર ધ્યાન આપવાની તમારે કોઈ જરૂર નથી ."પૃથ્વીએ તે બદમાશના શબ્દો તેના મોં પર પાછા ફેંક્યા.
થોડીવાર ત્યાં એકદમ ચુપકીદી ફેલાઈ ઘડિયાળમાં સાડા ચાર નો ટકોરો વાગ્યો પૃથ્વી આસપાસ જોતો રહ્યો કે પોતાને ક્યાં લાવવામાં આવ્યો છે. તેને એ વિશાળ હોલ પરિચિત લાગ્યો; પણ તે કોનો હતો એ ખ્યાલમાં આવ્યો નહિ .એના અવલોકનમાં બદમાશે ભંગાણ પાડ્યું.
" મિસ્ટર ,તમે નહિ છાપવાની બાબતમાં મેં જણાવ્યું તેનો તમને યોગ્ય લાગ્યો તે જવાબ તમે આપી દીધો. હવે એક વાત છાપવાની બાબતમાં હું તમને જણાવું છું સર આકાશ ખુરાનાનું ખૂન થયું તે તમે જાણો....."

"ખૂન નહિં -અચાનક, આકસ્મિક મૃત્યુ . પૃથ્વી એ અધવચ્ચે ટાપશી પૂરી.

"હું તમને સાબિતીઓ ઉપરથી કહું છું કે તેમનું ખૂન થયું હતું .તેમાં મરનારની સેક્રેટરી મિસ. શાલીની નો જ હાથ હતો."
"કોઈની પીઠ પાછળ કોઈની બદનામી મને નહિ સંભળાવો તો ઉપકાર થશે."

"મિસ્ટર ,એ બદનામી નથી. સત્ય હકીકત છે. જુઓ આ પુરાવો :સર આકાશ ખુરાનાએ પોતાની જાતે તેમના જ હસ્તાક્ષરે પોતાની ડાયરીમાં શું લખ્યું છે?" એમ કહી તેણે ડાયરીનું પાનું ખોલીને પૃથ્વી તરફ ધર્યું .પૃથ્વીએ તેમાં નીચેનું લખાણ વાંચ્યું : "મારું ખૂન કરવા માટે મારી જ સેક્રેટરી મિસ.શાલીની તજવીજ કરે છે એવી મને પાકી શંકા છે. સાયન્સ ના મારા અનેક રિસર્ચથી તે માહિતગાર હોવાથી હું તેને મારી નોકરીમાંથી રજા નહિં આપતા આ ઉપરથી જણાવું છું કે બે વર્ષ પર તેમના નામનું મેં કરેલું વસિયતનામું રદ્ બાતલ છે.હું મારા વકીલને મારા પુરા હોશાવેશમાં ફરમાવું છું કે આજ રોજની મારી તમામ મિલકત મારા મરણ બાદ મિ.રોહન ખુરાના ને આપવી. તે અત્યારે ક્યાં છે તે હું જાણતો નથી. એની શોધ કરી તેને તે સોંપવાની વ્યવસ્થા મારા વકીલે કરવી અને તે મળે નહિ ત્યાં સુધી મિલકત પોતાના કબજામાં રાખી તેનું સારું વ્યાજ ઉપજાવવું- આકાશ ખુરાના."

તે બદમાશે ડાયરી પૃથ્વી પાસેથી લઈને કહ્યું : "મિ.રોહન ખુરાના આફ્રિકાથી આ દેશમાં આવ્યા બાદ અને સર આકાશ ખુરાનાના મૃત્યુ બાદ આ ડાયરી મળી આવેલ છે પણ મિ.ખુરાનાએ તે પોતાના મકાનમાં એક છુપી જગ્યાએ છુપાવી હતી.આ ડાયરીનું લખાણ તમારે તમારા ન્યુઝ પેપરમાં પ્રગટ કરવાનું એવી મારી સુચના છે."

"ડાયરી તમારી પાસે ક્યાંથી આવી ?"

"મિ.રોહનને તે મળી ખુલ્લ એમ મેં તમને કહ્યું એટલી જ બાબત તમારે ધ્યાન રાખવાની જરૂર છે. જ્યારે પણ આ ડાયરી નો પુરાવો જોઈતો હશે ત્યારે તેમની પાસેથી મળી આવશે તે નિર્વિવાદ છે."

"મને એ છાપવાની કાંઈ જરૂર નથી. પોલીસની મદદથી મિ. રોહન ખુરાના આ બાબત પોતાને ચાહે તે પગલાં લઈ શકે તેમ છે."

"પણ તમને તે છાપવા બદલ ઘણા બધાં રૂપિયા આપવામાં આવશે, પછી બિનજરૂર તપાસવાની તમારે પંચાત શું છે ?"
"શું તમે એક પ્રામાણિક પત્રકારને લાંચ આપીને કોઈ નિર્દોષની જિંદગી કલંકિત કરવામાં તેને હથિયાર બનાવવા માંગો છો ?હું એમાં કદી જ સમંત થઈ શકું નહિ ."

"એ બાઈ ગુનેગાર નથી એ તમે આ પુરાવાથી જોઈને વિચારી શકો છો."
"તો તેને તમે રિતસર ગુનેગાર જાહેર કરો. મને વચ્ચે નાખવાની જરૂર નથી."

"મિસ્ટર, તમે મારી બે માગણીઓ...."

"ઠોકરે મારી છે ને લાંચની દરકાર નથી કરી ."પૃથ્વી એ તેનું વાક્ય પૂરું કર્યું.

"અને એનું ઘણું જ ભયંકર પરિણામ તમારે ભોગવવું પડશે ."બદમાશે ધમકી આપી.

"એ તો હવે મને ખુલ્લું સમજાઈ ચૂક્યું છે. તમે બહુ બહુ તો મને મારી નાખશો. ભલે સિદ્ધાંતથી ચલિત થવા કરતા મને મૃત્યુ મંજુર છે."

"શા માટે ખાલી ફિશિયારી કરો છો? રકમ ઓછી પડતી હોય તો કહો.વીસ લાખ ને બદલે પચાસ લાખ આપવામાં આવશે. એનો ખોટો વાયદો પણ નથી જુઓ ,અત્યારે જ નોટ ગણી લ્યો અને સુખી જીવન ગાળો ."એમ કહીને તેને એક બેગ ખોલી અને ચલણી નોટોની થોકડી કાઢીને
પૃથ્વી સામે ધર્યા.

શું પૃથ્વી એ નોટો નો સ્વીકાર કરશે? શું થશે હવે આગળ...?????
જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ......