તક્ષશિલા કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના કિશોરો બિલ્ડીંગની પાછળના કમ્પાઉન્ડમાં મળીને ઉત્સાહપૂર્વક કંઈક બનાવવામાં વ્યસ્ત હતા. આઠ વર્ષનો કાર્તિક દૂર ઉભો રહીને તેઓની ક્રિયા સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બાળકોની ઉમંગે તેની જિજ્ઞાસાને વેગ આપ્યો અને તેને પણ એમની પ્રવૃત્તિનો ભાગ બનવાની ઈચ્છા જાગી, તેથી તે એમના નજીક ગયો.
તેણે જઈને એક છોકરાની પીઠ થપથપાવીને પૂછ્યું, "તમે શું કરી રહ્યા છો?"
“અમે પપ્પનજી બનાવી રહ્યા છીએ,” છોકરાએ પાછળ જોયા વિના જવાબ આપ્યો.
"પપ્પનજી એટલે શું?" કાર્તિક મૂંઝવણમાં પડી ગયો.
“ઓહ હો! તને ખબર નથી? અમે એક બુઢા માણસનું પૂતળું બનાવી રહ્યા છીએ."
કાર્તિકની રુચિ તીવ્ર થઈ અને વધુ જાણકારી માટે તે આગળ વધ્યો. સામેનું દ્રશ્ય જોઈને તે ચોંકી ગયો. છોકરાઓ જમીન પર બેસીને, એક મોટા જૂના શર્ટ અને પેન્ટમાં ઘાસ ભરી રહ્યા હતા. પૂતળું પગ લંબાવીને બેઠેલા માથા વગરના માણસ જેવો દેખાઈ રહ્યો હતો.
"પણ તમે આ પૂતળું શા માટે બનાવી રહ્યા છો?"
"નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમે તેને બાળવાના છીએ."
કાર્તિક એકદમ ચકિત થઈ ગયો. તેણે આ પહેલાં ક્યારેય આવું કંઈ સાંભળ્યું નહોતું અને વધુ પૂછપરછ કરી, "તમે તેને શા માટે બાળવા માંગો છો?"
નેહા નામની એક છોકરીએ કાર્તિક પર નજર નાખી. તે હાઇસ્કૂલમાં હતી અને કાર્તિકને જવાબ આપ્યો, “'ઓલ્ડ મેન' એટલે કે આ પપ્પનજી, એ તમામ દુ:ખ અને ખરાબ બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે, જે આપણી સાથે પાછલા વર્ષ દરમિયાન થયું હતું. જ્યારે કેલેન્ડર ૩૧ ડિસેમ્બરે સમાપ્ત થાય, ત્યારે આપણે આ વૃદ્ધ માણસની સાથે બધી નકારાત્મક બાબતોને બાળી નાખીએ અને એક સકારાત્મક નોંધ પર નવા વર્ષની શરૂઆત કરીએ. સમજ્યો?”
કાર્તિકના ચહેરા પર એક વિશાળ સ્મિત સ્થાઈ થયું. તે ચોક્કસપણે બાળકોના ગ્રૂપનો ભાગ બનવા માંગતો હતો અને તેણે આતુરતાથી કહ્યું, "હું પણ તમારી સાથે જોડાવવા માંગુ છું."
બીજા છોકરાઓમાંથી એકે નજર ઊંચી કરી અને આપણા નાનકડા સાથી તરફ નિર્દયતાથી મિંઢું સ્મિત કરતાં કટાક્ષ કરી, “આ કામ ફક્ત મોટા બાળકો જ કરી શકે છે અને તું ઘણો નાનો છે. તદુપરાંત, આ વૃદ્ધને બનાવવામાં તારું કોઈ યોગદાન નથી, તો અમે તને અમારી ગેંગમાં શા માટે સામેલ કરીએ?"
કાર્તિક ફકત ૮ વર્ષનો હોવા છતાં સ્માર્ટ અને આત્મવિશ્વાસી હતો. છોકરાની અસંસ્કારી ટિપ્પણી તેના ઉત્સાહને હલાવી ન શકી. કાર્તિકે નીડર થઈને પૂછ્યું, “મને કહો કે તમને બીજું શું જોઈએ છે અને હું તે લાવવાનો પ્રયત્ન કરીશ. શું પછી તમે મને આ અભિયાનમાં સામેલ કરશો?"
કિશોરો અચકાતા એક બીજા તરફ જોવા લાગ્યા. અન્ય એક છોકરીએ કહ્યું, “આ પૂતળાને પૂર્ણ કરવા માટે હજુ પણ જરૂરી વસ્તુઓની લાંબી યાદી છે. મોટી ટોપી, માસ્ક, કપાસ, પગ અને હાથના મોજા, પેઇન્ટ અને ઘણાં બધાં ફટાકડા. શું તું આ બધી વસ્તુઓ લાવી શકીશ? શું તારા માતા-પિતા તને આમાંથી કોઈ વસ્તુ આપશે ખરા?"
કાર્તિક એક મિનિટ માટે શાંત રહ્યો. તેમ છતાં, કોઈ તેની મજાક ઉડાવે તે પહેલાં, તેણે તેઓને ખુશખુશાલ સ્મિત આપ્યું અને કહ્યું, "જસ્ટ વેટ એન્ડ વોચ!"
હર્ષોલ્લાસ સાથે કાર્તિક ઘરે દોડ્યો અને ઉતાવળે આખી વાત તેની મમ્મીને જણાવી. વાત કરતા કરતા તે સંપૂર્ણપણે હાંફી ગયો. “મમ્મી, પ્લીઝ મને આ બધી વસ્તુઓ શોધવામાં મદદ કરો. શું હું દિવાળીના બચેલા ફટાકડા લઈ શકું? શું તમે મને કપાસ આપશો? તમે હવે તે જૂના ચીંથરેહાલ મિટન્સનો ઉપયોગ નથી કરતા ને, શું હું તે લઈ જઈ શકું?"
કાર્તિક ઉત્સાહથી ફૂલે નહોતો સમાઇ રહ્યો અને તેની મમ્મી કુંતી તેના સ્મિતને રોકી ન શકી. “કાર્તિક ધીરજ ધર બેટા. ચાલ, આપણે જોઈએ કે આપણી પાસે શું બધું છે."
ત્રીસ મિનિટ પછી, કાર્તિક વસ્તુઓથી ભરેલો બોક્સ લઈને સોસાયટીના બચ્ચાઓ પાસે ગયો. એના ડબ્બાને જોઈને કિશોરો ખુશ થઈ ગયા. કાર્તિક એક મોટી ટોપી, મોજા, ભૂતનો ફાટેલો માસ્ક, નકલી વાળ, ચશમા, એક મફલર અને તેના ગયા વર્ષના દિવાળીના ફટાકડાનો સ્ટોક લાવવામાં સફળ થયો હતો.
જમવાનું અને રમત ભૂલી જતા, બાળકોનું આખું લંગર પપ્પનજીને પૂર્ણ કરવામાં મસ્ત મગન થઈ ગયું. સોસાયટીના સેક્રેટરીએ તેમને એક જૂની કાટ ખાયેલી ખુરશી આપી અને બચ્ચાઓએ તેમના ઓલ્ડ મેન ને તેના પર બેસાડ્યો. નવા વર્ષની પૂર્વ સંધ્યા સુધી, બાળકોને પપ્પનજીની આસપાસ રમવામાં અને તેમની સાથે ફોટા ક્લિક કરવાની મજા પડી ગઈ.
નવા વર્ષની થોડીવાર પહેલા તક્ષશિલા સોસાયટીના તમામ સભ્યો કમ્પાઉન્ડમાં એકઠા થયા. જેવા ઘડિયાળમાં ૧૨ વાગ્યા, કે તરત જ પુખ્ત વયના લોકોની દેખરેખ હેઠળ, બાળકોએ વૃદ્ધ માણસનું પૂતળું બાળ્યું અને ખૂબ જ ટૂંક સમયમાં, આસપાસનું વાતાવરણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં છવાઈ ગયું. આકાશ તેજસ્વી રોશનીથી સુશોભિત થઈ ગયું. દરેક વ્યક્તિએ અતિઉત્સહથી તાળીઓ પાડી અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી.
કોઈને ઘરે જવાની ઈચ્છા નહોતી થઈ રહી. સોસાયટીના સેક્રેટરીએ પહેલેથી જ નાસ્તો મંગાવી રાખ્યો હતો. ગરમા-ગરમ સમોસા અને લિજ્જતદાર ઠંડી આઈસ્ક્રીમ ખાવાના પગલે, બધાએ હાઉસી ગેમના બે રાઉન્ડ રમીને આનંદિત સમય પસાર કર્યો.
નવા વર્ષની શરૂઆત ખુશનુમા માહોલમાં થઈ અને બધાએ પ્રાર્થના કરી કે આવનારા ૩૬૫ દિવસો પ્રેમ, સ્વાસ્થ્ય, આનંદ અને સમૃદ્ધિથી ભરેલા રહે.
શમીમ મર્ચન્ટ, મુંબઈ.________________________
Shades Of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow me on instagram
https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=