છપ્પરપગી - પ્રકરણ ૩૫
—————————-
‘હુ પણ આગળ આ નદીના વહેણ સુધી જ આવી છું, અહી અંદર શું છે એતો મને પણ ખબર નથી.!’
પછી શેઠે વિશ્વાસરાવજીને પૂછ્યું તો વિશ્વાસરાવજી સ્વામીજી સામે સૂચક રીતે જોયું… પણ સ્વામીજીનો મૌન ઇશારો જાણે એ સમજી ગયા હોય તેમ કઈ જ જવાબ ન આપ્યો. બધા હવે થોડીવાર માટે ત્યાં બેસે છે અને સ્વામીજી એ લોકોને ત્યાં જ બેસવાનું કહી પછી પેલા ખંડેર જેવા આશ્રમની બાજુમાં જે પગથિયા ગુફા તરફ નીચે જતા હતા તેની અંદર જતા રહે છે.
આ તરફ વિશ્વાસરાવજીને જ્યારે પુછવામાં આવે છે તો એ કહે છે કે સ્વામીજી ઘણી વખત અહી આવે છે, ક્યારેક તો એકલાં પણ આવે છે અને એ પ્રાચીન ગુફાની અંદર જઈ ને ધ્યાન કરતા હશે પણ મેં ક્યારેય પુછ્યુ નથી અને એમણે ક્યારેય કંઈ જણાવ્યું પણ નથી… જ્યારે એમને કંઈ એ બાબતે કહેવા જેવું લાગશે તો કહેશે અથવા મારાથી નહીં રહેવાય તો પુછી લઈશ પણ મેં તો એમનાં પર જ છોડ્યું છે… તમે પણ સામેથી કંઈ ન પૂછો તો જ યોગ્ય… સમય આવ્યે જે કંઈ આપણે જરૂર હોય આપમેળે જ સામે આવીને ઉભુ રહેતુ હોય છે.. સમય પહેલા મળતા જવાબો પણ ક્યારેક કામમાં નથી આવતા અથવા એ જવાબો કદાચ સમય પહેલાં પ્રસ્તુત ન પણ હોય કે રહે…. આવુ કહ્યુ એટલે પલ સિવાય બાકી બધાએ એ બાબતે વિચાર કરવાનું માંડી વાળ્યું અને ચારે તરફ જે પ્રકૃતિનો વૈભવ હતો તે માણવામાં મશ્ગુલ થઈ ગયા.
બધા જ આજુબાજુમાં થોડું ફરતાં રહીને વિચરતા હોય છે એ દરમ્યાન પલ પોતાનાં ડગ એ ગુફા તરફ વાળે છે અને ધીમે ધીમે એક પછી એક પગથિયું નીચે ઉતરે છે… લગભગ સાતેક પગથિયા નીચે ઉતરે છે તો એક વળાંક આવે છે… જે અંધારામાં સ્પષ્ટ ન દેખાવાથી પલ એ પગથિયું ચૂકી જાય છે અને ગબડી પડે છે.. પણ એ સંભાળી લે છે.હવે મોબાઈલની ટોર્ચ લાઈટ ચાલુ કરી આગળ વધવાનો પ્રયત્ન કરે છે તો એક વળાંક આવે છે જેમાં બીજા ચાર પાંચ મોટાં પગથિયા હોય છે અને પછી ફરીથી એક વળાંક આવે છે જે પગથિયાં ઉપર તરફ જતા હોય છે… પલ આગળ વધી રહી હોય છે, ત્યારે એક લયબદ્ધ અવાજમાં ઓમકારનો નાદ સંભળાય છે.. પલ ત્યાં જ ઉભી રહીને સાંભળે છે પણ એ નાદ ક્યાંથી આવી રહ્યો છે એ દિશા સ્પષ્ટ થતી નથી.. એટલે પગથિયાં જે તરફ લઈ જાય છે તે તરફ આગળ વધે છે. હવે ગુફાની ઉંચાઈ ઓછી થઈ રહી છે અને વાંકા વળીને પગથિયું ચડવું પડે છે પણ એ ધીમે પગલે મક્કમ રીતે બીજા સાતેક પગથિયાં ઉપર ચડે છે તો આગળ થોડું અજવાળું દેખાય છે અને એ ગુફાનું દ્વાર જે ઝાંડી ઝાંખરાં વિગરે થી અડધું પડતું બંધ હોય છે તેને ખસેડે છે એટલે બેસીને બહાર નીકળી શકાય તેટલો જ ભાગ હતો એટલે એ ઝાંખરાને ખસેડીને પલ બહાર નિકળે છે…
આ તરફ પલ દસેક મિનીટ સુધી આજુબાજુમાં ક્યાંય દેખાઈ નહી એટલે આ લોકો તેને શોધવા માટે આમતેમ બુમો પાડીને પલને અવાજ કરી બોલાવે છે… પલ દેખાતી નથી પણ તેને આ લોકોનાં અવાજો સંભળાય છે.. એટલે એણે પણ સામે બુમ પાડી કે હુ અહીં છું…! તમે લોકો ક્યાં છો? પલ અને આ લોકો પરસ્પર એકબીજાનો અવાજ સાંભળી શકે છે પણ જોઈ શકતા નથી… એટલે થોડી ચિંતા હળવી થઈ પણ પલ છે ક્યાં ? એ હવે પ્રશ્ન થયો.
બીજી તરફ પલ જે ગુફામાં પ્રવેશી હતી તેમાંથી તે બહાર તો નિકળી પણ જયાંથી અંદર પ્રવેશી હતી તેના બદલે જુદી દિશામાંથી એ બહાર નિકળી હતી… તો એ ગુફામાં ઓમકારનો નાદ સંભળાતો હતો તે ક્યાંથી આવતો હતો ? કોણ હતું ત્યાં જેનો નાદ સંભળાતો હતો ? સ્વામીજીનો એ નાદ હોય તો દેખાયા કેમ નહીં ? ગુફાની એ બીજી તરફથી પલ બહાર નિકળી તો એ બીજો દરવાજો હતો ? તો શું સ્વામીજી પણ એ તરફથી બહાર નીકળ્યા હતા તો ગુફાનો દરવાજો ઝાંખરાથી બંધ કેમ હતો ? ગુફાની અંદર જ જો સ્વામીજી હોય તો દેખાયાં કેમ નહી…? આ બધા પ્રશ્નોને લીધે પલનુ મગજ ચકરાવે ચડી ગયું હતું…પણ અત્યારે તો એને આ લોકો સાથે ભેગાં થવું એ બહુ મહત્વનું હતું એટલે એ વિચાર કર્યો કે હવે શું કરું…? પલ ને હવે ટેન્શન થયું કે કેમ અને કઈ રીતે બધા જોડે ફરી મળું ? અવાજ સંભળાય છે એટલે છે નજીક જ પણ છે ક્યાં ?
એ એકાદ ક્ષણ માટે શાંત થઈ અને ત્યાં જ ઉભી રહી એટલી વારમાં એક ખિસકોલી તેનાં પગ પરથી પસાર થઈને નિકળી. પલ થોડી ડરી ગઈ કે શું હતું..! પણ પેલી ખિસકોલી આગળ જઈ જાણે પલને કંઈ કહેવા માંગતી હોય તેમ ધીમેથી પેલી ગુફામાં પ્રવેશી ગઈ… આ જોઈને પલને સંકેત મળ્યો હોય તેમ ફરીથી તે ગુફામાં પ્રવેશી અને જયાંથી બહાર નીકળી હતી ત્યાં થી ફરી અંદર પ્રવેશીને એ જ રીતે બીજી તરફ બહાર નિકળી આવી… અને તરત બહાર આવી ગઈ. આ લોકો આસપાસમાં હજી પલને અવાજ કરીને બોલવતાં જ હતા એટલી વાર માં પલ પેલા ખંડેર જેવા લાગતા જૂના પુરાણા આશ્રમની બાજુમાંથી દોડતી આવી અને કહ્યુ કે, ‘ આ રહી… અહીં જ છું!’
એનો શ્વાસ વણથંભ્યો હતો… હ્રદયના ધબકારા બહુ વધી ગયા હતા.. આવીને લક્ષ્મીને વળગી પડે છે.
લક્ષ્મીએ પૂછ્યું, ‘ આર યુ ઓકે બેટા..? ક્યાં ગઈ હતી બેટા.. કહીને જવાય ને ..!? આટલી વારમાં તો કેટલું ટેન્શન થઈ ગયુ અમને બધા ને ..! હવે જોડે જ રહેજે.’
પલ જાણે શૂન્યમનસ્ક થઈ ગઈ હતી.., ક્યાં ગઈ હતી ? શું થયુ ? એ જવાબ આપવા માટે જાણે થોડી વાર અસમર્થ હતી… પણ થોડી વારમાં સ્વસ્થ થઈ ને જણાવે છે કે……
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા