છપ્પરપગી (પ્રકરણ - ૩૪ )
—————————-
પલ ને તો જરા પણ ઉંઘ ન આવી. એ તો બપોર પછીનાં સમયની કલ્પનામાં ખોવાઈ ગઈ હતી. એનાં મા બાપુ બન્ને રૂમમાં ઘસઘસાટ ઉંધી રહ્યા હતા, તો પણ ચાર વાગે બન્નેને જગાડી દે છે. પોતે ટ્રેક પેન્ટ અને ટી-શર્ટ પહેરી તૈયાર થઈને વિશ્વાસરાવજી પાસે જઈ અને ટ્રેક માટેની માહિતી લેવા પ્રશ્નો પુછ પુછ કરે છે અને હા દાદા ને પણ કેવી રીતે લઈ જઈશું એવી ચિંતા વ્યક્ત કરે છે, ત્યારે વિશ્વાસરાવજી જણાવે છે કે દિકરી તુ ચિંતા ન કરીશ. બા દાદા પણ આવશે જ એમની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. આશ્રમની કારમાં બેસાડીને એમને જ્યાં સુધી કાર જશે ત્યાં સુધી કારમાં અને પછીથી કારમાં જ બે વ્હીલચેર હશે જ.. એમાં બેસાડીને આગળનો ટ્રેક કરવાનો છે. તારે બાને હેલ્પ કરવાની છે અને હું દાદાની ચેર હેન્ડલ કરીશ. તું અત્યારે કિચનમાં જઈને બધાની ચા, દૂધ, કોફી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં મદદ કર..
પલ ને તો થોડી જવાબદારી મળી એટલે ખુશ થઈ ભોજનશાળામાં જતી રહે છે અને થોડી વારમાં બધા માટે સરસ વ્યવસ્થા ગોઠવી તૈયાર રહે છે. થોડીવારમાં બધા જ લોકો ત્યાં ભેગા થઈ ગયા હોય છે એટલે પછી બધા ચા નાસ્તો પતાવીને ટ્રેક પર નીકળી જાય છે. વિશ્વાસરાવજી, શેઠ, શેઠાણી અને ડ્રાઈવર કારમાં બેસીને જવા નિકળે છે અને બાકીનાં બધાં આશ્રમની બાજુમાં જ્યાંથી ગંગામૈયા તરફ જવાની નાનકડી પગદંડી છે ત્યાંથી કાંઠે કાંઠે લગભગ બે એક કિલોમીટર ચાલતા એક ઘાટ પાસે પહોંચી જાય છે.. એ ઘાટ પાસેથી અંદર જંગલ તરફ જવાનો થોડો પાક્કો ડામરનો રસ્તો છે તેનાં તરફ વળી જઈ બીજા બે ત્રણ કિલોમીટર સુધી ચાલતા જતા હોય છે. આ દરમ્યાન અભિષેકભાઈ અને એમનાં પત્ની બન્ને સ્વામીજીની જોડે જ સતત ચાલવાનું પસંદ કરે છે એટલે એમની જોડે થોડી વાતચીત થયા કરે..
થોડી અન્ય વાતચીત કર્યા પછી અભિષેકભાઈને મનમાં એક પ્રશ્ન જે સતત વર્ષોથી અકળાવ્યા કરતો હતો તે પુછે છે, ‘રાધાવલ્લભજી.. સોલ કે આત્મા કહીએ એ શું છે ?’
સ્વામીજીએ કહ્યુ, ‘આત્મા સંસ્કૃત શબ્દ आत्मन् પરથી ઉદ્દભવેલો શબ્દ છે. જેનો અર્થ સ્વ, પોતે એવો થાય છે. ભારતીય દર્શનશાસ્ત્રોમાં આત્મા વિશે ઘણું વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ કોઇ પણ જીવાત્માનું સાચું સ્વરુપ તે શરીર નહિં પણ અંદર રહેલો આત્મા છે. આત્માને અનુભવગમ્ય કહ્યો છે અને તેનો પૂર્ણ રીતે અનુભવ કરી શકાય છે જેને આત્મસાક્ષાત્કાર કહેવામાં આવે છે. આ માટે યોગ, ભક્તિ, જ્ઞાન જેવાં માર્ગો અને તેની પદ્ધતિ પણ બતાવવામાં આવી છે. ભારતમાં અનેક આત્મસાક્ષાતકારી સંતો, યોગીઓ થયાં છે અને હાલમાં પણ છે.ભારતીય શાસ્ત્રોમાં આત્માના કેટલાક ગુણધર્મોનું વર્ણન કરાયું છે તે મુજબ, આત્મા સત-ચિત-આનંદ એટલે મૂળભૂત આનંદ સ્વરૂપ છે. કોઇ પણ પ્રકારનો કલેશ તેને કદી સ્પર્શી શકતો નથી. તેને પરમ શાંતિનું ધામ કહ્યો છે. તેના બીજા લક્ષણોમાં સર્વ વ્યાપકપણું, અચલ, અજન્મા, અમર, તાદાત્મ્ય થવું છતાં તટસ્થ રહેવુ-નોખા રહેવુ વગેરે છે. આત્માને પરમાત્માનું જ સ્વરૂપ કહેવાયો છે.’
પછી થોડીવાર રોકાઈને સ્વામીજીએ કહ્યું, ‘અભિષેક ભાઈ હવે આગળના ટ્રેકમાં સરસ મજાનાં વૃક્ષો, પંખીઓનો કલરવ, થોડે દૂર વહી રહેલ ગંગામૈયાના વ્હેણનો અવાજ અને પ્રકૃતિનો વૈભવ માણવાનો સમય છે. આ લોકોની કાર પણ આગળ એક નાનકડું મંદિર છે ત્યાં ઉભી હશે એટલે એમને જોડે લઈ જઈ શાંતીથી પ્રકૃતિ મૈયાને માણીએ..જે પ્રશ્ન આવે તે આવવા દો… શક્ય છે કેટલાક પ્રશ્નોનો જવાબ તો પ્રકૃતિમૈયા જ આપી દેશે.. બાકી રહે તો રાત્રે બેઠકમાં ચર્ચા કરીશું.’
અભિષેકભાઈએ ‘જી..સ્વામીજી’ એમ કહી સમર્પણ ભાવ બતાવ્યો.
હવે જમણી તરફ ગાડા માર્ગ જેવો કાચો રસ્તો આવ્યો તે બાજુ સહેજ આગળ વધ્યા એટલે એક મોટું સપાટ મેદાન આવ્યુ, દૂર નજર કરીએ તો પર્વતમાળાઓ દ્રશ્યમાન થાય છે.. ગંગામૈયા હરિદ્વારથી સપાટ મેદાનોમાં પ્રવેશે છે એટલે એ પર્વતાળ વિસ્તાર હવે દૂર સ્થિત દેખાય છે..અહીંથી પણ ગંગામૈયાનો મધુર ધ્વનિ સ્પષ્ટ સંભળાય છે….હવે મંદિર સ્પષ્ટ દેખાયું… પહેલી નજરે જોતાં આ મંદીર અતિ પ્રાચીન લાગે છે, મંદીરની ફરતે મોટાં મોટાં વૃક્ષો, પક્ષીઓનો અવાજ, મંદીર પાસે થોડાં વાનરો ઉછળકૂદ કરી રહ્યા છે.. આ લોકો કારને લોક કરી, વ્હીલચેર બહાર કાઢી તૈયાર બેઠાં હોય છે… પણ અભિષેકભાઈના પત્ની થોડીવાર બેસવાની ઈચ્છા વ્યક્ત કરે છે એટલે દસેક મીનીટ આરામ કરી મંદીરની પાછળ એક રસ્તો થોડા નીચાણ વાળા વિસ્તાર તરફ જતો હોય છે તે તરફ બિલકુલ શાંતિથી પ્રકૃતિને માણતાં આગળ વધી રહ્યા છે.
શેઠ અને શેઠાણી બન્ને વ્હીલચેર પર એકદમ કમ્ફર્ટેબલ છે.. પલ અને વિશ્વાસરાવજી બન્ને એકદમ સચેત રહીને બન્નેને ટ્રેક કરાવે છે.કંઈ જોવા જેવું હોય તો ચેર ઉભી રાખીને વિશ્વાસરાવજી પોતે સ્થાનિક વૃક્ષો અને પક્ષીઓ વિશે થોડી જાણકારી પણ આપતા રહે છે. પલ માટે તો આ સાવ નવો જ અને આનંદદાયક અનુભવ હતો… એ અને વિશ્વાસરાવજી બન્ને બોલકણાં સ્વભાવના એટલે સ્વામીજીથી થોડા દૂર રહીને પોતાની વાતો ધીમા અવાજે કરતા રહે છે.. લક્ષ્મી અને પ્રવિણ બન્ને અલગ થોડા વધુ પાછળ ચાલતા રહે છે.. લક્ષ્મી માટે આ ટ્રેક નવો ન હતો એટલે ભૂલા પડવાનો કે છૂટા પડવાનો ડર ન હતો. એ લોકો આગળ વધતાં હોય છે ત્યારે એક અલગ દેખાતો પથ્થર દેખાય છે એટલે ઉપાડીને પ્રવિણને બતાવે છે, પણ પ્રવિણને પણ કંઈ વિશેષ ખબર ન પડી એટલે ફેંકી દેવાનું કહે છે અને જણાવે છે કે આ જંગલોમાં તો કેટકેટલુંયે આવું હશે… આપણે તો આ બાબતે અંગુઠાછાપ જ ને..!
પણ લક્ષ્મીને ફેંકી દેવાનું મન ન થયુ એટલે પોતાની બેગમાં સરકાવી દીધો. હવે બધા થોડે આગળ જઈને ગંગામૈયાનું એક છૂટું પડેલ વ્હેણ હતુ તે જગ્યાએ પહોંચી જાય છે.
અહીં વર્ષો પુરાણો એક ત્યજી દેવાયેલ આશ્રમ હતો જે હવે સાવ ખંડેર બની ગયો છે… માત્ર થોડી ઘણી તૂટેલ કાચી દિવાલો, ફરતે મોટા અને ઉંચા વૃક્ષો અને વચ્ચે પાંચ સાત માણસો બેસી શકે તેટલી લીંપણ કરેલી જગ્યા.. એમા બેસો તો પણ આજુબાજુમાંથી કોઈ પસાર થાય તો પણ ન દેખાય એવી ઝાંડી ઝાંખરા વચ્ચેની જગ્યા… અહી અંદર જે નાની જગ્યા હતી તે તાજુ લીંપણ અને થોડી વ્યવસ્થિત સાફ કરેલી હોય છે.. એટલે શેઠે પૂછ્યું કે, ‘ અહીં કોઈ અવારનવાર આવતુ હોય તેવુ લાગે છે… બાકી આટલી નિર્જન જગ્યા વચ્ચે વારંવાર સાફ કરી હોય તેવી દેખાતી જગ્યા કેમ ?’
‘હમમમમ…. અને આ દિવાલ પુરી થાય છે પછી તો આ બાજુ નીચે ઉતરી શકાય તેવા આઠ-દસ પગથીંયા પણ છે..! અહીં ખાસ કંઈ જાણવા જેવું કે આ જગ્યાનું કોઈ વિશેષ મહત્વ છે ?’
શેઠાણી પોતાની વ્હીલચેર પરથી ઉતરીને એ તરફ જઈ ને જોવાનો પ્રયત્ન કરે છે અને પછી લક્ષ્મીને પૂછે છે કે, ‘ તુ તો અહી આવેલી છો ને !? તને તો ખબર હશે જ કે અહીં શું છે ?’
‘હુ પણ આગળ આ નદીના વહેણ સુધી જ આવી છું, અહી અંદર શું છે એતો મને પણ ખબર નથી.!’
પછી શેઠે વિશ્વાસરાવજીને પૂછ્યું તો વિશ્વાસરાવજી સ્વામીજી સામે સૂચક રીતે જોયું… પણ સ્વામીજીનો મૌન ઇશારો જાણે એ સમજી ગયા હોય તેમ કઈ જ જવાબ ન આપ્યો….
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા