છપ્પર પગી - 1 Rajesh Kariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છપ્પર પગી - 1

છપ્પરપગી ( પ્રકરણ-૧ )
——————
મેલો ઘેલો સફેદ સાડલો, ડોક ઢંકાય ત્યાં સુધી લાજ કાઢેલ હળવેથી ડૂસકાં ભરતી એક સ્ત્રી મુંબઈ તરફ જતી ટ્રેનનાં જનરલ ડબ્બામાં જઈ રહી હતી. લાજ કાઢેલ એટલે મોઢાનાં કોઈ હાવભાવ સ્પષ્ટ વરતાય એવાં નહીં.અકડેઠઠ્ઠ ભરેલ જનરલ ડબ્બામાં દરવાજા પાસેની નાનકડી જગ્યામાં દસ થી બાર મુસાફરો જેમ ગોઠવાયા તેમ મુસાફરી કરતા હતા. કોઈને પણ, કદાચ મુસાફરોને પોતાને પણ તેને પડતી અગવડતાનો જરાં સરખો પણ અણસાર નહોતો જણાતો. આ ડૂસકાં ભરતી સ્ત્રીને બાજુમાં બેઠેલી આધેડ ઉંમરની સ્ત્રીએ પુછ્યુ,
“કેમ રુવે સે ? કયો જવું સે , કોઈ મરી ગ્યું…આભડવાં જાય સો ?”
સફેદ સાડલાથી લાજ કાઢેલ સ્ત્રી નો કણસતા અવાજમાં માત્ર એટલો જ જવાબ મળ્યો,
“ મરી તો ઘરવાળો ગ્યો ને હવે હું …”
પછી કંઈ આગળ ન બોલાયું. એક સન્નાટા ભરી શાંતિ બન્ને વચ્ચે પ્રસરી. બન્નેમાંથી કોઈ કશુંય બોલે એ પહેલા તો ટ્રેનનો લાંબો હોર્ન વાગ્યો ને બે ત્રણ નાનાં આંચકા સાથે ટ્રેન સુરત રોકાઈ ગઈ. બીજા પેસેન્જર્સ ચડે એ પહેલાં એ આધેડ સ્ત્રી પોતાની દિકરીનું બાવડું પકડી ઝડપભેર પ્લેટફોર્મ પર ઉતરી ગઈ. ઉતરનાર ત્રણ-ચાર પેસેન્જર્સ સામે સુરતથી ચડનારાંની સંખ્યા વધારે હતી. પણ ઉતરતાં સાથે જ આ આધેડ સ્ત્રીએ અંદર ચડવાં ઉભેલાં ચાર પાંચ જણને મોટેથી બોલીને કહ્યું, “ પેલી ધોળાં સાડલાં વાળી બાઈનું કોઈ મરી ગ્યુ લાગે સે, કાંતો ઘરમાં ડખો પેઠો લાગે સે.. ભાઈ પુછજો જરા્ કોઈ એને મારે તો ઉતરવાનું થ્યું સે…!
લગભગ પચીસ સત્તાવીસ વરસનો જણાંતો એક યુવાને પોતાનો કાળો થેલો દરવાજા પાસે પહેલેથીજ બેઠેલ અને હજી પણ હળવા સ્ત્રીને લંબાવીને કહ્યું,
“ તમારી પેલી બાજુ મેલી રાખો ને… હું હમણાં સમોસા લઈને આઈવો જ સમજો.”
આ સ્ત્રી કંઈ વિચારે એ પહેલાંતો પેલાં યુવાને પ્લેટફોર્મ પરથી જ પોતાનો થેલો એના હાથમાં થમાવી દીધો ને સમોસાં વેંચતા સ્ટોલ તરફ દોટ મુકી. ટ્રેનનું હોર્ન ફરી સંભળાયું. ઝડપભેર પેલાં યુવાને દોટ મુકીને ટ્રેનમાં પેંઠો. આ સ્ત્રીએ એની જમણે મુકેલ કાળો થેલો ઉપાડીને પલાંઠી વાળી જાણે રાજ સિંહાસન મળી ગયું એમ રાહતનો ઉંચો શ્વાસ ભરીને બેસી ગયો. કાળો થેલો ખોળામાં ગોઠવીને પેપરની પસ્તીમાં ભરેલ સમોસાં થેલા પર ગોઠવી દીધાં. થોડી વાર પછી શ્વાસોચ્છવાસ હળવો થતાં બાજુમાં લગોલગ બેઠેલી પેલી સ્ત્રીનાં હળવેથીં ભરાતા ડૂસકા સંભળાયા. એ યુવાનનાં કાને પેલી આધેડ ઉંમરની સ્ત્રી બોલીને ગઈ તે સંભળાયેલ હતું જ.
“ પેલી બાઈ કહી ગઈ કે તમારું કોઈ મરી ગ્યું સે ?”
જવાબ ના મળ્યો તો ફરીથી પુછ્યું.
“ કાંઈ બીજુ થ્યું સે… ? કહીએ તો કાંઈ તાળો મલે, આમ રોવાં થી કાંઈ નો વળે…. કાંઈ તો કે તો ખબર પડે…!”
“ મારા તો કરમ જ ફૂટલા સે…” હવે જરાક બોલવાની હામ આવી હોય એમ,એ બાવીસેક વરસની સ્ત્રી લક્ષ્મીએ સ્હેજ ધુંમટો ઉપર ખેંચીને બોલી.
“ ક્યાં જાય છે ? મુંબઈ ? “ એવુ પુછતાં હળવેથી પ્રવિણે એ સ્ત્રી પુછી ને એનું મોઢું જોવાય તેવો પ્રયત્ન પણ કર્યો.
સાવ શૂન્યમનસ્ક ભાવ ધરાવતો એ ચહેરો જોયો, પણ સવારથી કંઈ ખાધું જ ન હોય તેવું પ્રવિણને લાગ્યું જ.
“ લે આ બે સમોસા ખાઈ લે”
પોતે સમોસા ખાતો રહ્યો ને આજુ બાજુ માં બીજા બે બેઠેલ પેસેન્જરને પણ છાપાની પસ્તીમાં મુકેલ પાંચ સમોસા પૈકી વિવેક કર્યો. બીજા લોકોએ તો નકારમાં માથું હલાવી ના કહી, પણ પ્રવિણે આ સ્ત્રીને ફરી થી વિવેક કર્યો, “ લે ખાઈલે, મેં બે વધારે લીધા છે.”
એ સ્ત્રીએ કદાચ પોતાનાં માટે નહીં પણ પોતાની અંદર બીજો જીવ ઉછરી રહ્યો છે, એ બાબતથી તો એ પોતે અજાણ હશે જ, પણ એને અંદરથી જરુરીયાત ઉભી થઈ હતી તો બન્ને સમોસા હાથમાં લઈ મને-કમને પણ ખાવાનું શરુ કર્યુ. લક્ષ્મી હવે ધીમે ધીમે સમોસા ખાતી જાય છે અને વિચારે ચડી જાય છે કે મેં પેટ ભરીને કે મનથી તો છેલ્લાં ત્રણેક મહીનાથી કદાચ કંઈ જ ખાધું નથી. છેલ્લાં બે મહીનાંથી તો ભૂખ પણ ધીમે ધીમે ઉઘડતી હતી પણ ત્રણ મહીનાથી કદાચ શરીર ટકાવા પુરતું જ અને કદાચ ઘરેથી એટલું જ માંડ નશીબમાં હતું. એ પણ સાસુનાં કડવા વેણ સાંભળી સાંભળીને માંડ માંડ ખાવા નશીબમાં હોય એટલું જ મળતું અને મળતું એ પણ ગળે તો માંડ ઉતરતું.
એક બાજુ અકસ્માતે એનો પતિ મનુ બે મહીના પહેલાં જ મૃત્યું પામ્યો એ કારમો ઘા સહન થતો જ ન હતો અને બીજી બાજુ પડ્યા પર પાટું સમાન લક્ષ્મીમાં સાસરી અને અડોશીપડોશીનાં સતત મ્હેણાં ટોણાં. આ બધાં ઘાવથી લક્ષ્મી લગભગ અડધી પાગલ જેવી થઈ ગઈ હતી. ઘરકામમાં પણ સરખું મન ન પરોવાય, વિચારે ચડી જાય એટલે કંઈ આડાઅવળુ્ં થાય એટલે સાસુ રંભાબેનનો પિત્તો આસમાને પહોંચી જતો. એને તો લક્ષ્મીને હળહળતું અપમાન કરી કડવાં વેણ બોલવાં બહાનું જ જોઈતું હોય.
ગયા બુધવારે બરોબર મનુ મૃત્યું પામ્યો એની બીજી માસિક તિથી આવતી હતી તો લક્ષ્મીએ એનાં સસરાં દલસુખભાઈને કહ્યું કે, “ બાપુ દિવેટો માટે રૂ લઈ આવજો ને…હવે નથી રહી દિવેટો. મારે સાંજે દિવો કરવા જોશે”
દલસુખભાઈએ લાચારી ભરી નજરે રંભાબેન સામે સ્હેજ જોયું એટલાંમાંજ રંભાબેન તાડુક્યા, “ સાલી છપ્પરપગી.. બેહી રે રાં…”
“ તઈણ મહીનામાં તો મારા મનુને ખાઈ ગઈ, કેવાં પગલાં લઈને આઈવી સે ખબર નથ પડતી.આઈ થી હવે મઈર તો સેડો સૂટે તારાંથી….હવે દિવડા કરીને મારો સોકરો પાસો આવવાનો સે…! આ દિવા કરવા જ રૂ મગાઈવુ તુ તે મન્યા પાહે. માંડ સોકરો ઘેર આઈવો તો ને રાં.. તે પાસો મોઈકલો ગામમાં. રૂ ને દિવડાં વગરની મરી ગઈ તી..! અંધારે મોઈકલો ને કાળોતરો કઈડો તો લાશ પાસી ઘેર આઈવી… છપ્પરપગી હવે તારે ઘરમાં એકલો જણ બઈચો એને ય ખાઈ જાવો સે.., મઈર આઈથી મઈર ને અમારો સેડો સુટે તાઈરથી.”
લક્ષ્મી ડૂસકે ને ડૂસકે રડતી બોલી , “ ના બાપુ..નો જાતા મારે તો દિવો મન થ્યું તો… “ બસ પછી તો કંઈ ન બોલી શકી લક્ષ્મી ને કંઈ ખાધા વગર વાસણ ઉટકી ને લગભગ આખી રાત પડખાં ફેરવતી ને મનુ ને યાદ કરતી, પોતાની જાતને કોસતી પડી રહી.
ટ્રેનમાં વચ્ચે બે-ત્રણ સ્ટેશનો આવ્યાને ટ્રેન આગળ વધતી રહી. લક્ષ્મી એનાં વિચારોમાં જ હજી ખોવાયેલી હતી. આ સ્ટેશનો પર કોણ બેઠું ને કોણ ઉતર્યુ એ કંઈ જ ખબર ન હતી. બાજુમાં બેઠેલ પ્રવિણ સિવાય લગભગ એ પેસેજમાં બેઠેલ બીજા બધાં પેસેન્જર્સ હવે બદલાઈ ગયા હતા. પણ લક્ષ્મીને કયાં કંઈ ખબર રહી કે કોણ આવ્યું ને કોણ ઉતર્યું ?
એ તો આજે વહેલી સવારે પાંચ વાગે રંભાબેને લાત મારીને જગાડીને જે વ્હેણ કહ્યા અને જે કરવા કહ્યું હતું તેનાં વિચારે ચડી ગઈ હતી..!

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા