છપ્પર પગી - 36 Rajesh Kariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છપ્પર પગી - 36

છપ્પરપગી - પ્રકરણ ૩૬
—————————

પલ જાણે શૂન્યમનસ્ક થઈ ગઈ હતી.., ક્યાં ગઈ હતી ? શું થયુ ? એ જવાબ આપવા માટે જાણે થોડી વાર અસમર્થ હતી… પણ થોડી વારમાં સ્વસ્થ થઈ ને જણાવે છે કે મને થયું કે સ્વામીજી એ ગુફામાં ગયા અને વિશ્વાસરાવજીને પણ ખબર નથી તો મારી ક્યુરીયોસિટી વધી ગઈ અને મને થયુ કે હું પણ જોઉં તો ખરી કે અંદર શું છે ? પછી એણે અંદર ગઈ અને બહાર પણ આવી ત્યાં સુધીની બધી જ વાત કરી. પલ ને જે પ્રશ્નો ઉદભવ્યા તે બધાજ પ્રશ્નો હવે બધા માટે પણ હતા.

ગુફામાં ઓમકારનો નાદ સંભળાતો હતો તે ક્યાંથી આવતો હતો ? કોણ હતું ત્યાં જેનો નાદ સંભળાતો હતો ? સ્વામીજીનો એ નાદ હોય તો દેખાયા કેમ નહીં ? ગુફાની એ બીજી તરફથી પલ બહાર નિકળી તો એ બીજો દરવાજો હતો ? તો શું સ્વામીજી પણ એ તરફથી બહાર નીકળ્યા હતા તો ગુફાનો દરવાજો ઝાંખરાથી બંધ કેમ હતો ? ગુફાની અંદર જ જો સ્વામીજી હોય તો ત્યાં કોઈ જગ્યાએ દેખાયાં કેમ નહી…?

હવે આવા બધા પ્રશ્નોને લઈ બાકીનાં બધા વિશ્વાસરાવજી તરફ પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા પણ જે સવાલો એમને સૌને મુંઝવતા હતા તે હવે એમનાં માટે પણ મુંઝવણ જ હતી… એટલે એમણે પલને થોડી વિગત પુછી પણ એ વિગતો પછી પણ વિશ્વાસરાવજી કોઈ નિષ્કર્ષ પર પહોંચી ન શક્યા કે અંદર શું બન્યું હશે કે સ્વામીજી ક્યાં હશે ? કેમ દેખાયા નહીં હોય ? એટલે એમણે બધાને કહ્યુ કે સ્વામીજી બહાર આવે એટલે વાત કરીએ.

થોડી વાર થઈ એટલે સ્વામીજી બહાર નિકળ્યા અને બીજા કોઈ એમને પૂછે એ પહેલાં જ એમણે સામે થી સવાલ કર્યો, ‘કોઈ આ ગુફાની અંદર પ્રવેશેલું ?’
‘હા… પલ અંદર આવી ચડી હતી, પણ અમને કોઈને જાણ ન હતી.’ વિશ્વાસરાવજી બોલ્યા… ‘પણ એણે તો તમને ન જોયા, તમને કેમ ખબર પડી કે કોઈ અંદર આવેલ હતું..!?’
‘એ ગુફાની બીજી તરફથી હું બહાર નિકળ્યો હતો ત્યારે એ ભાગ ખુલ્લો હતો.. ઝાડી-ઝાંખરાં હટાવેલ હતા. સામાન્ય રીતે ગુફાનો એ ભાગ કવર કરીને રાખું જેથી કોઈ જંગલી પ્રાણી અંદર ન પ્રવેશે…પણ આજે ધ્યાન પછી બહાર નીકળ્યો ત્યારે ગુફાનાં બીજા દ્વારેથી થોડો વધુ પ્રકાશ આવી રહ્યો હતો એટલે ત્યાંથી બહાર નિકળ્યો એટલે ખબર પડી…’

પછી પલ સામે જોઈને કહ્યું, ‘આ વિશ્વમાં કેટકેટલું ય અગોચર છે… અજાણ છે, અમાપ છે, કેટલુંય એવું હશે કે સામાન્ય વ્યક્તિ કે લોકની પર છે… એક અજાણ્યા વ્યક્તિ તરીકે ક્યારેય કોઈ પ્રયોગ ન કરવો, ક્યારેક આપણાં માટે જોખમી બની જાય… ગુરુ વિના જ્ઞાન નહી… જે બાબતે જેની પાસે જ્ઞાન છે તેનું સન્માન કરીએ અને એ માર્ગે ચાલીએ તો રસ્તો સરળ અને મંજીલ ચોક્કસ મળે બાકી તો માત્ર આપણાંજ અનુભવોથી જ ચાલવાનું પસંદ કરીએ તો એક જિંદગી ઓછી પડે… હા સામાન્ય રીતે જીવન જીવી જવાનું હોય તો ઠીક છે.. તમે તમારા અનુભવો થી જીવો.. પણ આ જ જીવનમાં કંઈ વિશિષ્ટ પામવું હોય અને ખરા અર્થમાં જીવન સાર્થક કરવુ હોય તો યોગ્ય દિશાનું પ્રબળ આસ્થા સાથેનુ્ ચોક્કસ જ્ઞાન બહુ જ જરૂરી છે, બહુ તર્ક ન કરવો.…. સમજે બચ્ચે.. કે અભી ભી કી તિતલી કી તરહ ઉડકે કહીં ભી ચલી જાયેગી…!’

બધાં જ લોકો હળવા લહેજે સ્વામીજીએ કહેલી આ ગંભીર વાતને સાંભળી અને કેટલાંકે તો મનમાં ગાંઠ પણ વાળી દીધી કે આ બાબતે આજીવન ન ભૂલવી..

પણ પલ માટે તો હજી પણ પેલા પ્રશ્નો કોયડા જેવા જ હતા… સ્વામીજીએ એના ચહેરા પરનાં મનોભાવ બરોબર વાંચી લીધા હતા એટલે કહ્યું કે ચાલ મારી સાથે રસ્તામાં સમજાવું છું… એ લોકો હવે બધા જ ગંગા તીરે એક નાનો પ્રવાહ જે ગંગા નદીનો જ એક અલગ પ્રવાહ હતો તેની લગોલગ આગળ ચાલતા જાય છે.. શેઠ અને શેઠાણી વ્હીલ ચેરમાં છે… એટલે સ્વામીજી, પલ અને શેઠાણી ત્રણેય સોથી પાછળ ચાલે છે જ્યારે વિશ્વાસરાવજી, શેઠ, અભિષેકભાઈ અને તેમનાં પત્ની સૌથી આગળ ચાલે છે… લક્ષ્મી અને પ્રવિણ વચ્ચે છે…

સ્વામીજીએ ચાલતાં ચાલતાં પલને કહ્યું,’લીસન માય સ્વીટ ચાઈલ્ડ… ધેર ઈઝન્ટ એની રોકેટ સાયન્સ ઓર મિસ્ટરી બિહાઈન્ડ…’
આટલું બોલ્યા તો વચ્ચે શેઠાણીએ એમને અટકાવ્યા ને કહ્યુ, ‘સ્વામીજી આ તમારું હાઈ ફાઈ પ્રોનન્સીએશન વાળું ઈંગ્લીશ મને જલ્દી નહીં સમજાય… પલ માટે ઠીક છે પણ મારે તો મુશ્કેલ છે..’
સ્વામીજીએ વાત ફરી માંડી અને જણાવ્યું કે એ ગુફા કોઈ ભેદી ગુફા નથી… કોઈ એની પાછળ રોકેટ સાયન્સ પણ નથી પણ કોઠાસૂઝ વાળી વ્યક્તિએ બનાવડાવેલી એક અતિ પ્રાચીન જગ્યા છે. મને તો મારા ગુરુએ આ જગ્યા વારસામાં આપેલી હતી… લક્ષ્મીએ મને કહ્યુ હતુ કે સ્વામીજી આપણે આ ખંડેર જેવા આશ્રમને નવેસરથી બનાવડાવીને અધતન સુવિધા સંપન્ન બનાવી દઈએ પરંતુ મેં જ ના પાડી છે કેમકે આ જગ્યાને આપણે ડેવલોપ કરીશું તો અહીં માત્ર ફરવા આવનાર લોકોની સંખ્યા વધી જશે, જગ્યાની પવિત્રતા ખોરવાઈ જશે અને માત્ર સાઈડ સીંઈંગ માટેની જગ્યા બની જાય..મારા ગુરુએ જણાવ્યું હતુ કે આ જગ્યા હજારો વર્ષ પુરાણી છે… ગુફા તો કદાચ એથી પણ પુરાણી હશે..આ ગુફા અંગે સ્થાનિક ગણ્યા ગાંઠ્યા લોકો સિવાય કોઈને પણ ખબર નથી.એ લોકોને ખબર છે કે પરંપરાઓ થી આ જગ્યા અને ગુફામાં તપ, સાધના કે ધ્યાન થાય છે એટલે એ લોકો પણ આ જગ્યાની મહત્તા સમજે છે અને શક્ય તેટલાં દૂર રહે છે. જ્યારે જ્યારે એમને વહેલી સવારની નિરવ શાંતિમાં ઓમકારનો ધ્વનિ સંભળાય ત્યારે એ લોકો સમજી જાય કે અહીં ધ્યાન કે તપશ્ચર્યા ચાલે છે એટલે એ લોકો ગુફાની અંદર પ્રવેશી પાણી, કેળાં કે અન્ય કંઈ ફ્રુટ મુકીને જતા રહે… એટલે ઘણી વખત આ જગ્યાએ એક દિવસથી લઈ મહીના સુધી પણ મારે રોકાઈ જવાનું થાય અને એટલે જ વિશ્વાસરાવજી આશ્રમને બધી રીતે સંભાળી લે છે.. મારુ કંઈ નક્કી નથી હોતું…

પલ… તું મારો અવાજ સાંભળી શકી હતી પણ મને જોઈ ન શકી એનું કારણ એ છે કે આ ગુફામાં જે વળાંક આવ્યો હતો અને પછી તુ જે બીજી તરફ વળી તે કોર્નર પર એક બીજી ગુફા છે, જેમાં માત્ર એક માણસથી જ પ્રવેશી શકાય તેવો જ પ્રવેશ છે જે અંદરથી ઘણી મોટી છે.. એ ગુફામાં આગળ ચાલીએ તો ગંગામૈયાના એક કાંઠે પણ પહોંચી જવાય તેવી હતી.. પણ કાળક્રમે ભૂસ્ખલનને લીધે વચ્ચે બ્લોક થઈ ગઈ છે… મારે કોઈ જરૂર નથી એટલે એને ક્લિયર કરાવતો નથી… હું અંદર જતો રહુ પછી એક પથ્થર જે અંદર છે તેને ખસેડીને આડો મુકી દઉં છું એટલે મારે પુરી પ્રીઈવસી રહે અને ધ્યાનમાં જતાં રહીએ તો અમારા ઓમકારનાં નાદ સાંભળી કોઈ જંગલી પ્રાણી આવીને અમારો કોળીયો નોકરી જાય.. બસ આટલું જ બાકી આ ગુફા કોઈ ભેદી ગુફા નથી.’
પલે સ્વામીજીને પુછ્યુ કે, ‘ તમે તો એક વિદ્વાન પ્રોફેસર રહ્યા છો… સારુ એવુ રિસ્પેક્ટ અને અરનિંગ હતું તો કેમ એ છોડ્યું ? અને હવે આ ધ્યાન કે તપથી શુ મળશે તમને?’

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા