ગુમરાહ - ભાગ 48 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 48

ગતાંકથી...
"જૂઠું બોલે છે? ધોડું કંઈ તારા જેવું મૂર્ખ નથી." એમ કહી તેણે પોટકી નીચે મૂકી દીધી અને જે દિવાલ પર સંદીપ હાથ ફેરવતો હતો તે જ દિવાલમાં નો એક ખીલો દબાવ્યો એટલે એક બારણું ખૂલ્યું .આ પડછંદ કાયા ના ઘાટીએ તે બાદ સંદીપનો હાથ ઝાલીને તેને ઘસડીને ઉભો કર્યો અને બે ચાર ધબ્બા લગાવી દઈને એક ધક્કો મારી તેને તે બારણા ની અંદર ધકેલી દીધો. બારણું બંધ થઈ ગયું.

હવે આગળ...

સંદીપ એક અંધારી કોટડીમાં કેદ થયો. પોતાને વાગેલા ધબ્બાઓથી ઘડીભર તે બેચેન જેવો બની ગયેલો. સંદીપ તે ઓરડીમાં થોડીક વાર એમ જ પડ્યો રહ્યો. પછી તેને આમ લાચાર, માયકાંગલા અને પોચો બની જવા માટે શરમ ઊપજી. તેને પોતાની જાત ઉપર ગુસ્સો ઊપજ્યો કે, કોઈ જાતના સાધન વગર અને સાથીદારો વગર અહીં ઉતાવળ આવવાની ભૂલ પોતે શા માટે કરી? પણ ખેર ,હવે હિંમતથી કામ લેવું જોઈએ. આમ નિશ્ચય કરી તે જમીન પરથી ઉભો થયો અને અંધારામાં બાથોડિયા મારવા લાગ્યો. હાથ લાંબા કરીને તપાસ કરતા કરતા તે ચાલવા લાગ્યો થોડાક ડગલાં ભરતા તેના હાથ એક દીવાલ સાથે અથડાયા. પહેલા ઘાટીએ ખીલો દબાવીને દિવાલનું બારણું ખોલ્યું હતું એટલે એવો જ કોઇ ખીલો આ દિવાલમાં છે કે કેમ તે સંદીપ ચકાસવા લાગ્યો. અંધારામાં તે દિવાલ પર અહીં તહીં હાથ ફેરવતા ધીમે ધીમે તે દિવાલ સરસો જ આગળ ને આગળ ચાલ્યો. ઊંચે ,નીચે આડાઅવળા હાથ ફેરવતો જાય અને ખીલાના જેવું કાંઈ ન જડે એટલે આગળ ને આગળ ચાલતો જાય એમ કરતા કરતા એક જગ્યાએ તેને દિવાલ પુરી થયેલી લાગી અને તેનો હાથ ખાલી હવામાં વીંઝાયેલો લાગ્યો તેથી થોભી ગયો. કદાચ તે એકાદ ખુલ્લુ બારણું હોય .આથી ખાલી હવામાં જ જમણી બાજુથી સીધો ડાબી બાજુએ પોતાના હાથ લઈ ગયો. તેણે આંખોના ડોળા જરાક વધારે ફાડીને અંધારામાં કંઈ ઝાંખું યે જણાય છે ખરું કે નહિં તે તપાસવા પ્રયત્ન કર્યો પણ વધુ ફોગટ ! હાથ ખાલી હવામાં જ રહ્યા અને કોઈ દિવાલને અડક્યો નહિં તેમજ અંધારા સિવાય બીજું કંઈ દેખાયું નહિં .તેને પગનો પણ ઉપયોગ કર્યો. ધીમે ધીમે તે જમણી બાજુથી બાજુએ ચાલ્યો અને સાત -આઠ પગલાં ભર્યા એટલે એક બારણાની સાખને તેનો હાથ અડક્યો .નક્કી ,આ કોઈ ખુલ્લું બારણું હોવું જોઈએ .પણ તેમાંથી આગળ જવું એ તો અંધારામાં જ આગળ વધવા જેવું થાય અને કદાચ આગળ વધતા કાંઈ જ પરિણામ વિના અંધારામાં અને અંધારામાં જ અથડાવું પડે તો ?આ વિચાર આવ્યાથી તે ત્યાં જ અટકી ગયો અને પાછો એ જ સવાલ પોતાના મનમાં કરવા લાગ્યો કે 'હવે શું કરવું?'

વિચાર કરતા તેને ખ્યાલ આવ્યો કે, આ જગ્યાએથી ખૂબ મોટા અવાજે બૂમો પાડવી કે જેથી રસ્તામાંથી કોઈ આવતા જતા ત્રાહિત માણસોનું ધ્યાન ખેંચાય. તેને એ વિચાર ઠીક લાગ્યો તેથી 'બચાવો 'એમ બૂમ પાડવાની તૈયારી કરતો હતો ત્યાં એક બાજુએ લાઈટનો પ્રકાશ દેખાયો .તે પ્રકાશ જરાક દૂર હતો પણ તેમાં તેણે જોયું કે પોતે એક બારણા આગળ ઉભો હતો. એ જ વખતે બે માણસો વાતો કરતા હોય એમ તેને લાગ્યું. કોઈએ અલગ જ ભાષામાં કહ્યું : " એ સિવાય બીજો કોઈ ઉપાય નથી."

બીજાએ તેનો જવાબ દીધો : " પણ, એમ તો ન થાય ."આ બીજો અવાજ સંદીપને પરિચિત લાગ્યો.
"ત્યારે હું હવે આમાં વચ્ચે પડવા માંગતો નથી તમારો માણસ તમે લઈ જાઓ અને તેનું ફાવે તે કરો‌" પહેલાએ કહ્યું.

"પણ તું અકળાય છે શું કરવા? જેના અવાજથી સંદીપ પરિચિત હતો તેણે સામે પ્રશ્ન કર્યો.

લાઈટ નો પ્રકાશ ધીમે ધીમે સંદીપ ઉભો હતો તે તરફ આવવા લાગ્યો .કદાચ એ લોકો પોતાની તરફ આવશે, એમ ધારી તે બારણા નજીક જ દીવાલને અડીને જમીન પર પગ પહોળા કરીને એવી રીતે પડી રહ્યો હતો જાણે પોતે બેભાન છે, એમ તેને જોનારાઓને લાગે. તેણે થોડીક વાર સુધી આંખો મીંચેલી રાખી પણ કાન સતેજ રાખ્યા. વાતચીત આગળ ચાલી:

"જો અહીં બેસ." પરિચિત અવાજે પહેલા બીજાને કહ્યું:" આપણો કરાર તું ભૂલી જાય છે?"

"કરાર એ જ કે ,આ માણસને મારે ઠેકાણે કરી દેવો .હવે તમે કહો છો કે, છાપાવાળાઓએ ધાંધલ કર્યું છે તો બસ એને પૂરો કરવા દો. પણ હં.. પેલો છાપાવાળો છોકરો અહીં આવ્યો છે...."
સંદીપ ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો
"શું ?આવ્યો છે? તે તેનું શું કર્યું?"

"પેલી અંધારી ઓરડીમાં પૂર્યો છે. અંધારામાં અકળાઈને મરી જશે"
"એમ? ચાલ, ચાલ ક્યાં છે બતાવ!"
"પહેલા મારું પતાવી દો -પછી બતાવું. આ તો એકને બદલે બે થયા."

થોડીવાર શાંતિ પ્રસરી. પછી પહેલા પરિચિત અવાજે પૂછ્યું:
"સારું. સાંજે મારી ઓફિસે આવીને બાકીના રૂપિયા લઈ જજે. પરંતુ તે જે છોકરાને પૂર્યો છે તેને બતાવ. તે એ જ છે કે, બીજો કોઈ?"

"અરે, એ જ છે .વીસ- બાવીસ વરસનો છે. જરાક રૂપાળો છે અને જીન્સ ને ટીશર્ટ પહેર્યું છે.
"એમ ના ચાલે .બતાવ ,ચાલ."
"પણ રૂપિયા અહીં આપો તો જ બતાવું."

"અલ્યા ,કહું છું તે નથી સાંભળતો ?રૂપિયા સાંજે લઈ જજે."
"તો છોકરો સાંજે જોઈ જજો."
"આમાં તું શક કરી બરાબર નહિ કરતો‌"
"જા, જા, તારા જેવા તો બહુ જોયા."

એ જ વખતે લાઈટનો પ્રકાશ બંધ પડ્યો અને કંઈ અફડાતફડી થતી સંદીપના સાંભળવામાં આવી. "મૂકી દે, શર્ટ મૂકી દે." પરિચિત અવાજ બોલ્યો. શું મુકે? હમણાં ને હમણાં પૈસા લાવ."ઘાટીએ જવાબ દીધો:" આ લે." એમ કહીને પહેલા પરિચિતે ઘાટીને એક ધોલ એવી લગાવી કે સંદીપ ને તેનો અવાજ ચોખ્ખો સંભળાયો. લાઈટનો પ્રકાશ બંધ થઈ ગયો. અને નાસભાગ થતી જણાઈ સંદીપ જે ઓરડીમાં હતો, એ તરફ પ્રકાશ આવ્યો અને ધસારા બંધ કોઈ તે ઓરડીમાં આવ્યું. આવતાંની સાથે તે બારણા આગળ સંદીપ પડ્યો હતો તે બારણું ઝડપથી બંધ થઈ ગયું, લાઈટનું અંજવાળું ચાલુ રહ્યું અને તેમાં એક અવાજ સાંભળ્યો .

"કોણ રિપોર્ટર સંદીપ?"

સંદીપ આંખ ખોલીને જોયું તો આંખ ઉપર એક કાળી પટ્ટી વાળી અને શરીરે કાળો બુરખો પહેરેલી એવી કોઈ વ્યક્તિ પોતાના હાથમાં ટોર્ચ લઈને તેની સામે ટોર્ચ નો પ્રકાશ ફેંકતી હતી. " અને હરેશ? તે આકૃતિ આમ તેમ તે જગ્યાએ જોવા લાગી.સંદીપે અજવાળામાં જોયું તો, તે જગ્યા એક ઓરડી જેવી હતી પણ તેમાં તે પોતે અને કાળા કપડાની આકૃતિ સિવાય બીજું કોઈ નહોતું. તે આકૃતિ આમ તેમ તે ઓરડીમાં લાઈટ સાથે ફરી તો તેના હાથમાં એક ટોપી અને ચૂથાયેલું કાગળિયું એ બે વસ્તુ આવી. કાગળિયું વાંચીને," ઓહ! બદમાશ !"એટલું બોલીને તે આકૃતિ એ પગ પછાડ્યા.
સંદીપ પોતાની જગ્યાએથી ઊઠીને ઊભો થઈ અને બોલ્યો: "આપ મિ. લાલચરણ છો ખરું ને?"

નહિં હું લાલ ચરણ નથી. હું એક ડિટેક્ટિવ છું. તમે 'લોક સેવક'ની ઓફિસમાં કામ કરો છો અને વારંવાર અમારી પોલીસ ઓફિસે રિપોર્ટ લેવા આવો છો એટલે હું તમને સારી રીતે ઓળખું છું."

"સાહેબ, આપ મને મૂર્ખ બનાવો છો. આપ મિ. લાલચરણ જ છો. આપના શરીરની આકૃતિથી તથા અવાજથી આપને બરોબર ઓળખું છું. જો હું મને પોતાને ન ઓળખું તો જ આપને ન ઓળખું .ચાર વર્ષથી મેં આપના નીચે કામ કર્યું છે."
શું ખરેખર?? એ માણસ લાલચરણ છે કે બીજું કોઈ ??જાણવા માટે વાંચો આગળનો ભાગ....
ક્રમશઃ....