ગતાંકથી....
આથી જ હું તમને ઊંચી દવાઓ આપવા સાથે આટલી મારા દિલની વાત એકદમ ખુલ્લી રીતે કહેવાની હિંમત કરી શક્યો છુ તે પરથી હવે કોઈનું પણ ભલું કરવા તરફ તમારા વિચારો દોરશો તો તમારું જાત કલ્યાણ કરી શકશો બસ આ સિવાય મારે કંઈ કહેવાનું નથી. આમ કરીને ડોક્ટર ઉઠ્યા
અને સલામ કરીને ચાલ્યા ગયા.
હવે આગળ.....
"ડૉક્ટર.... હુઉઉઉફ... ડૉક્ટર..."
ડોક્ટરે હવે જરાકે પાછું વાળીને જોયા સિવાય કહ્યું : " મારી દવા બરાબર પીજો. મારી સૂચના મુજબ ચાલજો. આરામ લેજો .તમને જરૂર બે ચાર દિવસમાં મટી જશે." બસ એટલું કહીને તે ચાલ્યો ગયો. કિટલર પણ તેની પાછળ જતો હતો -
"એઈ... ગધેડા....ઉઉફ...."
"જોયું સેઠની શિખામન જાપાં સુધી." હજી તો દાકટર મકાનબી છોરી ગયા નથી તાં... 'ગધેડાં !'નો મુને મોટો સિરપાવ.. આપીઓ !!" કિટલરે રાયચુરાને ટાંણો માર્યો.
કિટલર!.. મારું દરદ મુને એમ બોલાવી નાખેછ પન...ઉઉફ... તારે માટે દિલમાં કાંઈ... રંજ નથી... જરા મારી પાસે.... આવ...ઓઈઈ... કોઈ અહીં આવ."
"નહિંજી મને ગુસ્સામાં તમો એકાદ લાફો મારી બેસો, તેથી દૂર રહીને જ હું વાત કરસ."
"કિટલર!.... દાકતરના કહેવાની મારા પર અસર થઈછ... હુઉઉઉફ... તે સાચું બોલ્યો હતો...ઉઉફ.. એક જનનું મેં બુરું કરીઉંછ.. મને.. ઓઈઈઇ... નજદીક આવ...ઉંઉંઉં મારે તેનો ભલાઈમાં બદલો વાલવોછ... હું ધીમેથી કહું તે સાંભલ...ઉઉફ... હુઉઉઉફ..."
કિટલરને પોતાનો શેઠ પસ્તાતો લાગ્યો. તે જરાક નજદીક ગયો રાયચુરાએ કહ્યું : " જો... કોટમાં... જઈ 'પરજા સેવક' છાપાની... ઉઉઉફ."
"સાહેબ, એ તો તમારા દુશ્મનનો છાપું છે."
"ચૂઉઉપ.... મોટેથી નહિ બોલ...ચઉઉઉઉપ... એ છાપાંની હાફિસમાંથી એક રિપોરતરને જલદી બોલાવી લાવ... તેને માટે એક... છુપી ખબર.. હુઉઉઉફ..ઓઓઓ..."
તે થોડીવાર સુધી એમ ને એમ ઉંહકારા કરતો પડી રહ્યો. પછી બોલ્યો : "તેની માટે એક છુપી ખબર આપવી છે .ચૂપચાપ તેને બોલાવી લાવ.ઉઉઉફ."
પાછો પલંગમાં ટુંટિયું વાળીને તે પડ્યો અને ઉંહકારા ચાલુ રાખ્યા .કિટલર ડોક્ટરની શિખામણ વખતે હાજર હતો. તેના મન ઉપર પણ ભલાઈનાં કામ કરવાની અસર થઈ હતી. રાયચુરાનું વાક્ય સાંભળતા જ તે એકદમ મકાન બહાર નીકળી, 'લોક સેવક'ની ઓફિસ તરફ દોડ્યો.
"સાહેબ, જરા મારા શેઠ પાસે આવી જાઓની ?"હાંફલા ફાંફલા કિટલરે 'લોકસેવક'ની ઓફિસમાં સંદીપ પાસે જઈને કહ્યું.
સવારના દસ વાગ્યાનો સમય હતો એટલે ઓફિસમાં કોઈ આવ્યું નહોતું. પણ સંદીપ ને આજના અંકને વેચાયેલી નકલોના હિસાબનું કામ સોંપવામાં આવેલું હોવાથી તે ત્યાં બેઠેલો હતો. ચીમનલાલના હાથ નીચે તે કામ કરતો હોવાથી તેના જેવી જ શાંતિથી તેણે કિટલરને કહ્યું : "પેલી ખુરશી પર બેસ, ભાઈ જરા ધીરેથી મને કહે કે, તારા શેઠ કોણ છે ?અને કોને બોલાવે છે?"
"વાહ? એટલું ભી નહીં જાનતા? મારા શેઠ પેલા રાયચુરા વકીલ ! હું તેવણનો સેક્રેટરી,બબરચઈ,હમાલ,જે કહો તે બધ્ધું જ છું.તેવણને સંધિવા થયો છે.મને કહે છે ' પરજા સેવક'વાલાને ત્યાં જા અને રિપોરતરને તાંથી બોલાવી લાવ." તેણે એટલું કહ્યા બાદ આમતેમ આડું અવળું જોઈ બહું જ ધીમે સાદે કહ્યું : " તેણે તમારૂં કાંઈ બગારીઉં છે તે સુધારવા માંગે છ, તેવણ,પછતાયેછ,માટે,બાવા,જરા પાંચ મિનિટ આવી જાઓની ?"
સંદીપ એ આ લપછપિયા નોકરની લાંબી પીંજણથી જરાક હસવું આવ્યું. ખાસ કરીને 'રિપોર્ટર' શબ્દમાંથી તેણે 'રિ 'કાઢી નાખ્યો તેથી! તેને વકીલ નો કાંઈ પરિચય નહોતો. તેમ જ તેનાં કાવતરાથી તે વાકેફ નહોતો. કોઈ જાહેર ખબર માટે જ તે બોલાવતો હશે માની લઈને તેને કહ્યું : " ચાલ ભાઈ, હું તારી સાથે આવું છું ."તે ઓફિસ બંધ કરીને કિટલર સાથે ચાલતો થયો. વાતોડિયો કિટલર રસ્તામાં પણ સખણો ન રહ્યો. તેણે કહેવા માંડ્યું : "મુકુજી ,તમારું નામ શું? બાવા?"
"સંદીપ, હું આ લોકસેવક ન્યુઝ પેપર માં રિપોર્ટર છું."
"હં.કેવુ મઝેનું નામ ! સંદીપ,જાને કે,વાત એવી છ કે મારા શેઠનું ભેજું જ મુને તો ગેપ થઈ ગીએલું લાગેછે, 'મેડ હાઉસ'માંજ તેવનને મોકલીઆ હોય તો કની તો ઘનું જ સારું. રાત દાડો તેવન લુલીબાઈ હલાવ્યા જ કરે અને મારા પર ગુસ્સો ચલાવે. જે દેખે તે છૂતું મારે."
"તેમનો મિજાજ ગરમ હોય તો તમારે જરા શાંત રહેવું જોઈએ." સંદીપ એ કહ્યું.
"અરે શું એના બાવાનું કપાલ શાંત રહીએ? લૂલીબાઈ કાંની આદુઅવલું બાફીઆ જ કરે .એવા ને તો જરા બાવા. ચિરવીએ કની તો મોજ મલે."
એટલામાં મકાન આવ્યું એટલે કિટલર જ બોલ્યો આ અમારી ચાલ આવી."
"તમારા શેઠની માલિકીની છે ?"
"નહિ રે, તેવન તો મખ્ખીચૂસના સરદાર મુઆચ . પાંચ હજારની ભાડાની ત્રણ કોતડીઓમાં રહેય અને લાખો રૂપિયા બેંકમાં એકથા કરીઆ કરે છ. મને ફક્ત બે હજાર રૂપિયા આપેય અને તે બી કેટલું કકલાવી કકલાવીને."
તેઓ મકાનનો સીડી ચડી બીજે માળ પહોંચ્યા. વકીલની ઓરડીના આગલીયા ભાગમાં સંદીપને બેસાડીને કિટલર અંદર ગયો. રાયચૂરા પલંગમાં પડ્યો પડ્યો ઉંહકારા કરતો હતો. કિટલરે સંદીપને ઇશારા થી બોલાવ્યો અને તેને આગળ જવા કહી, બારણા આગળથી તે બોલ્યો : " શેઠજી !આ છાપાવાલો આવીઓચ જી."
"આવીઓ! ઉઉઉફ..ઓ.ઈ.ઈ.ઈ. આવો મિસ્તર ધીરેથી આવજો. બુટ નો અવાજ ઉઉઉફ ... નહિ કરતા... જી !"
સંદીપ જઈને ખુરશી ઉપર બેઠો એટલે રાયચુરાએ ઊઠવા પ્રયત્ન કર્યો પણ ખૂબ કળતર થતા પાછો બેસી ગયો.
રાયચુરાએ સુતા સુતા જ કહેવા માંડ્યું : " મિસ્તર તમો 'પરજા સેવક' માંથી આવોચ કે? ઉઉઉફ?"
"હાજી, હું ત્યાં રિપોર્ટર છું."
"હું તમોને તમારો હેડ પ્રિન્ટર... શું નામ? હ... ઉઉઉફ... હરેશ.... તેના સંબંધમાં એક ખબર આપવા માંગુચ.ઓ....ઓ...ઈ...ઈ..."
"અમારો ગુમ થયેલો પ્રિન્ટર હરેશ ?એના સંબંધમાં?_"
"હા ...આ...આ..- વચ્ચે નહીં બોલતા. જી. મને- તે કહાં .. છે.... તેની ખબર મલીચ... ઉઉઉફ ... ઉઉઉફ... તેને ઉઠાવી જવામાં આયો.. છ... તેને છુપાવવામાં આયો....ચ..."
સંદીપની આંખોમાં ચળકાટ જણાયો. રિપોર્ટર તરીકે તેને આવી ભેદી બાબતોના માં પૃથ્વીના જેવા જ કામો કરવાની ઘણી હોંશ હતી. ચીમનલાલ હંમેશા તેને જે બોધપાઠો આપતો તે ઉપરથી તેના હાથ સળવળી રહ્યા હતા કે ,ક્યારે પોતાને કોઈ તક આપવામાં આવે?
વકીલ થોડીક વાર શ્વાસ લેવા થોભ્યો અને પછી બોલ્યો : તેને સાન્તાકરૂઝના એક જૂના.... કૂવાના.... ભોંયરામાં પૂરવામાં આયોચ.... "
"તે કેવી રીતે શોધી શકાશે?"
"કહુંચ... બાવા.... ઉઉઉફ ... ઉઉઉફ.કહુંચ. જ વચ્ચે નહિં બોલો. સાંતાકરૂઝ સ્ટેશનેથી જમની બાજુએ મકાનોની હારકતાર.... ઉઉઉફ...મુકીયા બાદ.... ઉંઉંઉં ખુલ્લા મેદાનમાં... જવું.. ઉઉઉફ ઓ ઈઈઈ... તા.... તી એ ખંડર...પાછળ ખૂબ ઝાડ આવેલાચ.... ઉઉઉફ તે ઝાડોની વચમાં એક કુવો આવેલોચ... ઉઉઉફ તેના પાની નથીજી ....ઉઉફ...તે ભોંયરું છે. તેમાં દાખલ થવા માટે લોધાની સીડી છે. બસ...ઉઉફ... ત એમાં આ હરેશને કેદ કીધેલોચ... બસ -આએ... મને મળેલી ખબર... ઉંઉંઉં ઉઉઉફ....!"
વકીલ રાયચુરા આટલું બોલીને ખૂબ હાંફવા લાગ્યો. ડોળા ફાડીને તે સંદીપ તરફ જોવા લાગ્યો. દુઃખને લીધે દાંત પીસવા લાગ્યો અને ઉંહકારા ઉપર ઉંહકારા કરવા લાગ્યો.
"સારું, હું ત્યાં જઈશ. પણ આપ એ જણાવી શકશો કે ,તેને ઉઠાવી જનાર કોણ છે ?"
પહેલો તમે...ઉઉઉફ...તે આદમીને મેલવો. તેનો પત્તો મેલવશો એટલે આપોઆપ... તે કહેશે.... અને ઉફફ... જો તે નહિ કહે તો પછી તમારી એડિતર મિ. લાલચરણને પૂછી જોજો."
સંદીપ ચોંક્યો. લાલચરણ ને પૂછી જો જો એટલે શું ?
શું લાલચરણ આ કાવતરામાં સામેલ છે? તે 'લોક સેવક 'અને 'લોક સત્તા' વચ્ચેની ચકમક થઈ વાકેફગાર હતો ?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ......
ક્રમશઃ....