વરદાન કે અભિશાપ - ભાગ 29 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરદાન કે અભિશાપ - ભાગ 29

વરદાન કે અભિશાપ (ભાગ-૨૯)

            (નરેશ નિઃસાસો નાખતાં કહે છે કે, કાશ મે પ્રકાશને મકાન ખરીદવાની વાત જ ન કરી હોત તો આજે મારે ભોગ ન આપવો પડત.......!!!!!!! નરેશ બીજા કોઇ ભાઇને ત્યાં મોકલી દેવા ધનરાજભાઇને કહે છે. પણ ધનરાજભાઇ સમજી વિચારીને તેને આ મકાન આપેલ હોવાનું જણાવે છે. આખરે નરેશે બગાવત પર ઉતારવાનું  નકકી કર્યુ અને સીધા શબ્દોમાં મકાનમાં રહેવા જવાની ના પડી દે છે. એ પછી ધનરાજભાઇ તેને બંને મકાન વેચી મારવાની ધમકી આપે છે. નરેશ અને સુશીલા લાગણીશીલ હોવાને કારણે બંને તેઓની ઝાળમાં ફસાઇ જાય છે અને આખરે તેમની છેલ્લી નાકામ કોશીશ પણ કઇ અસર નથી કરતી ને તેઓ હતાશ થઇને નવા ઘરમાં જવા માટે તૈયારીઓ ચાલુ કરી દે છે. હવે આગળ...........)

            નરેશ, સુશીલા અને ઘરના બધા સભ્યો નવા ઘરમાં માટલી મૂકવાના સામાન સાથે જાય છે. ત્યાં બધી જ સામગ્રી ગોઠવી દે છે. ધનરાજ ભાઇના નાના ભાઇ દેવરાજભાઇ પણ તેમના સહકુટુંબ સાથે અહી આવી પધાર્યા હતા. આ તરફ સુશીલા થોડી ઉદાસ હતી. કેમ કે, તેને એક દીકરી પલક હતી તો પણ માટલી તેમની નણંદ ગીતાબેન જ મૂકવાના હતા. પણ નરેશ તેને એમ કહીને સમજાવી દે છે કે, ગીતાબેન ઘરમાં એક જ દીકરી છે એટલે તે માટલી મૂકે તો સારું. આથી સુશીલા પછી કંઇ જ બોલતી નથી. ઘરના બધા લોકો આવી ગયા હોય છે બસ ગીતાબેન અને ગોરધનભાઇની રાહ જોવાતી હોય છે. ધનરાજભાઇ તેમને ફોન કરી દે છે. પછી તેઓ ઘરમાં સમાચાર આપી દે છે કે, ગીતા અને ગોરધનકુમાર હમણા દસ મિનિટમાં જ આવે છે. બધા ફટાફટ બાકી રહેલ કામ કરવા લાગી જાય છે. આ બાજુ ગીતાબેન અને ગોરધનભાઇ બંને બાળકોને લઇને આવી જાય છે.

            મણિબેન તો પોતાની દીકરી ગીતાને જોઇને હરખાઇ જ જાય છે. એ પછી દીકરી અને જમાઇના તેઓ ખબરઅંતર પૂછે છે. ધનરાજભાઇના ધર્મપત્નિ ધનીબા પણ ગીતાને આવકાર આપે છે. ગીતાની કાકાની દીકરીઓ અને ભાઇઓ પણ તેની સાથે વાતચીત કરવામાં મશગૂલ થઇ જાય છે. ગીતાના બાળકો થયા પછી તે કોઇ દિવસ અહી પિયરમાં રોકાઇ જ ન હતી. આથી મણિબેનને હંમેશા એક વસમો રહેતો કે, દીકરી સાથે સમય વિતાવવા જ નથી મળતો. આથી તે તો દીકરી સાથે વાતોમાં લાગી ગયા. એ પછી માટલી મૂકવાની વિધિનો પ્રારંભ થયો.

મણિબેન : ગીતા, તું આ નવા ઘરમાં માટલી મૂકે દે.

ગીતાબેન : હમમમમ..........

ગીતાબેન માટલી મૂકવાની રસમ સારી રીતે પરિપૂર્ણ કરે છે. એ પછી મણિબેન, ધનીબા, સુશીલા અને બાકીની વહુઓ લાપસી બનાવવાની તૈયારીમાં લાગી જાય છે. મણિબેન જે રીતે લાપસી બનાવે એમના જેવી તો કોઇ જ લાપસી ના બનાવી શકતું. તેઓ બધી જ વહુઓને લાપસી કઇ રીતે બનાવવાની તે શીખવાડી રહ્યા હતા. આ બાજુ ધનરાજભાઇ અને દેવરાજભાઇ બધા છોકરાઓ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. આ બધા માહોલની વચ્ચે ગીતા અને ગોરધન એકબીજાને ધીમા સ્વરે પણ ગુસ્સામાં કંઇક કહી રહ્યા હતા. આ બધું નરેશની નજરથી દૂર નહોતું. એ પછી ગુસ્સામાં ને ગુસ્સામાં ગીતા મણિબેન પાસે આવે છે અને ધીમેથી ઘરે જવા માટે પરવાનગી માંગે છે.

            મણિબેન અને બધા ઘરના સભ્યો તો તેની સામે જ જોઇ રહે છે. બધા તેને રોકાઇ જવા માટે કહે છે, પરંતુ ગીતાબેન રોકાઇ જવાના મૂડમાં જ નહોતા.

મણિબેન : અરે ગીતા હજી તો માટલી મૂકીને હાલ લાપસી બની ને હવે જમવાનું પણ છે. તો હાલથી કેમ ઘરે જાય છે?

ગીતાબેન : હા પણ મને માટલી મૂકવા બોલાવી હતી તો મે માટલી મૂકી દીધી. તો હવે તો હું ઘરે જઇ શકું ને?

મણિબેન : ગાંડી થઇ ગઇ છે કે શું ? માટલી મૂકવી એટલે નવા જીવનની શરુઆત. તારા ભાઇ-ભાભીએ આ સારા અવસરે તને કુંવાશીને માટલી મૂકવા બોલાવી છે તો પ્રસાદ લઇને જવાનું હોય.

            મણિબેન અને ગીતાબેન વચ્ચે વાક્યુધ્ધ ચાલતું હોય છે વચમાં બધા તેમને સમજાવતા પણ હોય છે.  

ગીતાબેન : તે મને અહી માટલી મૂકવા બોલાવી હતી. લાપસી અને જમવા માટે થોડું કીધું હતું??? તો પછી હું શું કામ રોકાઉં ?

મણિબેન : ગીતા, એવું અલગથી ના હોય અને તારે જ સમજવાનું હોય કે માટલી મૂકે છે તો લાપસી અને જમવાનું તો હોય જ ને.     

 

(શું ગીતા સાચે જ ઘરે રવાના થઇ જશે ? કે પછી મણિબેનની વાત માની પ્રસંગ સાચવી લેશે? કે પછી ઘરે રવાના થઇને નરેશ અને તેના સંબંધમાં કડવાશ ઉભો કરશે? )

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૩૦ માં)

 

-  પાયલ ચાવડા પાલોદરા