Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 14

(અગાઉ જોયું તેમ ભમરાજી ડરના માર્યા બેભાન અવસ્થામાં હતા. વૈદ્યની સારવારથી ભાનમાં આવતાં ભડકીને ભાગવા લાગ્યા. વૈદ્યે તેમને જડીબૂટી સૂંઘાડીને શાંત કર્યા. આગળની પરિસ્થિતિને નિપટવા માટેની ચર્ચા કરવા અમે પથુના ઘર તરફ નીકળ્યા. હવે આગળ... )
*************
ગામમાં ત્રણ પ્રકારે દિવાળીનો માહોલ હતો. જે લોકો ભમરાજી પ્રત્યે ખરેખર પૂજ્યભાવ રાખતા હતા એમના માટે દિવાળી ફિક્કી હતી. જેઓ ભમરાજીના ત્રિકાળજ્ઞાન અને મેલી વિદ્યાથી ડરીને પરાણે અહોભાવ ધરાવતા હતા એમના માટે દિવાળી મિશ્ર હતી. અને જેઓ ભમરાજીનાં કરતૂતોને જાણતા હતા પરંતુ એકલા કંઈ કરી શકતા નહોતા એમના માટે દિવાળીની ખરી મોજ હતી.
અમે ખુશ તો હતા. પરંતુ થોડા ચિંતિત પણ હતા. પથુને લઈને અમે ભેમાના ઘરે જવા નીકળ્યા.
"ચ્યમ પથુ.. રાતે ચ્યેવું રયું..?" રસ્તામાં મેં ગમ્મત ખાતર પથુને પ્રશ્ન કર્યો.
"મજા આઈ જઈ હોં માસ્તર.. ભમરાનો જબ્બર દોઈડો કરી દીધો.." ભૂતનો ડર દૂર થતાં પથુ પણ હવે ઉત્સાહમાં હતો.
"તને મજા આઈ લ્યા..?" હું કંઈ બોલું એ પહેલાં તો ચંદુએ જ ઉપાડો લીધો. "અલ્યા માસ્તર, રાતે તો આ પથુડી અઢાર મણ હગી જઈ'તી.. અને પાસી કે' સે કે મજ્જા આઈ જઈ.." એમ કહીને ચંદુ ખડખડાટ હસી પડ્યો.
"તુંયે તાણ ચ્યોં ઓસું બિવોણું'તું..? તુયે પંદર મણ પાદી તો જ્યું'તું.. " પથુએ પણ વળતો ઘા કર્યો.
"અલ્યા તમે બેય જણાએ આ અઢાર મણ ને પંદર મણ ચ્યાણે જોખ્યું લ્યા..? જબરા સો હોં તમે તો.." મેં પણ વચમાં મજાક કરતાં કહ્યું.
"ઈંમ જોખવાની વાત નહીં લ્યા.. આ તો કે'વતમોં બધા નહીં કે'તા લ્યા..!" ચંદુએ ફોડ પાડ્યો.
"હારું લ્યા.. એ બધી વાતો મેલો.. પણ પથુ, તું હાચ્ચું કે'જે.. ભૂત વિસે તારૂં સું કે'વું સે હવે.? " હું મૂળ વાત પર આવ્યો.
"હવે તો મને પાક્કી ખાતરી થઈ જઈ કે ભૂત-બૂત જેવું કોંય નહીં હોતું હોં.." પથુએ નિશ્ચિંત થતાં કહ્યું "પણ રાતે ભેમલો નેકળ્યો નઈં ત્યોં હૂંદી તો મને બઉ જ બીક લાગતી'તી કે ચ્યોંક હાચ્ચું ભૂત આઈ જ્યું તો સું થસે..?"
"અલ્યા થોડીવાર તો મુંયે ઘભરઈ જ્યો'તો.. પણ પસીં વોંધો ના આયો.." ચંદુએ પણ પોતાના મનની વાત કરી.
"ટૂંકમોં આપડી યોજના સફળ થઈને..? બસ તાણ.." મેં પણ રાહતનો દમ લેતાં કહ્યું. "પણ ખરૂં કોમ હજુ બાકી સે હોં લ્યા. ભમરો ભોંનમોં આવે પસીં આપડે એક દાડો ઈંને મળવા જઉં પડસે.."
"હવે એ ભમરાળાને સું કોમ મળવું સે લ્યા માસ્તર.. હો ને મરતો હાહરો.." ચંદુ થોડો આવેશમાં આવતાં બોલ્યો.
"ઈંને એટલા માટે મળવું પડસે કે............" મેં આખી વાત બન્નેને સમજાવી.
"હા હોં લ્યા.. તારી વાત તો બરોબર સે.. તો હેંડો કાળિયાનેય તૈયાર કરીએ તાણ.." કહેતો ચંદુ હરખાયો. પથુ પણ સહમત થયો.
વાતોમાં ને વાતોમાં અમે પહોંચ્યા ભેમાને ઘેર. ભેમો હજુ સૂતો હતો. એને દિવાળી અને હોળી બધું જ સરખું હતું.
"માજી, ભેમો ચ્યમ હજી ઊંઘ્યો સે..?" આંગણામાં વાસણ સાફ કરતી ભેમાની મા ને મેં પૂછ્યું.
"સી ખબેર ભઈ.. મીં જગાડ્યો પણ ઉઠતો જ નહીં ને.. આખી રાત સીંખબર ચ્યોં ભટકીને આયો સે..? તમે જગાડજો ભઈ..." માજીએ એક ખાટલી ઢાળીને અમને બેસવાનો ઈશારો કરતાં કહ્યું.
પથુ અને ચંદુ ખાટલીમાં બેઠા. હું ભેમાને જગાડવા ગયો. ઓસરીમાં કોથળાની પથારીમાં તે ઊંધે કાંધ પડ્યો હતો. એના શરીર પર ક્યાંક ક્યાંક મેંશ અને રખ્યાના ધબ્બા હજુપણ હતા. નજીક જઈને જોયું તો દારૂની વાસ આવતી હતી.
"હાળું ઓની કટેવ જઈ ના હોં.." મેં મનોમન એને કોસતાં કહ્યું. પછી ચંદુ અને પથુને સાદ દઈને અંદર બોલાવ્યા.
"સું થ્યું લ્યા માસ્તર..?" બન્નેએ ઓસરીમાં આવતાં પૂછ્યું.
"જોવો આ સાહેબને.. પી ને ઊંઘ્યા લાગે સે.. કૂતરાની પૂંસડી સીધી ના થાય તે ના જ થાય.." મેં મોં બગાડતાં કહ્યું.
ચંદુએ થોડા નીચા નમીને સૂંઘતાં કહ્યું, "હોવે ન લ્યા માસ્તર.. મું ન'તો કે'તો..? હાહરો કાળિયો કદીયે નઈં સુધરે.."
અમે ભેમાને ઢંઢોળીને જગાડ્યો. તે પથારીમાં બેઠો થયો. આંખો ખોલીને અમને જોતાં જ ચમક્યો. આંખો ચોળીને અમારી સામે તાકતાં બોલ્યો, "માસ્તર તમે બધા..? હવાર હવારમોં..?"
"અલ્યા કાળિયા.. ચ્યોં તંબૂરામોં હવાર સે લ્યા.. ખરા બફોર થ્યા.. ઓંમ બા'ર નેકળીને જો તો ખરો.." ચંદુએ ગુસ્સે થઈને ધીમા અવાજે કહ્યું.
"અલ્યા હોવે લ્યા.." ભેમાએ બહાર લમણો કરતાં કહ્યું. "આ રાતનો ઉજાગરો હતો ને એટલે ચંદુભઈ.."
"ઉજાગરો હતો કે દારૂ ઢેંચીને પડ્યો તો..? સુધર.. હાહરા સુધર.. નકર કમોતે મરે કાળિયા.." ચંદુએ તતડાવતાં કહ્યું.
ત્યારબાદ ભેમો ઉઠ્યો. દાતણ, સ્નાન, ચા-પાણી કરીને ફટાફટ તૈયાર થઈ ગયો. પછી અમારી પાસે આવતાં બોલ્યો, "બોલો માસ્તર.. સું કોમ હતું..?"
એના સવાલથી ચંદુ આંટા મૂકી દેવાની તૈયારીમાં જ હતો પણ મેં ઈશારો કરીને શાંત રહેવા જણાવ્યું. પછી ભેમા સાથે રાતની અને ત્યાર પછીની વાતોની ચર્ચા કરી. પછી આગળની યોજના સમજાવી. રાતનું મહેનતાણું મળતાં ભેમો પણ રાજી થયો. અને યોગ્ય સમયે ભમરાજીને મળવાનું નક્કી કરીને અમે ઘર તરફ રવાના થયા.
*****************
આ બાજુ ભમરાજીની હાલત ગંભીર હતી. જ્યારે પણ ભાનમાં આવે ત્યારે ઉઠી ઉઠીને બૂમો પાડતા ભાગવા માંડતા. થોડા શાંત થાય અને કોઈ "શું થ્યું તું.?" એવું પૂછવાનો પ્રયત્ન કરે તો વળી પાછી એમની હાલત બગડી જતી. એમનું આખુંયે શરીર થરથર ધ્રૂજવા માંડતું. અને ના છૂટકે પછી વૈદ્યે આપેલી જડીબૂટ્ટી સૂંઘાડીને એમને શાંત કરવા પડતા.
આખો દિવસ આમ જ ચાલ્યું. દિવસ આથમ્યે વળી પાછા વૈદ્યને બોલાવાયા. સારવારની પધ્ધતિ બદલવામાં આવી. જેમજેમ રાત વિતતી ચાલી તેમતેમ ભમરાજીની હાલતમાં સુધારો આવતો ગયો. પરંતુ રાતનું અંધારું એમના માટે ખૂબ જ આકરું થઈ પડ્યું. પિશાચવાળી ઘટના એમના મનને સ્થિર થવા દેતી નહોતી.
દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવાતી દિવાળીને લીધે ગાજતું ટેકરીવાળું મંદિર આજે શાંત હતું. ગંભીર માહોલમાં જ દિવાળીની રાત પણ વિતી ગઈ.
નવા વર્ષનું પ્રભાત ઉગ્યું. મંદિરને બાદ કરતાં બધે જ નવું જોમ, નવી સ્ફૂર્તિનો ઉદય થયો. લોકો વહેલા વહેલા જાગીને નિત્યકર્મ પતાવી નવા વર્ષની ઉજવણીની તૈયારીમાં લાગ્યા.
"જોવો મારા'જ.. હવે વોંધા નઈં આવેગા.. બાબજીની ફડક થોડી ઓસી થઈ હે.. હમણોં ઊંઘ્યા સે તો ઈંમને ઊંઘવા દેના.." કહીને વૈદ્યે જવાની રજા માંગી.
"આપકી બહોત મહેરબાની ચાચાજી.. આપને હમારે ગુરૂજીકો બચા લીયા.." એક ચેલાએ હાથ જોડતાં કહ્યું.
"ઈંમોં મારી મે'રબોની કોંય નઈ હે મારા'જ. બધ્ધી જ ઉપરવાળાની દયા હે.. ઈંની મરજી હોય ઈંમ જ બધું થાતા હૈ.. લ્યો તાણ હવે મું ઘેર જાતા હૈ.." કહીને વૈદ્ય નીકળી ગયા.
ચેલાઓ ભમરાજીની સેવામાં રોકાયા. તે જાગ્યા. હવે થોડા સ્વસ્થ લાગતા હતા. એમને નવડાવી-ધોવડાવીને ગાદી પર બેસાડવામાં આવ્યા. બેસતા વરસના રામરામ કહેવા માટે અને મહારાજની હાલત જાણવા ગામલોકો આવવા લાગ્યા હતા.
ભમરાજી ઠીક તો થઈ ગયા, પરંતુ સંપૂર્ણ સ્વસ્થ તો નહોતા જ. કોણ આવે છે, કોણ જાય છે, કોણ શું બોલે છે... એ બધાનો એમને હજુ સ્પષ્ટ ખ્યાલ નહોતો આવતો. કારણ કે રાતવાળો પિશાચ એમનો પીછો છોડવા તૈયાર નહોતો.
"ભમરો મારા'જ બચી જ્યા.." વાત આખા ગામમાં ફેલાતી અમારા સુધી પહોંચી. રાતની સારવાર વાળી વાત પણ જાણવા મળી. એટલે અમે અમારી છેલ્લી ચાલ ચાલવાની તૈયારીમાં લાગી ગયા.
સૌથી પહેલાં તો અમે ગયા વૈદ્યરાજના ઘરે. અમને જોતાં જ પૂછ્યું, "આવો માસ્તર.. ચ્યમ આબ્બાનું થ્યું..? કોઈ હાજુ-મોંદું..?"
"કોઈ હાજું-મોદું નહીં દાદા.. પણ અમે એક ખાસ કોમે આયા'તા.." મેં નમ્રતાથી કહ્યું.
"આવો... બેહો..." અમને એક પાટ પર બેસવાનો ઈશારો કરતાં વૈદ્યે કહ્યું.
અમે બેઠા. એક ચાકર સૌને પાણી આપી ગયો. પછી શાંતિથી વૈદ્યરાજ બોલ્યા, "બોલો ભઈ.. સું ખાસ કોમ હતું..?"
અમે ત્રણેયે એકબીજા સામે જોયું. પછી હળવેથી મેં બોલવાનું શરૂ કર્યું, "દાદા.. આ ભમરોજી બિવોણા સીં.. એ હકીકતમોં તો આવું સે........ " એમ કહેતાં મેં રાતવાળી પૂરી ઘટના એમને કહી સંભળાવી.
"હેંએએએ..? ખરેખર...?" વૈદ્યની આંખો પહોળી થઈ ગઈ. થોડીવાર સુધી તો અમને બાઘાની જેમ જોઈ રહ્યા.. પછી ઊંડો શ્વાસ લેતાં બોલ્યા, "અલ્યા ભઈ.. તમારો આ અખતરો ચેટલો ખતરનાક થઈ પડોત ઈંની તમોન ખબેર સે માસ્તર..? મારા'જ મરી જ્યા ભેગા જ હતા.. આ તો હારું કર્યું કે મું ટેમે ત્યોં પોંચી જ્યો.."
"મરી જ્યો હોત તો મારા ખાહડે માર્યો દાદા.. પણ બચી જ્યો સે તો હવે સું કરવું ઈંનું..?" ચંદુ ખૂબ જ આકળાશમાં બોલ્યો.
"આ ભઈને ના ઓળખ્યો માસ્તર... કનો સીંયો સે..?" ચંદુને હૈયાવરાળ ઠાલવતો જોઈને વૈદ્યે પૂછ્યું.
"આ તો પેલા ગંગારામકાકાનો દીકરો.. ચંદુ.." મેં ઓળખાણ આપતાં કહ્યું.
"ગંગારોમ..?" વૈદ્યે લમણે આંગળી રાખીને વિચારવાનો પ્રયત્ન કરતાં પૂછ્યું, "ગંગારોમ... હા.. હા.. ઓળખ્યો હોં ભઈને..બઉ આકળો સે હોં ભઈ તું તો.. "
"ઈંનુંયે કારણ સે દાદા......" અમે ભમરાજી સાથેની ચંદુના ઘરની ઘટના કહી સંભળાવી.
"મું બધ્ધુંયે જોણું સું હોં માસ્તર..પણ મારી ફરજ મારાથી ના ચૂકાય ને.." વૈદ્યરાજે ખૂબ જ હળવાશથી કહ્યું.
"તમારી વાત તો બરાબર સે દાદા.. પણ હવે આ ભમરાજીની બીકમોંથી ગોમને સોડાવવું સે.. લોઢું ગરમ સે.. બસ એક હથોડો મારવાની જરૂર સે હવે.. જો તમે મદદ કરો તો.." મેં દાદાને સમજાવતાં કહ્યું.
"ગોમને લાભ થતો હોય તો મુંયે તમારી ભેળો.. પણ એક શરતે.." વૈદ્યરાજ અટક્યા.
"બોલો દાદા.. સી શરત સે..?" મેં પૂછ્યું.
"મું એક વૈદ સું માસ્તર.. કોઈના જીવને જોખમ કે નુસકોન ના થાય એવી રીતે કોમ થતું હોય તો મું તમારી મદદ કરવા તીયાર સું.."
"હારું દાદા.. એવું કોંય નઈં થાય બસ..! અમને આજ રાતે તમારી હંગાથ લઈ જઈને ભમરાજીને મળાવો.. બાકીનું કોમ અમારું.." મેં વિનંતી કરતાં કહ્યું.
વૈદ્યદાદા અમારી વાતમાં સહમત થયા. ત્યાં મળીને શું કરવું એની થોડી ચર્ચા કરી. પછી ભમરાજીને મળવાનો સમય નક્કી કરીને અમે ત્યાંથી રવાના થયા.
(ક્રમશઃ)
**************
- "નિસર્ગ" 🍁🍁🍁