લલિતા - ભાગ 9 Darshini Vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લલિતા - ભાગ 9

મુંબઈ જેવા મોટા શહેરમાં ભણેલા હોય, મોર્ડન મિત્રો હોય અને જેણે જાહોજલાલીથી બીજાનાં લગ્ન જોયા હોય તેને પણ સ્વાભાવિક રીતે પોતાનાં લગ્ન એવી જ રીતે થાય એવી ઈચ્છા હોય છે.

અર્જુનને પણ એવું જ હતું. તેને તેના ગામની સુવિધા, રસ્તા અને સૌથી મુખ્ય વાત દરેકના સ્વભાવની જાણ હતી એટલે તેને ગામમાં પોતાનાં લગ્ન લેવાઈ તે જરાપણ પસંદ ન હતું. પણ જ્યંતિભાઈ તો ગામમાં લગ્ન લેવા માટે તૈયાર થઈ ગયાં હતાં તે પણ અર્જુનને વિશ્વાસમાં લીધા વગર.
અર્જુન ચિડાઈને કહે છે, "પપ્પા, ગામમાં મારે લગ્ન નથી કરવા. હા પાડવા પહેલાં મને પૂછો તો ખરા?"
"કેમ? લગ્નનો ખર્ચ તું કરવાનો છે કે મારે તને પૂછવું પડે?" જ્યંતિભાઈ ઉદ્ધતાઇની સાથે તેને કહે છે.

અર્જુન કંઈ સાંભળીને બેસી જાય એમાંનો ન હતો તેણે તો તરત વળતો જવાબ આપ્યો, " તમે એમાં નવું શું કરવાનો છો? દરેકના માં બાપ પોતાનાં સંતાનોને પરણાવે છે અને જો તમને ન કરવું હોય તો એમ રાખો. હું મારું વિચારી લઈશ"

અર્જુનના આવા જવાબથી જ્યંતિભાઈ વિફરે છે, "ઓહોહો... જુઓ ઇન્દુબેન જુઓ... તમારાં દીકરાનાં નોકરીના તો ઠેકાણાં નથી અને લગ્નનું જોવા નીકળ્યો. પહેલાં પગભર રીતે સરખો થઈ જા પછી દલીલ કરવા આવજે અર્જુન. બસ, સામે જવાબ આપવામાં જ માહેર છે. જો તારા ભાઈને કયારે મારે તેને ટોકવો પડ્યો નથી."

"હા, આમ પણ તમને મારા માટે લાગણી છે જ ક્યાં? નાનપણથી મને અડગો જ રાખ્યો. જ્યારે મારે પપ્પાની હૂંફની જરૂર હતી ત્યારે મને ગામમાં બા પાસે મૂકી આવ્યાં. વાત વાતમાં ટોકવાનું, બહાર મિત્રો સાથે જાય તો તમને સમસ્યા, મોડો આવું તો આખી રાત બગાડે, કૉલેજમાં હતો ત્યારે પણ ખિસ્સા ખર્ચ પણ માંડ આપે. કોઈ દિવસ તમે મને પૂછ્યું છે કે અર્જુન તને કંઈ જોઈએ છે? કોઈ દિવસ મારા ખભા ઉપર હાથ પણ મુક્યો છે? બસ, ગામ આખાની સેવા કરવાની તેઓની ઉપર પૈસા ખર્ચવાના. તમે એક સફળ પુત્ર, મોટાભાઈ અને બનેવી બની શક્યા છો પણ સફળ પિતા તો નહીં જ" અર્જુન ગુસ્સામાં શું બોલી રહ્યો હતો તે પણ તેને ભાન ન હતું. જાણે આટલાં વર્ષોનું દબાયેલું દુઃખ અને વસવસો હવે શબ્દો મારફતે બહાર નીકળી રહ્યો હોય.
અર્જુનના કટુ વચનો સંભાળીને જ્યંતિભાઈ સંપૂર્ણ પણે પિત્તો ગુમાવી બેસે છે અને અર્જુનના ગાલ ઉપર એક તમાચો મારી દેઈ છે.
આ દ્રશ્ય જોઈને ઘરમાં બધા ગભરાઈ જાય છે. શુભ પ્રસંગની તો હજી શરુઆત થઈ રહી છે ત્યાં આવું વાતાવરણ જોઈને બા અને ઇન્દુબેન ચોધાર આંસુએ રડવા માંડે છે.
"આટલા મોટા છોકરાને કોણ મારે? જ્યંતિ તારી શાન ઠેકાણે તો છે ને?" બા જ્યંતિભાઈની સામે ક્રોધમાં આવીને બોલે છે.
બધાંની હાજરીમાં પપ્પાએ મારેલો તમાચો અર્જુને બહુ ખૂંચ્યો. એવું નથી કે તેણે કયારે પપ્પાનો માર નથી ખાધો પણ બધાંની વચ્ચે આવું અપમાન અર્જુન માટે સહન કરવું કઠિન હતું તે તરત ચંપલ પહેરીને નીચે ઉતરી જાય છે. ઇન્દુબેન તેને અટકાવે છે પણ હમણાં ક્યાં અર્જુન કોઈનું સાંભળવાના મૂડમાં હતો.
લલિતાની જેમ અર્જુનનો ભૂતકાળ પણ એવો જ કઠિન અને સ્ટ્રગલથી ભરપૂર હતો. ઇન્દુબેન નોકરી કરતાં હતાં એટલે ઘરમાં બાળકો સાચવા માટે કોઈ ન હતું તેમજ મહેશને તો તેઓ શાળામાં સાથે લઈ જતાં પણ બન્ને છોકરાઓને શાળામાં લઈ જવા માટે મુખ્ય શિક્ષિકા એ મંજૂરી આપી નહતી એટલે અર્જુન નાનો હતો ત્યારે તેને ગામ મૂકીને આવવું પડ્યું હતું. નાનો હોવાથી તેને મમ્મી પપ્પાની હૂંફ અને પ્રેમ જોઈતો હતો તેના બદલે તેને અવિકસિત અને શહેરથી ખૂબ જ દૂર એવા ગામમાં રહેવાની ફરજ પડી હતી. તેની સાથે બા હતી અને તેના કાકા પણ હતાં. જેઓ તેને ખૂબ પ્રેમ આપતાં હતાં પણ માં બાપ તે માં બાપ જ કહેવાય. આ જ કારણસર તેને મનમાં એક વસવસો રહી ગયો હતો જે તેણે હમણાં બહાર કાઢ્યો હતો. જોકે ગામમાં રહેવાથી તે એકદમ બિનદાસ્ત, હિંમતવાન અને હોશિયાર થઈ શક્યો હતો. તો સામે મહેશ પપ્પાની છત્રછાયા હેઠળ રહેવાને લીધે ગભરુ અને નરમ રહ્યો હતો. જેને લીધે જ્યંતિભાઈને મહેશ ઉત્તમ અને ગુણવાન લાગતો હતો. જો કે મહેશના લગ્ન જેની સાથે થયાં હતાં તે કરુણા મહેશથી એકદમ વિપરીત સ્વભાવની હતી તે તળ મુંબઈમાં મોટી થઈ હતી એટલે તેના વિચાર મોર્ડન હતાં. મોર્ડન પણ હતી અને નોકરી પણ કરતી હતી. અને ડરી જાય એવી પણ નહતી. મહેશમાં તેના પપ્પાની સામે બોલવાની હિંમત ન હતી પણ કરુણાને ઘણી વાત જ્યંતિભાઈની ગમતી ન હતી પણ સામે બોલવાની તેની પણ હિંમત ન હતી એટલે તે મહેશ ને કહીને આડકતરી રીતે પોતાની વાતો જ્યંતિભાઈ પાસે મનાવી લેતી હતી.
અર્જુન બધું જાણતો હતો પણ એટલે હવે તેને પોતાનાં કરતાં લલિતાના માટે ચિંતા થઈ રહી હતી. કેમ કે તેને હવે લાગતું હતું કે લલિતા અહીં આવીને પીખાઈ ન જાય તો સારું...
(ક્રમશ)