Vardaan ke Abhishaap - 26 books and stories free download online pdf in Gujarati

વરદાન કે અભિશાપ - ભાગ 26

વરદાન કે અભિશાપ (ભાગ-૨૬)

            (નરેશ અને સુશીલા તેમના જીવનમાં આવતી બધી તકલીફોનો સામનો કરતાં-કરતાં તેમના જીવનમાં આગળ વધી રહ્યા હોય છે. એક સાંજે તેઓ જમી પરવારીને બેઠા હતા ત્યારે નરેશના પપ્પાના એક ઓફિસ કલીગનો પુત્ર તેમના ઘરે આવે છે. તે નરેશ સાથે ઘરના વેચાણ વિશેની વાત કરવા આવ્યો હતો. તેમને ધંધામાં ઘણું દેવું થઇ ગયું હતું અને તેના બનેવીનો પણ બહુ ત્રાસ હોય છે. આથી તેઓ ઘર વેચીને દેવું પૂરુ કરવા માંગતા હતા. તે નરેશને આ મકાન ખરીદવાની વાત જણાવે છે. નરેશમકાન લેવા સહમત તો થાય છે પણ પૈસા માટે તેને પપ્પાને કઇ રીતે વાત કરવી તે સમજાતું ન હતું. હવે આગળ................)

            રજાના દિવસે નરેશ તેના પપ્પાને વાત કરવા પહોંચી જાય છે. ધનરાજભાઇ બેઠા-બેઠા પેપર વાંચતા હતા. નરેશ આવીને તેમની પાસે બેસે છે. ધનરાજભાઇ ત્રાંસી નજરથી તેને જોઇને બેસવાનો ઇશારો કરે છે.

નરેશ : પપ્પા, મારે તમને એક વાત કહેવી હતી ?

ધનરાજ :  હા બોલ. શું કહેવું હતું અને હા કાલે પ્રવિણભાઇનો બાબો આપણા ઘરે આવ્યો હતો. ઉપર તારે ત્યાં જ આવ્યો હતો. પછી નીચે થોડી વાર બેસીને ઘરે જતો રહ્યો હતો.

નરેશ : હા. પપ્પા એ વિશે જ વાત કરવી હતી. તેમને મકાન વેચવાનું છે.

ધનરાજ : હાલ જયાં રહે છે તે?

નરેશ : હા તે જ મકાન વેચવાનું છે અને તેઓ મકાન પણ આપણને જ આપવાનું કહે છે.

ધનરાજ : એવું તે શું થઇ ગયું કે તેમને મકાન વેચવું પડે છે.

            તે પછી નરેશ વિસ્તારપૂર્વક તેના અને પ્રકાશ વચ્ચે જે વાતચીત થઇ હતી તે જણાવે છે.

નરેશ : પપ્પા, આપણે તે મકાન લઇ લઇએ. હું તે મકાન લેવા માંગુ છું.

ધનરાજ : હા તો આપણે તે મકાન લઇ લઇએ.

નરેશ : તેને આ મકાન બહુ જલદીમાં વેચવાનું છે. તો પપ્પા તમને વાંધો ના હોય તો તમે મને બધા પૈસાની સગવડ કરી આપો. હું તમને દર મહિને હપતે-હપતેથી આપી દઇશ. કેમ કે મકાન સારું છે અને ભાવોભાવ આવું મકાન આપણને કયાંય ના મળે.  

ધનરાજ : હા તારી વાત બરાબર. પણ બધા પૈસા તારે આપવાની જરૂર નથી અને મારે કોઇ પૈસા લેવા પણ નથી. હું તને આ મકાન લઇ આપું છું.

નરેશ : (ખુશ થઇ જાય છે) પપ્પા પણ હું તમને થોડા-થોડા કરીને પૈસા આપીશ દઇશ અને બીજા પૈસાની તમે મદદ કરજો. કેમ કે અમે ચાર ભાઇઓ છે પછી બીજા ભાઇઓને ખરાબ લાગે.  

ધનરાજ :  અરે કોઇને કશું જ ના લાગે. હું કહું છું ને કે આ મકાન તું લઇ લે. હું કાલે જ બેંકમાંથી પૈસા ઉપાડી લાઉં છું. તું મકાનનો  સોદો કરી લે.

નરેશ : સારું.

            દિવસ પત્યા બાદ સાંજે ધનરાજભાઇ મણિબેનને નરેશ સાથે થયેલી પ્રકાશના મકાનની વાત કરે છે. આ સાંભળી મણિબેનનું મગજ કામે લાગી જાય છે. જેનાથી તેઓ નરેશને અહી આ ઘરથી દૂર કરી શકે.

મણિબેન : મકાન લેવાનું નકકી જ છે. તો પછી તે મકાન નરેશને જ આપી દો અને આ મકાન ભાનુપ્રસાદ અને કમલેશનું રહે.  

ધનરાજ : હા તો તે મકાન નરેશને જ આપવાનું છે. નરેશ જ આ મકાન ખરીદવા માંગતો હતો પણ મે તેને પૈસા આપવાનું  કહી દીધું છે. એ તો ના પાડતો હતો. પણ મે તેને મનાવી લીધો છે.

મણિબેન : અરે તમે સમજ્યા નહિ. મકાન તો ભલે નરેશ માટે લઇ લો પણ નરેશને તે મકાનમાં રહેવા મોકલી દો.  

ધનરાજ : (આંખો ફાડીને) આ તું શું કહે છે ? વાત તો ખાલી મકાન ખરીદવાની છે. આમ પણ ચારેય છોકરાઓનો એક ઘરમાં ખંટાવ થાય એમ નથી. એટલે ગમે ત્યારે એમને અલગ તો જવું જ પડશે. પણ હાલ તેમને અલગ નથી મોકલવા.

મણિબેન : વાત બરાબર છે પણ હવે તેમને પણ તેમનું જાતે કરવા દો. અહી આપણા મકાનમાં ઉપર ભાનુપ્રસાદ અને નીચે કમલેશ અને સુરેશને તો પોતાનું મકાન છે જ. તો પછી નરેશની પણ સગવડ થઇ જાય.  

ધનરાજ : સારું. પણ હાલ નરેશને આ વિશે વાત કરવી નથી. નહિતર એ આ મકાન જ નહિ લે.

મણિબેન : સારું. તમે મકાનનો સોદો કરી લો.  

ધનરાજ : હમમમમમ.......

            આ બાજુ નરેશ ખુશ થઇ જાય છે કે તેના પિતાને એક મિલકત વધી જશે. એની અલગ મકાનમાં રહેવા જવાની ગણતરી જ ન હતી.

 

(નરેશની જગ્યાએ તેના પિતા આ મકાન લેવાના હતા પણ નરેશ જ આ મકાનમાં રહેવા જશે તેની જાણ નરેશને પણ ન હતી. તેની જીંદગીમાં આ મકાન એક નવો વળાંક લાવશે જે તેની જીંદગી જ હચમચાવી દેશે. પણ શું ? તે રહસ્ય હજી અકબંધ છે. )  

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨૭ માં)

-   પાયલ ચાવડા પાલોદરા   

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED