૪૬. જયદેવ મહારાજની આણ
ઉદા મહેતા મનમાં મલકાતા સવારે ઊઠ્યા. એક રીતે તેનો ‘નિર્મળ સ્વાર્થ સંતોષાયો હતો. શહેર ભંડ ઉઠાવે, ત્રિભુવનપાળ લડે, અને સમરાંગણ સુધી વાતો જાય, તેના કરતાં તેનું તે રાજ્ય રહે અને પોતે મંત્રી થાય, એ વસ્તુ તેને ઘણી ઉત્તમ લાગી. હવે તેના જ પોબાર પડશે, એમ તેણે ધાર્યું. મુંજાલ મંત્રી તો આબુજી જવાના હતા, અને તેને મન તો બીજા કોઈનો હિસાબ નહોતો.
એટલામાં ડુંગર નાયક આવ્યો. ગરાસિયાનો નવો મોભો મળવાની આશાએ તેનામાં ગૃહસ્થાઈનો ડોળ આવવા લાગ્યો હતો.
'કેમ, મહેતા ! આ નવું સાંભળ્યું કે ?'
'શું ભાઈ ?'
'પ્રસન્નબા મરવા પડ્યાં છે ને મુંજાલ મંત્રીએ આબુ જવાનું માંડી વાળ્યું છે.'
'શું કહે છે ?' બન્ને માઠી ખબરો સાંભળી જરા ઉદાસ થતા ઉદાએ કહ્યું. મુંજાલ પાટણમાં રહે તો ઉદા મહેતાને કોણ પૂછે ?
'ખોટી વાત. મેં મુંજાલ મહેતાને મોઢે વાત સાંભળી.'
‘ઠીક, રાજગઢ જાઓ ત્યારે જોજો,' કહી ડુંગર નાયકે રજા લીધી.
*
ઉદાના મનમાં ચટપટી વધી. 'મુંજાલ કેમ રહ્યો? ' તે તરત કપડાં પહેરી રાજગઢ ગયો. ત્યાં દાખલ થતાં જ તેણે એક મોટો ફેરફાર જોયો. બધું તંત્ર પહેલાંના જેવું નિયમિત અને વિનયશીલ થઈ ગયું હતું; સૈનિકો ધીમે ધીમે રીતસર ફરતા હતા; નોકરો પહેલાંની માફક જ પોતાને કામે જતા હતા; ફેરાર ઘણો માર્મિક લાગ્યો.
'કલ્યાણ નાયક ! કેમ છે બધાં ?' હંમેશની રીતથી ઉદાએ પૂછ્યું.
નાયકનું વર્તન દીન થઈ ગયું હતું; અને અપરિચિત લાગતી સભ્યતાથી તેણે ધીમેથી જવાબ દીધો : 'સારાં છે,' અને તે પોતાને કામે ગયો.
તે વહેલોવહેલો લીલા વૈદ પાસે ગયો, તો તે પ્રસન્નની સારવારમાં હતા તેથી મળે એમ નહોતા. ડુંગરની એક વાત તો ખરી પડી. તે રાણી પાસે જવા ગયો ત્યાં સમરે થોભાવ્યો : 'બા મુંજાલ મહેતા જોડે વાત કરે છે.’
ઉદો ઠંડોગાર થઈ ગયો. હવે તેને સમજણ પડી કે રાજગઢ કેમ આટલું રીતસર થઈ ગયું છે – નધણિયાતા રાજ્યનો ખરો ધણી આવ્યો ! તેણે નિઃસાસો મૂક્યો.
તેને મુંજાલનો ધાક હતો તેવો લાગ્યો અને પોતે પણ મંત્રી છે તે ભૂલી ગયો. તે ઉતાવળો ઉતાવળો મુંજાલના ઓરડા પાસે ગયો. તેના ઓરડામાં પાટણના અગ્રેસરોમાંના ઘણા બેઠા હતા અને તેની વાટ જોતા હતા.
થોડી વારે મુંજાલ આવ્યો. બધાને મળ્યો. તેની મીઠી જીભે દરેકને કાંઈક કાંઈક સંબોધ્યું; પોતાને આબુજી ન જવાનું કારણ રાણીનો હુકમ છે, એમ દર્શાવ્યું બધા હસ્યા, બોલ્યા અને ગયા.
'ઉદા મહેતા !' જરાક હસતાં મુંજાલે કહ્યું : 'તમે જરા રહેજો, મારે વાત કરવી છે.'
ઉદા રહ્યો; આ માણસનો જાદુ તેના પર ચાલવા માંડ્યો હતો. 'ઉદા મહેતા ! હવે રાજ્યાભિષેકનું કામ તમારે માથે લેવાનું છે. અત્યારે વિશ્વપાલ માલવરાજને મળવા જાય છે, અને ચાર દિવસમાં તે ગુજરાતની બહાર ન જાય તો વલ્લભસેનની સરદારી નીચે લશ્કર મોકલવાની ધમકી આપી છે, પણ બધા કરતાં પહેલાં જયદેવ મહારાજ સિંહાસન પર બેસવા જોઈએ. ગુજરાતે પણ કોઈ દિવસ નહિ જોયો હોય, એવા દમામથી બધું કરવાનું છે; કારણ કે મારો વિચાર બધા મંડલેશ્વરોને તેડવાનો છે. હવે બધાને સપાટો દેખાડવો પડશે.
ઉદાએ થોડુંઘણું કારભારું મળ્યું તે સ્વીકાર્યું. મુંજાલ છતાં તેનો કાંઈ પત્તો ખાય એમ લાગ્યું નહિ.
મુંજાલની નજર નીચે, ઉંદાની મહેનતથી અને પાટણના ઉત્સાહને લીધે કર્ણદેવના મૃત્યુને સવા મહિનો પૂરો થતાં, જયદેવ પરાક્રમી ગુર્જરેશોના સિંહાસને બેઠો. પાટણ હરખ્યું. આખા ગુજરાતમાં ડંકો વગાડયો. નવી પેદા થયેલી એકતા જોઈ દૂર દેશના દ્વેષી રાજાઓના હ્રદયમાં અણધારેલો ડર પેઠી.
માલવરાજે આ એકતાથી ગભરાઈ પાછાઁ પગલાં ભરવા માંડ્યાં. મંડલેશ્વરોમાંથી ખેંગાર અને વલ્લભસેન ઉપરાંત બીજા બેત્રણે સમય વિચારી પાટણનો હિસાબ ગણવા માંડચો; અને મુંજાલની રાજ્યનીતિથી તેમની સ્વતંત્રતા એકદમ ગઈ નહિ એટલે તેઓએ ખુશીથી તેને પડખે ઊભા રહી, લડવાનું સ્વીકાર્યું.
*
પણ મંડલેશ્વરોનો નાયક ત્રિભુવનપાળ હમણાં બધું વીસરી જઈ, એક ઘણા જરૂરી કામમાં રોકાયો હતો; અને તે પ્રસન્નમુખીને મનાવવાનું. થોડે દિવસે એક બીજા મોટા ઉત્સવ પાછળ પટ્ટણીઓ ગાંડા થઈ ગયા. જયદેવકુમાર ગાદીએ બેઠા તે અવસર પણ લોકો ભૂલી જાય, એવા દબદબાથી તેમનો દંડનાયક પ્રસન્નમુખી જોડે પરણ્યો. કઠણ હૃદયના મુંજાલની આંખમાંથી દડદડ આંસુ પડ્યાં રાણીને હસવું કે રડવું, તે કાંઈ સૂઝયું નહિ; લોકોને આટલા ગાંડા થઈ ગયેલા જોઈ, જયદેવકુમાર પોતે પરણવાની જીદ લઈ બેઠો...
આ અવસરમાં કાંઈ મણા નથી.' રાણીએ મુંજાલને કહ્યું.
'મણામાં મારી બહેન ને બનેવી મુંજાલે જવાબ દીધો.
ત્રિભુવન પરણીને ઊઠ્યો ને ઉદો મળ્યો.
'ઉદા ! હવે તું ક્યારે પરણે છે ?'
'બાપુ!'જરા એક આંખ મીંચી ઉદો બોલ્યો : ગુર્જરરાષ્ટ્રમાં પ્રસન્નબા એકથી બાજાં નથી, તે
'કેમ, વાણિયા! શસ્ત્રો કે?'
મુંજાલ અને ત્રિભુવન મળ્યા અને ભેટ્યા
'મામા ! હવે રાજી થયા ?'
'ના, ભાઈ !'
'કેમ, હવે શું બાકી છે?'
'પાટણનો દંડનાયક અવંતી પાસે ખંડણી લે ત્યારે રાજી થાઉં.'
*
રાત પડી. દેવપ્રસાદનો સૂનો મહેલ જે હર્ષથી ગાજી રહ્યો હતો, તે શાંત થવા આવ્યો. એક મુગ્ધા મદમાં, માનમાં, ઊછળતી બેઠી હતી.
'હવે તમારે પાટણ છોડવું હોય તો છોડજો. રજા છે.’
'હવે ક્યાં જાય ? ત્યારે તેં ત્રિભુવનને શું કામ જવા નહિ દીધો ?'
'મારું માથું ફોડવા. હવે જોજો. કોનું ફૂટે છે તે,' કોમળ હાથે મુઠ્ઠીઓ ઉગામી પ્રસન્ને કહ્યું.
'જોયા તારા હાથ. હમણાં જોઈએ તો મસળી નાખું '
'યાદ રાખજો. આ હાથે તમને મરતા બચાવ્યા છે.'
'આ હાથે ! ક્યારે?'
જયદેવ કુમારે તરવાર ઉગામી ત્યારે, તેનો હાથ કોણે કાપ્યો હતો, તે ભૂલી ગયા.
‘તેં ? – તું તો... કહી ત્રિભુવન એકદમ પાસે ધસી આવ્યો.
'ખબરદાર ''
'કેમ ?'
પેલા બિચારા મોરા૨પાળને તો અત્યારે ઊંઘે નહિ આવતી હોય ! આંખો ચમકાવતાં પ્રસન્ને કહ્યું.
'પ્રસન્ન ! હવે મશ્કરી જવા દે, અત્યારે તને જોઈ મને એક વાતની સમજણ પડે છે.'
'શી?'
'મારા બાપુએ હંસાબા પાછળ કેમ જીવ આપ્યો, તે.’
*
તામચૂડધ્વજ સિદ્ધરાજ જયસિંહના મહાન સામ્રાજ્યની શરૂઆત થઈ. સ્વાર્થમાં ઘસડાતા ભિન્નભિન્ન નરોનું ધ્યેય માત્ર એક જ થઈ રહ્યું; તેમના હૃદયમાં એક જ મંત્ર ઘૂંટાવા લાગ્યો.
એ ધ્યેય, એ મંત્ર તે – જય સોમનાથ ! ય ગુજરાત !!'
|| સમાપ્ત ||