લલિતા - ભાગ 1 Darshini Vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લલિતા - ભાગ 1

લલિતા ભાગ 1

'જો હેંગર જેવી દેખાઈ છે તે છોકરી છે. જોઈ લે ગમે તો આગળ વાત વધારીએ' આવા શબ્દો જો આજે કોઈ છોકરી માટે વપરાય તો તેને જોવા આવેલો છોકરો તરત લગ્ન માટે ના પાડીને ચાલવા માંડે પણ આ શબ્દો આજના નથી પણ ૪૦ વર્ષ પહેલાંનાં છે. છોકરીનું નામ છે લલિતા. અને તેના માટે જેણે આવા શબ્દો વાપર્યા તે તેના નજીકના સગા હતા એટલું જ નહીં પણ લગ્ન કરાવવા માટે વચ્ચે પણ તેઓ જ પડ્યાં હતાં બોલો...
લલિતા ની વાત ક્યાંથી શરૂ કરીએ તે જ સમજ નથી પડતી. અંતરિયાળ ગામમાં જન્મેલી. ઝાઝા ભાઈ બહેન અને ખેતી કરીને માંડ ઘર ચલાવતાં તેના પિતા અને મોટો ભાઈ. પણ ત્યારે ખર્ચા ઓછા અને બચત વધારે રહેતી એટલે વાંધો આવતો નહીં. પહેલાંના સમયમાં બાળકો મોટેભાગે સગા સંબંધીઓની ત્યાં જ મોટા થતાં. એટલે લલિતાનું પણ એવું થયું. લલિતાએ પ્રાથમિક અને સેકેન્ડરી શિક્ષણ ગામની નજીક આવેલી શાળામાં લીધું અને પછી આગળ નોકરી કરવા માટે મુંબઈ આવી. ગામમાં મોટી થયેલી લલિતાને મુંબઈ ની લાઈફ, ફૅશન, નખરાં અને લોકોના ટોન્ટિંગ વિશે કશું જ ખબર નહીં. એકદમ નાદાન. કોઈપણ સરળતાથી મૂર્ખ બનાવી જાય એટલી ભોળી. એકદમ સિમ્પલ. તે સમયે માથામાં તેલ અને બે લાંબા ચોટલાની ફૅશન હતી. એટલે નોકરી કરવા જતી ત્યારે તો બે ચોટલા રાખતી પણ એટલી ફૅશનની અણસમજુ કે જ્યારે છોકરો જોવા ગઈ ત્યારે પણ બે ચોટલા વાળીને જ ગઈ.
પણ કહેવાય છે ને ભોળાના ભગવાન હોય તેમ લલિતા તેના સગા સાથે છોકરો જોવા ગઈ ત્યારે કંઈક એવું જ થયું. મુંબઈમાં તે સમયે બગીચા ખૂબ જ ચોખ્ખા અને સુંદર રહેતાં હતાં. બાળકોની રમતગમતના સાધનો ઓછા પણ ખુલ્લા લીલાછમ મેદાનો અને ઓછા પણ શાંતિથી બેસી શકાય એવી લાકડાંની બેન્ચ રહેતી. કોઈક બગીચામાં પથ્થરની પણ રહેતી હતી. ખેર, મૂળ વાત ઉપર આવીએ તો લલિતા તેના સગા પ્રકાશભાઈ અને તેની પિતરાઈ બહેન સાથે બગીચામાં આવે છે. તેની પાસે કોઈ એવી આકર્ષક સાડી નહતી કે જે પહેરીને સામે વાળને ઈમ્પ્રેસ કરી શકે. તેની કઝીને તેને તેની પિંક સાડી પહેરવા આપી. લલિતાની ચામડી થોડી શ્યામ હતી એટલે પિંક કલર તેને વધારે શોભતો નહીં પણ ભલી ભોળી લલિતાને ક્યાં એની ખબર પણ હતી. તેણે તો પ્રેમથી આપેલી સાડી પહેરી લીધી અને હાથમાં પણ પાછી પિંક કલરની નેઇલ પોલિશ લગાવેલી. એક ઝાડની નીચે લલિતા બાંકડા ઉપર તેની બહેન સાથે બેસે છે. પ્રકાશભાઈ બગીચાના પ્રવેશ દ્વાર ઉપર છોકરો અને તેના ઘરના લોકોની આવવાની રાહ જોતા ઉભા રહેલાં હોય છે. એક રીક્ષા બગીચાની પાસે આવીને ઉભી રહે છે જેમાંથી બે જેન્ટ્સ અને એક મહિલા બહાર નીકળે છે.
'તમે મહેશભાઈ અને તમે કરુણા બેનને?' પ્રકાશ ભાઈ રિક્ષામાંથી બહાર આવેલા સજ્જનોને પૂછે છે.
" હા, બરોબર ઓળખીયા. તમે પ્રકાશભાઈ છો ને?" એમ મહેશભાઈ કહે છે.
વાતચીતને આગળ લઈ જતાં પ્રકાશ ભાઈ કહે છે, "મહેશ તારા લગ્નમાં હું આવ્યો હતો. આજે પાંચ વર્ષ પછી તને જોયો. તને તારી વહુને જોઈને આનંદ થયો. મહેશ, તારી સાથે જે આવ્યો છે તે તારો ભાઈ છે ને જે અમારી લલિતાને જોવા આવ્યો છે?"
મહેશ હા માં જવાબ આપી ને તેના ભાઈની ઓળખાણ કરાવે છે અને કહે છે " આ મારો નાનો ભાઈ અર્જુન. તેણે બીકોમ કર્યું છે અને એલ.એલ.બી નો અભ્યાસ પણ કર્યો છે. અત્યારે પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. હજી કાયમી થયો નથી પણ જલ્દી થઈ જશે."
અર્જુન પ્રકાશભાઈને પગે લાગે છે. અર્જુન દેખાવમાં ફિલ્મનો હીરો જેવો હતો. મુંબઈમાં જન્મેલો અને ભણેલો હતો તેને કૉલેજ લાઈફમાં વિનોદ ખન્નાના નામથી લોકો બોલાવતાં. હાઇટ પણ સારી એવી અને બાંધો પણ મજબૂત. અર્જુનને જોઈને પ્રકાશભાઈ ઈમ્પ્રેસ થઈ જાય છે પણ મનમાં ધારી લેઇ છે કે આ કોઈ હિસાબે લલિતાને હા નહીં જ પાડે. પ્રકાશભાઈ તેઓને બગીચામાં અંદર લઈ જાય છે અને જ્યાં લલિતા બેસેલી છે ત્યાં હાથથી ઈશારો કરીને પ્રકાશભાઈ કહે છે "જો આ ઝાડની નીચે હેંગરના જેવી બેસેલી દેખાઈ છે તે લલિતા છે. જોઈ આવ ગમે તો આગળ વાત ચલાવીએ." પ્રકાશભાઈનો મજાકીય સ્વભાવ હતો પણ ક્યા ટાઈમે શું બોલવું તેનું ભાન ન હતું. લલિતા ગામથી મુંબઈ આવી હતી. અન્યના ઘરે રહેતી હતી. ઘરનું કામ પણ કરતી હતી નોકરી પણ કરતી હતી અને માં બાપ અને તેનાથી નાના ભાઈ બહેનને મદદ થઈ શકે એટલે ટ્યુશન પણ કરીને બે પૈસા કમાતી હતી. મુંબઈમાં સારા લોકો નથી હોતા એ વાત તેના મગજમાં બેસી ગઈ હતી એટલે હંમેશા તે એકદમ સંકોચાઈને બેસતી હતી અને સાડીના છેડાથી તે શરીરને કવર કરી રાખતી હતી. અર્જુનની નજર લલિતા ઉપર જાય છે અને....
(ક્રમશ)