કાલચક્ર - 13 - છેલ્લો ભાગ H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલચક્ર - 13 - છેલ્લો ભાગ

( પ્રકરણ : તેર-છેલ્લો )

જેકબને એ પ્રેત હવામાં ઊંચી છલાંગ મારીને તેની તરફ ઉછળી આવતું દેખાયું, એટલે જેકબના મોઢામાંથી ચીસ નીકળી જવાની સાથે જ તેણે રિવૉલ્વરનો ઘોડો દબાવી દીધો. ગોળી છૂટી પણ હવામાં ઉછળેલા પ્રેતના કપાયેલા પગ પાસેથી ગોળી પસાર થઈને હવામાં ગૂમ થઈ ગઈ અને આની બીજી જ પળે પ્રેત જેકબની છાતી પર આવી ચઢયું. પ્રેતે એક હાથે જેકબનો રિવૉલ્વરવાળો હાથ પકડી લીધો અને બીજા હાથે જેકબની ગરદન પકડી લીધી.

તો જેકબે ડાબો હાથ પ્રેતની છાતી પર દબાવેલો રાખીને પ્રેતને પોતાનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરતાં, બીજા હાથે રિવૉલ્વરની અણી પ્રેતના ચહેરા તરફ કરવા માંડી.

પણ પ્રેતના જોર સામે જેકબ નબળો સાબિત થઈ રહ્યો હતો. તે હવે હિંમત હારી રહ્યો હતો. ‘તે હવે વધુ ટકી શકે એમ નહોતો. થોડીક વારમાં જ તે પ્રેતને પોતાનાથી દૂર રાખવામાં નિષ્ફળ જશે અને પછી પ્રેત શું ખબર તેના કેવા હાલ કરશે ?

‘જોકે, ઈરફાન તેને બચાવવા માટે આવી જાય તો કદાચ તે બચી શકે ! પણ ઈરફાનના શું હાલ- હવાલ થયા હતા એની તેને કયાં કંઈ ખબર હતી ?!’ પ્રેતથી પોતાની જાતને બચાવવાનો ભરસક પ્રયત્ન કરતાં જેકબ આવું વિચારી રહ્યો હતો, ત્યારે ઈરફાન જેકબથી થોડેક દૂર બેહોશ હાલતમાં પડયો હતો. જીપમાંથી ઝંપલાવતાં જ તે બેહોશ થઈ ગયો હતો. તે હજુ હોશમાં આવ્યો નહોતો.

તો ઈરફાને ચાલુ જીપમાંથી ધકકો મારીને સ્મિતાને ફેંકી દીધી હતી, તેેને અત્યારે કળ વળી.

તે ઊભી થઈ. તેણે આસપાસમાં ઝડપી નજર દોડાવી. તેની નજર સળગી રહેલી જીપ પર પડી. તે ‘ઈરફાન-જેકબ !’ની બૂમ મારતીં જીપ તરફ દોડી જવા ગઈ, ત્યાં જ તેની નજર થોડેક દૂર જેકબ અને એની પર ચઢી બેઠેલા પ્રેત પર પડી. તેના મોઢેથી એક ભયભરી ચીસ નીકળી ગઈ.

એ ચીસ જેકબના કાને પહોંચી. ‘સ્મિતા !’ જેકબ ગુંગળાયેલા અવાજે બોલ્યોઃ ‘જલદી, ઈરફાનને બોલાવ !’

સ્મિતાએ પોતાની બહાવરી નજર ચારે બાજુ ફેરવી. તેને જીપથી થોડેક દૂર પડેલો ઈરફાન દેખાયો. તે ઈરફાન પાસે દોડી ગઈ. ઈરફાન પાસે બેસી પડતાં તેણે ઈરફાનને હલબલાવી નાંખ્યો : ‘ઈરફાન ! જલદી ઊભો થા, ઈરફાન ! પેલું પ્રેત જેકબને ખતમ કરી રહ્યું છે.’

પણ બેહોશ ઈરફાન સળવળ્યો નહિ.

‘ટીઈટ...!’ ત્યાં જ સ્મિતાના કાને કોઈ વાહનના હોર્નનો અવાજ પડયો. તેણે થોડેક દૂર આવેલી સડક તરફ જોયું. થોડેક દૂરથી કોઈ વાહનની હેડલાઈટ નજીક આવતી દેખાઈ રહી હતી.

તે સડક તરફ દોડી. તે સડકની નજીક પહોંચી એટલી વારમાં એ વાહન તેની ઘણી નજીક આવી ચૂકયું હતું.

એ વાહન તેની પાસે આવીને ઊભું રહ્યું અને એની હેડલાઈટ બંધ થઈ એ જ પળે તેણે જોયું તો એ ટાટા મોબાઈલ હતી.

‘સ્મિતા, અમે છીએ !’ કહેતાં આગળની સીટનો દરવાજો ખોલીને લવલી અને એની પાછળ-પાછળ અખિલ અને નતાશા પણ ઊતરી આવ્યા.

‘આપણાં બીજા સાથીઓ કયાં છે !’ લવલીએ પૂછયું.

‘ત્યાં...’ લવલીને લગભગ વળગી પડતાં સ્મિતા જોરથી બોલી ઊઠી : ‘... ત્યાં પેલું પ્રેત જેકબને ખતમ કરી રહ્યું છે !’

અત્યાર સુધી ટાટા મોબાઈલના પાછળના ભાગમાં ઊભેલો ઓમકાર સળગી રહેલી જીપ તરફ જોઈ રહ્યો હતો. ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો ચંદર પણ એ તરફ જોઈ રહ્યો હતો, પણ તેમની નજરે પ્રેત અને જેકબ ચઢયા નહોતા, પણ અત્યારે સ્મિતાએ આંગળી ચીંધી એટલે તેમને જેકબ પર સવાર થયેલું પ્રેત દેખાયું.

‘જલદી ગાડી એની નજીક લે !’ ઓમકારે બૂમ પાડી, એટલે ચંદરે એ તરફ ટાટા મોબાઈલ આગળ વધારી.

ત્યારે પ્રેતને પોતાનાથી દૂર રાખવા મથી રહેલો જેકબ હવે સાવ ઢીલો પડી ગયો હતો. પ્રેત ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયું હતું. અને એના કારણે એનો ચહેરો વધુ ભયાનક બની ગયો હતો. એની આંખોમાંથી જાણે આગ વરસી રહી હતી. જેકબનો શ્વાસ હવે રૂંધાવા માંડયો હતો. તેની આંખે હવે અંધારા છવાવા માંડયા હતા.

આ જ પળે પ્રેતના ચહેરા પર હેડલાઈટનું અજવાળું પડયું. પ્રેતે ગુસ્સાભરી આંખે હેડલાઈટ તરફ જોયું અને એ જ પળે ઓમકારે પોતાની તોપ જેવી બંદૂકમાંથી છોડેલું લાંબા સળિયાવાળું ત્રિશૂલ આવીને પ્રેતના કપાળમાં ખુંપ્યું. પ્રેતના મોઢેથી ચીસ નીકળી અને તે પાછળની તરફ ફેંકાયું.

ઓમકાર બીજું લાંબા સળિયાવાળું ત્રિશૂલ લઈને ટાટા મોબાઈલની બહાર કૂદી આવ્યો અને પ્રેત તરફ ધસ્યો.

ચંદર ટાટા મોબાઈલની બહાર નીકળ્યો, તો અત્યાર સુધી મોબાઈલના પાછળના ખુલ્લા ભાગમાં ઓમકાર સાથે ગભરાયેલી હાલતમાં ઊભેલો મનજીત પણ મોબાઈલમાંથી નીચે ઊતર્યો અને ચંદર સાથે પોતાના સાથીઓ લવલી, અખિલ, નતાશા અને સ્મિતાની બાજુમાં પહોંચીને ઊભો રહ્યો, અને ઓમકાર તેમ જ પ્રેત તરફ જોઈ રહ્યો.

હાથમાં લાંબા સળિયાવાળા ત્રિશૂલ સાથે પ્રેતની નજીક પહોંચી ગયેલો ઓમકાર રોષભરી આંખે પ્રેત તરફ જોઈ રહ્યો. પ્રેત પોતાના કપાળની આરપાર ખુંપી ગયેલું ત્રિશૂલ ખેંચી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.

ઓમકાર નફરતભરી આંખે પ્રેતને જોઈ રહ્યો. ‘આ પ્રેત તેના નંદુને ઉઠાવી ગયું હતું. નંદુ જેવા અનેક નિર્દોષોને ખાઈ ગયું હતું.’ ઓમકારની આંખોમાં રોષ અને નફરત આવી ગઈ. તેણે પોતાના હાથમાંનું લાંબા સળિયાવાળું ત્રિશૂલ જોરથી પ્રેતની છાતીમાં ખુંપાડયું. પ્રેતે કાનના પડદા ફાટી જાય એવી જોરદાર પીડાભરી ચીસ પાડી.

ઓમકારે ત્રિશૂલ પાછું ખેંચ્યું અને ફરી પાછું પ્રેતની છાતીમાં ખુંપાડયું. નજીકમાં જ પડેલા જેકબની આંખોમાંના અંધારા હવે દૂર થયાં, અને ઓમકારને પ્રેતની છાતીમાં ત્રિશૂલ ખુંપાડતો જોઈને તેણે પાછું વાળીને જોયું.

સ્મિતા, લવલી, મનજીત, અખિલ અને નતાશાને જોઈને તેને રાહત થઈ.

 

અખિલ આગળ વધીને જેકબને પ્રેત અને ઓમકારથી દૂર કરીને પોતાના સાથીઓ પાસે લઈ આવ્યો, એટલી વારમાં ઓમકાર બીજી ત્રણ-ચાર વાર પ્રેતની છાતીમાં ત્રિશૂલ ખુંપાડીને બહાર ખેંચી ચૂકયો હતો.

પ્રેતે ચીસ પાડવાનું બંધ કરી દીધું હતું. અત્યાર સુધીમાં ઈરફાન હોશમાં આવી ગયો હતો. એ ઊઠીને જેકબ અને અખિલની બાજુમાં ઊભો રહી ગયો અને પ્રેત તરફ જોઈ રહ્યો.

લવલી પણ પ્રેત તરફ જોઈ રહી હતી, ત્યાં જ લવલીનું ધ્યાન એ તરફ ખેંચાયું કે, આકાશમાં વહેલી સવારનું અજવાળું ફૂટી રહ્યું હતું. લવલીએ ફરી ઓમકાર અને પ્રેત તરફ જોયું.

ઓમકારે પ્રેતની છાતીમાંથી ત્રિશૂલ બહાર કાઢયું અને ફરી જોશભેર પ્રેતની છાતીમાં ખુંપાડયું.

પ્રેત આ વખતે સહેજ અધ્ધર થયું અને એકદમ શાંત થઈ ગયું.

‘આખરે આ પ્રેત ખતમ થઈ ગયું !’ ઓમકાર બાજુના પથ્થર પર બેસતાં બોલ્યો.

એ જ પળે ‘ક્રાં..ક્રાં..ક્રાં..!’ના અવાજ સાથે કયાંકથી બે મોટા અને ભયાનક કાગડાં આવ્યા ને પ્રેતના ડાબા અને જમણા ખભા પર બેસી ગયા. બન્ને કાગડાં પોતાની લાલઘૂમ આંખે ઓમકાર તરફ જોઈ રહ્યા.

લવલી, જેકબ, ઈરફાન, અખિલ, નતાશા, સ્મિતા, મનજીત અને ચંદર ભય અનુભવતાં પ્રેત અને એ બન્ને કાગડાં તરફ જોઈ રહ્યાં, ત્યાં જ પ્રેતનું શરીર સળવળ્યું.

બધાંના જીવ ગળે આવી ગયાં : ‘આ...આ પ્રેત ફરી ઊભું થઈ જશે કે શું ?’

ત્યાં જ પ્રેતનું શરીર ત્રિશૂલની પાછળના સળિયા સાથે લપેટાવા માંડયું,

પ્રેતનું શરીર એ બન્ને કાગડાંને પણ પોતાની સાથે જ સળિયામાં લપેટવા લાગ્યું. બધાં ભયભરી નજરે જોઈ રહ્યાં. થોડીક પળોમાં જ પ્રેતનું શરીર એ સળિયા સાથે એવી રીતના લપેટાઈ ગયું કે, જાણે કોઈ અજગર એ સળિયા સાથે ન લપેટાઈ ગયું હોય !

બધાંએ કંઈક ભય-કંઈક નવાઈ અનુભવતાં પ્રેતની નજીક ઊભેલા ઓમકાર તરફ જોયું, તો ઓમકાર લાંબા સળિયાવાળા ત્રિશૂલને લપેટાઈ ગયેલા પ્રેત તરફ જોઈ રહ્યો હતો. તે પ્રેત તરફ આગળ વધવા ગયો, ત્યાં જ ત્રિશૂલ સાથે લપેટાયેલા પ્રેતના શરીર પર ભપ્‌ કરતાં જોરથી ભડકો થયો.

લવલી, સ્મિતા અને નતાશાના મોઢેથી ચીસ નીકળી ગઈ, તો ઓમકારની સાથોસાથ જ બધાં પોત-પોતાની જગ્યા પરથી સહેજ પાછા હટી ગયા અને એ તરફ જોઈ રહ્યાં.

ભડકો આગ જેવો જ થયો હતો અને એની જ્વાળાઓ પણ આગ જેવી જ હતી, પણ એનો રંગ આગ જેવો નહિ, પણ લીલા રંગનો હતો.

થોડીક પળો થઈ અને એ ભડકો ઓલવાઈ ગયો અને બધાં ત્યાં જોઈ રહ્યાં. ત્યાં હવે એ આદમખોર પ્રેત નહોતું, એના સળગી ગયાની રાખ પણ નહોતી.

‘આખરે.,’ ઓમકાર બોલ્યો : ‘...એ આદમખોર પ્રેત ખતમ થઈ ગયું.’ ‘ના !’ લવલી બોલી ઊઠી, એટલે ઓમકારની સાથે જ બધાંએ લવલી તરફ જોયું : ‘એ આદમખોર પ્રેત ખતમ નથી થયું. પણ એનો સમય પૂરો થઈ ગયો એટલે એ ચાલ્યું ગયું છે.’

ઓમકાર અને બાકીના બધાં લવલી તરફ જોઈ રહ્યાં, કોઈને શું બોલવું એ કંઈ સૂઝયું નહિ.

‘આજે એનો ત્રેવીસમો-છેલ્લો દિવસ હતો.’ લવલી બોલી : ‘અત્યારે સવાર પડી ગઈ, એનો છેલ્લો-ત્રેવીસમો દિવસ પૂરો થયો એટલે એ ચાલ્યું ગયું છે, પણ...’ અને લવલીએ બધાં પર નજર ફેરવી : ‘....પણ એ ફરી ત્રેવીસ વરસ પછી, ત્રેવીસ દિવસ માટે પાછું આવશે અને આ રીતના જ એ ઘણાં-બધાંને પોતાની સાથે ઉડાવીને લઈ જશે.’

‘હશે...,’ ઓમકાર બોલ્યો : ‘...કદાચ એવું હશે તો પણ અત્યારે તો એ ચાલ્યું ગયું. મેં મારી રીતના મારા દીકરા નંદુના મોતનો બદલો લઈ લીધો.’ અને ઓમકાર ટાટા મોબાઈલ તરફ આગળ વધ્યો : ‘ચાલો, હું તમને તમારા શહેર સુધી મૂકી દઉં.’

બધાં ટાટા મોબાઈલ તરફ આગળ વધ્યા. ચંદર, લવલી, સ્મિતા અને નતાશા મોબાઈલની આગળની સીટ પર બેઠા.

જ્યારે ઈજા પામેલા જેકબને લઈને ઈરફાન ટાટા મોબાઈલના પાછળના ભાગમાં બેઠો. અખિલ અને મનજીત પણ ટાટા મોબાઈલના પાછળના ભાગમાં ઊભા રહી ગયા.

હવે ઓમકાર ટાટા મોબાઈલ પર સવાર થયો. ‘ચાલ, ચંદર ! ગાડી જવા દે.’ અને ચંદરે ટાટા મોબાઈલને મુંબઈના મેઈન હાઈવે તરફ આગળ વધારી.

સવારના સાડા સાત વાગ્યાની આસપાસ ચંદરે મુંબઈના મેઈન હાઈવે પર ટાટા મોબાઈલ ચઢાવીને મુંબઈ શહેર તરફ દોડાવી, ત્યારે લવલી, સ્મિતા, નતાશા, જેકબ, ઈરફાન, અખિલ અને મનજીતે તેઓ આદમખોર પ્રેતના ખૂની પંજામાંથી જીવતાં બચી ગયા હતાં એની રાહત અનુભવી.

જોકે, તેમને ખબર હતી કે, તેમના સર-ટીચર અને બસના ડ્રાઈવર તેમ જ કોલેજના સાથીઓ સાથે જે કંઈ પણ બની ગયું હતું, એને તેઓ જિંદગીભર ભૂલી શકવાના નહોતા.

 

( સમાપ્ત )