લક્ષ્મી Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લક્ષ્મી

"લ્યો પપ્પાજી આ હિસાબ જોઈ લો" કહેતા પલ્લવીએ શેઠ ધનવંતરાયના ટેબલ પર હિસાબની વર્કશીટ મૂકી. સાંભળીને ધનવંતરાય ચોંકી ઉઠ્યા.

"શું કહ્યું તે? "એમણે રાડ પાડીને પૂછ્યું.

"મેં કહ્યું પપ્પાજી હિસાબ જોઈ લો." કહીને પલ્લવી કેબિનની બહાર નીકળી.

પોતાની આલીશાન કેબિનમાં શેઠ ધનવંતરાય માથે.હાથ દઈને બેઠા હતા. સામે ટેબલ પર હમણાં જ પલ્લવી ગયા મહિનાના હિસાબના કાગળિયા મૂકીને ગઈ હતી. મહિના દરમિયાન આવેલ ચેક+કેશ), ફાડેલા ચેક+કેશ) તથા ઓફિસ સ્ટાફના પગાર અને અન્ય ખર્ચ બાદ કર્યા પછીની મહિના દરમિયાનની નેટ આવકના હિસાબો જામનગર જેવા મધ્યમ કક્ષાના શહેરના કોઈ પણ વેપારીને ખુશ કરી દે એવા હતા. છતાં પણ શેઠ ધનવંતરાય ઉદાસ મોઢે હિસાબના કાગળો સામે તાકતાં વિચારમાં ચડી ગયા.

xxx

આજથી 30-32 વર્ષ પહેલા ધનવંતરાય જ્યારે 15-16 વર્ષના હતા ત્યારે એક બ્રાસપાર્ટના કારખાનામાં મામૂલી મજુર હતા.એમના પિતા અવસાન પામે 8 વર્ષ થઈ ગયા હતા. અભણ માએ મજૂરી કરી કરીને એને ભણાવવાનો પ્રયાસ કર્યો પણ એને ભણતર ચડ્યું ન હતું. છેવટે કોઈ સગાવહાલાની ઓળખાણથી જ્ઞાતિના એક બ્રાસપાર્ટના કારખાનાના માલિકને ત્યાં ધનિયાને (ધનવંતરાય) મજૂર તરીકે કામે ચડાવી દીધા હતા. ત્યારે તેમની ઉંમર 15-16 વર્ષની હતી. ભલે તે ભણ્યા ન હતા પણ એટલી સમજ તો એને હતી કે અત્યારે પગાર ઘર ચલાવવા માટે પૂરતો છે. પણ ઘર માંડવા માટે કૈક એવું કરવું જોઈશે કે આવક વધે. અને આવક ત્યારે જ વધે જયારે મલિક ખુશ હોય. બસ આ સાદી સમજે એમને એમની ઉંમરથી પાકટ કરી દીધા. આમ તો એમની ડ્યુટી સાંજે 6 વાગ્યે પૂરી થઈ જાય પણ તે ઘરે કોઈ દિવસ 9 વાગ્યા પહેલા ન જતા. ઘરમાં માંને પણ કહી રાખેલું કે "માં આગળ વધવું હોય તો શેઠના લાડકા બનવું જોઈએ. એટલે મારી જમવામાં રાહ ન જોવી. આજે મફત મહેનત કરીશ તો કાલે ફળ મળશે." જ્યારે બીજા મજૂરો ફેક્ટરીમાં લાગેલી ઘડિયાળ ને તાકતા હોય ત્યારે ધનિયો આજે નવું શું શીખવા મળશે એ વિચારતો હોય. સાંજે બધા મજૂરો ઘરે જતા રહે ત્યારે શેઠ પોતાની ઓફિસમાં બેસીને ફોન દ્વારા માલની લે વેચના કામ કરતા હોય ત્યારે એમને માટે ચાપાણી લાવવા કે કોઈક વાર કાચો માલના ટેમ્પો કે ટ્રક આવ્યા હોય એ ખાલી કરવાની હોય તો એમાં હાથ દેવડાવવા કે પછી જુદી જુદી ધાતુઓને મિક્સ કરીને અલગ અલગ પ્રકારનું બ્રાસ બનાવવાનું હોય કે કોઈ નવી પાર્ટી માટેની નવી ડાઇ બનાવવાની હોય ત્યારે ડાઇ માસ્તરને જોઈતા ઓજારો લેવા દેવાની મદદ કરવી.એ દરેક કામ એ ધગશ પૂર્વક કરતા. શરૂઆતમાં તો શેઠે વગર પગારે આ એક્સ્ટ્રા કામ કરતા ધનિયા પ્રત્યે બહુ ધ્યાન ન દીધું આમ જ 4 વર્ષ પસાર થઈ ગયા. પણ એક વખત કોઈ નવી પાર્ટીનો બહુ ઓર્ડર મળે એમ હતો અને શેઠનો કાયમી ડાઈ મેકર બહારગામ હતો. શેઠે બીજા ત્રીજા કારખાનેદાર પાસેથી એમના કારીગરને મેળવવાનો પ્રયાસ કર્યો પણ એમાં સફળતા ન મળી. "હશે આ ઓર્ડર તો ગયો હાથથી" ફોન નીચે મુકતા મુકતા શેઠ બોલ્યા.
"શું થયું પ્રેમજી શેઠ?' ધનિયાએ આ 4વર્ષમાં કદાચ પહેલી વાર શેઠને આટલા નિરાશ જોયા હતા.
"કાઈ નહીં.આ નવી પાર્ટી આફ્રિકાથી આવી છે એમને એમની પ્રોડક્ટ માટે સ્પે.ડિઝાઇન બનાવવી છે. પણ એને અર્જન્ટ છે. એટલે આ ઓર્ડર આપણા હાથથી જશે. જો આ ઓર્ડર મળે તો આપણા માલ માટે એક નવી બજાર ઉભી થઈ.શકે."
"શેઠ જો તમે હા પાડો તો હું એ ડાઇ બનાવવાની ટ્રાય કરું. બપોરના લંચ ટાઈમમાં અને ઘણીવાર સાંજે છૂટ્યા પછી હું આપણા ડાઇ માસ્ટર પાસે બેસીને એ કેવી રીતે કામ કરતા હોય છે એ શીખ્યો છું. આપણી 2-4 ડાઇ બગડે પણ કદાચ કામ બની જાય."
"ધનિયા આ બહુ અઘરી ડિઝાઇન છે. તું રેવા દે. જા ચા લઇ આવ હું કંઈક વિચારું છું."
"ભલે શેઠ જેમ તમે કહો એમ" કહી ધનજીએ વાત પડતી અને ચાનો ઓર્ડર દેવા દોડ્યો.જોકે એણે વિચાર્યું કે "શેઠ કઈ મૂર્ખ નથી આવડો મોટો એક્સપોર્ટનો ઓર્ડર હાથમાંથી જવા દે."

જ્યારે શેઠની ફેવરિટ આદુ મસાલા વાળી ચા પીવાય ગઈ પછી શેઠે ધનિયા સામે જોયું એણે વિચાર્યું કે ધનિયો ફરીથી એને એક તક આપવા વિનવે.પણ એવું કંઈ ન થયું. ધનિયો તો હાથમાં બ્રાસ મેટલ મેગેઝીન લઈને એમાં છપાયેલ નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટમાં વપરાતા બ્રાસ પાર્ટ ને ઝીણવટથી જોતો હતો.
"હાલ ધનિયા ફેકટરીના તાળા મંગળ કર રોટલા ભેગા થઈએ." શેઠે લગભગ અડધો કલાક પછી કહ્યું. હવે ઉંદર બિલાડીની રમત ચાલી રહી હતી એટલું લગભગ અભણ ધનીયો સમજી ચુક્યો હતો એટલે ચુપચાપ તાળા ચાવી હાથમાં લીધા. શેઠની કેબીન લોક કરી બધી લાઈટો બુઝાવી ફેકટરીના મેઈન ગેટ પર આરામથી તાળું મારી ચાવી શેઠના હાથમાં આપી ધનિયાએ કહ્યું. "હાલો શેઠ કાલે મળીયે કહીને પોતાની સાઇકલનું તાળું ખોલ્યું. શેઠે પોતાની કારમાં બેઠા બેઠા ધનિયાને સાદ દીધો "એ ધનિયા આયા આવ તો."
"હા શેઠ શુ કો છો.?"
"આ તને હમણાં શું પગાર આપું છું હું.?"

"શેઠ પગાર તો મારો 5 વર્ષ પેલા દેતાતા 400 રૂપિયા એ જ છે, પણ 6-7 મહિનાથી બળવંત ભાઈ (એકાઉન્ટન્ટ એ પણ શેઠનો નાતિલો અને રહેમ રાહે રાખેલ 28 વર્ષનો યુવાન) 100 રૂપિયા વધારે દે છે. એ કેતાતા કે તમે એમને કીધું છે આ હું વધારે ટાઈમ બેશુ છું એ માટે.'

"સારું ભલે જા તું."

"ભલે શેઠ" કહીને ધનિયાએ સાઇકલનું પેડ માર્યું ત્યાં સુધી શેઠે રાહ જોઈ કે ફરીથી ધનિયો ડાઇ બનાવવાનું બોલેતો. પણ ધનિયાને ખાતરી હતી કે તે શેઠ વ્યા જશે તો અડધી રાત સુધીમાં મારા ઘરે પાછા આવશે જ. પણ શેઠથી ન રહેવાયું અને ફરી હાક મારી "એ ધનિયા ઉભો રે"

"હા શેઠ શુ કો છો? ધનિયાએ સાઇકલથી ઉતરીને કહ્યું.

"આ આખો દી બધા તને ધનિયો ક્યે છે તે તને ગુસ્સો નથ આવતો. તારું આખું નામ શું છે?

"શેઠ નામનું તો એવું છે ને કે 'નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ' મારુ નામ તો ધનવંતરાય છે પણ ખીસામાં નાણાં નથી એટલા દી ધનિયો પછી ધનવંતરાય થતા વાર નહીં લાગે. હવે હું નિકરૂ કે કઈ કામ છે?"

"હા હા તું ઉપડ, કાલે ક્યે આવીશ?"

"સાડા આઠ સુધીમાં આવી પૂગીશ. કઈ નવું કામ હોય તો ઈ કયો તો ખબર પડે."

"ના રે ના કઈ નવું કામ નથ. તું તારે મોજ કર અને ટાઈમે આવી જજે."

xxx

ઘરે પહોંચ્યા પછી ધવંતરાયે માં ને કહ્યું "માં સમજી લે હવે આપણો દી ફરવાની તૈયારીમાં છે. કાલ સવાર સુધીમાં શેઠ પોતે આપણા ઘરે આવશે. એની ગણતરી બરાબર હતી. શેઠ પાકટ વયે પહોંચ્યા હતા. મન અડધો દિવસ ધર્મ કર્મમાં રહેતું. બાકી ફેક્ટરીની ચીંતા 22-24 માણસનો સ્ટાફ, માર્કેટથી (મોટાભાગે વિદેશથી) રો મટીરીયલ મંગાવવું. એને ગાળીને પછી પોતાને મળેલ ઓર્ડર પ્રમાણે એને બનાવીને કસ્ટમર સુધી પહોચાડવા. થાક પણ ઉંમર અનુસાર અનુભવાતો.એમના પત્ની તો ભગવાનના માણસ આખોદી પૂજાપાઠ અને થોડો ઘણો સમય ઘર માટે હોય એ છોકરાઓ માટે ખર્ચાઈ જતો. શેઠને સંતાનમાં એક 14 વર્ષનો છોકરો મયંક એક 18 વર્ષની દીકરી ધર્મિષ્ઠા અને એક 23 વર્ષની પરણાવેલ દીકરી લાવણ્યા હતા. છોકરો સૌથી નાનો એટલે લાડકોડમાં ઉછેર સ્વાભાવિક હતો, હજી ધંધામાં પળોટવાને 10 વર્ષની વાર હતી. તો લાવણ્યાના વરને પોતાનું કારખાનું હતું. એટલે એ કઈ પ્રેમજી શેઠ નું કારખાનું સંભાળવા નવરો ન હતો. ચારે કોરથી ધનવંતરાય માટે તક ઉભી થઈ રહી હતી અને આ આખું ગણિત એ સમજી રહ્યો હતો. "બસ હવે ના 6-8 મહિના તનતોડ મહેનતના છે" મનોમન બોલી અને જમીને એણે પોતાના ખાટલામાં લંબાવ્યું અને એક નજર પોતાના ઘરમાં મારી. નાનકડું ઘર એક ઓયડ઼ો રસોડું ફળિયું અને ફળિયામાં ખાટલો ઢાળીને સુતેલ પોતે. 'જો બધું બરાબર થશે તો વર્ષ દિવસમાં આ બધું બદલાઈ જશે. લાવણ્યાનો વર કઈ આ ફેક્ટરી સંભાળશે નહીં. મયંકની ઉંમર હજી નાની છે. અને ધર્મિષ્ઠાનું સાસરું પણ શેઠ કોઈ રૂપિયા વાળું ગોતશે. એટલે આ ફેક્ટરી સંભાળવા કોઈક વિશ્વાસુ માણસ ગોતવો જ પડશે. આ એક જગ્યા ઉભી થવાની છે અને મારે ત્યાં ગોઠવાવું છે." વિચારતા એમને નીંદર આવી ગઈ.

xxx

સવારે 6 વાગ્યા હશે ત્યાં ફળિયા બહાર મોટર ઉભી રહી અને હોર્નનો અવાજ આવ્યો. ધનવંતરાયની માએ ફળિયામાં આવીને જોયું તો શેઠ મોટરમાં બેઠા હતા. એમણે પૂછ્યું. "બહેન ધનવંત ક્યાં?"

"આવો આવો પ્રેમજીભાઈ, ધનિયો તો નાવા ગયો છે. તમે અંદર તો આવો.ચા તૈયાર જ છે."

"ના બેન ધનવંતનું થોડું કામ હતું એટલે ખાસ હું આવ્યો આટલો વેલો."

"હા તો એ હમણાં નાય લેશે. તમે ચા પીવો ત્યાં તૈયાર થઈ જશે." આજે પોતાને ગરજ હતી એટલે પ્રેમજી શેઠ પોતાના આ ગરીબ નાતીલાને ઘરે આવ્યા હતા.4 વર્ષ પહેલા રહેમરાહે આ બાઈના જુવાન થતા છોકરાને પોતે કામે રાખ્યો હતો. મનમાં એમ વિચારીને કે મારે તો ગમે ઈ કામ કરે રૂપિયા આપવા જ છે તો ભલે ને એક ગરીબ નાતીલાનું ઘર ચાલતું. પણ છોકરો હુંશિયાર હતો વગર કહ્યે રોજ વધારાના 3-4 કલાક કામ કરતો કામ ન હોય તો નવું નવું શીખવાની કોશિશ કરતો એટલે જ હમણાં 7 મહિના પહેલા પોતાના એકાઉન્ટન્ટને કહીને 100 રૂપિયા વધાર્યા હતા. ધનિયાની માં ચાને હારે ગરમ ગરમ 3 થેપલાને અથાણું ડીશમાં આપી ગઈ. શેઠે આનાકાની કર્યા વગર ચા-નાસ્તો શરૂ કર્યા. એટલામાં ધનિયાએ નાહી લીધું. અને બહાર આવી ને કહ્યું" અરે શેઠ તમે અટાણમાં?'

"હા, ઓલી આફ્રિકાની પાલટીનો ફોન આવ્યો હતો કે, મારે ધંધો તમારી હા રે જ કરવો છે એટલે." પ્રેમજી શેઠે વાક્ય અધૂરું મુક્યુ.

"હા તો હું 15 મિનિટમાં પૂજા કરી ચા નાસ્તો કરીને આવું છું ફેક્ટરીએ. પછી કંઈક વિચારીએ." ધનિયાએ મોટા માણસ જેવી વાત કરી.

"હા તું ચા નાસ્તો કરી લે એટલે આપણે હારે જઇયે મારી મોટરમાં. તું ફટાફટ નવી ડાઇ બનાવવાની કોશિશ કર. ડિઝાઇનના સેમ્પલ મારી કેબિનમાં રાખ્યા છે."  

xxx

દસ દિવસ પછી પ્રેમજી શેઠે ધનિયાને દિવસના ટાઈમે પોતાની કેબિનમાં બોલાવ્યો. અને કહ્યું "ધનવંત, આ લે બોનસ" કહી 2000 રૂપિયા આપ્યા.ધનિયાએ એક નજર રૂપિયા સામે નાખી અને પ્રેમજી શેઠ ને પૂછ્યું "બધાને બોનસ દીધું છે કે ખાલી મને?"

"હવે જે સારું કામ કરે એને બોનસ મળે બધાને નહીં. રાખી લે તારા ઘરમાં રંગરોગાનમાં કામ લાગશે.'

"ભલે શેઠ," કહીને ધનિયાએ રૂપિયા ઉપાડ્યા પણ પછી જે કર્યું એની પ્રેમજી શેઠ ને બાપ જન્મારે કલ્પના ન હતી. ધનિયાએ એક વાર રૂપિયા લઇ માથે ચડાવ્યા પછી પોતાના પેન્ટના ખિસ્સામાં હાથ નાખી ફાટેલું પાકીટ કાઢ્યું અને એમાંથી મહામહેનતે બચાવેલ 40-45 રૂપિયામાંથી 11 રૂપિયા કાઢી ઓલ 2000 હારે રાખ્યા. અને પછી શેઠને કહ્યું "પ્રેમજી શેઠ આ રૂપિયા ઓલા તમે નાતની હોસ્ટેલ બનાવવા જમા કરો છો એમાં મારા તરફથી નોંધાવી દેજો. મને તો રેવા નાનું પણ પોતાનું ઘર છે. હું તો ન ભણ્યો પણ નાતના છોકરાવ બચાડા હોસ્ટેલ હશે તો બહારગામથી આવી ને ભણી શકશે. પ્રેમજી શેઠ અવાચક બની ને ધનિયા સામે જોઈ રહ્યા. પોતે કરોડપતિ હતા. નાતના આગેવાન ગણાય. છતાં માંડ 25000 રૂપિયા આપ્યા હતા. હોસ્ટેલ માટે જગ્યા એક નાતીલાએ આપી હતી. એમણે કહ્યું "ધનવંત આ રૂપિયા તને ઘણા કામ આવશે તારી ઉંમર થઈ. તારી સગાઈ લગ્ન ઘણા પ્રસંગ છે એક કામ કર, આપણે તો 1 રૂપિયો પણ સ્વીકારીએ છીએ આ તારા 11 રૂપિયા લઇ લાઉ છું. બસ પણ આ 2000 ઘરે લઈજા તારી માં રાજી થશે"

"શેઠ મારી માં તો મીઠું ને રોટલા માય રાજી જ છે. અને રહી વાત સગાઈ, લગ્નની તો પડશે એવા દેવાશે. હું જાઉં હવે મશીન પર કામ ચાલુ છે."

"ધનવંત ઓલો આફ્રિકાનો ઓર્ડર આપણને મળ્યો છે. તે બનાવેલ 3 ડિઝાઇન એમને પસંદ પડી છે મેં ધાર્યું હતું એથી ડબ્બલ ઓર્ડર છે. આજથી તારે મશીન પર નથી બેસવાનું આજથી તું સુપરવાઇઝર છે. સંભુ કાકા આવતા મહિને રિટાયર્ડ થાય છે એમની પાસે થોડા દિવસમાં કામ સમજી લે ને આજથી તારો પગાર 2400 રૂપિયા છે.

xxx

બસ એ દિવસથી ધનવંતરાયે પાછું વાળીને જોયું ન હતું. ફેક્ટરીમાં એકની જગ્યાએ ચાર કલાકના અંતરે બીજી શિફ્ટ ઉભી કરી ધનવંતે ઉત્પાદન દોઢું કરી નાખ્યું. ધંધાને લગતા મેગેઝીન વાંચવા ખપ પૂરતું અંગ્રેજી બાજુમાં રહેતા એક સ્કૂલ શિક્ષક પાસેથી શીખી લીધું. શેઠને જાત્રાએ જવું હોય કે નાતના કામે ક્યાંક બહાર જવું હોય તો ફેક્ટરી સાંભળી લેવી. મુંબઈ બેંગ્લોરના ઘરાક સાથે સોદા કરવામાં શેઠને સલાહ આપવી. શેઠને સમજાવીને વિદેશથી આવતા રો મટિરિયલ કન્ટેઇનર ડાયરેક્ટ મંગાવવા. જેવા કામ ટૂંક સમયમાં કરવા લાગ્યા. જે દિવસે ડાઇ બનાવી એ દિવસથી ધનવંત તરીકે ઓળખાતો હતો.પણ, એકાદ વર્ષ પછી ફરી એક વખત પ્રેમજી શેઠ અને એમના પત્ની ધનવંતના ઘરે આવ્યા.અને પોતાની દીકરી ધર્મિષ્ઠા માટે ધનવંતનો હાથ માંગતા ધનવંતની માને કહ્યું."બેન ધર્મિષ્ઠા થોડીક શામળી છે. પણ અમને ખાતરી છે કે મારી દીકરી તમારા ઘરમાં દુઃખી નહીં થાય. ધનવંત ખુબ જ હોશિયાર છે. એ મારી ફેક્ટરી અને મારી દીકરી બનેને સંભાળશે. જો તમે હા પાડો તો મારી દીકરી તમારા ઘર માં સમાઈ જાય"

"દીકરા, આવતી લક્ષમી ને વધાવવાની જ હોય. છતાં તારી ઈચ્છા શું છે એ કહે તને ધર્મિષ્ઠા ગમે છે”  માં એ ધનિયાને પૂછ્યું. અને ઘડિયા લગ્ન લેવાયા. 3 મહિના બાજુમાં ઘર ભાડે લઈને ધનિયાના તૂટેલા ફૂટેલા ઝૂંપડા જેવા ઘરની જગ્યાએ "માં ની કૃપા" નામનો બંગલો તૈયાર થઈ ગયો. પ્રેમજી શેઠ હવે ફેક્ટરીએ ઓછું આવતા.એને હાઈ બીપીની તકલીફ હતી. મયંક હજી નાનો હતો. અને લાવણ્યાના વરને પોતાની ફેક્ટરીમાંથી ફુરસદ ન હતી. ધનવંત બહુ પ્રયાસ કર્યો પણ ધર્મિષ્ઠાને ફેક્ટરીમાં કોઈ રસ ન હતો. હા ધનવંતરાયની મા ને એ ખુબ સાચવતી. ધનવંતનું પણ ખુબ માન રાખતી 'આ માણસ મારા બાપનો નોકર છે કે હતો' એવું કદી એના વર્તનમાં દેખાવા દીધું ન હતું. એ ભલી અને એનું ઘર ભલું. વર્ષો પસાર થવા લાગ્યા ધનવંતરાયના ઘરે એક પુત્રનો જન્મ થયો પરાગ નામ રાખ્યું. એ જ અરસામાં ધનવંતરાયે શેઠને કહ્યું "આપણી ફેક્ટરી હવે શહેરની વચ્ચે આવી ગઈ છે. આજુ બાજુ વસ્તી બહુ વધી ગઈ છે. ટ્રાન્સપોર્ટેશનમાં પણ તકલીફ પડે છે 10 કી મી દૂર GIDC નો ફેજ 2 બની રહ્યો છે ત્યાં આપણી ફેક્ટરી શિફ્ટ કરી નાખીયે.એટલા જ રૂપિયામાં દોઢી જગ્યા મળશે. ટેક્સમાં પણ ફાયદો થશે. આમ શેઠની ફેક્ટરીની જગ્યાએ GIDC ફેજ 2 માં પરાગ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના થઈ જેમાં પરાગ અને મયંક ભાગીદાર હતા. 2 વર્ષ પછી શેઠ અને શેઠાણી 6 મહિનાના અંતરે પરલોક સિધાર્યા. પછી ધનવંતરાયે ધર્મિષ્ઠા. મયંક એની પત્ની અને લાવણ્યને તથા એના વરને બોલાવી કહ્યું. "હવે મયંક જો આ ફેક્ટરી સંભાળે તો હું મારી એક નાનકડી ફેક્ટરી ચાલુ કરું."

મયંકે કહ્યું. "જીજાજી આ તમારી જ ફેક્ટરી છે. જે કરવું હોય એ આમા જ કરો." આમેય હું તો તમને ખબર છે રખડુ છું"

"પણ મયંક તારા બાળકોના ભવિષ્યનું તો વિચાર" ધનવંતરાયે કહ્યું અને ઉમેર્યું. 

ત્યાં મયંકની પત્નીએ કહ્યું "જીજાજી તમે દર મહિને અમારો ભાગ મોકલી આપો છો એ ય ઘણો છે. આ(મયંક)કઈ કામ કરે એમ નથી અને હું મારા બાપની એક જ દીકરી છું અમારી 3 પેઢી સુધી વાંધો નહીં આવે. પછીના એના નસીબ લઈને આવ્યા હશે એમ કરશે. તમ તમારે ઈચ્છા હોય એમ કરો. અને જરૂરત હોય તો અમારો ભાગ 2-3 વર્ષ નહીં દયો તોય ચાલશે." બસ વાત ત્યાં જ પુરી થઈ. વળી 2-3 વર્ષ થયા કે લાવણ્યાના વરે એક મોટું બ્લન્ડર કર્યું કરોડો કમાવાની લાલચે કોઈ વિદેશી પાર્ટીમાં ભરાઈ ગયો અને માથે દેવું થઈ ગયું. લાવણ્યા ધર્મિષ્ઠા પાસે આવીને ખૂબ રોઈ અને ધનવંતરાય આમાંથી કૈક રસ્તો કાઢે એવી વિનંતી કરી. ધનવંતરાયે રસ્તો કાઢ્યો. એનું બધું કરજ ભરી દીધું. ફરીથી કામ અપાવ્યું.અને એની જિંદગી ફરીથી રસ્તા પર લઇ આવ્યા ફક્ત 25% ભાગીદારી લઈને એણે આટલું કામ કરી આપ્યું. આમને આમ 25 વર્ષ થઈ ગયા.મયંક પોતાનામાં મસ્ત હતો. ધનવંતરાયનું પોતાનું એક્સપોર્ટ યુનિટ ધમધોકાર ચાલતું હતું. અને લાવણ્યાના વરની કંપની માંથી દર મહિને 2 લાખ બેઠા મળતા હતા. બધું બરાબર ચાલતું હતું પણ ..

xxx

"પપ્પા મને પલ્લવી બહુ ગમે છે. હું એની સાથે લગ્ન કરવા માંગુ છું." પરાગે લગભગ 15 દિવસ પહેલા ઘરમાં બૉમ્બ ફોડતો હોય એમ કહ્યું હતું.

"આ પલ્લવી એટલે કોણ" ધર્મિષ્ઠાએ પૂછ્યું.

"ઓલ આપણા એકાઉન્ટન્ટ હતાને બળવંત ભાઈ એ રિટાયર્ડ થયા પછી આવક કઈ હતી નહીં. એટલે રહેમરાહે એની દીકરીને આપણી ઓફિસમાં એકાઉન્ટમાં કામ આપ્યું છે. CAનું ભણી રહી છે." ધનવંતરાયે કંઈક અકળાઈને જવાબ આપ્યો અને ઉમેર્યું."એટલે જ આપણા કુંવર હમણાં હમણાં રોજ ફેક્ટરીએ આવે છે જેથી સાંજે પલ્લવીને પોતે મૂકી આવે. ડ્રાઇવર બની ગયો છે હમણાં 2 મહિનાથી."

"પણ એ તો આપણા નાતીલા છે. અને પલ્લવી બહુ ડાહી અને ગુણિયલ છોકરી છે. વાંધો શું છે એમાં? ધર્મિષ્ઠાએ પૂછ્યું

હવે ધનવંતરાય મુંઝાયા કહી ન શક્યા કે એ લોકો ગરીબ છે. એટલે કહ્યું "મારા એક મિત્રની દીકરી મેં પરાગ માટે ધ્યાનમાં રાખી છે બહુ પૈસાવાળા છે એ લોકો."

xxx

“પપ્પાજી હું આજે થોડી વહેલી ઘરે જાઉં?” પલ્લવીએ પૂછ્યું. અને ધનવંતરાય વર્તમાનમાં પાછા આવ્યા. "અડધા દિવસનો પગાર કાપી નાખીશ." એમણે ગુસ્સો કરતા કહ્યું.

"ભલે" બોલીને પલ્લવી એમની કેબિનમાંથી નીકળી ગઈ. આમેય કાલથી દિવાળીની 6 દિવસની રજા હતી. ધનવંતરાય પણ ઉઠ્યા. અને પોતાના ઘરે ગયા. આજે એ વહેલા આવ્યા હતા. ઘરમાં કામવાળીને લઈને ધર્મિષ્ઠા સાફ સફાઈ કરતી હતી. "બળ્યું આ હવે પરાગના લગ્ન થાય તો સારું મને થોડો આ બધા કામથી આરામ મળે" ધનવંતરાયને ચાનો કપ આપતા એણે કહ્યું. ચા પીને પછી ધનવંતરાયએની માંની રૂમમાં ગયા. માં ટીવીમાં કોઈ ધાર્મિક સિરિયલ જોતા હતા. "આવ ધનિયા બઉ દિવસે તને ટાઈમ મળ્યો મારી પાહે આવવાનો"

"હા માં થોડું કામ વધી ગયું છે. એટલે."

"હવે અઠવાડિયું દિવાળીની રજાવું છે ને?'

"હા પણ કાલે વિદેશથી થોડા ઘરાક આવવાના છે એને મળવાનું છે. એટલે કાલે આખો દિવસ બહાર જવું પડશે."

"તો પરાગ્યા ને મોકલી દે.'"

"માડી શું કહું તમને એ તો પ્રેમમાં પડ્યો છે ઓલા બળવંત ભાઈની પલ્લવીના"

"તો પયણાવી દે એટલે વાતનો પાર આવે" માં એ સહજ ભાવે કહ્યું.

"પણ" ધનવંતરાય કંઈક બોલવા જતા હતા એને રોકી માંએ પૂછ્યું "પણ એટલે વાંધો શું છે એ છોડીને મે ય જોય છે ભણેલી છે ને હજી કંઈક ભણે છે. ઘરરખ્ખુ છે. હોશિયાર છે."

"પણ માડી એ ગરીબ છે" આખરે ધનવંતરાયના મગજમાં જે વાત ચાલતી હતી એ બહાર આવી જ ગઈ.

"આ રૂપિયાને તું બટકા ભરજે. હું જાઉં છું ધર્મિષ્ઠાને લઈને એના પિયર. પણ પહેલા એક વાતનો જવાબ દે પ્રેમજી શેઠે આવું વિચાર્યું હોત તો અત્યારે તું ક્યાંક મહિને 10-12 હજારની નોકરી કરતો હોત. ઈ વાત સાચી કે ખોટી બોલ?" ધર્મિષ્ઠા બા માટે ચા નાસ્તો લઈને આવી હતી એ બારણે ઉભા ઉભા બધું સાંભળતી હતી. ધનવંતરાય બને સામે જોઈ રહ્યો. માં પલંગ પરથી ઉતરી અને ધર્મિષ્ઠાને કહ્યું "ચાલ, મયંક આપણને થોડા દિવસ સાચવશેને?

"હા બા ચાલો. અને મને આજે પસ્તાવો થાય છે કે મેં મારા બાપુને મારા લગ્નની હા કેમ પાડી તી એનો. હાલો"

"ઉભા રહો. એ છોકરી ભડકાવે છે પરાગને, તમે સમજો એ આપણા ઘરને બરબાદ કરી દેશે. જે દિથી પરાગે એના પ્રેમમાં છું એવું ઘરમાં કહ્યું તે દિવસથી એ ઓફિસમાં પણ જયારે બીજો કોઈ સ્ટાફ ન હોય ત્યારે શેઠજીની જગ્યાએ પપ્પાજી જ કહે છે. "

"કઈ રીતેઆપણા ઘરને બરબાદ કરી દેશે? સમજાવો મને." ધર્મિષ્ઠાએ પૂછ્યું ને ઉમેર્યું.'પરાગ 2-3 મહિનાથી ફેક્ટરીએ આવતો થયો છે. ભલે થોડું તો થોડું ધંધામાં ધ્યાન તો દે છે. એ એને કારણે, અને હમણાં 2 મહિના પહેલા તમે જ કહેતા હતાને કે પલ્લવીએ કંઈક નવી જાતના કાગળ (ટેન્ડર) મંગાવીને 12 લાખનો ફાયદો કરાવ્યો ભૂલી ગયા"

"પણ મેં 2 દિવસ પહેલા પરાગને કહ્યું હતું કાલેની મિટિંગ માટે અને એ હજી ઓલી હારે ક્યાંક બહાર રખડે છે. મિટિંગની તૈયારી ન કરવી જોઈએ?"

"તો પરાગ ને ફોન કરીને કહો આવી જાય"

"મેં એને ફોન કર્યો હતો પણ ફોન બંધ આવે છે નક્કી એને પલ્લવી ક્યાંક રખડવા ગયા હશે."

"ઉભા રહો હું પલ્લવીને પૂછું છું." કહીને ધર્મિષ્ઠાએ પલ્લવીને ફોન લગાવ્યો. અને પૂછ્યું "પરાગ ક્યાં છે? સાચું કહે જે"

"અમે 'કોફી હાઉસમાં છીએ. કાલની મિટિંગ માટે થોડા પ્રોજેક્ટ બનાવીએ છીએ લગભગ 2 કલાક કામ ચાલશે. એના ફોનની બેટરી ઉતરી ગઈ છે. લો વાત કરો" કહીને પલ્લવીએ પરાગને ફોન આપ્યો. સ્પીકરમાં ધનવંતરાયે આખો સંવાદ સાંભળ્યો એના મગજમાં ચાલતી શંકા કુશંકા ટળી ગઈ હતી. ‘આ છોકરી મારા દીકરાને એના મામા જેવો નહીં થવા દે.’ એ ખાતરી એમને થઈ ગઈ હતી. "માં ના એ શબ્દો એમને યાદ આવી ગયા “દીકરા આવતી લક્ષમીને વધાવવાની જ હોય.' એમણે કહ્યું. "બેટા પલ્લવી બળવંત ભાઈ ઘરે છે? અમારે કાલે ધનતેરસના દિવસે લક્ષ્મી જોઈએ છે. તો તારો હાથ માંગવા આવવું છે."