Lagn na 7 varsh pachhi. books and stories free download online pdf in Gujarati

લગ્નના સાત વર્ષ પછી..

(વાચક મિત્રો, બહુ લાંબા સમય પછી ફરી એકવાર તમારી સમક્ષ એક ટૂંકી વાર્તા લઇને હાજર થયો છું. સખીની શિખામણ અને પતિના પરિવર્તનમાં અટવાયેલા એક સ્ત્રીના મનોમંથનની કથા એટલે લગ્નના સાત વર્ષ પછી.. પહેલી વખત ક્રાઇમ થ્રીલર થી કઈક અલગ લખવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે આ વાર્તા આપને કેવી લાગી એ કોમેન્ટ માં જણાવશો. બીજું ઘણા બધા વાચકો ફોન વોટ્સએપ અને ઈમેઈલથી પૂછે છે કે તલાશ -2 પછી આટલો લાંબો ગેપ કેમ? તો એનો જવાબ એ છે કે છેલ્લા 2-3 મહિનાથી ગડમથલમાં છું. કે તલાશ 3 ચાલુ કરું કે પછી એક તદ્દન નવી સામાજિક થ્રિલર? તો આ અંગે પણ જણાવશો તો નવી નવલકથા બહુ ટૂંક સમયમાં આપણી સમક્ષ લઇ ને હાજર થઈશ. આપનો પ્રેમ હંમેશની માફક મળતો રહેશે એ આશા...) 

લગ્નના સાત વર્ષ પછી..

 પતિદેવ ઓફિસે જવા નીચે ઉતર્યા કે તરત જ હું માળાની ગેલેરી (પેસેજ, કઠેડો)માં આવી. 'અરે પંખીનો માળો નહિ ઓલા ગુજરાતી સાપ્તાહિકમાં હસવાનો લેખ આવે છે ને દર અઠવાડિયે, કંઈક "…કોઈક ભાઈ ના ચશ્માં.". મૂઈ હું ભૂલી ગઈ, કંઈક સારું નામ છે. પાછું વાંચીને જણાવીશ. હા તો એમાં જે માળાની વાત આવે છે એવો માળો.'

અમારી રૂમ 3જે માળે. (હા ભઈ બીજે માળે બસ. આ તમે મુંબઈ વાળા ભોંયતળિયાને ગણતા નથી એનું શું કારણ?) ખેર એ જે હોય તે મેં નીચે નજર કરી તો તમારા ભાઈ. (હા હવે ખબર છે મને, મુંબઈમાં હવે બધી સ્ત્રીઓ પોતાના પતિને "તમારા ભાઈ કહીને નહીં નામથી બોલાવે છે. એમ હું કઈ સાવ ગામડીયણ નથી એતો 7 વર્ષ પહેલા લગ્ન નોતા થયા તયે ગામડે રેતી તી). સુરેશ, (રાજી હવે) પોતાની નવી ખરીદેલ મોટર સાઇકલ (બાઈક)ને ગાભાથી સાફ કરી રહ્યો હતો.ને એક નજર કઠેડા તરફ ફેંકી અને મારી સામે સ્મિત કર્યું અને મેં ય 1986ની આધુનિક સ્ત્રી બનીને એની સામે સ્મિત કર્યું અને "બાય" કહ્યું. એણે મોટરસાયકલ ચાલુ કરી ચકચકિત નવી મોટર સાઈકલની ઘરઘરાટીથી 3ણે માળના (હા હું ધરાર 3ણ માળ જ કહીશ.) કેટલાક રહેવાસીનું ધ્યાન ખેંચાયું. અને 2-3 પડોશણો મારા હીરોને અને એની બાઈકને જોવા લાગી. (સા નફ્ફટ, એના ઘરમાં પતિ કે બાપ કે ભાઈ નથી શું? મારા વર માથે નજર બગાડે છે.) ખાસ તો ઓલી ચંદ્રિકા હું હ ..એનીતો ખબર લેવી જ પડશે. પણ ઉભા રો. હમણાં પાણી વયું જાશે. પછી તમને એ ચંદ્રિકાનો ઇતિહાસ કહું.


xxx



"હા તો હું શું કહેતી તી? ઓલી ચંદ્રિકા... અરે વાલા મૂઈ.  હું ય ખરી છું પહેલા હું તમને મારી તો ઓળખાણ દઈ દવ, હું સરોજ ગણાત્રા, એટલે કે લગ્ન પહેલા સરોજ ઠક્કર હતી. હવે આધુનિક મુંબઈની રીત પ્રમાણે મિસિસ સરોજ સુરેશ ગણાત્રા. માન્યું કે મારો જન્મ પોરબંદરની બાજુમાં રાતીયા ગામે થયો હતો અને 20 વર્ષ સુધી હું ત્યાં જ રહી છું. પણ દેખાવે ઠીકઠાક છું અમારા એ તો હમેશા કહે કે હું હિરોઈન જેવી દેખાવ છું. એમ તો સાવ ગામડીયણ નથી. મોટી બેનને ઘેર પારડી 2-3 વાર રોકાવા ગઈતી. પારડી થોડું મોટું ગામ અને એમાંય જીજાજીની ગણના ગામના મોટા વેપારી તરીકે. ઠીક ઠીક રૂપિયાવાળા ય ખરા. મોટી બહેનના લગ્ન થયા ત્યારે હું માંડ 11 વર્ષની હતી. સાત વર્ષ પહેલા અહીં મુંબઈમાં લગ્ન કરીને આવી મારા સાસુ સસરા તો વર્ષો પહેલા દેવ થઈ ગયા છે ને સુરેશની સંભાળ એના મામાએ રાખી. એને ભણાવી ગણાવી બેન્કની નોકરીએ લાગ્યો અને આ રૂમ લીધી ત્યાં સુધી. હવે મામા મામી લંડનમાં એના દીકરા સાથે રહે છે.  અ રે રે હું મારો ઇતિહાસ ક્યાં તમને ભણાવવા મંડી. આપણે વાત ચંદ્રિકાની કરતા તા. આ ચંદ્રિકા એટલે અમારા માળામાં હમણાં એકાદ વર્ષ પહેલા જ રહેવા આવી છે. એનો વર મુકેશ કૈક ફિલ્મ લાઈનમાં મેકઅપ આર્ટિસ્ટ છે. અને આ ચંદ્રિકા ઘરેજ છોકરાવને ડાન્સ શીખવાડે છે. દેખાવેય ઠીક ઠાક છે. અને એ વાંદરી જયે ને તયે સાંજે સુરેશ બેન્કમાંથી ઘરે આવે એટલે કંઈકને કંઈક બહાનું લઈને મારે ઘેર હાજર થઈ જાય "સુરેશ ભાઈ આ શું છે?” ને “આ ટેલિવિઝનમાં જાહેરાત આવે એ વસ્તુ ક્યાં મળે?”, “તમારી બેંકના મારા ખાતામાં મારા આટલા રૂપિયા નાખી દેજો - ઉપાડી દે જો.” (એનું એજ બેન્કની ઈ જ બ્રાન્ચમાં ખાતું છે જ્યાં સુરેશ આસિસ્ટન્ટ મેનેજર છે.) એ લટકાળી રોજ મારા વર પાસે આવીને લટકા કરતી રે, ને અમારા ઈ સાવ ભોળા. મદારીની મોરલી ફરેને એની વાંહે નાગ ડોલે એમ એની બધી વાતમાં ‘હા ચંદ્રિકા બેન હા હું કરી દઈશ.' કરતા રયે. પેલા ઈ એવા નોતા એમ તો આજુ બાજુ વાળા ઘણા પાડોશીઓ એક બીજાના ઘરે આવીને હકથી એક બીજાને કામ સોંપતા હોય. પણ 2-3 વર્ષ પહેલા ક્યારેક કોઈ પાડોશણ આવું કઈ કામ સોંપતી તો એ ચોખ્ખું કહી દેતા 'બેન એક કામ કરો સરોજને તમારી પાસબુક ને રૂપિયા કઢાવવાની સ્લીપ સાઈન કરી ને આપી દો.' બાજુવાળા મોહન કાકા બીમાર હતા ને એનો દીકરો બહારગામ હતો તો એની ઘરવાળી ઘણીવાર દવા કે ફ્રુટ લાવી આપવાનું કામ કહેતી તો એની સામે જોયા વગર ચૂપચાપ કરી દેતા. પણ...
xxx
'પણ અને આમેય....ઓલી જોશનાડી સાચું જ કે તી તી. 'અરે જોશનાને ન ઓળખી. મારી ખાસ બેનપણી. એ ય મારી જેમ મુંબઈમાં સાસરે છે. એના વરની નાનકડી દુકાન છે. અમારા માળાની બાજુ માં અને બાજુના જ બિલ્ડિંગમાં રહે છે.' એ કેતી કે, "સરજુડી તું તો બાપડી સાવ ભોળી છે, તારા લગ્નને 6 -7 વર્ષ થઇ ગયા છે. ને એમાં પાછું કોઈ છોકરું નથી. તો સંભાળજે. પુરુષો તો ભમરા જેવા હોય. ને એમાંય પરણેલા પુરુષ ને લગ્નના 5-6 વર્ષમાં પોતાની પત્નીમાંથી રસ ઉડી જાય છે. પાછી તું તો ન છોરવી. ક્યારે સુરેશ કુમાર તારા હાથમાંથી છટકી જશે તને ખબરેય નહિ પડે." હવે એમાંઆ નખરાળી, ફિલ્મી, ચંદ્રિકા મારા માળામાં રહેવા આવી ત્યારથી માત્ર સુરેશના જ નહિ માળાના બધા પુરુષોના દીદાર ફરી ગયા છે. 'અરે બધા ફુલફટાક થઈને ફરતા થઈ ગયા છે. પહેલા માત્ર લેંઘો કે લૂંગીને બનિયાન પહેરીને સાંજે આંટા મારતાને રાતે પાન માવો ખાવા જનારા બધા હવે ટૂંકી ચડિયું (બરમુડા) પહેરીને ફરે છે. ને છેલ્લા 8-10 મહિનાથી મેં નોંધ્યું છે કે સુરેશ પણ મારી સામે જ કોક બીજી બાયુંના વખાણ કરતો થઇ ગયો છે. પાછા અમારા આ બઉ રોમેન્ટિક છે. જયે ને તયે મને વળગી પડતા હોય કઈ લાજ શરમ જેવું છે કે નય. એ જ સમજાતું નથી. લે તે દી અમે શોપિંગ કરવા ભુલેશ્વર ગયાતા ને પાણીપુરી ખાવા ઉભાતા ત્યાં 2 આધુનિકતાની અવતાર જેવી છોડ્યું પેન્ટ શર્ટ પહેરીને પાણીપુરી ખાવા આવી તી એની સામે ટગર ટગર જોતો ઉભી ગયો તો. ને ઓલે દી એવરત જીવરતનું જાગરણ હતું એટલે માળાની અગાસીમાં વિડીયો પ્લેયર ભાડેથી લાવીને પિક્ચર જોવાનું બધા એ નક્કી કરેલું તો એમાં ધરાર ઓલી ચંદ્રિકાના વરની પાસે એણે હિંમતવાલાની કેસેટ મગાવેલી. ખાસ શ્રીદેવી ને જોવા જ. મને બધું સમજાય છે, હું કઈ મૂર્ખ નથી. એની ચકળવકળ થતી આંખોથી જ સમજાય જાય છે મને.કે આ ભમરાને નવા નવા ફૂલની વાહે ઉડવું છે. મારી તો કઈ પડી જ નથી. પણ ઓલી ચંદ્રિકાને તો હું એક મિનિટમાં ફુટાડી દઈશ. પોરબંદરનું પાણી મેં પીધું છે. પણ મારી ચિંતા બીજી જ છે.  
xxx
વાત એમ છે કે મારી બેનની દીકરી જલ્પા અહીં આવવાની છે. એનું 10 ધોરણ પત્યુંને વેકેશન છે એટલે.અને જીજાજીનું ને મોટીનું મન છે કે એને રાજકોટ ભણવા હોસ્ટેલમાં મુકવી. તો થોડા દી અહીં મુંબઈમાં રહી ને મોટા શેર ની થોડી રીતભાત ને ઓળખે. હવે એ જુવાન થતી દીકરી મારા ઘરમાં રહે ને આ મારો ભમરો કંઈ આડુંઅવળું... બાપ રે મને તો બઉ બીક લાગે છે. કેમ કે જે દીથી સુરેશને ખબર પડી છે કે જલ્પા આવવાની છે તે દી થી રોજ પ્લાન બનાવ્યા કરે છે કે એને હોટેલમાં લઇ જાશું સિનેમા દેખડસુ. અરે મુકેશભાઈને કહીને શુટીંગ જોવા જવાનોય પ્લાન બનાવ્યો છે. હવે મોટી બેનની દીકરી એટલે મારીય દીકરી જ છે. આજે ગુરુવાર થયો ને રવિવારે સવારે તો ઈ કોઈકના સંગાથે આવે છે. શું થશે? બાપરે મારી તો રાતની ય નીંદર ઉડી ગઈ છે.
xxx

"માસી " કોયલના ટહુકા જેવા અવાજે મારુ ને સુરેશનું ધ્યાનએ અવાજ બાજુ ખેંચ્યું. જોયું તો જલ્પા સમાન ઉતારીને જીજાજીના પાડોશી કરશન કાકા હારે ઊભી તી. અમે ત્યાં ગયા ને કરશન કાકાને, 'જે શ્રી કૃષ્ણ' કર્યા.ને સુરેશે જલ્પાને સહીસલામત લાવવા માટે એનો આભાર માન્યો. ઘરે ચાનાસ્તો કરવા આવવા આગ્રહ કર્યો પણ એને એના વેવાઈ ને મળવા ઘાટકોપર જવું તું. એટલે બોરીવલીથી હજી દાદર ને પછી ટ્રેન બદલીને જવાય મોડું થતું તું એટલે એમણે ના પાડી. જલ્પા મને "માસી" કરી ને વળગી પડી. અને બીજી જ મિનિટે મને મૂકી ને "માસા" કરતી સુરેશને વળગી પડી.

"વા જલ્પા તું તો મોટી થઈ ગઈ હો અને કેવી રૂપાળી લાગે છે જાણે કોઈ ફિલ્મની હિરોઈન હો એવી." સુરેશે કહ્યું અને મારા હૈયે શેરડો પડ્યો.

" તે લાગુ જ ને ભાણેજ કોની છું. મારી સરોજમાસીની. તે એના જેવી જ મસ્ત, હિરોઈનજ દેખાવને."

" હવે આ તમારું હિરોઈન પુરાણ બંધ કરો ને જલ્દી રીક્ષા બોલાવો એટલે ઘર ભેળા થઇ એ" મેં ગુસ્સાથી કહ્યું ને સુરેશ રીક્ષા બોલાવવા દોડ્યો.
xxx

જેવી રીક્ષા 'લક્ષ્મી સદન' ના ગેટ પર ઉભી રહી કે આખાય માળામાંથી બધા કઠેડામાં આવી ગયા. (કઈ કામ ધંધો જ નથી જાણે.) ને ઓલી ચાંપલી ચંદ્રિકાએ તો 2જ માળેથી જ પૂછી લીધું. "સરોજ બેન મે’માન આવ્યા છે?"

"હા મારી બેનની દીકરી છે. વેકેશનમાં આવી છે." કટાણું મોઢું કરતા મેં કહ્યું અને દાદરા ચડવા મંડ્યા. જેવું તાળું ખોલ્યું કે એ નખરાળી અપમાન ગળીને મારા બારણે પહોંચી ગઈ અને જલ્પાને પૂછ્યું."શું નામ બેટા તારું?"
"મારુ નામ જલ્પા છે. આંટી "
"અરે વા. ને મારું નામ ચંદ્રિકા આંટી. આ તારી સરોજ આંટીની ખાસ બહેનપણી."
"પણ એ મારા આંટી નથી માસી છે." જલ્પા એ કહ્યું અને હું ને સુરેશ બેઉ જોઈ રહ્યા.
"હવે આંટી ને માસીમાં શું ફરક? બેટા માસીને અંગ્રેજીમાં આંટી જ કહેવાય." ચંદ્રિકાને થયું કે આ ગામડાની છોકરીને હું અંગ્રેજી શીખવું .પણ એ એની ભૂલ હતી કેમ કે તરત જ જલ્પાએ કહ્યું. "ના આંટી, માસીને આંટી ન જ કહેવાય કેમ કે આંટી અને માસીમાં ફરક છે."
"લો બોલો તો મનેય ખબર ન હતી. શું ફરક છે સમજાવ જરા.', કહી ચંદ્રિકાએ હોલના સોફામાં બેઠક જમાવી જોકે એમાં કઈ અજુગતું ન હતું (મેં પહેલા કહ્યું એમ માળાના રહેવાસીઓ એકબીજાના ઘરે બિન્દાસ્ત ગમે ત્યારે જઈ આવી શકે.એક બીજાના છોકરાને હકથી ખીજાય કે સમજાવી શકે.) બીજા એક બે પાડોશીઓ પણ કોણ આવ્યું છે એ જોવા આવી પહોંચ્યા હતા.
"જુઓ આંટી, માસી એટલેકે માં સી અહીં સી હિન્દીના કમ્પૅરિઝમમાં વપરાય છે એ ગણવાનો એટલે કે માં જેવી જે સ્ત્રી હોય એ માસી." પોતાની ઉંમરથી પાકટ જ્ઞાન આપતા જલ્પાએ કહ્યું.
મેં મનોમન વિચાર્યું કે તો પછી મા સા એટલે....
"વાહ બેટા બહુ ડાહી વાતો કરે છે ને કઈ. કઈ નહિ તું ફટાફટ ફ્રેશ થઈને જો સામે જ મારી રૂમ છે ત્યાં આવ. મારા ડાન્સ ક્લાસ હમણાં શરૂ થશે. એટલે તને ડાન્સ પણ સીખવીસ અને માળાના બધા બાળકો સાથે તારી દોસ્તી એ કરાવી આપીશ."  
xxx
2-3 દિવસ પસાર થયા હશે. હવે જલ્પા માળામાં બધા સાથે ભળી ગઈ હતી આખો દી એની ઉંમરના છોકરાવ સાથે અવનવી રમતો કેરમ, સાત તાળી, લૂકા છુપી રમવામાં દિવસ પસાર થતો સાંજે જમ્યા પછી ક્યારેક પાના કે ક્યારેક વેપાર મંડાતો. વડીલો પણ એમાં જોડાતા. એકાદ બે વડીલો સાથે રમીને એ ચેસ પણ રમતા શીખી હતી. ટૂંકમાં મારા મનમાં રહેલો સુરેશની ચકળવકળ નજરનો ભય જરા ઓછો થયો હતો. સુરેશે આજે રજા લીધી હતી કેમ કે એણે અને બીજા 2-3 પુરુષોએ આજે બધા બાળકોને જુહુ ચોપાટી ફરવા લઇ જવાની જવાબદારી લીધી હતી આમ તો કાંદીવલી ઇસ્ટમાંથી વેસ્ટ માં જઈએ તો સીધી બસ મળે. પણ માળાના એક નિવૃત શિક્ષક એવા ધીરુભાઈ એ એમની ઓળખાણથી એક સ્કૂલ બસની વ્યવસ્થા ગોઠવી હતી. એટલે 3 વાગ્યા સુધીમાં નિરાંતે બધું કામ આટોપવાનું હતું. હું કપડાં અગાસી પર ગઈ. (હા ભઈ ટેરેસ બસ) અહીં બધા માળાના બધા ટેરેસ માળામાં રહેનારા માટે 24 કલાક ખુલ્લા જ રહે છે કોઈ તાળું નથી મારતું. આમેય એમાં ચોરાઈ એવું હોય શું? એક પાણીનો મોટો ટાંકો જેમાંથી બધાના ઘરે પાણી આવે ને બીજું અમારા જેવા જેના ઘરમાં ટીવી હોય એના એન્ટિના. ખેર હું કપડાં સૂકવીને ઘરમાં ગઈ હોલ ખાલી હતો અને બેડરૂમમાં કંઈક હલચલ દેખાઈ. (હોલમાં પાર્ટીશન લગાવીને હોલની 2 દિવાલના સહારે બનાવેલ અલાયદી જગ્યા. અમે એમાં ડબલ દરવાજા નખાવેલાં. હોલમાં જવાનું અને ડાયરેક્ટ કિચનમાં પણ જઈ શકાય એવું.) આ સુરેશ ક્યાં હશે વિચરતા મેં બેડરૂમમાં પ્રવેશ કર્યો અને જોયું તો સુરેશ જલ્પાએ 2 દિવસ પહેલા પહેર્યું હતું એ ફ્રોક હાથમાં લઈને ઉભો હતો એની પીઠ બેડરૂમના પ્રવેશદ્વાર બાજુ હતી. એ પોતાના બંને હાથમાં ફ્રોક લઈને કંઈક વિચારતો ઉભો હતો. "શું કરે છે સુરેશ?" મેં ત્રાડ પાડતા પૂછ્યું. અચાનક આ રાડ સાંભળીને એ ચોંક્યો અને પાછળ ફરીને જોયું. ફ્રોક હજી એના હાથમાં જ હતું. મને જોઈને એ હળવું હસ્યો અને ફ્રોક પલંગ પર મૂકીને મને આલિંગનમાં ભરતા એણે કહ્યું. "સરજુ, માંડ રોમાન્સ કરવાનો મોકો મળ્યો છે. જલ્પા છોકરાવ સાથે કેરમ રમે છે. કલાક પહેલા નહિ આવે. તું બારણું બંધ કરીને આવ. આ ત્રણ દિવસથી મને હોલમાં સૂવું પડે છે. તારી સાથે પ્રેમ ભરી વાત કરવાનો મોકો પણ મળતો નથી."
"સા .. વાસના ભૂખ્યો" મનમાં બબડીને મેં એને ધક્કો મારતાં કહ્યું "મારે હજી રસોઈ કરવાની છે ને સાંજના બધા માટે (20-22 જણા) ભેળ બનાવવાની છે એની ચટણી પણ બનાવવાની છે. અને મેં તારી પાસે કોથમીર મરચા ખજૂર આંબલી મગાવ્યા હતા એ ક્યાં? ને હા જલ્પાનું ફ્રોક હાથમાં લઈને અહીં શું ઉભો છે? મારા આ પ્રશ્નથી એ જરા હેબતાઈ ગયો. અને "કઈ નહિ અમસ્તું. અને તે મંગાવ્યો એ સામાન મેં કિચનમાં મૂકી દીધો છે. કઈ નહીં હું હોલમાં બેસું છું જરા મને ચા પીવડાવ"
"ચા ની એટલી તલબ હોય તો ઓલી ચંદ્રિકાને ઘરે જઈને પી લે. કે નીચે રેંકડી એ જઈને પી લે. મારે ઘણા કામ છે. અને તને 2 દિવસ પહેલા પણ કહ્યું હતું અને આજે છેલ્લી વાર કહું છું જ્યાં સુધી જલ્પા અહીં છે તું બેડરૂમમાં ઘૂસતો નહિ." મેં કંઈક ગુસ્સાથી કહ્યું. એનું મોઢું પડી ગયું અને મારા શરીર પરની એની પકડ ઢીલી થઈ ગઈ. 'ઓલી જોશના સાચું જ કહેતી હતી કે 'આવા ભમરાઓ જયારે પકડાઈ જાય ત્યારે પોતાને નિર્દોષ સાબિત કરવા તમારા તરફ અચાનક જ વધુ પ્રેમ દર્શવે છે.'
xxx
.... હવે આવતી કાલે શનિવાર છે. જુહુ ફરી આવ્યા એને 2 દિવસ થયા છે. અમારા સુરેશજી કંઈક ગભરાયેલ રહે છે. મારી હાજરીમાં જલ્પા સાથે વાત કરવામાં એકદમ કાળજી રાખે છે. ઓલી ચંદ્રિકાનેય ખપ પૂરતો જ જવાબ આપે છે. કાલે મુકેશભાઈની ઓળખાણથી શુટિંગ જોવા જવાનું છે. ગોવિંદાની કોઈ ફિલ્મનું શૂટિંગ છે.
"માસી હું કાલે શું પહેરું?" સાંજ પડ્યે ઘરમાં આવેલી જલ્પાએ મને પૂછ્યું. આખો દિવસ ગેમ રમીને થાકેલી એટલે ફ્રેશ થવા એ અર્ધ કલાકથી ઘરમાં જ હતી. સુરેશને આજે બેન્કમાંથી આવતા કંઈક મોડું થયું હતું.
"હવે પહેરી લે જે ને કોઈ પણ ફ્રોક. આમેય જીજાજી એ હમણાં જ તો તને બહુ બધા ફ્રોક લાવી આપ્યા છે." એટલામાં સુરેશ નોકરી પરથી ઘરમાં પ્રવેશ્યો એના હાથમાં એક રૂપકડું પેકીંગ કરેલું બોક્સ હતું.
"મારી જલ્પા એમ સાવ જેવું તેવું કઈ નહિ પહેરે શૂટિંગ જોવા જવામાં સમજી સરોજ. આ જો જલ્પા તારા માટે હું શું લાવ્યો છું." કહી એણે જલ્પા તરફ પેકેટ લંબાવ્યું
"વા માસા.આ તો મારા ફેવરિટ કલર અને ડિઝાઇન વાળું ફ્રોક છે. મને મારા પપ્પા અને મમી રાજકોટમાં પિક્ચર જોવા લઇ ગયા હતા. 'મેરી જંગ.' એમાં મીનાક્ષીએ પહેર્યું હતું એવું જ મેં જીદ કરેલી અને પપ્પાએ રાજકોટમાં બહુ દુકાનોમાં શોધ્યુ પણ મળ્યું ન હતું. મારે આ જ જોઈતું હતું. થેંક્યુ માસા" કરતા એ એને વળગી પડી. એની પીઠ મારી સામે હતી અને સુરેશનું મોં પણ. એણે મારી નજરમાં ગુસ્સો જોયો હળવેકથી જલ્પાને અળગી કરતા કહ્યું. "અરે મારી જલ્પાને જોઈતું હોય અને હું ન લઇ આવું? છેક દાદર થી લઇ આવ્યો તારા માટે."
“તમે ફ્રેશ થઇ જાવ હું તમારા માટે ચા મુકું છું. ચલ જલ્પા મને મદદ કર થોડી." કહેતા મેં જલ્પાનો હાથ પકડ્યો અને એને કિચનમાં લઇ ગઈ. સુરેશ મારી સામે ઘૂરતો રહ્યો.
xxx   

"બાપ રે થાકીને ઠુંશ થઈ ગયા." કહેતા મે તાળું ખોલ્યું અને અમે બધા ઘરમાં પ્રવેશ્યા. હું સીધી બાથરુમમાં ન્હાવા ઘુસી. સવારે લગભગ આખો માળો શૂટિંગ જોવા છોટા કાશ્મીર, આરે કોલોનીમાં ગયો હતો. પણ 6 વાગ્યે શૂટિંગમાંથી બહાર નીકળ્યા પછી નેશલે કમ્પાઉન્ડમાં કંઈક વિજ્ઞાનનું પ્રદર્શન હતું ત્યાં 2-3 કલાક જોયું. ઘણું બધું જાણવાનું મળ્યું. મારી માથે જલ્પા ઉપરાંત માળાના બીજા 3-4 છોકરા ની જવાબદારી હતી. જોકે મુકેશભાઈ અને ચંદ્રિકા પણ સાથે હતા. છેવટે લગભગ 9 વાગ્યે.ગોરેગાંવ થી રીક્ષા પકડીને કાંદિવલી આવ્યા.સુરેશે બધાને કહ્યું કે હોટલમાં જમી ને પછી જ ઘરે જઈએ. (જલ્પા 2-3 દિવસથી કહેતી હતી હોટલમાં જમવા જવાનું.) પણ મુકેશભાઈને સવારે 6 વાગ્યે પાછું શૂટિંગમાં પહોંચવાનું હતું એટલે એ અને ચંદ્રિકા બધા છોકરાંઓ ને લઈને ઘરે ગયા જયારે અમે કાંદિવલી વેસ્ટમાં સુગંધી વિહારમાં જમવા ગયા. નિરાંતે જમીને પછી આઈસ્ક્રીમ ખાઈને અમે માળામાં પહોંચ્યા ત્યારે સાડા અગિયાર વાગ્યા હતા. જલ્પા એ કહ્યું કે એ બહુ થાકી ગઈ છે કહીને માત્ર હાથ પગ ધોઈને ચેન્જ કર્યા વગર જ સૂઈ ગઈ. પછી સુરેશ નહાવા ગયો. મેં પણ મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવી અને એક સુરેશના સુવાના સોફા પાસે રાખી અને બીજી બેડરૂમમાં પલંગ નીચે રાખી. બેડરૂમનો પાંખો ફાસ્ટ કર્યો બારી ખોલી.અને પલંગ પર જલ્પાની બાજુમાં લંબાવ્યું. અને વ્હાલથી એના માથા પર હાથ ફેરવ્યો. એ ઊંઘમાં હતી હું એને તાકી રહી. 'કેટલી મીઠી છોકરી, કેટલી નિર્દોષ કેટલું કુતુહલ છે એની આંખોમાં કેટલાય સ્વપ્નાઓ હશે એના કેટલી જિજ્ઞાસા. અને આ આવી નિર્દોષ મારી દીકરીને ક્યાં ઓલો પારકી બાયુંના જોબનનો દીવાનો સુરેશ. શું ચાલતું હશે એના દિમાગમાં?' મારી નીંદર આમ તો જ્યારથી જલ્પા આવવાની ખબર સાંભળી ત્યારથી જ ઉડી ગઈ હતી. પણ આજનો થાક કંઈક વધુ પડતો હતો. 

xxx 

રસોડામાં કોઈ વાસણ પડવાના અવાજથી મારી ઊંઘ ઉડી ગઈ. "ઓ બાપરે સુરેશને અડધી રાત્રે પાણી પીવા જોઈએ છે ક્યારેક, અને આજે પાણીનો લોટો એમના માટે ભરીને રાખવું હું ભૂલી ગઈ હતી. નક્કી એ પાણી પીવા રસોડામાં ગયો હશે. અચાનક મને લાગ્યું કે રસોડામાંથી બેડરૂમમાં આવવાનું પાર્ટીશન સરક્યું છે અને સુરેશ હળવે પગલે અંદર પ્રવેશ્યો. ઓહ્હ. હું રાડ નાખું કે ગુસ્સો કરું? જોવા દે એ શું કરે છે કરીને મેં ઊંઘતા હોવાનો ડોળ કર્યો. સુરેશ પલંગ પાસે ઉભો રહ્યો અને મેં તીરછી નજરે જોયું તો એ જલ્પાને તાકી રહ્યો હતો, પલંગ પર પડખા ફરવામાં જલ્પાનું ફ્રોક છેક ગોઠણથી કયાય ઉપર સાથળ સુધી આવી ગયું હતું. સુરેશની નજર ત્યાં જ હતી જાણે. અચાનક એ જુક્યો અને એણે હાથ લંબાવ્યો. "સા.. રાક્ષસ” કહેતી હું બેઠી થવાની હતી ત્યાં તીરછી નજરમાં દેખાયું કે સુરેશે હળવેકથી ઊંચું ચડી ગયેલું ફ્રોક ખેંચીને સરખું કર્યું અને ઝૂકીને જલ્પાના કપાળ પર હળવેથી હાથ ફેરવ્યો અને બોલ્યો 'લવ યુ બેટા.' ને મને મારા લગ્ન વખતે મારા બાપુએ વિદાયવેળા મારા માથે ફેરવેલ હાથ યાદ આવી ગયો. ઊંઘમાંય આ સ્નેહાળ સ્પર્શથી જલ્પા મુસ્કુરાઈ. પછી સુરેશ મારી બાજુ આવ્યો મારા કપાળ પર ચુંબન કરતા તદ્દન ધીમા અવાજે બોલ્યો. "સરોજ આઇ લવ યુ." અને પછી હળવે પગલે બેડરૂમથી કિચનમાં થઈને પોતાના સોફા પર લંબાવ્યું. મારી બધી જ ચિંતા દૂર થઈ ગઈ હતી અને આટલા દિવસના અર્ધ ઉજાગરાથી ઘેરાયેલી હું ઘસઘસાટ ઊંઘી ગઈ.

 

બીજા રસપ્રદ વિકલ્પો