બેશરમ NISARG દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેશરમ

કૉલેજ છૂટી. પાંચેક કૉલેજીયન યુવતીઓનું ટોળું હસીમજાક કરતું મેઈન ગેટથી બહાર નીકળ્યું.
"આજે તો કેવાં ભંગાર લેક્ચર હતાં..! મારું તો મગજ બોર થઈ ગયું." એક યુવતી ચિડ વ્યક્ત કરતાં બોલી.
"અરે હાં યાર..! મને તો મગજની નસ ફાટી જાય એવું થાય છે.. માય ફૂટ.. આવાં લેક્ચર તો ભરાય જ નહીં હવે.." બીજી વળી માથું દબાવતાં બોલી.
"એક મિનિટ, એક મિનિટ.." ચરિત્રા બધાંને ઊભાં રાખતાં બોલી, "એક કામ કરીએ.. ચાલો, એક એક કૉફી થઈ જાય..? કમ ઑન ફ્રેન્ડ્ઝ...!" કહેતી તે બધાંને ખેંચીને સામેના એક રેસ્ટોરન્ટમાં લઈ ગઈ.
બધાંએ કૉફી પીતાં પીતાં વળી પાછી લેક્ચર, પ્રોફેસર અને અમૂક યુવકોની મજાકભરી વાતો કરી. વેફર અને બિસ્કિટનો હળવો નાસ્તો પણ કર્યો.
ત્યારબાદ ટોળું સીટી બસસ્ટોપ પર આવીને ઊભું રહ્યું. મસ્તી-મજાક તો હજીય ચાલુ જ હતી. એમનો હો-હલ્લો સાંભળીને આજુબાજુના લોકો પણ એમને જોઈ રહ્યા હતા. પરંતુ એમને એની કંઈ જ પરવા નહોતી.
જેમ જેમ સમય થતો ગયો, તેમ તેમ સૌ પોતપોતાની બસ પકડીને ઘર તરફ રવાના થવા લાગ્યાં. છેલ્લે એક યુવતી બસની રાહ જોતી ત્યાં ઊભી હતી. એ હતી - ચરિત્રા.
* * * * *
ચરિત્રા એક ધનવાન બાપની એકની એક પુત્રી હતી. અઢળક સાહ્યબી અને લાડકોડમાં ઉછરેલી તે સ્વભાવે મનમોજીલી, જીદ્દી, ગુસ્સેલ અને મિત્રો પ્રત્યે ઉદાર હતી.
કૉલેજના પ્રથમ વર્ષમાં આવ્યા બાદ નવી અને જૂની સહેલીઓનું એક ગૃપ બન્યું. ગૃપ પણ મસ્તીખોર, નિડર અને ભલભલાનું પાણી ઉતારી દે તેવું હતું. આખીયે કૉલેજમાં તેમના નામનો ડંકો વાગતો. એમની મજાક-મશ્કરી તો દૂર, પરંતુ સામે જોવાનીયે હિંમત કોઈ યુવક કરી શકતો નહોતો.
દરરોજ કૉલેજ છૂટ્યા પછી ગૃપ પગપાળા ચાલીને સીટી બસસ્ટોપ પર પહોંચતું. વ્હીકલ તમામ પાસે હતાં, પરંતુ આ પણ એક શોખ હતો. વળી બસસ્ટોપ અને કૉલેજ વચ્ચે અડધો એક કિલોમીટરનું જ અંતર હતું. એટલે ચાલતાં ચાલતાં વાતો અને ઠઠ્ઠામશ્કરી કરવાની તેમને ખૂબ જ મજા પડતી.
ચરિત્રાની બસ સૌથી છેલ્લે આવતી. એટલે બધી જ બહેનપણીઓને તે વિદાય આપીને પછી પોતાની બસની રાહ જોતી એકલી બસસ્ટોપ પર ઊભી રહેતી.
* * * * *
આજે પણ ચરિત્રા એકલી ઊભી હતી. સમય એવો હોતો કે પેસેન્જરની સંખ્યા પણ નહીંવત્ રહેતી. ક્યારેક તો તે એકલી જ હોતી.
અચાનક તેની નજર થોડે દૂર ઊભેલા એક પ્રૌઢ વયની વ્યક્તિ પર પડી. તે વ્યક્તિ એની સામે અનિમેષ નજરે જોઈ રહી હતી.
ચરિત્રાએ પોતાની નજર ફેરવી લીધી. થોડીવાર રહીને ફરીથી તેણે એ તરફ જોયું, તો પેલી વ્યક્તિ એ જ નજરથી જોઈ રહી હતી. તેણે થોડા ગુસ્સા સાથે નજર ફેરવી લીધી.
એટલામાં એની બસ આવી. ચરિત્રા બસમાં ચડી ગઈ. બસ ચાલી. કુતૂહલવશ તેણે બારીમાંથી બહાર નજર કરી, તો પેલી વ્યક્તિ હજુપણ પોતાની તરફ જ જોઈ રહી હતી. તે સમસમી ગઈ. અને નજર ફેરવીને સીટમાં બેસી ગઈ.
બીજા દિવસે ફરીથી કૉલેજથી છૂટીને આ ગૃપ બસસ્ટોપ પર આવીને ઊભું રહ્યું. ગૃપની બધી યુવતીઓ પોતપોતાની બસમાં રવાના થઈ ગઈ. બાકી રહી ચરિત્રા. પાંચ-છ બીજાં પેસેન્જર્સ પણ હતાં.
ત્યાં તો ચરિત્રાને ગઈકાલની વાત યાદ આવતાં અનાયાસે જ એ તરફ નજર દોડી ગઈ. જોયું તો એ જ વ્યક્તિ, એ જ નજર, એ જ પરિસ્થિતિ.
"સાલો બૂઢ્ઢો.. માય ફૂટ.." મનમાં બોલતી તેણે નજર ફેરવી લીધી. પછી બસ આવી ત્યાં સુધી એ તરફ જોયું જ નહીં. બસમાં બેસતાં અનાયાસે જ તેનાથી એ તરફ જોવાઈ ગયું. પેલી વ્યક્તિની નજર હજુપણ હટી નહોતી.
આવું સતત ચાર દિવસ ચાલ્યું. ચરિત્રાને ગુસ્સો ખૂબ જ આવતો હતો. પરંતુ એ વ્યક્તિની ઉંમર જોઈને ગુસ્સો વ્યક્ત કરતાં અચકાતી હતી. વળી બીજી કોઈ કનડગત નહોતી. માત્ર જોઈ રહેવાનું કારણ ધરીને ઝઘડો પણ કેમ કરવો..!
કંટાળીને એણે ગૃપમાં આ વાત શેર કરવાનો વિચાર કર્યો. પરંતુ પોતાની મશ્કરી થવાના ડરથી એ વિચાર માંડી વાળ્યો.
* * * * *
આજે રવિવાર હતો. ચરિત્રા ઘરે જ હતી. તેને પેલી વ્યક્તિ યાદ આવતાં ગુસ્સો આવ્યો. "કેવા જડ લોકો પડ્યા છે દુનિયામાં..? કોઈ સારી યુવતી જોઈ નથી કે નજર સળવળી નથી.. પચાસ-પંચાવન વર્ષના ડોસલા પણ એમાંથી બાકાત નથી. કેવી લોલૂપ નજરે જૂએ છે એ બૂઢ્ઢો..! શું એને કોઈ બહેન-દીકરી નહીં હોય ઘરમાં..? "
"શું બબડે છે બેટા.? તારી તબિયત તો ઠીક છે ને.?" તેને મનમાં બબડતી જોઈને તેની મમ્મીએ પૂછ્યું.
"કંઈ નહીં મોમ... જસ્ટ... એમ જ..." કહીને તે પોતાના રૂમમાં જતી રહી.
પલંગમાં આડી પડીને તેણે આંખો બંધ કરી. તો પેલા વ્યક્તિની આંખો તેની નજર આગળ તરવરવા લાગી. તેનું દિમાગ તપી ગયું. અને 'આવતીકાલે વાત.. નજર કેવી રીતે સખણી રખાય, તે શીખવવું જ પડશે એ નોન્ સેન્સને..' એમ નક્કી કરીને ટીવી જોવા લાગી.
* * * * *
આ બાજુ નિત્યક્રમ મુજબ પેલો પ્રૌઢ બસસ્ટોપ પર આવીને ચરિત્રાની રાહ જોવા લાગ્યો. એને ખબર નહોતી કે આજે કૉલેજમાં રજા હોવાથી તે નહીં આવે. એને તો બસ આ યુવતીને જોવાની તાલાવેલી હતી.
કોણ હતો આ માણસ, એ કોઈને ખબર નહોતી. તે અહીંયા પહેલાં ક્યારેય જોવા નહોતો મળ્યો. એક દિવસ તે ક્યાંકથી ચાલતો ચાલતો આ બસસ્ટોપ પર આવી પહોંચ્યો. તેણે ચરિત્રાને જોઈ. અને બસ જોતો જ રહી ગયો.
ત્યાર પછી કોણ જાણે કેમ, તેને ચરિત્રાની એક અજીબ પ્રકારની લગની લાગી ગઈ. અને લગભગ સવારથી જ આ બસસ્ટોપ પર આવીને તે એની રાહ જોવા લાગતો.
ચરિત્રા જ્યારે કૉલેજથી છૂટીને આવતી હોય, ત્યારે દૂરથી જ તે એક જ નજરે તેને જોયા કરતો. તેની સાથે વાત કરવા માટે તે તલપાપડ થઈ જતો. પરંતુ એવું સાહસ તેનામાં નહોતું. વળી ચરિત્રા સુખી કુટુંબની રાજકુમારી જેવી યુવતી, અને પોતે ચિંથરેહાલ, મેલોઘેલો, ઘરડો માણસ. પોતાની સાથે વાત કરવી એ અલ્લડ છોકરીને કદાચ ન પણ ગમે.
સહેલીઓ સાથે હસીને વાત કરતી ચરિત્રાને જોઈને પોતે પણ ખૂબ જ ખુશ થઈ જતો. એ ખુશી એનામાં એટલી ઊભરાઈ આવતી કે ચરિત્રાના કોમળ ગાલ અને લલાટ પર ચુંબન કરીને વ્યક્ત કરવાનું મન થઈ આવતું. પરંતુ એમ કરવું શક્ય ન હોવાથી, બીજી જ ક્ષણે તે નિરાશ થઈ જતો. આમ છતાં આસમાનથી ઉતરેલી પરી જેવી ચરિત્રાને ધરાઈને જોવાનું ચૂકતો નહીં.
આજે ચરિત્રા ન આવી. તેથી તે બેચેન થઈ ગયો. પૂછવું પણ કોને.? આમ છતાં તે આતુર નયને રાહ જોતો રહ્યો. જ્યારે બાજુમાં કોઈના મોંઢેથી "આજે કૉલેજમાં રજા છે, તે કેવી શાંતિ છે નહીં..!" એવી વાત સાંભળી ત્યારે એને ખ્યાલ આવ્યો તે ચરિત્રાનાં દર્શન આજે નહીં થાય.
તેણે મોટો નિ:સાસો નાંખ્યો. ફરિયાદભરી નજરે ઉપર જોયું. અને ભારે હૈયે ત્યાંથી નિકળી ગયો.
* * * * *
બીજે દિવસે ચરિત્રા કૉલેજ ગઈ. રીશેસમાં વાતમાંથી વાત નીકળતાં ચરિત્રાથી પણ બોલાઈ ગયું, "અરે યાર, લાસ્ટ ચાર દિવસથી એક બૂઢ્ઢો સાલો મને લોલૂપ નજરે તાકી રહે છે.. હું તો કંટાળી ગઈ યાર.."
"ઓયહોય.. અમને બધાંને રવાના કરીને મેડમ તો આંખમિચોલી ખેલે છે એમ ને.? વાહ.. ઈશ્ક હૂઆ તો બૂઢ્ઢે સે..?" એક સહેલીએ મજાક કરતાં કહ્યું.
"ઓહ માય ગૉડ..! "એક જણી આશ્ચર્ય વ્યક્ત કરતી હોય તેમ બોલી. "ચરિત્રા.. તું તો છૂપી રૂસ્તમ નીકળી ને કાંઈ.. ચાર દિવસથી ચક્કર ચાલે છે અને મેડમ આજે વાત કરે છે લ્યો બોલો..! કૉલેજમાં કેટલા મરે છે તારા પર, અને તને ઈશ્ક માટે બૂઢ્ઢો જ મળ્યો..?"
"ઈશ્ક.?? માય ફૂટ... આજે તો એની ખેર નથી..." ચરિત્રા ગુસ્સે થઈ.
"કૂલ ડાઉન.. ડીઅર.. લગતા હૈ ઉસ બૂઢ્ઢે કા દિલ હમારી જાનૂ પે આ ગયા હૈ... ચિંતા મત કરો બેબી.. હમ આપકી મદદ કરેંગે.." કહેતી બીજી હસી પડી.
"અરે પણ એ તો ડોસલો છે યાર.. એને વળી આપણી રાજકુમારી સાથે ઈશ્ક થાય..?" ત્રીજીએ આંખ મીંચકારતાં કહ્યું.
"થાય.. કેમ ના થાય ભઈ..? બૂઢ્ઢાઓનો ઈશ્ક તો તમે હજુ જોયો જ નથી યાર.. યુ આર સો લકી ચરિત્રા... કોન્ગ્રેચ્યુલેશન્સ ડીઅર..." એમ કહેતાં એક જણી હાથ મિલાવવા લાગી.
"વ્હોટ નોન્સેન્સ..? જસ્ટ શટ અપ ગાઈઝ.." બધાંની મજાકથી કંટાળીને ઊભી થઈ જતાં ચરિત્રા તાડૂકી. "આજે તો એ નાલાયકને હું છોડવાની જ નથી. તમારે આવવું હોય તો આવજો સાથે , નહીંતર હું એકલી જ કાફી છું.." કહીને તે પગ પછાડતી કેન્ટીનમાંથી બહાર નીકળી ગઈ.
એના ગુસ્સાને પારખી જઈને બાકીનું ગૃપ પણ એની પાછળ ગયું. એને સમજાવીને શાંત પાડી. અને 'કૉલેજ છૂટે ત્યારે આપણે બધાં થઈને એની ખબર લઈ નાંખશું.' એવું નક્કી કરીને બધાં લેક્ચર ભરવા ગયાં.
બપોરે કૉલેજ છૂટી. ગૃપ આજે તૂટી પડવાની તૈયારી સાથે બસસ્ટોપ પર આવ્યું. જોયું તો પેલી વ્યક્તિ નહોતી. તેમણે આસપાસમાં બધે તપાસ કરી, પરંતુ એ ડોસાનો કોઈ જ પતો નહોતો.
'હશે ત્યારે, બલા છૂટી.' એમ વિચારીને સૌએ રાહતનો દમ લીધો. વળી પાછી ચરિત્રાની થોડીક ઉડાવીને પોતપોતાની બસ આવતી ગઈ તેમ તેમ સૌ રવાના થઈ.
છેલ્લે ચરિત્રા વધી. તેણે આસપાસમાં દૂર સુધી નજર દોડાવી. પરંતુ પેલી વ્યક્તિ દેખાઈ જ નહીં. "બચી ગયો સાલો.." એમ બબડીને એણે પણ નિરાંત સાથે પોતાની બસ પકડી.
* * * * *
બન્યું એવું કે બે દિવસ પહેલાં ચરિત્રા પોતાના ગૃપ સાથે બસસ્ટોપ પર ઊભી હતી. એમની વચ્ચે ભાવતી વસ્તુ વિશે ચર્ચા થતી હતી. ચરિત્રાને સુતરફેણી ખૂબ જ પ્રિય હતી. અને એ પણ સુરતની ઑરિજીનલ સુતરફેણી હોય તો જ.
આ વાત પેલા પ્રૌઢના કાને પડી. ત્યારથી તે વિચારતો હતો કે સુતરફેણી એ ચરિત્રાની નજીક પહોંચવાનો સારો ઉપાય છે. તેથી તેણે સુરત જઈને ત્યાંની ઑરિજીનલ સુતરફેણી લાવીને ચરિત્રાને હાથોહાથ આપવાનું મનોમન નક્કી કરી લીધું.
પરંતુ સુરત જવું ક્યારે.? બે દિવસનો સમય તો જોઈએ જ. તો એ બે દિવસ ચરિત્રાને જોવાનું ચૂકી જવાય એ પણ તેને મંજૂર નહોતું. એટલે સુતરફેણી લાવવાનું વિલંબમાં પડ્યું હતું.
રવિવારે તેણે ચરિત્રાની ખૂબ રાહ જોઈ. છેવટે થાકી-હારીને તે બસસ્ટોપ પરથી નિકળ્યો, ત્યારે રસ્તામાં તેને વિચાર આવ્યો કે 'આમ ક્યાં સુધી એને જોતાં રહેવું. આમને આમ તો વાત ક્યારેય નહીં થાય. તો સુતરફેણી જ લઈ આવવા દે. એને સુતરફેણી ખૂબ પસંદ છે. સુરતથી લાવીને મારા હાથોહાથ તેને સુતરફેણી આપું તો તે મારાથી રાજી થઈ જશે. પછી મારી સાથે વાત કરશે. હું મારા હૈયાની વાત તેને જણાવીશ. મારો પ્રેમ વ્યક્ત કરીશ. અને મારી વાત, મારી લાગણી સમજીને તે મને ગળે વળગી પડશે.'
આમ વિચારો કરતાં કરતાં તે ઉત્સાહિત થઈ ગયો. તેના થાકેલા પગમાં જોમ ઊભરાયું. ગજવામાં હાથ નાંખ્યો. પૂરતી રકમ પણ હતી. અને પળનોયે વિલંબ કર્યા વગર તે સુરત જવા માટે બસસ્ટેશન તરફ વળી ગયો.
* * * * *
સવાર પડી. ચરિત્રા કૉલેજ જવા તૈયાર હતી. પેલા બૂઢ્ઢાથી પીછો છૂટવા બદલ તે ખુશ હતી. મમ્મી-પપ્પાને 'બાય' કહીને તે કૉલેજ જવા નીકળી ગઈ.
રોજની જેમ ગૃપ મળ્યું. મજાક-મસ્તી થઈ. 'બૂઢ્ઢા આશિક'ની વાતો પણ થઈ. અને કૉલેજ છૂટતાં ગૃપ હળવાશ અનુભવતું પોતાની મસ્તીમાં મહાલતું બસસ્ટોપ પર આવી પહોંચ્યું.
એનો એ જ હો-હલ્લો, એ જ હસી-મજાકથી ત્યાંનું વાતાવરણ ગાજી ઉઠ્યું. ત્યાં તો અચાનક ચરિત્રાની નજર એક ઝાડ નીચે પડી. અને તે ચમકી. તેનો હસતો ચહેરો ગંભીર થઈ ગયો. અને તે ત્યાં જોઈ જ રહી.
પેલો પ્રૌઢ વળી પાછો આવી પહોંચ્યો હતો. ચરિત્રાને જોઈને એટલો રાજી હતો કે ન પૂછો વાત. આજે તો તેણે ચરિત્રાને 'સ્માઈલ' પણ આપ્યું. અને હાથ હલાવીને 'હાય' પણ કર્યું.
"તારી આ મજાલ..?" કહેતી ચરિત્રા ઉપડી. હાથમાં રહેલું પર્સ અને પુસ્તકો એક સહેલીના હાથમાં પકડાવીને તે પેલા પ્રૌઢ તરફ ધસી.
પોતાના તરફ આવતી ચરિત્રાને જોઈને પ્રૌઢના આનંદનો પાર ન રહ્યો. 'સ્માઈલ' અને 'હાય' ના રિસ્પોન્સ સ્વરૂપે ચરિત્રા સામેથી મળવા આવી રહી હતી. પોતે અત્યાર સુધી આવું સાહસ કેમ ન કર્યું ? એવું વિચારીને તેને પોતાની જાત પર ખીજ ચડી. પરંતુ ચાલો આજે તો કામ થઈ ગયું ને, એમ વિચારીને તેણે મનને મનાવી લીધું. અને પોતાની નજીક આવી રહેલી આ સુંદર 'પરી'ને ગળે લગાડવાના તલસાટ સાથે તે એને જોઈ રહ્યો.
'સટાક્ સટાક્ સટાક્..' કરતી ત્રણ થપ્પડ એના ગાલે પડી. તે 'પરી'ના વિચારોમાંથી બહાર આવે તે પહેલાં તો તેની આંખે અંધારાં આવી ગયાં. પરાણે ઊભો રહેવા તે મથી રહ્યો.
"બેશરમ... નાલાયક.. શું સમજે છે તારા મનમાં..! તારી દીકરી જેટલી ઉંમરની છોકરી સામે નજર બગાડતાં શરમ નથી આવતી તને.? યુ રાસ્કલ... તને તો આજે ખો ના ભૂલાવી દઉં તો શું કહેતો'તો...! સાલા હરામખોર.. લે .. લેતે જા..." કહીને તે ફરીથી મારવા મંડી પડી.
"માર તું તારે ચરિત્રા... બરાબરનો માર... ઊભી રે'.. હું પણ આવું...!" કહીને એક બહેનપણી ધસી. અને પેલા પ્રૌઢ પર તૂટી પડી.
'આ ડોસલો કાયમ ચરિત્રાને હેરાન કરે છે.' એ વાત જાણીને આજુબાજુ ઊભેલા બીજા માણસો પણ તૂટી પડ્યા.
બરાબરની ધુલાઈ થઈ. પ્રૌઢ અધમૂઓ થઈ ગયો. "અલ્યા બસ કરો, નહીંતર મરી જશે.." એમ કહીને બે-ચાર જણા આડા પડ્યા ત્યારે માંડ બધાં જંપ્યાં.
"આજ પછી અહીંયા જોવા મળ્યો છે તો તને જીવતો નહીં છોડું... સમજે છે શું તારા મનમાં..? બેશરમ...!" કહીને ચરિત્રાએ એક લાત મારી. સહેલીઓએ સમજાવીને તેના ગુસ્સાને શાંત પાડ્યો.
* * * * *
થોડીવાર પછી રોજની જેમ બસસ્ટોપ શાંત હતું. ચરિત્રાની બસ હજુ આવી નહોતી. તે એકલી ઊભી બસની રાહ જોઈ રહી હતી. થોડે દૂર પેલો પ્રૌઢ અધમૂઓ થઈને પડ્યો હતો. ચરિત્રાએ એ તરફ જોયું. અને ગુસ્સામાં "માય ફૂટ.. બેશરમ સાલો..." કહીને ગુસ્સાથી નજર ફેરવી લીધી.
થોડો સમય વિત્યો ત્યાં તો "બેટા...!" એવો અવાજ ચરિત્રાના કાને પડ્યો. તેણે ચમકીને પાછળ જોયું તો પેલો "બેશરમ ડોસો" ઊભો હતો. તેના મોંઢામાંથી લોહી નીકળતું હતું. કપડાં ફાટી ગયાં હતાં. તેના હાથમાં એક બોક્સ હતું. અને કરૂણા તેમજ વ્હાલભરી નજરે તે પોતાની સામે જોઈ રહ્યો હતો.
"તમે બેટા કહ્યું..? આઈ મીન, મને કહ્યું..? " ચરિત્રા આશ્ચર્યચકિત થઈને તેને જોઈ રહી.
"હાં દીકરી...! તને જ બેટા કહ્યું..." ધ્રૂજતા અવાજે તે બોલ્યો.
"પણ તમે તો રોજ... મારી સામે....- " એટલું બોલીને ચરિત્રા અટકી ગઈ. તેને શું બોલવું તે કંઈ જ સમજાયું નહીં.
"હા દીકરા... હું તને રોજ એકી નજરે જોઈ રહેતો હતો..." ચરિત્રાની વાતને પૂરી કરતાં પ્રૌઢે કહ્યું. " તને કેમ જોઈ રહેતો હતો એ પણ કહું બેટા. મારે પણ અેકની એક દીકરી હતી. અદ્દલ તારા જેવી જ. અમે વૃદ્ધ દંપતી એકમાત્ર તેના જ આધારે જીવતાં હતાં. મારી એ દીકરી એક ફેક્ટરીમાં કામ કરીને અમારા ત્રણેયનું ભરણપોષણ કરતી હતી.."
ચરિત્રા અવાક્ બનીને તેને જોઈ જ રહી. પ્રૌઢે આગળ વાત કરતાં કહ્યું. "મારી પત્ની ભયંકર કેન્સરથી પીડાતી હતી. હું એક કંપનીમાં નોકરી કરતો હતો. અચાનક કંપની બંધ થઈ ગઈ. ફંડ વગેરે બચત અને થોડી બીજી રકમ આપીને માલિકે વર્કરોને છૂટા કર્યા. એ બધી જ રકમ તેની સારવારમાં ખર્ચાઈ ગઈ. અમારું મકાન પણ વેચી નાંખવું પડ્યું. પરંતુ મારી પત્ની ન બચી શકી.
મારી દીકરી ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી. તેને ક્લાસ વન અધિકારી બનવાની હોંશ હતી. પરંતુ ઘરની આર્થિક સંકડામણે તેનાં સપનાંને રોળી નાંખ્યાં. કૉલેજના પ્રથમ વર્ષમાં બે મહિના ગયા બાદ તેણે અભ્યાસ છોડી દીધો. મારી ના હોવા છતાં તે એક ફેક્ટરીમાં નોકરી કરવા લાગી. ઘરમાં મદદ કરવા તે તનતોડ મહેનત કરતી હતી. પરંતુ..." એટલું બોલતાં તેમનો સ્વર રૂંધાણો.
"અંકલ..." કહેતી નજીક જઈને ચરિત્રાએ તેમને ટેકો આપ્યો.
"હું ઠીક છું બેટા.." ખોંખારો ખાઈને ગળું સાફ કરતાં પ્રૌઢે સ્વસ્થ થતાં કહ્યું, "પરંતુ એની માઁ ના મૃત્યુએ તેને હચમચાવી નાંખી. વહાલસોયી જનેતાના મોતનો આઘાત તે જીરવી ન શકી. અને પાંચમા દીવસે તે પણ મને છોડીને કાયમ માટે ઈશ્વરના દરબારમાં પહોંચી ગઈ."
આટલું કહેતાં તો પ્રૌઢની આંખો આંસુથી ઊભરાવા લાગી. ચરિત્રાની આંખે પણ અશ્રુધારા વહેવા લાગી હતી.
"પછી ... " વળી પાછું ગળું ખંખેરીને પ્રૌઢે કહ્યું, "પછી તો મારી દુનિયા ઉજડી ગઈ બેટા. હું ગાંડા જેવો થઈ ગયો. મકાનમાલિકે પણ ભાડાનું મકાન ખાલી કરાવી દીધું. મારું હવે આ દુનિયામાં કોઈ જ નહોતું. જાઉં તો ક્યાં જાઉં..? બે વાર મરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ભગવાનને એ પણ મંજૂર નહોતું. પછી થોડા દિવસો શહેરમાં ભટક્યા બાદ નદીના પુલના એક છેડે, નીચે ખૂણામાં મેં મારું રહેઠાણ બનાવ્યું. મને મનમાં ઊંડે ઊંડે એવું થતું હતું કે મારી દીકરી ક્યાંક ને ક્યાંક ફરીથી મને જરૂર મળશે જ. એની રાહમાં, જ્યાં ત્યાં ભીખ માંગીને હું મારા જીવનને ટકાવી રહ્યો હતો.
ત્યાં તો એક દિવસ તને જોઈ. મારા આનંદનો પાર ન રહ્યો. મારી દીકરીના જુડવા અવતાર જેવી જ..." એમ કહીને તેણે ગજવામાંથી ચૂંથાઈ ગયેલો એક ફોટો કાઢીને ચરિત્રાને બતાવ્યો.
"ઓહ માય ગૉડ..." પોતાનો જ ફોટો જોઈને ચરિત્રાના મોંઢેથી દુ:ખભર્યો ઉદ્ગાર નીકળી ગયો.
"એનેય સુતરફેણી ખૂબ જ ભાવતી. બે-ત્રણ દિવસ પહેલાં તારા મોંઢેથી પણ સુતરફેણીની વાત સાંભળીને હું ખૂબ રાજી થયો. અને જાતે સુરત જઈને મારા હાથે આ સુતરફેણી ખરીદી લાવ્યો છું બેટા. તારા માટે..." એમ કહીને તેમણે ચરિત્રાને બોક્સ ધર્યું.
ચરિત્રાએ બોક્સ ખોલીને જોયું તો સાચે જ સુરતની ઑરિજીનલ સુતરફેણી હતી. તેનું હૈયું પોતે કરેલી ભૂલ બદલ ચિત્કારી ઉઠ્યું. અને "અંકલ... મને માફ કરી દો..." કહીને પગમાં પડીને રડવા લાગી.
"હું તમને સમજી ન શકી અંકલ... આઈ એમ વેરી સોરી અંકલ.. પ્લીઝ મને માફ કરી દો.. મેં બઉ જ મોટી ભૂલ કરી છે.. હું તમારી ગૂનેગાર છું અંકલ... મને માફ કરી દો.. મને માફ કરી દો..." ચરિત્રા જમીન પર ફસડાઈ પડીને બંધ આંખે રડતાં રડતાં પ્રૌઢની માફી માંગી રહી હતી.
ત્યાં તો કોઈ વાહનની બ્રેક લાગતાં ટાયર ઘસડાવાનો અવાજ સંભળાયો. ચરિત્રાએ ચમકીને આંખો ખોલી. તો પેલા અંકલ ત્યાં નહોતા. તેણે રોડ પર નજર કરી. એ સાથે જ "અંકલ..." એવી મોટેથી રાડ નાંખતી દોડી.
ચરિત્રા રડીને માફી માંગી રહી હતી ત્યારે, પોતાને કારણે તેને વધારે શરમ ન અનુભવવી પડે એમ વિચારીને પેલા અંકલ કાયમ માટે અહીંથી દૂર જતા રહેવાના નિશ્ચય સાથે ત્યાંથી ચૂપચાપ ચાલી નીકળ્યા. રોડ પર પહોંચ્યાં ત્યાં તો કોઈ માતેલ સાંઢ જેવી ટ્રકે તેમને અડફેટે લીધા હતા.
ટ્રકવાળો તો ભાગી ગયો. ચરિત્રાએ જઈને જોયું તો અંકલ ફંગોળાઈને દૂર પડ્યા હતા. ટ્રકના એક જ ફટકે તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. એમની અધખૂલ્લી મૂઠ્ઠીમાં રહેલા ફોટામાં એમની દીકરી મરક મરક હસી રહી હતી.
હાથમાં રહેલા સુતરફેણીના બોક્સ સાથે દોડી આવેલી ચરિત્રાએ આ દ્રશ્ય જોયું. અને અનાયાસે જ પડાઈ ગયેલી "બાપુજી..." એવી પોક સાથે માથું કૂટતી તેણે પોતાની "બેશરમ" નજરને નીચી ઢાળી દીધી.
(સમાપ્ત)
****************
- "નિસર્ગ" 🍁🍁🍁