સપ્ત-કોણ...? - 16 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપ્ત-કોણ...? - 16

ભાગ - ૧૬

હવે ચોંકવાનો વારો કલ્યાણીદેવી અને રાણાસાહેબ બંનેનો હતો.....

"આ કેવી રીતે શક્ય બને? એક જ સરખી દેખાતી બે વસ્તુઓનું એક જ સમયે બે અલગ સ્થળે હોવું. પહેલાં એ અરીસો અને હવે આ ઝૂમકું. .!" કલ્યાણીદેવીના મનમાં ઘોળાતો પ્રશ્ન હોઠે આવ્યો.

"હું પણ એ જ વિચારી રહ્યો છું, તમે જણાવ્યું એમ અરીસા તો બે જ હતા તો આ ત્રીજો ક્યાંથી આવ્યો અને હવે આ ઝૂમકું. ... સાલું કાંઈ સમજાતું નથી." રાણાસાહેબ પણ માથું ખંજવાળવા લાગ્યા.

"હું પરણીને આવી ત્યારે મારા સાસુએ મને આ ઝૂમકાની જોડી ભેટ આપેલ અને એમણે મારી પાસે વચન લીધું કે જો મારે બે દીકરા હોય તો એ જોડી મારે મારી નાની વહુને ભેટ આપવી, એટલે એ જોડી મેં ઈશ્વાને ભેટરૂપે આપી હતી પણ અગાઉ જણાવ્યું એમ એણે મને એ બોક્સ પાછું સોંપ્યું અને મેં મારી પાસે મુકી દીધું અને હા સાહેબ, એ ઝૂમકાની અંદરની તરફ અમારી ખાનદાની નિશાનીરૂપ નાનકડું સ્વસ્તિક પણ બનાવેલું છે તો આમાં પણ છે કે નહીં એ જોઈ લઈએ." કલ્યાણીદેવી એ જોવા થોડા ઉત્સુક થઈ ગયા.

રાણાસાહેબે એ તૂટેલું ઝૂમકું ઊંધુ કરી હથેળીમાં મૂક્યું અને પોતાના ખિસ્સામાં રહેલી પેનના ઢાંકણાનો ઉપરનો ભાગ ખોલ્યો જે એક મેગ્નિફાઈંગ ગ્લાસ હતો એનાથી ઝીણવટભરી નજરે જોવા લાગ્યા.

"બા સાહેબ, આ જુઓ, અહીં નાનકડું સ્વસ્તિક કોતરેલું છે." કલ્યાણીદેવીના હાથમાં ઝૂમકું અને મેગ્નીફાઈંગ ગ્લાસ મુક્યા એટલે જાણે આતુરતાનો અંત આવ્યો હોય એમ એ પણ ઝીણી નજરે જોવા લાગ્યા.

"રાણાસાહેબ, ઝૂમકું તો આપણું ખાનદાની અને રજવાડી જોડીમાનું જ એક છે, પરંતુ, રાતોરાત એ જામનગરની અમારી હવેલીમાંથી અહીં માનગઢ સુધી કેવીરીતે, ક્યારે...?" આગળના પ્રશ્નો કલ્યાણીદેવીના ગળામાં જ અટવાઈ ગયા.

"બા સાહેબ, મારે થોડી ઝીણવટભરી તપાસ આદરવી પડશે. આપણી જરાક અમથી નજરચૂક ક્યાંક આપણને જ ભારે ન પડે. . કહેવાય છે ને કે 'નજર હટી, દુર્ઘટના ઘટી, .. મારે જાતે જઈને આસપાસ તપાસ કરવી પડશે. આમેય આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય, અમુક કામ આપણે જાતે જ કરવા પડે, કોઈના પર ભરોસો ન કરાય.." કલ્યાણીદેવી પાસેથી એ ઝૂમકાનો તૂટેલો ટુકડો લઈ રાણાસાહેબે એને સાચવીને ઝિપલોકવાળી નાનકડી પોલીથીન બેગમાં મુક્યો.

@@@@

આખો દિવસ શ્રીધર ગુમસુમ બેસી રહ્યો, કોઈ કામમાં એનું ચિત્ત નહોતું લાગતું. રોટી, કપડાં અને મકાનની જરૂરિયાત સમાન ચિત્રકારીમાં પણ એનું મન ન પરોવાયું. જેવો એ રંગ અને પીંછી લઈ કઈંક ચિતરવા બેસતો તો એની આંખો સામે માલિનીનો ચહેરો આવી જતો. એની હરણી જેવી ભોળી આંખો, લહેરોની માફક લહેરાતા સુંવાળા, રેશમી, કાળા વાળ, ગોરા ગાલો પર ઉપસી આવેલી ગુલાબી આભા, ચુંબકીય તરંગો એને માલિની તરફ ખેંચી રહ્યા હતા. બંધ આંખે પણ એના જ વિચારો મનમસ્તિષ્ક પર છવાઈ ગયા હતા.

"ભાઈ, દિનારે યાના, સબાઈ અપાનારા જન્યા અપેક્ષા કરાછે.." શિમોનીએ આવીને ઢંઢોળીને શ્રીધરને તંદ્રામાંથી જગાડ્યો અને એ ચુપચાપ ઉભો થઈને શિમોનીની પાછળ જમવા જતો રહ્યો. કેટલું જમ્યો, શું જમ્યો, કેટલો સમય વીત્યો એનો પણ એને ખ્યાલ ન રહ્યો.

"તોમાર મનોયોગા કોઠાયા? ધ્યાન ક્યાં છે તારું?" દેબાશિષબાબુએ ઝીણી ત્રાડ પાડી પણ એની શ્રીધર પર કોઈ અસર ન થતી જોઈ એમણે થાળી પછાડી એટલે શ્રીધરે એમના તરફ જોયું.

"કેના દુબારા... પૂછવું પડે છે?" આજ સુધી આંખોની ભાષા સમજતા મારા પરિવારજનો માટે મારે આજે હોઠ ખોલવા પડ્યા. આજ અમારા ઠોમતા ખુલાતે હાલો.." થાળી ખસેડી પાસે રહેલા પાનદાનીમાંથી એક પાન લઈ ગલોફામાં મુકી, હાથ ધોઈ, ધોતિયાના છેડે લુછીને ઉભા થયા, "અમારા સાથે યેસો. ." શ્રીધરને પોતાની સાથે આવવાનો આદેશ આપી પોતાના ઓરડામાં જવા પગ ઉપાડ્યા અને એમની સાથે શ્રીધરે પણ...

@@@@

"રઘુકાકા, તમારી તબિયત તો સારી છે ને? જ્યારથી અમે માનગઢથી પાછા આવ્યા છીએ ત્યારથી તમને ક્યાંક ખોવાયેલા જોઉં છું, ચિંતામાં હોવ એમ લાગે છે. કોઈ પ્રોબ્લેમ તો નથી ને?" ઊર્મિ રસોડામાં નાસ્તાની પ્લેટ્સ મુકવા ગઈ ત્યારે રઘુકાકાને એકલા ઉભેલા અને ઊંડા વિચારોમાં ખોવાયેલા જોઈ એણે પૂછ્યું.

"ના.... હા. .. એમ... તબિયત તો સારી છે વહુબેટા, બે દિવસ તાવ આવ્યો હતો એટલે થોડી કમજોરી છે પણ સંતુએ મારી ખુબ સેવા કરી છે, હવે હું હાજોનરવો છું."

"તમે આરામ કરો કાકા, આટલાં વર્ષો તમે આ હવેલી અને પરિવારની સેવામાં ખર્ચી નાખ્યા છે હવે તમે થોડા દિવસ આરામ કરો અથવા ક્યાંક જાત્રાએ જતા રહો. હું પરણીને આવી એ દિવસથી મેં તમને પગ વાળીને બેઠેલા નથી જોયા, તમારા હાથે બનાવેલી ચા થી તો અમારી સવાર પડે છે. સાચું કહું તો માનગઢમાં તમારા હાથની ચા બહુ જ મિસ કરી. તમારી બનાવેલી ચા આગળ તો દુનિયાની બધી ચા ફીકી પડે. આખો દિવસ હવેલીનું નાનું મોટુ દરેક કામ તમે કર્યું છે. સારા નરસા પ્રસંગોએ પણ તમે દરેકને સાચવ્યા છે. અમારા સંતાનો અને અમારા સાસુમાના સંતાનો અમારા કરતાં તમારા વધુ હેવાયા છે. ક્યારેક કોઈ ચીજ વસ્તુ આડીઅવળી ક્યાંક મુકાઈ ગઈ તો તો અમારું આવી બને, કૌશલ તો એમ જ કહે કે 'તારું કામ નથી, રઘુકાકા ચપટી વગાડતાં શોધી આપશે, એમને બોલાવ,' કાકા, તમે તો આ હવેલીનું ધબકતું જીવન છો. કોઈ મુશ્કેલી હોય તો દીકરી માની નિસંકોચ જણાવજો." ઊર્મિ ખાલી પ્લેટ્સ મુકી બહાર આવી અને કોઈ જુએ નહીં એમ આંખો લુછી મોઢા પર સ્મિત સાથે હોલમાં આવી અર્પિતા પાસે બેસી ગઈ.

"મમ્મીજી કે વ્યોમભાઈનો કોઈ ફોન, ઈશ્વાના કોઈ ખબર અર્પિતા?"

"ના ભાભી, હું પણ રાહ જોઈ રહી છું. ખબર નહીં આપણા પરિવાર માથે કેવી કાળ વાદળી છવાઈ છે, કઈ પનોતી બેઠી છે. વ્યોમ અને ઈશ્વાએ નાનપણથી સાથે વાવેલા સપનાના બીજ હજી અંકુરિત થાય એ પહેલાં જ રાખ થઈ ગયા, વર્ષોનો સાથ આમ પળવારમાં છૂટો પડી ગયો." ક્યારનું હૈયામાં સંઘરી રાખેલું રુદન આંખેથી વહેવા લાગ્યું અને બંને સ્ત્રીઓ એકમેકને વળગીને રોવા માંડી.

"મમ્મા, ફોઈ, તમે રડો નહીં, ઈશુકાકી મળી જશે. પ્લીઝ તમે નહીં રડો. અમને પણ એમના વગર નથી ગમતું, કૃતિ પણ મારી સાથે નથી રમતી, એ પણ સેડ સેડ બેઠી છે." પાર્થિવની વાત સાંભળી બંનેએ આંખો અને ગાલ સાફ કર્યા અને બહાર લોનમાં આવી હીંચકામાં બેઠેલી કૃતિ પાસે આવીને ઉભી રહી અને જોયું તો રમતિયાળ અને વાચાળ કૃતિ ગુમસુમ બેઠી આકાશને તાકી રહી હતી, નજીક જઈ અર્પિતાએ એને હૈયાસરસી ચાંપી લીધી.

"ઈશ્વાના ગાયબ થવાની ઘટનાએ બાળકોનું સ્મિત, એમની નાદાનિયત, ચંચલતા બધું જ છીનવી લીધું છે. આખો દીવસ ઘરમાં ધમાચકડી મચાવતા બેય બાળકોના અવાજની ગેરહાજરી સાલે છે, કાળજું કપાય છે એમના ઉદાસ ચહેરા જોઈને."

"પાર્થિવ, કૃતિ, ચાલો આપણે ચારેય બોર્ડગેમ રમીએ. આમ રડીને કે સેડ થઈને રહેશું એ ઈશ્વાને નહીં ગમે, એ પાછી આવશે અને એને ખબર પડશે કે એ નહોતી તો તમે બંને આમ રડતા હતા તો તમારી જોડે અમનેય તતડાવી નાખશે. ચાલો જોઈએ, થોડીવાર રમીએ એટલે તમારી સાથે અમે પણ ફ્રેશ થઈ જશું." ઉર્મિએ કૃતિને તેડી લીધી અને એની સાથે અર્પિતા અને પાર્થિવ પણ અંદર ગયા, બોર્ડગેમ લેવા પાર્થિવ દોડતો પોતાના રૂમમાં ગયો અને પાંચેક મિનિટ પછી એની ચીસ સંભળાઈ...

"મમ્મી....ઇઇઇઇ...."

"પા....ર્થિવ...." કહેતા જ ઊર્મિ અને અર્પિતાએ એના રૂમ તરફ દોટ મુકી....

ક્રમશ: