સપ્ત-કોણ...? - 17 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપ્ત-કોણ...? - 17

ભાગ -૧૭

"મમ્મી....ઇઇઇઇ...."

"પા....ર્થિવ...." કહેતા જ ઊર્મિ અને અર્પિતાએ એના રૂમ તરફ દોટ મુકી....

"શું થયું બેટા.... આમ બેડ પર ઉછળે છે શા માટે?" અર્પિતાએ રૂમમાં ધસતા જ પાર્થિવને બેડ પર કુદકા મારતા જોયો.

"પાર્થિવ.... શું છે આ, અહીંયા એક મિનિટમાં અમને કેટલું ટેંશન થઈ ગયું એનું તને કાઈ ભાનબાન છે કે નહીં, આવી મસ્તી કરવાની?" ઉર્મિએ એનો કાન પકડી હળવેથી આમળ્યો.

"અ. ....રે..... મમ્મી, હું મસ્તી નથી કરી રહ્યો, આઈ એમ સિરિયસ, જુઓ.... ત્યાં. .. કોક્રોચ. ...છે. ..." કહી ફરીથી બેડ પર ઉછળવા લાગ્યો.

"કો.....કો....કોક્રોચ. .... મમ્મી....ઇઇઇઇઇઇ....." અર્પિતા પણ બેડ પર ચડી ગઈ.

"શું ગાંડા કાઢો છો બેય.... ક્યાં છે કોક્રોચ, બતાડ મને, અર્પિતા... આજે સવારથી એને કોઈ મળ્યું નથી ને, એટલે નાસ્તોય હજમ નહીં થયો હોય એનો.. તારો વારો પાડી દીધો.." ઉર્મિ ખડખડાટ હસવા લાગી.

"ભા...ભી...., ત્યાં જુઓ.. તમારી પાછળ.. ભીંતની કિનારીએ... આવડો મોટો, મૂછાળો... જુઓ, એની મૂંછ કેવી હલી રહી છે." અર્પિતા પગ સંકોરીને બેડ પર બેસી ગઈ.

"એ.....એ.........છુ. ....જા.......અઅઅઅઅ..... આઘો જા.....એ....." ઉર્મિ ધડ કરતીક બેડ પર બેઠી અને પગ ઉંચા લઈ લીધા.

"હા...હા...હા...હા. ..." કૃતિ આ બધો તમાશો જોતી દરવાજામાં ઉભી હસી રહી હતી.

"દરવાજે ઉભી ઉભી દાંત શું કાઢે છે? જા, જઈને સંતુને બોલાવ. જલ્દી.... જ...લ્દી... જા....આ......." કૃતિનો ઊધડો લેતા અર્પિતા ઉશ્કેરાઈ ગઈ.

"શું તમે પણ....? આટલા નાનકડા, આવડા અમથા કોક્રોચથી ડરો છો. આટલું જીવડું આપણું શું બગાડી લેવાનું અને મને એકવાર નાનીએ કીધું હતું કે ડરનો સામનો કરવાથી ડર ભાગી જાય. ડર કે આગે જીત હૈ. ..."

"એ.... ચિબાવલી, લેક્ચર પછી આપજે પહેલા સંતુને બોલાવ."

કૃતિ દોડીને ગઈ અને સાવરણી લઈને પાછી આવી. આવતાવેત જ એને ઘડીમ... કરતીક સાવરણી કોક્રોચ પર દઈ મારી અને એ નાનકડું જીવડું અચાનક થયેલા વારથી અધમુઉં થઈ ઊંધુ વળીને પડ્યું.

"તદ્દન બાપ પર ગઈ છે. આમ કાંઈ જીવડાને મારી નખાતું હશે?"

"મમ્મી, રિલેક્સ.... જસ્ટ ચિલ. .. આ કાંઈ મર્યું નથી.. જો....હજી મૂછો હલે છે અને કોક્રોચ પણ ..." કૃતિ કોક્રોચને એક હાથે હળવેથી મૂછ પકડીને બે આંગળીઓ વચ્ચે પકડીને ઝુલાવવા લાગી.

"એય..... કૃ. ....તિ. .... આ.... આ....ને.. દૂર કર મારાથી, એક પડશેને ગાલ પર બધી ચાંપલાઈ નીકળી જશે. આઘી રહે મારાથી... આ...ને.... બહાર ફેંકી આવ." અર્પિતાના સ્વરમાં ગુસ્સો અને ડર બંને ભળ્યા.

"હા.....હા.....હા.....હા.....હા...." પાર્થિવની હજી નજીક જઈ કૃતિ કોક્રોચને ઝુલાવવા લાગી, "છોકરો થઈને આટલો બીકણ બિલાડી જેવો છે. .. લે... લે.... પકડ આને, કાંઈ નહીં કરે..."

"ના.... ના..... મારે નથી પકડવો આને.... મમ્મી....ઈઈઈ.. કહે ને કૃતિને..." પાર્થિવનો ચહેરો જોવા જેવો થઈ ગયો.

"સંતુ....ઉ...ઉ.....ઉ...." બને એટલા મોટા અવાજે ઉર્મિએ સાદ પાડ્યો.

"એ.... આવી....ઈઈઈ....." કરતી સંતુ દોડી આવી, "શું થયું ભાભી, આમ બધાય પલંગ માથે ચડીને શેનો દેકારો કરો સો? અને એ છોડી, આ હું સે..?" કૃતિના હાથમાં સળવળતો કોક્રોચ જોઈને સંતુ પણ ડરની મારી ખુરશી પર ચડી ગઈ એટલે કૃતિનું હસવું બંધ થવાને બદલે વધી ગયું અને એ કોક્રોચ ફેંકવા બહાર દોડી ગઈ એટલે બધાના ધબકારા હેઠા પડ્યા અને રાહતનો શ્વાસ લઈ સૌ નિરાંતે બેઠા.

ઘડીભર ઈશ્વા ગાયબ છે એ વાત ભૂલી જઈને સૌ મસ્તીમાં મશગુલ બની બાળકો સાથે બાળક બની ચહેરા પર મહોરું લગાવી થોડીવાર માટે પોતાનું દુઃખ વિસરી જઈ આવેલી પળને આનંદનો અવસર બનાવી દઈ એમાં જોડાઈ ગયા.

@@@@

"અંકલ, ઈ....શ્વા..... આવી?" માનસિક પરિતાપ, અપુરતી ઊંઘ અને અશક્તિને કારણે માંડ માંડ બેઠા થયેલા વ્યોમે ડો. ઉર્વીશની આંખોમાં આંખો પરોવી પ્રશ્ન પૂછ્યો.

"આવી જશે દીકરા, તું આરામ કર. રાણાસાહેબ અને એમની ટીમ પૂરજોશમાં કામે લાગી છે, જલ્દી જ ઈશ્વા મળી જશે અને હવે તો હું અને અમોલ પણ આવી ગયા છીએ, બહુ જ જલ્દી આપણે ઈશ્વાને પાછી લઈ આવશું. લે આ મેડિસિન અને થોડું જમી લેજે દીકરા, ભૂખ્યા પેટે દવાઓ પણ ઝડપથી અસર નહીં કરે." પછી અમોલ તરફ વળી ડો. ઉર્વીશે એને અમુક સૂચનાઓ આપી પોતે બહાર નીકળ્યા.

"મિ. વ્યોમ, કેન વી બી એ ગુડ ફ્રેન્ડ્સ?" ચેર બેડની બાજુમાં ખસેડી અમોલે બેસતા જ વ્યોમનો ખભો દબાવ્યો અને એને ગોળીઓ સાથે પાણીનો ગ્લાસ આપ્યો, "સર પાસેથી તમારા અને ઈશ્વા વિશે ઘણું સાંભળ્યું છે, હમણાં તો હું તમને કોન્ગ્રેચ્યુલેટ પણ નથી કરી શકતો, બટ આઈ વિશ કે ઈશ્વા જલ્દી તમારી લાઈફમાં પાછી આવી જાય અને તમારી મેરિડ લાઈફ હેપી રહે."

"થેન્ક યુ ડો. અમોલ, યુ કેન કોલ મી વ્યોમ, ઓન્લી વ્યોમ, વી આર ફ્રેન્ડ્સ નાઉ." ગોળીઓ ગળ્યા બાદ અમોલના હાથમાં ગ્લાસ પાછો આપ્યો.

"તો તમારે પણ મને અમોલ જ કહેવાનું, નો ડોક્ટર, ઓકે...? અને તમે... તમે પણ શું કામ? તુંકારે જ બોલાવવાનું રાખીએ તો વધુ સારું રહેશે. જે પ્રેમ અને લાગણી તું માં હોય એની મજા તમે માં ન આવે, શું કહો છો. .. આઈ મીન શું કહે છે વ્યોમ...?" બેય એકબીજાનો હાથ પકડી બેય ખડખડાટ હસી પડ્યા, "ધેટ્સ લાઈક માય ફ્રેન્ડ, આમ હસતા રહેવાનું, હસતા હસતા, ચપટી વગાડતા આપણે ઈશ્વાને શોધી લઈશું."

@@@@

"માલિની, માલિની....કોઠાયા તુમિ? કી કરાછો? જાઓ, જલ ભરે દાઓ. . જા કૂવેથી પાણી ભરી આવ, ઝટ પાછી આવજે, એખાના યાઓ..." મામીએ બે ઘડા માલિનીના હાથમાં પકડાવી એને ઘરની બહાર ધકેલી.

એક ઘડો કેડે અને એક ઘડો હાથમાં પકડી માલિની ધીમે ધીમે કુવાની દિશામાં જઈ રહી હતી, એને જતાં જોઈ શ્રીધર પણ એની પાછળ ગયો. ચિન્સુરા ગામથી લગભગ પોણો કિલોમીટર દૂર કૂવો હતો જ્યાં ગામની મહિલાઓ પીવાનું પાણી ભરવા જતી. ગામમાં બીજા બે કુવા હતા પણ એ માત્ર જમીનદારોના પરિવાર માટે હતા, ગામલોકો માટે નહીં. ગામથી કુવા તરફ જતાં વચ્ચે એક સુમસામ કેડી આવતી જ્યાંથી જંગલ તરફ જવાનો રસ્તો ફંટાતો, એ નિર્જન, આવવરુ જગ્યાએ પહોંચીને શ્રીધરે માલિનીને ઉભી રાખી.

"માલિની.... આમિ આપનકે અનેકા પસંદ કરી. તું મને બહુ જ ગમે છે," આડીઅવળી વાત ન કરતા શ્રીધર સીધો મુદ્દા પર જ આવ્યો, "આપાની કિ અમાકે બિયે કરાબેના? શું તું મારી સાથે લગ્ન કરીશ. આમિ તોમાકે સેઈ જહન્નમા ઠેકે મુક્તિ દિતે.... હું તને એ નરકમાંથી મુક્ત કરાવવા માંગુ છું. તારી દયનીય સ્થિતિ જોઈ મારું કાળજું વલોવાય છે." એણે માલિનીનો હાથ પકડી લીધો અને ડરની મારી માલિની હાથ છોડાવી ચુપચાપ પાણી ભરવા માટે પોતાની ઝડપ વધારી.

શ્રીધર એની પાછળ દોડવાની ઝડપે ચાલ્યો અને ફરી એની લગોલગ પહોંચી એની સામે જઈને ઉભો રહ્યો પણ માલિની ફરી એનાથી બચીને આગળ વધી.

"માલિની.... માલિની.... અમારા કથા સોના... મારી વાત તો સાંભળ..."

"બાબુજી, અમાકે છોડી દયો.... હાતા જોરા કરે ભિક્ષા કરી..." બેય ઘડા નીચે મુકી માલિની હાથ જોડી શ્રીધર સામે ઉભી રહી, "કેઉ દેખાલે, તો અમારા સાથે આપનારો કષ્ટ હાબે. મારી સાથે તમને હું કેવી રીતે મુશ્કેલીમાં મુકી શકું. અમાકે યેતે દાઓ.. જવા દો મને," કાકલુદિ કરતી, નીચેથી ઘડા ઉંચકી ફરી આગળ કદમ માંડ્યા.

શ્રીધર હજી એની પાછળ ચાલતો થયો ત્યાં સામેથી આવતા ઘોડાની હણહણાટી સંભળાઈ. જેમ જેમ ઘોડાના ડાબલાનો અવાજ મોટો થતો અને નજીક આવતો સંભળાતો ગયો તેમતેમ શ્રીધર અને માલિનીના હૃદયના ધબકારા તેજ થતા ગયા....


ક્રમશ: