હા, ફેબ્રુઆરી જ હતો એ. અંગ્રેજી love ના મહિનાનું બીજું અઠવાડિયું અને તારીખ હતી 14. ઢળતી સાંજ હતી. થોડી મૂંઝવણ, અદમ્ય ઉત્સાહ અને ધડકતા હૈયે હું, કાકરિયાની પાળે એની રાહ જોઈ રહ્યો હતો.
આમ તો અમે કેટલીય વાર મળ્યાં હતાં. વાતો પણ ઘણી કરી હતી. એકબીજા સાથે આત્મિયતાનો નાતો બંધાઈ ગયો હતો. પરંતુ અમારા સંબંધનું કોઈ નામ નહોતું. છેવટે મેં સાહસ કરીને, અમારા સંબંધને કોઈ નામ આપવાના મનસૂબા સાથે આજે તેને ખાસ મળવા બોલાવી હતી.
કેટલી નિખાલસ હતી એ.! બિલકુલ સહજતાથી જ તેણે 'હા' ભણી દીધી હતી. તેની એ 'હા' રૂપી હિંમત હૈયામાં ભરીને હું અડધા કલાક પહેલાં જ પાળે પહોંચી ગયો હતો. અને ખૂબ જ આતુરતાપૂર્વક એની રાહ જોઈ રહ્યો હતો.
અચાનક મારી નજર, થોડે દૂર ભીડમાં, એક જાણીતા દુપટ્ટા પર પડી. મેં ધારીને જોયું તો ચાલ પણ જાણીતી હતી. અને થોડી નજીક આવતાં વ્યક્તિ પણ જાણીતી જ નીકળી. હા, એ સ્મિતા જ હતી.
"સોરી હોં આદિ, હું થોડી લેટ પડી. તું ક્યારનો આવ્યો હેં.?" આવતાં પહેલાં જ તેણે માફી માંગી લીધી.
"તું લેટ નથી, હું જ વહેલો આવી ગયો હતો." મેં પાળ પરથી ઊભા થતાં કહ્યું, "અને આપણા વચ્ચે આ સોરી-બોરી..-"
"સારું સારું બાબા, નહીં કહું સોરી બસ.?" મારી વાતને વચ્ચેથી જ કાપતાં તે બિલકુલ હળવાશથી બોલી, "તું તો છે જ ઉતાવળો. મને ખબર જ હતી કે તું આવી ગયો હોઈશ. મેં ઘણીય ઉતાવળ કરી, પણ ટ્રાફિકમાં થોડું મોડું...-"
"ભલે થયું મોડું. હજુ સાંજ આથમી તો નથી ગઈ ને !" હવે મેં તેની વાત કાપી, "આ તો ઠીક છે કે તું આવી ગઈ. હું તો આજે આખ્ખી રાત તારી રાહ જોઈને અહીં બેસી રહેત.!"
"સારું સારું હવે વાયડા..!" કહેતાં તે એકદમ હસી પડી. પછી સહેજ ગંભીર થતાં મને પૂછ્યું, "શી વાત હતી આદિ.? અહીં મને ખાસ કેમ બોલાવી.?"
એના સવાલે મારી ધડકનો ખૂબ વધારી દીધી. ઊંડા શ્વાસ લઈને એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતાં મેં કહ્યું, "સ્મિતા, સીધેસીધું જ કહી દઉં કે પછી..-?"
"એક કામ કર આદિ." તેણે મારો હાથ પકડીને ખેંચતાં કહ્યું, "આપણે ચાલતાં ચાલતાં કાંકરિયાનો એક આંટો મારી આવીએ. થોડી આડીઅવળી વાતો કરીએ. પછી તને એમ લાગે કે હવે એ વાત કહેવા જેવી છે, ત્યારે કહેજે, બસ..! ચાલ, ચાલ..!"
"હવે તું બહુ વાયડી ના થા હોં. બેસ અહીંયા.!" કહીને મેં તેનો હાથ ખેંચ્યો. અને મારી બાજુમાં બેસાડી.
થોડીવાર અમે પાળ પર બેસીને એમ જ વાતો કરતાં રહ્યાં. સ્મિતા સાવ નોર્મલ હતી. તેની વાતો, તેનું હસવું, તેની મજાક અને તેની એ જ આત્મિયતા.. બધું જ જેમનું તેમ હતું. પરંતુ મારી અંદર મોટી હલચલ મચી હતી. મારી વાતનો અસ્વીકાર નહીં જ થાય એવો પૂરો વિશ્વાસ હતો. પરંતુ હું એટલો બધો ઉત્સાહિત પણ હતો કે વાત ક્યાંથી શરુ કરવી એ નહોતું સમજાતું.
છેવટે મેં મન મક્કમ કર્યું. અને પાળ પરથી ઊભા થઈને, તેનો હાથ મારા હાથમાં લેતાં કહ્યું, "સ્મિતા, મારી વેલેન્ટાઇન બનીશ.?"
મારી વાત સાંભળીને તે સ્થિર થઈ ગઈ. થોડીક વાર ચૂપચાપ મને જોઈ રહી. પછી હળવે રહીને ગંભીરતાથી બોલી, "ના...!"
એનો જવાબ સાંભળીને મારા તો હોંશ જ ઉડી ગયા. હવે સ્થિર થઈ જવાનો વારો મારો હતો. શું બોલવું એ ઘડીક તો મને સૂઝ્યું જ નહીં. પછી હતી એટલી હિંમત ભેગી કરીને હું એટલું જ બોલી શક્યો, "પણ કેમ..?"
તે હજુય ચૂપ હતી. મને એકી ટસે જોઈ રહી હતી. પછી મારા હાથમાંથી પોતાનો હાથ છોડાવતાં ઊભી થઈ. મારી સામે પીઠ કરીને દૂર નગીનાવાડી તરફ જોઈ રહી.
મારી હાલત બગડી ગઈ હતી. સાલું, આવું બને નહીં. પણ કેમ આવું બન્યું.? એનાં કારણોની ગડમથલ કરતાં હું હળવેથી બોલ્યો, "સ્મિતા..?!?!"
હું આગળ કંઈ બોલું એ પહેલાં તે મારી સામે ફરી અને ખડખડાટ હસી પડી.
"આ શું..?" મારા આશ્ચર્યનો પાર નહોતો. છતાં હું કંઈ જ પૂછ્યા વગર, પ્રશ્નાર્થભરી નજરે તેને તાકી રહ્યો. એ હસતી જ રહી. એટલું હસી કે તેની આંખોમાં આંસું આવી ગયાં.
થોડીવાર પછી શાંત થતાં બોલી, "અરે ઓ અંગ્રેજી બુધ્ધુ.! તારામાં જે ઓરિજિનલ છે એને મુકીને આ અંગ્રેજોના રવાડે ક્યાં ચડ્યો.? સીધી રીતે નથી કહી શકતો કે મારી ઘરવાળી બનીશ.?"
આશ્ચર્યનો આ બીજો ઝટકો મારું જીવતદાન બનીને આવ્યો. અને હું ફરીથી ખિલી ઉઠ્યો. ઉત્સાહમાં ને ઉત્સાહમાં એને ભેટવાનું મન થઈ આવ્યું. અને મારા બન્ને હાથ ફેલાવું એ પહેલાં મારા મનની વાત જાણી લેતાં તે બોલી, "ઓય પાગલ.. કંટ્રોલ.. કંટ્રોલ હોં. તારા ભેળી મનેય માર ખવડાવવી છે અહીંયા.?"
"હા, કંટ્રોલ.. બસ..!" મેં અદબ વાળીને સ્થિર ઊભા રહેતાં કહ્યું, "તેં તો મારો જીવ કાઢી નાંખ્યો'તો ને હમણાં. તારી વાયડાઈ હમણાં ભારે પડી જાત ને.!"
"ઓ પાગલ, એવું ના બોલ હવે.!" તેણે હળવું હસતાં કહ્યું. પછી એકદમ ગંભીર થતાં બોલી, "આદિ, તારા મનની વાત હું ક્યારનીયે જાણું છું. પણ મારે તારા મોંઢે સાંભળવું હતું. હું તારી વેલેન્ટાઇન નહીં, પરંતુ તારી જીંદગી બનવા માંગું છું. તારો શ્વાસ બનીને તારામાં ભળી જવા માંગું છું. આપણા અા અપ્રગટ પ્રેમની લાગણીને માત્ર એક દિવસ કે એક અઠવાડિયા પૂરતી જ નહીં, પરંતુ હરહંમેશ અનુભવવા માગું છું. એને કાયમ જીવવા માગું છું. આપણી સંસ્કૃતિની મર્યાદાઓમાં રહીને તારામાં ઓળઘોળ થઈ જવા માગું છું. આદિ, આ આથમતી સંધ્યાએ તને એટલું જ કહીશ, કે મારા બુધ્ધુ આદિત્યનો ઉજાસ થવા માગું છું. બોલ, તને મંજુર છે.?"
એની વાતોએ મને અવાક્ બનાવી દીધો. એની નિખાલસ અને અવિરત લાગણીઓ સામે મારી લાગણી તો સાવ વામણી પૂરવાર થઈ હતી. છતાં એનાો હાથ પકડીને વચન આપતાં મેં એટલું જ કહ્યું, "સ્મિતા, હું તારા ચહેરા પરનું આ જ સ્મિત હમેશાં બનીને રહીશ. આઈ લવ યુ સ્મિતા.!" કહને મેં તેના હાથને ચૂમી લીધો.
"જો, પાછો બની ગયો ને અંગ્રેજ.?" કહેતાં તેણે ઝટકાથી હાથ ખેંચી લીધો. પછી મારા બન્ને હાથ પકડીને મારી આંખોમાં આંખો પરોવતાં, હળવા સ્મિત સાથે બોલી, "આપણે લવ-બવમાં નથી પડવું આદિ. આપણે તો પ્રેમને જીવવો છે. પ્રેમની એ ડગર પર તારા હાથમાં હાથ રાખીને ચાલતાં જ રહેવું છે આદિ. આ રીતે..." કહીને તેણે મારો હાથ ખેંચીને ચાલવાનો ઈશારો કર્યો.
એની વાતો અને એની લાગણી આગળ હું નતમસ્તક હતો. એક કહ્યાગરા કંથની જેમ મેં અત્યારથી જ તેને અનુસરવાનું શરુ કર્યું. અને એકબીજાના હાથમાં હાથ પરોવીને અમે ચાલતાં ચાલતાં જ કાંકરિયાનો આંટો મારવા નીકળી પડ્યાં.
***************
- "નિસર્ગ" 🍁🍁🍁