અનોખી પ્રેતકથા - 2 મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખી પ્રેતકથા - 2

મેં દરવાજાથી પ્રવેશ કર્યો પણ અંદરનું દ્રશ્ય જોઈ મારાથી ચીસ પડાઈ ગઈ. હું બેહોશ ન થયો એ જ આશ્ચર્ય હતું. મારી સામે જ એક યમદૂત જેવો દેખાતો વ્યક્તિ બીજાં વ્યક્તિને ભઠ્ઠીમાં બાળી રહ્યો હતો, એનાં અંગો કાગળની જેમ બળી રહ્યાં હતાં અને એ ભયાનક ચીસો પાડી રહ્યો હતો.

"બસ. થોભો." મારી પાસે ઉભેલી યુવતી બોલી અને યમદૂત જેવો વ્યક્તિ થોભ્યો. એણે બળતાં વ્યક્તિને પણ એની બાજુમાં ઉભો કર્યો. એ હજું પણ બળતરાની કણસતો હતો.

"શું કર્યું આણે?" યુવતીએ પૂછ્યું.

"નમસ્કાર દેવી. આણે ફોર્મમાં ખોટી વિગતો ભરી." યમદૂત જેવો વ્યક્તિ બોલ્યો.

"એને કહો સાચી વિગતો ભરે. અહીં અસત્ય નહીં ચાલે." એમ કહી એણે મારી સામે જોયું અને આગળ વધવા ઇશારો કર્યો.

"જી દેવી." યમદૂત જેવો વ્યક્તિ બોલ્યો.

"તમે દેવી છો?ક્યા દેવી છો?" મેં પૂછયું.

"હું કોઈ દેવી નથી, માત્ર મારું નામ દેવી છે. બાકી હું બધાં જેવી જ સામાન્ય છું." એ બોલી.

"અહીં પણ ફોર્મ ભરવું પડે છે?"

"હા.. તમારા અમૂક કર્મો અને ઈચ્છાઓ લખવી પડે છે."

"હજી એક સવાલ. પેલાં યમદૂતને કઈ રીતે ખબર પડી કે પેલાં માણસે ખોટી વિગતો ભરી છે?"

"એ યમદૂત નથી. એ પણ આપણાં જેવો જ છે. બસ, એ એનું કામ કરે છે. રહી વાત ખોટી વિગતો ખબર પડવાની તો ફોર્મ પર ખોટી વિગતો ભરો તો મથાળે લાલ લાઈટ થઈ જાય છે જે માત્ર અમને દેખાય છે."

"પણ આમ સીધી સજા. એને પહેલાથી કહેવાયને!"

"ફોર્મ પર સૂચનારૂપે લખ્યું જ હોય છે અને..."

"હેહેહે....ફોર્મ પરની સૂચનાઓ પૃથ્વી પર નથી વાંચતા તો અહીં ક્યાંથી વાંચે કોઈ. મતલબ કે આદત જ નથી ને."

"હું વાત પૂરી કરું! મૌખિક સૂચનાઓ પણ અપાય છે છતાં દાનત. બધું છૂટી જાય પણ દાનત ન છૂટી હોય એટલે સૂચનાઓ અવગણે ને સજા પામે."

"પણ એક મોકો તો અપાયને!"

"ના. અહીં મોકો નથી અપાતો. અહીં સત્ય સિવાય કંઈ જ સ્વીકાર્ય નથી." એણે કડક શબ્દોમાં જણાવ્યું.

"નર્કલોકનાં નિયમો ઘણાં કડક છે."

"આ નર્કલોક નથી."

"તો આ સ્વર્ગલોક પણ ક્યાં છે! નરક જેવી યાતનાઓ તો નર્કલોકમાં જ અપાયને!"

"સ્વર્ગલોક!!!"

"હા. તમને જોઈને લાગ્યું કે આ સ્વર્ગલોક જ હશે પણ નીકળ્યું નર્કલોક."

"આ નથી સ્વર્ગલોક કે નથી નર્કલોક. આ પ્રેતલોક છે. આ લે ફોર્મ ભર. જુઠ્ઠું ના લખતો નહિ તો..."

"હા ખબર છે, કાગળની જેમ બાળશો. પણ ફોર્મ કેમ ભરવાનું? ચિત્રગુપ્તનાં ચોપડે તો બધું લખ્યું હોય છે ને!"

"ચોપડાનો અમને એક્સેસ નથી. કેમ ભરવાનું એ ફોર્મ ભરી લે પછી જણાવું."

મેં ફટાફટ ફોર્મ ભરવાનું શરૂ કર્યું.

"કેટલીવાર લગાડે છે ફોર્મ ભરવામાં?"

"વિચારવા તો દો. કોઈ ઈચ્છા લખવાની રહી ગઈ કે કંઈક ખોટું લખાઈ ગયું તો પેલો યમદૂત સજા આપશે."

મેં ફોર્મ ભરી એને આપ્યું. એણે ધ્યાનથી જોયું અને મેં ચિંતાથી પૂછ્યું,

"લીલી લાઈટ થઈ કે લાલ?"

પહેલાં તો એણે કોઈ જવાબ ન આપ્યો પણ મને વધું ચિંતિત જોતાં હળવાં સ્મિત સાથે કહ્યું, "લીલી"

હું ખુશીથી ઊછળી પડ્યો, "યેસ, યેસ, યેસ. બચી ગયો."

એ ફરી હસી.

"હવે શું કામ હસે છે?" મેં પૂછયું.

"મરેલો માણસ કહે છે કે બચી ગયો એટલે."

"ઠીક છે ઠીક છે. વારંવાર યાદ કરાવવાની જરૂર નથી. સજામાંથી બચી ગયો એટલે કહ્યું." મેં વાત વાળતાં કહ્યું.

"ચાલ હવે આગલાં પડાવે."

"પણ તમે કહ્યું નહીં! ફોર્મ શા માટે ભરાવાય છે?"

"એક તો જીવને ખબર પડે કે એણે આખી જિંદગી શું કર્યું, એની ઈચ્છાઓથી એ વાકેફ થાય અને બીજું એનું વર્ગીકરણ કરવામાં સરળતા થાય અમને."

"વર્ગીકરણ!!!"

"હા. કેમ ચોંક્યા? જીવવિજ્ઞાનમાં વર્ગીકરણ નથી ભણ્યાં શું ડૉક્ટર સાહેબ?"

"હા... પણ તમને કેવી રીતે ખબર પડી કે હું ડૉક્ટર....ભૂલી જ ગયો. મેં જ ફોર્મમાં લખ્યું."

"અમે ફોર્મની વિગતો નથી વાંચી શકતાં."

"કેમ? એક્સેસ નથી?" મેં રમૂજ કરતાં પૂછ્યું.

"ના... એ લિપિ અદ્રશ્ય હોય છે અમારા માટે. એ અદ્રશ્ય લિપિ ઉકેલવી પણ વર્જિત છે અમારી માટે, ઍન્ડ ઈટ્સ નૉટ ધ પાર્ટ ઑફ અવર જૉબ."

"એટલે તમે અહીં જોબ કરો છો? બીજી કોઈ જગ્યા ન મળી જૉબ કરવા!"

"હા જૉબ કરું છું ને અહીં જૉબ કરવામાં ખોટું શું છે! ખબર છે અહીં જૉબ મેળવવી કેટલી હાર્ડ છે."

"પૃથ્વી પર પણ ક્યાં ઈઝી છે જૉબ કરવી."

"ત્યાંના કરતાં પણ હાર્ડ."

"ડોન્ટ માઈન્ડ પણ તમારી ઉંમર કેટલી હશે?"

"કેમ? શું કામ છે તારે મારી ઉંમરનું? ઈટ્સ આ બેડ મેનર્સ ટુ આસ્ક આ લેડી હર ઍજ, ભલે એ પ્રેત હોય." એ ગુસ્સામાં બોલી.

"સૉરી...સૉરી... દેવીજી. મેં તો એમ જ પૂછ્યું. એક્ચ્યુલી જૉબની ઍજ લિમિટ જાણવા. તમારે ન કહેવું હોય તો કંઈ નહીં. અહીંના નિયમો અલગ છે એટલે મને એમ કે કંઇ પણ પૂછી શકાય."

"કંઈ પણ ન પૂછાય. હમણાં બધું પૂછ પૂછ ના કર. હેડ પ્રેત તને ગાઈડલાઈન્સની બુક આપશે એ વાંચી લે જે."

"ગાઈડલાઈન્સની બુક!!!" મેં આશ્ચર્યથી પૂછ્યું. એણે મને ફરી ગુસ્સામાં જોયું. એનાં ચહેરાએ રતાશ પકડી.

(ક્રમશઃ)